અથવા અને/બોલતાં શીખતા પુત્રને
ગુલામમોહમ્મદ શેખ
(કબીર માટે)
તું આવ
અહીં આવીશ?
અહીં તને શબ્દના ખોળે બેસાડીશ
શબ્દનાં દઈશ રમકડાં
શબ્દની ઘોડી, શબ્દની સ્લેટ
તને તેડીશેય શબ્દમાં
ચૂમીશેય.
આ શબ્દનું ઘર, બાગ, બગીચો, થાંભલા સફ્ફેદ,
કૂંપળે ફરફરે શબ્દની.
શબ્દની સાંજનો હળુ હળુ આ સમય:
ફર અહીં, રખડ, પાડ બૂમો
ઊડી જશે બૂમ તારી અશબ્દ સૃષ્ટિમાં.
અહીં હું
શબ્દના રણમાં પડ્યો
પડખાં ફરું
પકડવા મથું નકરો અવાજ.
શબ્દની ચાદર રોળાય
હલે શબ્દના પાયા
નજર સામે ખૂલે શબ્દના બાર
શબ્દની રાતમાં ખીલે શબ્દના તારા
શબ્દની ભીંત પછવાડે ઝૂલે શબ્દનાં વૃક્ષ.
શબ્દની કેડી, શબ્દનો આ રસ્તો
છેક જો વહે ત્યાં લગી.
જો આ શબ્દની હવા પણ વહી
ઘટા ઘેરાઈ શબ્દની
શબ્દ જે તને હજી મળ્યો નથી.
શું મોકલું? ફૂંક, સૂર, સિસ્કાર?
શબ્દ જે તને મળ્યો નથી, તે જ આપું?
ધૂળ મુઠ્ઠીમાં લઈ ઉડાડતો,
પથરા ઉખેડી, મૂળ તાણી છોડનાં, ફૂલનાં
રેસા ઉતારી
શોધતો તું
માછલી ચકલી સમજતો
વૃક્ષને, વરસાદને, પથને, પશુને
જીભના ઊંડાણમાં ફંફોસતો,
આ પવન ફુંકાય તેને
હાથ લંબાવી પકડવા દોડતો તું
એ જ શબ્દ?
૨૫-૩-૧૯૭૬
અને