સોરઠી સંતવાણી/ભક્તિની જુક્તિ

Revision as of 06:38, 29 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભક્તિની જુક્તિ

ચેલાઓએ ‘ગુરુને ચરણે’ શરણાગતો બનીને ગાયેલ ભજનોનો ભંડાર તો પારાવાર ભર્યો છે. પુરુષ ભજનિકો મોટે ભાગે મળે છે. તે બધાંની અંદર એક ભાત પડે છે સ્ત્રી ભજનકારોની. લોયણ નામની ‘શેલણશીની ચેલી’ પોતાના પર વિષયાસક્ત બનેલ ધૂર્ત રાજવી લાખાને ગાળી નાખે છે તેની દાર્શનિકવાણી પચાસેક પદોમાં પડી છે. તેના જેવી, પણ વિશેષ નિરાળી ને નવલી ભાત તો ગંગાસતીનાં, પોતાની પુત્રવધૂ ચેલી પાનબાઈને પ્રબોધતાં સંખ્યાબંધ પદો પાડી રહ્યાં છે. એ થોડાંક ભજનોમાંથી અક્કેક ટૂક આપું છું : મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે રે, પાનબાઈ,

મરને ભાંગી રે પડે ભરમાંડ રે!

વિપત પડે વણસે નહીં રે એ તો

હરિજનનાં પરમાણ રે. — મેરુ રે ડગે.

શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ

જેનાં બદલે નહીં વ્રતમાન રે;

ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળી રે

જેને મા’રાજ થયેલા મે’રબાન રે. — શીલવંત.

લાવ્યા ભાગ્યાની જ્યાં લગી ભે રહે મનમાં, પાનબાઈ,

ત્યાં લગી ભગતિ નહીં થાય,

શરીર પડે વાકો ધડ તો લડે રે, પાનબાઈ.

સોઈ મરજીવા કહેવાય રે.

મનને સ્થિર કરીને આવો રે મેદાનમાં પાનબાઈ,

તો તો મટાડું સરવે ક્લેશ,

હરિનો દેશ તમને દેખાડું રે, પાનબાઈ,

જ્યાં નહીં રે વરણ ને વેશ રે.

રમીએં તો રંગમાં રમીએં રે, પાનબાઈ,

મેલી દૈ આ લોકની મરજાદ,

હરિના દેશમાં ત્રિગુણ નવ મળે

નો હોય ત્યાં વાદ ને વિવાદ રે.

જુગતિ જાણ્યા વિના ભગતિ ન શોભે, પાનબાઈ,

મરજાદ લોપાઈ ભલે જાય,

ધરમ અનાદિનો જુગતિથી ખેલો

જુગતિથી અલખ તો જણાય રે.

વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ,

નહીંતર અચાનક અંધાર થાશે,

જોતજોતામાં દિવસ વહ્યા ગયા રે, પાનબાઈ.

એકવીશ હજાર છસોને કાળ ખાશે.

આવાં પદો સાસુએ રોજ ઊઠીને સંભળાવ્યાં ત્યારે વહુ પાનબાઈ જવાબ દે છે : છૂટાં રે તીર હવે નો મારીએં, બાઈજી,

મેંથી સહ્યું નવ જાય,

કલેજાં મારાં વીંધી નાખ્યાં, બાઈજી,

છાતી મારી ફાટું ફાટું થાય રે.

બાણ રે વાગ્યાં ને રૂંવાડાં વીંધાણાં, બાઈજી,

મુખથી કહ્યું નવ જાય,

આપોને વસ્તુ મુંને લાભ જ લેવા,

પરિપૂરણ કહોને ક્રિયાય.

પણ માનવપ્રાણની છીછરાવટને જાણનારાં ગંગાસતી જવાબ વાળે છે — હજી વાર છે પરિપૂર્ણ ક્રિયા બતાવવાની. હજુ સાચાં બાણ વાગ્યાં નથી. બાણ વાગ્યા પછી તો, વહુ! વાચા ન રહે મોંમાં —

હજી પૂરાં બાણ તમને નથી લાગ્યાં, પાનબાઈ;

બાણ રે લાવ્યાને છે વાર,

બાણ રે વાગ્યાથી સૂરતા ચડે અસમાનમાં,

પછી તો દેહદશા મટી જાય.

બાણ રે વાધ્યાં હોય તો બોલાય નહીં, પાનબાઈ

પરિપૂરણ વચનમાં વરતાય,

ગંગાસતી એમ બોલિયાં રે

તે જ પૂરણ અધિકારી કહેવાય.

અને સાસુએ તો વહુને ખોળામાં બેસારીને રસ-પ્યાલો પાયો :

ખોળામાં બેસારી તમને વસ્તુ રે આપું

જેથી આપાપણું ગળી તરત જાવે,

વખત આવ્યો છે મારે ચેતવાનો, પાનબાઈ,

માન મેલી થાવ ને હુશિયાર રે.

આપ્યો રસ ને ખોળામાં બેસાર્યા

મૂક્યો મસ્તક ઉપર હાથ.

ગંગા રે સતી એમ બોલિયાં ત્યાં તો નીરખ્યા ત્રિભોવનનાથ.

અને ભક્તિ એ તો રહેણીથી વેગળી વસ્તુ છે એવો પણ એક ભ્રમ છે, જેને ગંગાસતી પ્રાણ છોડતાં પહેલાં નિવારે છે —

માણવો હોય તો રસ માણી લેજો, પાનબાઈ,

હવે આવી ચૂક્યો પિયાલો,

કહેવું હતું તે તો કહી દીધું, પાનબાઈ

હવે રે’ણી પાળવા હેતેથી હાલો.

રે’ણી થકી જોને રામ રીઝે, પાનબાઈ,

રે’ણી થકી રસ શરીરમાં પરવરે,

રે’ણી થકી અધ્ધર ઉતારા, પાનબાઈ,

રે’ણી થકી પાર પોગી જવાય,

રે’ણી તો સરવથી મોટી રે, પાનબાઈ,

રે’ણીથી મરજીવા બનાય.

એવું પ્રબોધીને ગંગાસતી સ્વધામ ગયાં. પ્રથમ તો પાનબાઈને અફસોસ થયો; પછી — વસ્તુને વિચારતાં આનંદ ઊપજ્યો

મટી ગયો મનનો સરવે શોક;

અંતર બદલ્યું, નિરમળ બની બેઠાં,

સંકલ્પ સમાણો ચૈતન માંઈ;

હાણ ને લાભની મરી ગઈ કલ્પના બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તલાઈ. જ્યાં રે જોવે ત્યાં તો હરિ હરિ ભાળ્યા, રસ તોં પીધો અગમનો અપાર,

એક નવધા ભગતિને સાધતાં
મળી ગયો તુરિયામાં તાર.

આવી ભજનવાણી વડે નવી ટાંચણ-પોથીઓ ભરાઈ રહી છે, અને લોકસાહિત્યના રેવતાચળ ફરતી મારી પરકમ્માનો છેડો આવતો નિહાળું છું. ભજનવાણી એ આ પરકમ્માનું અંતિમ સીમાચિહ્ન છે. [‘પરકમ્મા’]