અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ઊઘડતી સદીનું સાહિત્ય : દિશાસંકેત ‘કવિતા'
ડૉ. નૂતન જાની
‘ઊઘડતી સદીનું સાહિત્ય : દિશાસંકેત’ શીર્ષકમાં ઊઘડતી સદી એટલે ઈ.સ. ૨૦૦૧થી આરંભાયેલી ૨૧મી સદીનો નિર્દેશ છે. અહીં ‘ઊઘડતી’ ક્રિયાપદ અપૂર્ણ વર્તમાનકાળ સૂચવે છે. હજી જે ઊઘડી રહ્યું છે, ઊઘડવાની પ્રક્રિયા સાથે જોડાયેલું છે તેવા કશાકની વાત કરવાની છે. ૨૦મી સદીના અંતિમ બે દાયકામાં વિશ્વમાં આવેલાં પરિવર્તનો સર્જાતા સાહિત્યમાં ક્યાં ને કેવી રીતે, કેટલે અંશે દેખાય છે એ જોવાનો અહીં ઉપક્રમ છે. કળા અને સાહિત્યનો સંબંધ આદિકાળથી, જીવનના પ્રારંભબિંદુથી જિવાતા જીવન સાથે જોડાયેલો રહ્યો છે. જીવનના પાયા પર જ અનેકાનેક વિદ્યાશાખાઓ ઉદ્દભવે છે, વિકસે છે, પલટાય છે. આ ક્રમ સમયાંતરે પ્રગટેલી નવીન વિચારધારાઓ, વિદ્યાશાખા-ઓના અભ્યાસ દરમિયાન યથાવત્ ગતિશીલ રૂપે પમાય છે. ૨૧મી સદીમાં સાહિત્યનું લોકાભિમુખ હોવું અનિવાર્ય મનાય છે. પરંપરાગત સાહિત્યિક સંરચનાઓની જાળના ટેકે સાહિત્યપદાર્થની ઓળખ મેળવી, સર્જક માત્રે સ્વચેતનાએ પોતીકી સાહિત્યિક સંરચના ગૂંથવાની હોય છે. પરંપરાને એ રીતે પુષ્ટ કરવાની હોય છે. સમસામયિક નવીન વલણો નિપજાવવાનાં હોય છે. ૨૧મી સદીના આરંભકાળના કવિઓ પોતાની કાવ્યકૃતિમાં આવું વલણ નિપજાવી શક્યા છે કે કેમ? તે જોવાનો અહીં આશય છે. નજીકના સમયના સાહિત્યની તપાસ કેટલી જોખમી હોય છે તેની વાત કરતાં સુરેશ જોષી કહે છે, ‘સમકાલીનોની કવિતા વિશે લખવું (કે બોલવું) એ તો દુસ્સાહસ જ ગણાય' (ગુજ. ક.નો આસ્વાદ, પૃ. ૭) આપણે ત્યાં સમયે સમયે સર્જાતા સાહિત્યની તપાસની પ્રથા છે. આ પ્રથા સાહિત્યના કર્તાને, સાહિત્યકૃતિને, સાહિત્યના ભાવકને એક સૂક્ષ્મ ચિકિત્સક દૃષ્ટિથી જોડી સભાન બનાવે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાતા જ્ઞાનસત્રમાં સર્જાતા સાહિત્યના સરવૈયાંનો ઉપક્રમ તેમજ સાહિત્યચયનના વાર્ષિક ગ્રંથો આ પ્રથાનાં ઉત્તમ ઉદાહરણ છે. સાંપ્રત સાહિત્યિક પ્રવૃત્તિની - ગતિવિધિની સભાનતા કેળવાય એવી અપેક્ષા આ પ્રકારની પ્રવૃત્તિ પાછળનું કારણ હોય છે. સાંપ્રત સાહિત્યની તપાસ સર્જાતા સાહિત્ય માટેની સભાનતા ઉપરાંત ભાવનપ્રતિભાની કેળવણી માટે પણ ઉપકારક નીવડતી હોય છે. સમય નામક તત્ત્વનો સાહિત્ય પર બહુ મોટો પ્રભાવ હોય છે, વ્યક્તિચિત્ત પર તેમજ વ્યક્તિના વ્યક્તિત્વ પર પણ સમયનો પ્રભાવ અનુભવાતો હોય છે. સમયની અસરના સંદર્ભમાં જ સાહિત્યકૃતિનું ચોક્કસ અસ્તિત્વ અને મૂલ્ય ઘડાય છે. ૨૧મી સદી જ્ઞાન અને પ્રસ્તુતીકરણની સદી તરીકે ઓળખાવાઈ છે. ૨૦મી સદીનાં અંતિમ બે દાયકાઓ IT ક્ષેત્રની પ્રકૃતિથી ધમધમતા રહ્યા. વૈશ્વિકરણના વ્યાપ સાથે પ્રાદેશિક સીમાઓનું મહત્ત્વ ઘટતું ચાલ્યું. આવા સમયે જે રાજકીય, આર્થિક, સામાજિક પલટાઓ મનુષ્યજીવનમાં ઉદ્ભવ્યા એનો ચિતાર ગુજરાતી કવિતામાં જોવા મળ્યો ખરો? આ પ્રશ્નનો ઉત્તર ૨૧મી સદીના પ્રથમ સાત વર્ષની કવિતાના અભ્યાસમાં મેળવવાનો અહીં પ્રયાસ કર્યો છે. પ્રકાશનસંસ્થાઓની વધતી જતી સંખ્યા, સર્જાતા સાહિત્યને પ્રકાશિત કરવા માટેની વધતી જતી આર્થિક સહાયની સવલતો, સંબંધો સાચવવાની વધતી જતી વૃત્તિ- પ્રવૃત્તિ, અર્થકેન્દ્રી માનસિક વલણનો વ્યાપ, તો ક્યાંક માત્ર ને માત્ર સર્જક નિસ્બતને આધારે સર્જાતું સાહિત્ય વગેરે કારણોને લીધે આ સાત વર્ષો દરમિયાન આશરે બસોએક કાવ્યસંગ્રહો ઉપરાંત સામયિકોમાં પણ અનેકાનેક કાવ્યો પ્રકાશિત થયાં છે. કવિતાવ્યાપારનો વધતો જતો સાંખ્યિક વ્યાપ ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતાનો બીજો છેડો બની રહે છે. વિસ્તૃત કાવ્યવ્યાપારમાં પ્રવૃત્તિ સર્જકોની કાવ્યકૃતિઓ જોઈ ગયા પછી આ આરંભકાળમાં તદ્દન નિરાશ થવાયું નથી. અંગ્રેજીમાં કહ્યું છે ને કે, 'If you want to reach the level of class you have to serve the mass.’ પણ કંઈક એવું જ કરવું પડ્યું છે, જેના પરિણામે આશાસ્પદ કવિતાની કેટલીક મૂલ્યવાન મૂડી હાથ લાગી છે. કાવ્યત્વની શિસ્તની દરકાર કરનારી સર્જકકલમો પાસેથી વધુ કવિતાઓ મળવાની સંભાવના પણ જાગે છે. ભૂતકાળમાં અનુક્રમે વ્યવહારભાષાનો, પ્રયોજનલક્ષી ભાષાનો, વ્યંગ્યભાષાનો આશ્રય લેનારી કવિતાની રચના કરવા માટેનું ભાષાકૌવત પુન: મૌલિક રીતે નિપજાવવાનો પડકાર ઝીલનારાઓને કારણે અનુગામી સમયમાં એ less travel road પર ચાલનારાની સંખ્યા વધવાની સંભાવનાને પણ નકારી ન શકાય. આ સાત વર્ષોના કાવ્યવ્યાપમાં રાજેન્દ્ર શાહ, ઉશનસ્, નલિન રાવળ, રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, રાજેન્દ્ર શુક્લ, ચંદ્રકાન્ત ટોપીવાળા વગેરે સિદ્ધહસ્ત સર્જકોની કવિતા ઉપરાંત અનેક નવોદિત કવિઓની કવિતાઓ મળે છે. પરંપરાગત કાવ્યરીતિનો દ્રોહ કરનારી આધુનિક કવિતા કાવ્યરીતિની પ્રયોગશીલતા, દુર્બોધતા, અપ્રત્યાયનશીલતાને લીધે ભાવકવર્ગથી દૂર થયેલી. અનુઆધુનિક સમયની કવિતા પરંપરાનું અનુસંધાન જાળવી સમકાલીન પરિવર્તનોને કલાત્મક રીતિએ સર્જે છે ત્યારે સર્જાયેલી કવિતા કેટલી કાર્યસાધક નીવડે છે એ મહત્ત્વનું છે. ગઈ સદીના અંતિમ દાયકાનું સરવૈયું રાજેશ પંડ્યાએ પરિષદના ઉપક્રમે આપ્યું છે માટે એ સમયની કવિતાની વાતનું પુનઃકથન અહીં ટાળ્યું છે. એ સમયગાળામાં રિતલાલ અનિલનો ‘રસ્તો’ (૧૯૯૭) કાવ્યસંગ્રહ અને રઘુવીર ચૌધરીનો ‘ફૂટપાથ અને શેઢો’ (૧૯૯૭) કાવ્યસંગ્રહ મળે છે. સાહિત્યિક તત્ત્વોને આત્મસાત્ કરી, કાવ્યભાષાનો રિયાઝ આ સંગ્રહનાં કાવ્યોમાં સુપેરે પ્રગટે છે. રઘુવીર ચૌધરીના આત્મલક્ષી અનુભવો ગામ અને શહેરની સીમાના સ્પર્શે પોષાયેલા છે. એમનાં કાવ્યો વીસરાતા જતા ગ્રામજીવનની તાસીર અને પ્રસરતા જતા શહેરી જીવનની ભ્રાંતિની કવિતા છે. શહેરીજીવનને નકારી ન શકતો સર્જક ગ્રામજીવન વછૂટી ન જાય તેની પેરવીમાં પડે છે ત્યારે અતીતનો તંતુ સાંપ્રત સુધી લંબાય છે ને ફૂટપાથ અને શેઢો’ કવિતા મળે છે. કવિ કહે છે,
ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક
ખેતરમાં કામ કરીને ઉતારું છું (પૃ. ૬૯)
અભિધા-સ્તરની કાવ્યબાનીની માર્મિકતા આ પંક્તિઓમાં સચોટ રીતે પ્રગટી છે. કૃષિ સંસ્કૃતિ અને શહેરી સંસ્કૃતિ વચ્ચે વહેરાતો કવિજીવ કાવ્યાત્તે કબૂલે છે-
કૂંપળ મારા મનમાંય ફૂટતી નથી,
શેઢે વાવેલા ગોટલાને ફૂટી હોય તો હોય… (પૃ. ૬૯)
‘હોય તો હોય' પદાવલિના ‘તો’નો અવસાદ સર્જકચિત્ત પૂરતો સીમિત ન રહેતાં ભાવચિત્ત સુધી સંક્રાન્ત થાય છે ત્યારે અનુઆધુનિક સમયમાં પ્રગટેલી આબોહવાનું વરવાપણું અનુભવાય છે. ૨૧મી સદીના આરંભે ગીત, ગઝલ, અછાંદસ, દુહા, ત્રિપદી, મુક્તક, મોનો-ઇમેજ જેવાં ભિન્ન કાવ્યસ્વરૂપોની કવિતાઓ મળે છે, જેમાં કેટલીક કવિતાઓનો નાતો, પરંપરાગત કાવ્યરીતિ સાથે જોડાયેલો છે તો કેટલીક કવિતાઓમાં સર્જકપ્રતિભાનો નવોન્મેષ પણ જોવા મળે છે. અહીં પરંપરાગત કાવ્યવહેણમાં કાવ્યસર્જનપ્રવૃત્ત કવિઓની સાથોસાથ પ્રયોગશીલ, વિકાસશીલ કાવ્યવલણ પ્રગટાવનાર કવિઓની કવિતાઓની ઉદાહરણ સહિત વાત મૂકી છે. જિવાતા જીવનના પલટાયેલા સંદર્ભોને મૌલિકતાના ઓપ સાથે કલાત્મક રૂપ આપવા મથતા આ સમયના મહત્ત્વના કવિઓ છે લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, પ્રાણજીવન મહેતા, બાબુ સુથાર, ઉદયન ઠક્કર, ભરત વિંઝુડા, વિનોદ ગાંધી, હરીશ મીનાશ્રુ વગેરે. કવિતા પદાર્થ, કાવ્યભાષા, રચનાપ્રયુક્તિ, પારંપરિક વિષયની અરૂઢ રજૂઆત, વિષયનાવીન્ય જેવી બાબતો એમની કવિતામાં સમયાંતરે પરિવર્તન પામીને અભિવ્યક્ત થઈ છે. સ્થૂળ વાસ્તવની અપૂર્ણતાઓને ભાષા દ્વારા પૂર્ણ કરવાનો પ્રયાસ લા. ઘ. સતત કરતા રહે છે. સર્જનના પ્રથમ સ્તરે વૈયક્તિક સર્જકમિથ ઊભી કરનાર લા. ઠા.ની કવિતા ભાષાના ઓજારથી જ ડિ.મિથિફિકેશનના પ્રયોગ સુધી વિસ્તરી છે. ચેતન-અચેતન મનની સૃષ્ટિને ઊંડાણથી પામવાનો પ્રયાસ એમની કવિતાને મૂલ્યવાન બનાવે છે. ટેવ (૨૦૦૧), છે (૨૦૦૨), છે, પ્રતીક્ષા (૨૦૦૨), આઈ ડોન્ટ નો, સર! (૨૦૦૨), રમત? (૨૦૦૨), મેં કમિટ કર્યું છે શું? (૨૦૦૪), આવ (૨૦૦૬) એમ કુલ મળીને સાત કાવ્યસંગ્રહો આ સમયમાં તેઓ આપે છે. ભાષાના લઘુતમ તાત્ત્વિક એકમોની પ્રયોગલક્ષી પ્રસ્તુતી એમની કવિતાને આસ્વાદ્ય બનાવે છે. માનવજીવનના અંગત અને વૈશ્વિક સંઘર્ષનું નિરૂપણ અને નિરર્થક પરિણામ એમની કવિતાનો વિષય છે. વ્યક્તિચેતનાનો હ્રાસ એમની કવિતાનો મુખ્ય સૂર છે. તો સાથે જ ભારતીય સંસ્કૃતિમૂલ્યોની સિસૃક્ષા પણ એમની કવિતામાં નિહિત વ્યંજનારૂપે પમાય છે. છે’ કાવ્યસંગ્રહનાં કાવ્યોમાં ભાષાની વ્યાકરણિક ક્ષમતાનો, સમર્થતાનો કલાત્મક વિનિયોગ ધ્યાનાર્હ નીવડે છે. કવિતામાં છે’ માત્ર ક્રિયાપદ ન બની રહેતાં કર્તા અને કર્મ સુધી વિસ્તરે છે. ભાષાની લીલા દ્વારા સાંપ્રત જીવનલીલાનું બયાન એમની કવિતામાં સૌંદર્યાત્મક રીતે રજૂ થાય છે. ‘છે પ્રતીક્ષા'નાં કાવ્યોમાં અભિવ્યક્ત સાતત્યપૂર્ણ પ્રતીક્ષા અસ્તિત્વની અધૂરરપનો અહેસાસ કરાવે છે. ‘આઈ ડોન્ટ નો, સર’ની કાવ્યભાષા અને વિષય સાંકેતિક રજૂઆત પામ્યા છે. ઇગોને પોષનારા સત્તાધિકારીઓની દૃષ્ટિહીનતા માટે કવિ કહે છે,
બાળવાની ભાષા
બોલતી નથી
સાંભળતી નથી
પૂછતી નથી. (પૃ. ૮)
આધુનિક કવિતાની સમર્થતા સિદ્ધ કરનાર લા. ઠા.ની અનુઆધુનિક સમયની કવિતામાં મોન્ટા-કૉલાજની કાવ્યરીતિ વિખંડિતતાની અખંડ છબી ઊપસી આવે છે. ગુજરાતી કવિતાના વિકાસમાં લા. ઠા.નું નામ મહત્ત્વનું છે. સર્જક સંવિતની તીવ્ર ગ્રહણશીલતાથી આસપાસના જિવાતા જીવનને આત્મસાત્ કરીને કલ્પન-પ્રતીકની પ્રયુક્તિ પ્રયોજી તેઓ સબળ કાવ્યબાની નિપજાવી શક્યા છે. સામયિકોમાં પ્રકાશિત સિતાંશુ યશશ્ચંદ્રની અગ્રંથસ્થ કવિતામાં કવિની મૌલિક વિચારશીલતા, વિષય પરત્વેની વિચક્ષણતા, સર્જકધર્મ લેખે કવિની જવાબદારી, સમસામયિક પરિસ્થિતિના દર્શનનું કલાત્મક કાવ્યભાષામાં પ્રગટીકરણ થયું છે. આજનું અનુસંધાન ગઈ કાલ સાથે સાંધી ‘ગોંધીડો' ('કઈ બચડીનું પીએ દૂધ ગોંધીડો'), 'વખ્તર' જેવાં ઉત્તમ કાવ્યો તેઓ આપે છે. સ્વચેતનાપ્રવાહને પ્રયોગશીલ પ્રયુક્તિઓના આશ્રયે પ્રગટાવવાનો કવિઅભિગમ તાજગીપ્રેરક છે. કદાચ આ વર્ષ દરમિયાન સિતાંશુનાં અગ્રંથસ્થ કાવ્યો કાવ્યસંગ્રહરૂપે કવિતાના મહત્ત્વના વલણ રૂપે, કવિની સર્જકતાના મહત્ત્વના ત્રીજા કાવ્યપડાવ રૂપે ગુજરાતી કવિતાસૃષ્ટિમાં નોખી ભાત પ્રગટાવતો પ્રકાશિત થશે. સરરિયલ કાવ્યધારા, પુરાકલ્પનકેન્દ્રી કાવ્યધારા અને હવે સાંપ્રત સમસ્યાઓની સભાનતાને આધારે પ્રગટેલી સિતાંશુની પ્રતિબદ્ધ સર્જકનિસ્બત માત્ર એમની કવિતાનું જમાપાસું ન બની રહેતાં આ સમયના અનેક સર્જકો માટે પણ કાવ્યસર્જન માટેની કલાત્મક સજ્જતા દાખવનારું મહત્ત્વપૂર્ણ પાસું બની રહે છે. આ સદીના નવોદિત કવિઓ માટે સિતાંશુની કવિતા દિશાસૂચક બની રહે તેવી છે. વિષય અને રૂપ સંદર્ભે આ કવિની કવિતામાં સાંપ્રત સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યોનો સંઘર્ષ અભિવ્યક્ત થાય છે. આધુનિક અને અનુઆધુનિક ગુજરાતી કવિતાના સંદર્ભમાં સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા સાંપ્રત સમયસંદર્ભો સાથે કામ પાડે છે. સાંપ્રત મૂલ્યોના માળખાની ઇમારતમાંથી અસરને ખેરવવાની વૈયક્તિક મુદ્રા એમની કવિતામાં ઊપસે છે. આમ તો ગઈ સદીમાં મોટા ભાગનાં કાવ્યોના સર્જક રાજેન્દ્ર શુક્લની ‘ગઝલસંહિતા'ના ગ્રંથો આ સદીના આરંભે મળે છે. રણજિતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત આ વર્ષનું સાહિત્ય અકાદમી (દિલ્હી)નું દેશનું બહુમૂલ્ય ઇનામ એમના આ ગ્રંથસંપુટને પ્રાપ્ત થાય છે. ગઝલને અભિવ્યક્તિ સંદર્ભે નવી મુદ્રા અર્પનારા અને ભાવવિશ્વ સંદર્ભે આગવી વિષયસામગ્રી અર્પનારા કવિ તરીકે એમનું મહત્ત્વ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં રહેવાનું.
