સોરઠ, તારાં વહેતાં પાણી/૪૯. નવો ખેડુ

From Ekatra Wiki
Revision as of 11:57, 22 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯. નવો ખેડુ|}} {{Poem2Open}} ત્રીજી-ચોથી વારકી વિંયાતલ કોઈ આહિરાણી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૯. નવો ખેડુ

ત્રીજી-ચોથી વારકી વિંયાતલ કોઈ આહિરાણી જેવી હાલારી નદી પહોળાવેલ દેહે પડી હતી. પાએક ગાઉના ઘેરાવમાં એનાં વાંસજાળ પાણી, કોઈ હઠીલા ઘરધણીને ઘેર અસૂરું રોકાણ પામેલા પરોણલાઓની માફક મૂંગાં બનીને ઊભાં હતાં. ખોરડા-ખોરડા જેવડા જંગી કાળમીંઢોના બિહામણા ગદેડાની વચ્ચે ભૂલાં પડીને એકબીજાને ગોતતાં છોકરાં જેવાં હાલારીનાં પાણીનું અહીં જાણે કોઈ ધણ ઘોળાતું હતું. ઓતરાદી હેઠવાશે એક ઊંચો પથ્થર-બંધ ઉગમણી-આથમણી ચોકી બાંધીને પડ્યો હતો. બંધની ટોચને ઓળંગી હાલારીનાં પાણી ધોળાં ઘેટાં ઠેકી પડે એમ ઠેકતાં હતાં. ફરી પાછા કાળમીંઢોની મૂંગી ભેરવ-સેના વચ્ચે બીતાં બીતાં એ નીર દરિયા ભણી ધાતાં હતાં. ભૂતિયા કાળમીંઢોને જોતો ઊભેલો બંધ, કોઈ પહાડની જાંઘ જેવો, આ ભાગતાં પાણીને ભાળીભાળી અઘોર હાકોટા પાડતો: ‘જાવ મા, જાવ મા, તમારી મા મારે ઘેર મહેમાન છે.’ બંધની પાણી વગરની એક ટોચ ઉપર એક આદમી ઊભો હતો. એનો પોશાક શિકારી જેવો, રંગે ખાખી, હતો. એના માથા પર વાણિયાશાહી આંટી પાડેલ પાઘડી હતી. ઊંચા એના બૂટ હતા. ખભે એને બે-જોટાળી બંદૂક હતી. હજુ તો પરોઢ હતું. ફાટતી પ્હો એની વિગતવાર આકૃતિને રજૂ કરી શકે તેટલી જોરાવર ન હતી. કોઈ ચિતારાએ આંકેલી છાયા-છબી જેવો માનવી ઊભો હતો. એ માનવીના ડાબા હાથની બાજુ ત્રણેક ગાઉનો લીલુડો ને ઘટાદાર ઘેરાવ પથરાયો હતો. પાંચાળની આછી-પાંખી ડુંગરિયાળ ભોં ચોપાસ થોડાં થોડાં જુવાર-બાજરાનાં લીલાં બાટાંને છુપાવતી હતી — જાણે કોઈ સમૃદ્ધિમાંથી સંકટમાં આવી પડેલી સ્ત્રી પોતાના સાડલાની ચીરાડો ઢાંકતી હતી; ત્યારે ત્રણેક ગાઉનો આ એક જ ભોંય-ટુકડો વહેવારિયા વેપારી સમો સજીવન ઊભો હતો. થોડીવાર થઈ. પરોઢનાં અજવાળાં સતેજ થયાં. ને ઊંચે ઊભેલા આદમીની બંદૂક ખભેથી ઊતરી છાતીસરસી ઠેરવાઈ ગઈ. પાણીમાં પડતા પથ્થરને જોરે જેમ હજારો કૂંડાળાં દોરાય તેમ એના ગોળીબારથી વગડાની હવામાં ચક્કરો પડી