સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૯ — રાષ્ટ્રપિતા

From Ekatra Wiki
Revision as of 11:19, 27 March 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘સૌના ગાંધી’ શ્રેણી

સૌના ગાંધી શ્રેણી - ૧
પુસ્તક - ૯



Sauna Gandhi title 09.jpg


રાષ્ટ્રપિતા

નારાયણ દેસાઈ


Gujarat Vidyapith (emblem).png



પ્રકાશન વિગત


ગાંધીજીને સૌથી પહેલા રાષ્ટ્રપિતા કહેનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. જેમણે આખી જિંદગીમાં કોઈ સત્તાનું પદ નહોતું સંભાળ્યું કે, નહોતી એવી કોઈ ખેવના રાખી. એમની સાથે તીવ્ર મતભેદ ધરાવનાર નેતાજીએ એમની હયાતી દરમિયાન ‘રાષ્ટ્રપિતા’ કહ્યા અને એમના મરણ પછી રાષ્ટ્રની સંસદે એ પદને વધાવી લીધું. સામાન્ય રીતે રાષ્ટ્રપિતા ગુલામીમાંથી મુક્ત થયેલા રાષ્ટ્રના પ્રથમ રાષ્ટ્રપતિને કહેવાય છે. ગાંધીજીએ દેશ આઝાદ થયો ત્યારે એવું કોઈ પદ ગ્રહણ નહોતું કર્યું. એમણે એવું પદ ઇચ્છ્યું હોત તો તેમને ચોક્કસ તે મળ્યું હોત. પણ તેમણે તે ન ઇચ્છ્યું તેની પણ કોઈને ખાસ નવાઈ લાગી નહોતી. બલ્કે એમને માટે તો એ જ સ્વાભાવિક હતું એમ લોકોએ માની લીધું એમ કહી શકાય. ‘મહાત્મા’ શબ્દનો પણ એમને બોજો લાગતો. પણ ત્રણ ત્રણ દાયકા સુધી તેમને તે વેંઢારવો પડ્યો હતો. એમને સદ્ભાગ્યે અને દેશને દુર્ભાગ્યે ગાંધીજીને રાષ્ટ્રપિતાપદનો બોજો વેંઢારવો નહોતો પડ્યો. એમનું સદ્ભાગ્ય એટલા માટે કહ્યું કે જે રાષ્ટ્રના એમને પિતા કહેવામાં આવ્યા તેના ભાગલા પડી ચૂક્યા હતા અને બંને ભાગો ભડકે બળતા હતા. દેશનું દુર્ભાગ્ય એટલા માટે કહ્યું કે દેશ એમના વિના પિતાના શિરછત્ર વિહોણો બન્યો હતો. નેતાજી સુભાષચંદ્ર બોઝને ગાંધીજી સાથે ઘણા મતભેદ હતા. મુખ્ય મતભેદ એમની કાર્યપદ્ધતિ અંગે હતો. દેશને સ્વતંત્ર કરવા બીજા દેશની મદદ મળે તો તે લેવી જોઈએ એમ સુભાષબાબુ માનતા હતા. ગાંધીજી એમ માનતા હતા કે બીજા દેશની મદદથી જો સ્વતંત્રતા આવે તો એક દેશની ગુલામીને બદલે બીજા દેશની ગુલામી આવી શકે. હિંસા-અહિંસાના મુખ્ય મતભેદ ઉપરાંત આ બીજો મતભેદ હતો. ગાંધીજી અને સુભાષબાબુ વચ્ચે બીજાયે મતભેદો હતા પણ તે છતાંય તેમણે ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ કેમ કહ્યા હશે? કારણ તેઓ રાષ્ટ્રભક્ત હતા અને ગાંધીજીને તેમણે રાષ્ટ્રને ઘડતા જોયા જાણ્યા હતા. ગાંધીજી રાષ્ટ્રના ઘડવૈયા હતા. દેશ એની ભૌગોલિક કે રાજનૈતિક સીમાથી બને છે. રાષ્ટ્ર માત્ર એના ઇતિહાસથી નહીં, પણ એની ભાવનાત્મક એકતાથી બને છે. કેટલાક દેશોને એની ભાવનાત્મક એકતા એની ભાષા આપે છે. બાંગ્લાદેશનું ઉદાહરણ આપણી પડોશમાં જ છે. કેટલાક દેશો ધર્મની એકતાને પોતાના રાષ્ટ્રનો પાયો બનાવે છે. પાકિસ્તાન એનું ઉદાહરણ છે. કેટલાક દેશોને રાષ્ટ્રત્વ ત્યાંના રાજવીને લીધે મળે છે. નેપાળ એનો દાખલો છે. આપણા દેશમાં અનેક ભાષાઓ હતી. આપણા દેશને રાષ્ટ્રત્વ સાંપડ્યું એની ભાવનાત્મક એકતાથી. આ દેશ ગુલામ છે, એને સ્વતંત્રતા મળવી જોઈએ એ વાત કહેનાર ગાંધીજી કોઈ પહેલા માણસ નહોતા. ગાંધીજીના જેટલો જ સ્વતંત્રતાનો પ્રેમ એમના પહેલાંયે ઘણાઓને હતો અને ગાંધીજીની હયાતી દરમિયાન પણ ઘણાને હતો. તો ગાંધીજીની એવી તે કઈ વિશેષતા હતી કે જેને લીધે સ્વતંત્ર દેશની સંસદે તેમને જ રાષ્ટ્રપિતા કહ્યા? તે વિશેષતા એ હતી કે એમણે આવડા મોટા અને આટલી બધી વિવિધતાવાળા દેશને રાષ્ટ્રીયતાની એક ભાવનાથી જોડ્યો કે ઘડ્યો. એમણે અલગ અલગ પુષ્પો એક સૂત્રમાં બાંધી માત્ર એક માળા ન બનાવી પણ તેનો એક ગુલદસ્તો રચ્યો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એ રાષ્ટ્રને માનવોનો મહાસાગર કહ્યો હતો. સાગર-જળમાં જેમ બધી નદીઓ એકરૂપ થઈ જાય છે, એમ અહીં બધી વિભિન્નતાઓ, એકતામાં સમાઈ જાય છે. ગાંધીજીનો પુરુષાર્થ આ દેશને આવી એકતા આપવાનો હતો. તેથી તેમને સુભાષબાબુએ ‘રાષ્ટ્રપિતા’ કહ્યા. એમના એ શબ્દે આખા દેશના અવાજનો પડઘો પાડ્યો હતો. રાષ્ટ્રની ઇમારતને ગાંધીજીએ એક એક ઈંટ ગોઠવી ગોઠવીને ઘડી હતી. એનો આપણે થોડો વિગતવાર વિચાર કરીએ. અમદાવાદના સર્કિટ હાઉસમાં જ્યારે ખાસ અદાલતમાં ખટલો ચાલ્યો ત્યાં ન્યાયાધીશ મિ. બ્રુમફિલ્ડે ગાંધીજીને નામ ઠામ પૂછી એમનો ધંધો પૂછ્યો. ગાંધીજી આ પ્રશ્નનો જવાબ ‘દેશભક્તિ’ કે ‘સમાજ સેવા’ કે એવો કોઈ આપી શક્યા હોત, જેમ બીજા ઘણા લોકો આપતા હતા. પણ ગાંધીજીએ જવાબ આપ્યો ‘ખેડૂત’ અને ‘વણકર.’ આ રીતે તેમણે બે મોટા વર્ગો જોડે પોતાની આત્મીયતા પ્રગટ કરી. ગાંધીજીનો આ જવાબ જોતજોતામાં તો આખા દેશમાં પ્રસરી ગયો અને એણે જરૂર સંખ્યાબંધ ખેડૂતો અને વણકરોના હૃદયમાં એ પડઘો પાડ્યો હશે કે આ આપણા માંહ્યલો માણસ છે. આ લોકો એ વાત પણ જોઈ સમજી શક્યા હશે કે આ જવાબ કોઈ છાપામાં પ્રચાર કરાવવા કહેવાયો નહોતો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં બૅરિસ્ટરી છોડીને ફિનિક્સમાં છાપખાનામાં બીબાં ગોઠવવાની જોડે જોડે ખેતીનું કામ કર્યું હતું અને સાબરમતીમાં તેમણે હાથસાળ પર ખાદી વણી હતી. પ્રત્યક્ષ એ કામની સાથે એમના હૃદયના તાર પણ ખેડૂતો અને વણકરો જોડે સંધાતા જતા હતા. સંત કબીર જ્યારે સાળ પર બેસતા ત્યારે તેમના અંતરના તાર જેમ એમના ‘સાહેબ’ એટલે કે પરમાત્મા જોડે સંધાઈ જતા તેમ ગાંધીજીના દરેક કામમાં સત્યની શોધ હતી, અને નિરાકાર સત્યનાં દર્શન તેમને સાકાર દરિદ્રનારાયણમાં થતાં. તેથી જ સાવ સહજ રીતે એમનાથી જવાબ અપાયો ‘ખેડૂત અને વણકર.’ દેશના ખેડૂતો અને વણકરો એ જોઈ શકતા કે ગાંધીજીનો નિરંતર પ્રયાસ પણ એમની માફક મહેનત અને ગરીબીનું જીવન જીવનાનો હતો. ગાંધીજીનો ન્યાયાધીશને અપાયેલો જવાબ અકૃત્રિમ હતો, તેથી તે એકાત્મ્ય સાધક હતો. તેઓ જોઈ શકતા કે ગાંધીજીના આશ્રમમાં ખેતી પણ થતી અને વણાટકામ પણ થતું. એમના આશ્રમમાં, ખેડૂતો પણ હતા અને વણકરો પણ હતા. ગરીબો કે સામાન્ય જનતા અથવા અભણ ગણાતી જનતા સાથે તાદાત્મ્ય સાધવાનો ગાંધીજીનો બીજો ઉપાય માતૃભાષા વિષેનો એમના આગ્રહરૂપે પ્રગટતો. તેઓ પોતે તો ગુજરાતમાં ગુજરાતીમાં અને ગુજરાત બહાર હિંદીમાં બોલતા કે ભાષણ કરતા પણ જે સભાઓ પોતે ગોઠવેલી હોય તેમાં બીજા નેતાઓ પાસે પણ તેમ જ કરાવવાનો આગ્રહ રાખતા. ગાંધીજી પહેલાંની નેતાગીરીમાં અંગ્રેજીમાં ભાષણ કરવાનો રિવાજ હતો. સુરેન્દ્રનાથ બેનર્જીને એક વાર બંગાળનાં ગામડાંઓમાં બંગાળીમાં બોલવું પડેલું એ વાતનું એમને પોતાને જ એટલું કૌતુક હતું કે પોતાની આત્મકથામાં એને વિષે એક પ્રકરણ લખી નાખ્યું ‘હું બંગાળીમાં બોલ્યો!’ ગોધરાની રાજકીય પરિષદમાં ગાંધીજી ઝીણા પાસે ગુજરાતીમાં વ્યાખ્યાન કરાવવામાં સફળ થયા હતા એમ સાંભળી સરોજિની નાયડુએ ગાંધીજીને લખેલું કે તમે હિંદુ-મુસ્લિમ એકતા કરતાં અઘરું કામ પાર પાડ્યું કહેવાય ! ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદ આવ્યા ત્યારે તેઓ ગુજરાતી કરતાં અંગ્રેજી વધુ સારી લખતા. પણ તેમણે પોતાના ઘણા ખરા ગ્રંથો ગુજરાતીમાં જ લખ્યા છે. ગુજરાતી ભાષાના આગ્રહને લીધે તેઓ ગુજરાતીથી સામાન્ય જનતાના હૃદયમાં પ્રવેશ કરી શક્યા. વળી તેમની બોલવાની અને લખવાની ભાષા ખૂબ સરળ હતી. એનાથી તેઓ અભણ લોકો સુધી પણ પહોંચી શક્યા અને બીજી તરફ એમણે ગુજરાતી સાહિત્ય પર પણ એવો પ્રભાવ પાડ્યો કે એના ઇતિહાસમાં એક આખા કાળને ‘ગાંધીયુગ’ જ કહેવામાં આવ્યો. અહીં આપણે ખાસ તો એ વિષય પર ભાર દઈને કહેવા માગીએ છીએ કે ગાંધીજીએ માતૃભાષાના આગ્રહને લીધે દેશની સામાન્ય જનતામાં એકતાની ભાવના લાવવામાં મોટો ફાળો આપ્યો હતો. ગાંધીજીએ દેશમાં આવ્યા પછી કૉંગ્રેસ સંસ્થાને પોતાનું માધ્યમ બનાવીને કામ કર્યું હતું. એના વહેવારમાં પણ તેમણે પ્રાન્તોમાં માતૃભાષાઓનો અને પ્રાન્ત પ્રાન્ત વચ્ચેના સંબંધો વખતે હિંદી ભાષાના વહેવારનો આગ્રહ રાખ્યો હતો. હિંદી સાહિત્ય સંમેલન, નાગરી પ્રચારિણી સભા વગેરેની પ્રવૃત્તિઓમાં તેઓ રસ લેતા. અને દક્ષિણમાં હિંદીનો પ્રચાર કરવા સારુ તેમણે પોતાના સૌથી નાના દીકરા દેવદાસને ખાસ મોકલ્યા હતા. આખા દેશમાં અહિંદી ભાષીઓને રાષ્ટ્રભાષા શીખવામાં ગાંધીજીની પ્રેરણાએ બહુ મોટો ભાગ ભજવેલો. રાષ્ટ્રીય એકાત્મતાના ઘડતરની આ પણ એક ઈંટ હતી. અહીં એક વ્યક્તિગત કિસ્સો ટાંકવાની રજા લઉં છું. એક પ્રસંગે ગાંધીજીએ મને પૂછેલું કે તારે ભવિષ્યમાં શું કરવું છે? મેં તેમને કહ્યું કે ‘આપના કેટલાક સાથીઓ રાજકારણ કરે છે અને બીજા સાથીઓ રચનાત્મક કામમાં છે. મારે એ બંને વચ્ચેના સેતુ બનવું છે.’ ગાંધીજીએ એક ક્ષણના પણ વિલંબ વિના મને એને માટેનો પાઠ્યક્રમ સૂચવેલો: ‘એ તો બહુ સહેલું છે. તું એમ કર. ખાદીકામની બધી પ્રક્રિયાઓમાં પ્રવીણ બની જા, દેશ અને દેશની બધી ભાષાઓ શીખી લે !’ ગાંધીજીનો એ સહેલો પાઠ્યક્રમ અલબત હું ત્યાર પછી સાઠ વર્ષે પણ પૂરો કરવા નથી પામ્યો ! પરંતુ આ પાઠ્યક્રમમાં જ દેશની એકાત્મકતાની ચાવી પણ હતી એ સમજવું બહુ મુશ્કેલ નથી. દેશને એક જાગૃત રાષ્ટ્ર બનાવવા ગાંધીજીએ એક બીજો પણ પુરુષાર્થ કર્યો હતો. દેશની અર્ધોઅર્ધ વસ્તી સ્ત્રીઓની છે. જો સ્ત્રીઓ જાગૃત ન હોય તો અર્ધો દેશ ઊંઘતો રહે. ઉપરાંત દેશનાં બાળકોમાં પણ ચેતના લાવવાનું કામ મુખ્યત્વે એમની માતાઓ જ કરતી હોય છે. સ્ત્રીઓને રાષ્ટ્ર વિશે જાગૃત કરવાનું કામ ગાંધીજીએ કર્યું એટલું ભાગ્યે જ બીજા કોઈએ કર્યું હશે. સ્ત્રી-શિક્ષણના મહાન આચાર્ય મહર્ષિ કર્વેએ કહ્યું હતું કે ‘સ્ત્રીઓની જાગૃતિનું જેટલું કામ મેં અર્ધી સદીમાં કર્યું એટલું ગાંધીજીના નમક સત્યાગ્રહે કર્યું.’ સ્ત્રીઓમાં રાષ્ટ્રીયતાની ભાવના ભરવી એ ગાંધીજીના રાષ્ટ્રઘડતરના કામનું એક મહત્ત્વનું અંગ હતું. ‘અસ્પૃશ્ય’ કહેવાતા કરોડો લોકો સાથે દેશના ઘણા ખરા સવર્ણ હિંદુઓનો વહેવાર અત્યંત અન્યાયપૂર્ણ અને શરમજનક હતો. ઘણી જગાએ તો તેમને માણસમાં જ ગણવામાં આવતા નહોતા. ગાંધીજીએ અસ્પૃશ્યતાને હિંદુધર્મનું કલંક કહી. એમની ઉંમરના છેલ્લાં ૧૪ વર્ષો સુધી પોતાના મુખપત્રોને તેમણે કહેવાતા અસ્પૃશ્યોને પોતે આપેલા ‘હરિજન’ નામ સાથે જોડ્યા. ખાસ એમની સેવા સારુ તેમણે હરિજન સેવક સંઘની સ્થાપના કરી. પોતાના આશ્રમમાં અસ્પૃશ્યોનાં ગણાતાં મળમૂત્ર સફાઈનાં કામ, મુએલાં ઢોરનાં ચામડાં ચીરવાં અને ચંપલ-જોડા સીવવાનું કામ, વણાટકામ વગેરે કર્યાં કરાવ્યાં હતાં. કોચરબ આશ્રમમાં આવતાં વેંત તેમણે આશ્રમમાં એક અસ્પૃશ્ય કુટુંબને વસાવ્યું હતું અને તેને પરિણામે આર્થિક બહિષ્કાર અને બીજી બાજુ કુટુંબનો ક્લેશ વેઠવો પડે એવી સ્થિતિ આવી હતી. અનેક ઠેકાણે તેમને જાહેર સભાઓમાં સનાતનીઓ દ્વારા કાળા વાવટા વગેરે દેખાડવામાં આવ્યા હતા. તેમની સ્થાપેલી સંસ્થા આજ સુધી દલિતોને શિક્ષણ વગેરે કામો બાબત સહાયતા કરે છે. રાષ્ટ્ર-ઘડતરમાં ઊંચનીચના ભેદ ભુલાવવા તેમણે જે પ્રયાસો કર્યા તેના પરિણામે આ દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ તો નહોતી થઈ, પણ તે અપ્રતિષ્ઠિત તો થઈ જ ગઈ હતી. રાષ્ટ્રીય એકતાનો એક એવો જ બીજો પ્રયાસ પણ થયો જે અધૂરો રહ્યો હતો. તે હતો કોમી એખલાસનો પ્રયાસ. આ પ્રયાસમાં જ તેઓ પૂરા સફળ નહોતા થયા. છેવટે આ પ્રયાસમાં જ તેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. પણ આ અધૂરો કે પૂરો સફળ થયેલો પ્રયાસ પણ આ દેશને એક રાષ્ટ્રીયતા બક્ષવામાં મદદગાર જ નીવડ્યો હતો એમ કહી શકાય. કોમી એખલાસના હેતુથી તેમણે ખિલાફત આંદોલનમાં ભાગ લીધો હતો અને એ આંદોલનને શાંતિપૂર્ણ રાખવામાં તેઓ સફળ થયા હતા. એ જ હેતુથી તેમણે એક વાર ૨૧ દિવસના અને બે વાર આમરણ અનશન આદર્યા હતા. એને સારુ જ તેમણે નોઆખલી અને બિહારનાં ગામડાઓમાં અને કલકત્તા અને દિલ્હી જેવી મહાનગરીઓમાં જીવના જોખમે શાંતિ સ્થાપવાના પ્રયત્ન કર્યા હતા. અલબત્ત છેવટના પ્રયાસમાં તેમને સફળતા નહોતી સાંપડી પણ તેમણે ભાગલાને સ્વીકાર્યા નહોતા. ભાગલા પછી દેશે તેમને રાષ્ટ્રપિતા તરીકે સન્માન્યા હતા અને વિભાજિત દેશના બીજા ભાગે પણ એમને આદર માન જ આપ્યાં હતાં. દેશને એક રાષ્ટ્રનું રૂપ આપવા સારુ ગાંધીજીને ઘણા ક્ષેત્રોમાં ઘણીબધી રીતના પ્રયાસો કરવા પડ્યા હતા. વર્ગ, જાતિ, સંપ્રદાય, ભાષા, લિંગ વગેરેના ભેદોને કાઢવાના તેમણે જે મુખ્ય મુખ્ય પ્રયાસો કર્યા હતા તેનો ઉલ્લેખ આપણે આગળ ઉપર કરી ગયા. આ બધા પ્રયાસો પાછળ ગાંધીજીએ જે ઝીણવટભરી કાળજી દેખાડી હતી અને અનેક મતમતાન્તરો તથા અનેક પરસ્પર વિરોધી હિતો વચ્ચે પણ સમતુલા જાળવી રાખી સમગ્રના હિતમાં એક જૂથ કે સમૂહના હિતને કેવું ગૌણ રાખ્યું હતું તેનો વિચાર હવે કરીએ. ટૂંકમાં ગાંધીજીએ દેશને રાષ્ટ્રત્વ આપવાની પ્રક્રિયામાં કેવાં કેવાં ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો, તેનો વધુ વિચાર હવે કરીએ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી દેશમાં આવ્યા પછી એક વર્ષ સુધી તો ફરી ફરીને દેશને જોયો. તેઓ નાના મોટા અને જુદા જુદા હિતોનું પ્રતિનિધિત્વ કરતા આગેવાનોને મળ્યા. રાજનૈતિક પક્ષોની નાની મોટી બેઠકોમાં તેમણે મુખ્યત્વે નિરીક્ષક તરીકે ભાગ લીધો. આગગાડીના ત્રીજા વર્ગમાં તેમણે હજારો માઈલની મુસાફરી કરી. નાની નાની સભાઓથી માંડીને લાખોની મેદની જ્યાં ભેગી થતી તેવા કુંભમેળામાં પણ તેમણે હાજરી આપી. તેઓ ખેડૂતો, મજૂરો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ ને રાજવીઓને મળ્યા. દેશના લગભગ બધા પ્રાંતોમાં તેઓ ફરી વળ્યા અને બધી ભાષાઓ બોલનારાઓ જોડે તેમણે સંપર્ક સાધ્યો. આમ કરીને તેમણે દેશની પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો. જુદા જુદા રાજનૈતિક વિચારના લોકો જોડે તેમણે દેશની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી. આમ માહિતીથી સજ્જ થઈ તેમણે દેશ નેતાઓના વિચારો સાથે પોતાના દક્ષિણ આફ્રિકાના અનુભવોની સરખામણી કરી. બહારથી આવેલા આગેવાન તરીકે તેમણે તટસ્થ નિરીક્ષણ પણ કર્યું અને અનેક વર્ગો અને વિચારસરણીઓ વચ્ચે ફરી વળી અંદરથી નિરીક્ષણ પણ કર્યું. એક વર્ષમાં તેમણે સજ્જતા મેળવી. તેમનો સૌથી મોેટો અનુભવ સત્યાગ્રહનો હતો. અનાયાસ જ ૧૯૧૭-૧૮ના એક વર્ષમાં જ એમની સામે સત્યાગ્રહને અમલમાં