અથવા અને/પહેલાં અને હમણાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પહેલાં અને હમણાં

ગુલામમોહમ્મદ શેખ

માધ્યમિક શાળામાં ભણતો હતો તે દરમ્યાન ‘બાળક’માં પહેલું કાવ્ય છપાયું ત્યારે મહાન ઘટના બની હોય તેવું લાગ્યું હતું, પણ સુરેન્દ્રનગર જેવા શહેરમાં એની નોંધ લેવાની કોઈને ફુરસદ નહોતી. સાંજના ટાંકીચોકની વિશાળ ટાંકી પર ઊડતાં-બેસતાં કબૂતરોની લીલા નિહાળતાં મન મનાવ્યું હતું. ઘરમાં મોટા ભાઈને કાચ પર ચીતરતા જોયાનું યાદ છે: કવિતા ક્યાં જન્મી, ઊછરી એનું સ્પષ્ટ સ્મરણ નથી. નાનપણમાં કુરાન-કસીદાના લાંબા રાગે પાઠ કર્યા તેમાંથી લય-પ્રાસનો પાસ લાગ્યો હોય તો નવાઈ નહિ. ગુરુકવિ લાભશંકર રાવળના સુરેન્દ્રનગર આગમને એ પોષાઈ. એમણે ‘શાયર’ તખલ્લુસ રાખ્યું હતું અને આપણે ઉપનામ પાડ્યું ‘મલય’. ‘શાયર’ના સહવાસે ગીત, ગઝલ, ગરબા, સૉનેટ સુધ્ધાં લખ્યાં. વાર્તાઓય ઘસડી. વિશેષાંકોને ધ્યાનમાં રાખી ફરમાસુ ચીજો તૈયાર કરી. સાથે મળીને ‘પ્રગતિ’ નામનું આઠ પાનનું સચિત્ર હસ્તલિખિત સાપ્તાહિક – પછી પાક્ષિક, બર્ડવુડ લાઇબ્રેરીમાં લગભગ બેએક વરસ લગી નિયમિત મૂક્યું. ફાઇલના કદના જાડા, હાથબનાવટના કાગળ પર હું કાળી શાહીમાં મથાળાં અને રંગીન મુખચિત્ર તેમ જ ચિત્રવાર્તા દોરું. લાભશંકર લીલી, ભૂરી, લાલ શાહીમાં કવિતા, વાર્તા, સુવાક્ય, જાણવા જેવું ઇત્યાદિ લખે. કવિતા લખવાનોય નિત્યક્રમ ઘડ્યો હતો તે વરસો લગી પાળ્યો. દર રવિવારે સવારે એકાન્ત સ્થળની શોધમાં અમે બહાર નીકળી પડતા. પહેલાં તળાવને કાંઠે, પછી લાભશંકર કૂંચી લાવ્યા હોય તો એન. ટી. એમ. હાઈ સ્કૂલના હેડમાસ્તરના ઓરડામાં. એ જોરાવરનગર રહેવા ગયા પછી ત્યાંના સ્ટેશન પાસે બાવળના ઝુંડને છાંયે અને છેવટે વઢવાણને રસ્તે ઘરશાળાના વિશાળ વર્ગમાં કલાકો લગી ગેય પંક્તિઓ, પ્રાસાનુપ્રાસ અને ચમત્કૃતિવાળી શબ્દરચનાની શોધ ચાલે. લખાય તે વંચાય અને લાભશંકર તો ગાય પણ ખરા, કોઈ વાર હાર્મોનિયમ સાથે.

