સમરાંગણ/૧૦ મસલત

From Ekatra Wiki
Revision as of 12:24, 8 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦ મસલત|}} {{Poem2Open}} રાજગઢની ખાનગી મેડી ઉપર તે વખતે ત્રણ જણા બેઠ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦ મસલત

રાજગઢની ખાનગી મેડી ઉપર તે વખતે ત્રણ જણા બેઠા હતા : એક સતો જામ, બીજા જેસો વજીર ને ત્રીજા ખેરડી ગામના લોમો ખુમાણ. “ત્યારે તો મા આશાપરાએ જ મહેર કરીને સુલતાન આપણા હાથમાં સોંપ્યો કહેવાય.” સતા જામને લોમાએ આપેલા નવા સમાચારથી સંતોષની ઊર્મિઓ ઊપડી. લોમા ખુમાણે જામની ઊર્મિઓને વધુ ચાનક ચડાવી : “અને અટાણે તો આકડે મધ, વળી માખિયું વિનાનું, એવો મામલો અમદાવાદમાં મચી ગયો છે. અમીરોની જાદવાસ્થળી ચાલી રહી છે. ઇતમાદખાન તો સુલતાનની જ ગોતમાં રઘવાયો ભમે છે ને લશ્કરો ભેગાં કરીકરી માર ખાય છે. સૈયદ મુબારકનું તો કાટલું કાઢી ​ નાખ્યું. એનો દીકરો સૈયદ મીરાન માર્યો ફરે છે. પણ ગાદીએ બેઠેલો ચંગીઝખાન લોકુંનો ભારે લાડીલો બની બેઠો છે ને!" “સાંભળ્યું છે ખરું.” સતો જામ માહિતી હોવાનો ડોળ કરતા હતા. “એ વાત ખરી. એણે તો આવતાંવેંત જ છોકો બેસાડી દીધો છે. એક તો એક દરબારી મુગલને, કોઈક ગરીબ માણસની છોકરીને ઉપાડી જવાના ગુના બદલ છડેચોક ફાંસીના લાકડા માથે લટકાવી દીધો. લશ્કરમાં ધાક બેસી ગઈ. ને તે પહેલાં ય, કાંકરિયાને કાંઠે પહેલો પડાવ કર્યો, પંદર દિવસ ફોજ પડી રહી, આજુબાજુ લીલાંછમ ખેતરો-વાડીઓ, પણ હુકમ કર્યો કે ખબરદાર જો કોઈનાં ઘોડાંએ ખેડુનું એક લીલું પાંદડુંય બગાડ્યું છે તો. ઠાર જ મારીશ. પંદર દિવસ ફોજ પડી રહી, પણ એક ટીડડું ય જાણે ન બેઠું હોય એવી નિરાંત લઈને ખેડૂતોએ નીંદર કરી. આમ લોકોમાં તો થયો છે વાહ વાહ, પણ એટલા જ કારણસર અમીરોમાં કડવો ઝેર બન્યો છે.” “કાં?” સતા જામનો સવાલ એની બુદ્ધિનો માપક હતો. “અમીરોને જોતું’તું ઓડું. ને આ તો નીકળી પડ્યો પાણીદાર, એટલે હવે તો એને લાવનારો શેરખાન જ પસ્તાય છે.” “આપણે ત્રાગડો સાંધીએ તો?” “એ જ મારી ગણતરી છે. મેં શેરખાનને સંદેશો મોકલ્યો છે, કે જૂના સુલતાનનું ઠેકાણું મારા જાણવામાં છે, જ્યાં છે ત્યાં એ સહીસલામત છે, તમે નવાને ઠેકાણે કરી નાખો તો પછી હું જૂનાના વાવડ દઉં.” “તમે ઉતાવળ કરી, લોમાભાઈ!” જામ સતાએ અણગમો છતો કર્યો. "કાં?” “આપણા બેયના તરફથી કહેવરાવું’તું.” “જોજો જામે મારી કિંમત કરી! મેં શું મારા નામથી જ મોટાઈ ખાટી હશે? મેં તો, જાડેજારાજ, તમને જ આગળ ધર્યા છે. નીકર હું ​ આંહીં આવું શા માટે?” “ત્યારે તો મારી ભૂલ થઈ.” “કાઠીઓનો આપને ઇતબાર કાંઈક ઓછો ખરો ને?” લોમા ખુમાણે ઠેકાણાસર ઘા કર્યો. “હવે, ભાઈ! દરગુજર કરો. પણ હવે પહેલું કામ આપણે જૂનેગઢ જઈ અમીનખાનને હાથ કરવાનું રહે છે.” “એને ય મેં સંદેશો મોકલ્યો છે – એ ય પાછો આપના સેવક તરીકે, હોં!” ખુમાણે પાણી પહેલાં પાળ બાંધી. “ત્યારે તો આપણું ત્રણનું જૂથ નક્કી થયું.” “ગુજરાત આપણી સમજો ને!” “છોકરો તો નહિ છટકે ને?” “એ તો સોરઠની ઈમાનદારી ઉપર ઘેલો બન્યો છે. એને તો કાયમ ફફડતો રાખવાની ચાવી મારી આગળ છે.” “શું?” “ઇતમાદખાનું નામ. ‘એ આવ્યો ઇતમાદ!’ એટલું કહેતાં તો આપઘાત કરવા ઊઠે છે.” “ત્યારે હવે?” “હવે બસ, વાટ જ જોઈએ છીએ. નવો સુલતાન ચંગીઝ ઠાર થયો સાંભળીએ કે ઘોડાં ચાંપીએ.” “કેમ, જેસા વજીર.” જામ સતાએ ત્રીજા મૌન ધારણ કરી બેઠેલા એ વૃદ્ધ તરફ આંખો ઠેરવીને પૂછ્યું : “તમે કેમ કાંઈ બોલતા નથી? તમારું શું ધ્યાન પડે છે?” “આટલું જ.” જેસા વજીરે શાંતિથી કહ્યું : “કે આપણી દાનત એ છોકરાને ખાતર છેલ્લામાં છેલ્લી વાત સુધી ખપી જવાની હોવી જોઈએ. ફક્ત ગુજરાત હાથ કરવાની ગણતરી હશે તો એ છોકરાનું કાસળ નીકળી જશે.” “જેસાભાઈ તો, જામબાપુ,” લોમા ખુમાણે આંખ ત્રાંસી કરી : ​ “સદા ટેકની, નીતિની ને વિશ્વાસની જ વાતો કરતા રહ્યા. વાતવાતમાં, બસ, ખપી જવું – ખપી જવું, ખપી જવા સિવાયની રાજનીતિમાં જેસાભાઈની ચાંચ જ બૂડતી નથી.” “રાજનીતિ!” જેસાભાઈ ખુમાણ સામે હસ્યા. “હવે, જેસા વજીર” જામ સતાએ કહ્યું : “એ નેક ટેક ને ઇમાનદારીની વાત અમ રજપૂતોને માટે રહેવા દિયોને, બાપા!” જામના બોલવાનો વ્ય્ંગ જેસા વજીરને એની હલકી ખવાસ જાત સંભારી આપવાનો હતો. “તો પછી હાંઉં, ધણી!” જેસાભાઈએ શિર નમાવ્યું, “હું તો આપનો ચાકર છું. હુકમ કરો એટલું જ માગું છું.” “શાબાશ તમને, લોમા ખુમાણ! મારો વજીર તો જોગી છે જોગી.” “નગરનાં નગારાં ક્ષત્રિવટે અને જોગે કરીને જ સાબૂત છે ને, જાડેજારાજ!" લોમા ખુમાણે ખોબે ને ધોબે જીભની ખાંડ પીરસી. “હવે, એ છોકરાને આંહીં લાવું?” “ના, દાખડો કરશો મા. હું જ આવીને મળી જઈશ. ને બીજી એક વાત કહું. પેટમાં રાખજો. મારી ઉમેદ તો, બધું પાંસરું ઊતરે ને, તો એ છોકરાને એક જાડેજી કન્યા જ પરણાવી દેવાની છે. પણ અત્યારે જાડેજા કુળ તો ખાલી છે, સગાંસંબંધીમાંથી ગોત કરાવીશ.” “તો તો રંગ રહી જાય.” લોમા ખુમાણે જેસા વજીર તરફ આંખ ત્રાંસી કરી. “વાવડો કઈ દૃશ્યે વળે છે એ જોયા પછી નક્કી કરશું.” “આપને તો એ લા’વો લેવાનો કુળધર્મ મોકળો રાખ્યો છે આપના વડવાઓએ. અમારાથી કાઠીઓથી થોડો લાભ લેવાય તેમ છે? આપના પૂર્વજો રાજનીતિના સાચા જાણભેદુ હતા. અમે તો ઢોરાં ચારવામાં જ રહી ગયા.” લોમા ખુમાણે સતા જામને ફુલાવી ઢોલ કરી