મૂકવાના ત્રણ ત્રણ પ્રસંગો આવી ગયા. એ અનુભવ અને એ સજ્જતાને આધારે તેમણે આખા દેશ સામે જે પહેલો કાર્યક્રમ રજૂ કર્યો તે એવા વિષયને લઈને હતો કે કે જે બાબતમાં આખા દેશમાં સરખો રોષ હતો. - તે હતો રૉલેટ કાયદો. તેમણે કાર્યક્રમ પણ એવો આપ્યો કે જેમાં હિંદુ-મુસલમાન સ્ત્રી-પુરુષ સૌ ભળી શકે. પોતાના પરિવારમાં તેઓ વાર તહેવારે જે કરવાનો તેમને મહાવરો હતો તે જ આખા રાષ્ટ્રના વિરોધ પ્રદર્શન તરીકે કરવા તેમણે રાષ્ટ્રને અપીલ કરી. તે હતા ઉપવાસ કે રોજા. કોઈ કોઈ વાર પોતાના અંગત કે જૂથના હિતમાં જે સાધન લોકો વાપરતા હતા- હડતાળનું સાધન તેમણે તે એક નક્કી તારીખે આખા રાષ્ટ્રના પ્રતિકારના પ્રતીકરૂપ વાપરવાનું સૂચન કર્યું. ભારતની સંસ્કૃતિમાં ઉપવાસ ને રોજા, ભારતના મહાજનોની હડતાળ અને રાષ્ટ્રનો તે વખતનો ‘સળગતો પ્રશ્ન’ ત્રણે એમના કાર્યક્રમમાં ભેગા થયા તેથી તેમને ન કલ્પેલી એવી સફળતા લાધી. આજ કાળમાં તેમણે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. પ્રાંતે પ્રાંતથી એમાં ભેગા થનાર લોકોમાં જાતિ સંપ્રદાય કે ધર્મનો ભેદભાવ નહોતો. વિશ્વહિતને અવિરોધી એવી રાષ્ટ્ર સેવા એવો એ આશ્રમનો ઉદ્દેશ હતો, અને એને સારુ તૈયાર કરેલી નિમયાવલિમાં પહેલા પાંચ તો એવા હતા કે જે સર્વે ધર્મોએ ઉપદેશેલા હતા. માત્ર અત્યાર સુધી જે નિયમો કે વ્રતોને વ્યક્તિ પૂરતા માનવામાં આવતા હતા તે વ્રતોને સર્વજન હિતાય વાપરવાના પ્રયાસ થયા. ગાંધી જે કહેતા હતા તે કરતા પણ હતા, ગાંધીની આ પારદર્શક ઇમાનદારીએ એમને રાષ્ટ્રમાં એક અનોખું સ્થાન અપાવ્યું. આ સત્યાગ્રહ એ રાષ્ટ્રનું એક અત્યંત લઘુરૂપ જ હતું. દેશની સ્વાધીનતા એનો હેતુ હતો, સત્યાગ્રહ એને માટેનો કાર્યક્રમ હતો. એમાં ભળનારાં લોકોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિનાનો એકાત્મ ભાવ હતો. ગાંધીજીએ પોતાના વર્ષભરના નિરીક્ષણકાળમાં એ પણ જોયું કે આખા દેશની સ્વાધીનતાનો ઉદ્દેશ સામે રાખીને ચાલનાર કૉંગ્રેસ એ એક જ એવી રાષ્ટ્રીય સંસ્થા હતી કે જેની આગળ કોઈ બીજું હિત આડું આવે એમ નહોતું. મુસ્લિમ લીગ કે હિંદુ મહાસભાની માફક તે કોઈ એક હિતની સમર્થક સંસ્થા નહોતી, એ આખા રાષ્ટ્રનું હિત તાકતી હતી. માત્ર એ સંસ્થા હજી સુધી દેશના એક ભણેલા ગણેલા નાનકડા વર્ગનું જ પ્રતિનિધિત્વ ધરાવતી હતી, એને વિશાળ જન સમુદાયનો ટેકો નહોતો. અને એ વર્ષમાં એક વાર ભેગી થઈને ઠરાવો કરવા સિવાય બીજું કાંઈ કરતી પણ નહોતી. એ લોકોની ભાષામાં બોલતી પણ નહોતી. મુખ્યત્વે લોકમાન્ય તિલકના આગ્રહથી ગાંધીજીને આવી કૉંગ્રેસનું બંધારણ ઘડવાનું કામ સોંપાયું અને તેમણે એવું બંધારણ ઘડી આપ્યું કે જેથી કૉંગ્રેસની કાયા જ પલટાઈ જાય. તેમણે કૉંગ્રેસને આખું વર્ષ કામ કરનારી સંસ્થાનું બંધારણ આપ્યું. તેમણે તેનું સભ્યપદ જે કૉંગ્રેસના ઉદ્દેશ માને અને ચાર આનાનું લવાજમ ભરે તેવા સૌ કોઈ માટે ખુલ્લુ મૂક્યું. કૉંગ્રેસના બબ્બે અધિવેશનોના મંથનને અંતે ગાંધીજીએ તેને અસહકારનો કાર્યક્રમ આપ્યો. આ કાર્યક્રમથી દેશમાં જાણે વીજળી દોડી ગઈ. રાષ્ટ્રની મુક્તિ માટે રાષ્ટ્રનો સામાન્ય નાગરિક પણ પોતાના ગજા મુજબનો કરી શકે એવો એ કાર્યક્રમ હતો. દેશમાં પહેલી વાર અંગ્રેજો વિષે ફરિયાદ કરનારાઓએ અંગ્રેજોના આપેલા માન અકરામ છોડ્યા. પહેલી વાર ભણેલોગણેલો મધ્યમ વર્ગ જેલ જતો થયો. દેશમાં પહેલી વાર વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ દેશની મુક્તિ કાજે પોતાનાં વિદ્યાલયો, મહાવિદ્યાલયો છોડયાં. અને ત્યાગના આંદોલનો જેટલાં લોકોને એકબીજાની નજીક લાવે છે, એટલી ભોગ ભોગવવાની પ્રવૃત્તિઓ કદી નથી લાવતી. રાષ્ટ્રીયતાની ભાવના જેટલી જેલોમાં કે સરઘસોમાં લાઠીઓ ઝીલતાં ખીલી હશે એટલી ભાગ્યે જ બીજે ક્યાંય ખીલી હશે. રાષ્ટ્રપિતાએ આપેલો કાર્યક્રમ જ દેશને રાષ્ટ્ર બનાવવામાં પોષક થાય એવો હતો. એકાત્મતા કેવળ આખા રાષ્ટ્રને આવરી લેનારી હોય એટલું પૂરતું નહોતું. જે સંસ્થા મારફત રાષ્ટ્રીયતા સાધવાની હતી તે સંસ્થામાં પૂરી એકાત્મભાવના ખીલે એ જરૂરી હતું. કૉંગ્રેસમાં તિરાડ પડે એવા કમસે કમ ત્રણ પ્રસંગોએ ગાંધીજીની કુશળતાએ એમના વ્યક્તિત્વે અને એમની ઉદારતાએ એવી તિરાડ પડતી ટળી ગઈ હતી. ૧૯૨૨થી ૧૯૨૪ સુધી ગાંધીજી જ્યારે જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે કૉંગ્રેસ કાર્યકર્તાઓ ફેરવાદીઓ અને નાફેરવાદીઓમાં વહેંચાઈ ગયા હતા. ના-ફેરવાદીઓ એમ માનતા હતા કે કૉંગ્રેસે અસહકારનો અને રચનાત્મક કામોનો ગયા કૉંગ્રેસમાં નક્કી કરેલો કાર્યક્રમ ચાલુ રાખવો, એમાં કોઈ ફેરફાર થવો ન જોઈએ. નાફેરવાદીઓમાં ચક્રવર્તી રાજાગોપાલાચારી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મહાદેવ દેસાઈ, જમનાલાલ બજાજ જેવા લોકો હતા. ફેરવાદીઓ માનતા હતા કે કાઉન્સિલોના બહિષ્કારનો કાર્યક્રમ પડતો મૂકવો જોઈએ અને કાઉન્સિલની અંદર પ્રવેશ કરી અંદરથી સ્વરાજ માટે લડવું જોઈએ. આવું માનનારાઓમાં, ચિત્તરંજન દાસ, મોતીલાલ નહેરુ, વિઠ્ઠલભાઈ પટેલ વગેરે બુઝુર્ગો મુખ્ય હતા. આ મતભેદ કોઈ કોઈ વાર પરસ્પર વિરોધી તીવ્ર નિવેદનો બહાર પાડવા સુધી પહોંચી જતો હતો. ફેરવાદીઓએ તો સ્વતંત્ર સ્વરાજ પાર્ટી નામનો પક્ષ સ્થાપી કાઉન્સિલમાં જઈને કૉંગ્રેસને ટેકો આપવા સુધીની પ્રવૃત્તિઓ કરી હતી. ગાંધીજી પોતે જેલમાં હતા ત્યારે કોઈ પણ પ્રકારના રાજકારણી પ્રશ્ન અંગે અભિપ્રાય ન આપવો એવી શિસ્તને માનતા હતા. પણ બીમારીને કારણે ગાંધીજીને બિનશરતે વહેલા છોડી દેવામાં આવ્યા ત્યારે આ બંને વિચારધારાના લોકો ગાંધીજીનો અભિપ્રાય પૂછવા લાગ્યા. ના-ફેરવાદીઓને તો એવી આશા હતી કે તેઓ ગાંધીજીનો બતાવેલો કાર્યક્રમ જ ચાલુ રાખવા કહેતા હતા, એટલે ગાંધીજીનો એમને જ સો ટકા ટેકો હશે. પણ ગાંધીજી ગતિશીલ માણસ હતા. તેથી એમણે આખી પરિસ્થિતિને જોઈ બંને પક્ષોને પોતપોતાના કાર્યક્રમો ચાલુ રાખવા સલાહ આપી. જેને કાઉન્સિલમાં જવું હોય તે તેમ કરે અને જેમને જેલમાં જવું કે રચનાત્મક કાર્યક્રમોમાં પડવું હોય તે તેમ કરે. ના-ફેરવાદીઓ આ નિર્ણયથી થોડા નિરાશ તો થયા હશે, પણ એ લોકોની ગાંધીજી પ્રત્યેની શ્રદ્ધા એટલી ઊંડી હતી કે થોડા વખતમાં જ એ નિરાશાને ઝાટકી કાઢી તેઓ રચનાત્મક પ્રવૃત્તિઓમાં કે લોકજાગૃતિનાં કામોમાં ગૂંથાઈ ગયા. એનાથી ઊલટું જો ગાંધીજીએ ના-ફેરવાદીઓની વાત જ માન્ય રાખી હોત તો કદાચ તેમને દેશના ઘણા મોટા નેતાઓનો સાથ કાયમ માટે ગુમાવવો પડ્યો હોત. બાંધછોડ કરવી એ પણ સત્યાગ્રહનો એક ભાગ છે. એ કયે અવસરે, કયા મુદ્દાને લઈને કરવી, શું છોડવું અને શાને વળગી રહેવું એ એક કળાનો વિષય છે. આ કળા અંગે પણ ગાંધીજીએ એક પરંપરા ઊભી કરી હતી. કોઈક બાંધછોડથી ઘણીવાર ગાંધીજીના સાથીઓ મૂંઝાતા, પણ લાંબે ગાળે તેઓ જોતા કે એ બાંધછોડમાં જ ડહાપણ હતું. જે વખતે ગાંધીજીએ કાઉન્સિલ પ્રવેશ અને અસહકાર કે રચનાત્મક કામ બંનેને સાથે ચલાવવાની અનુમતિ આપી તે વખતે અસહકાર આંદોલન શિથિલ થઈ ગયું હતું. ખિલાફત આંદોલન તો બંધ જ પડી ચૂક્યું હતું. એટલે મૂએલા ઢોરનું પૂછડું આમળીને ઊભું કરવાના પ્રયાસને બદલે સૌ સાથીઓને પોતપોતાની રુચિ મુજબનું કામ સોંપી ગાંધીજીએ કૉંગ્રેસમાં એક મોટી તિરાડ પડતી ખાળી દીધી હતી. લગભગ આ જ કાળમાં ગાંધીજીએ એક બીજી બાંધછોડ પણ કરી હતી. એમના મનમાં તે વખતે એક ક્રાંતિકારી વિચાર સૂઝેલો. તે વિચાર હતો શ્રમ-મતદાનનો. કૉંગ્રેસના સભ્ય થવા સારુ પૈસા ભરવાને બદલે કૉંગ્રેસીઓ પોતાના હાથે કાંતેલું સૂતર આપી સાવ અકિંચન વ્યક્તિ સારુ પણ કૉંગ્રેસમાં સક્રિયપણે ભળવાનું શક્ય કરે, અને મોટે ભાગે બેઠાડુ જીવન કે નર્યું બૌદ્ધિક જીવન જીવનારાઓમાં પણ શ્રમ પ્રત્યે રુચિ વધે અને એમ સમાજના બે મોટા વર્ગો શ્રમિક અને બૌદ્ધિકો વચ્ચેની ખાઈ ઘટે એવી એમની ઇચ્છા હતી. આ બાબત પણ ગાંધીજીને બાંધછોડ કરવી પડી હતી. પોતાના હાથે કાંતેલા સૂતરને બદલે બીજા કોઈનું કાંતેલું સૂતર પણ લઈ શકાય, અને છેવટે એ સૂતર ખરીદી પણ શકાય એટલે સુધી ગાંધીજી ઢીલું મૂકતા ગયા. એની પાછળ પણ પંડિત મોતીલાલજી, ચિત્તરંજન દાસ કે વિઠ્ઠલભાઈ જેવાને ગુમાવવા ન પડે એવી વૃત્તિ હશે કદાચ, વળી તેમણે એ પણ જોયું હશે કે નાફેરવાદીઓમાંથી પણ જવાહરલાલજી જેવાઓને કાંતણ બાબતમાં ખાસ શ્રદ્ધા કે રસ નહોતાં. એટલે પણ ગાંધીજીએ આ શરતનો આગ્રહ છોડ્યો હશે. જોકે એટલું કબૂલ કરવું જોઈએ કે આ બાંધછોડ કરી તેથી કૉંગ્રેસે વર્ગનિરાકરણની દિશામાં એક મોટું સાંકેતિક પગલું ભરવાની તક ગુમાવી હતી. લગભગ આ જ પ્રકારનો પ્રશ્ન કૉંગ્રેસ આગળ અંગ્રેજ સરકારના ૧૯૩૫ના બંધારણ સુધારાઓ પછી ઉપસ્થિત થયો હતો. ત્યાર સુધીના કૉંગ્રેસના કાર્યક્રમોમાં મુખ્ય પ્રવૃત્તિ ધારાસભાઓ વગેરેમાં ન જવાની હતી. જોકે સ્વરાજ પાર્ટી જાણીતા કૉંગ્રેસજનોની જ બનેલી હતી અને એણે કેન્દ્રીય ધારાસભામાં પ્રવેશીને દેશ અને દુનિયા આગળ પોતાની હસ્તી પરખાવી દીધી હતી. પણ સામાન્યપણે કૉંગ્રેસ જેમાં અંગ્રેજ સરકારની દખલગીરી થઈ શકે એમ હોય એવાં સત્તાસ્થાનોથી દૂર રહેતી હતી. ૧૯૩૫માં બંધારણ સુધારાએ પહેલા કરતાં ઘણાં વધારે લોકોને મતદાનનો અધિકાર આપ્યો હતો. અલબત્ત એ પુખ્તમતાધિકારથી ઘણો ઓછો હતો, પણ છતાંય લોકશાહી તરફનું એ એક ચોક્કસ પગલું હતું. આ બાબત કૉંગ્રેસે ઝંપલાવવું કે નહીં એ પ્રશ્ન ૧૯૩૦-૩૪ના મોટા આંદોલન પછી ઊભો થયો હતો. પંડિત જવાહરલાલજી સહિત ઘણા સમાજવાદી આગેવાનો આ ચૂંટણીમાં ભળવાનો સિદ્ધાંતની