સ્વાધ્યાયલોક—૩/સ્પૅનિશ કવિતા

From Ekatra Wiki
Revision as of 20:57, 2 May 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્પૅનિશ કવિતા
સ્પેન
 

હોલીવૂડનાં ચલચિત્રોના સીનેશોખીનોનું સ્પેન એટલે ગોધાઓની યુદ્ધભૂમિ. થીઓફીલ ગોતીએરની પ્રવાસકથા જેમાં ‘પીતોરેસ્ક’ (રંગબેરંગી) શબ્દ વારંવાર આવે છે તે ‘વોયાઝ આં એસ્પાન્ય’ (સ્પેનમાં પ્રવાસ)ના અને ટોમસ કૂક ઍન્ડ કંપનીની પ્રચારપત્રિકાના વાચકોનું સ્પેન એટલે રોમેન્સની રંગભૂમિ. પ્રેમીજનોનું સ્પેન એટલે ડોન વાનની પ્રણયભૂમિ. સાહિત્યકારોનું સ્પેન એટલે ‘ડોન કીહોટી’ની નવલકથાની જન્મભૂમિ. ઇતિહાસના અભ્યાસીઓનું સ્પેન એટલે કોલંબસ અને આર્મેડાની નૌકાભૂમિ. રાજકારણના રસિયાઓનું સ્પેન એટલે સિવિલ વૉરની ફ્રાન્કોભૂમિ. સ્પેન વિશેની આ સમજ-ગેરસમજમાં એ વાત તો સાવ જ વિસરાઈ ગઈ છે અથવા તો કહો કે હજુ જગતે કદી જાણી જ નથી કે સ્પેન એટલે જગતનાં સૌથી વધુ કરુણ કાવ્યોની કલ્પાંતભૂમિ. આ પંચકોણ પ્રદેશનો સાચો પરિચય યુરોપના પ્રસિદ્ધ વિવેચક મારીઓ પ્રાઝે એમના સ્પેન વિશેના ઇટાલિયન પુસ્તક ‘પેનીસોલા પેન્તાગોનાલ’માં આપ્યો છે. આ પુસ્તકના અંગ્રેજી અનુવાદનું નામ અત્યંત સૂચક છે ઃ ‘અનરોમેન્ટિક સ્પેન.’ સ્પેનનો પ્રદેશ, એની પ્રજા, એનો ધર્મ, એનું સાહિત્ય, એની કળાઓ, એના જીવનનું રહસ્ય, એની પ્રતિભા — બધું જ પ્રાઝે એક શબ્દમાં પ્રગટ કર્યું છે ગોતીએના ‘પીતોરેસ્ક’ના તદ્દન વિરોધી શબ્દ ‘મોનોટોનસ’ (એકવિધ)માં. સ્પેન એટલે એકવિધતા. એનો પ્રદેશ એટલે અનેક ભૂંડાભખ ડુંગરા અને આસપાસ સૂકી ભૂખરી ભોમ. જાણે કોઈ હાડપિંજરની પાંસળીઓ પર આખલાની ખાલ ઓઢાડી ન હોય ! નાંખી નજર પહોંચે ત્યાં લગી આ પ્રદેશમાં એકમાત્ર અનંત એવી એકવિધતા છે. આંખો આમથી તેમ, અહીંથી ત્યાં, આગળપાછળ, આજુબાજુ, જ્યાં ને ત્યાં આથડ્યા જ કરે આથડ્યા જ કરે અને એકનું એક જ દૃશ્ય દેખાય, એનું એ જ દર્શન થાય અને એવી તો કંટાળે કે અંતે શૂન્યતાનો અનુભવ થાય. એટલે જ તો પરમેશ્વરના વિરહમાં સતત પારાવાર વેદના અનુભવતા, સતત વલોપાતમાં કલ્પાંત કરતા, આત્માની અંધાર-રાત્રિમાં સતત ઝૂરતા પેલા આશક સાં વાન દ લા ક્રુઝ (સેન્ટ જહૉન ઑફ ધ ક્રોસ)ના એક કાવ્યમાં ‘todo’ (સર્વસ્વ) અને ‘nada’ (શૂન્યતા) શબ્દનો ઉપયોગ આ એકવિધતાનો એકરાર કરે છે. જગતનો સર્વશ્રેષ્ઠ રહસ્યવાદી આ પ્રદેશમાં જ પાકે એનું રહસ્ય આ પ્રદેશને જોતાંવેંત પામી જવાય છે. સ્પેનનું સર્વસ્વ એની શૂન્યતામાં છે અથવા તો એની શૂન્યતા એના સર્વસ્વમાં છે. એનાં ચિત્રોમાં, એનાં કાવ્યોમાં, એનાં નાટકોમાં, એનાં સ્થાપત્યોમાં, એના સંગીતમાં, એના ધાર્મિક અને સામાજિક ઉત્સવોમાં, એનાં ગોધાયુદ્ધોમાં, અરે, એની પેલી પંકાયલી નવલકથા ‘ડોન કીહોટી’માં પણ અને નકશા પરના એના પંચકોણ આકારમાં ય તે નરી એકવિધતા, સાર્વભૌમ એકવિધતા છે. સર્વત્ર એક પ્રકારની શૂન્યતા છે. એમાં અન્ય કંઈ જ નથી, છે એક માત્ર વૈવિધ્ય વિનાનું અસ્તિત્વ. આજકાલની ફૅશનેબલ ફિલસૂફી ‘એક્ઝીસ્ટેન્શિયાલિઝમ’ (અસ્તિત્વવાદ) તો સૈકાઓથી સ્પેનના જન્મજાત સ્વભાવમાં છે. સળગતા સૂરજની સોડમાં સ્પેન તો સદીઓથી એક અખંડ અને અલસતાસભર ‘સીએસ્ટા’ (મધ્યાહ્નનિદ્રા)માં સૂમસામ સૂતું છે. સ્વપ્નમાં પણ એનો સ્વપ્નભંગ થયો નથી. સ્પેનના ભૂગોળ અને ઇતિહાસને કારણે એ યુરોપથી અળગું–અલિપ્ત પડી જાય છે. અરબ સંસ્કૃતિની એના પર પ્રબળ અસર છે. જિબ્રાલ્ટરનું નાકું બહુ જ નાનું છે. એથી યુરોપ અને આફ્રિકા વચ્ચે સ્પૅનિશ કવિ પરના પોતાના હક્કદાવા વિશે ભારે હોંસાતૂસી છે. કમમાં કમ સાહિત્ય પૂરતાં તો બે સ્પેન છે ઃ કેસ્ટીલ અને એન્ડેલુઝીઆ, ઉત્તરનું અને દક્ષિણનું; શુષ્ક ક્રિસ્ટિયન સામ્રાજ્યનું અને મસ્ત મુરીશ સંસ્થાનોનું. અરબોનું વર્ચસ્‌, પછી ધાર્મિક આદર્શોની ઘેલછા, અંધાધૂંધી અને આંતરવિગ્રહ એટલે સ્પેનનો ઇતિહાસ. ભૂંડાભખ ડુંગરોથી ભૂખરી ભોમના ભિન્ન ભિન્ન ભાગો, એની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ, ધાન્યહીન ધરા ને અનિશ્ચિત આબોહવા એટલે સ્પેનની ભૂગોળ. સ્પેનીશ પ્રજાએ કદી સલામતી અને સુખ અનુભવ્યાં નથી. મધ્યયુગથી ૧૮મી સદી લગી તો ભૂખમરો એને ભરખતો હતો એમ એની નવલકથાઓનાં પાનાંઓ પર નોંધાયું છે. સૈકાઓથી એના લેખકોને લમણે કાં તો કેદ કાં તો કાળાંપાણી લખ્યાં છે. આથી જ એના સાહિત્યમાં આટઆટલી એકવિધતા અને એકલતા, આટઆટલો વિષાદ અને એના પ્રતિકાર રૂપે જ વિનોદ અને જાગૃતિ તથા જોશ, આટઆટલી વાસ્તવિકતા વગેરે પ્રગટ્યાં છે. આવા પ્રદેશની અને આવી પ્રજાની કવિતામાં ‘એકો રસઃ કરુણેવ’ ન હોય તો જ નવાઈ ! સ્પેનની કવિતામાં કરુણરસનો એક પ્રબળ પ્રવાહ કાળના પ્રલંબ પટ પર અવિરત વહ્યા કર્યો છે, હજુ વહે છે અને કદાચ અનંત વહ્યા કરશે. આધુનિક સ્પેનના બે પ્રમુખ કવિઓ Jimenez (યીમેનેઝ) અને Lorca (લૉર્કા). યીમેનેઝની સમસ્ત કવિતા એક સળંગ કરુણકાવ્ય જેવી છે અને લૉર્કાની સર્વશ્રેષ્ઠ કૃતિ ‘લાન્ટો’ (કરુણકાવ્ય) જ છે.