મૂક્યા. “અમારો જાડેજાઓનો પણ કુળધર્મ કડક છે!” સતા જામે મૂછ પર હાથ મૂક્યો : “મારી નાખીયેં દીકરીને, પણ અમારાથી ઊતરતા ​ રજપૂતોને દઈયેં નહિ. સુલતાનોને બેશક દઈએ.” “જાડેજાનું ખોરડું તો પડતા આભનો થાંભલો જ છે, જામ-બાપુ! અમે તો જાડેજાથી જ ઊજળા છીએ.” એમ કહીને પછી લોમા ખુમાણે વિદાય લીધી. મહેમાનના ગયા પછી પણ જેસા વજીરનું મૌન હલ્યુંચલ્યું નહિ. સતા જામે કહ્યું : “જેસા વજીર! આમ કરતાં તો તમને વિચારવાયુ ઊપડી જશે. શું ભાંજઘડ કરી રહ્યા છો મનમાં?” “નહિ, અન્નદાતા.” જેસા વજીરે કહ્યું : “બીજું તો કાંઈ નહિ, પણ આપે લોમા ખુમાણની ચાલે ચાલવા જતાં પહેલાં ખૂબ વિચાર કરવા જેવું છે.” “વાત શું કરો છો, વજીર?” જામને આ ચેતવણી પોતાની અક્કલના અપમાન બરાબર લાગી : “હું શું મૂરખ છું, કે કોઈકની મતિએ ચાલું? હું તો લોમા જેવા અઢારને મારી મતિએ ચલાવું, જાણો છો, જેસા વજીર?” “અન્નદાતા,” જેસાએ સહેજ સ્મિત કર્યું : “જાણું છું એટલે જ આપના વિષે આપના અભિપ્રાયથી હું જુદો પડું છું ના?” “મારા વિષે આખી દુનિયાનો ઊંચો મત, હીણો મત એક તમારો જ. તમને હું કોઈ દિવસ ન સંતોષી શક્યો. અભાગ્ય છે મારી!” જામ નાના બાળકની પેઠે બળતરા કાઢવા લાગ્યા. “ખમ કરો, અન્નદાતા. પણ આપનું મન ચોક્કસ નથી રહી શકતું. તે દિવસે દેદાઓની મોકલી ધૂળ મેં સંઘરાવી લીધી. વળતે દિ’ હું એને વિશ્વાસ આપીને નગરમાં તેડી લાવ્યો. મારે તો પાડોશીઓને મજબૂત રાખી નગર ફરતો મિત્રોનો ગઢ બાંધવો હતો. પણ આપે મને ય ખબર પડવા દીધા વગર એ પરોણાઓની કતલ કરાવી નાખી. એ બળતરા હું ક્યાં સંઘરું? તો ય સંઘરીને બેઠો છું. ઉપર જાતે આપનું દિલ દુભાય છે. ખેર, માફ કરો, ધણી છો.” એવું કહીને જેસા વજીરે પણ ઘરની વાટ લીધી. ​ તે પછી જામ પાસે એના કુંવર અજાજીએ આવીને સરાણિયાની છોકરીનો બનેલો મામલો કહી બતાવ્યો. “ઢોંગબોંગ તો નથી કરતી ને?” “નહિ રે નહિ, બાપુ, ઢોંગ આવા હોય કદી? એ જ્યારે બેભાન બને છે ત્યારે આપોઆપ લોબાનનો ધૂપ પ્રગટ્યો લાગે છે. નક્કી. એની સરમાં કોઈક દેવતા આવે છે.” “એણે શું કહ્યું? કોનું રણથળ રચાશે?” “મુંગલા મુંગલા કરતી’તી એ તો.” “મુંગલા તે આંહીં કેવા? દલ્લીના મુગલો બાપડા સોરઠમાં ક્યાંથી આવી શકે?" “આવે કે ન આવે, બાપુ, પણ આપની તલવાર એને બતાવીએ.” “ભલે, કરો ત્યારે રોનક.” વળતા દિવસે દરબારગઢના ચોકમાં સરાણિયાંઓએ સરાણ માંડી. સરાણનાં નેતરાં ખેંચાયાં. ખેંચનારીના બાજુબંધોનાં ફૂમકાં ઝૂલ્યાં, ને એણે ગાણું ઉપાડ્યું : કાટેલી તેગને રે ભરોંસે હું તો ભવ હારી હું તો ભવ હારી. કુંવર અજાજી પિતાની તલવાર લઈને ઉમળકાભેર દોડતા આવ્યા. બાઈએ કુંવરને