પ્રબળ સંકલ્પની ક્ષણ મોકલું છું
ઊઘડતા મૌનનો કણ મોકલું છું
ગઝલની પ્રભાતી અને ગઝલનો ઉઘાડ ખરા અર્થમાં તેમનાથી થાય છે. ગુજરાતી ગઝલના શુક્રતારક સમા અમૃત ઘાયલ, બેફામ, આદિલની ગઝલોને અતિક્રમીને તેઓ ભારે મોટો તેજલિસોટો આંકી શક્યા છે. એમની ગઝલોની કાવ્યબાની ગુજરાતી ગઝલને જ નહીં સમગ્ર ગઝલસ્વરૂપને આગવો વળોટ અર્પે છે. ૨૦મી સદીના ભૌતિકવાદી, ઉપભોગપરસ્ત જનસમુદાયની વચ્ચે તેમણે ગાયું કે,
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક
તળેટી સમીપે હજો ક્યાંક થાનક
સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે
તિલક કોઈ આવીને કરશે અચાનક
અચાનક ૨૧મી સદીમાં એમના દેદીપ્યમાન ભાલ ઉપર પૂજ્ય મોરારિબાપુએ અને સાહિત્ય અકાદમીએ તિલક કર્યું છે. ગઝલક્ષેત્રે એમના પ્રદાનની વિગતે વાત તો એક મોનોગ્રાફ રૂપે જ કરવા ધારી છે. ગુજરાતી ગીતકવિતાનું પ્રફુલ્લિત વહેણ કંડારનાર સ્વ. કવિશ્રી રમેશ પારેખનો ‘સ્વગતપર્વ' (૨૦૦૨) કાવ્યસંગ્રહ મળે છે. સતત વિકસતી ચેતનાનો સર્જકસ્પર્શ આ સંગ્રહની કવિતામાં પણ વર્તાય છે. અમેરિકા સ્થિત કવિ બાબુ સુથારનો કાવ્યસંગ્રહ ‘સાપફેરા' (૨૦૦૪) અને પ્રાણજીવન મહેતાકૃત 'પ્રા. પ્રત્યક્ષ' (૨૦૦૭) સંગ્રહનાં કાવ્યો અનુઆધુનિક ગુજરાતી કવિતાની રચનારીતિની સભાનતા દાખવે છે. સ્વવ્યક્તિતા ગુમાવી ચૂકેલા લક્ષ્યહીન મનુષ્યની નિયતિની એકલતા, સભરતાનો અભાવ આ કવિઓની કવિતામાં પ્રગટે છે. બાબુ સુથારની કવિતામાં વિષયનાવીન્ય, વિલક્ષણ રચનારીતિ, લઘુશાબ્દિક એકમોથી રચાતી સળંગ કાવ્યપદાવલિ કવિની કલાત્મક મૌલિકતા દર્શાવનારી બની રહે છે. જાગ્રત ચિત્તની પારના સુપ્ત ચિત્તપ્રદેશોની વિચારોર્મિઓનો અનુભવ એમની સંકુલ કાવ્યબાનીમાં વ્યક્ત થયો છે. અનુઆધુનિક સમાજમાં પ્રવર્તેલી પાશ્ચાત્ય સાહિત્યિક વિચારધારાઓનો ઊંડો અભ્યાસ એમની કાવ્યરીતિને ઘડે છે, પૂરક નીવડે છે અને સર્જકના પ્રયોગશીલ માનસની સાખ પૂરે છે. એ લખવા બેઠો છે એક કવિતામાં કવિતાની નિષ્ફળ શોધ સાથે સર્જકપ્રતિભાની નિષ્ફળતાને કવિ કાગળ, લીલા અને સફરજનના કલ્પન સાયુજ્યથી આલેખે છે. તેઓ કહે છે,
એ લખવા બેઠો છે એક કવિતા
ટેબલ પર પડેલા સફરજન વિશે
પણ માંડ એક લીટી લખે
કે
લીટીમાંથી
બહાર દડી પડે
સફરજન. (પૃ. ૭૦)
આજે પુષ્કળ પ્રમાણમાં લખાતી કવિતામાં ખરીનરી કવિતાની શોધ દુષ્કર બની છે. ગુમાઈ ચૂકેલી કવિતા, ગુમાતી જતી સર્જકતાનો અવસાદમય સ્પંદ અહીં વિષાદની પ્રતીતિ કરાવે છે. કાવ્યાત્તે કવિ કહે છે.
આ વખત કાગળ પરની સફેદાઈ
અકબંધ રહી
પણ
હાથ તૂટી ગયો
કદાચ કરચ થઈ
કરચ થઈ ગયેલ પ્રતિભાનું અંગ પુનઃ સંધિત કરવાનો પ્રયાસ આ કવિની કલમમાં જોવા મળે છે. પ્રાણજીવન મહેતાનાં કાવ્યોમાં સ્વથી સર્વની અનુભૂતિનો વ્યાપ સંકુલ બાનીમાં આલેખાયો છે. પરપોટા જેવા અસ્તિત્વની આસપાસ રચાયેલાં જીવનવલયની ભંગુરતા અને પરમ સત્યની શાશ્વતી દર્શાવવા તેઓ વિષયના કેન્દ્રવર્તી મર્મને નિશાન બનાવે છે. કવિશ્રી ઉદયન ઠક્કરે પ્રથમ કાવ્યસંગ્રહ 'એકાવન’ (૧૯૮૭)થી જ ગુજરાતી કવિતાના ભાવકનું સવિશેષ ધ્યાનકેન્દ્રિત કર્યું છે. ‘સેલ્લારા’ (૨૦૦૩) એમનો બીજો કાવ્યસંગ્રહ. જેમાં અછાંદસ, મુક્ત પદ્ય, ગઝલ, ત્રિપદી, મુક્તક, નઝમ, ગીત, દુહા, છંદોબદ્ધ કૃતિ (‘ગરુડપુરાણ') એમ વિવિધ સ્વરૂપનાં કુલ ૫૧ કાવ્યો ગ્રંથસ્થ થયાં છે. સ્વરૂપ વૈવિધ્ય ઉપરાંત વિષયવૈવિધ્ય સંદર્ભે આ કાવ્યસંગ્રહનાં કાવ્યો જુદાં પડી આવે છે. ‘પ્રયોગ’, 'સેલ્લારા’, ‘કેલિફોર્નિયા ફાઉન્ટેન’, ‘ગરુડપુરાણ' કાવ્યો સંવાદાભિવ્યક્તિને લીધે તેમજ સાંપ્રત જીવનસંઘર્ષના વિષય બાબતે જુદાં પડે છે. સ્વરૂપગત પ્રયોગશીલતા અને સભાન સર્જકશીલતાનો સમન્વય ઉદયનની કવિતાની વિશેષતા છે. પરંપરાપ્રાપ્ત શબ્દોના તેજને સાંપ્રતના અર્થસાહચર્યથી અજવાળવાની આવડત આ કવિ પાસે છે. એમની કવિતા આપણા સાંપ્રત સમયની કવિતા છે. મનુષ્યની મૂળભૂત સંવેદના સાથે સાંપ્રત સમયનો સંઘર્ષ જે કટોકટી નિર્મે છે એ કટોકટીનું રસકીય નિરૂપણ એમની કવિતાને નોંધપાત્ર બનાવે છે. ‘ધ માસ્ટર્સ ટચ' કવિતામાં સવારનું નવીન ભાષાપ્રયુક્તિએ થયેલું પ્રાગટ્ય જુઓ,
સવાર
કેવું કરી ગઈ શૃંગ ઉપર ઊજળું અનુસ્વાર..
હાંસિયા મૂકવા
વસ્તીની પાસે વનોએ,
વૃક્ષ પર પંખી વિરામો અલ્પ લેવાને રૂક્યાં,
લખીએ કશું?
ઊંચે ઝૂલતાં બે સુનેરી અવતરણચહ્નોની વચ્ચે કેટલો અવકાશ? (પૃ. ૪૧)
‘પૃથ્વીને આ છેડે'નાં (૨૦૦૧) રાજેશ પંડ્યાનાં કાવ્યો ભાષાવિનિયોગની કલાત્મક ક્ષમતા દર્શાવે છે. સ્વ.અનુભૂતિનો સમષ્ટિ સુધીનો વિસ્તાર કાવ્યબાનીના લાઘવમાં વિષાદનો લય પ્રગટાવે છે. કલ્પનપ્રયુક્તિ બળે કાવ્યમર્મને તીવ્ર રીતે પ્રગટાવવાની શક્તિ આ વિ. પાસે છે. ભરત વિંઝુડા આ સમયના સભાન ગઝલકાર છે. સરળ શબ્દાવલિમાં સચોટ મર્મ દ્વારા સંકુલ ભાવિવશ્વનું વહન એમને સિદ્ધ હસ્તગત છે. ‘પ્રેમપત્રોની વાત પૂરી થઈ’ (૨૦૦૭)ની ગઝલ ‘ગમતું નથી’નો મત્લાનો શેર જુઓ,
કોઈ પળમાં જીવન પ્રગટતું નથી.
