સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુકુમાર મહેતા/‘લડવાડિયા’ની વેદના

From Ekatra Wiki
Revision as of 11:49, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મારા પિતા હરુભાઈ મહેતાની સમાજમાં છાપ ઉદ્દામ, આક્રમક, ગમે ત્યારે ગમે તેની સાથે ઝઘડો કરી બેસે તેવા ‘લડવાડિયા’ની. એડવોકેટ તરીકે, જાણે સામાવાળા વકીલ હોય તેમ પહેલાં પોતાના જ અસીલની ઊલટતપાસ લે. સામે ગમે તેવા મોટા ધારાશાસ્ત્રી હોય—પછી એ પાલખીવાળા હોય કે સોલી સોરાબજી—પપ્પા કોઈની શેહશરમ રાખે નહીં. કોર્ટમાં તેમની સામે દલીલો કરતાં પપ્પાનો અવાજ ઊચો થઈ જાય, ભવાં ચઢી જાય, ફાઇલ કે ‘ઓથોરિટી’નું થોથું ધબ્બ દઈને ટેબલ પર ફેંકાઈ જાય. નીડર સ્પષ્ટ વક્તાની તેમની તડફડવૃત્તિ, રુક્ષ મુદ્રા ને સોંસરવી વાણી. તેમના એ ઉશ્કેરાટની પાછળ રહેલી હતી શોષિત અને પીડિતો માટેની તેમની વેદના. પણ ‘વજ્રાદપિ કઠોરાણિ’ જેવા લાગતા પપ્પાના મૃદુ પાસાનો જ અનુભવ મને તો થયો છે, એમના સ્નેહના સરોવરમાં નહાવા મળ્યું છે. પપ્પા પહેલેથી ‘ચેન-સ્મોકર’: એક સિગારેટ બુઝાઈ નથી ને બીજી સળગાવી નથી. આમ છતાં મારી કે ‘બહેન’ સામે એ કદી ધૂમ્રપાન કરતા નહીં. (મારાં મમ્મી ભારતીબહેનને હું ‘બહેન’ કહું છું.) મેં કે બહેને એમને ભાગ્યે જ—અને તે પણ એમની અજાણતાં જ—સિગારેટ પીતા જોયા છે. મારી પુત્રી પ્રાચી ચાર વર્ષની હતી ત્યારે તેણે એક વાર એમને કહેલું કે, “દાદા, તમારાં કપડાંમાંથી (સિગારેટના ધુમાડાની) બહુ વાસ આવે છે!” બસ, પૌત્રીના એક બોલ પર પ્રેમાળ દાદાએ ધૂમ્રપાન કાયમ માટે છોડી દીધું. [‘સંબંધનાં સરોવર’ પુસ્તક: ૨૦૦૨]