રીતે વિરોધ કરતા હતા. કૉંગ્રેસ કારાબોરી અને એની એથી મોટી સમિતિઓની બેઠકોમાં ગાંધીજીને એ ગંધ આવી ગઈ હતી કે મોટાભાગના કૉંગ્રેસીઓને આવા મર્યાદિત હકોવાળી ધારાસભાઓમાં પણ જવામાં રસ હતો. વળી સમાજવાદીઓનો વિરોધ પણ મુખ્યત્વે છેવટના નિર્ણયો કરવાનો હક પ્રાન્તિક પ્રધાન મંડળોને નહીં, પણ તે પ્રદેશના સરકારે મૂકેલા ગવર્નરોના હાથમાં રહેતો હતો, એને અંગે હતો. આ બાબત ગાંધીજીની વાઇસરૉય સાથે મસલતો થઈ. વાઇસરૉય એમ સમજાવવા પ્રયત્ન કરતા હતા કે આ શરત તો માત્ર કટોકટી વખતની જ જોગવાઈ છે, અને એ અધિકારનો ઉપયોગ ગવર્નરો લોકોએ ચૂંટેલા પ્રધાન મંડળોની વિરુદ્ધ જઈને સામાન્યપણે નહીં કરે. ઠીક ઠીક લાંબી વાટાઘાટોને અંતે ગાંધીજીએ આ વાતને સજ્જનો વચ્ચેની મૌખિક સમજૂતી તરીકે માન્ય રાખી અને કૉંગ્રેસ સારુ પ્રધાનમંડળો રચવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. આ મતભેદ એવો મોટો નહોતો કે જેથી ધારાસભામાં પ્રવેશ કરવામાં માનનારા અને ન માનનારા વચ્ચે તિરાડ પડી જાય. તેથી ગાંધીજીએ કરેલા સમાધાનથી મોટી તિરાડ પડી નહોતી. કોઈ મોટી કટોકટી આવે તો ગાંધીજી પાસે એમનાં હુકમના પત્તા તરીકે સત્યાગ્રહ તો હમેશાં હતો જ. અને જ્યાં સુધી ગાંધીજીનું નેતૃત્વ છે, ત્યાં સુધી એ પત્તાનો ઉપયોગ વિવેકપૂર્વક પણ અસરકારક રીતે થઈ શકશે એમ સૌ કૉંગ્રેસીઓ જાણતા હતા. તેથી આ મતભેદો અને ગાંધીજીએ શોધેલા એના સમાધાનને લીધે કૉંગ્રેસને ખાસ નુકસાન વેઠવું નહોતું પડ્યું. હા, એટલું જરૂર કહી શકાય કે પ્રધાનમંડળ રચવાં કે નહીં એ બાબતમાં નિર્ણય કરવામાં કૉંગ્રેસે જે વિલંબ કર્યો તેનો લાભ બીજા પક્ષોએ સરકારી તંત્રોમાં ઘૂસી જઈને લીધો હતો. બીજી બાજુથી મહાયુદ્ધ વખતે કૉંગ્રેસી પ્રધાનમંડળો સાથે કશી મસલત કર્યા વિના વાઈસરૉયે હિંદને યુદ્ધમાં ‘સાથી રાજ્યો’ને પક્ષે હોવાનું જાહેર કર્યું એ મુદ્દા પર છેવટે કૉંગ્રેસનાં બધાં પ્રધાનમંડળોએ રાજીનામું આપીને સત્યાગ્રહ પણ કર્યો હતો. ઠેઠ ૧૯૨૮-૧૯૨૯માં કૉંગ્રેસમાં એક એવો વિવાદ જાગ્યો હતો કે જેની નોંધ પણ લેવી ઘટે. ૧૯૨૭માં પંડિત જવાહરલાલજીએ યુરોપ યાત્રાથી પાછા આવ્યા બાદ સમાજવાદી વિચારોથી પ્રેરિત થઈને કૉંગ્રેસને સમાજવાદી રંગ ચડાવવાના પ્રયત્નો કરવા માંડ્યા હતા. કૉંગ્રેસના જુવાન સભ્યોને આ સુધારાઓ અને આ ભાષા અંગે વિશેષ આકર્ષણ હતું. કૉંગ્રેસમાં જવાહરલાલજીના નેતૃત્વનો ઉદય ત્યારથી થયો એમ કહી શકાય. મદ્રાસની કૉંગ્રેસ વખતે કૉંગ્રેસનું ધ્યેય પૂર્ણ સ્વરાજ છે એવો ઠરાવ પસાર થઈ ગયો. જોકે એ બાબત વડીલોની સલાહ લેવાઈ હોય એમ લાગતું નહોતું. ત્યારપછીના કાળમાં દેશની માગણી બાબત મોતીલાલ નહેરુ ખૂબ સક્રિય હતા. તેમની આગેવાની હેઠળ જે નહેરુ સમિતિ બની હતી, એણે દેશના અનેક જુદા જુદા સંગઠનોને સાથે રાખીને એક સર્વસમ્મત માગણી તૈયાર કરી હતી. જેમાં છેવટનો ઉદ્દેશ ડોમિનિયન સ્ટેટસ, એટલે કે સાંસ્થાનિક સ્વરાજ એવો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાં સુધી બધા પક્ષોને પહોંચાડવામાંયે મોતીલાલજીને સારી પેઠે મહેનત કરવી પડી હતી. પણ સાવ છેવટની એક બેઠકમાં કૉંગ્રેસ તો પૂર્ણ સ્વરાજનાં ઉદ્દેશનો ઠરાવ પસાર કરી ચૂકી છે, એટલે ડોમિનિયન સ્ટેટસને સ્વીકારવું એ પીછેહઠ થશે એવો મુદ્દો ઉઠાવી, ખાસ કરીને જવાહરલાલજીએ અસમ્મતિ દેખાડી હતી. અલબત્ત આખા રિપૉર્ટનો વિરોધ કરીને એને તોડી પાડવા સુધી આ જુવાનિયાઓ નહોતા ગયા. આમ કૉંગ્રેસ સામે મડાગાંઠ ઊભી થઈ હતી. જેમાં નહેરુ પિતા-પુત્ર સામસામા ઊભા હતા. ૧૯૨૮ના ડિસેમ્બરમાં કલકત્તાની કૉંગ્રેસમાં આ પ્રશ્ન ચર્ચાવાનો હતો. બંગાળના નિમંત્રણને લીધે એ કૉંગ્રેસમાં પ્રમુખ તરીકે પં.મોતીલાલજીની વરણી થઈ હતી. અને એમનો વિરોધ કરનાર એમના પુત્રને મોટો ટેકો હતો બંગાળના યુવા નેતા સુભાષચંદ્ર બોઝનો. મોતીલાલજીના આગ્રહથી ગાંધીજી આ બાબતમાં વચ્ચે પડ્યા હતા. છેવટે તેમણે એમ સમાધાન કરાવ્યું હતું કે એક વર્ષ સુધી કૉંગ્રેસનું ધ્યેય ડેમિનિયન સ્ટેટસનું રાખવું અને એક વર્ષમાં જો ડોમિનિયન સ્ટેટસ ન આપવામાં આવે તો કૉંગ્રેસે પોતાનું ધ્યેય પૂર્ણ સ્વરાજનું જાહેર કરીને એને સારુ લડત ઉપાડવી. એક વર્ષના ગાળાનો ઉપયોગ આ મોટી લડાઈની તૈયારીમાં વાપરવાનું પણ નક્કી થયું હતું. અલબત્ત એ એક વર્ષને અંતે ડોમિનિયન સ્ટેટસ આપવામાં આવ્યું નહોતું. કૉંગ્રેસનો ઉદ્દેશ પૂર્ણ સ્વરાજનો ઘોષિત કરવામાં આવ્યો હતો અને મોતીલાલજીએ પ્રમુખપણાનો ભાર લાહોરમાં પોતાના પુત્રને માથે નાખ્યો હતો! અલબત્ત તે વખતે કૉંગ્રેસના વાસ્તવિક નેતા તો ગાંધીજી જ હતા, કારણ રાષ્ટ્રવ્યાપી સવિનયભંગની લડાઈ ચલાવવાનો જે ઠરાવ થયો એને અંગેના સર્વ નિર્ણયો કરવા અને એ ચળવળનું નેતૃત્વ કરવાનો બધો ભાર ગાંધીજીને શિરે નાખવામાં આવ્યો હતો. પણ ૧૯૨૮-૧૯૨૯ની કૉંગ્રેસની કટોકટીને ટાળીને કૉંગ્રેસના વડીલો અને યુવાનોના જૂથોને સાથે રાખવાનું કામ પણ ગાંધીજીએ જ સિદ્ધ કર્યું હતું. ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે એકી અવાજે સ્વીકારવાની પાછળ એમની મોટી મોટી સિદ્ધિઓ ઉપરાંત આવી નાની નાની સિદ્ધિઓ પણ કામ કરતી હશે, એમ માનવું પડે છે. રાષ્ટ્રપિતા બનાવવા પાછળ સૌથી મોટા કોઈ તત્ત્વે કામ કર્યું હોય તો ગુલામ દેશને આઝાદીના આંગણા સુધી પહોંચાડી દેનારા આંદોલનની ગાંધીજીએ આગેવાની કરી હતી, એ હતું. કૉંગ્રેસના પ્રમુખ તરીકે તો ગાંધીજી માત્ર એક જ વર્ષ ૧૯૨૪-૨૫માં રહ્યા હતા. એ વર્ષે કૉંગ્રેસના ઇતિહાસમાં કોઈ ખાસ ઝળહળતી જીત અપાવનાર વર્ષ નહોતું. કૉંગ્રેસ પ્રમુખ તરીકે ગાંધીજીએ તે વર્ષે રચનાત્મક કાર્યક્રમ પર જ વધુમાં વધુ ભાર મૂક્યો હતો, અને સીધી રાજનૈતિક પ્રવૃત્તિઓમાં તેઓ ઝાઝુ નહોતા પડ્યા. પણ ઇતિહાસ એ બાબતોનો સાક્ષી છે કે ૧૯૧૯થી માંડીને ૧૯૪૫ સુધી તો ગાંધીજી જ કૉંગ્રેસના ‘સર્વેસર્વા’ હતા. લગભગ ત્રણ દાયકાના આ ગાળામાં ઘણાં ભરતી ઓટ આવ્યાં ગયાં હતાં. પરંતુ એ બધાં ભરતી-ઓટોની વચ્ચે, એ બધાં ચઢાવ-ઉતારની વચ્ચે નિર્ણાયક નેતૃત્વ તો ગાંધીજીનું જ રહ્યું હતું. આનું કદાચ સૌથી મોટું કારણ એ હતું કે ગાંધીજીએ દેશને એક નક્કર કાર્યક્રમ સુઝાડ્યો. એ કાર્યક્રમ ચલવી બતાવ્યો. અને એની બધી સફળતા-વિફળતાની જવાબદારી એમણે પોતાને માથે લીધી હતી. ગાંધીજીએ દેશને તમોગુણની નિદ્રામાંથી સૂતેલો જગાડી અને રજોગુણની ચેતના આપી હતી અને પોતાના વ્યક્તિત્વ, કાર્યક્રમ અને જીવનદર્શન દ્વારા એ રજોગુણ પ્રેરિત સત્ત્વગુણનો ઓપ ચડાવ્યો હતો. એમ તો અસહકારના આંદોલનનું પ્રત્યક્ષ નેતૃત્વ જ ગાંધીજીએ પોતે સાંભળ્યું હતું. એને સ્થગિત કરવાની જવાબદારી પણ એમણે પોતાને માથે લીધી હતી. દેશના એક ખૂણે-ચૌરી ચૌરામાં થયેલી હિંસાની જવાબદારી પોતાને માથે લઈને તેમણે ઉપવાસ કર્યા હતા. આંદોલન સ્થગિત રાખવાથી દેશમાં અસંતોષનું જે મોજું ફરી વળ્યું હતું તેનો લાભ લઈને અંગ્રેજ સરકારે ગાંધીજીની ધરપકડ કરી હતી અને તેમને છ વરસની જેલની સજા ફટકારી દીધી હતી. એમને આંદોલનથી વિખૂટા પાડવાનું કે એમની લોકપ્રિયતામાં વરસોનાં વિયોગથી ઉતાર લાવવાની અંગ્રેજોની હોંશ એનાથી કામયાબ નીવડી નહોતી. ગાંધીજીને પોતાની જેલમાં મરવા દેવા જેટલી નૈતિક હિંમત અંગ્રેજ સરકારની નહોતી તેથી એપેન્ડિક્સના ઑપરેશન પછી તેમને વધુ વખત જેલમાં ન રાખતાં છોડી દીધા હતા. જેલમાંથી છૂટ્યા ત્યારે કૉંગ્રેસમાં મતભેદો અને દેશમાં કોમી હુલ્લડોનું વાતાવરણ હતું. છૂટીને આવ્યા પછી ટૂંક ગાળામાં જ કોમી એખલાસ અંગે ૨૧ દિવસના અનશન કરીને અને ત્યારબાદ ફેરવાદી-નાફેરવાદીઓ વચ્ચે સમાધાન કરાવીને ગાંધીજીએ માત્ર કૉંગ્રેસને જ નહીં પણ આખા દેશને સાચે રસ્તે વાળ્યો હતો. જ્યારે જ્યારે પણ આંદોલનમાં ઓટ આવે અથવા જ્યારે જ્યારે પણ નવું આંદોલન છેડવાનો વારો આવે ત્યારે કૉંગ્રેસને ગાંધીજીની યાદ આવતી. આંદોલન અંગે સરખું માર્ગદર્શન આપે અને આખા દેશને પોતાની સાથે રાખે એવા વડીલ કૉંગ્રેસ પાસે ગાંધીજી જ હતા. મોટાં આંદોલનોની વચ્ચે વાઈકોમ, બોરસદ, બારડોલી જેવાં સ્થાનિક પણ આખો દેશ જેની તરફ મીટ માંડીને જોઈ રહેતો એવા સત્યાગ્રહો ચાલતા રહ્યા. યજ્ઞની વેદી કદી ઓલવાઈ નહીં. ગાંધીજીએ જરાક ફૂંક મારી ત્યાં તેની જ્વાળાઓ ગગનચુંબી થઈ જ છે. ૧૯૩૦ વખતે જુવાન કૉંગ્રેસીઓનો ઉત્સાહ ગાંધીજીને આંબી જાય તેવો હતો. સુભાષબાબુ જેવા ઉત્સાહી આગેવાનોએ તો કૉંગ્રેસે જ્યારે રાષ્ટ્રવ્યાપી સવિનય ભંગનો ઠરાવ મૂક્યો ત્યારે એક વૈકલ્પિક સમાનાન્તર સરકાર જ રચવી જોઈએ તેવો ઠરાવ મૂક્યો હતો. પણ કૉંગ્રેસને ખાતરી હતી કે દેશની નાડ તો ગાંધીજી જ પારખે છે. એટલે સવિનય ભંગનો ઠરાવ થયો અને પ્રમુખ જવાહરલાલજીએ ગાંધીજીને એનું નેતૃત્વ કરવાની વિનંતી કરી. ગાંધી અરવિન વાટાઘાટો વખતે આખી કૉંગ્રેસ કારોબારી દિલ્હીમાં બેસતી. અર્ધી રાતે આવીને પણ ગાંધીજી કારોબારીના સભ્યો આગળ તે તે દિવસની વાટાઘાટોનો અહેવાલ રજૂ કરતા. ગાંધીજી જે નિર્ણયો તરફ આગળ વધી રહ્યા હતા. તે બાબત કારોબારીમાં પણ મતભેદો હતા. પં. જવાહરલાલજી અને સરદાર પટેલ જેવા મુખ્ય આગેવાનોને બે અલગ અલગ મુદ્દાઓ અંગે ગાંધીજી સાથે મતભેદો હતા. પણ બંનેને ગાંધીજીના શાણપણ અંગે શ્રદ્ધા હતી. બંનેને એ વાતનો પણ બરાબર અહેસાસ હતો કે દેશની નાડ ગાંધીજી જેટલી પારખે છે, એવી બીજી કોઈ પારખી શકતું નથી અને બંનેમાં ગાંધીજી દ્વારા જે સમાધાન નક્કી કરવામાં આવે તેમાં પૂરેપૂરી વફાદારી અને સચ્ચાઈથી અમલ કરવાની શિસ્ત