અથવા અને/બે ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બે ઘર

ગુલામમોહમ્મદ શેખ


એક ઘર એવું
કે ઊભી બજારે રે’વું.
માથોડાભર બારણાં ને કમ્મર સરખી બારી,
ડોક લગી તડકાનો દરિયો
ડૂબે દુનિયા સારી.
આગળ સળિયા, પાછળ સળિયા
ઉપર રાતાંચોળ
સળગતાં સમસમ નળિયાં,
શગશગ વાટે ભડભડ બળતો
અઢળક ઊડતો
તગતગિયો તોખાર તિખારો
મોભે માળા કરે,
આભે અડબડ ચડે.

એક ઘર એવું
કે મોરી વચ્ચે રે’વું.
ગંધ ચડે ઘમસાણ
ગટરના ગોટ માંહ્યલો પીને માતે.
ઘર ફરતી વંડી પર વંડી
ચડતી ચારે કોર,
ક્હોવાતો દિન કણકણ કોરે
રાત પડે અંધારું ખાટ ચડે સૂમસામ –
પગતળિયે ભેંકાર ભૂત હણહણે,
બચપણનો અંધારપછેડો ઓઢીને
પડછંદ પુલ
રગરક્ત ધબકતાં હળવાં ડગલાં ભરે.
વંડી ઠેકી ચાંદાનો અજવાશ
લીમડે ઝરે
ધૂળમાં કરવત ધારે ખરે.
ખાટફરસ ભોંભૂતળ પોઢે, સપને,
પડખાં ફરે, હડબડે
અડધા માણસ અડધા જીવજનાવરજંતુ –
બે ઘર વચ્ચે
ગગનઘોડિયે ઝૂલે.

બે ઘર વચ્ચે લીમડો
ને લીમડા ઉપર લીંબોળી,
વચમાં સચરાચરનો ફેરો
હાથે દેખો હીંચોળી.

તડકા ભેગો તણખો તૂટ્યો
ઓલવાય અંગાર,
કાગળ નીચે કીડી કણસે
કોણ સુણે સિત્કાર?

એપ્રિલ-ઑક્ટોબર ૧૯૭૯
અને