અથવા અને/ક્યારેક લકવો તો ક્યારેક સનેપાત...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ક્યારેક લકવો તો ક્યારેક સનેપાત...

ગુલામમોહમ્મદ શેખ

ક્યારેક લકવો તો ક્યારેક સનેપાત
ક્યારેક ફાટી પડું ભોંય પર ચત્તોપાટ
શબ્દોમાં ભાંગ, શબ્દોમાં દારૂ,
શબ્દે શબ્દે તેજાબ.
કવિતા કરવા જાઉં ને ઝેરના ઓડકાર આવે:
શબ્દો ચડે હેડકીની જેમ,
જીભે લવરી ચડાવે,
ભેજામાં ચાંપે દીવાસળી,
વિચારોને વીંખી કરે વાંઝિયા.
જે બોલું તે ખરે ભાંગેલું-ભુક્કો.
આંધળા ને અધમૂઆ અક્ષરો
હાથપગ વિનાના ભિખારા અક્ષરો
આમ તેમ ભમે,
જ્યાં જાઉં ત્યાં વળગે,
શબ્દોથી ભાગું, અક્ષરોથી ભાગું.
મીંઢો થાઉં ને થાઉં મૂંગો.
કવિતાનો સ્વાદ જીભેથી ઉતારવા
ગળું રોજિંદા જીવનની ગોળી પર ગોળી.
શબ્દોના તકિયા કરું
શબ્દોનાં પાથરણાં
શબ્દોને બાંધું પડીકે
ન્હાઈને નિચોવી નાખું.
ચાવી ચાવીને કરું પાતળા
ગોઠવી દઉં ખાનામાં
પરબીડિયામાં બીડી મોકલી દઉં મિત્રોને.
નામોની કાઢું નનામી
ક્રિયાપદોના પગ ભાંગું
શબ્દોની પૂંછડીએ ચોંટેલી
સૃષ્ટિને ઝાટકી નાખું.
છતાંય જો ન છોડે
હઠીલા રોગ જેવા શબ્દો
તો કવિતાની કલ્પના કર્યાના બધા દોષ
હગી નાખું રોજ સવારે.
શબ્દોને જેમ જેમ હાંકું તેમ પાછા વળે,
માખીઓની જેમ
બમણા જોરે બણબણે.
ડારું તો ઊતરી જાય પલંગ પરથી
અને પાયે ઊધઈ જેવાં દર કરે.
ભગાડું તો ભસે કૂતરાં જેવા
વેળાકવેળા,
હણી નાખું તો ગંધાય
ચોમાસાનાં જીવડાં જેવા.

શબ્દો છૂટતા નથી,
અળગા કરું તેમ વધારે વળગે.
મને વળગે, એકબીજાને વળગે,
મારી નજર સામે થાય નાગા,
એકબીજાને સંભોગે.
નકટા જણ્યા કરે ભૂંડણની જેમ
અને આરોગે એકબીજાને.
થાક્યોપાક્યો હું પણ
સૂકા મોંને ભીનું કરવા
ગળચી જાઉં
તાળવે ચોંટેલા બે-ચાર...

શબ્દો છોડતા નથી,
મારી દયામણી હાલત જોતાંવેંત
ઘેરી વળે
વળગી પડે.
મારાં કપડાં ઉતારી
ઘરની, બજારની, શહેરની બહાર
હાંકી મૂકવા હાકોટા કરે.
કવિતા એક ભૂખ
દમાતી નથી, સહેવાતી નથી.
નથી લાગતી તો બધું લુખ્ખું લાગે છે.
કવિતા એક રોગ, એક પીડા,
એક ઢોંગ, એક જુઠ્ઠાણું.
જાદુગરનો, નટનો, ધુતારાનો ખેલ.
મને હિપ્નોટાઇઝ કરી
આખી દુનિયા સામે મારું ઓઝરું ખોલે,
મારી શિરાઓમાં સીવે વીજળીના તાર;
જ્વાળામુખીના ફોટાવાળું છાપું જોઈ ધ્રૂજું,
હજારો જોજન દૂર યુદ્ધના વિચારે
થાઉં ખિન્ન,
યુદ્ધના ધડાકાની કરે કોઈ નકલ
મારે આંતરડે વળ ચડે, મારું જઠર ફૂટે
કવિતા મને હડકાવે, ભડકાવે
મારી ઇચ્છા વિરુદ્ધ સંભોગી અભડાવે,
મારી સ્મૃતિઓને ફૂમકાં બાંધી
બજારમાં વેચે.

કવિતા લખું ને થાઉં વામણો
કવિતા લખીને થાઉં (કવિઓથીય) અળખામણો.
લખું તે કોઈકને ગળે ચોંટે
કોઈ થૂંકી નાખે બીડી જેમ,
લૂછે એનાથી હાથ.
એનાથી ન મળે રોટલો
ન ભાંગે કોઈની ભૂખ
છતાંય વેવલી કવિતાને વારસારૂપ
ગણી વાપરું.

આજ લગી લખ્યું, લખ્યા કર્યું
જક્કી થઈને
લખીને ફાડી, ફાડીને લખી.
લખીને હસ્યો
માથું કૂટ્યું,
લખીને સાચવી રાખી જીવ્યાની નિશાની જેવી.
આજ લગી મારી મારી કરીને જાળવી
તે હવે મારું જ લોહી પીવા બેઠી છે,
લૂંટવા બેઠી છે મને.
હવે તો હુંય એને લૂંટીશ
એનો રસ કાઢીશ, કસ કાઢીશ, એને ચૂસી જઈશ.
એનાં હાડકાંનો કરીશ ભૂકો
એમાં જામગરી ચાંપીશ
રસ્તે રસ્તે, શેરીએ શેરીએ
જ્યાં મળશે ત્યાં
એને સળગાવીશ.

મે, ૧૯૭૩
અથવા