સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/ચાલો!

From Ekatra Wiki
Revision as of 07:09, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ચાલો, આપણે ૬૦ લાખ માણસો ભેગા થઈએ.
સશક્ત, નિર્બળ, ધનવાન, નિર્ધન, બાળક, વૃદ્ધ, નર ને નારી બધાં જ,
સૌ કોઈ આ નગરને ખાલી કરી જઈએ;
છોડી દઈએ પાછળ આ ‘સ્ક્વેર ફીટ’નાં સરવાળા અને બાદબાકી
અને પીપળાને ઊગવા દઈશું મહાકાય મકાનોનાં ખંડિયેરોમાં.
મૂકી દઈએ પાછળ સોનારૂપાની માયા, ઝૂંપડાં અને ચીંથરાંની છાયા.
કટાઈ જવા દઈશું મોટર બસોના ઢગલાને કાટમાળ હેઠળ.
સૂમસામ રસ્તા પર ભલે પછી ફરકતી લાલ લીલી પીળી બત્તીઓ.
ભલે પછી ‘ફોરેન ટૂરિસ્ટો’ આલીશાન હોટેલમાં શોધ્યા કરે
એક ભગ્ન શહેરના અવશેષો.
ચાલો, આપણે વીખરાઈ જઈએ
આ વિશાળ ધરતીના પટ ઉપર.
દરેકને લીલું લીલું ઘાસ આપવામાં આવશે આળોટવા માટે.
દરેકને ખુલ્લું આકાશ આપવામાં આવશે આંખોનાં સ્વપ્નો ભરવા માટે.
દરેકને એક નાનું ઘર આપવામાં આવશે—
પ્રેમની ઈંટોથી ચણવા માટે.
દરેકને એક નદી સાથે નાતો આપવામાં આવશે
જેના જળને હોઠ ઉપર મૂકી
અંતિમ સમયે ચેનથી નયન બીડી શકાશે.