સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/‘મૃગયા’નો શંખનાદ

From Ekatra Wiki
Revision as of 07:45, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દિગ્દર્શક મૃણાલ સેનના ચિત્ર ‘મૃગયા’ને ૧૯૭૭ના વર્ષના શ્રેષ્ઠ રાષ્ટ્રીય ચિત્ર તરીકે સ્વર્ણકમલ પ્રાપ્ત થયેલ. તેના નાયક તરીકે કામ કરતા મિથુન ચક્રવર્તીને શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો એવોર્ડ મળ્યો. મૃણાલ સેન સામાજિક અને આર્થિક અસમાનતાની સાથે સાથે રાજકીય શોષણ સામે માથું ઊચકનાર સર્જક છે. ફિલ્મનું માધ્યમ સમાજ-જાગૃતિ માટે છે, એવું ધ્યેય ધરાવનારા ફિલ્મ-સર્જકોમાં મૃણાલ સેનનું સ્થાન અગ્ર હરોળમાં છે. ‘મૃગયા’માં સામાજિક અને રાજકીય શોષણ સામે અવાજ ઉઠાવતા સંથાલ આદિવાસીઓના સંતાપ અને સંઘર્ષની કથા છે. સંથાલ પરગણામાં તાડડાંગા નામનું એક ગામ છે. તે વિસ્તારના આદિવાસીઓનો ઉદ્યમ, તેમની અસહાયતા, અને તેમના અજ્ઞાનની વાતો વણી લઈને ‘મૃગયા’નું નિર્માણ થયું છે. મૃગયા એટલે કે શિકાર. સામાન્ય રીતે પૌરાણિક-મધ્યકાલીન યુગમાં રાજામહારાજાઓ પશુ-પંખીનો શિકાર કરે તે મૃગયા કહેવાતી. મૂળ કથા ઓરિસ્સાના લેખક ભગવતીચરણ પાણિગ્રહીની છે. અંગ્રેજ અમલદારો, જમીનદારો ને શાહુકારો પદદલિત પ્રજા પર જે જુલમો કરે છે તેની દાસ્તાન એમાં રજૂ થઈ છે. છેવટે, તેમાંથી ક્રાંતિ કેવી રીતે જન્મે છે તેની પરાકાષ્ઠાએ પહોંચતી ગૂંથણી છે. ગામના મુખીનો છોકરો તાંબાવર્ણી તબિયતનો જુવાન છે. તે અચૂક નિશાનબાજ છે. તેની નિશાનબાજી પર એક અંગ્રેજ અમલદાર ખુશ છે. બીજી તરફ ખંધો અને વાસનાભૂખ્યો શાહુકાર એક દિવસ એ નિશાનબાજ યુવાનની પત્નીનો ‘શિકાર’ કરવાની બાજી ગોઠવે છે. ભલો છતાં ભડવીર આ યુવાન આથી એવો છંછેડાય છે કે તે શાહુકારનો જ શિકાર કરી નાખે છે અને તેને ફાંસીની સજા થાય છે. જંગલી જાનવરો મહામહેનતે કરેલી ખેતીને ખતમ કરી નાખે છે. બીજી તરફથી જમીનદાર પોતાનો હિસ્સો ઝૂંટવી જાય છે. ત્રીજી તરફથી શાહુકાર પોતાના લેણા પૈસાના બદલામાં પાક ઉઠાવી જાય છે. આ સ્થિતિમાં ખેતી કરનારા ગરીબ પરિશ્રમીઓના હાથમાં શું આવે છે?—માત્ર ભૂખ, માત્ર લાચારી. આ દુર્દશા સામે પડકાર ફેંકવા થોડાક લોકો જંગલોમાં છુપાઈને સરકાર સામે હિંસક આંદોલન ચલાવી રહ્યા છે. પેલો નિશાનબાજ છોકરો ફાંસીએ તો ચડે છે પોતાની પત્નીની લાજ લૂંટનારને ખતમ કરવા માટે, પણ પોતાની પાછળ એક પ્રશ્ન મૂકતો જાય છે કે જંગલી જાનવરોનેય સારા કહેવડાવે એવા મનુષ્યનો શિકાર કરવામાં ખોટું શું છે? એ નરપશુઓ સમાજને વધારે ખેદાનમેદાન કરે છે; તેમને શું કોઈ રોકી શકે નહિ? આ સ્થિતિ સામે સરકાર અને સરકારના કાયદા જનતાને શું રક્ષણ આપે છે? પણ હતાશાવાદ, અનાચાર ને અત્યાચારના આ ઘોર અંધકાર પછી એક દિવસ નવચેતનાનો સૂરજ ઊગશે એવો આશાવાદ મૃણાલ સેન અંતે પ્રગટ કરે છે. ભયમાં અને ભૂખમાં હિજરાતી પીડિત માનવતા કેવી કરપીણ કઠણાઈ ભોગવી રહી છે તે દર્શાવવા માટે મૃણાલ સેને વેધક વાતાવરણ સર્જ્યું છે. તાડડાંગા ગામ તો એક પ્રતીક છે. બાકી, ભારતભરના અજ્ઞાન અને અસહાય પદદલિતોનો આર્તનાદ તેમાં સંભળાવ્યો છે. સમગ્ર ફિલ્મે પ્રેક્ષકના ચિત્ત પર, વિચાર પર, ઊર્મિઓ પર અને સામાજિક આબોહવા પર મંથનની તીવ્ર તરંગાવલિ જગાડી છે. ‘મૃગયા’ મનોરંજનનું ચિત્ર નથી, મનોમંથનનું ચિત્ર છે. આ ફિલ્મમાં દિગ્દર્શક મૃણાલ સેને રુદ્રતાની સાથોસાથ રમ્યતાને પણ રેલાવી છે. જ્યારે પેલો નવયુવાન શિકારી પોતાની અબોધ, મુગ્ધ પત્નીને જંગલ અને પથ્થરની ટેકરીઓ વાટે બીજે ગામ લઈ જાય છે, ત્યારે પત્નીના પાત્રમાં મમતા શંકરનો મૂગી પ્રસન્નતાનો ભાવ, પતિ પ્રત્યેનો ગર્વ અને અહોભાવ, કુતૂહલ વગેરે દ્વારા કલાકારોની અભિનયકલાને દિગ્દર્શકે શિલ્પકારની જેમ કંડારી છે. મિથુન ચક્રવર્તી અને મમતા શંકર બન્ને પહેલી જ વાર ‘મૃગયા’માં ચમકે છે અને જોતાંવેંત જચી જાય છે. પૂનાના ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા ત્યારે મિથુન ચક્રવર્તીનું નામ ‘રાણા રેઝ’ હતું. વિશ્વવિખ્યાત નૃત્યકાર ઉદયશંકર અને એટલી જ ઓજસવતી નર્તિકા અમલા શંકરનું સંતાન એટલે મમતા શંકર. ‘સહ નાવવતુ, સહ નૌ ભુનકતુ, સહ વીર્યમ્ કરવાવહૈ’નો સમૂહ-ધ્વનિ ‘મૃગયા’ના સર્જનમાં શંખનાદ બનીને સંભળાય છે. [‘નવનીત’ માસિક: ૧૯૭૭]