અઠવાડિયાના અન્ય ફાજલ સમયમાં હું, ઘાંચીવાડના રસ્તે પડતી બે દરવાજાવાળી ખોલીમાં પિતાના ધર્માગ્રહે નમાજપાણીથી પરવારી, અણગમાપૂર્વક ટોપી પહેરી એકલો બેસું. બે બારણેથી પસાર થતી દુનિયાને જોતો અર્ધએકાન્તમાં લખું-દોરું. નાના ગામનો ખાલીપો અંતહીન લાગે ત્યારે રઝળું અથવા ભોગાવાના પુલ પર ઊભો ઊભો ચોમેરની સૃષ્ટિ વાગોળું. ડાબી કોર રસ્તાને ઊંચકી ઊભો થતો ટાવર, નીચે બાવળની કાંટ્યમાં મિયાણાવાડનાં ખોરડાં, એની પાછળ ઘાંચીવાડને બીજી દુનિયાથી અળગી કરતી મિલની દીવાલ અને એનું વરવું મહાકાય ભૂંગળું. દૂર બીજો પુલ સામે પારના કબ્રસ્તાનની પાંખી ઝાડીમાં ઊતરતો દેખાય. પૂંઠે આછેતરાં ખેતર ને વગડો અને બેય પડખાંની વચ્ચોવચ છેક ચોટીલાના ડુંગરા લગી લંબાતો ભોગાવાનો સુક્કો, રેતાળ પટ. લખું-ચીતરું તેમાં આમાંનાં રૂપ નહીં (પણ સંઘરાયાં એટલે મોડે મોડે ઊગ્યાં): મોટા ભાગનું કલ્પીને, ઇચ્છીને ઘડવાનો શ્રમ, એનો ઊંડો અજંપો. કશુંક બધાં તત્ત્વોને જોડતું કળાય પણ ભળાય નહીં. એ જ અરસામાં સાવ નાનો પણ બહુ જ ઊંડે ઊતરેલો અનુભવ યાદ છે. એક વાર ઘરશાળાથી ઘાંચીવાડ પાછા ફરતાં પુરજોશથી ફૂંકાતા ચોમાસી પવને સાઇકલ ઘોડો થઈ. ઘડી બેઘડી આગલું પૈડું અધ્ધર રહ્યું ત્યારે પવનના જોરે શરીરના સમગ્ર શિલ્પનો અણધાર્યો સાક્ષાત્કાર થયો. શરીરથી પડેલા હવાના ખંડ અને ચોપાસની સૃષ્ટિનો વ્યાપ એકીસાથે ઝલાયા. મૂર્તામૂર્તના ભેદની પોકળતા એમ છતી થઈ.

