અથવા અને/‘અથવા’થી ‘અને’
ગુલામમોહમ્મદ શેખ
૧૯૬૧માં ‘ક્ષિતિજ’માં કાવ્ય-ગુચ્છો છાપતી વેળા પ્રબોધ ચોકસીએ આગામી કાવ્ય-સંગ્રહ ‘ઝાંય’ (નામકરણ એમણે જ કરેલું)ની જાહેરાત કરેલી પણ કોઈક અવઢવમાં છપાયેલા ફરમા મેં રદ કર્યા હતા. ‘અથવા’ (૧૯૭૪)ના પાઠ સુરેશ જોષીની નજર તળેથી પસાર થયા કે નહિ તે યાદ રહ્યું નથી, પણ કૃતિઓની ચકાસણી અને પસંદગી જયંત પારેખના હાથે થઈ હતી. છપાતી વેળા રેખાંકનો સૂઝ્યાં તે પાઠ ભેગાં મૂક્યાં હતાં. પચીસેક વરસ વીતતાં સંવર્ધિત આવૃત્તિ કરવાની વાતે જૂની-નવી, પ્રગટ ને અપ્રગટ કૃતિઓ અને આખા અને અધૂરા ટાંચણો ફરી જયંતને પરખાવ્યાં. ‘અથવા’ પહેલાંની બે-ત્રણ કૃતિઓને પરિશિષ્ઠમાં મૂકવાનો વિચાર પણ એ ટાણે ઉદ્ભવ્યો. કડક નજરે કાપકૂપ કરી, કાઢવા, મઠારવા અને રાખવાની કૃતિઓની નોંધ સાથે જયંતે બચેલા પાઠ પાછા વાળ્યા તે શિરીષ પંચાલે તપાસ્યા, જયદેવ શુક્લે જોયા અને છેવટે રાજેશ પંડ્યાની જુવાન નજરે તોળાઈને ‘અથવા’ અને ‘અને’ના ગુચ્છોમાં ગોઠવાયા. છેલ્લા તબક્કે રહી ગયેલું ફંફોળતા પીયૂષ ઠક્કરે ધૂળધોયાની ગરજ સારી. કૃતિઓને છાપજોગી ગણવાનો જશ એ સાથીઓને. કૃતિઓની વખતોવખત અદલબદલના અનેક તબક્કે યુયુત્સુ પંચાલે પાઠ કમ્પ્યૂટર પર ચડાવ્યા અને પછીના પાઠ નૌશિલ મહેતાએ નવાં અક્ષરાંકન વડે મઠાર્યા. છાપ-ભૂલો કમલ વોરા અને શિરીષ પંચાલની તીક્ષ્ણ નજરે પકડાઈ. પૂંઠાની વાતે અતુલ ડોડિયા, નૌશિલ, કમલ અને નીલિમા (શેખ)ના જુદા જુદા મત આખરે એક ચિત્ર પર એકઠા થયા. એને ગોઠવવામાં બી. વી. સુરેશ અને સુખદેવ રાઠોડે પરિશ્રમ કર્યો તેને નૌશિલ મહેતાએ આખરી ઓપ આપ્યો તે આ. કોઈ અજબ ઘડીએ સંવાદ પ્રકાશન અને ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્રના સહિયારા પ્રકાશનની યુતિ યોજાઈ તેથી પ્રસાદ બેવડો થયો છે.
– ગુલામમોહમ્મદ શેખ
ઑગસ્ટ ૨૦, ૨૦૧૩