અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક-પરિચય
ભૂપેન્દ્ર ત્રિવેદી (જન્મ : ૧૯૧૩) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ગણતર અભ્યાસીઓમાંના એક છે. તેમણે નરહરિની ‘જ્ઞાનગીતા’, માણિક્યચન્દ્રસૂરિનું ‘પૃથ્વીચન્દ્ર ચરિત’, શિવદાસ કૃત ‘કામાવતી’ વગેરે કૃતિઓનું સંપાદન કર્યું છે. મીરાંનાં પદોનું પણ તેમણે સંપાદન કર્યું છે.
શ્રી ભૂપેન્દ્રભાઈ વર્ષો સુધી ઈસ્માઈલ યુસૂફ કૉલેજ, ગુજરાત કૉલેજ અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવાઓ આપી હાલ નિવૃત્તજીવન મુંબઈમાં ગાળે છે. ‘ગ્રંથ’માં તેમનાં દ્યોતક અવલોકનો પ્રગટ થાય છે. થોડો સમય તેમણે ફાર્બસ ગુજરાતી સભાના ત્રૈમાસિકનું સંપાદન કરેલું.
અખો એ તેમના અભ્યાસનો પ્રિય વિષય છે. તેમણે અખાની ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’ અને ‘છપ્પા’ની સંશોધિત વાચના પ્રગટ કરી છે. અખાની સઘળી કૃતિઓનું શાસ્ત્રીય સંપાદન કરવાની તેમની યોજના છે. આવા અખાના અભ્યાસી શ્રી ભૂપેન્દ્રભાઈએ કવિ અખો અને તેની કૃતિઓનું અહીં આપેલું સંશોધનમૂલક મૂલ્યાંકન અભ્યાસીઓને અવશ્ય ઉપયોગી નીવડશે.