અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/ત્રણ – પરિસર
दुर्लभं भारते जन्म એ વાક્ય માત્ર સંકુચિત રાષ્ટ્રાભિમાનથી કહેવાયું હોય એમ નથી લાગતું. આપણા દેશની ભૂગોળ એ આપણે માટે ઈશ્વરની કૃપા સમાન રહી છે. એક તરફ નગાધિરાજ હિમાલય અને બીજી ત્રણ તરફ નીલસિંધુનાં જળે આ દેશને હજારો વર્ષો સુધી માત્ર બાહ્ય આક્રમણોથી જ બચાવ્યો નથી, પણ એણે આપણી ઋતુઓ, આપણી નદીઓ અને આપણાં વનોની મહામૂલી ભેટો પણ આપી છે. આખી દુનિયામાં જે જે પ્રકારની મોસમ જોવા મળે એવી મોસમ આપણા દેશના કોઈક ને કોઈક સ્થળે મળી શકે છે એનો આપણામાંથી કેટલાને ખ્યાલ હશે? ઊની ઊની રેત અને ધીખતા પથરાની ગરમીથી માંડીને બારે માસ બરફની ઠંડી, બેત્રણ વરસે માંડ બેપાંચ સેન્ટિમિટરથી માંડીને વરસના ૧૭૫૦થી ૨૨૦૦ સેન્ટિમિટર સુધી એટલે કે, દુનિયાના સૌથી ઓછાથી માંડીને સૌથી વધારે વરસાદનાં સ્થળો આપણે ત્યાં છે; આખું વરસ સમશીતોષ્ણ અને હરિયાળું રહે તેવા ચિરંતન વસંતના પ્રદેશો પણ છે. પ્રાકૃતિક વૈવિધ્ય, ધાર્મિક વૈવિધ્ય, ભાષાકીય વૈવિધ્ય અને સમૃદ્ધિ, પ્રાચીનતમથી માંડીને અદ્યતન સાહિત્ય, સંગીત, કળા, સ્થાપત્ય આદિનો સંસ્કારવારસો આપણને ઉપલબ્ધ થયો છે. જગતસભામાં અને જગતના ઇતિહાસમાં સહેજે ગૌરવભર્યું આસન અપાવે તેવાં મનુષ્યરત્નો ભારતની ખાણમાંથી પાકતાં રહ્યાં છે. આપણા પ્રશ્નો, કોયડાઓ, સમસ્યાઓ પણ એટલાં જ મોટાં અને અટપટાં છે, એની નવાઈ નહીં. પણ આ પ્રશ્નોને જેમણે પડકારરૂપે ગણ્યા, એને ઉકેલવા સારુ પોતાનાં જીવન અર્પણ કર્યાં, તેવા લોકોને આપણા દેશે આરંભિક મૂડી તરીકે જ એક અમૂલ્ય સંસ્કારવારસો આપ્યો છે એ આપણે વીસરી ન શકીએ. એવા દુર્લભ ભારત દેશમાં ગુજરાત એક આગવું સ્થાન ભોગવે છે, દ્વારકાધીશ મોહનથી માંડીને મહાત્મા સુધીની એ લીલાભૂમિ રહી છે. દયાનંદ સરસ્વતીથી માંડીને મહમદઅલી ઝીણા સુધીના ધાર્મિક કે ધર્મઝનૂની રાજકારણી અગ્રણીઓ અહીં ઊપજ્યા છે, ઝંડુ ભટ્ટથી માંડીને વિક્રમ સારાભાઈ સુધીના વૈજ્ઞાનિકો તથા નરસિંહ મહેતાથી માંડીને જોસેફ મેકવાન સુધીના સાહિત્યકારો, જમશેદજી તાતાથી માંડીને કસ્તૂરભાઈ સુધીના શ્રેષ્ઠીઓ ગુજરાતે પેદા કર્યા છે.