શબ સમયનું પડ્યું છે. બગડતું નથી. (પૃ. ૭૭)
અવિરત પ્રવાહિત સમયતત્ત્વની ચૈતન્યહીનતા પરનો પ્રહાર મૂલ્યવિનાશની એંધાણી આપે છે. એકધારા સમયપ્રવાહની નિર્જીવતામાં જીવનનું કઢંગાપણું, સંવેદનશૂન્ય અવસાદની સોંસરવી અભિવ્યક્તિ અહીં થઈ છે. ગઝલ સ્વરૂપની સમજ સાથે ગઝલ સર્જનમાં પ્રવૃત્ત એવા આ સર્જક છે. આ ઊઘડતી સદી દરમિયાન ગીત અને ગઝલ કાવ્યસ્વરૂપનું ખેડાણ વિપુલ પ્રમાણમાં થયું છે. ‘તાજા કલમમાં એ જ કે…’ (૨૦૦૧) મુકુલ ચોકસીનો ગઝલસંગ્રહ, નીવડેલા ગઝલકાર હર્ષદ ચંદારાણાનો ‘હાથની હોડી' (૨૦૦૨) સંગ્રહ, અશોકપુરી ગોસ્વામીની ગઝલોનો સંગ્રહ ‘કલિંગ’ (૨૦૦૫), રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો છોડીને આવ તું’ (૨૦૦૫) ગઝલસંગ્રહ ઉપરાંત અનેક ગઝલસંગ્રહો મળે છે. મૌન બલોલીનો ગઝલસંગ્રહ ‘સમયવચાળે હું’ (૨૦૦૭) ઉપરાંત અશ્વિન ચંદારાણા, મીનાક્ષી ચંદારાણા, હરિદ્વાર ગોસ્વામી વગેરે કલમો ગઝલક્ષેત્રે આશા જગવે છે. લાલજી કાનપરિયા પછી આ સમયના મહત્ત્વના ગીતકવિ તરીકે જેમનું નામ લઈ શકાય તે વિનોદ ગાંધી, ‘ઝાકળના દરિયા (૨૦૦૬) એમનો ગીતસંગ્રહ. ગીત સ્વરૂપની પાકી સમજ, વિષય નાવીન્ય, પ્રલંબ લય અને અર્થસભર પ્રાસ સાથે કામ પાડવાની ફાવટ, શબ્દોની સહજ લયાન્વિત ગતિ એમનાં ગીતોને આસ્વાદ્ય બનાવે છે. જડચેતનમાં ફરું’ ગીત જુઓ,
હું જડચેતનમાં ફરું
મારામાંથી બહાર નીકળી, મારામાં સંચરું
હું જડચેતનમાં ફરું
નાડી, વાડી, ઝાડ, પહાડ કે,
ઝરણ, રેત કે રાખ,
કરમાયેલી લિંબોળી કે
પાકી ગયેલી સાખ,
પથ્થરમાં પ્રગટું એ પહેલાં પરપોટામાં મરું
હું જડચેતનમાં ફરું (પૃ. ૨૪)
સહજ શબ્દના આવિર્ભાવ પ્રગટતો અર્થલય, નાદલય ગીતના ભાવની ગતિને સરળ બનાવે છે. વિસ્મયની અપાર સૃષ્ટિને ગીત રૂપે મૂકી આપવાની આ ગીતકાર પાસે અમાપ શક્તિ છે. ૨૦મી સદીના અંતિમ દાયકામાં ‘તાંદુલ’, ‘તાંબુલ’, ‘પર્જન્યસુક્ત’, ‘સુનો ભાઈ સાધો' એમ ચાર કાવ્યસંગ્રહો લઈને સ્વઅવાજનું અનોખાપણું ગુજરાતી કવિતામાં સ્થાપનાર હરીશ મીનાશ્રુ ઈ.સ.૨૦૦૪માં ‘પદપ્રાંજલિ’ સંગ્રહ લઈને આવે છે. ગીત અને ગઝલનું ભાવિવશ્વ મધ્યકાલીન ભારતીય કાવ્યભાવ સાથે જોડીને તેઓ અનુઆધુનિક સમયનાં કૃતક મૂલ્યોને વ્યક્ત કરે છે. મધ્યકાલીન કવિઓની કાવ્યપંક્તિના સંદર્ભોનું પુનરાવર્તન ભક્તિકવિતાની પૂર્ણ આત્મપ્રતીતિ દર્શાવે છે. પ્રેમલક્ષણાભક્તિ અને ઇસ્લામકથિત સૂફી ભક્તિ પરંપરાનો પ્રભાવ ઝીલીને તેમણે સ્વસર્જનસિસૃક્ષાને પોષી છે. ‘પદપ્રાંજલિ'ની કવિતામાં કબીરવાણીનો પ્રભાવ સાંપ્રત સમાજજીવનની અનીતિ, ભેદભાવ, ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવામાં સહાયક બને છે. ઉક્તિ દ્વારા બદલાયેલા સમાજ પરિવેશને તેઓ રજૂ કરતાં કહે છે.
સાધો, લખ હૂંડી પર હૂંડી
નહીં સીકરે તો ભોગ હિરના, ગાળ ભાંડ્શું ભૂંડી
જનમબહાવરી વીસરી છે
વરવાને વર વણજાયો.
એ આવે તો ઠીક, નહીંતર
પરણીશું પડછાયો (પૃ. ૧૩)
મધ્યકાલીન પદપરંપરાના સ્વરૂપનો નવીન આવિષ્કાર, પરભાષી શબ્દપ્રયોગો, લયનો સહજ રણકો હરીશ મીનાશ્રુની મૌલિકતા દાખવે છે. આધ્યાત્મિકતાનો આધુનિક આવિષ્કાર એમની કવિતાની લાક્ષણિકતા છે. અતીતરાગના સંવેદનવિશ્વનો તંતુ વર્તમાન સુધી લાવી સાચવી રાખનાર કવિ મણિલાલ હ. પટેલ ‘વિચ્છેદ' (૨૦૦૫) કાવ્યસંગ્રહ આપે છે. સાંપ્રત સમયની વિભીષિકા અને અતીતનો વૈભવ ઉભય સમયસંદર્ભોનું તાજગીપ્રદ વિશ્વ એમની કવિતામાં પ્રગટે છે. અતીતનો અભાવ એમની કવિતામાં કોઈ ખટકા રૂપે નહીં પરંતુ અતીતની ભવ્ય ગિરમા રૂપે આલેખાયો છે એ મહત્ત્વનું છે. ‘એક ખાલી નાવ’, 'રહી છે વાત અધૂરી’ પછી હર્ષદ ત્રિવેદી તારો અવાજ' (૨૦૦૩) કાવ્યસંગ્રહ આપે છે. ૨૧ કવિતાઓનો આ લઘુ કાવ્યસંગ્રહ અછાંદસના લયનો જાદુ પ્રગટાવે છે. વિસંવાદી વાતાવરણને સંવાદપૂર્ણ બનાવવાનું કામણ પ્રેમ નામક તત્વ પાસે છે એ આ વિ જાણે છે. જીવનની બધી વ્યથાનો અંત પ્રેમની સભર અનુભૂતિમાં થાય છે. સુખ અને સભરતાનું આ રહસ્ય સરળ-સહજ બાનીમાં તેમણે આલેખ્યું છે. જીવનની અપૂર્ણતા, અભાવોને હડસેલતી સાહજિક પ્રેમાનુભૂતિ મુશ્કેલીઓને સરળ બનાવે છે. જીવનસૌંદર્યનો કલાત્મક વિનિયોગ ‘તારો અવાજ’નાં કાવ્યોમાં થયો છે. તને તો….' કવિતાનો પ્રારંભ જુઓ,
તને તો એમ
કે વાયરો આવશે ને ઊડી જશે
આપણાં પગલાં
પણ, આપણે ચાલ્યાં હતાં એ રેત
મરુભૂમિની નહોતી,
સમુદ્રકિનારાની હતી;
જ્યાં પગ ઊપડે કે તરત
તગતગી ઊઠે છે પાણી! (પૃ. ૨૧)
તગતગતાં પાણીનું દૃશ્યકલ્પન જીવનચેતનાનો વિકાસ દાખવે છે. ભૂતકાલીન સ્મરણો વિરહના સમયને સભર કરે છે. સ્વાર્થ અને દંભની ભરમાર વચ્ચે શ્રદ્ધાનો આગવો અવાજ લઈ આવવાની હામ આ કવિની કવિતામાં વર્તાય છે. નીરવ પટેલ ‘બહિષ્કૃત ફૂલો’ (૨૦૦૫) દલિત કાવ્યોનો મહત્ત્વપૂર્ણ સંગ્રહ આપે છે. અસ્પૃશ્ય જનસમાજે ભૌગવેલ બહિષ્કૃતતાની વ્યથાની બળકટ અનુભૂતિ સચોટ ને વિચક્ષણ રીતે એમનાં કાવ્યોમાં પ્રગટી છે. ‘દલિત’ નામક ઓળખપટ્ટીની નિયતિને લીધે અભાવગ્રસ્ત જીવવા ટેવાયેલ દલિત મનની વાણી એમનાં કાવ્યોમાં મૂર્ત રૂપે વ્યક્ત થાય છે. કવિ કહે છે,
ક્યા શેતાન શિલ્પીએ જન્મતાંવેંત જ
ત્રોફી દીધું છે મારું નામ મારા કપાળે?