શાળાની દુનિયામાં સાહિત્ય-કળાને બહુ સ્થાન નહીં તેથી સાહિત્યનો સંપર્ક બર્ડવુડ લાઇબ્રેરીમાં મથાળાથી માંડીને મુદ્રકના નામ લગી છાપાં અને સામયિકો કે પુસ્તકો વાંચવામાં. હિન્દી હોંશે વાંચું ને આવડે નહિ તોયે ‘માર્ગ’ જેવું અંગ્રેજી સામયિક ઉકેલવાની તાલાવેલી થાય. ફ્રાન્સિસ સૂઝાના તરડાયેલા ચહેરાઓ જોઈ ચિત્તમાં સળવળાટ થયો હતો. પાઠ્યપુસ્તકોમાં છપાયેલી કવિતા ભાગ્યે જ મનમાં બેસે. મોટે ભાગે નિ:સત્ત્વ અને અધૂરી જણાય. એની ભાષા અન્ય વર્ણની, અજાણી, બનાવટીય લાગે. ભદ્રસમાજની રીતભાતના ભરડામાં ફસાયેલો શબ્દ બોલાતી બોલીની આભડછેટ રાખતો લાગે ને આયાસી છંદરચનાની ટીપટાપમાં એનું નકરું રૂપ કાટ ખાતું જણાય. લોકલઢણ ગમે પણ એય સાહિત્યવર્ણના પૂર્વનિયોજિત વર્તુળમાં રમતી લાગે. (હજુ પણ એવું જ નથી શું?) એવું થાય કે આપણી આટઆટલી અવનવી જાતિઓ અને એમનું સંસ્કૃતિ-બાહુલ્ય, પણ એ આપણી કવિતામાં ઊગ્યું નહિ. વાણિયા, વાઘરી, વહોરા, મેર, મિયાણાની જીભે ભાષાએ ભાતીગળ રૂપ ધર્યાં પણ એકે વાઘરી કવિ પાક્યો નહીં. પાક્યા તે આપણા કવિવર્ણની બહાર રહ્યા. પ્રાદેશિક અને ધર્મરીતિઓમાંથીય એણે મોણ લીધું નહીં. (મોડેથી રાવજીમાં ચરોતર વસ્યું ને મકરંદે અલખછંદ છેડ્યો, પણ એવા કેટલા?) એથી એ રક્તહીન રહી. શુદ્ધિના આગ્રહે આપણે સંસ્કૃતને પ્રમાણી, પ્રાકૃતને ટાળી. સંસ્કૃત પરંપરામાંથીય પિંગળ પામ્યા ને અંગ્રેજી ખાડીએ નિકાસ કર્યા તેવા-તેટલા ‘પશ્ચિમી’ પ્રવાહો. વિક્ટોરિયન ચોખલિયાવૃત્તિ અને ગાંધીવાદી ગળણીમાંથી ગાળતાં ઘણુંબધું આપણા અનુભવની બહાર રહી ગયું. આમ તો ગુજરાતી એની ભાષાને વાણિજ્ય સાથે વિશ્વમાં લઈ ગયો અને બધે ગુજરાત વસાવ્યું પણ ક્યાંયથી એ પ્રદેશની સંસ્કૃતિ કે સાહિત્ય આયાત કરવા જેવાં લાગ્યાં નહીં. (આજેય સ્વાહિલી કે તેલુગુમાંથી સીધો અનુવાદ કરનારા કેટલા?) પંચાવનમાં વડોદરા આવ્યો ત્યારે આવા આવા પ્રશ્નો ઘૂમરાતા થયા. પછી વિશ્વકળાના પરિચયે અને વિશેષ તો નવી કળાના ઉન્મેષે ઘણાં બંધ બારણાં ખોલ્યાં ત્યારે એ બધા પ્રશ્નો સ્પષ્ટ અને સતેજ થયા. મોકળા મને લખવાની વૃત્તિએ જોર પકડ્યું. એ પાંચ-સાત વરસના ગાળામાં આકરો સંઘર્ષ અનુભવ્યો. છાપેલો શબ્દ સંગ્રહસ્થાનમાં સાચવીને મૂકેલા પદાર્થ જેવો મોહ અને ભય પમાડતો રહ્યો.

‘ખોરડું’ લખ્યું ત્યારે ઓછીવત્તી માત્રાને આધારે એને અગેય કરવાની છૂટ લીધી હતી, પછી હરિગીત – પરંપરિત માંડ્યા. છેવટે લોકલઢણમાં ‘અમજીભાની ડેલીએ ઓલી સાબદા થાવા રાતડી ઘોડી નાખતી હાવળ’ જેવાં રવડતાં, દવડતાં કલ્પનોનો દોર હાથમાં લીધો. ચિત્રમાં આ કામ સહેલું નહોતું: આપીકું માંડતા પ્રભાવશાળી શિક્ષકોના ઓછાયા વચમાં આવે, પણ ચિત્રજગતની ચેતનાએ કવિતાને બળ દીધું, છકાવી. ઊંડે ઊંડે આધારના ભણકારા વાગે પણ નિરાંત નહીં. અસ્વસ્થતાની ધાર નવા નવા ખૂણા કાઢતી જાય. કેટલાંય ઇન્દ્રિયેતર પરિમાણોને પામવા ભાષા વામણી લાગે, વચમાં આવે, લખવાનો પાસ છોડાવવા લગી ધક્કા મારે. અહીંની, ત્યાંની દુનિયા, સાચજૂઠની માયા બધું સાથે વરતાય, અનુભવાય એ શબ્દોમાં બેસે નહીં. લખવા બેસું ત્યારે તમ્મર ચડ્યાં હોય એવા ઘમકારા પડઘાયા કરે, મગજ પાકી જાય, તાવેય ચડે, અજવાળું હોય તેથી વધારે ઝળાંહળાં થાય અને એમાં દેખાતું ઘણુંય ડૂબે, પડછાયામાં રાતાંભૂરાં ટપકાં રમે: વાવાઝોડામાંથી શરીર સેરવવાનો શ્રમ શબ્દે શબ્દે ખમાય.

