અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/એકતાળીસ – સચિવથી અદકેરા
જગન્નાથપુરીની અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલ મહાદેવભાઈની શારીરિક અવસ્થા પર કદાચ આ પ્રસંગની વિપરીત અસર થઈ હશે. પણ એમના અંત:કરણ પર તો એનો પ્રભાવ અગ્નિની જ્વાળામાંથી પસાર થતાં કંચન પર પડે તેવો પડ્યો. તેઓ વધુ વિશુદ્ધ બન્યા અને તેમની આંતરિક કાંતિ એનાથી વધુ ઝગી ઊઠી. ડેલાંગમાં જે દિવસે તેમણે ગાંધીજીથી છૂટા થઈને રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, અને ગાંધીજી, દુર્ગાબહેન તથા બાબલાએ એમના એ વિચારને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો, તે જ દિવસથી એમનું કામકાજ તો પૂર્વવત્ ચાલુ થઈ ગયું. કામમાં પ્રાર્થનાનું તત્ત્વ થોડું વધ્યું હશે ખરું, આંતરિક ગંભીરતા થોડી વધુ ઊંડી ગઈ હશે ખરી, પણ રોજિંદા કામનું પ્રમાણ જરાય ઘટ્યું નહોતું. એમની વાચામાં વિષાદની ખટાશ નહોતી વરતાતી, એમની મધુરતા કિંચિત્માત્ર પણ ઘટી નહોતી. એમના વદન પર પ્રસન્નતાનું ગુલાબ એમનું એમ ખીલવા લાગ્યું.
બાબલો તો ત્યાં સુધીમાં ગાંધીજીના ‘સચિવાલય’નો એક સભ્ય જ થઈ ગયો હતો. પોતાનાં થોડાંઘણાં કામો એને સોંપીને એને નિત્ય શિક્ષણ આપવાનું કામ મહાદેવભાઈને માથે ઉમેરાઈ ચૂક્યું હતું. પણ જગન્નાથપુરીમાં હરિજનો સારુ નિષિદ્ધ મંદિરમાં બાબલો સમજીબૂઝીને ન પ્રવેશ્યો. અને એને અંગે તેણે પુરીના પંડાઓ જોડે થોડો વાદવિવાદ પણ ચલાવ્યો, તેથી મહાદેવભાઈ રાજી થયા હતા. અને ત્યારથી પોતાની સાથે મુલાકાતે આવેલા લોકોમાંથી કેટલાક લોકો સાથે ચર્ચાઓમાં ઊતરવામાં પણ મહાદેવભાઈ બાબલાને પ્રોત્સાહિત કરતા. એક વાર બનારસથી અલાહાબાદ કારમાં જતાં ઓરિસ્સાના એક ક્રાંતિકારી જુવાન શ્રી બંસીધર રાજ સાથેની હિંસા-અહિંસા અંગેની ચર્ચામાં તેમણે આમ બાબલાને પણ ભેળવ્યો હતો. આ મુલાકાત બાદ મહાદેવભાઈએ हरिजन પત્રો સારુ લખેલા લેખમાં પણ એનો સહજ અછડતો ઉલ્લેખ આવતો હતો. પેલા ક્રાંતિકારી ભાઈ તો વરસો પછી નારાયણના લગ્નપ્રસંગે આશીર્વાદ આપવા ખાસ કટક હાજર રહ્યા હતા. ગાંધીજી પણ મહાદેવભાઈની પુત્રને તાલીમ આપવાની આ રીત જોઈને ખુશ થતા. તેઓ કોઈક વાર કહેતા પણ ખરા કે તમે બાબલાને આમ તૈયાર કરો છો એ મને ગમે છે. પોતાની ઘણીખરી મુસાફરીમાં બાબલાને સાથે રાખવાનો આદેશ આપીને ગાંધીજીએ મહાદેવભાઈના મનમાંથી પુત્ર સારુ રાષ્ટ્રની સંપત્તિ ખર્ચ કરવા અંગેનો સંકોચ દૂર કર્યો હતો.
મહાદેવભાઈ મગનવાડીથી સેવાગ્રામ ટપાલ લાવવા લઈ જનાર ટપાલી તો હતા જ, પણ ઘણી વાર હમાલ પણ બની જતા. બહુ મોટો બોજો ન લાવવાનો હોય તો ગાંધીજી મહાદેવભાઈ પાસે વર્ધાથી જરૂરી ચીજવસ્તુઓ પણ મગાવતા. ‘અહીં ફળોનો દુકાળ છે, ખાનસાહેબને હું શું ખવડાવું?’ કહીને એમને સારુ ફળ મગાવવામાં આવે. પણ તે વખતે પાછી ગાંધીજીની વાણિયાબુદ્ધિ પણ કામ કરતી હોય. સેવાગ્રામથી આ રીતે મહાદેવભાઈ પર લખેલ એક ચિઠ્ઠીમાં તેઓ કહે છે:
ગણપત સાથે ફળ મોકલજો… સેબ [સફરજન] ખૂટ્યાં છે. કનુને સંતરાંનું કહ્યું તો છે. પેલો સત્યનારાયણ તો છોલે છે. એનું બિલ બાદશાહી છે. તે ચૂકવ્યું છે. સંતરાં ૧૦૦ના ૪ રૂપિયા, કેળાં ૫૦ના ૮ આના? મનાઈ કરવા છતાં આજે પણ તેણે ફળ મોકલ્યાં છે. એ પાછાં મોકલ્યાં છે. આ તો તમારી જાણ સારુ જ.૧
મિસ મેરી ઇંગમ નામની એક અંગ્રેજ બાઈ ગાંધીજી પાસે આવી હતી. તેને તેમણે મગનવાડી મોકલી. મેરીનું નામ ગાંધીજીએ શાંતાબહેન રાખ્યું હતું. શાંતાબહેન એમ તો થોડા દિવસમાં ઇંગ્લંડ પાછાં જવાનાં હતાં, પણ તેમને મગનવાડીનું વાતાવરણ એટલું ગમી ગયું હતું કે તેમણે થોડા મહિના વર્ધામાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું હતું. શાંતાબહેન મહાદેવભાઈને દફતરનાં કામોમાં મદદ કરતાં અને બાબલાને થોડું અંગ્રેજી પણ શીખવતાં.
શાંતાબહેન મગનવાડીમાં મહાદેવભાઈના કુટુંબમાં જ જમતાં. બાબલાએ અને મહાદેવભાઈએ મળીને શાંતાબહેનનું નામ ‘ડોસપોસ’ રાખ્યું હતું. મહાદેવભાઈ અને દુર્ગાબહેન ડોસાં, બાબલો અને બચુ પોસાં, શાંતાબહેનની ઉંમર ડોસાં અને પાસાં બંનેની વચ્ચેની તેથી તેમને ડોસપોસનું નામ મળેલું.
એ કાળમાં ભણસાળીભાઈ પણ મગનવાડીમાં રહેતા હતા. મહાદેવભાઈ માનતા હતા કે ભણસાળીભાઈને ઈશ્વરસાક્ષાત્કાર થયો હતો, તેથી તેમને વિશે એમના મનમાં અપાર માન હતું, અને એ માન તેમણે બાબલાના મનમાં પણ રેડ્યું હતું. ભણસાળીભાઈની દેહ અને આત્માને પૃથક્ માનવાની વૃત્તિ અને અનુભૂતિ અદ્ભુત હતી. એમને એક વખત વારાફરતી અનેક કાખબગલી થઈ ગઈ હતી. બગલ પરનાં એ ગૂમડાં ખૂબ મોટાં હતાં. લોહીપરુથી તે એવાં ખદબદતાં કે જોનારને પણ એથી અરેરાટી છૂટતી. પણ ભણસાળીભાઈને એની ખાસ પરવા નહોતી. એ તો આખો દિવસ મોટો બારડોલી રેંટિયો ફેરવ્યા કરતા. મહાદેવભાઈ એમને લગભગ બળપૂર્વક વર્ધાની સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા. સિવિલ સર્જને કહ્યું કે ગૂમડાને તરત ચીરીને સાફ કરવું પડશે. ભણસાળીભાઈએ તરત પોતાનું શરીર સિવિલ સર્જન આગળ ધરી દીધું. કોઈ પણ પ્રકારની ઍનેસ્થેટિક દવાથી શરીરના એ ભાગને ચેતનાશૂન્ય બનાવવાની એમને જરૂર નહોતી. ડૉક્ટરને એ મોટામસ ગૂમડામાં લાંબા સોયો ખોસતાં ગભરામણ થતી હતી, ભણસાળીભાઈને નહીં. એમણે ઊભા ઊભા જ આખા ગૂમડાને ચીરીફાડીને સાફ કરાવ્યું. બસ. વચ્ચે કોઈ કોઈ વાર તેઓ ‘પ્રભુ, પ્રભુ નારાયણ, નારાયણ!’ એટલો પોકાર કરી ઊઠતા, અને પછી ગગનભેદી અટ્ટહાસ્ય કરતા. બાકી શારીરિક કષ્ટની એમને સહજ પરવા નહોતી.
સેવાગ્રામ ગયા પછી ‘ભણસાળીકાકા’ પાસે બાબલાએ લાંબા ગાળા સુધી શિક્ષણ લીધું હતું.