મારી રક્તવાહિનીઓમાં ચાકું ઝબોળી ઝબોળી
ઝાડના થડની છાલમાં કોતરતા હો એમ
તમે શીદ મારી સંજ્ઞા કોર્યા કરો છો? (પૃ. ૧)
દલિત સમાજના માનવચિત્તની વેદના આકારતો પ્રશ્ન ભદ્ર સમાજના દંભ પર આકરો પ્રહાર કરે છે. આ વૈશ્વિક સદીના ઉંબરે ભારતીય ધર્મ અને અધ્યાત્મની પીઠિકાને વ્યક્ત કરતાં કાવ્યો મુકુન્દ પરીખ આપે છે. ભીતરની ભીતરની ભીતર (૨૦૦૨) અને ‘મન ચીતરીએ' (૨૦૦૪) બે કાવ્યસંગ્રહ એમની પાસેથી મળે છે. ભીતરની કેટલીય ભીતરનાં સ્તરોનો કણસાટ સનાતન અજવાસને ઝંખે છે. રાબેતા મુજબ ઊગનારો સૂર્ય રાબેતા મુજબ અસ્ત પામી જાય છે. સ્થૂળ જીવનનું વાસ્તવ અને ચિત્તનું સંકુલ વાસ્તવ - બે વચ્ચેનો, જાત સાથેનો સંઘર્ષ એમનાં કાવ્યોમાં કોઈ અપ્રતિમ શાંતિક્ષણની શોધ રૂપે પમાય છે. હર્ષ બ્રહ્મભટ્ટ ‘અંદર દીવાદાંડી’ (૨૦૦૨)માં પ્રવૃત્તિગ્રસ્ત સ્થૂળ જીવનથી દૂર એવા પોતાના અંગત એવા તદ્દન અલાયદા ભીતરની સંવેદનનાં કાવ્યો લઈ આવે છે. જગતથી પાછા વળી જાત સાથે જોડાવાનો પ્રયાસ એમની કવિતામાં જોવા મળે છે. પરંપરાગત કાવ્યબાનીમાં ભાવને ચોટપૂર્ણ અભિવ્યક્તિ આપવામાં તેઓ સફળ નીવડ્યા છે. 'અશ્વત્થનાં પર્ણ' (૨૦૦૪) શંભુપ્રસાદ જોશીનાં કાવ્યોમાં પણ પરંપરાનું અનુસંધાન અને સૌંદર્યલક્ષી કાવ્યધારા પુનઃ અવતિરત થતી જણાય છે. સમસામયિક આબોહવાથી અલિપ્ત આ કવિનાં કાવ્યો પર પ્રિયકાન્ત મણિયારની કાવ્યબાની, તેમજ કાવ્યભાવનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. હરિશ્ચંદ્ર જોશીનાં કાવ્યો ભિન્ન ષડ્જ' (૨૦૦૭)માં પણ સૌંદર્યલક્ષી કાવ્યધારા ઉપરાંત અધ્યાત્મભાવની ભારતીય કાવ્યધારાનું અનુસંધાન જોવા મળે છે. કવિ શ્રી સંજુવાળાના 'રાગાધીનમ’ (૨૦૦૭) સંગ્રહનાં કાવ્યોમાં કાવ્યપદાર્થ અને પદાવલિના જાણકાર કવિની સર્જકમુદ્રા ઊપસે છે. આવનારા સમયનો એ મહત્ત્વનો સંગ્રહ બની રહેશે. દાદીમા પાસેથી મળેલો નિજાર સંપ્રદાયનો અને પિતા પાસેથી મળેલો ભજનવારસો એમના લોહીમાં અધ્યાત્મનો રંગ ઘૂંટે છે. જીવન પ્રત્યેનો વિધાયક અભિગમ એમનાં કાવ્યોની વિશેષતા છે. પ્રકૃતિમાં સમસંવેદનની આત્મપ્રતીતિ શબ્દમાં તેઓ આ રીતે રજૂ કરે છે.