સ્પૅનિશ કવિતા: ઐતિહાસિક ભૂમિકા
 

૧૧મી સદી: ૧૯૪૮માં પ્રથમ વાર જ જગતે અને સ્પેને પણ જાણ્યું કે સ્પૅનિશ કવિતાનો, કહો કે સમગ્ર યુરોપીય કવિતાનો ઉગમ સ્પૅનિશમાં જેને Jarchas કહે છે તે મોઝારેબીક ગીતોમાં છે. અરબ હકૂમત હેઠળ વસતા, સ્પેનીશ લોકબોલી બોલતા અને મોઝારબને નામે ઓળખાતા ખ્રિસ્તીઓને અત્યંત પ્રિય એવાં આ ગીતો ૧૧મી સદીની અધવચમાં રચાયાં અને ગવાયાં. ઇબેરિયન પ્રદેશમાં સ્પૅનિશ, મોર અને જ્યુ લોકોનો સહવસવાટ હતો. સ્પેનના અરબોએ અરબીમાં જે ઊર્મિકાવ્યો રચ્યાં એનો અંતિમ શ્લોક લોકબોલીમાં લખવાની રૂઢિ હતી અને સ્પેનના જ્યુ લોકોએ અરબોનું અનુકરણ કર્યું. આમ, સદ્ભાગ્યે અરબ અને હિબ્રૂ, બન્ને સંસ્કારી પ્રજાઓએ સ્પૅનિશ લોકબોલીમાં આ અંતિમ શ્લોકોની રચના કરી. ત્રણે પ્રજાઓના સમાન જીવનનાં સ્મારકો જેવાં હિબ્રૂ (‘રબી’) અને અરબી (‘હબીબી’) શબ્દોનો એમાં ઉપયોગ થયો છે. આ ગીતો અત્યંત સરળ અને સચોટ છે અને માત્ર સરળતા દ્વારા જ સિદ્ધ થાય એવી લાગણીની તીવ્રતા એમાં છે. હૈયાસૂની હલેતી મુગ્ધાના પ્રણયની પારાવાર પીડા પંક્તિ-અર્ધપંક્તિમાં પ્રગટ થાય છે. ૧૨મી સદી: મોઝારેબીક ગીતો દક્ષિણના અરબ રાજ્યોના ખ્રિસ્તીઓની સ્પૅનિશ લોકબોલીમાં છે. પણ ઉત્તર સ્પેનની કેસ્ટીલીઅન ભાષામાં સ્પેનની પ્રથમ સાહિત્ય કૃતિ Cantar de mio Cid (સીદ વિશેનું કાવ્ય) એ સ્પેનમાં ત્રણ સૈકા લગી જેનું પ્રાધાન્ય હતું તે cantares de gesta (વીરરસનાં કાવ્યો) કવિતાપ્રકારનું નર્યું કથાકાવ્ય છે. કોઈ અનામી સર્જકના આ કાવ્યની સામગ્રી ઐતિહાસિક છે એટલે કે તદ્દન વાસ્તવિક છે અને સૌ મધ્યકાલીન કૃતિઓની જેમ એમાં પણ સ્વાભાવિક જ વીરરસ છે. આ સીદ એટલે સ્પેનનો રાષ્ટ્રનાયક Rodrigo Diaz de Vivar (રોદ્રીગો દીઆઝ દ વીવાર). આ કાવ્યને વીવારનું પદ્યમાં જીવનચરિત્ર કહી શકાય. એના જીવનના વિવિધ પ્રસંગોનું એમાં આખ્યાન છે. પણ સૌથી મહત્ત્વનો મુદ્દો તો એ છે કે કાવ્યનો આરંભ એક અત્યંત કરુણ પ્રસંગ — અને સ્પેનમાં સવિશેષ કરુણ પ્રસંગથી, વીવારની વિદાયથી થાય છે. વીવારને દેશવટો દીધો છે, એ ગૃહત્યાગ, દેશત્યાગ કરે છે. જ્યાં દેશવટો દિવસે દિવસે દેવાતો હોય ત્યાં આ કાવ્ય સદાય સજીવ રહેશે. એ અર્થમાં આ કરુણ કાવ્ય ‘આધુનિક’ છે. ૧૩મી સદી: Gonzalo de Berceo (ગોન્ઝાલો દ બેર્સીઓ) ધર્મમઠોમાં ભણેલો લૅટિન ભાષાનો વિદ્વાન હતો અને જેનું નામ ઉપલબ્ધ છે એવો કવિ એટલે કે સ્પેનનો પ્રથમ કવિ એને કહી શકાય. લૅટિન ભાષામાં સંતો અને એમના ચમત્કારો વિશેની વાતોથી પોતાની આસપાસની ગ્રામીણ પ્રજા વંચિત ન રહે એથી એણે એ વાતોને કેસ્ટીલીઅન ભાષામાં વ્યક્ત કરી. એને આવો વિચાર સૂઝ્યો એથી સ્પૅનિશ કવિતાની મહાન સેવા એણે કરી. તળપદા ગ્રામીણ શબ્દોને સાહિત્યનું ગૌરવ અર્પી એક અદ્ભુત કાવ્યશૈલીનું મૌલિક સર્જન કર્યું. પોતાનાં ૯ કાવ્યોમાં ૧૪ શ્રુતિની ૪ પંક્તિઓ અને એક જ પ્રાસ એવો શ્લોક રચીને એણે આલેક્ઝાંદ્રિનનું નવું જ સ્વરૂપ પ્રગટ કર્યું. ત્યારે એ એક મહાન નવપ્રસ્થાનરૂપ હતું. ૧૪મી સદી: Juan Ruiz, Archpriest of Hita (વાન રુઇઝ, હીટાના આર્ચપ્રીસ્ટ), આયુષ્યનાં અંતિમ વર્ષો કારાગારમાં કાઢનાર હીટાનગરના આ આર્ચપ્રીસ્ટે જીવનભર જે કંઈ લખ્યું તે એક લાંબા કાવ્ય રૂપે સંગ્રહાયું છે. એનાં કાવ્યનું નામ છે Libro de Buen Amor (શુભ પ્રેમની પોથી), અલબત્ત, નામ સૂચવે છે તે પ્રમાણે આ પ્રેમકાવ્ય છે. અનામી કવિએ ૧૨મી સદીમાં સીદમાં વીરપુરુષની વાત કરી, મોનાસ્ટ્રીના મંક બેર્સીઓએ ૧૩મી સદીમાં દૈવીપુરુષોની વાત કરી તો હીટાના આ આર્ચપ્રીસ્ટે બેર્સીઓના જ કાવ્યસ્વરૂપમાં ૧૪મી સદીમાં સામાન્ય મનુષ્યોના પ્રેમનું, પ્રેમની સારીનરસી બન્ને બાજુનું કટાક્ષયુક્ત પણ પ્રેમપૂર્વક પારાયણ રચ્યું. આમ, સ્પૅનિશ કવિતાના ઇતિહાસની પ્રથમ ત્રણ સદીમાં સામાન્ય, વીર અને દૈવી ત્રણે પ્રકારના મનુષ્યોનું કાવ્ય સિદ્ધ થઈ ચૂક્યું. વાન રુઇઝના કાવ્યમાં પાત્રો, સમાજદર્શન અને કટાક્ષને કારણે એને ‘સ્પેનની કેન્ટરબરી ટેઇલ્સ’ કહી શકાય અને વાન રુઇઝને સ્પેનનો ચૉસર કહી શકાય. ૧૫મી સદી: Inigo Lopez de Mendoz, Marquis of Santillana (ઇનીગો લોપેઝ દ મેન્દોઝા, સાન્તીલાનાના માર્કવીસ) — ૧૫મી સદીના પૂર્વાર્ધમાં આ એક અત્યંત સંસ્કારી અને સુશિક્ષિત રાજદરબારી સજ્જને સ્પેનમાં પ્રથમ વાર જ ઇટાલિયન કાવ્ય સ્વરૂપોમાં, પણ વિશેષ તો સ્પેનના પરંપરાગત કાવ્યસ્વરૂપોમાં, Serranilas(સેરાનીલાસ) નામનાં ઊર્મિકાવ્યો રચ્યાં. સહેજ કૃત્રિમ અને બહુ જ અમીરી એવી આ કવિતા લોકભોગ્ય નથી છતાં એમાં સામાન્ય જીવનનાં શાશ્વત તત્ત્વો વિશે ભારે સૂઝ અને ચિંતન છે. એથી જ એક સેરાનીલામાં ખેતરમાં ગાયો ચારતી ગ્રામકન્યાની મોહક અને મધુર સાદગીનું સૌંદર્ય આ કવિ જાણી અને માણી શક્યો છે. Jorge Manrique (જોર્જ માંરીક), એટલે લોકકવિતા અને કૃત્રિમ કવિતાની વચમાં વસીને ગહન ગંભીર ને સંવેદનશીલ કવિતાનું સર્જન કરનાર મધ્યકાલીન સ્પેનનો સર્વશ્રેષ્ઠ કવિ. એનાં પચાસ પ્રેમકાવ્યોમાં પ્રેમ વિશેની સમકાલીન સમજ પ્રગટ થાય છે. પણ એક મહાન કવિ અને મનુષ્ય લેખે તો જોર્જ માંરીક એક જ કૃતિમાં દર્શન દે છે. પોતાના પિતાના મૃત્યુ (૧૪૭૬) પરના શોકકાવ્યમાં, સ્પૅનિશ ‘પિતૃતર્પણ’માં. Coplas por la Muerte de su Padre(પિતૃતર્પણ) એ સ્પેનની એક અમર અને મહાન કાવ્યકૃતિ છે. આ કાવ્ય સર્વાંગસુન્દર અને સંપૂર્ણ સુશ્લિષ્ટ કલાકૃતિ છે. સ્પૅનિશ ભાષાનું કરુણમાં કરુણ કાવ્ય છે. એમાં કવિની કલ્પનાએ, મૌલિક સર્જકતાએ સિદ્ધિનું સર્વોચ્ચ શિખર સર કર્યું છે. પિતાના મૃત્યુની વાસ્તવિકતા દ્વારા જીવનનું પરમ રહસ્ય અને એક વ્યક્તિના સ્વાનુભવ દ્વારા સર્વાનુભવ પ્રગટ થાય છે. અહમ્‌ અને પાર્થિવતાથી પર એવા અનાસક્ત અને આધ્યાત્મિક જીવનના આંતરિક સંઘર્ષમાંથી સંવાદ પ્રગટ થાય છે અને તે સાગર અને સરિતાઓનાં પ્રતીક દ્વારા. સરિતાઓ જેવાં આપણાં જુદાં જુદાં જીવનને સાગર જેવું મૃત્યુ સમાન ભાવે સત્કારે છે અને પોતામાં સમાવે છે. આમ, બાર બાર પંક્તિના એક એવા બેતાલીસ શ્લોકોના કાવ્યને અંતે કવિ મૃત્યુનું માંગલ્ય સહર્ષ સ્વીકારે છે. ‘સીદ’ પછી એની જ, ઉત્તર સ્પેનની, કેસ્ટીલની જ પરંપરામાં બસો વરસે પ્રજાનો વીરરસ ‘romancero’ (રાસડા)માં પ્રગટ થયો. આ રાસડા સ્પૅનિશ કવિતાનો વિશિષ્ટ અને પ્રજાને તથા કવિઓને અત્યંત પ્રિય એવો કાવ્યપ્રકાર છે. ઇતિહાસને જ નહિ પણ સમકાલીન જીવનની વાસ્તવિકતાને પણ સાદી, સરળ અને સચોટ રીતે રજૂ કરે છે. ૨૦મી સદીમાં લૉર્કાએ આ કાવ્યપ્રકારમાં જ એના Roman-cero Gitanos (જિપ્સી રાસડા)નાં જગપ્રસિદ્ધ અઢાર કાવ્યો રચ્યાં છે. મોઝારેબીક ગીતોની પણ પૂર્વે ૧૦મી સદીમાં કે એથી પણ પૂર્વે સ્પેનમાં સ્વતંત્ર પ્રણાલીબદ્ધ ગીતો હતાં. એને Cancioneros (કેન્સીઓનેરો) કહે છે. એ પણ રાસડાના જેવો જ સ્પૅનિશ કવિતાનો વિશિષ્ટ અને પ્રજાને તથા કવિઓને અત્યંત પ્રિય એવો કાવ્યપ્રકાર છે. ૧૬મી અને ૧૭મી સદીમાં કવિઓ, નાટ્યકારો અને ગાયકોએ એમાં નાજુક અને નમણું સર્જન કર્યું છે. જે Seguidilla(સેગ્વીદિલા)ને નામે પ્રસિદ્ધ છે. ૧૯મી સદીમાં Rosalia Castro(રોઝાલીઆ કાસ્ત્રો)એ શિષ્ટ કવિતા અને આ લોકકવિતાનો મધુર સંવાદ એની કવિતામાં સર્જ્યો છે. ૧૬મી સદી: ૧૬મી સદીના પૂર્વાર્ધમાં સ્પૅનિશ કવિતામાં જે ક્રાંતિ પ્રગટી એનું નામ ઇટાલિયનિઝમ. રોમાંસેરોની આઠ શ્રુતિની પંક્તિને સ્થાને અગિયાર શ્રુતિની પંક્તિનો ઉપયોગ એ એનું સ્થૂલમાં સ્થૂલ સ્વરૂપ અને ઇટાલિયન રનેસાંસની કાવ્યભાવનાનો સ્વીકાર એ એનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ. ૧૫૧૬માં રોમમાંથી વર્જિલ, કાતુલ્લુસ અને ગ્રીક કવિઓનો આશક, ઇટાલિયન રનેસાંસની સુજનતાના મૂર્તિમંત પ્રતીક જેવો Andrea Navegero (એન્દ્રીઆ નાવેગેરો) સ્પેનમાં એલચી તરીકે આવ્યો. ગ્રેનેડાની રાજસભામાં ઉપકવિ Juan Boscan (વાન બોસ્કાં)ને એણે કેસ્ટિલિયન ભાષામાં ઇટાલિયન રીતિનાં કાવ્યો રચવાને પ્રેર્યો. એણે એ રચ્યાં એટલું જ નહિ પણ એના એક પરમ મિત્રને પણ એણે પ્રેર્યો. એ પરમ મિત્ર એટલે સ્પેઇનનો એક પ્રતિભાશાળી કવિ Garcilaso de la Vega (ગાર્સીલાસો દ લા વેગા). તેત્રીસ વર્ષની ટૂંકી જિંદગીમાં ઓછામાં ઓછી કવિતા કરીને આ કવિ સ્પેનમાં વધુમાં વધુ સન્માન પામ્યો છે. એનો કાવ્યપ્રકાર આજ લગી જીવંત છે. જો કે એના જીવનકાળમાં એનું એક પણ કાવ્ય પ્રગટ થયું ન હતું. એની કવિતાનું મરણોત્તર પ્રકાશન થયું ત્યારે એનો સત્વર આદર થયો હતો. સ્પૅનીશ કવિતા આ કવિની વધુમાં વધુ ઋણી છે. મધ્યયુગની પ્રણાલીમાંથી મુક્તિ પામીને સ્પૅનિશ કવિતા એની દ્વારા રનેસાંસની પ્રણાલીમાં પ્રવેશી હતી. એ સ્પેનનો સર્વશ્રેષ્ઠ પ્રેમકવિ છે. Dona lsabel Freire (દોના ઇઝાબેલ ફ્રીર) નામની પોર્ચુગીઝ સ્ત્રીના પ્રેમમાં પરાજય અને પછી એને જ કારણે દેશવટો, વિરહમાં દુઃખ અને યુદ્ધભૂમિ પર મૃત્યુ ભોગવનાર આ ભવ્ય પ્રેમી અને પ્રેમકવિની શ્રેષ્ઠ કૃતિ Egloga Primera (પ્રથમ ઍક્લૉગ) છે. એનો પ્રેમ એમાં અંતે કટુતા અને કરુણતાથી પર જાય છે. સ્પૅનિશ ભાષાનું એ સર્વશ્રેષ્ઠ સંગીતમધુર પ્રેમવિરહનું કાવ્ય છે. એના અવિસ્મરણીય ધ્રુપદનું સ્પેન્સરના ‘પ્રોથેલેમીઅન’ના ધ્રુપદ સાથે સંપૂર્ણ સામ્ય છે, એના પ્લેટોનિક પ્રેમવસ્તુ અને વસ્તુવિકાસનું પણ સામ્ય છે એથી ગાર્સીલાસોને સ્પેનનો સ્પેન્સર કહી શકાય. આ સદીમાં સ્પેનના બે સર્વશ્રેષ્ઠ રહસ્યવાદી કવિઓ તે Fray Luis de Leon (ફ્રે લુઇ દ લેઓં) અને San Jaun de la Cruz (સાં વાન દ લા ક્રુઝ, પ્રસિદ્ધ સેન્ટ જ્હૉન ઑફ ધ ક્રોસ.) લુઈ દ લેઓં સ્પેનની સમૃદ્ધ અને વિદ્વત્તાપૂર્ણ સાલામાન્કા વિદ્યાપીઠની સરજત