અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/ચોત્રીસ – સૌને કીધાં પોતીકાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચોત્રીસ – સૌને કીધાં પોતીકાં

બીજી ગોળમેજી પરિષદ વખતે, ૧૩મી નવેમ્બર, ૧૯૩૧ને દિન, લઘુમતી કમિટીની છેલ્લી બેઠકમાં ગાંધીજીએ કહ્યું હતું: ‘મારાથી કહી શકાય તેટલા આગ્રહથી હું કહું છું કે આ વસ્તુ (અલગ મતદારમંડળ)નો વિરોધ કરનાર હું એકલો હોઈશ તોપણ મારા પ્રાણાર્પણથી હું તેનો વિરોધ કરીશ.’

સરકારને ગાંધીજીએ છ માસ અગાઉથી આખરીનામું આપ્યું હતું. સરકારે આ નિર્ણય કરી જ લીધો ત્યાર પછી ઘણાં ચિંતન અને ‘અંતરનો અવાજ’ સાંભળ્યા પછી ગાંધીજીએ વીસમી સપ્ટેમ્બર, ૧૯૩૨થી આમરણ ઉપવાસ ઉપર ઊતરવાનો નિર્ણય કરી દીધો હતો. તેની જાણ તેઓ સરકારને કરી ચૂક્યા હતા, પણ સાથે સાથે એમ પણ કહી ચૂક્યા હતા, કે જ્યાં સુધી ઉપવાસની ઘડી આવી પહોંચશે નહીં ત્યાં સુધી તેઓ કે તેમના બે સાથીઓ આ નિર્ણયની વાત જાહેર કરશે નહીં. સત્યાગ્રહીઓ તરીકે ત્રિપુટીએ આ સમાચાર છાના રાખ્યા હતા.

સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી ગાંધીજીના ઘણાખરા પત્રો આ નિર્ણય અંગેના જ લખાયા અને ત્યારથી મહાદેવભાઈની ડાયરી પણ એ જ વિષયથી ભરપૂર છે. ડાયરીનાં ઘણાં પાનાં તો એ પત્રોની નકલથી જ ભરેલાં છે. ગાંધીજીએ કરવા ધારેલા આ વ્રતના વિચાર અને સમાચારો જ એ ડાયરીઓમાં અગ્રસ્થાન પામે ને!

ઘણા પત્રોમાં એકસરખા વિચારો એક યા બીજી રીતે વ્યક્ત થયા છે. આપણે જુદા જુદા પત્રો અને સંવાદોમાંથી મુખ્ય મુખ્ય વાતોને લઈને સમગ્ર વિચારને સમજીએ.

શરૂઆતમાં તો ગાંધીજી એમ વિચારે છે કે ઉપવાસ શરૂ થાય તે પહેલાં જ સરકાર તેમને છોડી દેશે. વલ્લભભાઈના એક પ્રશ્નના જવાબમાં ગાંધીજી કહે છે:

મને હજી એમ જ ભાસે છે કે મને ૧૯મીએ અથવા એ પહેલાં છોડી દેશે. એ લોકો મને ઉપવાસ કરવા દે અને કશી ખબર ન આપે, અને કહે કે કેદી તરીકે એણે ન કરવું જોઈતું હતું એવું કર્યું, અમે શું કરીએ? એ તો અધમતાની પરાકાષ્ઠા કહેવાય. એટલે સુધી એ લોકો ન જઈ શકે, એમ હું નથી કહેતો; પણ એ લોકો એટલે સુધી જવાની જરૂર ન ધારે. અને જરૂર કરતાં આગળ જનારા એ લોકો નથી.૧

જો પોતાને છોડી દે તો તેઓ શું કરે એની કલ્પના ગાંધીજીના મનમાં સ્પષ્ટ નહોતી. પણ પોતાની ભૂમિકા સમજાવતો જે ખરડો ઘડે તેમાં હિંદુ સમાજ, અંત્યજો, સરકાર, મુસલમાનો સૌને ઉદ્દેશીને કાંઈક ને કાંઈક કહેવાનું રહેશે એમ તેઓ કલ્પી શકતા હતા. દુષ્ટમાં દુષ્ટ માણસને પણ પિગળાવી શકાય એવો વિશ્વાસ લઈને જ સત્યાગ્રહી તો ચાલે.

મહાદેવભાઈએ પૂછ્યું કે લોકો પૂછશે કે સરકારનો વાંક કાઢો તે પહેલાં તમે તમારો પોતાનો કેમ ન કાઢો? હિંદુ સમાજ શા સારુ અંત્યજોને અસ્પૃશ્ય ગણે છે? ગાંધીજીએ જવાબ આપ્યો કે એ સમજાવવાનું કામ એમનું રહેશે. અંત્યજોને કાયમના જુદા પાડવાથી તો આંતરવિગ્રહ થાય. ગાંધીજીએ પોતાના બંને સાથીઓને એ પણ સમજાવ્યું કે બીજા કોઈને તેમની પાછળ ઉપવાસ કરવાની સખત મનાઈ છે અને દેશમાં શાંતિ જાળવવાની છે.

મહાદેવભાઈએ આખી લડત વિશે આશંકા સેવી હતી કે તે પાંચ-સાત વરસ ચાલશે. ગાંધીજીએ સમજાવ્યું કે દક્ષિણ આફ્રિકામાં થયું હતું તેમ જો લડત મંદ પડી જાય તો લાંબી ચાલે. અને આખરી ઉદ્દેશ પૂરો કરતાંય સમય લાગે. બાકી જો ઉદ્દેશની દિશામાં આગળ ગતિ થતી હોય તો ગાંધીજી નવા બંધારણની વ્યવસ્થામાં પ્રવેશ કરીને તે તરફ આગળ વધવામાં કાંઈ વાંધો જોતા નહોતા.

વલ્લભભાઈને અલગ મતદારમંડળનો રાજનૈતિક દુરુપયોગ થશે એવી ચાલબાજી લાગતી હતી. થોડાઘણા અસ્પૃશ્યોને રાજકાજમાં લઈને બાકીનાને દૂર રાખીને સરકાર અસ્પૃશ્યોને સમજાવશે કે બીજા કાંઈ ધારાસભામાં જઈ નથી શકતા એ જ બતાવે છે કે અલગ મતદારમંડળની કેવી જરૂર છે.

ગાંધીજીને મન એના નૈતિક પાસાની ચિંતા વધારે હતી. એમને ભય હતો કે અલગ મતદારમંડળ કરવાથી ગામડામાં ખૂણેખાંચરે પડેલા ‘અસ્પૃશ્યો’, ‘અગમ્યો’ કે ‘અદૃશ્યો’નો ખાતમો બોલી જશે. એમને આ ફેરફાર હિંદુ સમાજસુધારકોનો કાંટો કાઢી નાખવાનું કાવતરું લાગતું હતું.

મેજર ભંડારી એક દિવસ ગાંધીજીને મળવા આવ્યા, તેમની આગળ તેમણે આ નૈતિક બાબતની વાત કરી. મેજરે પૂછ્યું કે આ બાબતમાં કાંઈ થઈ ન શકે? ગાંધીજીએ કહ્યું કે અંત્યજો ભેગા મળીને સંયુક્ત મતદાનમંડળ માગે તો જરૂર થઈ શકે.

ગાંધીજીએ સાથીઓને લખવા માંડ્યું કે, ‘ઈશ્વરનો અનુગ્રહ માનો કે તમારા એક સાથીને અંતિમ ધર્મપાલન કરવાનું સૂઝ્યું છે અને તેનો અવસર તેને મળ્યો છે.’૨

મહાદેવભાઈએ શંકા કરી કે, ‘આંબેડકરની બધા ખુશામત કરશે એટલે એની ધૃષ્ટતાને ઉત્તેજન આપવા જેવું થશે.’ ગાંધીજીએ સ્વીકાર્યું કે એવી શક્યતા હશે ખરી.

મહાદેવભાઈના મનમાં થયું કે આ ઉપવાસમાં દોષ ન કહેવાય? પણ ત્યાં તો ગાંધીજીએ કહ્યું: ‘એટલે જ મને થાય છે કે મને છોડે નહીં અને અહીં જ પડ્યા પડ્યા ઉપવાસ કરવા દે અને મરવા દે તો કેવું સારું! પણ છોડશે તો હું બધું સાફ કરીશ. તે એ કે એને [ડૉ. આંબેડકરને] સાચું લાગે તો એ માને, દબાઈને ન માને. કોઈ એના પર દબાણ ન કરે.’૩

અનેક પ્રિયજનોના તાર કે પત્રો આવવા લાગ્યા.