ગયાં. પંખીઓની કિકિયારી ઊઠી, અને શેરડીના વાઢની કાંટાળા તારથી કરેલી વાડ્યની પાસે પહોંચે તે પહેલાં તો બીજી ગોળી પાળા પર ઊભેલ પુરુષની બંદૂકમાંથી છૂટી. સૂવરડો પોતાના જખમને રૂઝવનાર પાણીથી અનંત યોજનને અંતરે રહી ગયો. પાળા પરથી એ માનવીએ બંદૂકભેર દોટ દીધી. શેરડીના વાઢ પછવાડેની થોરની વાડેવાડે એણે હડી મૂકી. એની મોખરે એક શાહુડી નાસતી હતી. “હો-હો-હો-” એવી એક કારમી ડણક આ બંદૂકધારી માનવીના ગળામાંથી ગડૂદિયાના ગડડાટની પેઠે વછૂટી. દોડતી શાહુડીને એ અવાજે હેબતાવી નાખી; કોઈક મોટું કટક જાણે પોતાની ચોગરદમ ફરી વળ્યું છે. હેબતાઈને પશુ ઊભું રહ્યું. પછવાડે ફર્યું. એના અણીદાર પિછોળિયાં ઊભાં થઈ ગયાં. ‘સમમમમ્’ એવા સ્વરો એ પિછોળિયાના રોમાંચમાંથી ભેદાઈ ઊઠ્યા. સહસ્ર-સહસ્ર તીણાં તાતાં તીરની બાંધેલી કોઈ ભારી જેવી શાહુડી પોતાની પીળીપીળી આંખોના ડાકણ્યા ડોળાને ઘુમાવતી ને લાલલાલ મોઢાના દાંત કચકચાવતી જ્યારે સામી મંડાઈ ત્યારે ભલભલા શિકારીઓનાં રોમેરોમે સ્વેદ બાઝી જાય તેવો એ મુકાબલો બન્યો. બન્ને ભડાકાને ખાલી કરી નાખનાર એ શિકારીની પાસે નવો કારતૂસ ભરવાનો વખત નહોતો. એણે સામી દોટ દઈ, બંદૂકને નાળીથી ઝાલી શાહુડીના ડાચા ઉપર કંદેકંદે પ્રહાર કરી ત્યાં ને ત્યાં એને પીટી નાખી. મૂએલાં બેઉ જાનવરો તરફ તુચ્છકારભરી આંખ નાખીને બંદૂકધારી ફરી પાછો નદીના પાળા પર ચડ્યો. ભરવાડો ડાંગ ટેકવે છે તે રીતે એણે ગરદન પર બંદૂક ટેકવી. ટેકવ્યા પૂર્વે એણે બંદૂક ભરી લીધી હતી. કારતૂસનો પટો એના જમણા ખભા પરથી છાતી પર પથરાયો હતો. સાણસામાં માણસ જેમ સાપ પકડે તેમ એની નજર ચોમેરના સીમાડાઓને પકડતી હતી. ‘કુત્તો બાડિયો દાતરડીવાળો ને!’ એ પોતાની જાણે જ બડબડ્યો. ‘એક વાર આંહીં પાણી પીવા આવે તો ખબર પાડું કુત્તાને, કે હું બીજાઓની જેમ વેઠિયો નથી: હું ઊભડ પણ નથી: હું તો છું ખેડૂત: ધરતીનાં આંતરડાં ખેંચીને પાક લઉં છું હું.’ પોતાના બેઉ પંજાઓનાં દસેય આંગળાં પર દૃષ્ટિ કરીને એ બબડ્યો: ‘વાણિયાઈના રંગનો ક્યાંય છાંટોય ન રહ્યો.’ પછી એણે નજર વિસ્તારી: પાળાના પડછંદ બાંધકામ ઉપર, સરોવર-શા ઝીલતા નદી-પટ ઉપર, અને તેનીયે ઉપરવાસ કાળમીંઢોના ગદેડા સોંસરી ચાલી આવતી હાલારી નદીની વાંકીચૂંકી નીક ઉપર. વળાંક લઈને એ નજરે પોતાની સીમને માથે પાંખો પસારી: આંબાનું એક હજાર થડવાળું આંબેરણ: પચાસ વીઘામાં હેલે ચડેલો શેરડીનો વાઢ: ભાજીપાલાના ભોંપાથર્યા વેલા: અને ફળફૂલના માંડવા — જ્યાં પોતાની દસ આંગળીઓએ કેટકેટલી કલમોનાં આંતરલગ્નો ઊજવી સોરઠભરમાં ક્યાંય ન જડે તેવાં નવીન રસ-સુગંધનાં તેમ જ ઘાટઘાટનાં ફળોની સુવાવડ કરાવી હતી. નદીની એક બાજુ આવી વસુંધરા, ને સામે કાંઠે એવાં જ સજીવન કૂવા-વાડીઓ. બંદૂકધારીએ નિહાળીને વાડીઓના ઊંચા વડપીપળા પર મીટ માંડી. એ હસ્યો, ને બબડ્યો: “આ વાડિયુંના માલિકો મને મારવા આવનાર! ‘બચાડું વાણિયું શું અમારે નદી-કાંઠે ખેડ કરશે?’ એમ ડાઢીને મારા પાળાનું ચણતર-કામ ચૂંથનારા: મારાં હાથ-હાથ-વા લાંબાં મરચાંની મરચિયું ગૂડી જનારા: આજ કેવી લીલાલહેર થઈ ગઈ છે એને! પાળો મેં બાંધ્યો, પણ મારા સંઘરેલાં પાણીએ નવાણ તો એમનાંય સજીવન કર્યાં. હવે પૂજે છે મને! મારી તાકાત હોત, ને આ રજવાડાંના ઘોલકાંઘોલકીને ભાંગીકરી મારા રાવળજી બાપુ જેવા એકને જ ઘેર આખી સોરઠ ધરા પધરાવી શકત, તો તો કાઠિયાવાડની કુલ-ઝપટ નદીયુંને નાથી લઈ કુત્તા ખારા-ધુધવા દરિયાને ડાચેથી તો આ બધાં પાણીને પાછાં વાળી લેત.” એની નજરમાં આખી ધરા તરવરતી થઈ. એ બબડતો રહ્યો: ‘ભાલ બાપડો! ભાલ શા માટે પાણી વગરનો સળગે? રાંકાં એનાં માનવીઓ ધર્માદાના લોટકા પી—પી જીવે? હેઠ, નામર્દ કાઠિયાવાડ! ડુંગરે ડુંગરનાં પાણી ન સંઘરાવી લેત હું?’ સૂર્ય ચડતો હતો. એનો જમણો ગાલ વધુ ને વધુ કાળપ ઘૂંટતો હતો. એણે બંદૂકનો પટો ગળામાં નાખ્યો. એ બબડ્યો: ‘આ મારી જનોઈ!’ પાળા ઉપર થઈને એ નદીની ઉપરવાસ ચાલ્યો, આંખો પર હાથની છાજલી કરીને જોયું: ‘કોની ઘોડાગાડી તબકે છે? મામા તો નહિ હોય? આવીને વળી પાછા પરડ હાંકશે — જીવ-હત્યાની ને છકાયના જીવની, અઢાર પાપસ્થાનાંની ને પજોસણની, મોટી પાંચમનું પડકમણું કરવા રાજકોટ આવવાની!’ જમણી બાજુ કંઈક સંચાર થયો. બંદૂકધારીએ ગળેથી પટો કાઢીને ક્યારે બંદૂક હાથમાં લીધી, કયારે તાકી, ક્યારે ભડાકો કર્યો ને કયું પ્રાણી ઢળી પડ્યું તેની વખત-વહેંચણી કરવી દોહ્યલી હતી. એણે ફક્ત પોતાના ફળ-બાગની બહાર પટકાઈ પડેલ કાળિયારને એટલું જ કહ્યું: ‘કાં, જાને મારાં મીઠાં મરચાં અને મારી દરાખ ચરવા! રોજ હળ્યો’તો! બાપે વાવી મૂક્યું હશે!’ બંદૂકની નાળ વતી એ તોતિંગ કાળિયારના મડદાને ખાડામાં રોડવતો-રોડવતો એ શિકારી હસ્યો: ‘ગોળીબાર સાંભળતાં સાંભળતાં મામા મારાં પાપનું પોટલું નજરોનજર જોતા હશે. મારો ઉદ્ધાર કરવા માટે કોઈ સાધુ-મુનિ મહારાજને અહીં લઈ આવશે તો ભોગ મળી જશે મારી ખેતીના!’ કાળિયારના શબ ઉપર થોડો વખત માટી વાળી દેવાની એને જરૂર લાગી. ‘મામાને ખાવું નહિ ભાવે — જો આ નજરે ચડશે તો’, એમ બબડતો બંદૂકધારી મહેમાનની ગાડીની સામે ચાલ્યો. “એ... જવાર છે, શેઠિયા, જવાર!” દૂર ઘોડાગાડીમાંથી કોઈ ગોવાળ અથવા ખેડુના જેવો રણકાર સંભળાયો. ‘મામા ન જ હોય.’ વિચારીને બંદૂકધારીએ સામા ‘જુવાર’નો ટહુકો દીધો. ‘આ તો દરબાર સુરેન્દ્રદેવજી,’ શિકારીને મહેમાન ઓળખાયો. ‘વાહ! સોનાનો સૂરજ ઊગ્યો.’ શિકારીએ સામે દોટ દીધી. દોડતો એ પુરુષ બાળક જેવો લાગ્યો. “આપ આંહીં ક્યાંથી, મારા બાપા! ને આ પોશાક!...” એમ બોલતો બંદૂકધારી સુરેન્દ્રદેવજીને બાથમાં ભીંસીને મળ્યો, ને પછી હસતે મોંએ દરબારના દીદાર જોઈ રહ્યો. “છેલ્લી વારકીનો તમારો ગોળ ચાખવા.” “ગોળ ને! હા, હવે તમને કાળો કીટોડો નહિ પીરસું, બાપુ! હવે તો આખા કાઠિયાવાડને મોંએ સોના જેવા ભીલાં પોગાડીશ; હવે હું જીતી ગયો છું.” “ને ચીકુડીના શા હાલ છે?” “ચીકુડીઓને તો સાસરું ગોઠી ગયું હવે. હાલોહાલો, એનાં બચ્ચાં દેખાડું.” મહેમાનના હાથ ઝાલીને બંદૂકધારી પોતાની વાડી તરફ ચાલ્યો. સુરેન્દ્રદેવજીએ પોતાની જોડના જુવાનને કહ્યું: “ચાલ, ભાણા.” “કોણ છે?” બંદૂકધારીનું ધ્યાન પડ્યું. “મારો ભાણિયો છે: મહીપતરામભાઈનો પોતરો. તમને સુપરત કરવા લાવ્યો છું.” “અરે માબાપ, એ હું માનું જ કેમ? કાઠિયાવાડનો જુવાન તો મુંબઈ-અમદાવાદની કોલેજોના ઝરૂખે જ શોભે.” બંદૂકધારીએ એમ કહેતાં કહેતાં પિનાકીના દેહ પર પગથી માથા સુધી નજર કરી. એની આંખોમાં તિરસ્કાર નહોતો. પિનાકીનું દિલ છૂપુંછૂપું આ બંદૂકધારીની સૂરતને કોઈક બીજી એક આકૃતિ જોડે મેળવવા લાગી પડ્યું. કોની આકૃતિ! હૈયે છે પણ હોઠે નથી. કોણ... રૂખડ મામાની આકૃતિ તો નહિ? હાં હાં, એની જોડે મળે છે. આ વાણિયો! આ નગરશેઠનો પુત્ર! સોરઠની આ ઓલાદમાં કુદરતે શું લોઢાનો રસ રેડ્યો હશે!