વર્ધા-સેવાગ્રામમાં સાપવીંછીનો પાર નહોતો. ત્યાં રહેવા આવે ને વીંછી ન કરડે ત્યાં સુધી આવનાર મહેમાન સ્નાતક ન થાય એવું તમે ગણી શકો! દુર્ગાબહેનને એક વાર વીંછી કરડ્યો. તેમણે ભજનો ગાઈ ગાઈને વીંછીના દરદને સહ્ય બનાવ્યું. ગાંધીજીએ એક ચિઠ્ઠીમાં મહાદેવભાઈને લખ્યું:
‘વીંછીનો ઉતાર ભજન છે એ નવો પાઠ દુર્ગા પાસેથી. એ વીંછી કેવો હશે કે ભજન ગાવા દે? એ ગાનારી કેવી કે વીંછીની વેદનામાં પણ ભજન ગાઈ શકે?’૨
સેવાગ્રામમાં રહેવા ગયેલાં બહેન લીલાવતી આસરને કોઈ કારણસર ગાંધીજી સાથે તકરાર થઈ. તેઓ સેવાગ્રામથી નીકળી આવ્યાં. એ સેવાગ્રામ છોડી ગયાં તે વિશે તો ગાંધીજીએ ઘણા લોકોને ચિઠ્ઠીઓ લખી, પણ તેમણે અનુમાન કર્યું હતું તેમ, લીલાવતીબહેન તો સેવાગ્રામથી નીકળીને સીધાં મગનવાડી જ આવ્યાં. મહાદેવભાઈએ એમને ત્યાંથી આગળ ન જવા દીધાં. ધીરે ધીરે પોતાની સાથે કામકાજમાં જોડ્યાં. ગાંધીજીએ પણ સંતોષ માન્યો કે ‘લીલાવતીને તો મહાદેવ જ સમાવી શકે.’ લીલાવતીબહેને બાબલાને થોડો વખત નામું શીખવેલું.
૧૯૩૬ના ઑક્ટોબરની ૩૧મીએ અમદાવાદમાં મળેલી ૧૨મી ગુજરાતી સાહિત્ય પરિષદના ગાંધીજીને પ્રમુખ ચૂંટવામાં આવ્યા હતા. તે વખતે મહાદેવભાઈએ પત્રકારિતા વિભાગના પ્રમુખ તરીકે એક અત્યંત મનનીય પ્રવચન કર્યું હતું. ગુજરાતી વૃત્તવિવેચનને પ્રાણવાન બનાવે એવાં અનેક સૂચનોથી ભરપૂર એ પ્રવચનમાં મહાદેવભાઈનું ચિંતન અને દેશવિદેશની પત્રિકા અંગેનો તેમનો અભ્યાસ પ્રગટ થતો હતો. ગાંધીજીની સાથે રોજના સરેરાશ સોળ કલાકનું કામ કરનાર મહાદેવભાઈ પત્રકારિતા અંગેનું છેલ્લામાં છેલ્લું સાહિત્ય વાંચવાની ફુરસદ ક્યાંથી મેળવી શક્યા હશે એ જ પ્રશ્ન ઘણા શ્રોતાજનોને આશ્ચર્યચકિત કરતો હતો.
વૃત્તવિવેચન વિભાગને સાહિત્ય પરિષદનું એક અંગ માનવાનો આ પહેલો અવસર હતો. મહાદેવભાઈએ એનો અર્થ એ કર્યો કે વૃત્તવિવેચનને સાહિત્યના અંગ તરીકે પરિષદે માન્યતા આપી. મહાદેવભાઈએ રસ્કિનની ‘પુસ્તક’ શબ્દની વ્યાખ્યાને ‘સાહિત્ય’માં ફેરવી એ યાદ અપાવી હતી કે,
‘હું લખું છું તે સત્ય છે, જનહિતકારી છે, સુંદર છે એવા ભાનથી લખાયેલું હોય તે સાહિત્ય.’
અને પછી પ્રશ્ન કર્યો હતો કે આપણું કેટલું સાહિત્ય આ વ્યાખ્યા મુજબ સાહિત્યમાં ગણાઈ શકે એમ છે? આવી ઊંડી વ્યાખ્યા અનુસાર પત્રકારિતા કરનાર અનેક વિદ્વાનોનો ઉલ્લેખ મહાદેવભાઈએ કર્યો હતો. મહાદેવભાઈ કોઈ પણ વિષયની ચર્ચા કરે અને તેમાં ગાંધીજી ન આવે એમ તો બને જ કેમ? તેથી શરૂઆતમાં જ તેમણે કહ્યું હતું કે આ વિભાગના પ્રમુખ તરીકે જો ગાંધીજીને નિમંત્રવામાં આવ્યા હોત તો તેમની પાસે વૃત્તવિવેચન સારુ અનેક સૂચનો લાધ્યાં હોત. લૉર્ડ રોઝબરીએ વર્તમાનપત્રોને નાયગ્રાના ધોધની ઉપમા આપી હતી તે યાદ અપાવી મહાદેવભાઈ સ્મરણ કરાવે છે કે ગાંધીજીએ આ ઉપમાની જાણ વિના જ કહ્યું હતું કે,
વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાડે છે ને પાકનો નાશ કરે તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે, અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે છે.
પોતાના પ્રવચનમાં મહાદેવભાઈએ પત્રકારિતાને એક મૂલ્ય એ આપ્યું હતું કે વર્તમાનપત્રો એ ધંધો, કમાવાનું સાધન કે વેપાર બની જાય છે. પણ જો પ્રયત્ન કરવામાં આવે તો તે લોકસેવાનાં અમૂલ્ય સાધન પણ બની શકે. તેમ થાય તો તે લોકજીવનનાં આવશ્યક અંગ બને. મહાદેવભાઈએ વર્તમાનપત્રોમાં સમાચારની શુદ્ધિનો આગ્રહ રાખ્યો હતો, અને તત્કાલીન પત્રકારિતામાં સર્વત્ર કેવું પ્રદૂષણ આવી ગયું હતું એના કેટલાક દાખલા આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે પત્રકાર લોકમતને જેમ ઝીલે છે તેમ તેને ઘડે પણ છે. સત્યનિષ્ઠાને પત્રકારના પ્રથમ ધર્મ તરીકે લેખીને અત્યુક્તિ, ખોટી સજાવટ અને નકરા ગપગોળાથી એનો ભંગ થાય છે એ તેમણે સમજાવ્યું હતું. માત્ર નિંદા અને કાદવ ઉછાળનાર પત્રોને મહાદેવભાઈએ કહ્યું કે એના નમૂના આપવા એ પણ કાગળને અંકિત નહીં પણ કલંકિત કરવા બરાબર થશે. સમાચારોને સત્યની ચાળણીએ ચાળીને શુદ્ધ રૂપમાં, આત્માને પોષક એ રીતે રજૂ કરવાની રસ્કિનની સલાહનું મહાદેવભાઈ સમર્થન કરે છે. સત્યપૂત સમાચાર ઉપરાંત મહાદેવભાઈ પત્રિકાઓમાં ઊંડા અભ્યાસપૂર્ણ લેખોની પણ અપેક્ષા રાખે છે અને તેના ઉત્તમ અને કનિષ્ટ બંને પ્રકારના નમૂનાઓ તરફ શ્રોતાઓનું ધ્યાન દોરે છે. છાપામાં આવતી હીન જાહેરખબરોની મહાદેવભાઈ ખબર લઈ નાખે છે.
તંત્રી અને ખબરપત્રીઓના મહાદેવભાઈ ત્રણ પ્રકારો જણાવે છે: (૧) કેવળ લોકમતનું પ્રતિબિંબ પાડનાર, (ર) લોકમત ઘડનારા, અને (૩) લોકશિક્ષકો. અને પછી દુ:ખ પ્રગટ કરે છે કે આપણે ત્યાં પહેલા પ્રકારના તંત્રીઓ કરતાં બીજા બે પ્રકારના પત્રકારો ખૂબ ઓછા હોય છે. આ વિશે गार्डियनના તંત્રી સી. પી. સ્કૉટનો આદર્શ લઈ તેમનાં જ વચનો ટાંકી મહાદેવભાઈ કહે છે કે આવા લોકશિક્ષક અને રાષ્ટ્રવિધાયક તંત્રીમાં ઉત્તમ કુશળતા, શિક્ષણના સંસ્કાર, કુશાગ્ર બુદ્ધિ, ધર્મભીરુતા અને સત્યનિષ્ઠા જોઈએ. હિંદુસ્તાનના બે તંત્રીઓનો વિશેષ ઉલ્લેખ કરીને મહાદેવભાઈ ટિળક મહારાજને લોકશિક્ષક અને ગાંધીજીને રાષ્ટ્રવિધાયક ગણાવે છે. છેવટે પત્રકારિતાને તેઓ એક ગંભીર અને પવિત્ર વ્યવસાય ગણાવે છે. એક પત્રકાર તરીકે મહાદેવભાઈએ यंग इन्डिया, नवजीवन, इन्डिपेन्डन्ट, हरिजनबंधु કે हरिजन પત્રોનું જે રીતે સંપાદન કર્યું હતું તેની વાત આપણે આગળ ઉપર જોઈ ચૂક્યા છીએ. તેથી આપણને સમજાય છે કે પત્રકાર પરિષદમાં આપેલું મહાદેવભાઈનું એ ભાષણ એ માત્ર થોડાં પુસ્તકો ઉથલાવીને ટાંકેલાં ઉદ્ધરણો પૂરતું સીમિત નહોતું, પણ વર્ષોના ઉત્તમ સંસ્કારયુક્ત, લોકહિતકારી, સત્યનિષ્ઠ પત્રકારત્વના અનુભવના સારરૂપ હતું.