સરોજિની નાયડુએ એક અત્યંત સ્નેહાળ અને પ્રભાવશાળી પત્રમાં લખ્યું:

હે ભાવિના ભાગ્યવિધાતા, હું તો કહું કે એવાં સાત જીવન હોય તોપણ આ સૈકાજૂનું પાપ ધોવાને એ અર્પણ કરો, અસ્પૃશ્યતાનું ભયંકર કલંક, જરૂર પડે તો, તમારા જેવાના પવિત્ર લોહીથી જ્યાં સુધી ધોવાશે નહીં ત્યાં સુધી આપણા રાષ્ટ્રની મુક્તિ નથી… સમસ્ત માનવજાતિના કલ્યાણ માટે, ખાસ કરીને હિંદુ જાતિનાં લા-વારસ અને દયાપાત્ર સંતાનો માટે, વધારે સ્વીકાર્ય, વધારે સુંદર અને વધારે નિષ્પાપ બલિદાન, — તમારું જીવન છે કે તમારું મૃત્યુ? જો તમે અતિશય નમ્રતાપૂર્વક અને પ્રાર્થનામય થઈને તમારા હૃદયમાં વિરાજી રહેલા ઈશ્વરનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરશો, તો હે નાના ભાગ્યવિધાતા, તમને જવાબ મળશે કે સર્વોત્તમ બલિદાન માટે તમારે જીવન પસંદ કરવાનું છે, નહીં કે મરણ.૪

‘વહાલાં બુલબુલ મા અને મારા આત્માનાં રખેવાળ’ કહી સરોજિનીને સંબોધીને ગાંધીજીએ એક લાંબો પત્ર લખ્યો, જેના બે નાના ફકરા નીચે પ્રમાણે છે:

ખૂબ પ્રાર્થના પછી ઈશ્વરને નામે અને તેના આદેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના અમલની પળ મુલતવી રાખવાનો મને અધિકાર નથી…

અહીં માતૃપ્રેમે કવિની આર્ષદૃષ્ટિ ઉપર વિજય મેળવ્યો છે. અને તેથી જ મારો નિર્ણય ફેરવવાને — મારું જીવન ટકાવી રાખવાને મારા ગર્વને અપીલ કરવા તમે પ્રેરાયાં છો.

પણ હું માનું છું કે મારામાં રહેલા સ્ત્રીત્વને તમે વીસર્યાં નથી. એ સ્ત્રીત્વને કારણે જ મરણ પર્યન્ત સહન કરવાનો માર્ગ મેં પસંદ કર્યો છે. મારા અબળાપણામાં જ મારું બળ મારે શોધવું રહ્યું…૫

આફ્રિકામાં પરમ પ્રિય મિત્ર હર્મન કૅલનબેકને લખ્યું:

જો આ શરીર પાસેથી ઈશ્વરને વધારે કામ લેવું હશે તો આ અગ્નિપરીક્ષામાંથી એને તે પાર ઉતારશે. જો હું જીવતો રહું તો તમે બને એટલા વહેલા આવવાનો પ્રયત્ન કરશો અને મને મળશો. અત્યારે તો આ છેલ્લા રામ રામ.૬

પુત્ર અને પુત્રવધૂ મણિલાલ અને સુશીલાને લખ્યું:

મારી બધી આશા પૂરી પાડજો. શી આશા રાખું છું તે જાણો છો? બાપુ જે વારસો મૂકી જાય છે તેમાં ખૂબ વધારો કરજો. ઈશ્વર તમારું કલ્યાણ જ કરશે.૭

૧૭મીએ રાત્રે ઉપવાસ અંગે કરારનો ખરડો ઘડી કાઢ્યો હતો. એમાં ખૂબ મોટી મોટી શરતો જોઈને વલ્લભભાઈ ઊકળી ઊઠ્યા, ‘આ વસ્તુ ખળભળાટ કરશે, એને માટે હિંદુ સમાજને નોટિસ જોઈએ, એ લોકોને તો તમારા ઉપવાસ છોડાવવા સાથે વાત છે. આ બધી માગણી કરો તો સમાજ પર બળાત્કાર થાય, તમે સમાજને મજબૂત નથી કરી શકતા.’ ગાંધીજીએ સમજાવ્યું કે:

ઉપવાસ છોડવાને માટે આ નથી. પણ ઉપવાસ આજે છોડું પછી ભાવિમાં મારું વર્તન કેવું હશે તે હું એ લોકો પાસે છાનું કેમ રાખું? સમાજની પાસે જે ઇચ્છું છું તે આવવું જ જોઈએ. ભલે સમાજ છ માસની નોટિસ માગે, પણ તે દિવસ બધાં મંદિરો, બધી શાળાઓ અને જાહેર સંસ્થાઓ ખુલ્લાં થવાં જ જોઈએ. એ વિશેના કરાર ઉપર મહારાજોની પણ સહી જોઈએ.૮

સરકારે ગાંધીજીના આખરનામાને શરૂઆતમાં તો ગણકારેલું જ નહીં, પહેલાં તો એ જ સમજાતું નહોતું કે ગાંધીજીએ સેમ્યુઅલ હોરને લખેલ પત્ર આખા પ્રધાનમંડળે ચર્ચ્યો છે કે નહીં. ઉપવાસના દિવસો જેમ જેમ નજીક આવતા ગયા તેમ તેમ સરકાર તરફે અધિકારીઓ મારફત એ પૂછપરછ થવા લાગી કે ગાંધીજીનો નિર્ણય અફર છે કે તેમાં કાંઈ ફેરફાર થવા સંભવ છે. છેવટની સ્થિતિ એ આવી કે એમ કહેવામાં આવ્યું કે સરકાર તરફથી તો ચુકાદો અપાઈ ચૂક્યો છે. હવે જો ભારતના સૌ લાગતાવળગતાઓ સાથે મળીને આ નિર્ણયને બદલવાનો નિશ્ચય કરશે તો જ એમાં ફેરફારને ગુંજાશ છે. બાકી તો શું થઈ શકે? ઉપવાસને દિવસે સરકાર તરફથી લગભગ આ ભૂમિકા હતી. ગાંધીજીએ સરકાર સાથે થયેલ પત્રવ્યવહાર છાપાંઓમાં આપવા વિનંતી કરી હતી, પણ તે આખરી દિવસ સુધી પ્રસિદ્ધ થયો નહોતો. ગાંધીજી ઉપવાસ ઉપર ઊતરે છે એ સમાચાર અવશ્ય બહાર પડી ગયા હતા. પણ પોતાનો આખો વિચાર દેશ કે દુનિયા આગળ મૂકવાનો તેમને મોકો નહોતો મળ્યો. બલકે તે પહેલાં એકથી વધારે વાર એવું બન્યું હતું ખરું કે ઇંગ્લંડની પાર્લમેન્ટ આગળ હિંદી વજીરે એવાં વિધાનો કર્યાં હતાં કે એમની પ્રામાણિકતા વિશે ગાંધીજીની શ્રદ્ધા ડગી ગઈ હતી. અલબત્ત, ગાંધીજીની સમક્ષ તો હિંદી વજીરના ભાષણના અહેવાલો પણ છાપાંઓ મારફત જેટલા અને જેવા આવે તેટલો જ આધાર હતો. પોતાને તરફે એમની પાસે ચોક્કસ માહિતી મેળવવાની સગવડ નહોતી અને જવાબ બહાર પહોંચાડવાનો તો પ્રશ્ન જ નહોતો. જ્યારે વલ્લભભાઈએ હિંદી વજીરના બીજા ભાષણ વિશે ગાંધીજીનો અભિપ્રાય પૂછ્યો ત્યારે ગાંધીજીએ કહ્યું, ‘એ ભાષણમાં ચાલાકી સિવાય કાંઈ નથી અને મને બહુ નિરાશા થાય છે. હું એને પ્રામાણિક માનતો હતો. આ ભાષણમાં એ પ્રામાણિક મટી ચાલાક બન્યો છે.’૯

પ્રતિપક્ષીને જેલમાં પૂરી, એનું મોં સીવીને એને વિશે અધિકૃત કે બિનઅધિકૃત રીતે પોતાને ફાવે તેવાં વિધાનો કરવાં એ આતતાયી શાસકોનો રિવાજ છે, જે લોકશાહીની જનની કહેવાતા દેશના સર્વોચ્ચ રાજનૈતિક નેતાઓ ખુલ્લી રીતે અજમાવી રહ્યા હતા. સત્યને દાબી દેવું એ દરેક સરમુખત્યારનું મુખ્ય સાધન હોય છે. મહાદેવભાઈની રોજેરોજની ડાયરીઓ અને નોંધો આ સત્યનું ગળું દબાવવાના પ્રયત્નની સામે પડકાર સમી હતી. આજે સાઠ વર્ષ પછી પણ એ સામ્રાજ્યવાદી આતતાયિતાના અસત્યની સામે બળવો પોકારી સત્યનો ઝંડો ફરકતો રાખે છે.

