અથવા અને/ખોરડું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ખોરડું

ગુલામમોહમ્મદ શેખ

ફરી પાછું આ ખોરડું ચૂવે;
એકબીજાને બાથ ભીડીને નળિયાં રાતાં પાણીએ રુવે,
આજ ફરી પાછું ખોરડું ચૂવે.

કાલ સુધી તો તૂટલી વાંસ-ખપાટમાંથી રોજ ઊતરી હેઠે
ચાંદરણાં કો’ક ચીતરી જાતું;
(એ) ગાર તણી પરસાળ આછા અંધારથી લીંપી
કોઈ આજે એના અણુઅણુમાં ઊતરી જાતું,
ચાળણી જેવું છાપરું જળતી જાતને નેણનાં નીરથી ધૂવે.
ફરી પાછું આ ખોરડું ચૂવે.

ઉપર આડા મોભ ધરુજે, બારીઓ-બારણાં હીબકાં ખાતાં,
બેય બાજુની લથપથે ભીંત રેલેરેલે એનાં ધોળ ધોવાતાં,
માંહ્ય રે’નારાં વલખે
– ને દૂર ચાળનારાં વણથડક્યાં સૂવે!
આજ ફરી પાછું ખોરડું ચૂવે.

૧૫-૬-૧૯૫૮