મરમ જાણવા મરમી બેઠા, ધરી વૃક્ષનું ધ્યાન (પૃ. ૧૭)
બાનીમાં અનાસક્તિની મુદ્રા અને શબ્દલયની સમતુલા એમની કવિતાને કલાત્મક બનાવે છે. ઊજમશી પરમાર ‘ઘટમાં ઝાલર બાજે' (૨૦૦૭) ગીતસંગ્રહ આપે છે, ધ્રુવપંક્તિનું ચુંબકત્વ, સરળ સાહજિક બાનીમાં ભાવનું વહન ગીતસ્વરૂપ પાસે અપેક્ષિત છે. સાંપ્રત ગુજરાતી ગીતકવિતામાં લાલજી કાનપરિયાનું નામ મહત્ત્વનું છે. એમનાં ગીતોમાં કાવ્ય સિદ્ધ થાય છે. ગીતને આકારવામાં કાવ્ય એમના હાથમાંથી સરી જતું નથી. ગીતના ઉપલકિયા રૂપથી મોહિત થઈ તેઓ કાવ્યત્વને જોખમમાં મૂકતા નથી. ‘શમણાંનાં ચિતરામણ' (૨૦૦૫), 'હરિના હસ્તાક્ષર' (૨૦૦૬), 'સૂર્ય-ચન્દ્રની સાખે’ (૨૦૦૭) ત્રણ નવા ગીતસંગ્રહ તેઓ આપે છે. ઊર્મિચિત્ર અંકિત કરવાનો કસબ એમની કેળવાયેલી કલમમાં છે. આડેધડ લખાતાં ગીતોથી ચિંતિત તેમનો સ્વર જુઓ,
લાગે ભડાકા ભારી, શબદના લાગે ભડાકા ભારી
ના મારી, ના તારી ભાષા સૌની થૈ સહિયારી
કાગળના ખેતરમાં ઊગે શબ્દ ઝંખરા ઝાઝાં
અરથની મોલાત સુકાણી, રોગે મૂકી માઝા. (પૃ. ૧૨૧)
ભાનુપ્રસાદ પંડ્યા અલ્પ લખનારા કવિઓમાંના એક છે. 'અડોઅડ' અને ‘ઓતપ્રોત’ પછી ‘ક્ષણ સમીપે ક્ષણ દૂર’ (૨૦૦૩)માં તેઓ ઉત્તમ ગીતો લઈને આવે છે. દૂર-નિકટની લીલાનો પાર પામી અસ્તિત્વના સ્વીકારની કવિતા લખતા આ કવિની કવિતામાં વ્યથાની નહીં પરિતોષની પ્રસન્નતા જોવા મળે છે. સ્વ. કવિશ્રી જગદીશ વ્યાસનો ‘સૂરજનું સત્’ (૨૦૦૭) કવિતા સ્વ. કવિ રાવજી પટેલની કવિતાના બરની બની રહી છે. અંગત સંવેદનસૃષ્ટિનું કલાત્મક અવતરણ એમની કવિતાની વિશેષતા છે. ૨૦મી સદીના અંતિમ ચરણમાં મોનોઇમેજ કાવ્યસ્વરૂપ વિકસે છે, કલ્પવૃક્ષની લેખણ લઈએ. (૨૦૦૬)માં હર્ષદેવ માધવ મોનો-ઈમેજ કાવ્યો આપે છે. કાવ્ય સમસ્તમાં એક કલ્પનનું સચોટ પ્રભુત્વ જાળવી કાવ્યના સૌંદર્યને રજૂ કરવાની કળા એમની પાસે છે. આ સદી પૂર્વેથી કવિતાસર્જનમાં પ્રવૃત્ત અનેક કવિઓની લીલા આ સમયમાં મળે છે. જેમાં કવિશ્રી ઉશનસ્, રાજેન્દ્ર શાહ, નલિન રાવળ, સુરેશ દલાલ, ચિનુ મોદી, સતીશ ડણાક વગેરે કવિઓનાં નામ લઈ શકાય. આ કવિઓની કવિતામાં પરવર્તિત સમય કેટલેક અંશે પ્રગટે છે. રાજેન્દ્ર શાહના ‘હા, હું સાક્ષી છું’માં સમસામયિક પરિસ્થિતિ ઊપસી છે. રાધેશ્યામ શર્માની કવિતા ‘આકાશની ઉડ્ડયનલિપિ' (૨૦૦૬) સમસામયિક કાવ્યસર્જન પ્રવૃત્તિ સંદર્ભે મહત્ત્વની છે. એ ઉપરાંત પ્રવીણ દરજી ‘ઈઓ’ (૨૦૦૫) અને ‘ગ્રીનબેલ્ટ' (૨૦૦) બે કાવ્યસંગ્રહો લઈને આવે છે. પ્રથમ સંગ્રહમાં ગ્રીક પુરાકથાના પાત્રના અનુષંગે તેઓ સમયના સત્યની શોધ આદરે છે. ગ્રીન બેલ્ટ’નાં કાવ્યો અંગત અનુભૂતિની નીપજ છે. મૃત્યુક્ષણની અનુભૂતિ, મૃત્યુની અફરતા અને જીવનની ભંગુરતાનું ભાન આ કાવ્યોને ભારતીય તત્ત્વચિંતન સાથે જોડે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે' (૨૦૦૬)માં પ્રગટ થાય છે. રાજકારણ સાથે સંકળાયેલી વ્યક્તિની આંતરપ્રતિમા અને જીવન પ્રત્યેનો વિધાયક અભિગમ એમનાં કાવ્યોની મહત્ત્વની લાક્ષણિકતા છે. ડાયસ્પોરા સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત સર્જકોની કવિતા પણ આ સમયની ગુજરાતી કવિતાનું અગત્યનું સોપાન છે. બાબુ સુથાર, ચંદ્રકાન્ત શાહ, અશરફ ડબાવાલા, પ્રીતમ લખલાણી, દીપક બારડોલીકર, કવિશ્રી ડાહ્યાભાઈ પટેલ, અદમ ટંકારવી, પંકજ વોરા, મધુમતી મહેતા, પન્ના નાયક વગેરે કાવ્યત્વની માવજત કરનારા ડાયસ્પોરા કવિઓ છે. ‘કપડવંજના વતની ભરત ત્રિવેદી અમેરિકાસ્થિત (સ્પ્રિંગફિલ્ડ) ગુજરાતીભાષી કવિ છે. ગઝલ, અછાંદસ અને મુક્તક સ્વરૂપમાં વતન, વિદેશ અને કવિતા વિશે તેઓ લખે છે! ડાયસ્પોરા કવિઓની કવિતામાં મહશે વતનઝુરાપો આલેખાતો હોય છે. પરભૂમિની ભાષાના સંપર્કે પરિવર્તિત સ્વરૂપની ગુજરાતી કાવ્યબાનીનો આલેખ પણ આ કાવ્યોમાં સાંપડે છે. આ સાત વર્ષો દરમિયાન સ્ત્રીસર્જકો દ્વારા લખાયેલાં કાવ્યો પણ પ્રકાશિત થાય છે. ૨૦મી સદીના અંતિમ દાયકામાં ચન્દા રાવળ ‘જ્યોત'ના 'ટહુકો’ (૧૯૯૩), ‘ભરાવ’ (૧૯૯૪), ‘આલોક’ (૧૯૯૭), ‘ઉલ્લાસ' (૧૯૯૭) કાવ્યસંગ્રહો મળે છે. ગીત સ્વરૂપની માવજત એમની કલમનો વિશેષ છે. જીવન પ્રત્યેનો આશાવાદી અભિગમ એમની કવિતાને પ્રસન્નકર બનાવે છે. 