જેની પાસે સત્ય પ્રગટ કરવાનું સાધન હતું, જેનું મોં સીવવામાં આવ્યું નહોતું, તેવા बॉम्बे क्रॉनिकलવાળા હોર્નિમૅને હોરના ભાષણ વિશે લખ્યું:

પોતે રાજદ્વારી બાબતમાં અપ્રામાણિક ક્યારે બની જાય છે તેનું પણ એને ભાન નથી. રાજદ્ધારી મૂલ્યોની એ કદર નથી કરી શકતો એટલું જ નહીં, પણ રાજદ્વારી વર્તનમાં નીતિ જેવી કશી વસ્તુ જ એ જાણતો નથી… આ ભાષણમાં એવી બેશરમ કબૂલાત આવી જાય છે કે વડા પ્રધાને પોતાના ભાષણમાં જે અધ્યાહારો રાખ્યા હતા તે ગોળમેજી પરિષદનો છેદ ઉડાડી દેવાનો માર્ગ ખુલ્લો રાખવા માટે ઇરાદાપૂર્વક જ રાખવામાં આવ્યા હતા.૧૦

ભારતને છેડે તો ગાંધીજી વિશે વધુમાં વધુ અનુદાર વાઇસરૉય જ દિલ્હીની ગાદીએ બેઠેલો હતો. મહાદેવભાઈ પોતાની ૨૦–૯–’૩૨ની ડાયરીમાં નોંધે છે:

સૂતાં સૂતાં બાપુ કહે: વલ્લભભાઈ, તમને એક ગમ્મતની વાત કરવાની રહી ગઈ. પેલો વિલિંગ્ડન, જયકર-સપ્રુને કહે: ‘Irvin foolishly yielded to that villain of a Bania, not!’ ‘અર્વિન મૂર્ખો તે પેલો ખલનાયક વાણિયાને નમ્યો, હું એમ ન કરું.’૧૧

આપણે ઉપવાસના મંગલ પ્રભાત સુધી આવી પહોંચ્યા. અસ્પૃશ્યતાને કાયમને માટે દેશના બંધારણમાં સ્થાયી થતી અટકાવવા ગાંધીજીએ પોતાના પ્રાણ હોડમાં મૂકવાનો નિશ્ચય કર્યો. બાર વર્ષની ઉંમરે ઘરનું પાયખાનું સાફ કરવા આવતા ભંગીને ‘એનામાં પણ ઈશ્વરનો વાસ છે’ એમ કહીને એને અસ્પૃશ્ય ગણવાનો ઇન્કાર કરનાર ગાંધીજીએ બાસઠ વર્ષની ઉંમરે જ્યારે ગોળમેજી આગળ જાહેરાત કરી કે અસ્પૃશ્યો સારુ અલગ મતદારમંડળની જોગવાઈ કરવામાં આવશે તો પોતે એનો પ્રાણપણે વિરોધ કરશે ત્યારે એમનું એ વિધાન સીટોની સોદાબાજી કરનાર કોઈ રાજકારણી મુત્સદ્દીની જીભે ઉચ્ચારાયેલું વિધાન નહોતું. એ તો સર્વત્ર હરિદર્શન કરવા મથતા સાધકની નિષ્ઠામાંથી નિષ્પન્ન એવું વચન હતું. સાચી લોકશાહીનું મૂળ પણ ગાંધીજીને આ આત્માની એકતાના દર્શનમાં જ લાગતું હતું. વળી દિવસોના દિવસોની મૂંઝવણ અને તલસાટ પછી રીતસર ‘અંતરના અવાજ’ના આદેશથી તેઓ આ નિશ્ચય પર આવ્યા હતા. તેથી તેઓ આ ઉપવાસને વ્રત માનતા હતા અને તેને ધાર્મિક કે આધ્યાત્મિક મહત્ત્વ આપતા હતા.

એ વ્રતનો દિન આવી પહોંચ્યો. ‘નિશા જે સર્વભૂતોની તેમાં જાગ્રત સંયમી’. રાતે અઢી વાગ્યે ગાંધીજી ઊઠે છે: પ્રથમ સ્મરણ દેશને બીજે ખૂણે બેઠેલા કવિવર રવીન્દ્રનાથનું. સત્ય સ્મરે છે સુંદરને શિવને અર્થે:

પ્રિય ગુરુદેવ,

મંગળવારની પરોઢના ત્રણ વાગ્યા છે. આજે બપોરે મારો અગ્નિપ્રવેશ થશે. એ કાર્યને તમે જો આશીર્વાદ આપી શકતા હો તો મારે તમારા આશીર્વાદ જોઈએ છે. તમે મારા સાચા મિત્ર છો, કારણ, તમે મારા નિખાલસ મિત્ર છો અને જે મનમાં આવે તે મોઢેથી કહી દો છો… તમારું હૃદય મારા આ કાર્યને વખોડી કાઢતું હોય તોપણ તમારી એ ટીકા હું ભેટ સમાન ગણીશ. મને જો મારી ભૂલ ખબર પડે તો, તેનો એકરાર કરવાની ગમે તેટલી કિંમત આપવી પડે છતાં, મારી ભૂલનો ખુલ્લો એકરાર ન કરું એવો અભિમાની હું નથી. તમારું હૃદય જે મારા આ કાર્યને પસંદ કરે તો તમારા આશીર્વાદ મારે જોઈએ છે, એ મને ટકાવી રાખશે…

મો. ક. ગાંધી

તા. ક. સવારના સાડા દસ. હું સુપરિન્ટેન્ડેન્ટને તમારા ઉપર લખેલો કાગળ આપવા જતો હતો ત્યાં તમારો પ્રેમાળ અને ભવ્ય તાર મને મળ્યો…૧૨

મો. ક. ગાંધી

કવિનો એ તાર પણ મહાદેવભાઈની ડાયરીએ આપણે સારુ સાચવી રાખ્યો છે:

આપણા દેશની એકતા ખાતર અને આપણા સમાજની અખંડિતતા માટે કીમતી જીવનનું બલિદાન આપવા જેવું છે. આપણા રાજ્યકર્તાઓ ઉપર તેની શી અસર થશે તે આપણે કલ્પી ન શકીએ. આપણા લોકોને માટે આ વસ્તુ કેટલી મહત્ત્વની છે તે એ લોકો ન સમજી શકે. છતાં એટલું તો નક્કી છે કે આવા ઐચ્છિક બલિદાનની આપણા દેશબાંધવોનાં હૃદય ઉપર જે ભારે અસર થશે તે નિષ્ફળ નહીં જાય. હું ઉત્કટ આશા સેવું છું કે આવી રાષ્ટ્રીય આપત્તિને તેની છેલ્લી હદ સુધી પહોંચવા દેવા જેવા કઠોર અમે નહીં થઈએ. અમારાં દુ:ખી હૃદય તમારી ભવ્ય તપશ્ચર્યાને પૂજ્યભાવ અને પ્રેમ સાથે અનુસરી રહ્યાં છે.૧૩

ઉપવાસ આરંભ થઈ ગયા પછી પણ મહાદેવભાઈએ એને વિશેની ચર્ચા ચાલુ રાખી, કદાચ એમનો હેતુ આવી પ્રશ્નોત્તરી દ્વારા દુનિયા આગળ ઉપવાસને સરખી રીતે પ્રકાશમાં લાવવાનો હશે:

હું: ‘આપ હિંદુ સમાજ પાસે શુદ્ધિ માગો છો અને એ સાત દિવસમાં જ થઈ જવી જોઈએ એ દુરાગ્રહ નથી?’

બાપુ: ‘ના, સાત દિવસમાં નથી માગતો. સાત દિવસમાં જે માગું છું તે તો થોડું જ છે. અને મારા ઉપવાસ લંબાય તો શું ખોટું? એ લંબાય એટલે જેટલો ખળભળાટ થવાનો હોય તે થાય. અને મૅકડૉનાલ્ડ ન સાંભળે તોયે શું? બધું જ ભગવાન કરી રહ્યો છે, કરાવી રહ્યો છે, ત્યાં એની લીલા જોઈને નાચવાનું કે ચિડાવાનું? “જૂગટું રમનારનું જૂગટું હું છું અને છળ કરનારનું છળ હું છું” એમ કહીને એણે આડો આંક વાળ્યો. એ જાણ્યું પછી આ દેહ પડી જાય એની શી પરવા? છળ કરાવનાર એ છે, ઉપવાસ કરાવનાર એ છે.’

વલ્લભભાઈ કહે: ‘તમારામાં રોષ ભરેલો છે. એ રોષ છે ત્યાં સુધી ઉપવાસ આદરતા નહીં, કોઈની પાસે આદરાવતા નહીં. બધાને કહેજો, જેનામાં ક્રોધનો છાંટો ન હોય તેણે આ બાજી ખેલવાની છે. બીજાને ઉપવાસની પ્રતિજ્ઞા લેવાનો અધિકાર નથી.’

‘પણ વાત તો એ છે કે શરીર પડી જવા વિશે આટલો ડર શો? મારું શરીર બચાવવાના મોહમાંથી નીકળી જવું જોઈએ. જાપાની લોકોની હારાકિરીની રીત મને બહુ પસંદ છે. મોરક્કોના આરબો ફ્રેંચ સિપાઈઓની તોપોના મોંમાં શા સારુ ધસ્યા હતા? એ આપઘાત કરતા હતા?’

મેં પૂછ્યું: ‘આ ચુકાદો તુચ્છ વસ્તુ છે. પણ સ્થાયી વસ્તુ અસ્પૃશ્યતાનો નાશ છે. ધારો કે અસ્પૃશ્યતાનો નાશ સ્પષ્ટ થયેલો દેખાય છતાં પેલા નાલાયકો એ ચુકાદો ન ફેરવે તોપણ આપ ઉપવાસ ન છોડો?’

બાપુ: ‘જરૂર છોડું. પણ આ સવાલ પૂછવો ન જોઈએ. અસ્પૃશ્યતાનો નાશ એ ચુકાદો ફરવા કરતાં વધારે મોટો ચમત્કાર છે. પણ આનો જવાબ જાહેર ન થઈ શકે. કારણ, એની તો પ્રજા ઉપર ખોટી અસર થાય. મનમાં સમજી લેવા જેવી વાત છે.’