જોતાંની વાર સરાણ-પટા હેઠા મૂકીને દૂર રહ્યેરહ્યે કુંવરનાં વારણાં લીધાં. પાછી એ રસી તાણવા લાગી. કુંવરે સરાણિયાના હાથમાં એ પહોળા પાનાની લાંબી ને પાતળી સમશેર મૂકી. મ્યાનમાંથી નીકળતી સમશેરે કેટલાય માણસોનાં પ્રતિબિમ્બો રમાડી લીધાં. રત્નજડિત મ્યાનમાંથી બહાર આવતી એ તલવાર ફૂલભર્યા બગીચામાંથી બહાર આવતી રાજકુંવરી જેવી લાગી. “બાપુની સમશેર : મોટા જામ બાપુની સમશેર આ તો!” એવું બોલીને કેટલાક માણસોએ તલવારની ઓળખાણ પાડી. ​ “એમાં તો ભવિષ્યવાણીની શી મણા હશે!” સતા જામની શૂરવીરતાના પ્રશંસક યોદ્ધાઓ ગુપચુપ આવી ભવિષ્ય-વાણી કરતા ઊભા હતા. જુવાન સરાણિયાએ સજવા માંડેલી એ તલવારમાંથી તણખા ન ઊપડ્યા, પણ ઉગ્ર કિકિયાટા સંભળાયા. જાણે સરાણના પથ્થરને કાળી નાગણી રોષે ભરાઈ હસતી હતી. ધગધગતી એ તલવાર જુવાને પોતાની વહુના હાથમાં મૂકી, સ્ત્રી જોવા લાગી, એની આંખો કેવા રંગો, કેવા ભાવો ધારણ કરે છે તે નિહાળવા બધા તલપાપડ ઊભા. શ્વાસ પણ સંભળાતા નહોતા. “રણથળ; એ-નું એ જ રણથળ :” બાઈએ બોલવા માંડ્યું : “અરે ભાગ્યો, રણથળમાંથી ભાગ્યો, શરણાગતને દીધો દગો, દગો, દગો! બેટડા કપાણા ને બાપ બુઢ્‌ઢો ભાગ્યો... હો... હો.. હો... હો...” બાઈના મોંમાંથી અટ્ટહાસ્ય નીકળી પડ્યું ને બાઈ બેહોશ બની. ઊભેલ માણસોનાં મોં શ્યામ બની ગયાં. કુંવર અજો જામ થીજી રહ્યો. ધબ, ધબ, ધબ, મેડીનાં પગથિયાં બોલ્યાં. ઊતરનાર આદમી સતો જામ પોતે જ હતા. એક પણ આંખ એમની સામે ઊંચી ન થઈ. “ડેલે લઈ જાવ આ ત્રણેયને.” જામે ઘેરા રવે હુકમ આપીને પાછાં પગલાં સીડી પર ભર્યાં. તે પછી ત્યાંથી આખો રાજ-સમૂહ ક્યારે વિસર્જન પામી ગયો ને સરાણિયાંને જીવતાં ભોમાં ભંડારી દીધાં કે શું કર્યું તેની ગમ જ ન પડે એવી ત્યાં ચુપકીદી છવાઈ ગઈ. એ ચુપકીદી જાણે મગર હતી. રાજગઢ જાણે નાનું માછલું હતો. સૂનકાર રાજગઢને એ જ સ્થાને હલ્યાચલ્યા વગર ખડો રહ્યો હતો એકલો કિશોર કુંવર અજો જામ. કોઈએ એના પગમાં જાણે મેખો જડી દીધી હતી. “ડેલે! ડેલે લઈ ગયાં! ડેલે!” આટલા જ શબ્દોનો પ્રશ્ન એણે પહેરેગીરોને પૂછ્યો. પહેરેગીરોએ માથાં ધુણાવી હકાર ભણ્યો. ‘ડેલો’ શબ્દ જાણે કે બોલવા જેવો જ નહોતો. ‘ડેલો’ બોલતાં બીક લાગે, ‘ડેલો’ ​સાંભળતાં રોમેરોમે સ્વેદ વળી જાય. ડેલો એક એવું સ્થાન હતું, કે જ્યાં જનારા પરોણાઓ પૃથ્વી પર પાછા નહોતા વળતા. ડેલો એ મોટું કેદખાનું હતું. ઈન્સાફની અદાલતો બેસવાનો એ હજુ સોરઠી સમય નહોતો. ‘ડેલો’ તો હતું રાજશત્રુઓને દળી નાખવાનું વૈરાલય. સરાણિયાની છોકરીએ રાજનો દ્રોહ કર્યો હતો, કેમ કે રાજાના નામ પર એક અણશોભતી ભવિષ્ય-વાણીની બદનામી બેસાડી હતી.