અને એમાં જ અધ્યાપક હતો. વિદ્યાપીઠના આંતરિક સંઘર્ષોની આ કવિની સંવેદનાએ તીવ્ર અસર અનુભવી. અંતે પ્રતિસ્પર્ધીઓએ એને ચાર વર્ષ કારાગૃહમાં પણ પૂર્યો. હોરેસ અને વર્જિલનો અનુવાદ એણે કર્યો એથી એ કવિઓની એના કાવ્યમાં સ્પષ્ટ અસર છે. એની કવિતામાં શાંતિ અને મુકિત માટેની આરત છે, સ્વસ્થ જીવનનું દર્શન અને આધ્યાત્મિક સમતુલા છે, એના શ્રેષ્ઠ કાવ્ય Vide retirada (શાંત જીવન)માં પાર્થિવતાથી પર સુખ માટેના સંઘર્ષોથી મુક્ત એવા ગ્રામજીવનનો મહિમા એણે મન ભરીને ગાયો છે. એને પાર્થિવતાનો પૂરો પરિચય છે છતાં એથી એ પરાજિત થતો નથી. એની કવિતામાં ઇહ જીવનની ઉપેક્ષા છે પણ એ નકારાત્મક નથી. એમાં પલાયનવૃત્તિ નથી કારણ કે એમાં પરજીવન, પરલોક પ્રતિ ગતિ છે, ઉડ્ડયન છે. એમાં ઊર્ધ્વગતિ, ઉડ્ડયનસૂચક અનેક શબ્દો અસંખ્ય વાર આવે છે. આ પરલોક એટલે પ્રકાશ, સત્યદર્શન, વિશ્વરહસ્યનું ઉદ્ઘાટન અને પ્લેટોના વિચારો અને આત્માઓનું સામ્રાજ્ય. આમ, અહીં પ્લેટોના દર્શન અને ખ્રિસ્તી ભાવનાઓનો સંવાદ સર્જાયો છે. પણ સ્પેનની સર્વશ્રેષ્ઠ રહસ્યવાદી કવિતાનો સાગર છલક્યો હોય તો તે સાં વાન દ લા કનૂઝના સર્જનમાં. એના આત્મામાંથી ઈશ્વર માટેની જે આરત પ્રગટી એ જગતભરમાં અદ્વિતીય છે. આ કવિએ એનું યૌવન રોગગ્રસ્ત અને દુઃખત્રસ્ત મનુષ્યોની સેવામાં ગાળ્યું. જ્યાં લુઈ દ લેઑં અધ્યાપક હતા તે સાલામાન્કાની વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું અને પછી જે ક્ષણે Santa Teresa(સાન્તા તેરેસા)નું મિલન થયું તે ક્ષણથી એના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. એમનું મિલન, એમનો પ્રેમ કોઈ દુન્યવી નીપજ નહિ પણ દૈવી સરજત હતી. તન અને મનથી એણે સેવાકાર્ય કર્યું અને અંતે ધર્મધુરંધર સત્તાધીશો સાથે સંઘર્ષ થયો. અંધારી ઘોર અને અત્યંત નાની કોટડીમાં કારાવાસ સેવ્યો. એના અસહ્ય એકાંત અને અખંડ અંધારમાં રહસ્યવાદી કવિતા સ્ફુરી. એક રાતે છાનોમાનો છટક્યો અને નવા મઠની સ્થાપના કરી અવિરત કર્મયજ્ઞનો આરંભ કર્યો. આવા અવિરત કર્મવીરનું આખુંયે આધ્યાત્મિક જીવન માત્ર ત્રણ કે ચાર મુખ્ય કાવ્યોને જ પૂર્ણતાએ પહોંચડવામાં જાય તો એની સાધના, એનું સર્જન જગતભરમાં અદ્વિતીય નીવડે એમાં શી નવાઈ ! આ કવિતા પલાયનવૃત્તિની કવિતા છે. એનાં બે કાવ્યો ઇટાલિયન કાવ્યસ્વરૂપમાં છે અને એક કાવ્ય સ્પૅનિશ પ્રણાલીના કાવ્યસ્વરૂપમાં છે. ગાર્સીલાસોનાં પ્રતીકોમાં બાઇબલના ‘ધ સૉન્ગ ઑફ સૉન્ગ્સ’નું પ્રતીક — ગોપનું પ્રતીક — ઉમેરી એણે ઇટાલિયન કાવ્યપ્રકાર અને બાઇબલનો સમન્વય કર્યો. જેમ ગોપજન એની પ્રિયાને ઝંખે છે અને એના મિલન માટે ઝૂરે છે તેમ આત્મા ઈશ્વરને ઝંખે છે અને એના મિલન માટે ઝૂરે છે. આ સમગ્ર કવિતાનો અર્થ એક જ ‘રાત્રિ’ શબ્દમાં સમાયો છે. આ રાત્રિનો, આત્માની અંધાર રાત્રિનો એ કવિ છે. બાહ્ય જગતની રાત્રિનો અંધાર એના આંતરજીવનના પ્રકાશ સાથે સંઘર્ષ અનુભવે છે. એથી રાત્રિનો અંધાર જ એને ઈશ્વરાભિમુખ કરે છે. જગતનો ત્યાગ, એના સર્વ ઇન્દ્રિયલુબ્ધ સૌંદર્યનો ત્યાગ એટલે આત્મામાં પ્રવેશ. આ ત્યાગ એ મનુષ્યનો મહાનમાં મહાન ત્યાગ. આ આત્મા એટલે અગાધ તમિસ્ર અને સાથોસાથ અપાર તેજ. અને આત્માનું સૌંદર્ય એટલે ઇન્દ્રિયગમ્ય સૌંદર્યથી સહસ્રવિધ મહાન સૌંદર્ય. સ્વરૂપમાં નહિ પણ વસ્તુમાં સાં વાન દ લા ક્રુઝની ગાર્સીલાસો અને લુઈ દ લેઑંથી યે વિશેષ મહાનતા છે. Fernando de Herrera (ફર્નાન્દો દ હેરેરા)ની કવિતાનો પ્રધાન રસ વીરરસ છે. એટલે એનાં પ્રેમકાવ્યોમાં પણ એ યુદ્ધનાં પ્રતીકો યોજે છે. એમાં એક વીર પુરુષની પૂર્ણતા માટેની મહેચ્છા પ્રગટ થાય છે. એની વીરરસની કૃતિઓની સૃષ્ટિ અતિમાનવની સૃષ્ટિ છે. એમાં જૂના કરારનો પ્રકોપ છે. ગ્રીક શિલ્પોની દાહક શીતળતા છે. એમાં મનુષ્ય વિશ્વની નહિ પણ સ્વયં વિધાતાની સન્મુખ ગૌરવથી ઊભો છે. આ કાવ્યોને રાષ્ટ્રકાવ્યો કહ્યાં છે. જ્યારે રહસ્યવાદી કવિઓ આત્માની સુન્દરતા સ્તવતા હતા ત્યારે જ આ કવિ બાઇબલની ભાષાની સહાયથી જ જગતના નકશા પર સ્પેન એ પરમેશ્વરની પ્યારી પ્રજાનો પ્રદેશ છે એવી પાર્થિવતાનો મહિમા ગાતો હતો. એના Cancion por la Perdida del rei Don Sebastian (ડોન સેબાસ્ટીઅનના મૃત્યુનું મહિમ્ન)માં એક ઉદાત્ત આત્માના પરાજયનું ગર્વિષ્ઠ ગાન છે. એમાં ગૌરવપૂર્ણ મૃત્યુયાત્રાની ભવ્યતા છે. આ વીરરસનો કવિ શૃંગારનો પણ કવિ છે. ગાર્સીલાસોની કવિતાના આ આશકનાં પ્રણયકાવ્યોનું પાત્ર કાઉન્ટેસ ઑફ ગેલ્વીસ છે, જેને એ Dona Luz (ડોના લુઝ) કહે છે. પેટ્રાર્ક અને પ્રોવાંસની પ્રણાલીનો પ્રેમ એ આત્માનું અર્પણ છે, સમર્પણ છે. એના અગ્નિમાં આત્મા જલી જાય છે અને સજીવન થાય છે. આમ, એમાં અગ્નિ અને અમૃત બન્ને તત્ત્વો છે. આ પ્રેમ ઉપેક્ષિત પ્રેમ છે, એથી જ કવિ રાજી છે, એને સુખ છે, સંતોષ છે, આશ્વાસન છે. કારણ કે એથી જ એની વેદનામાં આરત અને આરઝૂભર્યા આત્મસંભાષણની શક્યતા છે. હેરેરાને નિઃશ્વાસોનો નબીરો કહ્યો છે. રનેસાંસના કાવ્યપ્રકારનો પ્રવાહ હેરેરામાં મંદ પડ્યો છે. એનું સુવર્ણ જાણે કથીરમાં પલટાઈ ગયું છે. જો કે એની વાગ્મિતાના વિકાસ રૂપે જ ગોન્ગોરાનો જન્મ થાય છે. ૧૭મી સદી: ૧૬મી સદીના આરંભે જે ઇટાલિયન કાવ્યપ્રકાર સ્પેને અપનાવ્યો તેને એ ૧૭મી સદીના આરંભ લગી અનુસર્યું. રહસ્યવાદી કવિઓ સુધ્ધાં સૌ કવિઓએ પોતાનું કાવ્યવસ્તુ વિશિષ્ટ હોવા છતાં આ પ્રકારમાં કાવ્યસર્જન કર્યું. ૧૭મી સદીના આરંભે Luis de Gongora (લુઈ દ ગોન્ગોરા)એ બે કાવ્યકૃતિઓનું પ્રકાશન કર્યું. એ કૃતિઓએ સ્પૅનિશ કવિતામાં ક્રાંતિ સર્જી. એથી એક નવા યુગ(Baroque -અલંકારયુગ)નો આરંભ થયો. એક નવો કાવ્યપ્રકાર જન્મ્યો, નવા પંથનો આરંભ થયો. એને Cult-ismo (શૈલીની સભાન દુર્બોધતા) કહે છે. ૧૯૨૦ પછી સ્પેનમાં પ્રાચીન કવિતાનું પુનરુત્થાન થયું ત્યારે આ ઉપેક્ષિત કવિને ઉગારી લીધો અને આ કાવ્યપ્રકાર, આ પંથ ફરી પાછો gongorismના નવા નામે ફૅશનેબલ થયો. ઇટાલિયન અને સ્પૅનીશ સ્વરૂપો અને પ્રચલિત લયોનો એણે ઉપયોગ કર્યો. ઘેરા રંગોનાં પ્રતીકો દ્વારા એણે કૃત્રિમ અને એકવિધ દૃશ્યો દોર્યાં. પણ શૈલી એવી વિચિત્ર યોજી કે તરત એ વિસરાઈ ગયો. વિરોધી શબ્દો દ્વારા વિચારોનું સામ્ય, પ્રતીકો પરંપરાગત પણ અલ્પ, ભાષા લૅટિનમય પણ વચ્ચે વચ્ચે કાળજીપૂર્વક બોલચાલના શબ્દોનો સભાન ઉપયોગ, વિચિત્ર સીસેરોનિયન વાક્યરચના અને સૌથી વિચિત્ર તો પ્રતીકો અને ઉપમાઓ વિષમ અને વિસ્તૃત; આ લક્ષણોને કારણે એ એવો તો દુર્બોધ લાગ્યો કે ડનની જેમ ત્રણ સદી લગી લોપાઈ ગયો. ગોન્ગોરાની દુર્બોધતા વિચારમાં નથી, વાણીમાં છે, વસ્તુમાં નથી, વક્તવ્યમાં છે. La Soledades (એકાંત)માં કથન તો કેવળ એક માત્ર ઓઠું જ છે. એથી જાણે કે કવિ વારંવાર વિષયાંતર કરે છે. આ કાવ્ય એક વિસ્તૃત વિરોધાભાસની ભરમાર જેવું છે. એમાં ગહન છીછરાપણું છે. એમાં વાસ્તવ છે પણ એનો રહસ્ય સાથે પ્રાસ નથી મળતો એટલે ગોન્ગોરા એક વાસ્તવનો બીજા વાસ્તવથી હ્રાસ કરે છે અને એમ એક વાતમાંથી અનેક વાતોમાં સરી જાય છે. આથી એની કવિતા પ્રતીકોની પરંપરા છે, પણ સમગ્ર કાવ્ય પાછું એક સળંગ વિસ્તૃત પ્રતીક જેવું છે, ડિલન ટૉમસની કવિતાની જેમ. એની કવિતા પરની અરબ અસરનું આ પરિણામ છે. Lope de Vega (લૉપ દ વેગા) ‘આધુનિકતા’નો પ્રથમ પ્રણેતા છે, એની કૃતિઓમાં અશ્રદ્ધા અને આત્મસંઘર્ષને કારણે. એથી એ રોમેન્ટિક પણ છે. કલાસિકલ કવિ સંયમી છે, વિવેકી છે, એથી એ પોતાને કવિતામાં પ્રગટ કરતાં લજાય છે, અચકાય છે. એની દૃષ્ટિમાં કાવ્ય ચૂંટેલા પુષ્પ જેવું છે, જે દ્વારા વૃક્ષનો કદી પરિચય થતો નથી. લૉપ કાવ્યમાં પોતાને પ્રગટ કરે છે. જોકે લૉપ સંસ્કારી મનુષ્ય હતો એથી એની સ્વાભાવિકતામાં એક પ્રકારની સુવ્યવસ્થા છે. આથી જ એના જીવનમાં સદ્-અસદ્‌નો અને એની કવિતામાં કલાસિક-રોમેન્ટિકનો સંઘર્ષ છે. એનું મહાન વસ્તુ પ્રેમ છે, કહો કે પ્રેમની વિપુલતા કે પ્રેમનું વૈવિધ્ય છે. એથી એનો પ્રેમ ચોમેર પ્રસરે છે. છતાં આ પ્રેમ પશુનો પ્રેમ નથી, કારણ કે લૉપને મન પ્રેમ એ પાપ છે અને પાપ એ સ્પેનમાં મનુષ્ય વિશેની મૂળભૂત વિચારણાનો પાયો છે અને એથી જ આ પાપી પ્રેમી સ્પેનનો સાચો કવિ છે અથવા સાચા સ્પેનનો કવિ છે. એનું આખું જીવન અત્યંત કરુણ હતું. Pedro Calderon de la Barca(પેદ્રો કાલ્દેરોન દ લા બાર્કા)એ La Vida es Sueno(જીવન એક સ્વપ્ન છે) નામનું નાટ્યકાવ્ય રચીને માંરીકના શોકકાવ્યના સરળ, સંયમી અને સંપૂર્ણ જીવનદર્શનને ભવ્યતા અર્પી. રનેસાંસ પછી મનુષ્યના ચિત્તમાં સંઘર્ષ વધુ તીવ્ર થયો છે. મનુષ્ય ચિત્તની સંકુલતાથી વધુ સભાન થયો છે, એથી જ જીવન એક નશ્વર ક્ષણિક સ્વપ્ન છે એવો સંદેહ જન્મ્યો છે. જીવનમાં કશું શાશ્વત છે, નિશ્ચિત છે ? ન હોય તો તો પછી જીવનમાં કશું જ કરવાપણું નથી. મૃત્યુનો જ સ્વીકાર કરવા જેવો છે. કારણ કે તો તો પછી મૃત્યુ એ જ જાગૃતિ છે. પણ જીવન જો સ્વપ્ન ન હોય તો ? તો કેટકેટલું કરવાપણું છે. છતાંય જીવન એક સ્વપ્ન છે એમ સમજીને — સ્વીકારીને જ જીવવું એ આવી અશ્રદ્ધા પછી વધુ વાસ્તવિક છે. એથી જ જે સ્વપ્નને અને મૃત્યુને સ્વીકારે છે તે જીવનને સ્વીકારે છે. આ છે કાલ્દેરોનનું વસ્તુ. આધુનિક યુગની સંકુલતાનો, અશ્રદ્ધાનો એમાં એકરાર છે. Francisco de Quevedo (ફ્રાન્સીસ્કો દ કેવેદો) એ સ્પેનના ઇતિહાસમાં કટોકટીની ક્ષણનો કવિ છે. ભાંગીને ભુક્કો થતા જગતમાં અમળાતા અંતરાત્માનું એ પ્રતીક છે. એની કવિતા એ સૂક્ષ્મ સંવેદનની સરજત છે. આ રાજનીતિજ્ઞ કટાક્ષકાર કવિને વિધિની વક્રતા અને દેશવટાનો પરિચય છે. કાળની ગતિ અને મૃત્યુનો એ મહાન કવિ છે. છતાં મોક્ષમાં એને સાચી શ્રદ્ધા છે. ક્ષીણ અને