અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનું શિક્ષણ : ગઝલસ્વરૂપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૭. કવિતાનું શિક્ષણ : ગઝલસ્વરૂપ

શકીલ કાદરી

સાહિત્યના કોઈ પણ સ્વરૂપનું શિક્ષણ આપવાનું હોય ત્યારે એ શિક્ષણ આપનાર માટે સૌથી પહેલી શરત એ સ્વરૂપ માટે ઉપયોગમાં લેવામાં આવતા પારિભાષિક શબ્દભંડોળથી એ સંપૂર્ણ પરિચિત હોય એ હોય છે. જે તે સ્વરૂપનું શિક્ષણ આપનારને એ સ્વરૂપના અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવતા પારિભાષિક શબ્દોનો પરિચય હોવો આવશ્યક હોય છે. એ વિના જે-તે સ્વરૂપનું શિક્ષણ તે યોગ્ય રીતે આપી શકાય નહીં. આ પારિભાષિક શબ્દોનો તે બે સ્તરે વિનિયોગ કરી શકે. એક એ સ્વરૂપના આંતરબાહ્ય સ્વરૂપની લાક્ષણિકતાઓ દર્શાવવા અને બીજું એ સ્વરૂપની આંતરિક લાક્ષણિકતાઓનો પરિચય કરાવવા. આ બંનેમાંથી કોઈ એકની પણ અનુપસ્થિતિમાં જે-તે સ્વરૂપનું શિક્ષણ આપનાર એની અખિલાઈમાં એ સ્વરૂપને પામી શકે નહીં, અને એના પરિણામે એ સ્વરૂપનું શિક્ષણ તે અન્યોને યોગ્ય રીતે આપવા સક્ષમ બની શકે નહીં. ગઝલસ્વરૂપના શિક્ષણના સંદર્ભે આ મુદ્દો વધારે ચીવટ માગી લે એવો છે, કારણ કે ગઝલસ્વરૂપના શિક્ષણ અને વિવેચન એ બંને માટે ચોક્કસ પારિભાષિક શબ્દોનો વિનિયોગ કરવામાં આવતો હોય છે. એમના દ્વારા જ ગઝલનો પ્રાથમિક પરિચય પ્રાપ્ત થાય છે અને અન્યને કરાવી પણ શકાય છે. જો કોઈ પદ્યકાવ્યને ગઝલ બનાવનાર લક્ષણોને પ્રકટ કરતાં પારિભાષિક શબ્દોથી ઓળખ જ સ્પષ્ટ ન હોય તો, ગઝલનું શિક્ષણ આપી શકાય નહીં અને જો કાવ્યનાં અન્ય સર્વસામાન્ય લક્ષણોને આધારે જ એવી રચનાનો આસ્વાદ, વિવેચન, સમીક્ષા કે મૂલ્યાંકન કરવાનો પ્રયાસ થાય તો ગઝલસ્વરૂપને યોગ્ય ન્યાય આપી ન જ શકાય, કારણ કે કોઈ રચના જે ગુણલક્ષણોને આધારે ગઝલ બને છે એમાં સિદ્ધ થયાં છે કે નહીં એ જોવાનું મહત્ત્વનું હોય છે. એ રચનાના સર્જકનું વક્તવ્ય, દર્શન, ભાવ, વિષય કે પછી એમાં ઉપયોગમાં લેવામાં આવેલી અન્ય ભાષાકીય પ્રત્યક્તિઓની ચર્ચા પછીથી કરાય. આ બાબત સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રથમ તબક્કાના ગઝલકારો બાલાશંકર કંથારિયા, મણિલાલ દ્વિવેદી, લલિત કે કલાપીની કેટલીક રચનાઓ છે. કલાપીની 'આપની યાદી' રચનાને દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ ‘ગુજરાતની ગઝલો’થી માંડીને ડૉ. એસ. એસ. રાહી અને ડૉ. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ જેવા કેટલાયે સંપાદકોએ પોતાનાં સંપાદનોમાં સ્થાન આપ્યું છે. ગઝલસ્વરૂપનું શિક્ષણ આપવા જો એવી ગઝલ કે ગુજરાતની ગઝલોમાં જે સર્જકોની રચનાઓને સ્થાન આપ્યું છે એવા પ્રથમ તબક્કાના ગઝલકારોમાંથી કોઈકની રચના પસંદ કરવામાં આવે તો ગઝલનું સાચું શિક્ષણ આપવાનું કે ગઝલની સાચી ઓળખ કરાવવાનું શક્ય ન બને. કારણ કે એ રચનાઓમાંની ઘણી રચનાઓમાંથી ગઝલની સ્વરૂપગત કહી શકાય એવી લાક્ષણિકતાઓ પ્રકટ જ થતી નથી. ગઝલશિક્ષણ માટે ગઝલના જે શાબ્દિક અને પારિભાષિક અર્થો ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યા છે તે ગૂંચ ઉકેલવાની સૌથી પહેલાં જરૂર પડે કારણ કે ગઝલનો અભ્યાસ કરાવનાર પ્રાધ્યાપક અને અભ્યાસ કરનાર વિદ્યાર્થી કે નવોદિત સર્જક એ બંને એ શબ્દનો અર્થ જાણવાના પ્રાથમિક સ્રોત તરીકે સૌથી પહેલાં ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’, ‘બૃહદ્ ગુજરાતી કોશ’ કે પછી 'ભગવદ્ગોમંડલ'નો ઉપયોગ કરતાં હોય છે. અને એ એમ કરે છે ત્યારે 'ગઝલ' શબ્દનું પ્રારંભથી જ ખોટું અર્થઘટન પ્રાપ્ત થાય છે. તે ગઝલના અર્થ એમ જ ઘટાવે છે કે ‘ગઝલ એટલે એક ફારસી રાગ, રેખતો, એક માત્રામેળ છંદ કે એ રાગનું કાવ્ય.' કારણ કે ગુજરાતીના આ ત્રણેય પ્રતિષ્ઠિત કોશમાં ગઝલના આ જ અર્થ અપાયા છે. ‘ગઝલ : એક ફારસી રાગ, રેખતો, એ રાગનું કાવ્ય.’ એવો અર્થ 'સાર્થ ગુજરાતી જોડણી કોશ'માં અપાયો છે. કે. કા. શાસ્ત્રીના ‘બૃહદ્ ગુજરાતી કોશ'માં 'સ્ત્રીઓના પ્રેમની મૈત્રીની અને જવાનીની હકીકત આપતી કવિતા, ચૌદ માત્રાનો એક છંદ.’ અને ‘ભગવદ્દગોમંડલ'માં ‘ગઝલ એટલે એક માત્રામેળ છંદ. તેના દરેક ચરણમાં ૧૪ માત્રા હોય છે તેમાં ૭, ૭ માત્રાએ યતિ અને ૧, ૫, ૮ અને બાર માત્રા ઉપર તાલ આવે છે.’ એવા અર્થ ગઝલનું શિક્ષણ આપનારને પ્રાપ્ત થાય ત્યારે એ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને ગેરમાર્ગે દોરનારાં બને. આવી ગેરમાર્ગે દોરતી સમજ કાવ્યસ્વરૂપોની ઓળખ કરાવતાં ઘણાં પુસ્તકોમાં કરવામાં આવી હોવાથી ગઝલનું શિક્ષણ આપનારની એ જવાબદારી થઈ પડે છે કે એ સ્પષ્ટતા કરે કે ગઝલ એ કાંઈ ફારસી રાગ નથી, કે નથી એ કોઈ છંદનું નામ. પણ ફારસીમાંથી ભારતમાં જન્મેલી ઉર્દૂ ભાષામાંથી ગુજરાતી ભાષામાં વિકાસ પામેલું એક વિશિષ્ટ કાવ્યસ્વરૂપ છે અને ફારસી ભાષાનું જે છંદશાસ્ત્ર છે એમાં વર્ણવાયેલાં