સોરઠી બહારવટિયા ભાગ-2/પહેરામણી બગડી

Revision as of 09:04, 20 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પહેરામણી બગડી|}} {{Poem2Open}} આજે વજેસંગ મહારાજના રાજનગરમાં હાદા ખુમાણના મૉતની વધામણી આવી છે. મહારાજના અંતરનો ઉલ્લાસ ક્યાંયે માતો નથી. પોતાનો બાપ મરવાથી બહારવટિયો જોગીદાસ હવે બધી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પહેરામણી બગડી

આજે વજેસંગ મહારાજના રાજનગરમાં હાદા ખુમાણના મૉતની વધામણી આવી છે. મહારાજના અંતરનો ઉલ્લાસ ક્યાંયે માતો નથી. પોતાનો બાપ મરવાથી બહારવટિયો જોગીદાસ હવે બધી આશા ગુમાવીને રાજને શરણે આવી ઊભો રહેશે, એવી આશાની વાદળી સામે મીટ માંડીને મહારાજનું દિલ અષાઢ મહિનાના મોરલાની માફક થનગનવા લાગ્યું છે. આજે હાદા ખુમાણને મારનાર સંબંધીઓને પહેરામણી કરવા માટે કચારી ભરાણી છે. સાચાં વસ્ત્રોના સરપાવ, ભેટ દેવા માટેની તરવારો અને સાકરના રૂપેરી ખૂમચા મહારાજાની ગાદી સન્મુખ પ્રભાતને પહોર ઝગારા મારે છે. તે વખતે કચારીમાં એક એવો આદમી બેઠો હતો કે જેને રંગરાગમાં ભાગ લેતાં ભોંઠામણનો પાર નથી રહ્યો. એ ક્રાંકચ ગામનો ગલઢેરો મેરામણ ખુમાણ હતો. પોતે આજ અચાનક મહારાજને મળવા આવેલ છે અને એ પોતાના કુટુંબી હાદા ખુમાણના મૉતના ઉત્સવમાં ન છૂટકે સપડાઈ ગયો છે. પણ એને ક્યાંયે સુખચેન નથી. પોતે એકલો છે. તરવારે પહોંચે તેમ નથી, તેથી એણે આખી મિજલસને તર્કથી ધૂળ મેળવવાનું નક્કી કર્યું છે. કટોકટીની ઘડી આવી પહોંચી છે. “લાવો હવે પહેરામણી!” મહારાજે હાકલ કરી. ખૂમચા ઉપરથી રૂમાલ ઉપાડ્યા. ચારણોએ દુહા લલકાર્યા. ત્યાં તો મર્માળી ઠાવકી વાણીમાં મેરામણ ખુમાણ બોલી ઊઠ્યા, “વાહ! વાહ! રે ભણેં કાઠી તારાં ભાગ્ય! ભારી ઊજળાં ભાગ્ય!” “કેમ, મેરામણ ખુમાણ? કોનાં ભાગ્ય?” ઠાકોરે પૂછ્યું. “બીજા કોનાં, બાપ! હાદા ખુમાણનાં.” “કેમ?” “કેમ શું? એકસો ને બાર વરસની અવસ્થા! હાથે કં-પવા : પગે સોજા : આંખે ઝાંખપ : કાયાનો મકોડે મકોડો કથળી ગયેલ : આવી દશામાં જો બચાડો ભાવનગરની કેદમાં જીવતો આવ્યો હોત તો કેવા બૂરા હાલ થઈ જાત? પાંચેય દીકરાને બહારવટાં મેલી દઈ, બાપની સંભાળ લેવા સાટુ થઈને મોંમાં તરણાં લઈ આફરડા મહારાજને શરણે આવવું પડત. નીકર મલક વાતું કરત કે બાપ બંદીખાને સડે છે ને દીકરા તો બહાર મોજું માણે છે! પણ હવે ઈ માયલું કાંઈ રિયું? હવે તો નિરાંતે પાંચેય જણા ભાવનગરનાં અઢારસેં ઉજ્જડ કરશે, માટે સાકર તો આજ વહેંચે એના દીકરા કે સાવજ પાંજરેથી મોકળા થ્યા!” આખી કચારી સાંભળે એ રીતે શબ્દો બોલાયા! “સાકર-પહેરામણીના થાળ પાછા લઈ જાવ!” એટલું કહીને મહારાજે ઝટપટ કચારી વિસર્જન કરી નાખી અને પોતે તે જ ઘડીએ હાદા ખુમાણના શોક બદલ માથે ધોળું ફાળિયું બાંધી લીધું.