'અનહદ અપાર વરસે’ (૧૯૯૯) નયના જાનીનો કાવ્યસંગ્રહ ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસ્વરૂપમાં કાવ્યત્વનો સહજ વિનિયોગ એમની કવિતામાં જોવા મળે છે. દક્ષા વ્યાસનો કાવ્યસંગ્રહ 'અલ્પના' (૨૦૦૦)માં પ્રકાશિત થાય છે. વ્યથાની તીવ્ર સંવેદનાથી ઘૂંટાયેલો કરુણ એમની કલાત્મક કાવ્યભાષાની નીપજ બની રહે છે. ૨૧મી સદીના આરંભિક વર્ષ ૨૦૦૧માં સભાનપણે કવિતાકલાની સાધના કરનાર કવયિત્રી મનીષા જોષીનો ‘કંસારા બજાર' કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે. એક વિશિષ્ટ, રહસ્યાત્મક ભૂમિની ગંધ, કેળવાયેલી ભાષા, જીવનમાં વ્યાપી વળેલી તીવ્ર એકલતા અને એ એકલતા પૂર્વેની કૃતક સભરતાનો ખખડાટ, સ્ત્રીજીવન સાથે સંકળાયેલ વાસણ સૃષ્ટિના કલ્પન-પ્રતીકના પ્રયોજન દ્વારા મનીષાની કવિતામાં પ્રગટે છે. એની કવિતા એક અપરિચિત આબોહવાનું નિર્માણ કરે છે. અને તદ્દન પરિચિત એવી સ્ત્રીહૃદયની વ્યથાઝરણનું વહન કરે છે. સ્વસંવેદનની તીવ્રતમ, કલાત્મક અભિવ્યક્તિ મનીષાની કવિતાને અનોખી બનાવે છે. ઉષા ઉપાધ્યાય ‘અરુંધતીનો તારો’ (૨૦૦૬) લઘુકાવ્યસંગ્રહ આપે છે. નારીવાદી કવિતા, સાંપ્રત સમસ્યા નિરૂપણની કવિતા ઉપરાંત સૌંદર્યલક્ષી કાવ્યધારાનું અનુસંધાન એમની કવિતામાં જોવા મળે છે. કાવ્યભાષાના વિશિષ્ટ વિનિયોગે ધાર્યો અર્થ ઉઘાડી આપવાની શક્તિ આ સ્ત્રીસર્જકની કલમમાં જોવા મળે છે. સરળ બાનીમાં માર્મિક રજૂઆત એમની કવિતાના આકારને ઘડે છે. ઉર્વશી પંડ્યાનો ‘મારા વંશની સ્ત્રીઓ’ (૨૦૦૭) કાવ્યસંગ્રહ ભારતીય પરિપ્રેક્ષ્યમાં પ્રવર્તતા નારીવાદનો સૂર પ્રગટાવે છે. સ્ત્રી તરીકે જીવાયેલી, જીવવી પડેલી અંગત પીડાનો આ કાવ્યો દસ્તાવેજ છે. કોઈ પણ કૃતિ એના સંદર્ભથી અલગ કરીને જોવાય તો કૃતિને અન્યાય થાય. ઉર્વશીનાં કાવ્યોને એમાં પ્રયોજિત સંદર્ભો સાથે વાંચીએ છીએ ત્યારે ભારતીય સમાજમાં સ્ત્રીઓના ફાળે આવેલાં કાર્યોની, જવાબદારીઓની, સ્વત્વના અભાવની જાણ થાય છે, પશ્ચિમના દેશમાંથી આપણે ત્યાં આવેલો નારીવાદ ઉર્વશીની કવિતામાં સ્વભૂમિની સુગંધ રેલાવે છે. સ્ત્રીની સંવેદનશીલતા પર થતા પ્રહારોની પીડા, સ્ત્રીતત્ત્વની ગરિમા જાળવવાનાં મૂલ્યોનો મળેલો આનુવંશિક વારસો ઉર્વશીની કવિતાને મહત્ત્વની બનાવે છે. વૈશ્વિક સમયમાં પરિવર્તિત સ્ત્રીની છબી એનાં કાવ્યોમાં પ્રાપ્ત થતી નથી એ પણ એટલું જ મહત્ત્વનું છે. અનુઆધુનિક સમયમાં દુર્બોધતાનું સ્થાન કવિતામાંથી સરી રહ્યું છે ત્યારે મારા વંશની સ્ત્રીઓ'ની દુર્બોધ કાવ્યબાની, રચનારીતિ કવિતાની પ્રત્યાયન શક્તિની મર્યાદા બને છે. સંસ્કૃતિરાણી દેસાઈનાં કાવ્યો પણ આ સમયમાં પ્રગટ થયાં છે. સબળ સર્જક કલમની એની કવિતા રચનારીતિ અને વિષય સંદર્ભે મહત્ત્વની છે. આ સમય દરમિયાન સુશીલા ઝવેરી, દિવ્યાક્ષી શુક્લ, સંઘ્યા ભટ્ટ, કીર્તિદા બ્રહ્મભટ્ટ, હાસ્યદા પંડ્યા વગેરેનાં સરેરાશ કાવ્યો પણ મળે છે. વિશ્વની એક પ્રતિષ્ઠિત નારીચેતના તસલીમા નસરીન સર્જકસ્થાન શોધી રહી છે ત્યારે એની વેદનાને કોઈએ વાચા આપી નથી. ગોધરા અને અનુગોધરા કાંડ પણ પણ ક્યાંય વિષય તરીકે નિરૂપાયો નથી. આતંકવાદીઓથી ભયગ્રસ્ત પ્રજાજૂથની અવસ્થાને, મનોવેદનાને પણ ક્યાંય સ્થાન મળ્યું નથી. ભૌતિકવાદી વલણો, વિદેશી સભ્યતાનો પ્રભાવ અને પલટાયેલી જીવનરીતિને પણ બહુ ઓછો અવકાશ પ્રાપ્ત થયો છે. ઊઘડતી સદીની આ કાવ્યયાત્રાનો અપૂર્ણ પડાવ નીવડી ચૂકેલા કવિઓની ઉત્તમ કવિતાથી આનંદની પ્રતીતિ આપે છે. સાંપ્રત જીવનમર્મને પામીને, ઉત્કટતાની ક્ષણને સર્જકપ્રક્રિયાને સોંપીને કવિતા રચાય તે જરૂરી છે. આવી ઠરેલી સર્જકચેતના માટે ત્વરિત સરી જો સમય પડકાર બની ઊભો છે. આ સમયમાં સાંપ્રત જીવન પ્રવાહોને આધારે ઉત્તમ કવિતાનું સર્જન જેમ કવિની જવાબદારી છે એ જ રીતે અપરિપક્વ, કશું નવું ન નિપજાવી શકતી કવિતા પ્રગટ કરવાની તત્પરતા દાખવતા આત્મરાગી સર્જકો, પ્રકાશકોની અંગત વૃત્તિપ્રવૃત્તિ 'કવિતા’ કલાની દુર્દશા ન નોતરે તે પણ જરૂરી છે. આ સમયે માત્ર કવિનું સભાન હોવું નહીં પાલવે, પ્રકાશન સંસ્થાઓએ પણ સભાન થવાની તાતી જરૂર જણાય છે. વૈશ્વિકરણનો વધતો વ્યાપ અન્યભાષી કવિતાથી પરિચિત થવાની સવલત વધારી આપે છે. પરભાષી કાવ્યધારાનું વાચન પણ આવશ્યક બનતું જાય જરૂરી છે. ગુજરાતી સાહિત્યને પ્રકાશિત કરનારા કમ્યુટર બ્લોગ્સને આધારે કવિતાની તાસીર જોવા જઈએ તો નિરાશ થવું પડે છે. કમ્પ્યૂટર શિક્ષણની જાણતલ ગુજરાતીભાષી પ્રજા કાવ્યત્વ કે કલાત્મકતાની દરકારમાં ન પડતાં પ્રસાર અર્થે ગમે તેવી કવિતા ડેસ્કટોપ પર મૂકી દે છે. આ પ્રકારની પ્રવૃત્તિનો વ્યાપ સમય સંદર્ભે યોગ્ય હોવા છતાં જાણીતા કવિ, વિવેચક, તંત્રીઓ દ્વારા સંત્રી તરીકે આવા બ્લોગ્સનું સુપરવિઝન થાય તે પણ જરૂરી લાગે છે. આવનારા સમયમાં સાહિત્ય બહુલમાત્રામાં કમ્પ્યૂટર પર, કમ્પ્યૂટર થકી ટકવાનું હોય તો તે માટે પણ ગુજરાતીભાષી પ્રજા સભાનતાથી વિચારે તે અનિવાર્ય લાગે છે. કાગળ-કલમ ને ડેસ્કટોપ-કીબોર્ડ અંતે જો સર્જકપ્રતિભાના આશ્રયે જશે તો આવનારા સમયનો સાહિત્યિક ફાલ ઉત્તમ મૌક્તિકો નિપજાવી આપશે.
❖
(‘અધીત : એકત્રીસ’)