રાત્રે જરાય થાક નહોતો. ૨૦૮ તાર કાંત્યા.૧૪

પહેલે દિવસે ઉપવાસને ખાટલે પડ્યા પડ્યા ગાંધીજીએ ઢગલાબંધ કાગળો ને તાર લખ્યા-લખાવ્યા. તેમાંથી કેટલાકના વીણેલા અંશ નીચે આપ્યા છે:

મીરાંબહેનને: મારી પ્રતિજ્ઞાની જાણ કરતો પહેલો કાગળ મેં [સરકારને] લખ્યો ત્યારે મને તારા અને બાના વિચાર આવ્યા હતા. ઘડીભર તો મને ચક્કર આવી ગયાં. તમે બે જણાં આ શી રીતે સહી શકશો? પણ મારા અંતર્નાદે કહ્યું: ‘જો તારે આમાં પ્રવેશ કરવો હોય તો તમામ આસક્તિના વિચાર તારે છોડી દેવા જોઈએ.’ પછી કાગળ ગયો. અસ્પૃશ્યતાનું પાપ ધોવાને માટે કોઈ પણ વેદના વધારે પડતી નથી… તને કાંઈ સમાધાન મળે એમ હોય તો હું જણાવું કે વલ્લભભાઈ, મહાદેવ, રામદાસ, સુરેન્દ્ર, દેવદાસ જેમને હું મળ્યો છું તે બધા આ વસ્તુ સરસ રીતે સહી રહ્યા છે…૧૫

હોરેસ ઍલેક્ઝાન્ડરને તાર: ‘જે મારે મન ઈશ્વરનો આદેશ છે તેની હું કેવી રીતે અવજ્ઞા કરી શકું? તેનું ધાર્યું થાઓ. પ્યાર.’૧૬

અસ્પૃશ્ય નેતા પી. એન. રાજભોજને પત્ર:

મારી સ્થિતિ આ પ્રમાણે છે: મારા અપવાસને માત્ર અલગ મતદારમંડળ જોડે સંબંધ છે. એ પાછા ખેંચી લેતાંની સાથે પ્રતિજ્ઞાના શબ્દાર્થનું પાલન થયેલું ગણાશે. અને મારે અપવાસ છોડી દેવો પડશે. પણ એ પછી અલગ મતદારમંડળ કરતાં હજાર દરજ્જે ચડિયાતો એવો વિકલ્પ પૂરો પાડવાની ભારે જવાબદારી મારા ઉપર આવી પડશે.

મારા કહેવા પર તમે ગુસ્સો ન કરો તો હું એમ કહેવા માગું છું કે હું જન્મથી ‘સ્પૃશ્ય’ હોવા છતાં પસંદગીથી ‘અસ્પૃશ્ય’ છું. અને આ બેવડી હેસિયતથી મેં સર સેમ્યુઅલ હોરને લખ્યું અને પછી વડા પ્રધાનને લખ્યું. આ બેવડી હેસિયતે જ મને ઉપવાસ પર ઊતરવાની ફરજ પાડી છે. આ બાબત તરફ આ સંદર્ભમાં જોતાં મારે કહેવું જોઈએ કે કાનૂનથી ખાસ અનામત કરેલી બેઠકોનો વિચાર મને ગમતો નથી. જોકે અલગ મતદારમંડળો સામે જે વાંધો લેવામાં આવે તે એની સામે લઈ શકાય એમ નથી છતાં મને એ બાબતમાં સહેજ પણ શંકા નથી કે એ અસ્પૃશ્યજાતિના સ્વાભાવિક વિકાસમાં બાધા નાખશે અને દબાવનારા વર્ગો તરફથી થનારા માનભર્યા પ્રાયશ્ચિત્તની પ્રેરણાને નાબૂદ કરશે. મારું ધ્યેય તો બંને વચ્ચે હૃદયની એકતા છે, દબાવનારા વર્ગોને પક્ષે પ્રાયશ્ચિત્ત કરવાની અને બદલો વાળવાની સૌથી મોટી તક છે. એ બાબતમાં મને ખાતરી છે કે એમના હૃદયપરિવર્તનનો સમય પાકી ગયો છે. તેથી હું દલિત વર્ગો માટે શક્ય એટલા વ્યાપકમાં વ્યાપક મતદાનની તરફેણ કરું, અને દલિત વર્ગના પ્રતિનિધિઓની યોગ્ય ચૂંટણી કરાવવા માટે બંને વર્ગો વચ્ચે એક પ્રણાલી ઊભી કરવા માગું છું. મેં એક કાચી કામચલાઉ યોજના ઘડી કાઢી છે, જે મેં મિત્રોને સુપરત કરી છે અને મારા દીકરા દેવદાસને સંપૂર્ણ રીતે સમજાવી છે. પણ મારે મન હું કરાવવા માગું છું તે સુધારાનો આ સૌથી મોટો નહીં પણ નાનામાં નાનો ભાગ છે.

અસ્પૃશ્યતાની છેલ્લામાં છેલ્લી નિશાની નાબૂદ ન થાય ત્યાં સુધી મને કશાથી સંતોષ થવાનો નથી. તેથી હું એવી કાનૂની જાહેરાતનો આગ્રહ રાખીશ કે અંત્યજો માટે સવર્ણો માટે હોય છે તે જ શરતોએ બધાં જાહેર દેવસ્થાનો, કૂવાઓ, શાળાઓ વગેરે ખુલ્લાં મુકાવાં જોઈએ. આ મારો એકંદર ખ્યાલ છે. પરંતુ, અંત્યજોના પ્રતિનિધિઓને જો મારો આ વિચાર માન્ય ન હોય તો તેઓ કાનૂનથી અનામત બેઠકો મેળવવાને છૂટા છે. એની વિરુદ્ધમાં હું અપવાસ નહીં કરું પણ આવી કોઈ યોજનાને હું આશીર્વાદ આપું તેવી આશા તમે રાખશો નહીં. તે જ રીતે સરકાર એનો સ્વીકાર કરે એ માટે પણ મારા આશીર્વાદની આવશ્યકતા નથી. જો મને તક મળે તો જરૂર, હું અસ્પૃશ્યોમાં કાનૂનથી બેઠકો અનામત રાખવા વિરુદ્ધ જાહેર મત કેળવવાનો પ્રયાસ કરું.

મારું દૃષ્ટિબિંદુ જો સ્પષ્ટ કે સંતોષકારક ન લાગતું હોય તો તમને અને આર. બી.રાજા તેમ જ ડૉ. આંબેડકર સહિત બીજા મિત્રોને ચોક્કસ સમય નક્કી કરીને મળતાં મને આનંદ થશે.૧૭

તે જ દિવસે છાપાંના પ્રતિનિધિઓને તેમને મળવા દેવામાં આવ્યા હતા. ध टाइम्स ऑफ इंडियाમાં પ્રગટ થયેલા એ મુલાકાતના અહેવાલમાં ગાંધીજીએ સ્વેચ્છાએ અસ્પૃશ્યતા સ્વીકારવા, અને તેમાંયે અસ્પૃશ્યોમાં ઉપલા વર્ગના નહીં પણ જેમને લોકો જોવાને યોગ્ય કે પાસે આવવાને યોગ્ય પણ નથી ગણતા તેવા પૈકી એક કલ્પીને તેમના હિતમાં જીવન હોમી દેવાની ઇચ્છા પ્રગટ કરી હતી. ગાંધીજીને પોતાના પુત્ર જોડે અગ્નિસંસ્કાર અંગે કાંઈક વાત કરી છે કે કેમ એ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે:

‘મારા દીકરાને મેં કહ્યું છે કે મુંબઈની પરિષદમાં એણે જાહેર કરવું કે ગાંડી ઉતાવળમાં અંત્યજ વર્ગના હિતને નુકસાન પહોંચાડે એવું કશું થઈ બેસે તેને બદલે પોતાના બાપની જિંદગી જતી કરવા પોતે તૈયાર છે.’૧૮

આગલે દિવસે ગાંધીજીના ઉપવાસ અંગે આંબેડકરનું નિવેદન વંચાતું હતું ત્યારે કહે:

‘મને એથી જરાયે ક્રોધ નથી થતો. એને એ બધું કહેવાનો અધિકાર છે. આજે એ જે જે કરી રહ્યો છે, અંત્યજો ચિડાઈને જે કરી રહ્યા છે, તેને હું લાગનો છું. આપણે બધા એ જ લાગના છીએ.’૧૯

હજી તો ઉપવાસ શરૂ થવાને કેટલાક કલાકની વાર હતી ત્યાં, સવારે, ગીતાનો પાઠ કરવાની શરૂઆત કરતાં મહાદેવભાઈ ધ્રુસકે ધ્રુસકે રડ્યા. ‘ક્યાં મારા જેવો કુટિલ, ખલ, કામી એમના ઉપવાસના આરંભે ગીતાપાઠ કરનાર,’ એટલી જ લાગણી હતી.૨૦

ગાંધીજીના ઉપવાસથી ઊભી થયેલી પરિસ્થિતિ વિશે દેશના આગેવાનોની ચર્ચાવિચારણા થવા લાગી. એ ચર્ચામાં ભળવા સારુ જનારા રાજાજી, રાજેન્દ્રબાબુ વગેરે સાથે ગાંધીજીએ લંબાણથી વાત કરી એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે નેતાઓએ પોતાનું સમયપત્રક નક્કી કરી, અમુક વખત સુધીમાં તો નિર્ણય કરવો જ, અમુક નિર્ણય કર્યા પછી તો ગમે તે થાય તોયે ચસવું નહીં અને આંબેડકરની ખુશામત છોડવી અને એ ન માને તો તરત જ બાકીના માણસોએ ઠરાવ ઘડી, તે વધારેમાં વધારે બહુમતીનો અભિપ્રાય છે એવો વડા પ્રધાનને તાર કરવો તથા એની પાસે ચુકાદો બદલવાની માગણી કરવી. અને દેશમાં ઠેકઠેકાણેથી આ પ્રકારની માગણી કરાવવી.૨૧