અસંખ્ય છંદોમાંથી એના માટે નિયત કરાયેલો કોઈ પણ એક છંદ પસંદ કરી આખી રચના એ છંદમાં કરી શકાય છે. આટલી સ્પષ્ટતા ગઝલનું શિક્ષણ આપનાર માટે વિદ્યાર્થીઓ સમક્ષ કરવી જરૂરી બને. આ સ્પષ્ટતા કર્યા પછી ગઝલની એવી વ્યાખ્યાઓનો પરિચય આપવો પડે જે વ્યાખ્યાઓમાંથી ગઝલની સર્વ અથવા મહત્તમ લાક્ષણિકતાઓ પ્રકટ થતી હોય. જેમ કે – (૧) 'GHAZAL (Arabic): a short poem of more then four but less then fifteen line. The first two have the same rhyme, which is repeated at the end of fourth, sixth etc, lines, The poet usually mentions his own name (Takhallus) in the last line, The matter is usually erotic, but other subject wine, spring, fate etc. are not excluded. The form should be the most prefect, possible, especially from the point of view of the language, vulgar and ka kophonous words are to be most rigidly avoided. The Ghazal is the kind of poem most favoured in persian and the Indian and Turkish literature influenced by it.' (૨) ‘ગઝલ : (અરબી) (સ્ત્રી). પ્રેમિકા અથવા પોતાના પ્રિયતમ સાથે રમવું. સ્ત્રીઓ સાથેની વાતચીત, યુવાની અને રતિક્રીડાનો ઉલ્લેખ, સ્ત્રીઓના પ્રેમનું વર્ણન. (એ વાતો જે સ્ત્રીઓના પ્રેમ, વિરહ અથવા એમની પ્રશંસામાં કહેવાય.) કાવ્યની પરિભાષામાં એવી કવિતા-જેમાં રૂપ અને સૌંદર્ય, વિરહ અને મિલન, પ્રેમ અને આકર્ષણ, મોજમસ્તી, મૃત્યુ અને જીવનની મુક્તિની અનુભૂતિ વગેરેનો ઉલ્લેખ અથવા નિંદા અને શીખ વગેરે હોય, અથવા એ કવિતા જેમાં, પ્રેમ તેમજ મિલન અને વિરહ અંગેના વિચારોનું વિતરણ કરવામાં આવ્યું હોય. ગઝલના શે'ર ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ અમર્યાદિત હોઈ શકે, પરંતુ એકી સંખ્યામાં હોય એ નિયમ છે. ગઝલો તમામ છંદોમાં લખી શકાય છે. પહેલાં મુસલસલ (સળંગ) ગઝલો પણ લખાતી હતી, પણ હવે તેનો રિવાજ રહ્યો નથી. પ્રત્યેક શે'રમાં ભિન્ન ભિન્ન વિષયો દર્શાવવાનું શરૂ થયું. જોકે કતાબંદમાં આમ જોવા મળતું નથી. મતલાના બંને મિસરાના કાફિયા સમાન હોય છે. બાકીના શે'રોમાં પહેલા મિસરામાં કાફિયા હોતા નથી, અને બીજા મિસરાના કાફિયા મતલા પ્રમાણેના હોય છે.’ ગઝલસ્વરૂપનું શિક્ષણ આપનાર આ બંને વ્યાખ્યાઓથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવા જોઈએ જેથી કરીને ગઝલના બાહ્યસ્વરૂપથી વિદ્યાર્થીઓ પરિચિત થાય. કારણ કે આ વ્યાખ્યાઓથી સ્પષ્ટ થાય છે કે, ગઝલની પ્રથમ બંને પંક્તિઓના કાફિયા-રદીફ સમાન હોય છે. ત્યારબાદ બેકી સંખ્યાની પંક્તિઓમાં આરંભની બે પંક્તિઓ પ્રમાણેના જ કાફિયા-રદીફ ત્યાર પછીની તમામ બેકી સંખ્યાઓની પંક્તિઓમાં પ્રયોજવામાં આવતા હોય છે. છેલ્લી બે પંક્તિઓમાંથી કોઈ પણ પંક્તિમાં ગઝલકાર પોતાનું નામ કે ઉપનામ (તખલ્લુસ) વણી લેતો હોય છે. આમ, ગઝલસ્વરૂપ સાથે સંકળાયેલી પારિભાષિક સંજ્ઞાઓ મિસરા, મતલા, શે'ર, કાફિયા, રદીફ તખલ્લુસ અને છંદનો એને પ્રાથમિક પરિચય પ્રાપ્ત થાય પછી એ પારિભાષિક સંજ્ઞાઓનો વિસ્તૃત પરિચય કરાવે તો ગઝલસ્વરૂપનો પરિચય પ્રાપ્ત કરવાનો માર્ગ સરળ બની જાય. આ બે વ્યાખ્યાઓના પરિચયથી એ સ્પષ્ટ થઈ જશે કે, ગઝલની પ્રથમ બે પંક્તિઓ જેમાં કાફિયા-રદીફ બંને હોય તેની ઓળખ માટે મતલા એવી પરિભાષા છે. ત્યાર પછીની તમામ બબ્બે પંક્તિઓના યુગ્મો તેમના માટે ઉપયોગમાં લેવાતી પરિભાષા એ શેર છે અને અંતે જેમાં ગઝલકારના નામ કે ઉપનામનો નિર્દેશ કરાયો હોય છે એ પંક્તિયુગ્મ તેને માટેનો પરિભાષિક શબ્દ તે મકતા છે. દરેક પંક્તિયુગ્મની એક પંક્તિ તે મિસા' એવી સંજ્ઞાથી ઓળખાવાય છે. પહેલી પંક્તિ તે ઊલા મિસા (ઉપરની પંક્તિ) અને બીજી પંક્તિ તે સાની મિસા (નીચેની પંક્તિ) તરીકે ઓળખાય છે. કાફિયા-રદીફ એ બે સંજ્ઞાઓ બાબતે ગઝલનું શિક્ષણ આપનારે ખાસ કાળજી એ લેવાની જરૂર હોય છે કે તે એ બાબતે સભાન હોય કે ગુજરાતી કાવ્યશાસ્ત્ર અને વિવેચનની પરિભાષામાં જેને પ્રાસ તરીકે ઓળખાવવામાં આવે છે એવા શબ્દો કરતાં કાફિયાની વિભાવના ભિન્ન છે. ગુજરાતી ભાષાના અન્ય કાવ્યસ્વરૂપો સૉનેટ, ખંડકાવ્ય કે ગીતમાં જે પ્રકારના પ્રાસ હોય છે તેમની સાથે ગઝલના કાફિયાની તુલના કરી શકાય નહીં. તેમ કાફિયાના પર્યાય તરીકે પ્રાસ અને રદીફના પર્યાય તરીકે અંત્યાનુપ્રાસ સંજ્ઞા પણ પ્રયોજી ન શકાય. કારણ કે ગુજરાતી શબ્દકોશોમાં પ્રાસ શબ્દનો અર્થ સ્પષ્ટ નથી. ઉદાહરણ રૂપે જોઈએ તો ‘સાર્થ ગુજરાતી જોડણી કોશ' તેને 'સંસ્કૃત અનુપ્રાસ' તરીકે ઓળખાવી ‘કવિતાની તૂકને અંતે અક્ષર મળતાં આવવા તે.' એમ દર્શાવે છે, કે. કા. શાસ્ત્રી ‘બૃહદ્ ગુજરાતી કોશ’માં તેને ‘અંત્યાનુપ્રાસ' તરીકે ઓળખાવી ‘પદ્ય વૃત-છંદ-ગીતમાં એકી બેકી ચરણના છેલ્લા અક્ષરોના પહેલા સ્વર સહિતની અને બીજા સ્વ સહિતની સમાનતા, હ્રાઈમ.’ એમ ઓળખાવે છે, તો ‘ભગવદ્ ગોમંડલ' એને ‘અનુપ્રાસ, અંત્યયમક, કડીઓના અંત્યાક્ષરોની એકસ્તરતા આણવી તે, અંત્યાનુપ્રાસ કવિતાનો મેળ મેળવવો તે, ઝડઝમક.’ એ રીતે ઓળખાવે છે. આમ, ગુજરાતીમાં પ્રાસ માટે અનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, યમક, અંત્યયમક, અંત્યપ્રાસ, અંત્યયમ અને ઝડઝમક એમ એકાધિક શબ્દો પ્રચલિત છે એથી કાફિયાનો પર્યાયવાચી બને એની ઓળખ સ્થાપિત કરે એવો એકેય શબ્દ ગઝલેત્તર વિવેચના પાસે નહીં હોવાથી ગઝલનું શિક્ષણ આપતી વખતે ‘કાફિયા પરિભાષાનો ઉપયોગ કરવો જોઈએ અને એ રદીફ પૂર્વે આવે અને જો ગઝલમાં રદીફ ના હોય તો મતલાની બંને પંક્તિના અંતે અને પછી દરેક શે'રની બીજી પંક્તિના અંતે આવે એ સમજ આપવી જરૂરી બની જાય. આમ થાય તો જ ગઝલ લખવા ઇચ્છનાર કે ગઝલનું શિક્ષણ મેળવનાર સ્વરૂપની સાચી સમજ કેળવી શકે. નહીંતર કલાપીની ‘આપની યાદી’ રચનામાં અંતે માત્ર રદીફ રૂપે આવતા 'આપની' શબ્દનું જ માત્ર પુનરાવર્તન થાય છે અને કાફિયા જોવા જ મળતાં નથી એમ બને. અને તે ગઝલને એના બાહ્યસ્વરૂપની દૃષ્ટિએ વિકૃત બનાવે. કવિતાના શિક્ષણના સંદર્ભમાં વિદ્વાન વિવેચક અને કવિ બ. ક. ઠાકોર ‘પ્રાસ' શબ્દના ઉપયોગનું ભયસ્થાન ઓળખી ગયા હતા અને એટલે જ એમણે ‘કવિતાનું શિક્ષણ' વિશે જ્યારે વ્યાખ્યાન આપ્યું હતું ત્યારે ‘ઇંદુ' કાવ્યની ચર્ચામાં ‘દીપિકા' અને 'પથદર્શિકા' એ બે શબ્દોનો ઉલ્લેખ પ્રાસ તરીકે નહીં પણ ગઝલેત્તર કાવ્યસ્વરૂપ હોવા છતાં 'કાફિયા' તરીકે જ કર્યો હતો. એ બાબત અત્રે આ સંદર્ભમાં ઉલ્લેખનીય ગણાય. આમ, ગઝલસ્વરૂપનું શિક્ષણ આપવાનું હોય ત્યારે જે પારિભાષિક શબ્દોથી સ્વરૂપગત લાક્ષણિકતાઓ પ્રકટ થતી હોય એ પારિભાષિક શબ્દોનો શિક્ષણ આપતી વખતે વિનિયોગ કરાય એ આવશ્યક છે. બાહ્યસ્વરૂપ સ્પષ્ટ કરી દીધા પછી અન્ય લાક્ષણિકતાઓનો ખ્યાલ આપી શકાય. ખાસ કરીને ગઝલને વિષયની દૃષ્ટિએ ગઝલ' બનાવનારાં જે તત્ત્વોની વાત ગઝલ શબ્દ વ્યાખ્યામાં કરવામાં આવી છે એમના વિશે વિવિધ ગઝલોના ઉદાહરણ આપી સમજાવવું જોઈએ કે ભાષાકીય દૃષ્ટિએ ગઝલનો મૂળભૂત સ્વભાવ એ છે કે તે કર્કશ અને અશ્લીલ ભાવ પ્રકટ કરે એવા શબ્દોના વિનિયોગને સાંખી શકતી ન હોવાથી એવા શબ્દો ત્યાજ્ય ગણવામાં આવે છે. જેમ કે –

‘કોઈ વાર થાય
આ વૃદ્ધોએ એકબીજાની પતંગ કાપી હશે
ક્યારેક બસમાં બારી પાસે કોઈને જગ્યા આપી હશે
બપોરે મુઠિયાં માર્યા પછી એમને ઝળહળિયાં આવ્યાં હશે.’
