સમરાંગણ/૧૯ વાય મુઝફ્ફરો!

From Ekatra Wiki
Revision as of 12:53, 8 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯ વાય મુઝફ્ફરો!|}} {{Poem2Open}} નવાનગરના આશાપરાના મંદિરમાં એક રોન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૯ વાય મુઝફ્ફરો!

નવાનગરના આશાપરાના મંદિરમાં એક રોનક ચાલ્યું હતું. નહિ પૂરો જોગી કે નહિ પૂરો સંસારી, એવો એક જુવાન ત્યાં મુકામ કરીને રહ્યો ​ હતો – તલવાર-પટાના ખેલ બતાવતો અને બદ્રીકેદારનાં ગિરિશૃંગો સુધીની વાતો કરતો. રાજા સતા જામની કે જેસા વજીરની સવારી દર્શને આવતી ત્યારેત્યારે એ આઘોપાછો થઈ જતો. એની બોલી મીઠી હતી. એનું ખુલ્લું શરીર ત્યાં પ્રસાદી લેવા ટોળે વળતાં છોકરાંઓનું ક્રીડાસ્થાન બની ગયું હતું. એ બીજો કોઈ નહિ પણ તે રાત્રિએ વજીર-ઘરમાંથી નીકળીને નગરમાં ઠેરેલો નાગડો જ હતો. એક દિવસ એના કાન પર ચમક પડી. દેરાની પછવાડેની કિનાર પર નવકુંકરી રમવા બેઠેલા બે બુઢ્‌ઢાઓએ એકબીજાની કાંકરી મારતેમારતે ‘હત જોરારના!’ એ શબ્દ કાઢ્યા. ઉપરાઉપરી અનેક વાર એ બોલ બોલાયા. “આનો માયનો શું છે?” પરદેશી લેખાતા નાગડાએ જાણે કે દેશી સોરઠી બોલી શીખવાની ઊલટ દેખાડી. “ઈ તમારે સમજવાને હજી વાર છે વાર, પરદેશી ભૈયાજી!” ભૈયાજી નાગડાએ આગ્રહ ચાલુ રાખ્યો. પછી એ બુઢ્‌ઢાઓએ માંડીને વાત કરી : “એ તો એમ હતું, ભૈયાજી, કે અમારે આંહીં વજીર બાપુનો એક નાનો છોકરો હતો. ભૂખડી બારશ હતો. જીવતો કોઈ કાળદુકાળ જ જાણે માને પેટ પડ્યો’તો. એક દી નાગમતીને કાંઠે...” એ આખી વાત હાવભાવભેર ચર્ચા બતાવીને ટીખળી બુઢ્‌ઢાઓ બોલ્યા : “આ ત્યારથી અમારે નગરમાં તો કહેવત થઈ પડેલ છે. છોકરો ગેબ થઈ ગયો, માનો ય કાંઈ પત્તો નથી, જામબાપુ ય પોતાનો બોલ વીસરી ગયા હશે, પણ લોકોનાં મોંમાં તો જામબાપુની કહેણી જીવતી રહી ગઈ. પણ, ભૈયાજી, જોજો પાછા તમે ક્યાંક એ બોલી બેસતા નહિ. એ તો કહેવાને ઠેકાણે જ કહેવાય. નીકર ઊંડે ઝાટકા, જાણી લેજો, હોં, ભૈયાજી! ઈ મેણું તો નામરદો જ સાંખે.” “મહેરબાની તમારી, ભૈયા!” એટલું બોલીને નાગડો એ આખી જ કથા સાંભળ્યા પછી સૂનમૂન બની નાગમતીને કિનારે ચાલ્યો ગયો, એક શિલા પર બેઠો. અઢાર વર્ષની કલ્પના-પગદંડીને યાદ કરી. ​ બઢ્‌ઢાઓએ કહેલા ઇતિહાસને નદી-તીર સાથે બંધબેસતો કર્યો. પછી ધીરેધીરે યાદ આવ્યા : બાપ-મા વચ્ચેના અબોલા; પોતાનો પરિત્યાગ; માની શૂન્યતા, માએ મને એ ‘જોરારના’ શબ્દનો મર્મ સમજાવવાને વર્ષો સુધીની વાર જણાવી. આજે એ મારી મા સામી રાજગાળ લોકવાણીમાં વણાઈ ગઈ છે. એનો હિસાબ શી રીતે પતાવું? વળતા દિવસે એણે સતા જામને જોવાનો નિશ્ચય રાખ્યો. રાતનો હરએક ડંકો ને ચોકીદારોનો હરએક ખોંખારો એણે સાંભળ્યા કર્યો. નીંદ ન આવી. પ્રભાતે એણે જામ સતાજીની મુખમુદ્રા દેરામાં ઊભેઊભે નખશિખ નિહાળી. દોટ કાઢું? પટકું? કલેજે ચડી બેસું? પીસી નાખું? જબાન ખેંચી કાઢું? માના કહેલા બોલના બદલામાં ચપટી ધૂળ એના મુખમાં નાખું? નહિ, નહિ નહિ : એ સાચો જવાબ નથી. અપમાનને બદલે