સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/આવાં છમકલાંથી શું વળશે?

From Ekatra Wiki
Revision as of 12:37, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભારતમાં રાજકીય સત્તાથી કાંઈ થવાનું નથી. આ વાત આટલાં વરસોમાં સાબિત થઈ ચૂકી છે. રાજકારણવાળાઓએ અત્યાર સુધી કાંઈ કરી દેખાડયું નથી. લોકોએ જોયું કે કૉંગ્રેસથી કામ નથી થયું એટલે એમને લાગ્યું કે ટોંગ્રેસથી થશે, અને જ્યાં જોયું કે ટોંગ્રેસથી પણ નથી થતું ત્યાં માન્યું કે હવે ફોંગ્રેસથી થશે. આમ કોંગ્રેસ, ટોંગ્રેસ, ફોંગ્રેસ બધાંને એક પછી એક અજમાવી જોયા. પણ કાંઈ નીપજ્યું નહીં. હવે, રાજકારણથી કામ નથી થતું એમ સિદ્ધ થયું છે, તો પછી કઈ શક્તિથી કામ થશે? ભારતમાં જો લોહિયાળ ક્રાંતિથી કામ થતું હોત, તો હું તેને આશીર્વાદ આપત. કારણ કે આજની હાલત કરતાં લોહિયાળ ક્રાંતિને હું બહેતર માનું છું. પરંતુ લોહિયાળ ક્રાંતિને નામે છૂટાંછવાયાં છમકલાં કરવાં, એ મૂર્ખાઈ સિવાય બીજું કશું નથી. હું નક્સલવાડી ગયો હતો. ત્યાંના લોકોને મેં કહ્યું કે તમે તો કેવા બેવકૂફ છો? તીરકામઠાં લઈને ક્રાંતિ કરવા નીકળ્યા છો! પણ આજે તો અણુશસ્ત્રોનો યુગ છે, તેમાં તમારાથી લોહિયાળ ક્રાંતિ થઈ શકવાની નથી. બહુ બહુ તો નાનાં— નાનાં છમકલાં થશે. હા, રાંચી જેવા શહેરમાં રમખાણો થાય અને ચાર લાખની વસ્તીમાંથી બે લાખ કપાઈ જાય, તો પછી બાકી રહેલા બે લાખની વચ્ચે જ જમીન, મકાન વગેરેની વહેંચણી થશે તો તો જાણે બરાબર. પણ હમણાં લખનઉમાં હુલ્લડ થયાં, તો તેમાં માંડ દસ-પંદર માણસ મરાયા. આવી જાતનાં રમખાણથી શો લાભ થાય? હા, જબરદસ્ત આંતરયુદ્ધ થાય અને લોકો જાન પર આવીને લડે, બિહારના પાંચ કરોડમાંથી અઢી કરોડ કપાઈ મરે, ભારતના પચાસ કરોડમાંથી પચીસ કરોડની કતલ થઈ જાય, તો તો સારી વાત ગણાય. તો તો પછી બચેલા લોકોને ભાગે બમણી જમીન, બમણાં મકાન આવશે. પણ આ તો લોકો શું કરે છે? બસ, બે— ચારને જ મારે છે! આ તે શું કોઈ ક્રાંતિ કરવાની રીત છે? અને વળી બીજું શું કરે છે? તો મોટરગાડી, રેલગાડી વગેરેને આગ લગાડે છે. એટલે કે સંપત્તિનો નાશ કરે છે. તેને બદલે સંપત્તિને જાળવી રાખીને મનુષ્યને મારી નાખતા હોત, તો તો સવાલ કાંઈક ઊકલત. પણ આ તો મનુષ્યને બદલે સંપત્તિને ખતમ કરે છે!