અથવા અને/મનોહર સ્થળે માંદગી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મનોહર સ્થળે માંદગી

ગુલામમોહમ્મદ શેખ



ઘેરાં ને ઘાટાં ઝુંડમાં મઢેલી
ટીપુના રાજબેટની વીંટી
કાચી કુંવરી
કાવેરી
બારીએ, ઝબકતા આભ જેવી વહે છે.
ધસે પાણી સામે ધાડાં હવાનાં
વચ્ચે તીર-તીણો વરસાદ:
પ્રવાહ પર ચકતાં ચન્દ્રનાં કે ચમકતાં માછલાં?
આ એક લઈ ઊડી તે સમડી
કે ફફડેલી ડાળની છાયા?

એ બધો નીરોગીનો ચારો,
અહીં તો દુનિયા
પથારી ને બાથરૂમમાં પૂરી થાય છે.
ગોળી સાથે ગળવા
તતડતી ટ્યુબલાઇટ, માંદો ગોળો,
ગરોળી ને ભક્ષ્યનું તારામૈત્રક
સવારે ને સાંજે.
બબ્બે કામળે દટાયા હાથ ને પગ
મરેલી કાલનું રટણ કરે છે:
ટીપુના પાળિયા પાછળ કાવેરી કાંઠે
બે ટાબરિયાં બીડી પીતાં’તાં,
મસમોટી મસીદ, નાના નમાજી,
મંદિરે રંગબેરંગી દેવ.
એક ખૂણે
વિસ્મૃત રમતના ગંજીફા ચીતરતો રઘુપતિ
ને ઐતિહાસિક મૂછનો માલિક, એકાકી વકીલ
સહેલાણીઓની વાટ જોઈ બેઠા હતા.
દરિયાદૌલતની દીવાલે
કતારબંધ સેના સાથે કદમ મિલાવતા
અંગ્રેજી કબ્રસ્તાનની ઘરડી કબરોના રહેવાસી
દુશ્મનની પલટનમાં પેસી ગયા’તા.

રટીરટી પગ હવે હૂંફાળા –
ગરોળીના ધરવના ડચકારે વમળાય છે.
હાથવગા હાથ
આંગળીએ આંખો બીડી
બારી ધકેલે છે
અને ધસમસતી કાવેરી
કાચ ફોડી ઓરડે ઊતરવા
પછડાટો નાખે છે.





કાવેરીનાં પ્રાચીન પાણીની વાસમાં
ટીપુના કિલ્લાની લીલ ઓગળી ગઈ છે.
બબ્બે કામળા, ગંજીફરાક ને ગલપટા
આખે ખોળિયે ઊન,
રજાઈ પર અસવાર આંધળી ચાકણ જેવી ટાઢ.
ઓરડે અજવાળું અંધારે બોળ્યું છે,
પીળી દીવાલ ધોળી ટ્યુબલાઇટને ગળી ગઈ છે.
પડદે ફૂલ કાળાં કેમ?
આ પંખાની ધારે કાટ, કોઈ સાફ કેમ કરતું નથી?
ટેબલ પર ચીતરવાના રંગો ભેળી ગોળીઓ ભળી ગઈ છે
ચીતરવાના વિચાર હમણાં લગી
મુઠ્ઠીમાં હતા તે ક્યાં ગયા?
શું આજની રાત
અંગ્રેજી કબ્રસ્તાનની ભૂતડી જમરૂખડી જેમ
ઝળૂંબતી રહેશે?
ને રોગીના સગા જેવી કાવેરી
બારી બહાર કલવલતી રહેશે?
પણ
વીજળીના તારે ઝૂલતું
આ કલકલિયું
લવરીએ ચડ્યું છે:
એને તો કોઈ ઉડાડો!





પહેલાં તો નદી થઈને આવી, હેમાળી:
નજર સામે
જોવાનાં ને પીવાનાં પાણી પીળાં થયાં.
પછી વડ થઈને વળગી
મૂળિયાં સોતી ઊતરી
ખોળિયાના ખૂણેખૂણે.
અચાનક રાત ઊડી ગઈ
સવાર સળગવા માંડી,
જામફળમાં જીવડા જેવી બપોર
ધતૂરી થઈ જીભે ચડી,
વાસી ઉદાસી થઈ સાંજ ઊતરી આવી
ટાઢ આખો દિવસ પાંગતે બેસી રહી
અણગમતા ગોઠિયા જેવી.
પ્હોરે પ્હોર ફાટ્યા
પછી જવા નીકળી:
જતાં જતાં રગેરગે, નખ લગી ધખી
સરકી છછૂંદર થઈ
ને મૂકી ગઈ વેઢે વેઢે સળવળાટ, કવળાટ.
હવે તો
ભૂલા પડેલા પંખી જેવી રાત કવેળા ઊઠી છે
સદ્યસ્નાતા બપોર કાવેરી પર પડખું ફરે છે
સામે, સોનમહોરના પાંદડે પાંદડે સાંજ ખખડે છે:
જાતે વાસેલાં બધાં બારણાં ખોલીને ટાઢ
મૂકી ગઈ છે તે ઉઘાડ
દુનિયામાં પહેલાં ક્યારેય નહોતો.

૧૯૯૨, શ્રીરંગપટ્ટણ
અને