સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સાવજ ન મરાય

Revision as of 11:01, 12 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાવજ ન મરાય

“ભાઈ! તમે પાકું ઘર કાં નથી બાંધી લેતા?” “બાંધ્યે શો ફાયદો? આજે આંહીં છીએ, તો કાલે વળી ઘાસચારાની તાણ્ય પડતાં કોણ જાણે ક્યાં જઈ પડશું. અને વળી અમારી ગેરહાજરીમાં આંહીં ખોરડાને કોઈ રહેવા જ શાના આપે?” “તો પછી આવાં તકલાદી લાકડાં કેમ વાપરો છો? ગીરમાં ક્યાં મજબૂત ઝાડની ખોટ છે?” “અરે ભાઈ, જંગલખાતાવાળા મારી નાખે ના! અમને સૂકલ લાકડાં જ લેવાની છૂટ છે. લીલી એક ડાળખી તોડી દેખે તો દંડ ફટકારે. વળી સૂકું-લીલું નક્કી કરવું એ પણ એના જ હાથમાં રહ્યું.” “તમે હથિયારના પરવાના કાં માગતા નથી?” “પરવાના મળે જ નહીં. ને મળે તો પણ હથિયાર શા ખપનાં? સાવજ-દીપડાને તો લાકડીએથી મારવાની પણ મનાઈ છે નવાબ સરકારની.” “તમારો જીવ બચાવવા માટે પણ મારવાની મનાઈ?” “હા. ઠાર માર્યાની તો શું, પણ માર માર્યાની યે જો ખબર પડે તો સજા થાય. નીકર તો અમારે બંદૂકને બદલે અમારા ગોબા જ બસ છે.” આટલી વાત થઈ. આંહીં પણ શું જામનગર, કચ્છ કે અલ્વરની માફક નવાબ સાહેબને દીકરા કરતાં દીપડા વહાલા છે! કે શું ગોરા અતિથિઓને વિપુલ શિકાર મળે તેવા ઇરાદાથી આ મનાઈ ચાલતી હશે? મેં સાંભળ્યું કે સાવજની ઓલાદ હિન્દમાંથી નષ્ટ થતી અટકાવવાના સારા હેતુથી અંગ્રેજ સરકારે જૂનાગઢને આવી સલાહ આપી છે. કોણ જાણે! એમ હોય તો એ નેમ હદથી જ્યાદે પાર પડી ચૂકી છે! સાવજના તો કાંઈ ટોળાં હોય? — એ કહેવતની હાંસી કરતા બાર-બાર પંદર-પંદર સિંહો ટોળે વળીને આજે ગીરમાં આથડે છે, અને એકાદ નાના વાછરડાના શિકાર ઉપર એ આખું ટોળું કૂતરાની માફક ટંટા કરે છે. શો કળજગ!