ક્ષુબ્ધ સરિતાને કરાલ ભરતીથી ભરખતા કોઈ શ્યામ સમુદ્રના, ઘોર અંધેર સૂચવતા મૃત્યુના પ્રતીક દ્વારા એનું નિરાશાવાદી દર્શન પ્રગટ થાય છે. એને સ્પેનનો સ્વિફ્ટ કહી શકાય. જોકે મૃત્યુના આ ભીષણ ભયાનક સ્વરૂપને સ્વીકારવાનું સાહસ પણ અંતે એમાં પ્રગટ થાય છે. એની કાવ્યરીતિ કોટિ(conceit)ના પ્રકારની છે. જેને સ્પૅનિશમાં Conceptismo નામથી નવાજી છે. લૉપ દ વેગાની જેમ એ પણ ગોન્ગોરાની કવિતાનો કટ્ટર વિરોધી હતો છતાં ગોન્ગોરાની જેમ કોટિપ્રકારનો પ્રેમી હતો. ૧૮મી સદી: Juan Melendez Valdes (વાન મેલેન્દેઝ વાલ્દે) સાલામાન્કા વિદ્યાપીઠમાં કાયદાનો વિદ્યાર્થી અને માનવવિદ્યાઓનો અધ્યાપક હતો. પછી ન્યાયાધીશ થયો. પણ નેપોલિયન સામેના યુદ્ધમાં એ સ્પેનની સામે નેપોલિયનને પક્ષે લડ્યો એથી નેપોલિયનના પરાજય પછી એને દેશવટો મળ્યો. જ્યારે સ્પૅનિશ કવિતા ગોન્ગોરાની આલંકારિક શૈલીમાં અને કેવેદોના કટાક્ષમાં અટવાઈ ગઈ ત્યારે એણે સુન્દરતા અને સરળતાનો આદર્શ અપનાવ્યો. એનાં પ્રણયકાવ્યો, શોકકાવ્યો, રાત્રિકાવ્યો, ચિંતનકાવ્યો વગેરેમાં એના યુગની પ્રચલિત મનોદશા વ્યક્ત થાય છે. એમાં આછકલાપણું, ઇન્દ્રિયરાગ, લાગણીવેડા વગેરેમાં એના યુગના ગુણદોષ પણ વ્યક્ત થાય છે. એથી એ ૧૮મી સદીની સ્પૅનિશ કવિતાના પ્રતીકરૂપ છે. ૧૮મી સદી એ ગદ્યનો યુગ હતો, એમાં પદ્ય બહુ જ ઝાંખુંપાંખું ને નીઓ-ક્લાસિકલ શૈલીનું હતું. ૧૯મી સદી: Jose de Espronceda (હોઝે દ એસ્પ્રોન્સેદા) સ્પેનના રોમેન્ટિસીઝમનો પ્રતિનિધિ કવિ છે, જીવનના કોયડાનો સર્જક ઈશ્વર અને મનુષ્યનો એની સામે પ્રતિકાર એ જો રોમેન્ટિક લક્ષણો હોય તો. જીવન એક કોયડો છે અને એનો ઉકેલ મૃત્યુ છે. મૃત્યુ એ જીવનનો અંત છે, કોઈ શાશ્વત, ઊર્ધ્વ જીવનનું પ્રવેશદ્વાર નથી. આ એની કવિતાનો સૂર છે. એના સંપૂર્ણ પ્રેમનું સંપાદન કરનાર સ્ત્રી પરનું કરુણકાવ્ય ‘A Teresa’ (તેરેસાને) એ એના આત્માનો આલેખ છે. આ એક જ કાવ્યમાં રોમેન્ટિક કવિતાનાં સર્વ ગુણો, સર્વ વિષયો સમાયા છે. એમાં પ્રેમ એટલે માયા, ઉન્માદ, અનંત વિરહ, કલ્પનોડ્ડયન છે, કારણ કે રોમેન્ટિક પ્રેમીને સર્વસ્વની સ્પૃહા છે. એટલે જ એમાં કરુણતા છે. પ્રેમ સ્વર્ગની સરજત છે અને પૃથ્વી પર આવી પડ્યો છે. એથી જ એનો પરિતોષ અશક્ય છે. આ પ્રેમ સ્ત્રીની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને સ્ત્રી રહસ્યમયી છે, છલનામયી છે; એટલે અપ્રાપ્ય છે. રોમેન્ટિક કવિનો પ્રેમ કોઈ સ્ત્રી સંતોષી શકતી નથી. એટલે તો એમાં પારાવાર પીડા છે. એનું એકમાત્ર ઔષધ મૃત્યુ છે. Gustavo Adolfo Becquer (ગુસ્તાવો આદોલ્ફો બેકેર) અરોમેન્ટિક આબોહવામાં પાછલી મોસમમાં પાંગરેલું એક વિરલ પુષ્પ છે. એણે એક જ વિષય પર એક જ કાવ્યસંગ્રહ લખ્યો છે છતાં રોમેન્ટિસિઝમની સમગ્ર મહાનતા પુરવાર કરવાને એ એકલો જ પૂરતો છે. ૧૯મી સદીનો એ સર્વશ્રેષ્ઠ કવિ છે. કારણ કે એણે કવિતાને જીવન, અરે, એનું સર્વસ્વ અર્પણ કર્યું છે. એની લઘુકદની કૃતિઓમાં અનુભવનો અર્ક છે. એમાં સંક્ષેપમાં અપાર સંવેદન પ્રગટ થાય છે. પરાજિત પ્રેમ, સ્મૃતિનો ભાર અને મૃત્યુ એના મુખ્ય વિષયો છે. પ્રથમ દૃષ્ટિએ અત્યંત અનાયાસ અને આસાન લાગે છે. પણ બેકેર એ સહજ નહિ પણ સભાન અને સંવેદનશીલ કવિ છે. એનું રોમેન્ટિસિઝમ નીતરાં નીર જેવું છે. એની કવિતા એ કેવળ કવિતા, કંટાળાજનક પિષ્ટપેષણ વિનાની વસ્તુલક્ષી કવિતા છે. એથી એ વાચકને આંજતી નથી, અજવાળે છે. જીવનની વાસ્તવિકતાની વચમાં વસતો છતાં એ સ્વપ્નસૃષ્ટિનો કવિ છે, પ્રેમના મહાન કવિઓમાંનો એક છે. ચોત્રીસમે વર્ષે અવસાન પામ્યો ત્યારે લગભગ અજ્ઞાત જેવો હતો. એના Rimas (શ્લોકો) સામયિકોમાં પ્રગટ થયા હતા પણ સંગ્રહ તો મૃત્યુ પછી મિત્રોએ જ પ્રગટ કર્યો. અલંકારરહિત લઘુકદનું કાવ્યસંવેદન વીજળીના સ્ફુલિંગની જેમ ક્ષણ સ્પર્શીને અદૃશ્ય થાય — એ એનો કવિતાનો આદર્શ છે. એક વિચાર દ્વારા અનંત વિચારોનું સૂચન, ધ્વનિ–એ એની કવિતાની લાક્ષણિકતા છે. એના સૌથી સુન્દર અને પ્રસિદ્ધ કાવ્ય Volveran Ias oscuras golondrinas(પંખી પાછાં વળશે)માં આશાવાદનો ધ્વનિ છે. એમાં પ્રેમમાં શ્રદ્ધા છે. પ્રેમ એને પાર ઉતારશે, એથી જીવન એ છેક જ છળ જેવું નથી. કારણ કે કંઈ નહિ તો એક પ્રેમ એમાં અચલ છે, શાશ્વત છે. આથી આ કાવ્યનું સ્વરૂપ સપ્રમાણ રાસડાનું સ્વરૂપ છે. Rosalia Castro(રોઝાલીઆ કાસ્ત્રો)એ એની કવિતા મુખ્યત્વે ઉત્તર સ્પેનની ગેલીસીઅન લોકબોલીમાં રચી છે. એક સંગ્રહ સ્પૅનિશમાં પણ પ્રગટ કર્યો છે. એમાં એણે એટલેન્ટિક કિનારા પરના પ્રદેશના ખડકો, ઉજ્જડ ટેકરા અને પોલા આકાશનાં પ્રતીકચિત્રો દ્વારા એની વ્યથિત મનોદશા વ્યક્ત કરી છે, વળી લોકગીતોના નમૂના પ્રમાણે નવી કૃતિઓ રચીને ભૂતકાળ અને વર્તમાનનો, લોકસાહિત્ય અને શિષ્ટસાહિત્યનો સમન્વય સાધ્યો છે.