આવેશપૂર્વક લખ્યું એમાં કાચું, કસ્તરવાળું અને અનાકૃત પણ નીકળ્યું; સાથોસાથ બે પ્રતીતિ થઈ. એક તો લખવાની ક્રિયામાં અને લખાયું તેમાં ઠોસ જાત-અનુભૂતિનાં મૂળ જોયાં અને બીજી, આવેશથી ગુનાહિત ઠર્યાના ભાવને નેવે મૂક્યા વગર એ નક્કર અનુભૂતિને મોઢામોઢ પામવાનું શક્ય નહોતું. આવેગના વર્તુળની અંદર રહીને લખતાં કાવ્યપદાર્થની આકૃતિ સ્પષ્ટ દેખાઈ નહીં. બહારથી જોનારાને ખૂબ પ્રવાહી કે ત્રુટક ભાસી હશે. ચિત્રમાં એથી લગભગ અવળી પ્રક્રિયા થઈ. એમાં આકૃતિધર્મની દીક્ષા ભણતર દ્વારા મળી હતી તેથી અસ્વસ્થતાની ઉત્કટ ક્ષણેય આક્રોશપૂર્વક પીંછી ફગાવી, ચીંથરામાં રંગ લઈ ગાડીએ જોડેલા કે ભાગી છૂટેલા અજંપ અશ્વનું કલ્પન (હુસેનની આકૃતિના આધારે) માંડ્યું, ભૂંસ્યું ને ફરી ફરી ચીતર્યું તેમાં આકૃતિના દેહને ઘડવાનો સંઘર્ષ હતો. કદાચ કૅન્વાસનું પૂર્વનિયોજિત ચોકઠું આકૃતિ-પરકતાની વાડ કૂદવા દેતું નહીં. કવિતાને ભણતરનો પાસ નહીં, ગુરુની કંઠી નહીં, ચિત્રની જેમ એ જણસે નહીં એટલે એ આકૃતિમૂલક ધર્મના પરિઘની બહાર ઊછરી. એની બહિર્રેખાઓ આમતેમ ફેલાતી રહી, વચ્ચે તાણાવાણા ગૂંથાયા – અટવાયા, બરછટતા, હિંસ્રતા, ઉદ્રેકો આખેઆખાં આવ્યાં. ઉત્કટ પળે સૂઝતાં કલ્પનો અને શબ્દરચનાના સંચલનમાં એકમાંથી બીજી કૃતિનાં બીજ ઊછરતાં જોયાં ત્યારે આંતરિક સંરચનાની શક્તિનો પરચો થયો. સંઘેડાઉતાર અનન્ય કૃતિને બદલે સંઘર્ષરત કૃતિઓના સાતત્યમાં વિશ્વાસ આવ્યો, પરિણામે એકસૂત્રી કાવ્યગુચ્છો રચાયાં.