હતી. ગોળમેજી પરિષદ વખતે એમ તો સીધું યુદ્ધ ખેલવા જવાનું નહોતું. મુત્સદ્દીગીરીની વાટાઘાટોમાં ગાંધીજીથી ચડી જાય એવા લોકો પણ કૉંગ્રેસ પાસે હતા. પણ કૉંગ્રેસને એ ભાન હતું કે ગોળમેજી પરિષદ પણ આખરે તો લડાઈની અધવચ્ચે જ ભરાઈ રહી હતી. અને લડાઈ વખતે નેતૃત્વ કરી શકે એવો તો એક જણનો જ અવાજ હતો. તે વખતે અંગ્રેજો આગળ એક જ સૂર રજૂ થવો જોઈએ. ભિન્ન ભિન્ન સૂરો નહીં. અને એ એક સૂર તો ગાંધીજીનો જ હોઈ શકે એની કૉંગ્રેસને ખાતરી હતી. તેથી જ્યારે શહેનશાહના નિમંત્રણથી અને પસંદગીથી, અનેક ચોમાસામાં ઊગી નીકળેલા ઘાસ જેવા પક્ષોના પ્રતિનિધિઓની હાજરી પરિષદ છલકાવતી હતી ત્યારે દેશના સૌથી મોટા પક્ષના ત્યાં એકમાત્ર એક જ પ્રતિનિધિ હાજર હતા. અને મુત્સદ્દીગીરીના બધા આટાપાટા વચ્ચે પણ બીજા પ્રતિનિધિઓ અને અંગ્રેજ સરકારની નજર પણ એ રમતના સૂર પાટા પર ઊભેલા ગાંધી તરફ જ મંડાયેલી રહેતી. સૌ વિરોધીઓને પણ એનો વિરોધ કરવામાં જ જાણે કે વધુ રસ હતો. કારણ કે બધા જાણતા હતા કે છેવટે તો એનો અવાજ જ રાષ્ટ્રનો અવાજ છે. એ વાટાઘાટો નિષ્ફળ ગઈ. ઇંગ્લેન્ડમાં ગાંધીજીએ ગાળેલા ત્રણ માસનો ઉપયોગ તેમણે ગોળમેજી પરિષદ અને એની ઉપસમિતિઓમાં જેટલો કર્યો એના કરતાં ઇંગ્લેન્ડની પ્રજાના વિવિધ વર્ગોને મળવામાં, એમનાં દિલ જીતવામાં વધુ કર્યો હતો. સોળ વર્ષ પછી ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ભારતને સ્વતંત્રતા આપવાનો ઠરાવ થયો ત્યારે પણ પાર્લામેન્ટ પાસે આવો નિર્ણય કરાવવા પાછળ એક મોટું તત્ત્વ ગોળમેજી પરિષદ વખતે ગાંધીજીએ ઈંગ્લેન્ડની પ્રજાનું દિલ જીતવાનું કામ કર્યું તે હતું. ગાંધીજી ભારત આવ્યા. એમના જ શબ્દોમાં કહીએ તો ખાલી હાથે, પણ મેલા હાથે નહીં. પછી ચાલેલું બે વર્ષ લાંબું આંદોલન બાહ્ય દૃષ્ટિએ આમ તો અસફળ જ ગણાય એવું હતું. પણ એ આંદોલને આ દેશમાં એક અમર રાષ્ટ્રભાવના મૂકી દીધી. અને રાષ્ટ્ર જાણતું હતું કે એ ભાવ જગાડવા પાછળ સૌથી મોટું પ્રેરકતત્ત્વ ગાંધીનું હતું. એ તત્ત્વ એવું હતું કે જે નબળાને બેઠા કરીને ત્યાગ-બલિદાન કરતાં કરી શકે. એ તત્ત્વ એવું પણ હતું કે જે રાષ્ટ્રને પોતાની નાની મોટી ભૂલો કે પાપોને અંગે સભાન કરી શકે, રાષ્ટ્રના અંતરાત્માનો વિવેક જગાડી શકે. આ કાળ દરમિયાન ગાંધીજીના એક ઉપવાસે દેશમાં અસ્પૃશ્યતાને અપ્રતિષ્ઠિત કરી. બીજા ઉપવાસે સત્યાગ્રહીઓમાં આત્મચિંતન અને આત્મશુદ્ધિ કરવાની પ્રેરણા દીધી. એ કાળ દરમિયાન ગાંધીજીની યાત્રાએ આખા દેશમાં ફરીવાર ચેતન લાવી દીધું. ફરી એક નિરાશાનો કાળ આવ્યો, સર સ્ટેફર્ડ ક્રિપ્સના મિશનની સર્વાંગીણ નિષ્ફળતા પછી. ક્રિપ્સના આવતાં પહેલાં બ્રિટિશ પ્રચાર માધ્યમોએ એવું વાતાવરણ ઊભું કર્યું હતું કે જાણે કે તેઓ સ્વરાજ આપવા જ આવતા ન હોય. પણ ક્રિપ્સ ખોટી તારીખનો ચેક આપીને ગયા. ત્યાર પછી દેશમાં ફરી નિરાશા ફરી વળી. ઘર આંગણે વાગતાં મહાયુદ્ધના વાજિંત્રોએ એ નિરાશામાં ઘોડાપૂર આણી દીધાં પણ ‘ભારત છોડો’ના ગાંધીજીના એક જ પડકારે એ નિરાશા ક્યાંય અદૃશ્ય થઈ ગઈ. ફરી પાછી નિરાશા આવી ગાંધીજીના આગાખાન મહેલના ૨૧ દિવસના ઉપવાસમાં. એ નિરાશા અંગે પોતે કાંઈ ન કરી શકવા અંગેની લાચારી બાબત ચિત્કાર હતો. સિમલા કૉન્ફરન્સો વખતે ગાંધીજી સભ્ય તરીકે હાજર નહોતા, પણ એમની સલાહને માત્ર કૉંગ્રેસ નહીં પણ સરકાર અને મુસ્લિમલીગ પણ એટલું જ મહત્ત્વ આપતી હતી. આમ દરેક ઓટ વખતે રાષ્ટ્રનો અવાજ બની એને ભરતીમાં ફેરવવાની ભૂમિકા ગાંધીજી ભજવતા તેથી પણ તેમને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા. વચ્ચે થોડો વખત એક બે રાજકારણીઓએ ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવાની વિરુદ્ધ ગોકીરો કર્યો હતો. આજકાલ કેટલાંક સંતાનોને પોતાને અમુક વ્યક્તિના પુત્ર તરીકે ઓળખાવાનું પસંદ નથી આવતું. એના જેવું જ આ બાલિશ વિધાન હતું. એ પણ ધ્યાન રાખવા જેવું છે કે આ અવાજ એમના તરફથી આવ્યો હતો કે જેમને આ દેશનું બંધારણ તથા એની સર્વસમાવેશક સંસ્કૃતિ અંગે જ ફરિયાદ છે. જેને ભારત આજે જે રૂપમાં છે તે રૂપમાં રાષ્ટ્ર તરીકે માનવામાં પણ ચૂંક આવતી હોય તેમને ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવામાંય ચૂંક આવે એ સાવ સ્વાભાવિક છે. બલ્કે એમની સમગ્ર વિચારસરણીને એ જ સુસંગત છે, એમ પણ કહેવું પડે. રાષ્ટ્ર અંગેની એમની કલ્પના આ રાષ્ટ્રને માત્ર એક ધર્મના નાગરિકો પૂરતું સીમિત કરે છે. તેઓ જો એમ કહેવા માગતા હોય કે ગાંધીજી આવા સંકુચિત રાષ્ટ્રના રાષ્ટ્રપિતા નહોતા, તો તેમની વાતમાં તથ્ય છે. એમ જરૂર માનવું પડે!

***
વાંચો: સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૧૦ — ગાંધીજીના ઉપવાસ