સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ભોળો કાત્યાળ!

Revision as of 15:54, 2 November 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભોળો કાત્યાળ!


ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઈશ્વરે એને ગઢપણમાં દુઃખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહિ. એક તરવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં ગીરની અંદર ડુંગરે મઢેલા ચાચઈ નામે ગામમાં આવી પહોંચ્યો. ચાચઈમાં આપો માણશિયા વાળો રાજ કરતા હતા. ડેલી ઉપર દરબાર બેઠેલા છે. એકબીજાએ રામરામ કર્યા. દરબારે નામઠામ પૂછ્યાં; કાત્યાળે પોતાની કથા કહી સંભળાવી. “આમ ક્યાં સુધી, આપા?” દરબારે સવાલ પૂછ્યો. “શેર બાજરી મળે ત્યાં.” કાઠીએ ઉત્તર વાળ્યો. “ત્યારે અહીં રહેશો?” “ભલે.” “શું કામ કરશો?” “તમે કહેશો તે.” “બહુ સારું; આપણી ભેંસો ચારો અને મૉજ કરો.” બીજા દિવસથી ભોળો કાત્યાળ ભેંસો ચારવા લાગ્યા. પાછલી રાતે ઊઠીને પહર ચારવા જાય, સવારે આવી શિરામણ કરે. વળી પાછાં ઢોર છોડે, તે દી આથમ્યે સીમમાંથી વળે. બહુ બોલવુંચાલવું એને ગમતું નથી. માણસોમાં ઊઠવા-બેસવાનો એને શોખ નથી. એક વખત મધરાતનો સમય છે. ટમ! ટમ! ધીરો વરસાદ વરસી રહ્યો છે; ભોળો કાત્યાળ એકઢાળિયામાં સૂતેલા છે. એ વખતે ઘોડારની અંદર કંઈક સંચાર થયો. અંધારામાં કાત્યાળ ત્યાં જઈને છાનામાના ઊભા રહ્યા. કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીંતમાં ખોદતું હોય એવું લાગ્યું. પોતાની તરવાર હાથમાં ઝાલીને કાત્યાળ ચૂપચાપ ત્યાં લપાઈ ઊભા. થોડી વારે ભીંતમાં બાકોરું પડ્યું. બાકોરામાંથી એક આદમી અંદર આવ્યો. કાત્યાળની તરવારને એક જ ઝાટકે એ ચોર ‘વૉય’ કરીને પડ્યો. અંદર એ અવાજ થયો, એટલે બહાર ઊભેલા બીજા ત્રણ જુવાનો ભાગ્યા. કાત્યાળ તો ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. થોડી વારે ત્રણ જણ પાછા વળીને ઊભા. કાત્યાળે કળા કરી. કોઈ દરદીના જેવો અવાજ કાઢીને બાકોરા પાસે બેસી બોલ્યા : “અરર! ભલા માણસ! ભાગી જાવ છો ને? મને ઘોડીએ પાટુ મારી તે કળ ચડી ગઈ છે. એક જણ તો અંદર આવો!” ચોરો સમજ્યા કે એ અવાજ તો ઘોડીની પાટુનો થયેલો. એટલે બીજો આદમી અંદર દાખલ થયો. એને પણ કાત્યાળની તરવારે એક ઘાએ જ પૂરો કર્યો. પછી તો બહાર ઊભેલા બે જણા ભાગ્યા. કાત્યાળ બહાર નીકળ્યા. બેઉ ભાગનારની પાછળ દોટ મૂકી એકને પૂરો કર્યો; બીજો હાથમાં આવ્યો નહિ એટલે તરવારને પીંછીથી પકડીને કાત્યાળે છૂટો ઘા કર્યો. એ ઘા ચોથા ચોરની કેડમાં આવ્યો, અને એ પણ જમીનદોસ્ત થયો. ચારેયનાં મડદાં ઉપાડીને કાત્યાળે તબેલામાં ઢગલો કર્યો. પેલી પીંછીથી પકડેલી તરવાર છૂટતાંની સાથે સાથે કાત્યાળના હાથનાં આંગળાં પણ કાપતી ગયેલી એ વાતનું એને પાછળથી ઓસાણ આવ્યું. પીડા થવા માંડી. હાથને પાટો બાંધીને કાત્યાળ તો પાછા સૂઈ ગયા. અને ટાણું થયું ત્યારે પહર ચારવા ચાલી નીકળ્યા. સવાર થયું; આપો માણશિયા વાળો તબેલામાં ઘોડીઓની ખબર કાઢવા આવ્યા; જુએ ત્યાં તો ચાર માણસોનાં મડદાં! ‘આ પરાક્રમ કોણે કર્યું? કોણે કર્યું?’ એ પૂછપરછ ચાલી. એક કાઠી હસીને બોલ્યો : “એ તો તમારે પ્રતાપે, દરબાર! એમાં શું મોટું કામ કરી નાખ્યું છે?” દરબાર સમજી ગયા કે આ ભાઈ ખોટું ખોટું માન ખાટવા આવ્યો છે. મર્મમાં દરબાર બોલ્યા : “અહો! એમ? આ તમારાં પરાક્રમ, બા!” કાઠી બોલ્યો : “અરે દરબાર! એમાં કૂતરાં મારવામાં તે મેં શું મોટું પરાક્રમ કરી નાખ્યું છે?” દરબાર કહે : “વાહ! વાહ! શાબાશ! ભારે કામ કર્યું.” સવારમાં ભોળો કાત્યાળ પહર ચારીને પાછા વળ્યા, દેગડી લઈને ભેંસ દોવા બેઠા; પણ એક હાથમાં તો ઈજા હતી એટલે એક જ હાથે દોવા માંડ્યા. તરત જ ત્યાં દરબાર માણશિયા વાળાની નજર ગઈ. હાથમાં પાટો જોયો; દરબારે પૂછ્યું : “કેમ એક હાથે ભેંસ દોવો છો? આંગળીએ આ શું થયું છે, ભોળા કાત્યાળ?” “કાંઈ નહિ, બાપુ! જરાક તરવારની પીંછી વાગી છે.” કાત્યાળે જવાબ વાળ્યો. “કેમ કરતાં વાગી?” કાત્યાળે બધી વાત કરી, દરબાર દિંગ થઈ ગયા. પેલા શેખીખોર કાઠીને દરબારે પૂછ્યું : “કેમ ભાઈ, કોણે આ ચાર જણાને માર્યા? તમે તો બહુ બડાઈ ખાટતા હતા!” નિર્લજ્જ કાઠીએ જવાબ દીધો : “અરે બાપુ, ચાર-ચાર માણસોનાં ખૂન માથે લેવાં એ ક્યાં સહેલું છે? બીજા કોઈની હિંમત ચાલી હતી કે?” આખો ડાયરો હસી પડ્યો. દરબારે ટોણો માર્યો : “એમ કે? કાઠીભાઈ ભાગે તોય ભડનો દીકરો કે?” ભોળા કાત્યાળને દરબારે તરવાર બંધાવી અને પોતાની હજૂરમાં રાખ્યા.

ગામમાં થોરી લોકોની વસ્તી વધારે હતી. એમાં એક થોરીની નજર બીજા થોરીની બાયડી ઉપર હતી, પણ પારકાની સ્ત્રીને શી રીતે પરણી શકાય? દરબાર મારી નાખે. એક દિવસ દરબારની પાસે આવીને થોરીએ બે સારી ભેંસો ભેટ ધરી. દરબાર ખુશ ખુશ થઈ ગયા. થોરીએ પોતાનો ઇરાદો જણાવ્યો. દરબારે પણ ભેંસો મળી હતી તેની મૉજમાં ને મૉજમાં જવાબ આપ્યો કે “હવે, જાવ ને, તમે કોળાં ગમે તેમ કરી લ્યો ને!” થોરીએ પેલી પારકી બાયડીને ઘરમાં બેસારી. ભોળો કાત્યાળ ગામ ગયા હતા. તેણે ઘેર આવીને આ વાત સાંભળી, દરબારને બહુ ઠપકો દીધો. એ બાઈનો ધણી ગામ ગયેલો ત્યાંથી પાછો આવ્યો. સાંભળ્યું કે પોતાની સ્ત્રી પારકા ઘરમાં છે અને દરબારને બે ભેંસો મળી એટલે દરબારે પણ રજા આપી છે. ઉશ્કેરાયેલો થોરી દરબાર પાસે ગયો; જઈને કહ્યું : “બાપુ! આમ કરવું તમને ઠીક લાગ્યું? તમને ભેંસોની જરૂર હતી તો મને કાં ન કહ્યું? હું આખું ખાડું લાવીને હાજર કરત; પણ મારું ઘર ભંગાવ્યું?” દરબારે ઉડાઉ જવાબ વાળ્યા. થોરીએ કહ્યું : “પણ બાપુ! ભેંસનાં દૂધ ખારાં લાગશે, હો!” દરબાર ખિજાઈ ગયા : “જા, ગોલકા, તારાથી થાય એ કરી લેજે.” થોરીએ બહારવટું આદર્યું. ત્યારથી દરબાર એકની એક જગ્યાએ બે રાત સૂતા નહિ. રોજ પથારીની જગ્યા બદલે. ડેલી ઉપર બરાબર ચૉકી રાખે. એક દિવસ થોરીએ દરબારગઢ ઉપર આવીને ખપેડા ફાડ્યા; દરબારના પલંગ ઉપર બંદૂક ફોડી અને ભાગી ગયો. પણ થોરીનો ઘા ખાલી ગયો. દરબાર તે દિવસે બીજે ઠેકાણે સૂતેલા. આખો ડાયરો સવારે જમવા બેઠો છે. કોઈ બહારનો મે’માન હતો નહિ, તેથી દરબારનાં વહુએ આવીને ડાયરાને કેટલાંક કડવાં વેણ સંભળાવ્યાં. મે’ણાં માર્યાં કે ‘દૂધ-ચોખા ખાતાં શરમ નથી આવતી ડાયરાને?’ ભોળો કાત્યાળ કમકમી ઊઠ્યો. પોતાની દૂધની તાંસળી ઊંધી વાળી સોગંદ લીધા. બીજે દિવસે માણસો ગોઠવીને રસ્તા રોકી દીધા. ઠેકાણે ઠેકાણે ઓડા બાંધ્યા. એક માર્ગ ઉપર એક બીજા જણને લઈ ભોળો કાત્યાળ બેઠો છે. રાતનું ટાણું થયું. કાત્યાળે જોયું તો આઘે આઘે ઝાડીની ઘટામાં દેવતાનો કોઈ અંગારો ઝબૂકતો હતો. કાત્યાળે જોયું કે દુશ્મન ચાલ્યો આવે છે; એ અંગારો નથી પણ દુશ્મનની બંદૂકની જામગરી ઝગમગે છે. થોરી ચાલ્યો આવે છે. કાત્યાળ બરાબર વાટ જોઈને બેઠા છે. તેટલામાં પાસે બેઠેલો માણસ બોલી ગયો : ‘એ આવ્યો!’ કાત્યાળે તેના મોઢા આડે હાથ દીધો, પણ થોરી સાંભળી ગયો, એકદમ ભાગ્યો. કાત્યાળ વાંસે થયા. ડુંગરાના પડધારામાં બેઉ દોડ્યા જાય છે. કાત્યાળે ફેર ભાંગવા માંડ્યો, શેત્રુંજી ઢૂંકડી આવી તેટલામાં કાત્યાળ પહોંચી ગયા અને તરવારનો ઘા કર્યો. બરાબર જનોઈવઢ તરવાર પડી. થોરી કૂદીને શેત્રુંજીમાં પડ્યો. કાત્યાળ વાંસે પડ્યા. થોરી સામે કાંઠે નીકળી કાંઠો ચડવા નાનકડું ઝાડ ઝાલે છે, પણ ઊખડી પડે છે. દોડતો દોડતો થોરી પાણીમાં કાત્યાળના પગ પાસે આવી પડે છે. કાત્યાળે તરવાર ઉપાડી કે થોરીએ બૂમ પાડી : “કાકા, હવે ઘા કરશો મા, તમારો એક ઘા બસ છે. સિંહનો પંજો પડી ચૂક્યો છે.” કાત્યાળે તેને બાંધી લીધો. થોરીની છાતીમાંથી લોહીનો ધોધ વહેતો હતો. પોતાનો ફેંટો ફાડીને કાત્યાળે એના જખમ ઉપર જોરથી બાંધી દીધો. ડેલીએ દરબાર બેઠા હતા ત્યાં આવીને થોરી હોકો માગીને પીવા લાગ્યો. આખી રાત હોકો પીતાં પીતાં થોરીએ થોડીક આપવીતી કહી : “બાપુ! એક ગામમાં મેં એક ચારણના ઘરમાં ખાતર પાડ્યું. ચારણ-ચારણિયાણી ભરનીંદરમાં સુખે સૂતેલાં. રૂપાળી એ અધરાત હતી. થોડોક ખડખડાટ થયો એટલે ચારણ જાગી ઊઠ્યો. અને હું તરત સામે એક ઘોડી બાંધી હતી તેની પાછળ સંતાણો. ઘોડી ફરડકા બોલાવતી હતી એટલે ચારણ સમજ્યો કે કંઈ સર્પ જેવું જાનવર હશે. ઘોડીને બુચકારતો બુચકારતો ચારણ પડખે આવ્યો. મારા મનમાં થયું કે ચારણ મને છેતરીને પકડી લેવા આવે છે; હું દોડીને ચારણને બાઝી પડ્યો, અને એના પેટમાં મેં મારો છરો ઉતારી દીધો. હું ભાગીને ઓલ્યા બાકોરામાંથી બહાર નીકળવા જાઉં, ત્યાં તો જાગી ઊઠેલી ચારણ્યે દોડીને મારા પગ પકડી રાખ્યા. મેં પાછા વળીને બાઈનેય ઘાયલ કરી. હું તો ભાગી છૂટ્યો. પછી ચારણ-ચારણી પડદે પડ્યાં. બાઈ તો બીજે દિવસે ગુજરી ગઈ. ચારણને કોઈએ એ વાતના ખબર દીધા નહોતા. “પળે પળે ચારણ પૂછ્યા કરે કે ‘ચારણ્યને કેમ છે? એ ક્યાં છે?’ એને જવાબ મળે કે ‘ઠીક છે, ઠીક છે.’ એક દિવસ ચારણનો ભાણેજ ખબર કાઢવા આવ્યો. કોઈ પાસે નહોતું. ભાણેજે મામીનો ખરખરો કર્યો. ચારણે વાત જાણી લીધી. “ ‘અરેરે! એને ને મારે આટલું બધું છેટું પડી ગયું?’ એમ કહેતાં તો એનો ઘા ઊઘડી ગયો. ચારણ પણ ચારણ્યની પાછળ ગયો. કાકા, મારાં એ પાપ મને નડ્યાં. હું અધરમનું વેર લેવા ચડ્યો, પણ મેંય અધરમ કર્યો. મારું મૉત તો કૂતરાના જેવું થવું જોઈએ. પણ ઠીક થયું કે હું તમારા હાથે મરું છું.” કાત્યાળે દિલાસો દીધો કે “તારી ઉપર પણ કાંઈ ઓછી નથી વીતી. પણ હવે એ બધું વીસરી જા, ભાઈ!” સવાર થતું આવતું હતું. થોરી દરબારને કહે કે “બાપુ, રામરામ.” એમ બોલીને ફેંટાનો પાટો છોડી નાખ્યો અને તત્કાળ પ્રાણ છોડ્યો. આપા માણશિયા વાળાએ કાત્યાળને આંબાગાલોળ નામનું ગામડું ઇનામમાં આપ્યું

થોડે મહિને દરબાર માણશિયા વાળા ફરી વાર પરણ્યા. હાથગજણાનો સમય આવ્યો. ભોળા કાત્યાળે આવી હાથગજણામાં થોડી ભેંસો આપવા માંડી. દરબારે મોં ફેરવ્યું. કાત્યાળે પોતાની ઘોડી દેવા માંડી. દરબારે મોં ફેરવેલું જ રાખ્યું. કાત્યાળના મનમાં વહેમ આવ્યો કે ‘હાં! દરબારને પાછો પોતાનાં દીધેલ ગામનો લોભ થયો લાગે છે.’ “લ્યો, બાપુ, હાથ કાઢો. આંબાગાલોળ પાછું આપું છું.” “ભોળા કાત્યાળ! કાઠીના દીકરા છો, એ ભૂલશો મા. તે દિવસે થોડી ભેંસો લઈને થોરીનું ઘર ભંગાવ્યું એ-નો એ માણશિયો આજ નથી રહ્યો, હો! મારે તમારા ગામનો લોભ નથી.” “ત્યારે, બાપુ, હાથ કાઢો. લ્યો, બીજું તો કાંઈ નથી; આ મારું માથું હાથગજણામાં આપું છું.” “બસ, ભોળા કાત્યાળ!” દરબારનું મન સંતોષ પામ્યું. બે વરસ વીતી ગયાં. આંબાગાલોળે ખળાં ભરાતાં હતાં. કાત્યાળ ત્યાં તપાસવા ગયેલા. પાછળથી ચાચઈ ઉપર જૂનાગઢની ચઢાઈ આવી. તરઘાયા ઢોલ વાગ્યા. દરબાર લડાઈની તૈયારી કરે છે. દરબારને ભોળો કાત્યાળ સાંભર્યો. ખળાં ભરતાં ભરતાં કાત્યાળે તરઘાયાનો નાદ સાંભળ્યો. એને ખબર પડી. ઘોડેસવાર થઈને ચાચઈ આવ્યા. ગઢમાં જઈને દરબારને કહ્યું : “બાપુ, તે દિવસે હાથગજણામાં આપેલું માથું આજે સ્વીકારી લેજો!” એમ કહીને પાછા ચડ્યા. જૂનાગઢની ગિસ્ત સામે ધીંગાણે રમ્યા. ગિસ્ત ભાગી. જૂની ચાચઈનો ટીંબો ટેકરી ઉપર છે, ત્યાં તે વખતની લડાઈની નિશાનીઓ હજુયે પડેલી છે.