અથવા અને/સૈનિકનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સૈનિકનું ગીત

ગુલામમોહમ્મદ શેખ



કસાઈએ મારું પેટ કાપી આંતરડે નકશા દોર્યા.
મારા મોંમાં ઘાલ્યાં ચીંથરાં,
મારા નાકમાં પૂર્યાં નાળચાં,
(મારું ધડ તો મેં આપ્યું’તું ધરતીને)
મારાં બાવડાંમાં ફૂંકી બંદૂકો,
મારા પગમાં ચાંપી જામગરી,
મને વહેતો મૂક્યો પદ્માને તીર.

મને જુઓ તો હસતાં રોકજો,
મને રોવાની દેજો આણ.
મને જિવાડશો તો હિજરાશો,
મને મારશો તો મારા પેટની જીવાત તમને ચૂંથી ખાશે.
ખોલજો હળવેથી મારી ખોપરી,
ખાજો એમાંથી ચરબીને ખોતરી,
પછી કરજો કૂલા પકડીને કિકિયારી,
પાણા ઠોકીને કાઢજો પેટનાં પાણી.

ડિસેમ્બર, ૧૯૭૧




પદ્માને તીર સળગે મારાં હાડકાં
પદ્માને તીર મેં તો તાણી મીઠી સોડ.
લાકડે સળગે મારું હૈયું,
લાકડે સળગે મારા હોઠ,
લાકડે ઓર્યાં મારાં ચામ,
લાકડે ઓર્યું મીઠું માંસ.
લાકડે લટકાવી મેં ધગધગ ઝગતી આંખડી;
લાકડે લટકાવ્યા મેં કાન.
આવજો વણઝારા ઓ વાસી
કરજો તાપણિયું આ પાર,
આવજો શિયાળિયાં-ગીધડિયાં
જમજો વધ્યું-ઘટ્યું આ સાર.
વધ્યું-ઘટ્યું તે વહેંચી લેજો લોક:
સળગ્યું તે સંતાડજો,
સળગ્યું તેની લ્હાય રાખજો જળતી.
સળગ્યું-સંઘર્યું કોઈક દિવસ તો બળશે.
કોઈક દિવસ તો ભડકા એના
કોઈક દિવસ તો ભડકા
કોઈક દિવસ તો

ડિસેમ્બર, ૧૯૭૧
અથવા