સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ/પરીની શોધ

From Ekatra Wiki
Revision as of 11:39, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નાનકડી લીલાને તેની માએ એક પરીની વાત કહી. જંદિગીમાં પહેલી જ વાર લીલાએ પરીનું નામ સાંભળ્યું. પછી તો આખી રાત લીલાને પરીના જ વિચાર આવ્યા કરે! સવાર પડતાં પહેલાં તો તેણે નિશ્ચય કર્યો કે, ‘ગમે તેમ કરીને પરીને જોવી તો છે જ; ઘરમાંથી પરવારીને, નિશાળમાંથી ગાબડી મારીને પણ આજે પરીને શોધવી તો ખરી જ.’ આજે લીલા બહુ જ આનંદમાં હતી. મા જ્યારે તેને ઉઠાડવા આવી ત્યારે લીલાએ તેના ગળાની આસપાસ પોતાના નાનકડા હાથ વીંટાળી દઈને માના હોઠ ઉપર ગાઢ પ્રેમથી એક ચુંબન કર્યું. લીલા કેવી આંધળી! તેના પોતાના જ ચુંબનમાં રહેલી, ગુલાબનાં ફૂલની પાંખડી જેવી પાંખોવાળી પરીને તેણે જોઈ જ નહિ! પછી લીલા પોતાના નાના ભાઈ શિરીષના પારણા આગળ ગઈ; એ તો હજી ઊઘતો હતો. કોણ જાણે કેમ, જેવી લીલા નીચી વળીને તેના સોનેરી ને વાંકડિયા વાળ ઉપર હાથ ફેરવવા જતી હતી, તે જ ઘડીએ ઊઘતા બાળકે મીઠું સ્મિત કર્યું! અને તોપણ મૂર્ખી લીલાએ બાળકના મધુરા ખંજનમાં પરીઓ ન જોઈ! પરીઓ પણ અકળાઈ ગઈ! આ છોકરીની આંખોમાં જોવાની શકિત આપવી પ્રભુ વીસરી તો નથી ગયો ને! પછી ન્હાઈ-ધોઈને લીલા પોતાની ભાભી પાસે ગઈ. લીલાનો ભાઈ ઘણા દિવસોથી કાંઈ કામ માટે દૂર દેશ ગયો હતો. ભાભી ધોળું લૂગડું પહેરીને બારી આગળ બેઠી હતી. અષાઢ મહિનાનાં વાદળ જેવા તેના કેશ છૂટા હતા, ઘણા દિવસોથી તેમાં તેલ નાંખેલું નહોતું. સૌભાગ્યસૂચક ચિહ્નો સિવાય તેના અંગ ઉપર એક પણ આભૂષણ નહોતું. લીલા એ ઓરડામાં દાખલ થઈ ત્યારે તેની ભાભીની નજર બારીની બહાર દેખાતી સીધી સડક ઉપર હતી. લીલાનો પગરવ સાંભળી તેણે પ્રયત્નથી તે નજર ખેંચી લીધી, તેનાથી અજાણતાં એક નિસાસો નંખાઈ ગયો. અરે! ત્યારે પણ લીલાએ તે નિસાસામાં રહેલી ઘેરા રાખોડી રંગની પરીને ન જોઈ! દુ:ખની, વિયોગની પણ પરીઓ તો હોય જ ને? ખેતરોમાં અને આંબાવાડિયામાં ઘણું રખડીને સાંજે લીલા ઘેર ગઈ. તેણે માને કહ્યું, “મા, મારાથી કેમ પરીઓ દેખાતી નથી?” આ સાંભળી પેલી રાખોડી પાંખવાળી પરી સુધ્ધાં બધી પરીઓ હસી પડી. ખરેખર! આ લીલાની આંખો માત્ર દેખાવમાં જ આટલી સુંદર અને ચંચળ છે, બાકી તો એ બિચારી આંધળી છે. સર્વાનુમતે પરીઓએ એમ નક્કી કર્યું. [‘વિનોદિની નીલકંઠના નિબંધો’ પુસ્તક]