આ જ અરસામાં સાહિત્યકાર તરીકે મહાદેવભાઈની એક વિશેષ ઉલ્લેખનીય સેવા હતી પં. જવાહરલાલ નેહરુની આત્મકથાનું ગુજરાતી ભાષાંતર. સાડા છસો પાનાંના એ દળદાર ગ્રંથનું ભાષાંતર કરવાનો સમય મહાદેવભાઈ કેવી રીતે મેળવી શક્યા એ જ એક કોયડો છે. આ ભાષાંતર થયું ત્યારે ગાંધીજી સાથેનું કામ તો જરાય ઓછું થયું નહોતું. પણ આખા કામકાજમાંથી પરવારીને રાતે કે વહેલી સવારે તેઓ આ કામ કરતા. એક વાર ફાનસને અજવાળે તેમણે અનુજ પરમાનંદ પાસે મૂળ અંગ્રેજીનું એક એક વાક્ય વંચાવેલું કે જેથી તેઓ તરતોતરત એનું ગુજરાતી ભાષાંતર લખી શકે. અલબત્ત, આ કામમાં તેમને નરહરિભાઈ, ઠાકોરભાઈ દેસાઈ તેમ જ બીજા પણ એકબે સાથીઓની મદદ મળી હતી. પણ બીજા મિત્રોએ કરેલાં ભાષાંતરોને જોઈતપાસીને સુધારી આપવાનું કામ તો છેવટે મહાદેવભાઈએ જ કરવું પડતું. આ લેખકના અંદાજ મુજબ અડધાથી વધારે ભાગનું ભાષાંતર તો મહાદેવભાઈએ જાતે જ કર્યું હતું. સમયના દબાણને ધ્યાનમાં રાખીને નરહરિભાઈ વગેરેએ બાકીનો ભાગ પૂરો કરવામાં મદદ કરી હતી. એ પુસ્તકમાં ટાંકલી અનેક અંગ્રેજ કવિઓની કવિતાઓના પદ્યાનુવાદ બધા મહાદેવભાઈએ કર્યા હતા. બીજા મિત્રોના ભાષાંતરમાં પણ કેટલીક વાર મહાદેવભાઈએ આખા ને આખા ફકરા ફરી લખ્યા હતા. ભાષાંતર વિશે મહાદેવભાઈએ લખ્યું છે:
પં. જવાહરલાલજીના પુસ્તકનું ભાષાંતર કરવું એ કાંઈ રમતવાત ન હતી. અંગ્રેજોની અંગ્રેજીમાં લખાયેલા એ બુલંદ વાક્યપ્રવાહને કોઈ પણ દેશી ભાષામાં ઝીલવો કઠણ છે. એ ઉપરાંત એને જેટલો સમય આપવો જોઈએ એટલો હું આપી શક્યો નથી.૩
આ ભાષાંતર થયું તેનાથી બેક વર્ષ પહેલાં દેશમાં કૉંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના થઈ ચૂકી હતી. સમાજવાદીઓ તે વખતે કાર્લ માર્ક્સના પોતાના અધ્યયનને આધારે દેશ અને દુનિયાની ગતિવિધિઓને મૂલવતા. માર્ક્સવાદની દૃષ્ટિએ ગાંધીજીના વિચારોની તે કાળમાં કદાચ સૌથી વધુ આકરી ટીકા જયપ્રકાશ નારાયણ તથા માનવેન્દ્રનાથ રૉયે કરી હતી. પં. જવાહરલાલ કૉંગ્રેસના રાજકારણમાં ગાંધીજીની સાથે હતા, પણ વિચારોમાં તેઓ માર્ક્સથી પ્રભાવિત હતા. દુનિયાના ઘણા સમાજવાદીઓ જોડે તેમની મિત્રતા હતી. કૉંગ્રેસ સમાજવાદી પક્ષના લોકો જવાહરલાલજીને પોતાના અવિધિસરના નેતા માનતા.
એવા પં. જવાહરલાલજીની જીવનકથાનું ભાષાંતર મહાદેવભાઈ જેવા ગાંધીભક્ત કરે તેથી ઘણાને આશ્ચર્ય થયેલું. એમની ઉપર બે પ્રકારની ટીકાઓ આવી. જે મિત્રો એમ માનતા હતા કે એ પુસ્તકમાં જવાહરલાલજીએ ગાંધીજીની વિરુદ્ધ ઘણુંબધું લખ્યું છે, તેમણે પ્રશ્ન કર્યો કે એવા પ્રચારમાં મહાદેવભાઈએ શાને મદદ કરવી. બીજી શંકા કેટલાક સમાજવાદીઓ તરીકે ઓળખાતા લોકોએ એ કરી કે મહાદેવભાઈ આના ભાષાંતરમાં કદાચ પોતાના ગાંધીવાદી વિચારોનો રંગ ચડાવી દેશે. જવાહરલાલજીએ ખુદ રાજીખુશીથી આ ભાષાંતર કરવાની રજા આપી. ભાષાંતરમાં લેખક તરીક રૉયલ્ટીની રકમ ન લેવાની નવજીવનની અપીલ સ્વીકારી અને ભાષાંતર થઈ ગયા પછી દેશમાં ઠેકઠેકાણે કહ્યું કે એમની છાપ એવી હતી કે એ પુસ્તકનાં જે જે ભાષાંતરો થયાં હતાં તેમાં ગુજરાતી ભાષાંતર શ્રેષ્ઠ હતું.
એમની ઉપર આવતી ટીકાઓને જોઈ ભાષાંતર કરી રહ્યા પછી એક ઉપોદ્ઘાત લખવો મહાદેવભાઈને જરૂરી લાગ્યો હતો. એનું અંગ્રેજી ભાષાંતર કરીને તેમણે જવાહરલાલજીને મોકલ્યું હતું. પંડિતજીએ એવો ઉપોદ્ઘાત લખવાના મહાદેવભાઈના અધિકારનો સ્વીકાર કરી તેને આવકાર્યો હતો.
માત્ર ચૌદ પાનાંના એ ઉપોદ્ઘાતમાં મહાદેવભાઈએ આ ભાષાંતર કરવા પાછળ પોતાને શી જરૂર જણાઈ હતી એ તો લખ્યું જ છે, પણ તેમ કરતાં તેમણે એક ઉત્તમ વિવેચક તરીકેની પોતાની શક્તિ પણ પ્રગટ કરી છે. એ ઉપોદ્ઘાતમાં પં. જવાહર પ્રત્યેના મહાદેવભાઈનો પ્રેમઆદર પ્રગટે છે, તો બીજી તરફ પોતે જેનો ચીવટથી અનુવાદ કર્યો છે તે ગ્રંથની મર્યાદાઓથી પણ તેઓ અજાણ નથી એ પણ સ્પષ્ટ થાય છે.
મહાદેવભાઈ કહે છે કે આ ‘પુસ્તક નથી ગાંધીજીની વિરુદ્ધ પ્રચાર કે નથી ગાંધીવાદ સામે પડકાર… [તે] ગાંધીજીને ઊભરાતા પ્રેમથી ભરેલી અને શુદ્ધ ભક્તિથી ભરેલી અંજલિ… છે’. ‘ગાંધીજી વિશે જવાહરલાલજીએ કરેલી ટીકાને મહાદેવભાઈ ‘આકરી’ અને ‘ક્યાંક ક્યાંક અમર્યાદ રીતે કડવી’ કહે છે. પણ સાથે સાથે એમ પણ કહે છે કે એથી ગાંધીજીની ફિલસૂફી સમજવામાં પંડિતજીએ ‘અમોલો ફાળો’ આપ્યો છે.
પુસ્તક વિશે મહાદેવભાઈ કહે છે કે તે પંડિતજીના નિત્ય વિકાસવંત જીવનના અસાધારણ વિકાસક્રમનો પોતાને મુખે કહેવાયેલો ઇતિહાસ છે. વળી મહાદેવભાઈ એમ પણ કહે છે કે ‘હિંદુસ્તાનમાં બ્રિટિશ રાજ્યની આકરામાં આકરી રીતે છતાં “લાજવાબ” રીતે એમણે જેવી વહી વાંચી છે તેવી કેટલાંય વર્ષો થયાં વંચાયેલી જાણી નથી.’ એમનાં કેટલાંક પૃથક્કરણને મહાદેવભાઈ બર્કની ‘અગ્નિઝરતી અને વિવેકભરી શૈલી’ની સાથે સરખાવે છે. આટલું કર્યા પછી તેઓ પુસ્તકનું તટસ્થપણે અવલોકન કરે છે. પહેલી વાત તો તેઓ એમ કરે છે કે આ પુસ્તકનું મૂળ મથાળું ‘જેલમાં અને જેલ બહાર’ રાખવાનું વિચારાયું હતું તે ‘જીવનકથા’ કરતાં વધુ ઉચિત હતું, કારણ, જીવનકથાની દૃષ્ટિએ પુસ્તક કાંઈક અંશે અસંતુલિત છે. પુસ્તકમાં બતાવવામાં આવેલા ગાંધીજીના વિરોધાભાસોને ઉપોદ્ઘાતમાં સામે લાવીને મહાદેવભાઈ પ્રશ્ન પૂછે છે: ‘ગાંધીજીના કેવા અજબ વિરોધાભાસો? પણ દોષ ક્યાં છે? જોનારની દૃષ્ટિમાં કે જોવાયેલી વસ્તુમાં?’ અરીસામાં કે અરીસામાં જોનાર અકળાયેલા ક્રોધાવિષ્ટ વદનમાં? ‘અહિંસા આપણને અંતિમ ધ્યેય પ્રત્યે પહોંચાડશે કે કેમ તેની શંકા છે.’ એવું વચન ટાંકી મહાદેવભાઈ કહે છે: ‘અહીં જ ગાંધીજી અને પંડિતજીની વચ્ચે અંતર પડે છે. આનું સ્પષ્ટ કારણ એમની પ્રધાનપણે પશ્ચિમી તાલીમ છે… એમના પુસ્તકમાં પાશ્ચાત્ય લેખકોમાંથી ભરપૂર અવતરણો છે, પણ આપણા દેશના વિપુલ સાહિત્યની છાપ નથી જણાતી.’ પછી મહાદેવભાઈ કહે છે, ‘મને ડર એ છે કે અસલી ગ્રીક સિરિનેઇક ફિલસૂફીના એમના સંસ્કાર હજી પણ એમનામાં રહેલા છે, એટલે એમને પરિચિતનો અણગમો છે, અપરિચિત એમને ગમે છે.’ છેવટે મહાદેવભાઈ કહે છે કે, ‘પંડિતજીમાં શંકા છતાં શ્રદ્ધા છે, ધર્મનાં પ્રચલિત સ્વરૂપો વિશે તીવ્ર વિરોધ છતાં ઊંડે ઊંડે ધર્મ ભર્યો છે. એમના પુસ્તકને પાને પાને એક વસ્તુ બોલી રહી છે: ‘જ્યાં આદર્શો જ્વલંત રહે અને હૈયાં અડગ હોય ત્યાં નિષ્ફળતા હોય જ નહીં. ખરી નિષ્ફળતા તો સિદ્ધાંતના ત્યાગમાં છે…’ ઉપોદ્ઘાતને અંતે મહાદેવભાઈ ગાંધીજી અને જવાહરલાલજીના સમાન ગુણોની ચર્ચા કરે છે:
‘ગાંધીજી અને જવાહરલાલ વચ્ચે કશું સામ્ય છે કે?’ એવો પ્રશ્ન મને એક અમેરિકન છાપાવાળીએ કાંઈક કટાક્ષમાં પૂછ્યો હતો. મેં તેને કહેલું: ‘હા; સત્યને માટેની ધગશ, અને પ્રખર દેશભક્તિ, ને તેને લઈને સર્વસ્વનો ત્યાગ કરવાની શક્તિ.’ આટલા સામ્યમાં ઉપરના ભેદો તો લુપ્ત થઈ જાય એવા છે. પણ બીજું સામ્ય તો મને તે વેળા કહેવાનું સૂઝ્યું નહીં. પ્રતિક્ષણ વિકાસનો ગુણ પણ બંનેમાં સરખો છે, બંનેને એકબીજા પ્રત્યે સરખો પ્રેમ છે: બંને કર્મયોગી છે. એટલે એમની વચ્ચે થોડા ભેદો રુચિ અને સ્વભાવના વૈચિત્ર્યને લીધે હોય તોયે તેમાં દેશનું કુશળ છે.૪
આ ઉપોદ્ઘાત જોઈને ગાંધીજીએ મહાદેવભાઈને લખ્યું:
‘તમારી પ્રસ્તાવના વાંચી ગયો. છે તો સારી. એમાં ફેરફાર ન કરાય. એટલે જૂજ જ કર્યા છે. પણ એ હજમ થશે કે નહીં એ વિશે શંકા છે. પણ જવા દ્યો.’૫
મહાદેવભાઈનું વ્યક્તિત્વ તે કાળ સુધીમાં સચિવપણા અને આશ્રમવાસીપણાને ઓળંગી ગયું હતું. સેવાગ્રામ આશ્રમમાં મહાદેવભાઈ રહેવા આવ્યા ત્યારે એમને સારુ બાપુકુટિની પાછળ જ એક માટીનું ઘર બાંધવામાં આવ્યું હતું. તે વખતે આશ્રમની વ્યવસ્થાનું કામ કૃષ્ણચંદ્રજી નામના એક સજ્જન સંભાળતા હતા. આશ્રમનાં ઘણાં કામોમાં મહાદેવભાઈ નહીં જોડાઈ શકતા હોય તેથી તેમણે એ વિશે ગાંધીજીને પૂછ્યું હશે. ગાંધીજીએ એમને લખ્યું:
‘મહાદેવ આશ્રમમાં રહે છે એમ ન માનવું. એમની પાસેથી સાર્વજનિક કામને માટે એક મિનિટ પણ મળી શકે એમ નથી. પ્યારેલાલની વાત જરા જુદી છે ખરી, પરંતુ એમને પણ ન કહેવું જોઈએ.’૬
સચિવ તરીકેનું પણ મહાદેવભાઈનું કામ સામાન્ય સચિવના કામને ક્યાંય આંબી ગયું હતું. એમાં સચિવ, વૃત્તપત્રકાર, અંગત સેવક, સાધક, પ્રેમી — એમ અનેક પ્રકારનાં વ્યક્તિત્વો એક શરીરમાં સમાવિષ્ટ થતાં હતાં.
૧૯૩૬ના ડિસેમ્બર માસમાં મહારાષ્ટ્રના ખાનદેશ જિલ્લાના ફૈજપુર ગામમાં ભરાયેલા કૉંગ્રેસના અધિવેશન પ્રસંગે યોજાયેલા ખાદી ગ્રામોદ્યોગ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગાંધીજી કરવાના હતા. એમના મંચ પાસે જમીન પર મહાદેવભાઈ બેઠા હતા. એમના હાથમાં એક પૅડ હતું અને પૅડની ઉપર સીધો તાર મોકલવા માટેનું પ્રેસના તારનું ફૉર્મ હતું. ગાંધીજી બોલવું શરૂ કરે તે પહેલાં તો મહાદેવભાઈએ ફૉર્મમાં પ્રસ્તાવના લખી દીધી. ફૉર્મ તારઑફિસમાં જવા તૈયાર હતું. ગાંધીજી પોતાની આગવી શૈલીમાં હિંદીમાં બોલતા હતા. મહાદેવભાઈ મનમાં એનું અંગ્રેજી ભાષાંતર કરી, ગાંધીજીના વિચારો જે જરા આમતેમ વિખેરાતા હોય તો તેને શૃંખલાબદ્ધ કરીને સીધું તારના ફૉર્મ પર ભાષાને સહેજ ટૂંકાવીને લખતા હતા. ભાષણ પૂરું થતાં મહાદેવભાઈ પાસે એક જ કામ રહી ગયું, તારની નીચે સહી કરીને એને ઍસોસિયેટેડ પ્રેસ પાસે મોકલવાનું. આમ, સચિવ તરીકેના એમના કામમાં સંવાદદાતા, શીઘ્રલેખક, ભાષાંતરકર્તા, સંપાદક અને તાર રવાના કરનાર પટાવાળાનાં કામો સમાઈ જતાં.
કૉંગ્રેસ કારોબારીની બેઠક હોય કે કોઈ મહત્ત્વની વ્યક્તિ જોડે મુલાકાત હોય ત્યારે તેની નોંધ પાકી નોટબુકમાં લેવાય. પણ એ નોંધ લેતાં હાંસિયાનો ઉપયોગ ઘણી વાર બીજા કામમાં થાય. મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ જ અરબસ્તાનમાં થયેલો. એમની ઉર્દૂમાં અરબી- ફારસીના શબ્દો વિશેષ આવે. નવા શબ્દો વપરાય, અથવા કોઈ ખાસ રીતે વાક્યપ્રયોગ થાય તો એની નોંધ હાંસિયામાં આવી જાય. તો કોઈ વાર કોઈની હિંદીમાં તેના પ્રદેશની ભાષાની છાંટ આવતી હોય તોપણ મહાદેવભાઈના હાંસિયામાં નોંધાઈ જાય!
દાખલા તરીકે: મરાઠી: ૧. પોપટ, ર. મુળે, ૩. આસાન જાતા હૈ. બંગાળી: ૧. હાથકા કાગજ તૈરી કરને કે લિએ શિક્ષા લિયા ર. ભરસા કરતા હૂં. ૩. ખાજના, ૪. સબ જાયગામેં, અથવા સરદાર પટેલની ભાષા: રાસ્તા મોકલા કરના ચાહિયે. ર. ઉનકે પર ટંગે રહેંગે. ૩. હો રહ્યા હૈ.
ઠીક ઠીક લાંબા ગાળાથી ગાંધીજીના મનમાં બંગાળ અને વાયવ્ય સરહદના પ્રશ્નો ઘોળાતા રહેતા હતા. બંને પ્રદેશો તેમને અહિંસાના વિચારની સામે જુદી જુદી રીતના પડકાર સમા લાગતા હતા. બંગાળમાં ઘણા ક્રાંતિકારીઓ હિંસા-અહિંસા વિશે પુન: વિચારણા કરી રહ્યા હતા. વાયવ્ય સરહદના ખુદાઈ ખિદમતગારો એક તરફ અહિંસાની શક્તિનો પરચો આપતા હતા તો બીજી તરફ ત્યાં પેઢી-દર-પેઢી ખૂનો કરવાની પરંપરા પણ ચાલુ હતી. આ ક્ષેત્રમાંથી બહાદુરની અહિંસાની ઠંડી તાકાત પેદા થશે એવી ગાંધીજીને આશા હતી. પણ લાંબા ગાળા સુધી તો તેમને ત્યાં જવાની પરવાનગી જ આપવામાં આવી નહોતી. આ બે કામો મન પર હતાં ત્યાં સુધી हरिजन પત્રો સારુ લખવાનું પણ ગાંધીજીએ મહાદેવભાઈને જ સોંપી દીધું હતું. તેથી મહાદેવભાઈનો કાર્યભાર વધી ગયો હતો. વળી ગાંધીજી ખુદ સરહદ પ્રાંતમાં જઈ નહોતા શક્યા ત્યારે ત્યાં આંટો મારી આવીને ત્યાંની આખી પરિસ્થિતિનું આકલન કરવાનું કામ પણ ગાંધીજીએ મહાદેવને સોંપ્યું હતું.
આદિવાસીઓ અને હરિજનોના ભેખધારી સેવક ઠક્કરબાપાની ૭૦મી વરસગાંઠ ઊજવવાનું એમના મિત્રોએ વિચાર્યું. એ લોકોએ એ નિમિત્તે સાત હજાર રૂપિયાની થેલી કરવા વિચાર કર્યો હતો, પણ ગાંધીજીએ કહ્યું કે ઠક્કરબાપા જેવી વ્યક્તિ સારુ સાત હજાર રૂપિયા કરવા એ તો એમનું અપમાન છે. ગાંધીજીની પ્રેરણાથી એ આંકડો સિત્તેર હજારનો કરવામાં આવ્યો એટલે એટલી રકમ પૂરી કરવાની જવાબદારી પણ ગાંધીજી પર આવે એ સ્વાભાવિક હતું. અને ગાંધીજીની જવાબદારી એટલે કુદરતી રીતે જ એ મહાદેવભાઈની જવાબદારી પણ થઈ જ ગઈ. એ ઉઘરાણા માટે મહાદેવભાઈ મુંબઈ ગયા. મુંબઈમાં એમને આ કામમાં અસાધારણ સફળતા મળી. જે સંકલ્પ ટૂંકા ગાળામાં પૂરો કરવો અશક્ય લાગતો હતો તે મહાદેવભાઈના ગયા પછી સમય કરતાં સહેજ વહેલો પૂરો થયો. મહાદેવભાઈ પાછા આવ્યા ત્યારે એમના ચહેરા પર હરખ અવશ્ય દેખાતો હતો, પણ પોતાની સફળતાનું બધું શ્રેય તેઓ ‘બાપુના નામ અને બાપુના કામ’ને આપતા હતા.
