અથવા અને/નેગેટિવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નેગેટિવ

ગુલામમોહમ્મદ શેખ



જ્હોન કૉલ્ટ્રેનને


ગોફણે ફંગોળેલી આંખ
ચળકે બપોરનાં સૂકાં તૃણમાં.
દૂરના દરવાજેથી પ્રવેશે સર્પ
તેની પૂંછડીનો રેલો વહે
ત્યાં પડે પગલાં ડઝનેક વાનરનાં.

ઘસી નાખવા મથું હું ગરમ હથેળી,
તડકો એમાં ટપકીને પૂરે તેલ.
વેલની છેલ્લી કૂંપળ ફરફરે,
વાડને છીંડેથી કૂદી પડે ઉંદર.
કામવાળીની જેમ સરકી જાય ઝાડવાં પાછળથી હવા.
અસ્વસ્થ પગે ઊભો,
ખણું હું વાળ.
તડકો ખળભળે આમ્રવૃક્ષોની પાછળ વરાળમાં.

હાથ ચીકણા
ચોંટી ગયા,
પ્રગટ્યો અગ્નિ ગરદનને ઢોળાવે,
ઓડકાર ગઈ રાતના ઉજાગરાનો.
સામેનો રસ્તો ચળકે બપોરના તડકે,
હથેળી ચળકે ચૂંથાયેલ ઇંટ જેવી.
ચકલાંનો, તૃણનો,
પીપળનો, સ્મૃતિનો રંગ સાવ સફેદ.

ફેબ્રુઆરી, ૧૯૬૭
અથવા