સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સાણો ડુંગર

Revision as of 11:18, 12 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાણો ડુંગર

ચારણી કાવ્યોના ધ્વંસની કથની વધુ ન લંબાવતાં હું તમને એક વધુ મોટા કાવ્યનો વિનાશ બતાવવા હવે લઈ જાઉં છું. શબ્દોમાં ગૂંથેલું નહીં, પણ પથ્થરોમાં કંડારેલું મહાકાવ્ય : ચારણી ગીત-છંદો કરતાં યે શતકો જૂનું એ કાવ્ય : સૌરાષ્ટ્રીય તવારીખના સુયશ-કાળનો એ અબોલ સાક્ષી : સાણા ડુંગરનો બૌદ્ધ વિહાર : દૂર દૂરથી એ કાળા ડુંગરની ગુફાઓ દેખાઈ, અને દિલ જાણે ઊંટ પરથી કૂદકો મારીને મોખરે દોડવા લાગ્યું. નાની-શી નદીને કાંઠે, ગીરના તમામ ડુંગરોથી નિરાળો એકલ દશામાં ઊભેલો એ સાણો શિહોરના ડુંગરાથી યે નીચેરો અને નાજુક છે. વચ્ચે વિશાળ ચોગાન છે, અને બંને બાજુથી જાણે કોઈ રાજમહેલની અટારીઓ ચડી છે. ગુફાઓ! ગુફાઓ! જ્યાં નજર કરો ત્યાં ગુફાઓ! છેક નીચેથી તે ટોચ સુધી : સંપૂર્ણ હવા-પ્રકાશ આવી શકે તેવી બાંધણીના એમાં ઓરડા ઉતાર્યા છે. ઠેકઠેકાણે ઓરડાની બાજુમાં પાણીનાં મોટાં મોટાં ટાંકાં કોરી કાઢેલાં છે. ટાંકાંમાં ડુંગર પરનું પાણી ખાસ કોતરેલી સરવાણીઓ વાટે ચોમાસે ચાલ્યું આવતું હશે. કદી કોઈએ એ ટાંકાં ઉલેચ્યાં નહીં હોય, છતાં પાણીમાં નથી દુર્ગંધ કે નથી કુસ્વાદ : એ ખાતરી અમે સ્વયં પીને કરેલી છે. એક ગુફાથી બીજી ગુફા ચડવા-ઊતરવાનાં પગથિયાં કોતરેલાં છે. સ્થંભોવાળી રૂપાળી ગુફાઓના એકસરખા અચ્છી કારીગરીવાળા ઘાટ છે. એવી પચાસ જેટલી ગુફાઓ. અને એ બધું નક્કર કઠોર પાષાણમાંથી જ કોતરી કાઢેલું છે. જાણે મીણના પીંડામાં કરેલી એ કરામત છે.