આ જ પ્રસંગે એ વાતની પણ નોંધ કરી લઈએ કે સન ૧૯૨૯ના માર્ચ માસમાં ગાંધીજી જ્યારે ખાદીકામના ફાળા સારુ બ્રહ્મદેશ ગયા ત્યારે પણ મહાદેવભાઈને આવી જ સફળતા મળેલી. આજ સુધી એ વાતને યાદ કરનારા લોકો મળે છે. એક સજ્જને થોડા જ દિવસ પર આ લેખકને કહ્યું કે, ‘મારા પિતા ત્યારે બ્રહ્મદેશમાં હતા. તેઓ ઉઘરાણા સારુ મહાદેવભાઈની સાથે ફરતા. જે કેટલાક લોકો તો કશું આપે જ નહીં એવી ખ્યાતિ ધરાવતા હતા, તેવા પાસે પણ જવાનો મહાદેવભાઈ આગ્રહ રાખતા, અને તેમની પાસે માત્ર પ્રેમની મીઠી બોલી વડે ઠીક ઠીક રકમ ઉઘરાવી લાવતા.’
ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર શાંતિનિકેતનની વિશ્વભારતી સંસ્થા માટે ઉઘરાણી કરવા ૧૯૩૬ના એપ્રિલ માસમાં દિલ્હી આવ્યા ત્યારનો પ્રસંગ — તે પ્રસંગના દાતા (શ્રી ઘનશ્યામદાસ બિરલા)ની કલમે જ જોઈએ:
ગાંધીજી દિલ્હી આવ્યા હતા અને હરિજનનિવાસમાં ઊતર્યા હતા. આ જ દિવસોમાં કવિસમ્રાટ ટાગોર પણ ‘વિશ્વભારતી’ માટે ફંડ કરવા નીકળ્યા હતા. તેઓ પણ દિલ્હી આવી પહોંચ્યા. કવિસમ્રાટનો કાર્યક્રમ એ હતો કે સ્થળે સ્થળે પોતાની નાટ્યકલા લોકોને બતાવે અને પછી લોકો પાસે પૈસાની માગણી કરે. આ વસ્તુએ ગાંધીજીનું હૃદય વીંધી નાખ્યું. ગુરુદેવ જેવી મહાન વિભૂતિ વૃદ્ધાવસ્થામાં પૈસા એકઠા કરવા ફરે, અને તે પણ કેવળ સાઠ હજાર રૂપિયા માટે, અને પોતાની નાટ્યકલા અને નૃત્યનું પ્રદર્શન કરે, એ વાત ગાંધીજીને અસહ્ય લાગી. હું તો ગાંધીજીને હંમેશાં મળતો હતો, પણ તેઓએ મને આ સંબંધી કશું કીધેલું નહીં. તેમની વેદના વધતી જતી હતી. જ્યારે તેમને આ વેદના અસહ્ય થઈ ત્યારે તેમણે મહાદેવભાઈને પોતાનું બધું દર્દ કહી સંભળાવ્યું.
રાતનો એક પહોર વીત્યો હશે. હું હજુ નિદ્રાવશ થયો ન હતો. નિદ્રાની રાહ જોતો પથારીમાં સૂતો પડ્યો હતો. બત્તી બુઝાવી દીધી હતી. અચાનક કોઈકના પગરવથી હું જાગી ઊઠ્યો, ‘કોણ છે?’ મેં પૂછ્યું તો મહાદેવભાઈએ જવાબ આપ્યો: ‘એ તો હું છું,’ મહાદેવભાઈ ચુપચાપ મારા ઓરડામાં આવીને મારા પલંગ પાસે બેઠા. ‘મહાદેવભાઈ, તમે? રાત્રે કેમ? છે તો બધું કુશળ ને?’ ‘હા, બધું કુશળમંગળ છે, થોડી વાતચીત કરવી છે,’ હું પલંગમાંથી ઊઠવા જતો હતો ત્યાં તો મહાદેવભાઈએ કહ્યું, ‘સૂઈ રહો. સૂતાં સૂતાં જ વાત કરી લઈએ. ઊઠવાની કાંઈ જરૂર નથી.’ હું વળી ઊઠવા ગયો, પણ અંતે મહાદેવભાઈના આગ્રહથી સૂઈ રહ્યો. ‘કહો, શું વાત છે?’ મેં કહ્યું, બસ, પછી તો મહાદેવભાઈની વાગ્ધારા ચાલી. એને શબ્દબદ્ધ કરવાની મારી શક્તિ નથી. જે ઓજ અને કળાથી તેમણે ગાંધીજીની મર્મવેદનાનું ચિત્ર દોર્યું હતું તે ખરેખર જોવાલાયક હતું. આખુંયે દૃશ્ય મારી સામે રમી રહ્યું. મહાદેવભાઈની વાણીમાં ભાવુકતા હતી, મૃદુતા હતી અને તેજસ્વિતા હતી.
ગુરુદેવનાં ગુણગાન, ગુરુદેવને આ વૃદ્ધાવસ્થામાં થોડાએવા પૈસા માટે નાચવું પડે એ આપણું દુર્ભાગ્ય, અને બાપુની અંતરવેદના — આ બધી વસ્તુઓનું મર્મસ્પર્શી ચિત્ર મારા હૃદય ઉપર અંકિત થતાં મને રડવું આવી ગયું. બાપુએ કહ્યું કે, ‘ઘનશ્યામદાસને કહો કે તેઓ પોતાના શ્રીમંત મિત્રોને લખે અને છ જણ મળીને દસ-દસ હજારની રકમ ગુરુદેવને આપી હિંદુસ્તાનને આ શરમમાંથી બચાવી લે અને ગુરુદેવને નિશ્ચિત કરીને શાંતિનિકેતન પાછા મોકલી આપે.’ મહાદેવભાઈએ પોતાનું વક્તવ્ય પૂરું કરતાં આ શબ્દો કહ્યા.
‘મહાદેવભાઈ, બાપુની વ્યથા હું બરાબર સમજી શકું છું: પણ તમે આટલી મોડી રાતે આવી કડકડતી ઠંડીમાં શું કામ આવ્યા? બાપુ પોતે જ નિર્ણય કરી શકતા હતા. હું કોની પાસે ભિક્ષા માગવા જાઉં? બાપુને કહો કે જે કાંઈ આપવાનું હોય તે મારી પાસેથી માગી લે અને ગુરુદેવને આપી દે.’ મેં એમ કહ્યું તો ખરું, પણ એનું શ્રેય તો મહાદેવભાઈને હતું, કેમ કે એમના શાંત પરંતુ માર્મિક વક્તવ્ય મારા માટે બીજો કોઈ નિર્ણય જ રહેવા દીધો ન હતો.
ગાંધીજીના સાથી તરીકેનું એક કપરું કામ હતું વરસોથી જેલમાં પડેલા કેદીઓ સાથે મસલત કરી તેઓ જાહેર જીવનમાં અહિંસા સિવાય બીજો માર્ગ નહીં લે એવી ખાતરી થાય તો સરકાર સાથે વાતચીત કરીને એમને છોડાવવાનું. ગાંધીજી પોતે પણ આ કામમાં હમેશાં સફળ થતા નહોતા. કુમારી વીણા દાસ સાથે ગાંધીજીની મુલાકાતની નોંધ મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં વિગતવાર નોંધી છે. એ રોમાંચક સંવાદ મહાદેવભાઈની અપ્રગટ ડાયરીમાંથી નીચે આપીએ છીએ:
૧૨–૪–’૩૮: વીણા દાસ અને ઉજ્જ્વલા મજમુદારની સાથે પ્રેસિડંસી જેલમાં મુલાકાત. બંનેએ ચરણધૂલિ લીધી. વીણા દેખાવે સૌમ્ય, ૨૨-૨૩ વર્ષની, ઉજ્જ્વલા કાંઈક મોટી. બંને શાંત ગંભીર.
બાપુએ પૂછ્યું: તમારે જે કાંઈ કહેવાનું હોય તે કહો, થોડી વાર ચૂપ.
બાપુ: કે તમારે કાંઈ કહેવાનું નથી?
વીણા: ના, અમારે કાંઈ કહેવાનું નથી.
બાપુ: તમારું નિવેદન મેં વાંચ્યું છે. વરસો પહેલાં સાર વાંચેલો. બે દિવસ પહેલાં આખું વાંચ્યું. તમારે કાંઈ કહેવાનું નથી. એનો અર્થ એ થાય છે કે તમે વિચાર બદલ્યો નથી? તમને જો છોડી મૂકવામાં આવે તો તમે ફરીથી એમ જ કરો?
વીણા: હા, મારા વિચારો બદલાયા નથી. પણ હું એમ જ કરું કે નહીં એ તો દેશ કેવો કાર્યક્રમ ઉપાડે છે એની ઉપર આધાર રાખશે.
બાપુ: પણ દેશ એટલે શું? તમારા સાથીઓ?
ચૂપ.
બાપુ: અચ્છા, તો એ ગુપ્ત વાત છે તો મારે તમને એને વિશે ન પૂછવું જોઈએ. પણ તમે નેતા છો કે અનુયાયી?
વીણા: કદાચ બંને.
