સિગ્નેચર પોયમ્સ/ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને – ધ્રુવ ભટ્ટ

Revision as of 00:17, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને

ધ્રુવ ભટ્ટ


ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી
ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે.