સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/વોળાવિયા

Revision as of 06:52, 9 November 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વોળાવિયા

બોટાદ શહેરના શેઠ ‘ભગા દોશી’, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઈ ગયાનું કહેવાય છે. હકીકત આમ હતી : ભગા દોશી નહાવા બેઠેલા. પેટની ફાંદ્ય એટલી બધી મોટી અને એવી તો કૂણી, કે ચાર ચાર ઊંડા વાટા પડે. નાહતાં નાહતાં જેમ ફાંદ્યમાં હાથ ફેરવીને વાટા માંયલો મેલ ધોવા ગયા, તેમ તો આંગળીમાંથી સોનાનો ફેરવો ખેંચાઈને વાટામાં સલવાઈ રહ્યો. ચોગરદમ જુએ, પણ ફેરવો ક્યાંથી હાથ આવે? નાહીને ઊભા થયા એટલે ટપ દેતો ફેરવો ફાંદ્યમાંથી સરી પડ્યો. એ વાતે ભગા દોશીને મલકમાં મશહૂર બનાવ્યા. આજ પણ ઓળખાણ દેવાય છે, કે ‘ઓલ્યા ભગા દોશી, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઈ ગયો’તો!’ આ ભગા દોશી સ્વામીનારાયણ પંથના હતા. એક વાર એણે વડતાલની જાત્રા આદરી. બોટાદથી ગાડું જોડાયું. સાથે ચાર વોળાવિયા લીધા. એક નાથો ખાચર. એનો ભાઈ કાળો ખાચર ને બીજા બે કાઠી જુવાનો — ભત્રીજો શાદૂળ ખાચર અને ભાણેજ માલો. બપોર થયા ત્યાં બાવળા રઝોડાનું પાદર આવ્યું. તળાવ ભરેલું દીઠું. આપો કાળો અને આપો નાથો સ્વામીનારાયણના સેવક હતા, એટલે એમને સ્નાન કરવાનું મન થઈ આવ્યું. “ભગા દોશી! ગાડા હાલવા દ્યો. ત્યાં હમણે અમે ઊભાં ઊભાં એક ખંખોળિયું ખાઈને તમને આંબી લઈએ છીએ. વાર નહિ લાગે.” “બહુ સારું,” કહીને શેઠે ગાડું વહેતું રાખ્યું. અને આંહીં ચારેય કાઠીઓએ ઘોડાને કાંઠે ઉભાડીને સ્નાન કર્યું. કાળા ખાચરે અને નાથા ખાચરે બબ્બે માળાઓ ફેરવી. આંહીં ગાડાની શી ગતિ થઈ? બરાબર બાવળાની કાંટ્યમાં ભગા શેઠ દાખલ થયા ત્યાં કોળી ઠાકરડાનું જૂથ ભેટ્યું. સૂરજ મહારાજ ન કળાય એવી ગીચ ઝાડી : હથિયારબંધ પચીસ કોળીઓ : અને અડખે પડખે ઉજ્જડ વગડો. ભગા દોશીને ઘેર ભગવાનની મહેર હતી. માયામાં મણા નહોતી અને વડતાલની પહેલી-છેલ્લી વારની યાત્રા : એટલે મંદિરમાં પધારાવવાનું ઘરેણુંગાંઠું પણ સારી પેઠે ભેળું બાંધેલું. એ બધુંય લૂંટી, ખડિયા ભરી, ઠાકરડાઓનું જૂથ ચાલ્યું ગયું. ત્યાં તો ચારેય કાઠીઓ દેખાયા. ભગા શેઠે મુનીમને ચેતાવી દીધો કે “ખબરદાર હો, હવે કાંઈ વાત કહેવાની નથી. થાવી હતી તે થઈ ગઈ.” ભગા દોશીએ તો પોતાના મોં ઉપર કંઈ કળાવા ન દીધું, પણ મુનીમની આંખમાં આંસુ આવી ગયાં. “એલા, કેમ મોઢું પડી ગયું છે?” વહેમ ખાઈને નાથા ખાચરે પૂછ્યું. “કાંઈ નહિ, આપા!” ભગા દોશીએ કાઠીને ફોસલાવ્યો. “અરે કાંઈ નહિ શું, શેઠ? આ તમારા મોઢા ઉપર છાંટોય લોહી નથી રહ્યું. એલા, ગાડાખેડુ, તુંય મૂંગો કાં મરી રિયો છે?” ગાડાખેડુએ વાત કરી. “હે કાળમુખા! અટાણ સુધી શીદ જીભના લોચા વાળ્યા? અમારું મૉત કરાવ્યું. ભગા શેઠ! હવે તો મોંમાંથી ફાટો કે એ દીકરા કેણી કોર ઊતર્યા?” “આપા, ઉગમણા ઊતરી ગયા છે, પણ હવે એ વાતનો બંધ વાળો. એ જાડા જણ, અને છેટું પણ હવે પડી ગયું છે.” “અરે, રામ રામ ભજો, શેઠ! બંધ શું વાળે?” એટલું બોલીને કાળા ખાચરે પોતાની અગર નામની ઘોડીને ઉગમણી મરડી. પછવાડે તાજણ ઉપર નાથો ખાચર અને બે કાઠીઓ ઉગમણા ફાફળમાં ઊતરી ગયા. સામે જુએ, ત્યાં દાગીનાના ખડિયા ભરીને કોળી ઠાકરડા ચાલ્યા જાય છે. કાઠીઓએ તરવારો ખેંચી. પચીસ ઠાકરડા ઉપર ત્રણ ખાંડાંની તો રમઝટ બોલવા માંડી. માત્ર નાથા ખાચરનું શરીર ભારે, એટલે ઘોડીના કાઠામાં કમર ભીંસાઈ ગઈ છે; તરવારની મૂઠને રૂપાના વાળાની સાંકળી ગૂંથેલી કોંટી બાંધેલી. ઘણીય ઝોંટ મારે પણ કોંટી તૂટતી નથી, તરવાર નીકળતી નથી. શરીર કાઠામાં ભીંસાણું છે, એટલે કોંટી છોડાય તેમ નથી. પણ ત્રણ કાઠીઓએ કામ પતાવી લીધું. ખડિયા પછાડીને ઠાકરડા ભાગ્યા. પૂરેપૂરો માલ પાછો લઈને કાઠીઓ પાછા ગાડા ભેળા ગયા. ત્રણ ગાઉ ગયા ત્યારે ખબર પડી કે અગરના તરિંગમાં તો બરછી ખૂંતી ગઈ છે, અને લોહી ઊડતું આવે છે તોય આછો ડાબો પડવા દેતી નથી!

*

એ જ કાળા ખાચરને એક વાર બુઢાપો આવ્યો. પોતે લોયા ગામમાં રહે છે. એમાં ધ્રાંગધ્રા તાબે ધોળિયા ગામનું ધાડું લોયાને માથે ત્રાટક્યું. સાથે ભારાડી કોળી આંબલો પણ છે. આંબલો બોલ્યો : “ભાઈ, બીજાની તો ભે નથી, પણ ઈ કાળો ખાચર કાળ જેવો લાગે છે. સાવજને પીંજરમાં પૂર્યા વગર ફાવશું નહિ.” લૂંટારાઓએ સહુથી પ્રથમ કાળા ખાચરના ખોરડા ઉપર જઈને બહારથી સાંકળ ચડાવી દીધી અને પછી મંડ્યા ગામને ધબેડવા. ગામમાં તો કંઈક બાયલા ભર્યા હતા. “એ મુંસે લઉ જાવ! એ કોઈ બારણો ઉઘાડો! માળો મૉત બગાડો મા! ઉઘાડો! ઉઘાડો! ઉઘાડો!” એમ બોલતો, લૂંટારાના દેકારા સાંભળી સાંભળીને બારણાની સાથે માથું પછાડતો એંસી વરસનો આપો કાળો અધમૂઓ થઈ ગયો. પછી એ ઝાઝું જીવ્યો નહિ.