બાપુ: એ બહુ સારું, તમારા નિવેદનથી મારી ઉપર એવી છાપ પડી કે તમારું એક આગવું વ્યક્તિત્વ છે. અને તમે નેત્રી થવાનાં જ.
વીણા: હા, મારે થવું છે, હજી હું નથી થઈ.
બાપુ: પણ તમે તમારા નિવેદનમાં જે વલણ લીધું છે તે અત્યારના તમારા વલણથી વિસંગત છે. તમે જે કરવાનાં હો એ તમારા સાથીઓ પર અવલંબવાનું હોય તો તમારું કાંઈ વ્યક્તિત્વ નથી રહેતું.
વીણા: ના. મને આશા છે કે મારામાં વ્યક્તિત્વ છે. એમ તો અનુયાયી છું, પણ સમજુ અનુયાયી છું.
બાપુ: પણ ધારો કે તમારા સાથીઓ જાહેર કરે કે તેઓ હિંસાને પડતી મૂકે છે તો તમેય તેમ કરશો કે નહીં?
વીણા: ના. કારણ, મને હિંસામાં વિશ્વાસ છે, અને હું એકલી રહેવાનું પસંદ કરીશ, અથવા નવા સાથીઓ મેળવીશ.
બાપુ: હવે હું સમજું છું. પણ તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ બદલાય છે અને કેટલીક નથી બદલાતી.
વીણા: મહાત્માજી, હું એ વાત સ્વીકારતી નથી. હું તો કહું છું સર્વપ્રથમ મારો દેશ. બાકી બધું પછી. તમને એક્સ્પીડિયન્સી (તકસાધુતા) શબ્દ તો ખબર છે.
બાપુ: હા, હું જાણું છું.
વીણા: અમે તો અમારા કાર્ય સારુ જે તક હોય તે સાધી લઈએ છીએ. હિંસા એ દુનિયાનો રસ્તો છે.
બાપુએ ઉંમર પૂછી. ઉંમર ૨૭ વર્ષની. ૨૧ વર્ષ સજા થયેલી.
હું છૂટવા ખાસ ઉત્સુક નથી. મેં છ વરસ તો પૂરાં કર્યાં. અને એકદોઢ વરસની છૂટ મેળવી છે. મારે વહેલા છૂટવું નથી.
બાપુએ સમજાવ્યું કે તેમને સજા પૂરી થતાં પહેલાં છોડ્યાં ત્યારે તેમની પણ આવી જ વૃત્તિ હતી. આ શબ્દો પછી એને પણ બળ આવ્યું. એટલે એણે કહ્યું: ના, છૂટવાનો પ્રશ્ન મને મૂંઝવતો નથી.
બાપુ: પણ જો એ લોકો જાણે કે છૂટ્યા પછી તમે એ જ કરવાનાં છો તો એ લોકો તમને છોડે ખરા? તો મને કહો કે ક્યારથી તમારા વિચારો આવા છે?
વીણા: આખોય વખત. થોડો સમય હું અહિંસામાં માનતી હતી. હું કૉલેજમાં ગઈ તેનાય પહેલાંથી હું તમારાં ભાષણો ને લખાણો વાંચતી હતી. પણ પછી મને લાગ્યું કે હિંસા વિના મુક્તિ નથી. બીજા બધા દેશોને હિંસાથી મુક્તિ નથી મળી?
બાપુ: એ હિંદુસ્તાન કરતાં કોઈ હાલતમાં વધુ સારી અવસ્થામાં નથી.
વીણા: એ છે જ. ના, એ વિશે [મેં] વિચાર કર્યો છે અને મારા વિચારો બદલાય એવી શક્યતા નથી.
[પછી બાપુએ અલીપુર પ્રેસિડંસી અને ડમડમ જેલની વાત કરી અને કહ્યું: તમારી ઇચ્છા હોય તો આ પ્રશ્નનો જવાબ ન આપશો, પણ હું પૂછવા ઇચ્છું છું.] તમારા મત મુજબ જે લોકોએ મને હિંસા છોડવાની વાત કરી છે તે જૂઠા છે?
હસીને: હા, દેશને ખાતર. હું એમનો વાંક નથી કાઢતી.
બાપુ: તમે બહાદુર છો. તમે સત્યનિષ્ઠ છો. અને તમારી બહાદુરીની હું કદર કરું છું. તમે આવાં હશો એમ મેં નહોતું ધાર્યું. સત્ય ઘણી વાર પચાવવું બહુ અઘરું હોય છે, પણ તમે મને સત્ય પણ ખૂબ ગૌરવભેર કહ્યું છે. તો હવે હું તમને પૂછું છું કે મને મળવાની તમે વાટ જોઈ હતી?
હું તમને મળવા આવવાનો છું એની તમને ક્યારે ખબર પડી હતી?
અમને દિનાજપુરથી જ્યારે ખસેડ્યાં ત્યારે. મને શંકા હતી જ કે અમને આવાં કામસર લઈ જવામાં આવે છે. અમને આજે કહેવામાં આવ્યું કે તમે મળવા આવવાના છો. અમે હોંશભેર રાહ નહોતી જોઈ. અમે ગભરાયાં હતાં. અહીં આવ્યાં ત્યાં સુધી તમને શું કહેવું એ અમને ખબર નહોતી. તમને સાચી વાત કહેવી કે નહીં એ ખબર નહોતી. પણ મને લાગ્યું કે મારાથી તમને છેતરાય નહીં, તેથી મારાથી જૂઠું બોલાય નહીં. અમે તમને કષ્ટ આપ્યું?
બાપુ: ના. એનાથી ઊલટું. હું તમારી બહાદુરી અને સાહસનો પ્રશંસક છું. હું ઘણાને મળ્યો છું, પણ તમારાં જેવાં બહાદુરને મળ્યો નથી.
જેલમાં તારી જોડે વર્તાવ કેવો છે વ.ના જવાબમાં કહ્યું: હું બહુ સુખી છું. આ મારી સખી ને બીજીઓની સાથે જવું છે. મારાથી એ કંટાળે છે.
મારા પિતાના વિચારો નોખા છે. એ પૂરા તમારી સાથે છે.
મેં [મહાદેવભાઈએ] ઊઠતાં ઊઠતાં પૂછ્યું: તમે તમારા સાથી જોડેની વફાદારીના સોગંદ ખાઓ છો, પણ એ વફાદારી તમે દેશના હિત ખાતર છોડી દેશો?
વીણા: હા.
બીજી તો ભાગ્યે જ કશું બોલી. એ અંગ્રેજી બોલી નહોતી શકતી. એને બંગાળી બોલવાનું કહેવામાં આવ્યું. પણ એ ભાગ્યે જ કશું બોલી. વિચારો વીણાના જેવા જ છે એમ એણે કહ્યું.
જતાં જતાં અત્યાર સુધી જેણે લાગણીને સાવ દબાવી હતી એવી વીણાએ કહ્યું: મહાત્માજી, અમને ‘આપણી પસંદગી’વાળો તમારો લેખ ખૂબ પસંદ પડ્યો.
બાપુ: મારી અહિંસા છતાંય?
પેલી: હા.
બાપુ: તું છૂટે ત્યારે મને લખશે?
વીણા: જરૂર.
મેં કહ્યું: અને કદાચ તમે સેગાંવ આવીને બાપુનું હૃદયપરિવર્તન કરો અથવા પોતાનું કરો?
વીણા: બેમાંથી એકેય શક્ય નથી.
મેં: ખુલ્લા મન સાથે આવો. કદાચ અમે બદલાઈએ.૮
ગાંધીજીને મળેલા કેદીઓમાં વીણા દાસ કદાચ સૌથી વધુ બહાદુર અને સૌથી કઠણ હતી. બીજા કેટલાકને મળવાનું કામ ગાંધીજીએ મહાદેવભાઈને સોંપ્યું હતું. તેમનામાં સૌથી વધુ નોંધપાત્ર હતા સરદાર પૃથ્વીસિંહ. એમને મળવા અને એમની ખાતર પંજાબના ગવર્નર અને મુખ્યમંત્રી (જેઓ એ જમાનામાં ‘પ્રીમિયર’ કહેવાતા) તેમને મળવા મહાદેવભાઈને એકથી વધુ વાર આંટા મારવા પડ્યા અને સારી પેઠે લખાપટ્ટી કરવી પડી. દુર્ભાગ્યે મહાદેવભાઈએ જેવી ગાંધીજીની જેલના કેદીઓ સાથેની મુલાકાતોની નોંધ રાખી છે, તેવી પોતાની મુલાકાતોની નોંધ નથી રાખી. કોઈ જીપ જ્યારે ચાલે છે ત્યારે કુલ કેટલા કિલોમીટર ચાલી તેની નોંધણી એના આગલા ભાગમાં યંત્ર દ્વારા થાય છે. જીપની સાથે સાથે જે ‘સ્ટેપની’ ચાલે છે તેનો ઉપયોગ જરૂર પડે ત્યારે થાય છે. જ્યારે એ વપરાય છે ત્યારે તો તે પણ બીજા વ્હિલની માફક જ ચાલે છે. પણ સ્ટેપની કેટલી ચાલી તેના કિલોમીટર અલગ નોંધાતા નથી. એના કિલોમીટર તો બીજા વ્હિલના કિલોમીટરમાં જ ભળી જાય છે. તેવું જ મહાદેવભાઈનું હતું. તેઓ ઘણી વાર જઈને ગાંધીજીનું કામ પાર પાડી આવતા. પણ એમની સિદ્ધિઓની નોંધ અલગ રખાતી નહીં. ગાંધીજીની સિદ્ધિમાં ભળી જવામાં જ એમને ગૌરવ લાગતું.
ગાંધીજીના વધારાના અંગ તરીકે એવાં બીજાં બે કામો મહાદેવભાઈને આ કાળમાં કરવાં પડેલાં. એક કામ હતું રાજકોટ સત્યાગ્રહ વખતનું અને બીજું કામ મૈસુરનું.
