અથવા અને/શું ખરેખર આપણે સમજીને વર્તતા હોઈએ છીએ?...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શું ખરેખર આપણે સમજીને વર્તતા હોઈએ છીએ?...

ગુલામમોહમ્મદ શેખ



શું ખરેખર આપણે સમજીને વર્તતા હોઈએ છીએ?
આપણે તો આંધળી સાપણની જેમ
ગરુડની પાંખમાં આશ્રય શોધીએ છીએ.
સ્વપ્નમાં આપણને કોઈ વાર જીવનની વિષમ પરિસ્થિતિનો
તાળો મળી જાય છે એટલે શું આપણે
સાપ ખાઈ ચૂકેલી કીડીઓની છિન્નતામાં
સાપનો દેહ ઘડવાની મનીષા રાખવી?
યુગોથી આપણે આમ જ સમુદ્રના પવનની જેમ
નોધારા ભટકતા રહ્યા છીએ,
કોઈક વાર આકાશમાં છીણી મારીને બાકોરાં પાડી
શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો છે.
કોઈક વાર ધૂળનાં ચર્મવસ્ત્રો લપેટ્યાં છે,
નવજાત શિશુની ચીસથી ભડકીને
ભૂતકાળના ભંડકિયામાં કશુંક શોધવાનો પ્રયત્ન પણ કર્યો છે
અને યૌવનના પ્રથમ નિ:શ્વાસથી મૂર્ચ્છિત થઈને
જન્મતા ભવિષ્યની લાલ આંખોનાં પાણી પીધાં છે.

નવેમ્બર, ૧૯૬૦
અથવા