(‘એતદ્’, વર્ષ-૯, અંક : ૨-૩, એપ્રિલથી સપ્ટેમ્બર-૧૯૮૮ પૃ. ૧૬-૧૭)

આ પ્રકારના ભાવ, ભાષા અને અભિવ્યક્તિ ગઝલના સ્વરૂપને અનુકૂળ આવે નહીં, કારણ કે તે ‘પ્રિય અને પ્રિયપાત્ર વચ્ચે થતી વાતચીત, એમની વચ્ચે થતી ક્રિયાઓ અને એમની વચ્ચે ઊભાં થતાં સંજોગો’નું કાવ્યમય બયાન છે. એટલે ગઝલમાં જાતિય આવેગની અનુભૂતિની વાત આવે પણ એ ગઝલસ્વરૂપની જે શિસ્ત છે એ શિસ્ત જાળવીને આવવી જોઈએ. જેમ કે -

‘એ હૂંફ લેવા જો આવે તો શું કરીશું મરીઝ’
હવે શેરીરમાં ઠંડક ફરી વળેલી છે’ (મરીઝ)

કે પછી -

‘પોષ શિશિરની રજાઈ ઓઢી
એક અમે થરથરતાં સાજન' (રાજેન્દ્ર શુક્લ)

ગઝલ સંદર્ભે એક મહત્ત્વની બાબત એમાં પ્રયોજવામાં છંદોની છે. ગઝલમાં છંદનિયોજનની ચોકસાઈ સૌથી પહેલાં જોવામાં આવતી હોય છે. એનું કારણ ગઝલ જે ભાષામાંથી વિકાસ પામી છે એ અરબી ભાષાના કાવ્યશાસ્ત્રમાં કાવ્યની વ્યાખ્યા જ એ છે કે તે છંદોબદ્ધ અને કાફિયાની ગૂંથણી ધરાવતું હોવું જોઈએ. નહીંતર એ કાવ્ય ગણાય જ નહીં. આ જ કારણે ગઝલ માટે કાફિયા અને છંદ પ્રાણરૂપ ગણવામાં આવે છે. એટલે ગઝલના છંદો ગુજરાતી ભાષાના ગઝલેત્તર છંદોબદ્ધ કાવ્યસ્વરૂપો કરતાં કઈ રીતે વિશિષ્ટ માત્રામેળ છંદો છે એની સમજ કેળવવી અને છંદમાં કોઈ ગુરુ અક્ષરને કઈ રીતે લઘુ તરીકે પ્રયોજી શકાય અને કઈ રીતે પ્રયોજી ન શકાય અને એની પાછળનું કારણ શું એની સમજ આપવી ગઝલનું શિક્ષણ આપનાર માટે ખૂબ જ જરૂરી છે. ગઝલના કાવ્યશાસ્ત્રમાં ગઝલના વિવિધ પ્રકારના જે ગુણ-દોષ વર્ણવાયા છે એમાં કાફિયા સંબંધિત દોષ છે તેમ છંદવિષયક દોષની ચર્ચા સમાવિષ્ટ છે તેમ છંદ વિષયક વિશેષતાઓ પણ વર્ણવામાં આવી છે. એની સમજ પણ હોવી જરૂરી છે. ગઝલનું શિક્ષણ માત્ર એના બાહ્યસ્વરૂપની લાક્ષણિકતાઓમાં સીમિત નથી પણ એના વિવેચન, આસ્વાદ, સમીક્ષા માટે ઉપયોગમાં લેવામાં આવતાં અન્ય પારિભાષિક શબ્દો સુધી વિસ્તરે છે. એમાં એનો પણ સમાવેશ થાય છે કે ગઝલમાં અન્ય કાવ્યોની જેમ સર્વસ્વીકૃત અને વૈશ્વિક બનાવવાનો ગુણ કઈ રીતે પ્રકટે છે? એ શાશ્વત કઈ રીતે બની શકે? સંકુલ અને ગૂઢ ભાવ અને વિષયો એમાં કઈ રીતે સ્થાન પામી શકે? અન્ય કોઈ ગઝલકારનું અનુસરણ કોને કહેવાય? ગઝલમાં અર્થગાંભીર્ય શું છે? લય શું છે? એક જ શેરમાં બે કે તેથી વધુ અર્થોનું પ્રાકટ્ય કઈ રીતે શક્ય બને? પરસ્પર વિરોધી ભાવ પ્રકટ કરવામાં રદીફની કેવી ભૂમિકા હોય છે, કાફિયાના છેલ્લા અક્ષરને રદીફના પ્રથમ અક્ષર સાથે સંયોજી કાફિયા કઈ રીતે બનાવી શકાય? એવા કાફિયા માટે કઈ પરિભાષા? અને ગઝલમાં પુરાકથાનો વિનિયોગ કઈ રીતે કરવામાં આવ્યો છે? એ બધી જ ચર્ચા માટે ગઝલસ્વરૂપમાં પણ અવકાશ રહેલો છે અને એ ચર્ચા કરવા માટે ગઝલના કાવ્યશાસ્ત્ર પાસે પોતાના પારિભાષિક અસંખ્ય શબ્દો છે જેનો પરિચય મેળવવામાં આવે તો ગુજરાતી ગઝલશિક્ષણ, ગઝલવિવેચના, ગઝલ આસ્વાદ અને ગઝલ સમીક્ષાની પ્રવૃત્તિ વધુ સમૃદ્ધ બનાવી શકાશે.

(‘અધીત : ચાલીસ')