કાકાસાહેબ કાલેલકરે ભૌગોલિક અને સામાજિક રીતે ગુજરાતીઓના ત્રણ ભાગ કલ્પ્યા છે: રાનીપરજ, ખેતીપરજ અને દરિયાપરજ. આપણા કથાનાયકનો જન્મ ગુજરાતની પશ્ચિમ પટ્ટીમાં થયો અને એનો બાલ્યકાળ પણ ત્યાં વીત્યો. દિહેણ અને સરસ બંને અરબી સમુદ્રના કાંઠાથી ઝાઝાં દૂર નથી, જ્યાં રત્નાકર નિત્ય નવાં નવાં શંખલા, છીપલાં ને કોડીઓ લાવી લાવીને પોતાનો અર્ઘ્ય વસુંધરાને ચડાવે છે. એના માઈલોના માઈલો સુધી વિસ્તરતાં સપાટ મેદાનો સમુદ્રની સપાટીથી માંડ બેત્રણ મીટર ઊંચાં હશે. એને લીધે લોકવાયકા છે કે શાંત સ્તબ્ધ રાત્રિઓમાં ઘોઘામાં કૂતરાં ભસે તો ખંભાતના અખાતના આ કાંઠાનાં ગામોમાં સંભળાય છે. એનાં ખેતરો પણ પાડાની ખાંધ જેવાં સપાટ છે, જેની ઉપર મહાદેવના જન્મકાળે ઘઉં, કપાસ, જુવાર ને કઠોળ પાકતાં. આજે નહેર આવવાને લીધે જ્યાં કેળ, પરવળ ને બીજાં શાકભાજીની વાડીઓ અને શેરડી દેખા દે છે. બંને બાજુની ક્ષિતિજો પર તાડનાં વૃક્ષો ધરતીની ધજા સમાં શોભે છે. ગામડે ગામડે ઘેઘૂર વડલાઓ જટાધારી જોગીઓ જેવા અડીખમ ઊભા છે. ગામેગામ આંબાવાડિયાં છે અને ખેતરે ખેતરે તાડ, ખજૂરી, આંબા, બોરડી કે લીમડા છે. મેદાનોમાં જ્યાં દરિયાનાં ખારાં પાણી નથી આવતાં ત્યાં પીલવણ કે આવળબાવળ છે, જ્યાં પાણી આવે છે ત્યાં કેરાં કે કરમદાં છે. ગામેગામ ખળીઓ છે, જેમાં વરસોવરસ વરસાદની મહેર મુજબ ઘઉં, જુવાર, કપાસના ઢગલા ખડકાય છે. અને એની ઉપર હાથીનાં મદનિયાં જેવા કાંકરેજી બળદો લઈને સુરત જિલ્લાના ઉગમણા ભાગોના લોકો કરતાં સહેજ કદાવર કદના ખેડૂતો પો ફાટતાં પહેલાં જ પહોંચી જાય છે. ગામેગામ એની બંને બાજુનાં પાદર પર નાનાંમોટાં તળાવો છે. લોકોની ટેવ અને વપરાશ મુજબ ક્યાંક આ તળાવો સ્વચ્છ નીતર્યા જળથી છલકાય છે, ક્યાંક એમાં કમળ ઊગ્યાં છે, ક્યાંક એમાં નિરુપયોગી વનસ્પતિ ઊગી છે કે લીલ બાઝી છે. ગામેગામ દેવદેવતાઓનાં મંદિર છે. અનેક ઠેકાણે મસ્જિદો છે. સાવ દરિયાને અડોઅડ વસેલાં ગામોને બાદ કરતાં મોટા ભાગનાં ગામોમાં પચરંગી પ્રજા છે. દિહેણ અને સરસ ગામની વસ્તીમાં છેલ્લાં વીસેક વરસમાં મોટો વધારો થયો છે. તે કાળે હજારની આસપાસની વસ્તીનાં આ ગામો આજે ત્રણ હજારની આસપાસનાં થઈ ગયાં છે. પણ મોટા ભાગનો વસ્તીવધારો છેલ્લાં વીસપચીસ વર્ષોમાં થયો છે. આજે જ્યાં કોળીપટેલોનાં ઘર છે ત્યાં તે કાળે દિહેણ ગામમાં અનાવિલો કે બીજા બ્રાહ્મણોનાં ઘર હતાં. એ બધા મોટે ભાગે ખેતી કરતા. પણ પછી નોકરીધંધો શોધતા એ લોકો સુરત, અમદાવાદ, મુંબઈથી શરૂ કરી ઠેઠ રંગૂન સુધી પહોંચ્યા હતા. નોકરીઓએ જ એ લોકોને પહેલાં ગામથી દૂર પહોંચાડ્યા અને પછી ગામમાંથી સમૂળગા અલોપ કર્યા. હવે એ લોકો માત્ર કોઈ કોઈ ધાર્મિક તહેવાર કે લગ્ન-જનોઈ કે બાબરી ઉતરાવવા જેવા પ્રસંગોએ ગોત્રદેવતાની પૂજા કરવા આ બાજુ આવતા દેખાય છે. બાકી એમનાં મૂળિયાં મૂળ માભોમમાંથી ઊખડી ગયાં છે.
ગામેગામ સુથાર, લુહાર, કુંભાર વગેરે વસવાયાંનાં પણ છૂટાંછવાયાં ઘર હતાં જે આજે ઓછાં થઈ ગયાં છે. એમની જગ્યાએ એસ. ટી.માં કામ કરનાર કંડક્ટરો, ડ્રાઇવરો, કારકુનો, મોટર મિકૅનિકો કે છૂટક દુકાનદારોનો વસવાટ થવા લાગ્યો છે.
મહાદેવના બાલ્યકાળ વખતે ગામનાં ઘણાંખરાં મકાનો માટીને થાપીને બનાવેલી એકદોઢ હાથ પહોળી ભીંતોનાં અને વાંસ, વળી, દેશી નળિયાં કે છોનાં છાપરાંવાળાં, નકશીદાર બારણાંવાળાં હતાં. સો-દોઢસો વરસના વપરાશ પછી પણ એ ઘરો બરાબર ઉપયોગમાં આવી શકે તેવાં અકબંધ હતાં. માત્ર એનાં છાપરાંની કામઠીઓ કોઈ કોઈ ઠેકાણે જર્જરિત થઈ ગયેલી દેખાતી હતી. આંગણાં વાળીચોળીને સાફ રખાતાં. ઘેર ઘેર પાણિયારું હતું. પણ પાયખાનાં સારુ મોટે ભાગે પાદરનો જ ઉપયોગ થતો. દિવાળી, દશેરા કે બીજા ઉત્સવો કે લગ્ન-જનોઈ જેવા પ્રસંગે આંગણામાં કુંવારિકાઓ કે સોહાસણીઓ સાથિયા પૂરતી.