અપમાન દઈશ, તો જૂની ગાળ ફક્ત તાજી થશે. વિચાર કરીશ. માએ આટલાં વર્ષો સુધી ધરેલી સબૂરીનો કંઈક ગૂઢાર્થ હોવો જોઈએ. માએ કંઈક કહેવાનું નક્કી કરી રાખ્યું હશે. મા જીવતી હશે તો આવીને ગમ પાડશે, મૃત્યુ પામી હશે તો અંતરની સ્ફુરણા બનીને આતમ-વાણી સંભળાવશે. ગઝબ ગાળ! ઓ મૈયા, તને કેટલી હલકી ગાળ દીધી! ને સુભટ પિતા, વીરોનો ય મહાવીર પિતા સાંખી રહ્યો! નાગમતીના તટની શિલા પર બેસીને એ દિવસ નાગડો જીવનમાં પહેલી વાર રડ્યો. એ આક્રંદમાં ટપકેલાં આંસુ એવડાં તો મોટાં હતાં કે માછલીઓએ જળમાં લીલી ઝીણી અંગૂરો ટપકતી માની મોઢાં ફાડ્યાં. ત્રીજા દિવસે એ રસ્તા પર એક ઝાડની ઓથે ઊભો રહ્યો. અજા કુંવરની સવારીની એને રાહ હતી. સવારીના પાંચ-દસ અસવાર પસાર થયા ત્યારે પોતે ઝાડને થડે શરીર ટેકવીને મૂંગોમૂંગો જ ઊભો રહ્યો. એક દિવસ, બીજો દિવસ, ત્રણેક દિવસ ઉપરાઉપરી કુંવરે આ જુવાનની અબોલ મૂર્તિ ઊભેલી દીઠી. દિવસે દીઠી હોય તો રાત્રે એક સુંદર સ્વપ્ન આવે તેવી એ દેહની શિલ્પ-રચના તો હતી જ. તેમાં હમણાં હમણાં ​ પાછી ફોજની ભરતી કરવાનું કુંવરને સોંપાયું હતું એટલે વજીરની માફક એને પણ વંકાં શરીરોનો શોખ લાગ્યો હતો. ત્રીજે દિવસે કુંવરે ઘોડો થંભાવ્યો. લીંબડાના થડનો ટેકો લઈ ઊભેલ જુવાનને પાસે બોલાવ્યો. પૂછ્યું : “કોણ છો?” “પરદેશી ક્ષત્રિય છું.” “કંઈ માગણી કરવી છે?” “શેર આટાની.” “ફોજમાં રહેશો?” “રાખો તો તો ત્યાં જ રહેવું છે.” “તાલીમ લીધી છે?” “સહેજસાજ લીધી છે, બતાવીશ.” “કાલે સવારે કવાયતના મેદાન પર મળજો.” “કિરપા.” ઘોડો હાંકી જતાં પહેલાં કુંવરે ઊંચે જોયું. લીંબડાને લીંબોળીઓ બેઠી હતી. “ભાણજી દલ!” એણે પોતાના વૃદ્ધ નાયબ-વજીરને બતાવ્યું : “હવે તો આપણે બહુ મોટા થઈ ગયા. લીંબોળિયું ખાવામાં લાજ આવે છે. નાના હતા તે દિ’... ઓહો! સાંભરીને ય દુઃખી થાવું ને?” નિસાસો મૂકીને એ કુંવરે ઘોડો હાંક્યો. એને યાદ આવ્યા હતા, નાગડો ઝાડ પર બેસીને બોકડાગાડીમાં લીંબોળીઓ ફેંકતો તે દિવસો. વળતા દિવસે ‘પરદેશી’ ક્ષત્રિય નામે નોંધાયેલા નાગડાએ પોતાની સમશેરબાજીથી અજા કુંવરને મુગ્ધ કર્યો. એણે દેખાડેલા ખંજર-કટારીના તેમ જ ભાલાના ને મુક્કાબાજીના દાવ તદ્દન નવતર હતા, સોરઠની લશ્કરી કળામાં એક નવાઈ જન્મી. કુંવર પોતે જ તે દિવસથી ‘પરદેશી’ના આ યુદ્ધ-ખેલ અને મુક્કાબાજીના દાવપેચ શીખવા લાગ્યા. શીખતાં શીખતાં વારંવાર કુંવર ‘પરદેશી’ના પંજાને છેડે એક આંગળી છેદાઈ ગઈ હોય તેવું ઠૂંઠું જોઈ રહેતા. ‘પરદેશી’ પ્રારંભ કરતો ત્યારે પૃથ્વી ​ સામો હસ્ત જોડ કરીને મંત્રોચ્ચાર કરતો : जननी जन्मभूमिश्व स्वर्गादपि गरीयसि – આ સ્તોત્ર પણ સૌરાષ્ટ્રમાં નવીન હતું. લશ્કરી સમુદાયમાં ધર્મના પાઠ હાંસીરૂપ બનતા, પણ ‘પરદેશી’ ક્ષત્રિયની યુદ્ધ-વિદ્યામાં અંજાઈ ગયેલા રાજપૂત યોદ્ધાઓ હસવું ભૂલી ગયા. થોડા જ દિવસમાં એનાં કુળ, ગામ, ઠામ, ઠેકાણું ફોજની અંદર તેમ જ ફોજની બહાર પુછાતાં થયાં. એનું વેવિશાળ અનેક પુત્રીઓના પિતાઓ વચ્ચે સરસાઈનો વિષય બન્યું.