અર્વાચીન સ્પૅનિશ કવિતા
 

૧૯મી સદીના અંતમાં સ્પૅનિશ સાહિત્યનાં બે પ્રધાન પ્રેરક બળો તે સ્પેનના આત્માની ખોજમાં ખીલી ઊઠેલો રાષ્ટ્રપ્રેમ અને ફ્રેંચ કવિતાનો પ્રતીકવાદ (Symbolism). આ રાષ્ટ્રપ્રેમના પ્રચંડ આવેગનું એક પરિણામ એ આવ્યું કે સ્પૅનિશ જીવનમાં એકેએક ક્ષેત્રમાં — વિજ્ઞાન, રાજકારણ, રાજ્યકારભાર, કળા અને સાહિત્યમાં — તેજસ્વી કાર્યકરો પ્રગટ થાય એ ઉદ્દેશથી ઉચ્ચ કેળવણીની પુનઃરચના અનિવાર્ય છે એવી સ્પષ્ટ પ્રતીતિ થઈ ગઈ અને ત્યારે જ ૧૮૭૬માં ક્રાંતિકારી સરકારે યુનિવર્સિટીમાંથી તેજસ્વી અધ્યાપકોને તગડી મૂક્યા. એમણે મૂંગા તો ન જ રહેવાય એમ માનીને Institucion Libre de Ensenanza (એન્સેનાન્ઝાની મુક્ત વિદ્યાપીઠ) નામની એક શિક્ષણસંસ્થાની સ્થાપના કરી. એનો આત્મા હતો યુરોપના શિક્ષણના ઇતિહાસમાં પ્રથમ પંક્તિના વિરલ આચાર્યોમાં વિશિષ્ટ સ્થાનનો અધિકારી આચાર્ય Don Francisco Giner de los Rio (દોન ફ્રાન્સિસ્કો ગીનેર દ લોસ રીઓ). ૧૮૯૮માં સ્પેને અમેરિકા સાથેના યુદ્ધમાં એના સામ્રાજ્યના અંતિમ અવશેષ જેવો પ્રદેશ ગુમાવીને એક ગજબનો આઘાત અનુભવ્યો અને ત્યારે જ રાજકારણ અને રાજ્યસત્તાના પુરુષોની પામરતા અને પોકળતાનો એને પરિચય થયો. એના પ્રતિકારમાં ૧૮૯૮માં એક આંદોલનનો આરંભ થયો. અને તે સ્પૅનિશ રાષ્ટ્રના રોગનું નિદાન અને ચિકિત્સા. એનું નેતૃત્વ એક ‘પ્રચંડમનોઘટનાશાળી સાક્ષરવૃન્દ’ પાસે હતું. એણે સ્પેનના યુવાન બુદ્ધિજીવીઓ પર જાદુઈ ભૂરકી નાંખી. ૧૯૧૦માં Alberto Jimenez(આલ્બર્તો યીમેનેઝ)એ Residen-cia de Estudiantes(છાત્રવિદ્યાલય)ની સ્થાપના કરી. એમાં જૂની પેઢીના બુદ્ધિજીવીઓમાં ચિંતકકવિ Miguel de Unamuno(મીગુએલ દ યુનામ્યુનો) તથા નવી પેઢીના બુદ્ધિજીવીઓમાં આધુનિક સ્પૅનિશ કવિતાના ત્રણ પ્રમુખ કવિઓ Antonio Machado (એન્તોનીઓ માકાડો), Juan Ramon Jimenez (વાન રામોં યીમેનેઝ) અને Federico Gar-cia Lorca(ફેડેરીકો ગાર્સીઆ લૉર્કા) જોડાયા હતા. ૧૮૯૦ પછી ફ્રેંચ કવિતાના પ્રતીકવાદની અસર જેમ ઇંગ્લૅન્ડ અને યુરોપના અન્ય દેશોની કવિતા પર પડી તેમ જ સ્પૅનિશ કવિતા પર પણ પડી. મધ્ય અમેરિકાના નીકારગુઆ(Nicaragua)નો ઉદયોન્મુખ કવિ Ruben Dario (રુબેન ડારીઓ) કોલંબસજયંતી પ્રસંગે ૧૮૯૨માં સ્પેન આવીને થોડાક માસ રહ્યો. ત્યારે એણે જૂની પેઢીના બુદ્ધિજીવીઓનો સંપર્ક સાધ્યો અને પછી કવિતાના પિયર પૅરિસમાં ચાલ્યો ગયો. અહીં એના પર ફ્રેંચ પ્રતીકવાદી કવિઓનો એવો તો પ્રભાવ પડ્યો અને વર્લેંનની કવિતાનું એણે એવું તો વાચન કર્યું કે એની સ્પૅનિશ કવિતામાં વર્લેંનના છંદ અને લયનો આબેહૂબ અસલ જેવો જ આવિષ્કાર કર્યો. એક ભાષાની કવિતાનો છંદોલય આમ અન્ય ભાષામાં પ્રગટવો એ કવિપ્રતિભાની અદ્ભુત અને અસાધારણ સિદ્ધિ કહેવાય. (જોકે ત્યારે ફ્રાન્સની બહાર બે જ પ્રતીકવાદી કવિઓ વર્લેંન તથા રૅંબોની જ અસર વિશેષ થાય અને બૉદલેર તથા લાફોર્ગ, કોર્બીયેની અસર નહિવત્ અથવા તો છેક એલિયટથી થાય એ સહેજ કવિતાની કમનસીબ કથા છે.) રુબેન દારીઓની આ કવિતાનો સ્પેનના કવિઓ — માકાડો અને યીમેનેઝ સુધ્ધાં — પર એવો પ્રભાવ પડ્યો કે જ્યારે ૧૮૯૮માં રુબેન દારીઓ સ્પેન આવ્યો ત્યારે એ નવી પેઢીનો નાયક ઠરી ચૂકયો હતો અને ત્યારે સ્પેનના સૌ કવિઓ ફ્રેંચ કવિઓની અસરથી ‘આધુનિક’ બની ચૂક્યા હતા. એમની કવિતાનું સ્વરૂપ સ્પૅનિશ નહિ પણ ફ્રેંચ હતું. રુબેન દારીઓની કવિતામાં કરુણમધુર અને કર્ણમધુર સંગીત દ્વારા કવિની મનોદશા અને ત્વરિત ગતિએ સરી જતી ક્ષણો સદાયને માટે સજીવન થઈ હતી. આ ઇન્દ્રિયલુબ્ધ અને સૌંદર્યમુગ્ધ કવિતામાં આત્મશ્રદ્ધાનો, આશાનો સંદેશ હતો. ૧૮૯૮ પછી સ્પેનની પરાજિત પ્રજાને એનું અજબ આકર્ષણ હોય એ સહજ અને સ્વાભાવિક છે. સામ્રાજ્યનો અસ્ત અને નવી કવિતાનો ઉદય એકસાથે થયા એથી સ્પેનની પ્રજા એક બાજુ ખોટ ખાય તો બીજી બાજુ ખાટી જાય એવું થયું. વળી સૈકાઓના એકસૂર જીવન અને સ્પેનના ભૂંડાભખ, ભાંગતા જતા ભંગાર જેવા ગ્રામપ્રદેશોમાંથી ભાગી