અથવા અને/ડેક પર મુસાફરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ડેક પર મુસાફરી

ગુલામમોહમ્મદ શેખ

(બસરા-મુંબઈ)

દરિયાનાં ડહોળાં પાણીમાં ફેંકેલ
રોટલીઓની જેમ
મુસાફરોના શ્વાસોચ્છ્વાસ
થૂંક અને પરસેવાની ગંધમાં તરે છે.
એની ફરતાં બણબણે છે
ટ્રાન્ઝિસ્ટરોમાંથી છૂટતાં ફિલ્મી ગીત.
સાંજસવારબપોરરાત્રે
અધઉઘાડાં શરીર,
રડતાં રડતાં સૂઈ ગયેલ બાળકના પેશાબમાં
ખાબોચિયું થઈ પડેલો સંસાર જાળવતાં
પડી રહે છે સૂવાનો ઢોંગ કરતાં
તૂતક પર, ખૂણામાં, પગથિયે કે બંધિયાર બોગદામાં.
(સાગરખેડુ ગુજરાતી પ્રજાના આ જ વારસ?)
એમનાં કપડાંની કરચલીઓમાં
સહસ્ર સુપ્ત મૂષકાકાર....

ભોજનનો ઘંટ
ખંખેરી નાખે નિદ્રા
લૂછી નાખે રડતા બાળકની આંખ.
ક્ષણવારમાં ડેક પર
ઊડે રંગબેરંગી શરીર, ઘસાય, ધક્કેલાય.
દરિયાનાં ડહોળાં પાણીમાં ડૂબતી
મારી આંખને ઉગારે
ફરફરતાં ધોતિયાં, સાડીઓ, રૂમાલો.
એન્જિનની જેમ રસોડું ધખે, ધમધમે
સઢમાં ભરાઈ ધ્રૂજે હાથી જેવી હવા.
ઊતરું ડેક પરથી ભંડકિયામાં
વહાણને વેંઢાર્યાનો
ઠાલો ભાર ઉતારું માથેથી,
જોડામાંથી ખોતરી કાઢું
બસરાના બારાની ધૂળ,
ચશ્માં કાઢી લૂછી લઉં
મરજીવાની આંખનો વૈરાગ
કવિતાની સ્મૃતિઓ ફૂંકી કાઢું, હાંકી કાઢું,
મુસાફર ભેગો મુસાફર
ટેબલ ભેગો ટેબલ
ધાન ભેગો ધાન થઈ
આરોગું
સ્ટેનલેસ સ્ટીલની થાળીમાં
બહુરૂપી ભોજન;
શાર્કનાં ભીંગડાંની ગંધવાળું શાક,
પિરસણિયાને પરસેવે લથબથ રોટલી,
પછી બટાકા, હોજરી અને ભાતના ઓડકાર.
ઓડકાર પછીય અન્ન
અંગોમાંથી ડોકિયાં કરે
તો મૂતરી-હગી નાખીએ થોડુંક દરિયામાં.
પછી ચડીએ ડેક પર.

થોડા શબ્દો, થોડા સિસ્કાર
થોડાં બગાસાં ને થોડી વાત.
શબ્દોને બુઠ્ઠા વાંસ જેવી ધાર,
વાતમાં વિશ્વને સળગાવી મૂકવા જેટલો
ફોસ્ફરસ.
વાતમાં જન્મોજન્મના
વાસી અન્નના ઓડકાર
વાત વાતમાં ચાવી જઈએ
મુખવાસ ભેગાં વરસો,
થૂંકી નાખીએ થોડાં.
વાત વાતમાં ઢળી પડીએ –
અડધી વાત હવામાં લટકી પડે
અડધી જીભ જેવી.
ઢળીએ પથારીમાં, ચાદરમાં, પગથિયે, ફરસ પર –
જ્યાં મળે જગા.
બગાસું બે ઘડી રોકાય તો
સાથી મુસાફરોની સાક્ષીએ
રમીએ પત્ની સાથે પરણ્યાની રમત,
વરસી પડીએ,
પેટમાં સંઘરેલો ચરુ
ધરબી દઈએ એની કૂખમાં.

અડધા મહિનાની દરિયાવાટ
અડધું દોજખ, અડધો જીવ્યાનો થાક.
અડધું ખાઈ અડધું ઢોળીએ,
છોકરાને બાંધીએ ઝબલામાં
પત્નીને પૂરીએ પટારે
પછી
ઢળીએ
જ્યાં મળે જગા.

હવે છૂટ્યો છે પવન
(અમારી છાતી અને ખભામાં
પુરાયેલાં પશુ ચોંકી ઊઠ્યાં છે)
અમે પડ્યા છીએ તૃપ્ત,
પવન ધક્કેલે છે વહાણને
પવન ધક્કેલે આંખોને-જીભને
હોજરીમાં.
હવે પવન અને દરિયો એક
એમાં એક વહાણ
વહાણમાં હજાર શરીરનો ઢગલો
દરેક શરીરમાં
એક દરિયો
દરેક દરિયે વહાણ
દરેક વહાણમાં હજાર મુસાફર
હજાર સઢ, હજાર ધોતિયાં,
હજાર પત્નીઓ, હજાર પટારા.
પવન પટારાઓ ગણી ગણી
વહાણની બહાર ફેંકે છે.
એક એક પટારા પર એક એક મુસાફર.
એક હાથમાં સ્ટેનલેસ સ્ટીલની થાળી
બીજામાં પત્નીના ચણિયાની દોરી
ધોતિયે પટારાની ચાવીમાં
અટવાયાં સહસ્ર મૂષકાકાર...
હવે છૂટ્યો છે પવન
છૂટી છે પરપ્રદેશની પરીઓ, પરકીયા, સુન્દરી, કન્યાઓ,
ગલ પંખીની જેમ ઝળૂંબે પટારે પટારે.
પવન મુસાફરોનાં ધોતિયાંમાં મદનિયું થઈ ઘૂસે છે.
પટારે બાઝેલી પ્રજા
હવે વહાણ છોડી, સમુદ્ર છોડી,
વસ્ત્રો ફાડી
નીકળી પડશે
કોઈ સ્ટેનલેસ સ્ટીલના ટાપુ પર.

૧૯૬૭/૭૩
અથવા