ગાંધીજીએ એક વાર દેશી રાજ્યોના કામ વિશે એક અજબ ઉપમા આપેલી. આઝાદીની ચળવળ ચાલતી હોય ત્યારે દેશી રાજ્યોના કામમાં સામાન્ય રીતે ન પડવાના કૉંગ્રેસના સિદ્ધાંતને સમજાવતાં ગાંધીજીએ કહ્યું હતું કે એ કોયડો દરાજ-ખરજવા જેવો છે. જેટલું ખજવાળો એટલો વધે. સામાન્ય રીતે દેશી રાજ્યોના પ્રશ્નોમાં રાષ્ટ્રના આગેવાનો રસ લેતા ખરા, પણ એમની ચળવળમાં સીધો ભાગ લેતા નહીં. સરદાર વલ્લભભાઈ કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ હતા એટલે રાજકોટના આગેવાનો પોતાના કામકાજમાં એમની સલાહ લેતા. વલ્લભભાઈ પોતાના દરેક કામથી ગાંધીજીને વાકેફ રાખતા અને સામાન્ય રીતે વલ્લભભાઈ ગાંધીજીથી દૂર હોય ત્યારે એમની સાથેનો તમામ વ્યવહાર મહાદેવભાઈની મારફત થતો.
રાજકોટ પ્રકરણના આખા ઇતિહાસમાં ન પડીએ. ઠાકોરસાહેબ ધર્મેન્દ્રસિંહજી અને તેમના તંત્ર દ્વારા વચનભંગ થયો તેને કારણે ગાંધીજીએ ૧૯૩૯ના માર્ચ માસમાં ઉપવાસ કર્યા ત્યારે મહાદેવભાઈ નાદુરસ્ત તબિયતને કારણે દિલ્હીમાં એક વૈદ્ય પાસે ઇલાજ કરાવી રહ્યા હતા. ગાંધીજીના ઉપવાસ શરૂ થતાંની સાથે મહાદેવભાઈનું મન ઝાલ્યું રહે એમ નહોતું. સરદાર વલ્લભભાઈને તેમણે લખ્યું:
આ પ્રકરણ બાપુનો પ્રાણ લેશે એમ લાગે છે. બધે સાધુસંતોના પ્રાણ દુષ્ટોએ જ લીધા છે ને? આજનું બાપુનું નિવેદન વાંચતાં તો પથ્થરો પણ આંસુ વરસાવે. પણ ગ્લેન્સી,૯ ગિબ્સન૧૦ અને વીરાવાળા૧૧ ને થોડાં જ આંસુ આવવાનાં છે?૧૨
રાજકોટના એ પ્રશ્નોનો એક છેડો દિલ્હીમાં પણ હતો. ત્યાંના કોકડાને ગૂંચવવામાં બ્રિટિશ રાજ્યના રાજકોટનિવાસી રેસિડંટ ગિબ્સનનો પણ મોટો હિસ્સો હતો. એને અંગે ગાંધીજીએ વાઇસરૉયને પણ માહિતી આપી હતી. વાઇસરૉય ક્યાંક પ્રવાસમાં હતા તે પ્રવાસ વચ્ચેથી રદ કરીને દિલ્હી આવ્યા હતા. એમણે ગાંધીજીની સાથે ગિબ્સન મારફત સંપર્ક સાધીને સૂચવ્યું કે મુખ્ય મુદ્દો ગાંધીજીને વચનભંગ થયો એમ લાગ્યું એ જ છે. આ બાબતમાં હિંદના વડા ન્યાયાધીશ સર મોરિસ ગ્વાયરનો અભિપ્રાય કેમ ન લેવામાં આવે? વળી તેમણે એવી પણ માહિતી આપી હતી કે ઠાકોરસાહેબ ન્યાયાધીશના ચુકાદા મુજબ વર્તવા ખોળાધરી આપે છે અને પોતે પણ તેનો અમલ ઠાકોરસાહેબ પાસે કરાવવા પૂરેપૂરો પ્રયત્ન કરશે. ગાંધીજીએ આ સૂચન સ્વીકાર્યું હતું. મહાદેવભાઈ દિલ્હી હતા તેથી પ્રજા પરિષદનો આખો કેસ ન્યાયાધીશ આગળ રજૂ કરવામાં ખૂબ સહાયક નીવડ્યા. આ પ્રકરણમાં થયેલા કાગળપત્તર કે ભાષણોના અહેવાલ ગુજરાતીમાં હોય તો તેનું મહાદેવભાઈનું ભાષાંતર પ્રમાણભૂત મનાતું. ત્યાર બાદ આ જ પ્રકરણમાં એક બીજા પ્રસંગે ખુદ વીરાવાળાએ મહાદેવભાઈ પાસે ચાહીને ગાંધીજીના ભાષણના અંગ્રેજી ભાષાંતરની માગણી કરેલી. અને અનેક કામો વચ્ચે પણ મહાદેવભાઈએ એમને એ અંગ્રેજી નોંધ સમયસર પહોંચાડેલી. પણ મહાદેવભાઈનું કામ માત્ર ભાષાંતરકર્તાનું નહોતું. દિલ્હીમાં વાઇસરૉય કે વડા ન્યાયાધીશ જો ગાંધીજીનું માનસ કેમ ચાલે છે એ જાણવા માગતા હોય તો મહાદેવભાઈને ‘જરા મળી જવા’ જણાવતા! એક વાર વાઇસરૉયના મંત્રી મિ. લેથવેટે મહાદેવભાઈને કહ્યું હતું: ‘મને એ કહેવા દો કે ગાંધીજીનાં લખાણો જેટલી કાળજીથી વાંચું છું એટલી જ કાળથીજી हरिजनમાં તમારી સહીથી પ્રગટ થતું સઘળું હું વાંચું છું. ગાંધીના વિચારોને વધુ સારી અને વધુ સ્પષ્ટ રીતે સમજાવનાર હું બીજા કોઈને ઓળખતો નથી.’૧૩
સર મોરિસ ગ્વાયરે જે ચુકાદો આપ્યો તે સો ટકા પ્રજાના પક્ષમાં હતો. પણ જે સમજૂતી થઈ હતી તે અંગે મુસલમાનો અને ગરાસિયાઓને અસંતોષ હતો. આ બાબત વીરાવાળા સાથેની વાતચીત પરથી ગાંધીજીને એમ લાગ્યું કે એક તરફ ઠાકોરસાહેબના લોકોને રીઝવવાનો પ્રયાસ કરવો અને બીજી તરફ આ ચુકાદાનો લાભ લેવો, એ બેય ઉપાયો એકસાથે કામમાં લેવા એ અહિંસક માણસને શોભે નહીં. તેથી તેમણે જાહેર રીતે એ ચુકાદાને કોરે રાખીને એકડેએકથી વીરાવાળા જોડે વાટાઘાટો ચાલુ રાખવાનું ઠરાવ્યું હતું. ઘણા કાર્યકર્તાઓને એનાથી નિરાશા થઈ હતી, પણ ગાંધીજીએ આ અનુભવને અહિંસાનો એક પાઠ માન્યો. વીરાવાળાને સમજાવવા અને એનું હૃદયપરિવર્તન કરાવવાને બદલે ગાંધીજીએ વડા ન્યાયાધીશનો આશરો લીધો, એને વિશે ગાંધીજીએ રાજકોટના કાર્યકર્તાઓને કહ્યું:
હું અશ્રદ્ધાવાન ઠર્યો. ઈશ્વર પ્રત્યેની મારી શ્રદ્ધાને આધારે તથા મારા અનશનથી ઠાકોરસાહેબ તથા વીરાવાળાના હૈયાને પિગળાવવાની શ્રદ્ધાને આધારે રહી જે મારું સર્વસ્વ ખોવાની તૈયારી હું દેખાડી શક્યો હોત તો બહુ બહુ તો મારું મૃત્યુ થાત. પણ એવું મૃત્યુ ઊજળું હોત.૧૪
મહાદેવભાઈ સાથે એમના ટાઇપિસ્ટ તરીકે રાજકોટ ગયેલા નારાયણે પણ ગ્વાયર ચુકાદો ફગાવી દેવાના ગાંધીજીના નિર્ણય અંગે ગાંધીજી સાથે ચર્ચા કરી હતી. એને ગાંધીજીએ સમજાવ્યું:
ચુકાદાથી તો આપણા વિરોધીઓને આપણા દુશમન કરી મૂક્યા. આપણે તો તેમને પ્રેમથી જીતવા રહ્યા અને હવે આપણો રસ્તો મોકળો થયો છે. આપણી સ્વતંત્રતા માટે લડત પૂરી થઈ નથી… પણ હવે આપણે તેને વધુ સારા વાતાવરણમાં અને નિર્મળ હથિયારોથી ચલાવી શકીશું.૧૫
૧૯૩૯ના ડિસેમ્બર માસમાં મહાદેવભાઈને મૈસુર જવાનું થયું. ત્યાંનું પ્રજામંડળ અને ત્યાંના દીવાન પરસ્પર આક્ષેપો કરતા હતા. પ્રજામંડળના સરકાર સામેના આક્ષેપો વધુ ગંભીર પ્રકારના હતા. એ આક્ષેપોને ખોટા કહી, એની તપાસ કરવા ખુદ ગાંધીજીને મૈસુર આવવાનું દીવાન શ્રી મિરઝા ઇસ્માઈલે ઇજન આપ્યું. ગાંધીજી પોતે તો ન ગયા, પણ તેમણે મહાદેવભાઈને મોકલ્યા.