છૂટીને માદ્રિદમાં છુટકારો અનુભવતા રસિક વરણાગી યુવાનોના હૃદય પર આ કવિનું જાદુ કૈં ઓર જ હોય એ પણ એટલું જ સહજ અને સ્વાભાવિક છે. રુબેન દારીઓનું વ્યક્તિત્વ પણ એટલું આકર્ષક હતું અને એનાં વચનોનું તો મંત્રોની જેમ રટણ થતું. આ કવિ અને એની કવિતા મોહક હોવા છતાં એનો પ્રતિકાર થયો. એ સ્પૅનિશ નહિ પણ સર્વદેશીય અને અતિઆધુનિક કવિતા હતી. સર્વ સ્પૅનીશ ભાષાભાષી પ્રદેશોની એક આંતરરાષ્ટ્રીય શૈલીનો એમાં પ્રયોગ હતો. આ આંતરરાષ્ટ્રીયતાની સામે સ્પૅનિશ રૂઢિવાદનો પ્રતિકાર થયો. રુબેન ડારીઓએ નવું પ્રસ્થાન કર્યું અને કવિઓ પર અસર કરી; પણ નવો પંથ કે નવો શિષ્યસંપ્રદાય ન સ્થાપ્યો. કારણ કે એની પછીના સૌ પ્રમુખ કવિઓએ એના કાવ્યવસ્તુનો વિરોધ કર્યો. પ્રખર પ્રતિભાસંપન્ન કવિ અને વિશ્વવિખ્યાત વિચારક યુનામ્યુનોએ એના ગ્રંથોમાં જે શાશ્વત જીવનનું દર્શન પ્રગટ કર્યું હતું અને એની કવિતામાં કેસ્ટીલ અને સાલામાન્કાના પ્રદેશોનાં પ્રતીકો દ્વારા જે કાવ્યવસ્તુ પ્રગટ કર્યું હતું એનો રુબેન ડારીઓના કાવ્યસ્વરૂપના જેટલો જ માકાડો અને યીમેનેઝ પર પ્રભાવ પડ્યો. માકાડો ગીનેરની શિક્ષણસંસ્થામાં વિદ્યાર્થી હતો અને યુનામ્યુનોનો શિષ્ય હતો. પત્નીના અવસાન પછી દક્ષિણમાં આવીને વસ્યો. એથી એણે દેશવટા જેવું દુઃખ અનુભવ્યું. કેસ્ટીલનો શુષ્કકઠોર આત્મા અને એના અંગત જીવનના અનુભવો એકમેક દ્વારા એની કવિતામાં પ્રગટ થયા. એણે કહ્યું છે કે કવિતા એ આત્માનો અવાજ છે, પડઘો નહિ. એની કવિતા એટલે આત્માનો સાહસ જેવો સૂક્ષ્મ સઘન વિચાર. એમાં સ્ત્રૈણ વિલાપને સ્થાન નથી. એમાં કઠણ કાળજાનો કરુણ, અલબત્ત, છે. માકાડોની કવિતા એટલે જાણે કે બેકેરના કવિકાર્યનું અનુસંધાન. એની કવિતામાં વસ્તુ અને સ્વરૂપ એકરૂપ છે. બન્ને જેટલા અનલંકૃત છે એટલા જ ભવ્ય છે. એનાં ઉત્તરજીવનનાં કાવ્યોમાં સ્પેનની જાગૃતિની ઝંખના, એના ભાવિનું દર્શન છે. સ્પેન વિશે ઊંડી ચિંતા અને ગહન ચિંતન છે. પૂર્વજીવનમાં એણે છીછરી અને છલભરી કાવ્યશૈલીથી આઘાત અનુભવ્યો અને અંતમાં સ્પેનના ભાવિની ચિંતાથી એ અકાળે વૃદ્ધ થયો. માકાડો સ્પેનનો યેટ્સ છે. ‘જાગૃતિ’ શબ્દમાં એની સમગ્ર કવિતાનો સાર સમાયો છે. જીવનભર એ લોકશાહી માટે લડ્યો અને જ્યારે લોકશાહીનો અંત આવ્યો ત્યારે એ અવસાન પામ્યો. યીમેનેઝે માકાડોની જેમ રુબેન દારીઓના કાવ્યસ્વરૂપનો અને યુનામ્યુનોના કાવ્યવસ્તુનો સંવાદ સાધ્યો અને ૧૯૨૦ પછી પ્રાચીન કાવ્યપરંપરાના પુનરુત્થાન પછી ગોન્ગોરાની કાવ્યભાવનાની સહાયથી અને પોતાની મૌલિક પ્રતિભાની સિદ્ધિથી યીમેનેઝની કવિતા અને એ દ્વારા સ્પૅનિશ કવિતા સ્પેનની સીમાઓની પાર વિશ્વકવિતામાં સ્થાન પામી છે. યીમેનેઝ સ્પૅનિશ ભાષાભાષી પ્રદેશોનો જ નહિ પણ આખા જગતનો એક અગ્રગણ્ય કવિ છે. જ્યારે લૉર્કા એ સ્પેનનો લાક્ષણિક કવિ છે. એની કવિતામાં વિષયો કેવળ સ્પૅનિશ છે: જિપ્સીઓ, ગોધાયુદ્ધના યોદ્ધાઓ, મુગ્ધાઓ, મૃત્યુ, ‘નાગરિક રક્ષકો’ અને ધર્મમંદિરો. આથી એની કવિતા સ્પેનમાં અત્યંત લોકપ્રિય છે. પરદેશોમાં એનાં ‘Romancero Gitano’ (જિપ્સી રાસડા) અને એના માતાદોર મિત્ર પરની એની કરુણપ્રશસ્તિ ‘Llanto’ પ્રસિદ્ધ છે. આ કરુણપ્રશસ્તિમાં લૉર્કાની કલ્પનાએ એવી કરામત કરી છે, એની સર્જકતાને એવી સિદ્ધિ સાંપડી છે કે એનો મિત્ર એ સમગ્ર સ્પેનનું પ્રતીક બની ગયો છે અને મિત્રના મૃત્યુ પરની કરુણપ્રશસ્તિ એ સ્પેનના આત્માના મૃત્યુ પરની કરુણપ્રશસ્તિ બની ગઈ છે. આંતરવિગ્રહ અને લૉર્કાનું ખૂન એ યુરોપની લોકશાહી, સ્પેનનું સ્વાતંત્ર્ય અને સ્પૅનિશ કવિતા — એ સર્વના સંદર્ભમાં અત્યંત સૂચક ઘટના છે. લૉર્કાના અંત સાથે સ્પૅનિશ કવિતાના એક સુવર્ણયુગનો અસ્ત થાય છે. આંતરવિગ્રહના અંત લગીમાં તો સ્પેનના લગભગ સૌ મુખ્ય કવિઓ મૃત્યુ, કેદ કે સ્વેચ્છાએ નિર્વાસનને કારણે અદૃશ્ય થયા. સ્પેનીશ કવિતાની રાજધાની અત્યારે મેક્સિકો છે. સ્પૅનિશ અમેરિકાની કવિતાની પ્રેરણા હવે સ્પેનમાં નથી કારણ કે સ્પેન અત્યારે કવિસૂનું છે.

૧૯૫૬


*