આંબેડકર વગેરે સાથે બાકીના નેતાઓની જે ચર્ચા થઈ તે મુખ્યત્વે એ જ મુદ્દા ઉપર થઈ કે અલગ મતદારમંડળ આપવાને બદલે બીજો કયો વિકલ્પ અપાય છે. સૂચન એવું હતું કે, ‘જેટલી બેઠકો હરિજનો માટે ખાસ અનામત રાખી હોય તે દરેક બેઠક માટે અમુક હરિજન ઉમેદવારોની ચૂંટણી પ્રથમ એકલા હરિજન મતદારો જ કરે એ અલગ પ્રાથમિક ચૂંટણી. એવી રીતે ચૂંટાયેલા ઉમેદવારોમાંથી જ સંયુક્ત મતદારમંડળ પ્રતિનિધિ ચૂંટી કાઢે. દરેક બેઠક માટે ત્રણ, ચાર કે પાંચ, જેટલા ઉમેદવારોને ચૂંટવામાં આવે એટલાની એક પૅનલ કહેવાય. અહીં હરિજન મતદારો પોતાની અલગ પ્રાથમિક ચૂંટણીમાં એક બેઠક માટે ત્રણ ઉમેદવારો ચૂંટે કે પાંચ એ વિવાદનો પ્રશ્ન છે. આંબેડકર ત્રણ કહે છે, બીજાઓ પાંચ કહેતા હતા. છેવટે સમાધાનમાં ચારની સંખ્યા નક્કી થઈ.

બીજો મુદ્દો એ હતો કે ચુકાદામાં ઠરાવેલી બેઠકો ઉપરાંતની જે બેઠકો આ સમાધાનથી આપવામાં આવે તેટલી બેઠકો પૂરતી જ આવી બેવડી ચૂંટણી કરવામાં આવે. ચુકાદામાં ઠરાવેલી સંખ્યાની ચૂંટણી તો સંયુક્ત મતદારમંડળથી જ સીધી થાય. આંબેડકર આ વસ્તુ સ્વીકારવા તૈયાર હતા पण गांधीजीनो स्वेच्छाअे बनेला हरिजन तरीके वांधो हतो के जो बेवडी चूंटणीनी पद्धति दाखल करवी होय तो तमाम बेठको माटे अे पद्धति होवी जोइअे.૧૨

૨૨મીની સાંજે આંબેડકર અને એમના ત્રણ સાથીઓ ગાંધીજીને મળવા આવ્યા. એ લોકોના વાર્તાલાપની નોંધથી મહાદેવભાઈની ડાયરીનાં ઘણાં પાનાં ભર્યાં છે. આપણે સારરૂપે થોડાં વાક્યો જોઈએ:

આંબેડકર: દેશમાં બે ભિન્ન ભિન્ન વિચારધારાવાળા લોકો છે એ આપણે ગૃહીત કરીને ચાલવું જોઈએ અને મને મારો બદલો મળવો જોઈએ… ચુકાદામાં મને ૭૧ જગ્યાઓ મળે છે. એ સાચો, સારો અને ચોક્કસ હિસ્સો છે. (‘તમારા વિચાર પ્રમાણે’ — બાપુ). તે ઉપરાંત સામાન્ય મતદારમંડળમાં મત આપવાનો અને ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો મને હક મળે છે. વળી મજૂરોના મતદારમંડળમાં પણ મને મત મળે છે. અમે એટલું સમજીએ છીએ કે તમે અમને ભારે મદદ કરનારા છો. (‘તમને નહીં.’ — બાપુ). પણ તમારી સાથે મારો એક જ ઝઘડો છે. તમે કેવળ અમારે માટે નહીં, પણ કહેવાતાં રાષ્ટ્રીય હિતો માટે કામ કરો છો. કેવળ અમારે માટે કામ કરો તો તો અમારા લાડીલા વીર (Hero) તમે બનો. (‘એ તો ભારે સુંદર’ — બાપુ). મારે તો મારી કોમ માટે રાજદ્વારી સત્તા જોઈએ છે. અમારે જીવતા રહેવા માટે એ અનિવાર્ય છે. એટલે મારા સમાધાનનો પાયો મને યોગ્ય બદલો મળે એ છે. હું હિંદુઓને કહેવા ઇચ્છું છું કે મારા બદલાની મને ખાતરી મળવી જોઈએ…૨૩

ગાંધીજીએ જે કહ્યું હતું તેમાં બહુ થોડાં વાક્યો સારરૂપે નીચે આપ્યાં છે:

બાપુ: તમારી સ્થિતિ તમે બહુ સુંદર રીતે સ્પષ્ટ કરી છે. પણ હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું… અલગ પ્રાથમિક ચૂંટણીનો હું સ્વીકાર કરું તેમાં મારી પ્રતિજ્ઞાના શબ્દાર્થનો ભંગ થતો નથી. એટલે હું એ શરત મંજૂર રાખું પણ એની ભાષા મારે ચોક્કસ તપાસવી પડે… એમાં તમે ત્રણની જ પૅનલ રાખવાનું કહો છો એમાં મને કંઈક ગંધ આવે છે. પડખું ફેરવવાની પણ પૂરતી જગા એમાં મને મળતી નથી… મારે એક પક્ષનું હિત નહીં પણ આખી અસ્પૃશ્ય કોમનું હિત આંખમાં તેલ આંજીને સાચવવું છે. મારે અસ્પૃશ્યોની સેવા કરવી છે. તેથી જ તમારી સામે મને જરાયે રોષ નથી… તમે કોઈ અપમાનજનક અથવા તો ક્રોધજનક શબ્દો વાપરો છો ત્યારે મારા દિલને તો હું એમ જ કહું કે તું એ જ લાગનો છે. તમે મારા મોં ઉપર થૂંકો તોપણ હું ગુસ્સો ન કરું. ઈશ્વરને સાક્ષી રાખીને હું આ કહું છું, એટલા માટે જ કે તમને જીવનમાં બહુ કડવા અનુભવો થયા છે એ હું જાણું છું. પણ મારો દાવો અસાધારણ છે. તમે તો અસ્પૃશ્ય જન્મેલા છો, પણ હું સ્વેચ્છાથી અસ્પૃશ્ય બનેલો છું. અને એ કોમમાં નવા દાખલ થયેલા તરીકે એ કોમના હિત માટે એ કોમના જૂના માણસોને લાગે તેના કરતાં મને વધારે લાગે છે… બાર વરસની કુમળી વયે પ્રજાશાસનનો પાઠ હું ભણ્યો છું. અમારા ઘરના ભંગીને અસ્પૃશ્ય ગણવા માટે મારી મા સાથે મેં ઝઘડો કરેલો. તે દિવસે ભંગીના રૂપમાં ઈશ્વરને અવતરતા મેં જોયા. તમે જ્યારે કહ્યું કે અસ્પૃશ્યોનું હિત મને મારી જિંદગી કરતાં વધારે વહાલું છે ત્યારે તમે ભગવાનનો બોલ બોલ્યા. હવે સચ્ચાઈથી એને વળગી રહેજો. તમારે મારી જિંદગીની પરવા ન કરવી જોઈએ, પણ અસ્પૃશ્યોને ખોટા ન નીવડશો… હિંદુ ધર્મની આબરૂ અસ્પૃશ્યતાને જડમૂળથી ઉખાડી નાખ્યા સિવાય બચવાની નથી. એ ત્યારે જ થશે, જ્યારે અસ્પૃશ્યોને દરેકેદરેક બાબતમાં સ્પૃશ્ય હિંદુઓના જેટલો દરજ્જો મળશે. અત્યારે જે ‘અદૃશ્ય’ ગણાય છે તેને પણ હિંદુસ્તાનના વાઇસરૉય થવાનો પૂરો અવકાશ હોવો જોઈએ. હિંદુસ્તાનમાં આવ્યા પછી મેં પહેલું રાજદ્વારી ભાષણ કર્યું હતું કે મારે તો કોઈ ભંગીને કૉંગ્રેસનો પ્રમુખ બનાવવો છે…

બીજા મુદ્દાઓની બાબતમાં તો તમારે હિંદુ કોમને એની આબરૂ ઉપર છોડવી જોઈએ… હું જો મારા મુદ્દામાંથી ચસું તો હું જાણું છું કે રાષ્ટ્રનું સત્યાનાશ વળે…૨૪

૨૩મીએ આંબેડકરને લઈને સમિતિ ચાર વાગ્યે આવવાની હતી, તે વાટ જોવડાવી રાતે સાડા નવ વાગ્યે આવી. તે દિવસે મતભેદ લોકમત લેવાના મુદ્દા ઉપર હતો. સમિતિના બીજા સભ્યો કહેતા હતા કે બંધારણ અંગે લોકમત લેવાનો અધિકાર પાંચ વરસનો રાખવો જોઈએ. આંબેડકર વગેરેનો આગ્રહ તે મુદતને દસ વરસની રાખવાનો હતો.

આંબેડકરે પોતાનો કેસ સમજાવ્યો: ‘અમારે તો હિંદુઓ ઉપર સજાની કલમ રાખવી છે કે અમારાં દુ:ખો એ લોકો દૂર ન કરે તો હરિજનોની મતગણતરી (રેફરેન્ડમ) માગીએ; એવા રેફરેન્ડમમાં તમને વાંધો શો હોય? તમે તો મુસલમાનો માટે પણ એવું સ્વીકાર્યું હતુ.’ ગાંધીજી કહે: ‘હિંદુઓ તમારી સાથે બરોબર રીતે વર્તે છે કે નહીં એ તો તમને એક વરસમાં જ ખબર પડી જવી જોઈએ… કાં તો તમે અમને અમારી આબરૂ ઉપર મૂકો અથવા ન મૂકો… પણ લાંબા ગાળાની તમે વાત કરો છો તે તમે મનમાં ભેદ રાખીને કરો છો એમ જ કહેવાય… જો મારી પૂરી સચ્ચાઈની તમારી ઉપર કશી અસર થતી હોય તો હું કહું કે અમારી આબરૂ ઉપર અમને છોડો.’ આંબેડકર પાસે આનો જવાબ નહોતો… બસ હવે કાલે આવીશું કહીને ઊઠ્યા.૨૫

વચ્ચે દેવદાસ પર ગાંધીજીએ થોડો ગુસ્સો કર્યો. મહાદેવભાઈએ ગાંધીજીને સમજાવ્યું કે એ ગુસ્સો વિના કારણે હતો. તેથી તેમણે દેવદાસને બોલાવ્યા. બાપદીકરો સાથે મળીને ખૂબ રોયા! શાંત થઈ પછી ગાંધીજી કહે:

‘મારાથી આવા ધાર્મિક વ્રતમાં ક્રોધ કેમ જ કરાયો? તું તો મને માફ કરશે પણ ભગવાન મને શી રીતે માફ કરશે?’૨૬

૨૪મીએ ચર્ચાઓ આગળ ચાલી. ગાંધીજીએ જ્યારે કહી દીધું કે, ‘છેલ્લી વાત આ છે: પાંચ વરસે મતગણતરી અથવા તો મારું જીવન,’ ત્યારે મડાગાંઠ ઊભી થઈ. ગાંધીજીના કેટલાક સાથીઓ તો રડ્યા.

બે કલાક પછી દેવદાસ વગેરેએ પાછા આવી ખબર આપ્યા કે આંબેડકરે ઘણો પ્રયત્ન કર્યો હતો તે છતાં અસ્પૃશ્યપક્ષે પાંચ વરસ ન સ્વીકાર્યાં. છેવટે બિરલાએ રસ્તો કાઢ્યો કે દસ વરસમાં આપોઆપ એ પ્રથા બંધ થાય, દરમિયાન બંને પક્ષ મળીને બીજો રસ્તો કાઢવો હોય તો કાઢે. ગાંધીજી આનાથી ખુશ થયા.

દસ્તાવેજ પર સહીઓ થઈ. આંબેડકર ગાંધીજી પાસે આવ્યા ત્યારે ઠક્કર બાપાએ કહ્યું: ‘આંબેડકરનું પરિવર્તન થયું છે.’

ગાંધીજી કહે: ‘એ તમે કહો છો, આંબેડકર ક્યાં કહે છે?’

આંબેડકર: ‘હા. મહાત્માજી થયું છે. તમે મને બહુ મદદ કરી. તમારા માણસોએ મને સમજાવવાનો જેટલો પ્રયત્ન કર્યો તેના કરતાં તમે મને સમજવાનો પ્રયત્ન વધારે કર્યો. મને લાગે છે કે એ લોકોનાં કરતાં મારામાં અને તમારામાં ઘણું સામ્ય છે.’ બધા ખડખડાટ હસ્યા. ગાંધીજી કહે, ‘હા, હા.’ મહાદેવભાઈ આ વિશે લખે છે:

‘આ દિવસોમાં જ બાપુએ કહ્યું હતું ના કે, “હુંયે એક જાતનો આંબેડકર જ છું ના? ઝનૂનીના અર્થમાં!”૨૭

ઉપવાસને અંતિમ દિવસે સરકાર તરફથી સમાધાનની શરતો પર છેલ્લી મહોર મરાઈ. સરકારે સંમતિ આપી છે એવી અફવા તો પૂનામાં સવારના દસ વાગ્યાની સંભળાતી હતી. પણ મરણાસન્ન મહાત્માના જીવનને પોષણ આપનાર અધિકૃત કાગળિયું તો ઠેઠ સાંજે સાડા ચાર વાગ્યે આવ્યું.

સવારે ગુરુદેવ રવીન્દ્રનાથ આવી પહોંચ્યા હતા. આ અનશન વિશે રવીન્દ્રનાથ ગાંધીજી સાથે પૂરેપૂરા સહમત હતા. શાંતિનિકેતનમાં હતા ત્યારે તેમણે આશ્રમવાસીઓ તથા ગ્રામજનો આગળ આ વ્રતનું માહાત્મ્ય પોતાની આગવી શૈલીમાં સમજાવ્યું હતું. એનો કેટલોક અંશ આ તપોમય યજ્ઞનું મહત્ત્વ સમજાવવામાં ઉપયોગી થાય એમ છે…

‘યુગે યુગે દૈવયોગે આ સંસારમાં મહાપુરુષનું આગમન થાય છે…

આજકાલ દુ:ખનો અંત નથી. કેટકેટલું પીડન, કેટકેટલું દૈન્ય, કેટકેટલા રોગ, શોક, તાપ આપણે ભોગવ્યાં છે; દુ:ખ ભેગું થયું છે ઢગલેઢગલા, છતાં સર્વ દુ:ખોને કેડે મૂકી દે છે આજનો એક આનંદ. જે ભૂમિ પર આપણે જીવીએ છીએ, જેની ઉપર આપણે હરીએફરીએ છીએ, તે ભૂમિ ઉપર જેનો કોઈ જોટો ન જડે એવા એક મહાપુરુષે જન્મ લીધો છે.

મહાપુરુષો આવે છે ત્યારે આપણે તેને બરાબર ઓળખી શકતા નથી. કારણ, આપણાં મન ભીરુ છે, અસ્વચ્છ છે; આપણો સ્વભાવ શિથિલ છે; અભ્યાસ દુર્બળ છે, … જ્ઞાની, ગુણી, કઠોર તપસ્વીઓને સમજવા સહેલા નથી હોતા. કારણ, આપણાં જ્ઞાન, બુદ્ધિ અને સંસ્કારનો એની સાથે મેળ નથી ખાતો. પણ એક વાત સમજવી મુશ્કેલ નથી — તે છે સ્નેહ. જે મહાપુરુષો સ્નેહ દ્વારા પોતાની ઓળખાણ આપે છે તેને આપણે આપણા સ્નેહ દ્વારા એક રીતે સમજી શકીએ છીએ. તેથી ભારતવર્ષમાં આ એક આશ્ચર્યકારક ઘટના ઘટી છે તેને હવે આપણે સમજ્યા છીએ. આપણી વચ્ચે જે આવ્યા છે તે અત્યંત ઉચ્ચ છે, અત્યંત મહાન છે. છતાં તેને આપણે અપનાવ્યા છે, એને આપણે જાણ્યા છે, સૌ સમજ્યા છે કે ‘તેઓ આપણા પોતીકા’ છે. એમના સ્નેહમાં ઊંચાનીચાનો ભેદ નથી. મૂર્ખ-વિદ્વાનનો ભેદ નથી. ગરીબ-તવંગરનો ભેદ નથી. તેમણે સૌને પોતાનો સ્નેહ સરખા ભાગે વહેંચ્યો છે. તેમણે કહ્યું છે કે સૌનું કલ્યાણ થાઓ, સૌનું મંગળ થાઓ. તેઓ માત્ર શબ્દોમાં બોલ્યા નથી. કષ્ટો વેઠીને બોલ્યા છે. કેટકેટલી પીડા, કેટકેટલાં અપમાન તેમણે સહ્યાં છે. એમના જીવનનો ઇતિહાસ દુ:ખનો ઇતિહાસ છે.

આખું ભારત તેમને ઓળખે છે. કોણ જાણે કઈ રીતે આખા ભારતે તેમના પ્રત્યે ભક્તિ આપી છે. તેમને એક નામ આપ્યું છે — મહાત્મા. નવાઈની વાત છે કે ઓળખ્યા શી રીતે? … મહાત્મા તો એ કે જેણે સૌનાં સુખદુ:ખને પોતાનાં કર્યાં હોય, સૌના કલ્યાણમાં જેને પોતાનું કલ્યાણ દેખાય. સૌનાં હૃદયમાં તેમનું સ્થાન છે, તેમના હૃદયમાં સૌનું સ્થાન છે…

આપણે એમ કહીએ છીએ કે વિદેશીઓએ આપણી સાથે શત્રુતા કીધી છે. પણ એથીયે મોટો શત્રુ છે આપણી મજ્જાની ભીતરમાં. તે છે આપણી ભીરુતા. એ ભીરુતાને જીતવા સારુ જ વિધાતાએ એમના જીવન મારફત આપણને શક્તિ પાઠવી છે. તેઓ પોતાના અભય દ્વારા આપણો ભય હરવા આવ્યા છે… માણસ જ્યાં માણસનું અપમાન કરે છે, ત્યાંથી માણસનો ભગવાન વિમુખ થાય છે. શત શત વર્ષોથી આપણે ભારતવર્ષની રગેરગમાં માણસ વિશેના અપમાનનું વિષ વહાવ્યું છે. શત શત મસ્તકોની ઉપર હીનતાનો અસહ્ય બોજો લાદી દીધો છે. તેના ભારે જ આખો દેશ આજે ક્લાંત છે, દુર્બળ છે. તે પાપે જ આપણે ટટ્ટાર ઊભા રહી શકતા નથી. એક ભાઈ બીજા ભાઈના કપાળ પર પોતાને હાથે જ કલંક લગાડી દે છે. મહાત્માથી એ પાપ સહેવાતું નથી…

ઘણા દિવસથી દેશ પર અભિશાપ છે. એનું પ્રાયશ્ચિત્ત કરવા આવ્યા છે એક જણ. તેઓ સમસ્ત ભયહરણ કરીને બેઠા છે. મૃત્યુના ભયને જીત્યા છે. આપણનેય કોઈ ભય ના રહે. લોકભય, રાજભય, સમાજભય, કશાયથી આપણે સંકુચિત ના થઈએ. આપણે તેમના પંથે તેમનું અનુસરણ કરતાં ચાલીએ. એમનો પરાભવ ન થવા દઈએ.

જય હો એ તપસ્વીનો, જે આ ઘડીએ મોતની સામે ખડા છે, ભગવાનને હૈયામાં સ્થાપી, સમસ્ત હૃદયના પ્રેમને ઉજ્જ્વળ કરી પ્રગટાવી. તમે એનો જય ગાઓ. તમારો કંઠસ્વર એના આસન સુધી પહોંચી જાઓ. બોલો, ‘તમને ગ્રહણ કરીએ છીએ, તમારા સત્યનો સ્વીકાર કરીએ છીએ.’

હું તે શું બોલવાનો? મારી ભાષામાં જોર નથી. તેઓ જે ભાષા બોલે છે તે કાને સાંભળવાની નહીં, પ્રાણે સાંભળવાની છે. માણસની એ ચરમ ભાષા છે. જરૂર એ તમારા અંતર સુધી પહોંચી હશે.

જ્યારે પારકાં પોતીકાં થાય છે ત્યારે એ આપણું સૌથી મોટું સૌભાગ્ય હોય છે; સૌથી મોટી વિપત્તિ થાય છે — પોતીકાં જ્યારે પારકાં થાય છે ત્યારે. ચાહીને જેને ખોયાં છે, ચાહીને તેને બોલાવી આણો; અપરાધ મૃત્યુ પામો, અમંગળ દૂર થાઓ. આપણે માણસને ગૌરવદાન દઈ મનુષ્યત્વનો અધિકાર સગૌરવ પ્રાપ્ત કરીએ…૨૮

કવિ ગાંધીજીના અનશનવ્રતની વાત સાંભળીને શાંતિનિકેતનથી યરવડા મંદિર સુધી આવ્યા ત્યારે તેમની હૃદયવીણામાં આવા જ ભાવો ઝંકૃત થતા હતા. પરંતુ પ્રાયોપવેશણવ્રતની પૂર્ણાહુતિનો આંખો દેખા હાલ પેશ કરતી વખતે તેમની વાણીમાં તપસ્વીને શોભે તેવો સંયમ છે. પોતાની અપ્રતિમ શૈલીમાં રજૂ કરેલો એ અહેવાલ મહાદેવભાઈની ડાયરીના અહેવાલને પુષ્ટ કરે તેવો છે. તેથી આપણે તે જ અહીં લઈએ છીએ, સહેજસાજ ટૂંકાવીને:

પૂનાનો પર્વતીય પથ રમણીય છે. પુરદ્વારે પહોંચતાં જોયું કે સામરિક કવાયતની ફેરીઓ ચાલે છે — અનેક ‘આર્મર્ડકાર’ મશીનગન સહિત સેનાની કૂચકવાયત નજરે ચડી. શ્રીયુત વિઠ્ઠલદાસ ઠાકરસીના પ્રાસાદે અમારી ગાડી આવીને ઊભી. તેમનાં વિધવાએ સૌમ્ય હાસ્ય મુખે અમારું સ્વાગત કર્યું ને અમને લઈ ચાલ્યાં. પગથિયાની બે બાજુએ ઊભાં રહીને એમના વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ ગીત ગાઈને આવકાર્યાં.

ખંડમાં પ્રવેશ કરતાં જ સમજાયું કે એક ઊંડી આશંકાથી વાતાવરણ ભારે ભારે હતું. સૌનાં મુખ પર દુશ્ચિંતાની છાયા હતી. પૂછતાં ખબર પડી કે મહાત્માજીના શરીરની હાલત કટોકટીભરી હતી. ત્યાં સુધી વિલાયતથી ખબર આવી નહોતી. વડા પ્રધાનને નામે મેં એક તાકીદનો તાર મોકલાવી દીધો.

મોકલવાની જરૂર નહોતી. થોડી વારમાં જ લોકવાયકા આવી કે વિલાયતથી સંમતિ આવી ગઈ હતી. પણ લોકવાયકા સાચી હતી કે ખોટી તેનું પ્રમાણ તો ઘણા બધા કલાકો પછી મળ્યું.

મહાત્માજીનો મૌનનો દિવસ હતો આજે. એક વાગ્યા પછી બોલવાના હતા. એમની ઇચ્છા હતી કે તે સમયે હું એમની પડખે રહું. રસ્તે જતાં યરવડા જેલથી થોડે દૂર અમારી મોટરને અટકાવી. અંગ્રેજ સિપાઈએ કહ્યું કે કોઈ ગાડીને આગળ જવાનો હુકમ નહોતો. મને તો એમ હતું કે આજને દિવસે તો ભારતમાં જેલનો રસ્તો ખુલ્લો જ હશે. ગાડીની ચારે બાજુ જાતજાતના લોકોની ભીડ ભેગી થઈ ગઈ.

અમારા તરફથી જેલ અધિકારીઓ પાસે અનુમતિ મેળવવા કોઈ સહેજ આગળ વધ્યું, એટલામાં જ દેવદાસ આવીને ખડા થયા. [દેવદાસ સામા મળ્યા] જેલ-પ્રવેશનો પરવાનો એમના હાથમાં હતો. પાછળથી સાંભળ્યું કે મહાત્માજીએ જ એમને પાઠવ્યા હતા. કારણ, એમના મનમાં અચાનક જ થઈ આવ્યું કે કદાચ પોલીસે મારી ગાડીને ક્યાંક રોકી હોય — જોકે એની એમને કશીયે જાણ નહોતી.

લોઢાનો દરવાજો એક પછી એક ઊઘડ્યો અને બંધ થયો. સામે દેખાઈ ઊંચી દીવાલની ઉદ્ધતાઈ, બંદી આકાશ — સીધી હારમાં બાંધેલા રસ્તા, બેચાર ઝાડ…

ડાબી બાજુએ પગથિયાં ચડી દરવાજો પાર કરીને દીવાલથી ઘેરાયેલ એક આંગણામાં પ્રવેશ કર્યો. દૂર દૂર મકાનોની બે હાર હતી. આંગણામાં એક નાનકડા આંબાના ઘટાદાર છાંયડે મહાત્માજી સૂતા હતા.

મહાત્માજીએ મને બે હાથ ઝાલીને પાસે તાણી દીધો અને ઘણી વાર સુધી છાતી સરસો ચાંપી રાખ્યો. બોલ્યા: ‘કેટલો આનંદ થયો!’

શુભ સમાચારની ભરતી વહીને આવ્યો હતો. તેથી મેં તેમની આગળ મારા ભાગ્યની પ્રશંસા કરી. ત્યારે દોઢ વાગ્યો હતો. વિલાયતના સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા હતા. પાછળથી સાંભળ્યું કે તે વખતે રાજકારણી લોકો સિમલાની કાઉન્સિલમાં ચર્ચા ચલાવી રહ્યા હતા. છાપાંવાળાઓ પણ જાણી ગયા હતા. કેવળ જેના પ્રાણની ધારા દર ક્ષણે શીર્ણ થતી મૃત્યુસીમાને અડોઅડ વહી રહી હતી એના પ્રાણનું સંકટમોચન કરવા જરૂરી એવી જાગૃતિ નહોતી જણાતી. અતિ લાંબી તુમારશાહીની જટિલ નિર્મમતાનો વિસ્મય અનુભવ્યો. સવા ચાર સુધી પ્રત્યેક ક્ષણે ઉત્કંઠા વધતી ને વધતી ગઈ. મેં સાંભળ્યું કે પૂનામાં તો સમાચાર દસ વાગ્યાના આવ્યા હતા.

ચારે બાજુ મિત્રો હતા. મહાદેવ, વલ્લભભાઈ, રાજગોપાલાચારી, રાજેન્દ્રપ્રસાદ તરફ ધ્યાન ગયું. શ્રીમતી કસ્તૂરબા અને સરોજિનીને પણ જોયાં. જવાહરલાલનાં પત્ની કમળા પણ હતાં.

મૂળમાં મહાત્માજીનું સૂકલકડું શરીર સાવ સુકાઈ ગયું હતું. કંઠસ્વર લગભગ સંભળાતો નહોતો. જઠરમાં અમલ ભેગું થયું તેથી વચ્ચે વચ્ચે સોડા મેળવીને પાણી પાવામાં આવતું હતું. દાક્તરોની જવાબદારી અતિ સુધી પહોંચી ગઈ હતી.

છતાં ચિત્તશક્તિનો જરાય હ્રાસ થયો નહોતો. વિચારધારા વહેતી હતી, ચેતના અણથક હતી. પ્રાયોપવેશન કરતાં પહેલાં જ તેમને કેટલા મુશ્કેલ વિચાર ને કેટલી જટિલ ચર્ચાઓ લઈને મંડ્યા રહેવું પડ્યું છે. દરિયાપારના રાજનૈતિક લોકો સાથેના પત્રવ્યવહારથી મન પર કઠોર ઘાત-પ્રતિઘાત થયા છે. એ વાત તો સૌ જાણે છે કે ઉપવાસ વખતે જુદા જુદા પક્ષોની પ્રબળ માગણીઓએ એમની અવસ્થા વિશે મમતા બતાવી નહોતી. પણ માનસિક જીર્ણતાનું એકેય લક્ષણ જ નહોતું. એમના વિચારોની કુદરતી સ્વચ્છ પ્રકાશધારા સહેજે મ્લાન થઈ નહોતી. શરીરની કષ્ટમય સાધનાની વચ્ચે પણ આત્માના અપરાજિત ઉદ્યમની આ મૂર્તિ જોઈને નવાઈ લાગી. પાસે ન આવ્યો હોત તો આ ક્ષીણકાય પુરુષમાં કેટલી પ્રચંડ શક્તિ છે તેનું ભાન જ થયું ન હોત.

આજે ભારતવર્ષના કોટિ કોટિ પ્રાણોમાં મૃત્યુની વેદી પર પોઢેલા આ મહત્ પ્રાણપુરુષની વાણી પહોંચી ગઈ. કોઈ પણ બાધા એમને અટકાવી શકી નહીં — દૂરત્વની બાધા, ઈંટ — કાષ્ઠ — પથરાની બાધા, પ્રતિકૂળ પોલિટિક્સની બાધા, બહુ શતાબ્દીઓના જડત્વની બાધા આજે એમની આગળ ધૂળમાં મળી ગઈ.

મહાદેવે કહ્યું કે મહાત્માજી મારે સારુ ઉત્કંઠાથી વાટ જોતા હતા. મારી હાજરી વડે રાષ્ટ્રના કોયડાની મીમાંસા કરી શકું એટલું જ્ઞાન મારામાં નથી. એમને તૃપ્તિ આપી શક્યો એ જ મારો આનંદ.

સૌ ભીડ કરે તો એમને કષ્ટ પડે એમ વિચારી અમે સરી જઈને બેઠા. ખબર ક્યારે આવે છે એની લાંબા સમય સુધી વાટ જોઈ. બપોરનો તડકો ઈંટની દીવાલ પર આડો પડવા લાગ્યો. આમતેમ બેચાર શુભ ખાદીધારી નરનારીઓ શાંત રીતે ચર્ચા કરતાં હતાં.

કારાગારની અંદર આ જનતા જોવા જેવી છે. કોઈના વ્યવહારમાં થાકને લીધે શિથિલતા આવી નથી. ચરિત્રશક્તિ વિશ્વાસ પેદા કરે છે. તેથી જ જેલના અધિકારીઓ આ લોકો પર વિશ્વાસ મૂકીને એમને પૂરી સ્વાધીનતાથી એકબીજાને મળવા દઈ શક્યા છે. એમણે મહાત્માજીને આપેલા વચનની વિરુદ્ધ જઈને કોઈ લાભ ઉઠાવ્યો નથી. આ લોકોમાં આત્મમર્યાદાની દૃઢતા અને અચાંચલ્ય ખીલી ઊઠ્યાં છે. જોતાંવેંત સમજાય છે કે આ લોકો ભારતની સ્વરાજ્યસાધનાના યોગ્ય સાધક છે.

છેવટે જેલના અધિકારીઓ સરકારી છાપવાળો ખરીતો હાથમાં લઈને ઉપસ્થિત થયા. એમના મુખ પર પણ મને આનંદનો ભાસ થયો. મહાત્માજી ધીરે ધીરે વાંચવા લાગ્યા. મેં સરોજિનીને કહ્યું કે હવે એમની ચારે બાજુથી સૌએ ખસી જવું જોઈએ. મહાત્માજીએ કાગળ વાંચી લીધા પછી મિત્રોને બોલાવ્યા, મેં સાંભળ્યું કે તેમણે એને વાંચીવિચારી જોવા કહ્યું. અને પોતાના તરફે કહ્યું કે આ કાગળ ડૉ. આંબેડકરને બતાવવો જોઈએ. એમનો ટેકો હશે તો જ તેઓ નિશ્ચિંત થશે…

પત્રના મજકૂર [બીના]નું વિશ્લેષણ કરીને મહાત્માજીને સંભળાવવાની જવાબદારી પંડિત હૃદયનાથ કુંજરુને સોંપાઈ. એમણે પ્રાંજળ વ્યાખ્યા કરી તેથી મહાત્માજીના મનમાં જરાયે સંશય રહ્યો નહીં. પ્રાયોપવેશનવ્રતનું ઉદ્યાપન થયું.

મહાત્માજીની શય્યા ભીંત પાસે છાયામાં ખસેડવામાં આવી. ચારે બાજુ જેલના કામળા પાથરીને સૌ બેઠાં. શ્રીમતી કમળા નેહરુ સંતરાંનો રસ લાવ્યાં. સરકારી પત્ર લાવનાર ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પ્રિઝન્સે વિનંતી કરી કે શ્રીમતી કસ્તૂરબા જ પોતાને હાથે મહાત્માજીને રસ આપે. મહાદેવે કહ્યું કે गीतांजलिનું ‘જીવન જખત સુકાયે જાય, કરુણાધારાયे એસો’ એ ગીત મહાત્માજીને પ્રિય છે. સૂર ભૂલી ગયો હતો.૨૯ તાત્પૂરતો સૂર બેસાડીને તે ગાયું. પંડિત શયામશાસ્ત્રીએ વેદપાઠ કર્યો.૩૦ ત્યાર પછી મહાત્માજીએ શ્રીમતી કસ્તૂરબાને હાથે ધીરે ધીરે રસ પીધો. છેવટે સાબરમતીના આશ્રમવાસીઓ અને બીજા સૌએ મળીને ‘વૈષ્ણવ જન તો’ ગાયું. ફળ અને મીઠાઈ વહેંચાયાં. સૌએ તે ગ્રહણ કર્યાં.

જેલની દીવાલની અંદર મહોત્સવ! આવું પહેલાં કદી થયું નહોતું. પ્રાણોત્સર્ગનો યજ્ઞ થયો જેલખાનામાં. એની સફળતાએ અહીં જ રૂપ ધારણ કર્યું. મિલનની અકસ્માત આવિર્ભૂત આ મૂર્તિને અવશ્ય કહી શકાય ‘યજ્ઞસંભવા’.૩૧

નોંધ:

૧. महादेवभाईनी डायरी – ૨ : પૃ. ૭-૮.

૨. એજન, પૃ. ૨૧.

૩. એજન, પૃ. ૨૫.

૪. એજન, પૃ. ૩૮.

૫. એજન, પૃ. ૪૦.

૬. એજન, પૃ. ૪૩.

૭. એજન, પૃ. ૪૩.

૮. એજન, પૃ. ૪૫.

૯. महादेवभाईनी डायरी – ૧ : પૃ. ૨૯૨.

૧૦. એજન, પૃ. ૨૯૩.

૧૧. महादेवभाईनी डायरी – ૨ : પૃ. ૬૩.

૧૨. गांधीजीनो अक्षरदेह – ૫૧ : પૃ. ૧૨.

૧૩. महादेवभाईनी डायरी – ૨ : પૃ. ૬૧.

૧૪. એજન, પૃ. ૬૨–૬૩.

૧૫. गांधीजीनो अक्षरदेह – ૫૧ : પૃ. ૯૮.

૧૬. એજન, પૃ. ૯૯.

૧૭. એજન, પૃ. ૧૦૯–૧૧૦.

૧૮. એજન, પૃ. ૧૧૭.

૧૯. महादेवभाईनी डायरी – ૨ : પૃ. ૬૪.

૨૦. એજન, પૃ. ૬૫.

૨૧. એજન, પૃ. ૬૮–૬૯.

૨૨. એજન, પૃ. ૭૦, પાદટીપ.

૨૩. એજન, પૃ. ૬૯–૭૦માંથી સારવીને.

૨૪. એજન, પૃ. ૭૦–૭૩માંથી સારવીને.

૨૫. એજન, પૃ. ૭૪–૭૫માંથી સારવીને.

૨૬. એજન, પૃ. ૭૫–૭૬.

૨૭. એજન, પૃ. ૮૦–૮૧.

૨૮. रवीन्द्र रचनावली ભા – ૧૧ : પૃ. ૪૫૮–૪૬૧માંથી સારવીને. અનુ. નારાયણ દેસાઈ.

૨૯. શબ્દો મહાદેવભાઈ પાસેથી મળી ગયા હતા. અનુવાદ: નારાયણ દેસાઈ.

૩૦. મહાદેવભાઈની ડાયરીમાં નોંધ છે કે શ્રી પરચુરે શાસ્ત્રી વેદમંત્રો બોલ્યા હતા.

૩૧. रवीन्द्र रचनावली ભાગ – ૧૧ : પૃ. ૪૬૧–૪૬૪માંથી સારવીને.