સોરઠી બહારવટિયા ભાગ-2/દુશ્મનનું કારજ

Revision as of 09:06, 20 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દુશ્મનનું કારજ|}} {{Poem2Open}} ઠાકોર વજેસંગજી બગડેલી બાજી સુધારી રહ્યા છે : “મેરામણ ખુમાણ, હવે શું કરું? હાદા ખુમાણને મારીને તો મેં મોટી ખોટ્ય ખાધી.” “સાચું, મા’રાજ. માથેથી ગાળ ઉતારવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દુશ્મનનું કારજ

ઠાકોર વજેસંગજી બગડેલી બાજી સુધારી રહ્યા છે : “મેરામણ ખુમાણ, હવે શું કરું? હાદા ખુમાણને મારીને તો મેં મોટી ખોટ્ય ખાધી.” “સાચું, મા’રાજ. માથેથી ગાળ ઉતારવી હોય તો કુંડલા જઈને હાદા ખુમાણનું કારજ કરો. અને ભાણ જોગીદાસને તેડાવીને કસુંબા પી લ્યો.” ઠાકોર વજેસંગે કુંડલે જઈને પોતાના શત્રુનું કારજ આદર્યું. ત્રણેય પરજમાં મેલા લખ્યા. ભાણ જોગીદાસને તેડી લાવવા માટે મેરામણ ખુમાણને મોકલ્યા. નક્કી કરેલ દિવસે બેય બહારવટિયા ભાઈઓ ડુંગરમાંથી ઊતરીને કુંડલે આવે છે. રસ્તે જોગીદાસ શિખામણ દઈ રહ્યો છે કે “ભાણ! બાપ, તું આકળો થતો નહિ. તારી તેજ પ્રકૃતિને જરા વશ રાખજે, ભાઈ!” કુંડલાના દરબારગઢમાં આવ્યા ત્યાં દાયરો ઊભો થઈ ગયો. જોગીદાસે પૂછ્યું, “ક્યાં છે મા’રાજ?” “મા’રાજ તો નદીએ સરાવે છે.” “મા’રાજ પોતે સરાવવા ગયા છે?” “હા, આપા!” બંને જણાએ ઘોડીઓ નદીના આરા તરફ લીધી. કાંઠે આવતાં તો આઘેથી ઠાકોર વજેસંગને દેખ્યા : મૂછો પડાવીને મહારાજ રામઘાટ ઉપર સરાવણું કરે છે. “જો, ભાણ! જોઈ લે, બાપ! બાપ તો તારો ને મારો મર્યો, અને મૂછું બોડાવી છે ભાવનગરના ઠાકોરે : આપણા દુશ્મને! આમ જો ખાનદાની! તું કે હું મૂછ્યું પડાવી શકીએ એમ છીએ? ” ત્યાં તો ઠાકોરને સમાચાર પહોંચ્યા. ઊંચું જોયું. બન્ને બહારવટિયા સામે નજર કરીને ઠાકોરે મોં મલકાવ્યું. જાણે મોટેરા ભાઈ હોય એટલું હેત પાથરી દીધું. “ઊઠો ઊઠો, મહારાજ! હવે બાકીનું મને સરાવવા દ્યો. આપે તો અવધિ કરી.” “આપાભાઈ!” મહારાજ બોલ્યા : “હાદો ખુમાણ તમારા બાપુ, તેમ મારાયે બાપુ. હું મોટેરો દીકરો, તમે કોઈ ઘરે નહિ, એટલે હું સરાવું એમાં શું? મોટેરાને એટલો હક્ક તો રે’વા દ્યો, બાપ!” “ભલે મહારાજ!” જોગીદાસનું ગળું રૂંધાઈ ગયું. સરાવણું પૂરું થયે સહુ ગામમાં આવવા ઘોડે ચડ્યા. બરાબર ઝાંપે આવીને જોગીદાસે ઘોડી સામા કાંઠા ઉપર સાવર ગામ તરફ વાળી અને ઠાકોરને કહ્યું : “રામ રામ મહારાજ!” “આપાભાઈ! આ તરફ દરબારગઢમાં.” “માફ રાખો, બાપા! હું સાવરમાં ઉતારો કરીશ.” “અરે પણ —” મેરામણ ખુમાણ બોલી ઊઠ્યા : “કાં મહારાજ! ન સમજાણું? જોગીદાસે કુંડલાનું પાણી હરામ કર્યું છે, એટલે એણે ઘોડી તારવી.” “તો આપણાં મુકામ પણ સાવરમાં નાખો.” ઠાકોરનો હુકમ થયો. કારજની બધી તૈયારી કુંડલામાંથી સામા પાદરમાં લઈ જવામાં આવી. ભલભલા કાઠીઓનું કારજ તે દિવસોમાં ઘઉંના ભરડકાનું થતું. તેને બદલે હાદા ખુમાણના કારજમાં ઠાકોરે સાટા, જલેબી ને મોહનથાળ દીધાં. કેવળ ક્રાંકચનો મેરામણ ખુમાણ ઠાકોરની કરામત ઓળખતો હતો. એણે મનમાં ને મનમાં કહ્યું, “વાહ ઠાકોર! રૂપાની થાળી ને સોનાની પાળી! કલેજાં ચીરે, તોય મીઠી લાગે!” “બોલાવો ભાણ જોગીદાસને કસુંબા પીવા. આજ બા’રવટું પાર પાડીએ”, વજેસંગજીએ વાત ઉચ્ચારી. બન્ને ભાઈઓ હાજર થયા. ઠાકોરે વાત ચલાવી : “જુઓ, આપાભાઈ! બાપુ આલા ખુમાણના વખતના વહીવટના ચોપડા તપાસો : દરેક ભાઈને ત્રીસ-ત્રીસ હજાર મળતાં. એથી વધુ તો તમે ન માગો ને!” “ના.” “ત્યારે છ ગામ ઉપાડી લ્યો, આપા! તમે જ નામ પાડો.” “પહેલું કુંડલા.” કુંડલાનું નામ પડતાં જ મહારાજનું મોં ઊતરી ગયું. મહારાજે માથું ધુણાવ્યું : “આપા! કુંડલા તો નહિ. કુંડલા લેવા દરબારને ભારી દાખડો કરવો પડ્યો છે. ઠેઠ રાજુલાથી તોપખાનું ઢરડાવ્યું, તેમાં નેસડીના મૂળા પટેલના ચાળીસ ઢાંઢા તૂટી ગયા, તેના બદલામાં એને આખું જૂનું સાવર દેવું પડ્યું. માટે કુંડલા સિવાય બીજું ઠીક પડે એ ગામ માગી લ્યો.” “પહેલાં કુંડલા; પછી બીજું ખપે. કુંડલા મળ્યા મોર્ય તો નાવલીનું પાણી ન ખપે, મહારાજ!” “આપા! છ નહિ, સાત માગો, આઠ માગો; પણ કુંડલાની વાત પડતી મેલો.” “મહારાજ છને બદલે પાંચ આપો, પણ કુંડલા તો પે’લાં.” “એ ન બને, આપા!” “તો રામરામ, ઠાકોર!” ભાણ જોગીદાસ ચડી નીકળ્યા, ભાણની રોમરાઈ અવળી થઈ ગઈ હતી; મરું કે મારું! મરું કે મારું! એમ એને થતું હતું. નાવલીની બજારમાં નીકળતાં જ ભાણ ખુમાણે સિબંધી સિપાહીઓ ઉપર ઝાટકા ચોડવા માંડ્યા. દોડીને જોગીદાસે ભાઈને ઝાલી લીધો, “હાં! હાં! ભાણ! સામી તેગ ખેંચે તેને જ મરાય, બાપડા નિર્દોષને માથે આ તું શું કરી રિયો છે!” ગોખમાં ઊભેલા ઠાકોર ભાણની આ અકોણાઈ જોતા હતા. એણે પોતાના સિબંધીઓને ત્યાંથી હાકલ કરી, “ખબરદાર! બહારવટિયાઓને કોઈ આજ સામો ઘા ન કરજો. ભલે આપણાં સો ખૂન થઈ જાય.” “જોયું, ભાણ? આ ઠાકોર વજેસંગ!” બહારવટિયા ચાલી નીકળ્યા. કારજના પ્રસંગ વિશે બીજી વાત આમ બોલાય છે : જેતપુરના કાઠી દરબાર મૂળુ વાળાય કડેધડે હતા. ત્રણ પરજની કાઠ્યમાં મૂળુ વાળાનો મોભો ઊંચેરો ગણાતો. એનું વેણ ઝટ દઈને કોઈથી લોપાતું નહિ. એજન્સી સરકારની પાસે પણ સહુ કાઠીઓની ઢાલ થઈને ઊભો રહેનાર મૂળુ વાળો હતો. એને બોલાવીને કળાબાજ મહારાજે કહ્યું : “મૂળુભાઈ, હાદા ખુમાણ જેવો કાઠી પડ્યો, એની તો આખા મલકને ખોટ્ય કહેવાય. જીવતે એ મારો દુશ્મન હતો, પણ મૂવા પછી તો મારો ભાઈ લેખું છું. માટે ભાવનગરના ખર્ચે મારે કુંડલા મુકામે એનું કારજ કરવું છે. તમારું કામ તો એટલા સારુ પડ્યું છે કે કારજમાં તમે ભાણ જોગીદાસને બોલાવી લાવો. મારા હાથનો કસુંબો લઈને પછી ભલે તુરત એ ચડી નીકળે. પણ એના બાપને માર્યા પછી હું એને અંજળિ ભરી કસુંબો ન લેવરાવું ત્યાં સુધી મારા જીવને જંપ નથી. વેર તો કોને ખબર છે ક્યાં સુધી હાલશે!” કહેવાય છે કે ઠાકોરના પેટમાં દગો હતો, બહારવટિયાઓને ઝાલી લેવાની પેરવી હતી. પણ કસુંબો લેવાઈ રહ્યો, સહુ સહુને ઉતારે ગયા, રાત પડી એટલે મૂળુ વાળાએ સનસ કરીને બહારવટિયાને ચેતવ્યા, “હં… ભાણ જોગીદાસ! હવે ચડી નીકળો ઝટપટ.” “અરે! પણ મહારાજ વાળુમાં વાટ જોશે.” “તો પછી ઝાટકાનાં વાળુ સમજવાં, જોગીદાસ!” રોષે ચડેલા ઠાકોરે રાજકોટ પોલિટિકલ એજન્ટને ખબર દીધા કે “બહારવટિયાને પકડી લેવાની મારી પેરવીને જેતપુરના મૂળુ વાળાએ અને જસદણના શેલા ખાચરે ધૂળ મેળવી દીધી છે. બહારવટિયાને નસાડ્યા છે.” આ ઉપરથી એજન્સી સરકારે જેતપુર અને જસદણ ઉપર સરકારી થાણાં બેસાડી દીધાં હતાં