દીવાનસાહેબે ગાંધીના પ્રતિનિધિની આગતા-સ્વાગતામાં કશીયે મણા ન રાખી. બેંગલોર સ્ટેશને એમને (અને નારાયણને) લેવા ચાર ચાર તો ગાડીઓ હાજર. રાજ્યના આલીશાન અતિથિગૃહમાં ઉતારો. ભોજન-સમારંભો વગેરે વગેરે. પણ રાજ્યની સંખ્યાબંધ જેલોમાં ફરી ફરીને કેદીઓની મુલાકાત લીધી ત્યારે મહાદેવભાઈના મનમાં એ વિશે લવલેશ પણ શંકા ન રહી કે રાજ્ય તરફથી લગભગ અવર્ણનીય એવા અમાનુષી અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા. મહાદેવભાઈને તો માત્ર ગાંધીજી આગળ જ તપાસનો અહેવાલ રજૂ કરવાનો હતો, પણ એ અહેવાલ એટલો સચોટ હતો કે ગમે તેટલા ગિન્નાવા છતાંય શ્રી મિરઝા ઇસ્માઈલ પોતાનો નક્કર બચાવ ન કરી શક્યા.
અહીં થોડો વિચાર મહાદેવભાઈ અને ગાંધીજીના સંબંધો વિશે કરી લઈએ. કદાચ બે વચ્ચેનો સંબંધ બાપ-દીકરા કરતાંયે કાંઈક આદકેરો હતો. મહાદેવ ગાંધીજીના આત્મજ નહીં, આત્મીય હતા, જે છેવટે એકાત્મ થયા. મહાદેવ પક્ષે ‘પરમ પૂજ્ય બાપુ’ એ છેવટ સુધી પરમ પૂજ્ય જ રહ્યા. માત્ર એક વાર માંદગીમાં ‘તું કેમ પ્રેમપત્ર લખતો નથી?’ એવો તુંકાર કાઢેલો, બાકી ભક્તે ભેગા થવાની તીવ્ર ઇચ્છા સાથે પણ છેટું રાખેલું. મહાદેવને બાપુના ચરણોમાં કે વધુમાં વધુ થાય તો ખોળામાં માથું મૂકવાની હોંશ હતી. બાપુએ ભલે લખ્યું હોય કે, ‘મને ઇચ્છા થાય છે કે મહાદેવને આવીને ભેટું,’ પણ મહાદેવે એમ કહેવાનું સાહસ કોઈ દિવસ દેખાડ્યું નહોતું.
બંનેના રૂપમાં આકાશપાતાળ જેવું અંતર હતું. એકને વિશે સરોજિનીદેવી સહેજે ‘મિકી માઉસ’ શબ્દ ઉચ્ચારી શકતાં, બીજાને ‘ગુલે ગુજરાત’ કહેતાં. બંનેમાં આકર્ષકશક્તિ હતી. પણ બાપુની આકર્ષણશક્તિ મહાદેવ કરતાં જુદા સ્તરની હતી. બાપુની કર્પણ-શક્તિ આત્માના અમૃતમાંથી આવતી અને તેમની કુનેહ એમને પોતાના બહોળા અનુભવમાંથી લીધેલી છે. મહાદેવની કર્પણ-શક્તિ તેમના ‘કિરતારે ઘડેલા’ રૂપમાંથી આવતી હતી અને એમની મોહકતા એમની પ્રેમામૃતઝરતી વાણીમાંથી આવતી હતી.
બાપુ જ્ઞાની હતા અથવા કહો કે તેઓ સદા સત્યરૂપી મોતી શોધતા મરજીવા હતા. મહાદેવ ભક્ત હતા. તેઓ નિરંતર બાપુના પ્રેમસરોવરમાં તરતા. બાપુનું કર્મ સત્યપૂત આત્મામાંથી નિષ્પન્ન થતું નિષ્કામ કર્મ હતું. મહાદેવનું કર્મ, ભક્તિદ્યૌત હૃદયમાંથી સ્ફુરતા નિર્મળ, ઊર્ધ્વગામી નિર્ઝર જેવું હતું. બાપુ અનુભવના રત્નાકર હતા, તેથી જ તેઓ સૂત્રકાર હતા. મહાદેવ અનુભવના પ્યાસા ભાષ્યકાર હતા. બાપુ મૌલિક વિચારક અને કેટલીક વાર મૌલિક ભાષા યોજનાર આચાર્ય હતા. મહાદેવ બાપુના મૌલિક વિચારોને લોકો આગળ લૌકિક કે શાસ્ત્રીય ભાષામાં રજૂ કરનાર મીમાંસક હતા. બાપુને સત્યમાં જ એટલો રસ હતો કે તે વિનાનું જીવન એમને ખારું લાગતું. મહાદેવને જીવનના માધુર્યમાંથી જ સત્ય લાધતું.
બાપુનું સમગ્ર વ્યક્તિત્વ વૈશાખની બપોરના સૂર્ય જેવું પ્રખર હતું, મહાદેવનું વ્યક્તિત્વ શરદપૂનમના ચંદ્ર સમાન સૌમ્ય હતું. બાપુએ તો મહાદેવના સમગ્ર વ્યક્તિત્વને ઘડેલું, પણ મહાદેવે બાપુ પર કાંઈ પ્રભાવ પાડેલો ખરો?
જો આપણે અન્ય સમકાલીન મહાનુભાવોના સંદર્ભમાં વિચારીએ તો, કદાચ આ પ્રશ્નને વધુ સમજી શકીશું. જે રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ કે ટિળક મહારાજને કોઈ મહાદેવ મળ્યા હોત તો? તે કોઈને એ ન મળ્યા, ગાંધીજીને મળ્યા. ગાંધીજીને ગાંધી બનાવવામાં મહાદેવભાઈનો ફાળો નાનોસૂનો નહોતો.
ગાંધીજીનાં લખાણોમાં મહાદેવભાઈના સંગ પછી એક ચોક્કસ પ્રભાવ પડેલો જણાય છે. हिंद स्वराज અને सत्यना प्रयोगो બંને ગાંધીજીનાં પાયાનાં પુસ્તકોની ભાષા અને તેની માંડણીની સરખામણી કરવાથી એ પ્રભાવ સ્પષ્ટ જણાઈ આવશે. ગાંધી સેન્ટ્રમ, બર્લિનના શ્રી ક્રિશ્ચિયાન બાર્તોલ્ફે એક મુલાકાતમાં આ લેખકને ભારપૂર્વક કહ્યું હતું કે ગાંધીજીનાં લખાણોનો અભ્યાસ કરતાં આપણને સ્પષ્ટપણે જણાયું છે કે મહાદેવના સંપર્કમાં આવ્યા પછી ગાંધીની ભાષામાં કોમળતાની સાથે સાથે ચોકસાઈ આવી છે. પશ્ચિમના લોકોને ગાંધીના વિચારો મહાદેવનાં લખાણોને લીધે સમજવામાં વધુ સુકર બને છે.
બાપુના ભાવજગત ઉપર પણ મહાદેવનો પ્રભાવ પડ્યા વિના રહ્યો નહોતો. તેથી મહાદેવ હતા ત્યારે ગાંધીજી કહેતા કે ‘મહાદેવે આશ્રમનું ગૌરવ વધાર્યું છે’, અને એમના ગયા પછી કહેતા કે એમની ખોટ છ છ જણથી પુરાતી નથી. બાપુના વિચારોને એક બાજુ પ્રાચીન વેદ-ઉપનિષદાદિ શાસ્ત્રોને અને બીજી બાજુથી જૂનાનવા વિશ્વવાઙ્મયનો આધાર આપવાનું કામ મહાદેવે કર્યું.
બાપુ સાથે મતભેદ ધરાવનારાઓના વિચારોને વિશદ કરીને બાપુ આગળ રજૂ કરવાનું કામ પણ ઘણી વાર મહાદેવ કરતા. એ વાત રાજાજીએ પોતાની શ્રદ્ધાંજલિમાં ખાસ નોંધી હતી. વિરોધીઓને બાપુના વિચાર સમજાવવામાં પણ મહાદેવની મદદ બાપુને મળતી. વાઇસરૉયના અંગત સચિવની મહાદેવ જોડે દોસ્તી થઈ ગયેલી. અને ગાંધીજીએ ૮મી ઑગસ્ટ, ૧૯૪૨ની ગોવાલિયા ટૅન્કની મિટિંગમાં કહેલું કે વાઇસરૉય લિનલિથગો તો મહાદેવના પ્રેમમાં પડી ગયા હતા. રાજકોટના દીવાન દરબારશ્રી વીરાવાળાને ગાંધીજી કરતાં મહાદેવભાઈ સાથે વાતચીત કરવામાં વધુ ફાવટ આવતી. એમની પાસે બાપુનું સત્ય અને મહાદેવનું માધુર્ય ભેગું થતું ત્યારે જ કામ આગળ વધતું.
નોંધ:
૧. गांघीजीनो अक्षरदेह – ૬૪ : પૃ. ૪૮.
૨. गांघीजीनो अक्षरदेह – ૬૭ : પૃ. ૩૭૮.
૩. જવાહરલાલ નેહરુ: मारी जीवनकथा: પૃ. ૧૭.
૪, એજન, પૃ. ૧૬.
પ. गांघीजीनो अक्षरदेह – ૬૪ : પૃ. ૧૪૯.
૬. गांघीजीनो अक्षरदेह – ૭૨ : પૃ. ૮૬.
૭. शक्रतारक समा महादेवभाई – પૃ. ૯૫-૯૬.
૮. આખો પ્રસંગ મહાદેવભાઈની અપ્રગટ ડાયરીમાંથી.
૯. પોલિટિકલ સેક્રેટરી.
૧૦. રેસિડંટ.
૧૧, રાજકોટ ઠાકોરના મુખ્ય સલાહકાર.
૧૨. ગ. મા, નાંદુરકર. सरदारश्रीना पत्रो – ૪ : પૃ. ૧૪૧.
૧૩. महादेवभाईनी डायरी (અપ્રગટ): તા. ૧૨–૧૧–૧૯૪૦.
૧૪. गांघीजीनो अक्षरदेह – ૬૯ : પૃ. ૨૯૮.
૧૫. એજન, પૃ. ૩૧૦.