સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુધાબહેન મુનશી/બારેય માસ લીલો મસાલો!

From Ekatra Wiki
Revision as of 12:14, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉનાળામાં લીલો મસાલો મોંઘો થઈ જાય છે કે મળતો પણ નથી. તો શિયાળામાં જ્યારે એ છૂટથી મળતો હોય ત્યારે એને બરાબર સાચવી રાખ્યો હોય, તો બારેય મહિના તેનો લાભ લઈ શકાય. તેની કેટલીક રીતો આ રહી: લીલા મસાલાની વડી: ૨૦૦ ગ્રામ આદુ, ૨૦૦ ગ્રામ લીલાં મરચાં અને ૫૦ ગ્રામ મીઠું વાટીને તેની વડી બનાવી છાંયડે સૂકવવી. સુકાઈ જાય એટલે જડબેસલાક હવાબંધ ડબામાં તેને ભરી રાખવી. પછી દાળ-શાકમાં જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે જરૂર મુજબ વડી કાઢી, થોડા પાણીમાં તેને વાટી નાખીને વાપરવાથી લીલા મસાલાનો સ્વાદ આવશે. લીલા લસણની વડી: ૪૦૦ ગ્રામ લીલું લસણ, ૨૦૦ ગ્રામ કોથમીર, ૧૦૦ ગ્રામ લીલાં મરચાં અને ૫૦ ગ્રામ મીઠું લઈ, વાટીને તેની વડી ઉપર મુજબ બનાવીને જરૂર પડ્યે વાપરવી. કેરીની વડી: બે કિલો કાચી કેરી, ૨૦૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ લીલાં મરચાં, ૧૦૦ ગ્રામ સૂકું લસણ અને ૧૦૦ ગ્રામ મીઠું લેવાં. કેરીને છોલી, છીણી, તેમાં બાકીની વસ્તુ ભેળવી ઉપર મુજબ વડી બનાવીને રાખવી અને જરૂર પડે ત્યારે લીંબુની અવેજીમાં તેનો ઉપયોગ કરવો. આંબલીનો ફોલ: નવી આંબલી આવે ત્યારે સારા મોટા કાતરા લઈ, તેને મીઠાનો હાથ દઈ, ભાંગીને આંબલિયા કાઢી નાખવા. પછી રેસા કાઢીને ૨૦ કિલો આંબલીનો ફોલ હોય તો તેને દોઢ કિલો મીઠામાં રગદોળી બરણીમાં ભરી લેવો, ઉપર મીઠું ભભરાવવું. ગરમ મસાલો: બાર મહિનાનો સામટો ન બનાવવો, કેમ કે તેમાંથી સુગંધ ઊડી જાય છે. ત્રણ-ત્રણ માસ ચાલે તેટલો બનાવતાં રહેવું. [‘રસસુધા’ પુસ્તક]