મકાનોની બાંધણી સુરત જિલ્લાનાં બીજાં ગામોની જેમ એક કે બે ગાળાની પણ લાંબી હારવાળી થતી. આગલા પ્રવેશના ઓરડા પછી લાંબો ખંડ, પછી પાછલા ઓરડામાં રસોડું ને પાણિયારું, છેક ચોકમાં થોડી લીંપેલી જગ્યા, એકબે તુલસીના છોડ, એકબે ફૂલછોડ અને એક ખૂણે નાવણિયું. ઘરમાં બહારથી જુઓ તો ઠેઠ પાછળના વાડા સુધી આરપાર દેખાય. વચલો ખંડ સામાન્ય રીતે અંધારિયો, એ જ ખંડના એકાદ ખૂણામાં મહાદેવનો જન્મ થયો હશે. વરસો પછી — ૧૯૨૫માં — પોરબંદરના દીવાનના પાકા મકાનમાં એક અંધારી ઓરડીમાં જ્યાં પોતાના સ્વામીનો જન્મ થયો હતો તે જોઈને મહાદેવે ભાવુકતાથી લખ્યું હતું:
‘બાપુના જૂના ઘરનાં દર્શન કર્યાં, ઘરમાં બાપુનું જન્મસ્થાન પણ બતાવવામાં આવ્યું. એ ઓરડાનો અંધકાર જોઈને સહેજ મનમાં થયું કે ભગવાને ઘોર અંધારું ફેડવાને માટે જ બાપુને મોકલ્યા હોય ને!’
આટલું લખ્યા પછી તરત મહાદેવભાઈ પોતાની ભાવનાને થોડા તર્કથી પુષ્ટ કરે છે:
‘એ ઘોર અંધારા ઓરડામાં જન્મ લેવાને લીધે જ હિંદુસ્તાનના કરોડો ઘોર અંધારા ઓરડાની કંગાલિયતનો જાણે બાપુને આંખના પલકારામાં ખયાલ આવે છે, અને એને ક્ષણભર પણ વીસરતા નથી. એ અંધારા ઓરડાને જોઈને કાંઈક અવનવી આશા અનુભવી, અવનવો પ્રકાશ મેળવ્યો.’
એ રાષ્ટ્રદીપકની ખાતર પોતાના જીવનનું પૂરેપૂરું તેલ બાળી નાખનાર મહાદેવનું જન્મસ્થળ જોઈને કોઈને મહાદેવનાં જ પેલાં વચનો યાદ આવી જાય તો એમાં કાંઈ નવાઈ કહેવાય?
મહાદેવભાઈનો જન્મ કયા ગામે થયો હતો તે અંગે વિવાદ પ્રવર્તે છે. મોટા ભાગના લેખકોએ કે પાઠ્યપુસ્તકોમાં પરિચય લખનાર સંપાદકોએ મહાદેવભાઈનું જન્મસ્થાન સરસ કહ્યું છે. દિહેણ ગામમાં કેટલાક લોકોનો મત છે કે જન્મ દિહેણમાં જ થયેલો. જમનાબાનું પિયેર દિહેણમાં, તેથી છેલ્લા દહાડાઓ સુધી સરસમાં રહીને સુવાવડ કરવા દિહેણ આવેલાં એવી તેમની માન્યતા છે. બીજી બાજુ સરસ ગામમાં હરિભાઈ શિક્ષક હતા તે કાળે બાળકો હતા એવા નેવુ વટાવી ગયેલા વડીલો મોજૂદ છે. તેઓ હરિભાઈને સંભારે છે અને મહાદેવભાઈનો જન્મ કયા મકાનમાં, કયા ઓરડામાં થયો હતો એ પણ દેખાડે છે. બંને દાવાઓમાં તથ્ય હોવાની સંભાવના છે, તેમ તેમાં અનુમાન હોવાની પણ એટલી જ સંભાવના છે. આ લેખક સરસના દાવાને માનવા તરફ વધુ ઝૂકે છે. બીજાં કારણો ઉપરાંત એમાં મુખ્ય કારણ એ છે કે લેખકે ખુદ મહાદેવભાઈને મોંએ એ વાત સાંભળી છે કે તેમનો જન્મ સરસમાં થયેલો. મહાદેવભાઈના આજીવન મિત્ર નરહરિભાઈએ પણ કદાચ મહાદેવભાઈને મોંએ વાત સાંભળી હશે, તેથી તેમણે महादेवभाईनुं पूर्वचरितમાં પણ તે મુજબની નોંધ કરી છે. લેખક આ વિવાદમાં મહાદેવભાઈ અને નરહરિભાઈને છેલ્લા પ્રમાણ માને છે.