લખતાં લખતાં અનુભૂતિનાં પલટાતાં રૂપ જોયાં ત્યારે પ્રક્રિયા અને પરિણતિનો ભેદ મટકું માર્યા વગર જોવાની જાસૂસી તાલાવેલીય થઈ. શબ્દોમાં ઇન્દ્રિયોનાં અવળસવળ અણુકેન્દ્રો રોપી એકથી બીજીનાં પડ ઉખેળ્યાં. વચમાં ભાષા ભૂરકીય નાખે ને એની ઉપરવટ જવાના રસ્તાય એ જ ચીંધાડે. સ્વપ્ન અને સત્ય વચ્ચે અવરજવર કરતું મન ઍન મોકે ઝોલું ખાય એ તો સમજાય પણ રૂપાંતરની ક્રિયામાંથી પસાર થતાં એનેય બદલાતું જોયું ત્યારે અદ્ભુતની મોઢામોઢ આવવા જેવું થયું. પછી દુનિયા કવિતા કે ચિત્રની બારીમાંથી દેખાય એવાં રૂપ ધરતી થઈ સાવ પલટાઈ. લખવા-ચીતરવા તરફ વળવામાં જન્માંતરની આકાંક્ષાય ભળી. એ અનુભવે દરેક કૃતિમાં આત્મવૃત્તાંત જોવાની વૃત્તિને સતેજ કરી છે. જાતે પામેલું ઝાઝું, ઊંડું સ્પર્શે છે: વસ્તુધર્મી, આયાસી પાઠ મોળા લાગે છે.

અનુભવે વિશ્વને, ભાષાને, કળાને બહુરૂપી જાણ્યાં છે. (એક વિશ્વની કલ્પના જ ત્રાસવાદી નથી?) આપણા અતિબાહુ, અતિમુખ દેવ-દાનવોની જેમ આપણી ચેતનાય અતિધર્મી છે. વિશ્વના સમાન અને પ્રતિધર્મી પ્રવાહોને ઝીલીને આપણી પરંપરા પુષ્ટ થઈ એ મોડેથી, અભ્યાસે સ્પષ્ટ થયું. તે વખતે આછેતરી એંધાણી જેવું હતું. સુરેશ જોષીના સાન્નિધ્યે રિલ્કે, સેન્ટ જૉન પર્સ, લૉર્કા, નેરુદા, પાઝ અને અન્ય લાતીન કવિઓની કૃતિઓ કાને પડી ત્યારે મોટા સહગામી, પુરોગામી મળ્યાના રોમાંચ થયા હતા. ઇન્દ્રિયોના વર્ણાશ્રમની ભ્રમણા તો પહેલેથી જ ભાંગી હતી. હવે અનન્ય, રૂપકર્મી રચનાનો વિકલ્પ એ કવિઓની રચનાઓનાં સાતત્ય, બાહુલ્ય, ગતિમાનતા અને આંતરિક સંરચનામાં જોયો ત્યારે આત્મવિશ્વાસ વધ્યો. ઊંડે ઊંડે લાતીન અને પૂર્વીય સંવેદનાનાં મૂળ એકબીજામાં પરોવાયેલાં જોયાં. (વરસો પછી લૉર્કાને દેશ અન્દાલુસિયા ગયો ત્યારે કોર્દોબા અને કાઠિયાવાડી ભૂમિ અને જીવનરીતિમાં ઘણું સરખાપણું જોયું.) ઑડેનની સુરેખતાને બદલે પાઉન્ડની અરાજક વિપુલતામાં કે રામાયણની અનન્યતાને બદલે મહાભારત કે કથાસરિત્સાગરની વિરાટ પ્રવાહી સંકુલતામાં મન ઢળે તેમ લાતીન અને અન્ય પૂર્વીય સાહિત્ય તરફ ખેંચાણ વધ્યું.

ચિત્રમાં અશ્વાકૃતિને અવનવાં રૂપે ગોઠવવાની રીતિમાં આખરે યાંત્રિકતા આવી ત્યારે એવા આકૃતિધર્મી અભિગમમાંથી મન ઊઠ્યું ને ફરી અજંપો ઊપડ્યો. એ અરસામાં જ વિદેશ જવાનું થયું: ત્યાં નવી ઘણી રીતિઓ અજમાવી પણ એકેમાં મન બેઠું નહીં, ઊલટાનું પાછું ઘર તરફ ખેંચાયું. વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના ભારતીય વિભાગમાં પોથીચિત્રો જોતાં એનું હાર્દ પામવાની પ્રબળ ઉત્કંઠા થઈ. ઇટાલીમાં સિયેના અને પૂર્વરેનેસાંના કળાકારોનાં ચિત્રોની પ્રાદેશિક સંવેદનાથી સભર માનવીય ઋજુતા ખૂબ સ્પર્શી. ઘેર આવી માણેલાં–પ્રમાણેલાં, જીવતાં અને ચિત્રમાં પામેલાં, પારંપરિક અને અન્ય કલ્પનોને, રીતિઓને ભેળાં કર્યાં. એ જ વખતે કવિતામાં સંયમે જોર પકડ્યું. ઓછું, પણ ફરી ફરીને લખ્યું. ગીત, પરંપરિત, બોલચાલ, કશુંક ચંપૂ જેવું, બધું સાથે અજમાવ્યું.

