અથવા અને/ધરણી ઉપર ઢોળીને રૂપ સાચાં...
Jump to navigation
Jump to search
ધરણી ઉપર ઢોળીને રૂપ સાચાં...
ગુલામમોહમ્મદ શેખ
ધરણી ઉપર ઢોળીને રૂપ સાચાં
આકાશ ફરી નીતર્યું રે લોલ,
ભૂરું એનું આભલા જેવું મ્હોરું
સાચા જેવું ચીતર્યું રે લોલ.
લીલી લીલી ધરણીની ધૂળ કાયા
પાણી બધાં પી ગઈ રે લોલ.
ઘાસ પાછું આકાશે મોં માંડે
વાદળી તો વહી ગઈ રે લોલ.
અડધે મારગ દરિયો દ્યે સેલારા
કઠણ એના કાંઠડા રે લોલ,
અડધે મારગ વાયરાની વણઝારો
અમસ્તી મારે આંટડા રે લોલ.
કોરી કોરી ધૂળનાં ધાવણ પીને
વાગોળે પડ્યાં વાછડાં રે લોલ,
આફરો ચડ્યો એકાદિ ગાયને કોઠે
આળોટે, દિયે ભાંભરાં રે લોલ.
પીળી પીળી વેળાના છોગામાં
સુંવાળું એક પીંછડું રે લોલ,
ઢીલાઢીલા વાયરામાં એહ ઝૂલે
(જાણે) સાપ માથે શિંગડું રે લોલ.
છોડી ગયા સપનામાંય સમદુ:ખિયા
હળવેથી મન વાળિયા રે લોલ,
હાડકાં ઉપર ધૂળનાં ધારણ ઊંચાં
ઢંકાય નહિ પાળિયા રે લોલ.
૧૯૫૭