સુરેશ જોષીનાં સામયિકો

From Ekatra Wiki
Revision as of 10:45, 13 August 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search

સુરેશ જોષીનાં સામયિકો

સાહિત્યક્ષેત્રે સુરેશ જોષીના પ્રદાનનો ક્યાસ કાઢવો હોય તો શિરીષ પંચાલે સંપાદિત કરેલા પંદર ગ્રંથો જોતાં એમની સર્જનશક્તિનાં ઊંડાણ અને વ્યાપનો પરચો થાય. એમની સાહિત્યદૃષ્ટિ અને પ્રવૃત્તિ પોતાના સર્જન પૂરતી મર્યાદિત નહોતી. વિશ્વસાહિત્યના લાંબા અને ઊંડા પરિશીલનનાં સુફળ એમણે સંપાદિત કરેલાં સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ ઉપરાંત દ્વિભાષી ‘સેતુ’માં પ્રગટ થયાં છે. લગભગ ૧૯૪૬થી ૧૯૮૬ લગીનાં એ સામયિકોમાં સર્જનાત્મક તેમજ વિવેચનાત્મક-વિશ્લેષણાત્મકનાં કહેવાતાં અંતિમોને આવરી લેતી સમ્યકદૃષ્ટિ તો પ્રતિબિંબિત થાય છે જ, પણ એમાં બદલાતા જતા સમયના પરિપ્રેક્ષ્યનાં પાસાં પણ સમાઈ જાય છે. એ દૃષ્ટિએ આ સામયિકો લગભગ અડધી સદીનાં સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિનો ઐતિહાસિક દસ્તાવેજ પણ બની જાય છે. વિશ્વસાહિત્ય ગુજરાતને આંગણે પહોંચાડવા એમણે ઉત્તમ કૃતિઓનું ચયન કર્યું, અનુવાદો કર્યા અને કરાવ્યા એમાં આધુનિક ચેતનાના આવિષ્કારોની સંવિત્તિ સાકાર થઈ. અંગત વાત કરું તો, કોઈ ન કરે એવા દૃશ્યકળાવિશેષાંકની મારી દરખાસ્તને અમલમાં મૂકી અને ‘ક્ષિતિજ’નો બેવડો અંક (૪૭-૪૮, મે-જૂન, ૧૯૬૩) કર્યો અને દૃશ્યકળાની જાગૃતિ કેળવવા દર અંકે પૂંઠાં બદલવાની છૂટ દીધી. વુડકટ અને લીનોકટ, લિથોગ્રાફી અને સિલ્કસ્ક્રીનની હાથછપાઈની તરકીબો વાપરી આધુનિક કળાકારો પાસે મૌલિક કૃતિઓ કરાવડાવી તે મેં અંક ૫૦ (ઑગસ્ટ, ૧૯૬૩) લગી સંભાળ્યું અને ત્યાર બાદ મારા વિદેશગમન દરમિયાન એનો હવાલો ભૂપેન ખખ્ખરે લીધો.

સુરેશ જોષી-સંપાદિત સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘સંપુટ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ તથા વાર્ષિકો ‘સાયુજ્ય’ અને ‘નવભારત દીપોત્સવી’ ઉપરાંત દ્વિભાષી સામયિક ‘સેતુ’, વગેરેના બધા અંકોનું સ્કેનિંગ કરવાના અભિયાનમાં નીચેના સાહિત્યકાર-મિેત્રોનો સહકાર સાંપડ્યો છે : શિરીષ પંચાલ, યુયુત્સુ પંચાલ, પીયૂષ ઠક્કર, બિપિન પટેલ, કિશોર વ્યાસ, રાજેશ દોશી (ફાર્બસ ગુજરાતીસભા), હરીશ મીનાશ્રુ (ગુજરાતી સાહિત્ય પરિષદ), પ્રણવ જોષી, અજય રાવલ, અશ્વિની બાપટ, બાબુ સુથાર, અતુલ ડોડિયા, જયેશ ભોગાયતા, પ્રબોધ પરીખ, કમલ વોરા, નૌશિલ મહેતા, રાજેશ મશરૂવાળા અને અતુલ રાવલ.

પ્રૉ. રાજેશ પંડ્યા અને તેમના વિદ્યાર્થી રાઘવ ભરવાડે ખૂબ જ જહેમત અને સૂઝપૂર્વક ‘ક્ષિતિજ’ના બધા અંકોની વર્ગીકૃત અને લેખકસૂચિ તૈયાર કરી આપી તે માટે બધા વતી એમનો પાડ માનું છું.

સ્કેનિંગમાં સહાયક – રાજેશ પરમાર, સ્કેનિંગનું સ્થળ – ઓમ કૉપી પૉઇન્ટ, વડોદરા. કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમા-યાચના.

~ ગુલામમોહમ્મદ શેખ
૨૮-૨-૨૦૨૧


૧. ફાલ્ગુની


૨. વાણી

૩. મનીષા

૪. ક્ષિતિજ