અથવા અને/જેવું હતું તેવું જ છે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જેવું હતું તેવું જ છે...

ગુલામમોહમ્મદ શેખ

જેવું હતું તેવું જ છે
છતાં બધું ખાલી કેમ લાગે છે?
લીલોતરી ઓસરી નથી
અધપીળું ઘાસ મ્હોરવામાં છે
હવા હળુ હળુ
આકાશ વાદળે ભર્યું ભૂરું
ઘરમાંય
ગયેલાં સ્વજનો પાછાં વળ્યાં છે
દીવાલે કેલેન્ડર, ચિત્રો
ટેબલ પર છાપાં છવાયેલાં છે
ટેબલક્લોથની સળો ભાંગી નથી
ટેલિફોન પર નખનાં નિશાન – એમાં ચોકનો લિસોટો,
આંગળાની ગંધ
બધું હતું તેવું જ છે.
પુત્ર મેદાનમાં ક્રિકેટરત
ટીવી પર વર્લ્ડકપ
બપોરની ઊંઘ – ખાણીપીણી પૂરાં થયાં
સવારની હત્યારી ખબરો ધોવાઈ
બહાર વળગણીએ સુકાઈ
સંબંધોય બધા ચપોચપ અકબંધ કબાટમાં ગોઠવ્યા છે
સહિષ્ણુતા શેમ્પૂ સમી
વખતોવખત વાપરી છે
ભરમ બધા ભારી રાખ્યા છે
ચોકડીમાં ચકરાવો ચડ્યો તે બારણા બહાર વાયો નથી.

૧૯૮૨ (?)
અને