એક દિવસ બાપુ સતા જામે કુંવરને તેડાવીને ખબર આપ્યા : “સુલતાન મુઝફ્ફરશાનો કાગળ આવ્યો છે. આપણા રાજ તરફથી એને નજરાણો લઈને સલામ કરવા તમારે જવાનું છે. તમને અને વજીરને મળવા એને મન છે. વજીર તો માંદા જેવા રહે છે. તમે એકલા જઈ આવો. લોમો ખુમાણ તો સુવાંગ લાભ લઈ આવ્યો. આપણને જાણ પણ કરી નહિ. કેમ વિચારમાં પડી જાવ છો?” “હું ન જાઉં તો ન ચાલે?” “શા કારણે ન જવું? વજીર કાંઈ આખો ભવ બેઠા નથી રે’વાના. તેમ હવે એની અક્લ પણ કામ કરતી નથી.” “આપ બાપ દરજ્જે છો. એ ગુરુ દરજ્જે છે. મારે બેમાંથી એકેયની અપકીર્તિ નથી તોળવી. પણ આપની પાસેથી એક કોલ જોઈએ. તે વગર હું અમદાવાદ નહિ જઈ શકું.” “શું?” “કે સુલતાન મુઝફ્ફરશાહની મોહબત બાંધવી હોય તો જીવ્યાથી મૂઆ સુધી નભાવી રાખવી.” “સમય સંજોગો જોઈ વિચારીને જે કરવું ઘટિત લાગે તે કરવું જોવે, કંવર, રાજનીતિમાં તમે પણ વજીરની પાટે બેઠા છો એટલે બાપના બોલ કડવા ઝેર લાગે છે એ હું જાણું છું. પણ ખવાસની રાજબુદ્ધિ છોડીને હવે...” ​ “ખવાસ તો ખરો, પણ સોરઠની સુવિશાળ સાગર-પટ્ટીને માથે આપણા વડવા હાલાજીના નામની છાપ લગાવી દેનારો, મુલક પાથરનારો ખવાસ.” “પાથર્યે માટી થઈ જવાતું નથી ને? સાચવતાં ય જાણવું જોશે. જે બાદશાહી સત્તા હોય તેને નમતા-ભજતા રહેવું જોશે.” “મને તો એ નહિ આવડે.” “ઠીક, અમદાવાદ તો જઈ આવો. પછી ચર્ચા કરી લેશું.” “હુકમ છે એટલે જાઉં છું. પણ કહી મૂકું છું : આપને મારા વચને બાંધવાનો હું અધિકારી નથી ભલે, મારા પોતાના પગને તો હું દહીં-દૂધ બેયમાં નહિ રાખી શકું.” "ઠીક, પડી મૂકો વાત. જોઈએ હવે. હજી એને ઠરીને ઠામ તો બેસવા દઈએ. પછી વિચાર કરશું.” પુત્રને બહાર કાઢવાનું જોખમ સમજી લઈને સતા જામે વાત પડતી મૂકી. હમણાં હમણાં તો કુંવર અને એના યોદ્ધાઓ હરેક સંધ્યાએ વાટ જોઈ બેસતા. ગુજરાતના ખબર લઈને રોજ દોટાદોટ આવનારો રાજ-અસવાર સીમાડે ધૂળના ગોટા ઉડાવતો દેખાય કે સૌના શ્વાસ ઊંચા બનતા. ખેપિયા પછી ખેપિયા આવીને ખબર દેતા : “મુઝફ્ફરશાએ વડોદરા માથે કટક ચલાવ્યાં છે. એને મહી નદી વટતો રોકવા શહેનશાહી ફોજો ખાનપુર બાંકાનેરના ઘાટ ઝાલીને ખડી છે. મુઝફ્ફરશા વણખચકાયો ધસતો જાય છે.” “શાબાશ, મુઝફ્ફરા!” અજો જામ પોકારી ઊઠતો, ને બીજા જોદ્ધા એ ભલકારા ઉપાડી લેતા. બીજો કાસદ : “મુઝફ્ફરનું કટક વીસ હજારે પહોંચ્યું. વડોદરું ઘેરી લીધું છે. ખંભાતથી સૈયદ દોલત ચાર હજાર સવારો લઈ મુઝફ્ફરની સખાતે પહોંચ્યો છે. ફોજમાં રજપૂતો ને કોળીઓનો સુમાર નથી.” ​ “એક દિવસ, બે દિવસ, પાંચ-પંદર, ને વીસ દિવસ સુધી વડોદરાનો ઘેરો ટકી રહ્યો છે. નગરના જોદ્ધા રોજરોજની બાતમી માટે અધીર બની બેઠા છે.” ચોથો ખેપિયો ખબર લાવ્યો : “વડોદરાના નવાબ કુત્બુદ્દીનખાનને પકડી મુઝફ્ફરે હાથીના પગ હેઠળ છુંદાવી નાખ્યો. ને અમદાવાદથી ઢસડી આણેલી તોપોને કિલ્લા સામે ગોઠવી કિલ્લો જમીનદોસ્ત કર્યો.” “વાહ મુઝફ્ફરો! વાય મુઝફ્ફરો,” અજા જામના કંઠમાંથી લલકાર ઊઠ્યા. પાંચમો ખેપિયો ખબર લાવે છે: “મુઝફ્ફર ભરૂચના કિલ્લા પર ત્રાટકી પડ્યો. નવાબ નૌરંગખાન ભાગી ગયો હતો. એની મા જ એકલી કિલ્લામાં હતી. મુઝફ્ફરે કહેવરાવ્યું, કુંચી સોંપીને ચાલ્યાં જાવ, મારે કોઈનો જાન લેવો નથી. ગુલામોએ હાજર થઈને કૂંચીઓ સોંપી. તમામ રોકડ અને અઢળક સોનુંરૂપું મુઝફ્ફરના હાથમાં પડ્યાં.” "ગજબનો મુઝફ્ફરો! કાળઝાળ બન્યો ચંડીપુત્ર મુઝફ્ફરો. આ સુલતાની ચાર દાડા ચાલે તો ય ભજવી પ્રમાણ, ઉજાળી પ્રમાણ.” કુંવર અજાજીનું હૃદય ગજગજ ઉછાળા મારી ઊઠ્યું. પંદર દિવસ બાદ ખેપિયો ખબર લાવે છે : સુલતાન મુઝફ્ફરશાહ આજ સુધી ભરૂચમાં રહી મારતે ઘોડે અમદાવાદ પર જાય છે, કારણ કે આખા ગુજરાત પર પથરાતી એની આગની આંચ આગ્રામાં લાગી છે. અકબરશાહ હેરત પામી ગયેલ છે. ઇતમાદખાન, શાહબુદ્દીન, કુતુબુદ્દીનખાં અને નવરંગખાં શેરખાંનો કાળ બની જનાર ‘મુઝફ્ફર ગુજરાતી’ હવે હાંસીનો ને ટોંણાનો વિષય નથી રહ્યો. એને હતો–ન હતો કરી નાખવા માટે આગ્રાથી ચડી ચૂક્યો છે અનગળ કટક લઈને નવાબ ખુદ મિરઝાંખાન : અકબરશાહનો દૂધભાઈ મોટો ખાન : એની સાથે સો તો હાથીઓ છે. “મિરઝાંખાન! મોટા ખાન!” ‘પરદેશી રાજપૂત’ નાગડો રોજરોજ થતી વાતોમાં તે વખત પહેલી જ વાર ચોંકી ઊઠેલો લાગ્યો. “માર ​દેગા, બડા ખાન નિશ્ચય ઉનકો માર દેગા!” “તમે મોટા ખાનની વાત જાણો છો? આટલા બધા પિછાનદાર જેવી વાતો કેમ કરો છો? ચમકી કેમ ઊઠ્યા?” “મેં દીઠો છે બડા ખાનને સમરાંગણોમાં લડતો. મેં જાણે સાક્ષાત્ રુદ્રને જોયો છે. ભયને તો ઓળખતો નથી ખાન. કરુણાની મૂર્તિ, પ્રભુનો પાક બંદો, સિપાહીગીરીમાંથી કાયમી ફારગતી મેળવીને તસબી ફેરવતો બેઠેલો મોટો ખાન જો તસબી છોડીને તલવાર ધરી ચૂક્યો હોય તો...” નાગડો પોતાના જ કલ્પના-દૃશ્યની ભયાનકતા નિહાળી ન શક્યો હોય તેમ આંખો મીંચી ગયો.