સ્વાધ્યાયલોક—૮/નીરખું ભંગ સંકલ્પના

From Ekatra Wiki
Revision as of 20:29, 24 April 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘નીરખું ભંગ સંકલ્પના’

આજે માત્ર ગુજરાતમાં અને ભારતમાં જ નહિ. પણ જગતભરમાં જે આસમાનીસુલતાની, જે ઊથલપાથલ, જે ભૂકંપ, જે ઉલ્કાપાત, જે અવ્યવસ્થા, જે અરાજકર્તા છે — જીવનના એકેએક ક્ષેત્રમાં છે — એનું કારણ કોઈ વ્યક્તિ કે પક્ષ કે રાષ્ટ્ર નથી; એનું કારણ કાલપુરુષ છે. એ કાલપુરુષનું આહ્વાન છે. સૃષ્ટિની ઉત્પત્તિ કેમ અને ક્યારે? એ તો એ પણ કદાચ જાણતો નથી એમ નાસદીય સૂક્ત કહે છે. પણ લાખોનાં લાખો વર્ષ પૂર્વે પૃથ્વીની ઉત્પત્તિ, લાખો વર્ષ પૂર્વે પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ, પછી ચાલીસેક લાખ વર્ષ પૂર્વે મનુષ્યની ઉત્પત્તિ. પછી પાંચેક લાખ વર્ષ પૂર્વે મનુષ્યે જ્યારે પથ્થર ઊંચક્યો ત્યારે બાહુ અને બુદ્ધિના બળે મનુષ્યે એની સ્વ-તંત્રતાનો આરંભ કર્યો. દસેક હજાર વર્ષ પૂર્વે કૃષિની શોધ દ્વારા કૃષિજીવન, કૃષિસમાજ અને કૃષિસંસ્કૃતિનો આરંભ કર્યો. પછી પાંચેક હજાર વર્ષથી આજ લગી સતત કૃષિમનુષ્યે અનેક આર્થિક, રાજકીય, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સિદ્ધાન્તો અને સંસ્થાઓનું સર્જન કર્યું છે. આ સિદ્ધાન્તો અને સંસ્થાઓની ભવ્ય સિદ્ધિઓ છે. એમનો ઉજ્જ્વળ ઇતિહાસ છે. હજુ પણ એમનું અસ્તિત્વ છે. પણ લગભગ અઢી સો વર્ષ પૂર્વે મનુષ્યે યંત્રની શોધ દ્વારા, ઔદ્યોગિક મનુષ્ય દ્વારા આ સિદ્ધાન્તો અને સંસ્થાઓના અસ્તનો આરંભ કર્યો. અને હવે પચાસેક વર્ષથી યંજ્ઞવિજ્ઞાનની શોધ દ્વારા, યંત્રવૈજ્ઞાનિક મનુષ્ય દ્વારા આ સિદ્ધાન્તો અને સંસ્થાઓનો દૂર-અદૂરના ભવિષ્યમાં અસ્ત થશે અને યંત્રવૈજ્ઞાનિક જીવન, યંત્ર વૈજ્ઞાનિક સમાજ, અને યંત્ર વૈજ્ઞાનિક સંસ્કૃતિનો આરંભ થશે એવું આજે જણાય છે. આ ઇષ્ટ હોય કે અનિષ્ટ હોય, પણ આ અનિવાર્ય છે. યંત્રવિજ્ઞાનની શોધ એ એક અપૂર્વ શોધ છે, એ એક અભૂતપૂર્વ ક્રાન્તિ છે. એ એક પ્રલય સમી પ્રચંડ આંધી છે, એની પ્રકાંડ શક્તિ છે. એની તુલનામાં આ સિદ્ધાન્તો અને સંસ્થાઓ તૃણવત્ છે. દૂર-અદૂરના ભવિષ્યમાં એ કાલગ્રસ્ત થશે એવું આજે જણાય છે. હવે પછી એક નૂતન સંસ્કૃતિનો, યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિનો આરંભ થશે. એમાં કેવા આર્થિક, રાજકીય, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સિદ્ધાન્તો હશે, કેવી સંસ્થાઓ હશે, એનું કેવું અને કેટલું ભવિષ્ય હશે એ તો એક કાલપુરુષ જ જાણે છે — અથવા કદાચ એ પણ જાણતો નથી. આપણે તો આજે, બલવન્તરાયના શબ્દોમાં, આટલું જ જાણીએ છીએ :

‘નિહાળું જગચિત્રની પલટતી જ છાયા-પ્રભા,
… …
અને વિધિસમુદ્રમાં નીરખું ભંગ સંકલ્પના.’

૧૯૯૫

*