આજે આપણી સમક્ષ વિશ્વની કળાના ઇતિહાસની સંવિત્તિ છે, એને ઉવેખી પરંપરામાં મોં નાખવાની શાહમૃગી વૃત્તિ મિથ્યા છે. ઔદ્યોગિક ક્રાન્તિની સતત સંક્રાન્ત ચેતનાનું ફળ પરંપરાએ ચાખ્યું પછી અનુભૂતિના નિર્ભેળ સ્વર્ગમાંથી કળાકારની હકાલપટ્ટી થઈ છે. એમાંય આપણી ચેતના તો સંસ્થાનવાદના મંડાણે, કબીરની બાનીમાં દો પાટન કે બીચ બદલાતા સમયની બેધારી ભીંસમાંથી નીકળી છે. પશ્ચિમમાં થયેલા સાર્જનિક–દાર્શનિક ભૂકંપોથી આપણે ધ્રૂજ્યા એમાં પરંપરાના અનેક પુલો ફૂંકાઈ ચૂક્યા છે. આકૃતિધર્મી ને આવેગવાદી, અતિવાસ્તવ અને અસ્તિત્વવાદથી રંજાયેલી એ ત્રસ્ત સંવેદનાના આપણે સાક્ષી છીએ. સાદૃશ્ય અને અમૂર્તની અપરંપાર લીલા ને અ-કલા, વિ-કલાના ખેલ પણ આપણે ભરબજાર જોયા છે. એથી હવે આપણે પશ્ચિમી સર્જકને ઉન્નત શિખર પર બેસી ઇતિહાસના ઓડકાર ખાતો, અન્ય વિકલ્પો શોધતો કલ્પીએ છીએ. ફિનૉમિનૉલૉજી, માક્સનો વસ્તુવાદ કે પૂર્વીય રહસ્યવાદ? કળાને ઉત્ક્રાન્તિના તબક્કાઓમાં વહેંચતું દર્શન નવાં શિખરો રચતું દેખાય છે.

મારે મન ઇતિહાસની સમગ્ર સંવિત્તિ, એમાં સર્જકનું સ્થાનેય કાચી ધાતુ છે, બધું ખપનું લાગે છે. ચેતનાની બહુવચનીય સહોપસ્થિતિમાં વિશ્વાસ વધ્યો છે: એકાત્મતા અને શુદ્ધતાના મતાગ્રહોમાં શ્રદ્ધા ખૂટી છે. રીતિમોહ ઘટ્યો છે અથવા બધી ભેળવવાનું, સાથે અજમાવવાનું રુચે છે. એવું થાય છે અહીં જ બધાં સમય-સ્થળની ચોપાટ માંડું. ઘાંચીવાડના ઘરથી વડોદરાના હુલ્લડમાં કે દેશવિદેશના રઝળપાટમાં અલપઝલપ કે ઊંડી ઉતારેલી દુનિયા ભેગી કરું. નકરી અનુભૂતિની ચોમેર વસેલી ભાષાની સહસ્રેન્દ્રિયોને છેડું: સાવ અંગત અને સમગ્રને એકીસાથે આલેખવાની આ વેળ છે.

‘સર્જકની આંતરકથા’ (સં: ઉમાશંકર જોશી), સપ્ટેમ્બર ૧૯૮૪માંથી સાભાર.