અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી અછાંદસ કવિતા : બે તબક્કાઓ
મણિલાલ હ. પટેલ
નર્મદ-દલપતથી આપણી કવિતા સંસ્કૃત અક્ષરમેળ આદિ તથા માત્રામેળી છંદોમાં પ્રવેશે છે. છેક ૧૯૫૦ સુધી - ૧૯૬૦/૭૦ સુધી (અને છૂટક તૂટક આજ લગી) એ છંદોના અને છંદોમાં પ્રયોગો થતા રહ્યા છે. એનાં ઉત્તમ પરિણામો ય સામે છે…… ને કવિતાના માધ્યમ તરીકે એની સમસ્યાઓ પણ જાણીતી છે. કવિતાની વ્યાખ્યામાં છંદને અનિવાર્ય ગણ્યો નથી, પણ એની ઉપકારકતા અજાણી નથી, છંદને માત્ર સ્થૂળ અર્થમાં ઘટાવવાને બદલે રચના પ્રક્રિયાને નિયંત્રિત કરે છે? કાવ્યબંધને બાંધવામાં - આકારિત કરવામાં ઉપકારક છે? ભાવાલેખનને મોકળાશ આપે છે કે અવરોધે છે? ભાવાલેખન - ઊર્મિ નિરૂપણ એનાથી સઘન, સૂક્ષ્મ બને છે? મુખરતા ઘટાડવામાં ને ભાવને ઘૂંટવામાં એ ઉપકારક છે? આવી સૂક્ષ્મતાથી છંદનો વિચાર કરીને કાવ્યત્વમાં એની અનિવાર્યતાને પ્રમાણી શકાય. કાવ્યના સૌંદર્યરૂપને નિખારવામાં છંદોલયની મદદને હું નકારવાના મતનો નથી. અલબત્ત, કોઈ બીજી જુક્તિથી પણ સૌંદર્ય નિર્માણ કરે જેમ કે પરંપરિત લય, અછાંદસ અને ગદ્યકાવ્યોમાં થાય છે. છંદ-લય-પ્રાસાનુપ્રાસ-શબ્દાલંકારો ભલે બાહ્ય ઉપકરણો લાગે, પણ કાવ્યમાં એમની ઉપસ્થિતિથી ભાવાર્થ અને સૌંદર્યરૂપને ફાયદો થાય છે—જો પ્રતિભાશાળી કવિ એવી રીતે એને પ્રયોજે તો: દા.ત, કાન્ત વગેરે. ‘રેટરિક’ - વાગ્મિતાનો પક્ષ લેનારા છે તેમ એનો વિરોધ કરનારાય છે. નોર્થોપ ફ્રાયે અલંકૃત વાણી, પ્રભાવક તથા આર્જવભરી વાણીનો સજાવટ અને સમજાવટના દૃષ્ટિકોણથી વિચાર કરેલો. વર્ડ્ઝવર્થ સ્વાભાવિક - સહજ હોય તે કાવ્યપદાવલિનો પક્ષ લે છે. તો કોલિંરજ સાધારણ ભાષાથી કાવ્યભાષાને ભિન્ન ગણાવે છે. કૃત્રિમ ભાષા જૂઠી એમ વર્ડ્ઝવર્થ કહે છે - જોકે સાહિત્ય/કળા માત્ર ગોઠવણ છે.. પણ એ સહજ લાગે એમ થવું ઘટે. કોલરિજ ચિત્તની પ્રકૃતિ પ્રમાણે પદાવલિ યોજવાની છૂટ આપે છે - ન્હાનાલાલના અપદ્યાગદ્યને આવા પરિપ્રેક્ષ્યિમાં જોવું ઘટે છે. સંસ્કૃતમાં નિરૂપ્ય ભાવ અને કવિની પ્રકૃતિ પ્રમાણે સુકુમાર/વિચિત્રાદિ માર્ગોની ચર્ચા છે. આ બધાનો સંદર્ભ છંદ-લય-ભાષા-વાગ્મિતા સાથે છે. કાવ્યમાં આ બધાં તત્ત્વો ઔચિત્યપૂર્વકનો મહિમા ધરાવે છે. એટલું કહેવું બસ થશે. ગુજરાતી કવિતામાં છંદોના અને છંદમુક્તિના, નવા અનુકૂળ છંદોની શોધના પ્રયોગો-પ્રયાસો સતત ચાલતા રહ્યા છે. નર્મદને પણ મહાકાવ્યનુરૂપ છંદની જરૂર પડેલી, સંસ્કૃત વૃત્તો એ માટે અર્વાચીન કવિઓને દરેક યુગમાં વધારે ચુસ્ત કે બંધનરૂપ ભાગ્યા છે. ખાસ તો વિષયવસ્તુ - એની પ્રકૃતિ, ચિંતન-દર્શન, ભાવોર્મિઓ-છટાઓ, ગહનરહસ્યો કે ચિત્તક્ષોભ, ઘટનાઓની ગલીકૂંચીઓ કે પ્રસંગોની ગતિ.... મેં કેટલુંય આલેખન મહાકાવ્ય, દીર્ઘકાવ્ય કે અન્યકાવ્યમાં કવિને આણવું હોય છે. સંસ્કૃત છંદોમાં એની તાપણી થવા દઈને ય એ મથે છે... પણ ઉક્ત વિગતો રજૂ કરવા છંદો હંમેશ નથી આપતા. છંદોનો પક્ષ લઈને હંમેશાં એવું નહીં કહી શકાય તે કવિશક્તિ જ ઊણી ઊતરે છે. આપણે છંદોની પ્રકૃતિને જાણીએ તો તરત ખ્યાલ આવશે કે એ જેમ ભાવોની અભિવ્યક્તિને ઉપકારક છે એમ અક્ષકગણના-માત્રા-તાલ ઇત્યાદિ સાચવવાના આગ્રહોમાં અવરોધક પણ બને છે. કવિએ છંદ સાચવવા શબ્દ — ઉત્તમ શબ્ધ/ભાવાર્થ માટે યોગ્ય શબ્દ જવા દેવો પડે એવું બને, તો નબળો શબ્દ પ્રયોજવો પડે એવું કાન્ત માટે ય બન્યું છે. (દા. ત. 'ધોળાં' અનેક ગમથી ઝરણાં દડે છે...... વગેરે) કવિતામાં છંદોલયનું કાર્ય બતાવવા આપણે (બ.ક.ઠા./સુ.જો.ની જેમ) ઘણાં ઉદાહરણો લઈ શકીએ. વર્ણ, શબ્દ, યતિસ્થાન, ખંડ વગેરે દ્વારા, એવા સ્વરભાર કે કાકૂ દ્વારા અર્થને થતો લાભ કે ભાવની ઊપસતી છટાઓ કે સ્પર્શ્ય અનુભૂતિ દર્શાવી શકીએ. એ દરેકમાં માત્ર છંદની જે કે માત્ર લયની જ કરામત નથી હોતી. ત્યાં સૌ ઘટકોનો કવિપ્રતિભાએ સહજ રીતે સાધેલો યોદ રમ મહત્ત્વનો છે. (દા. ત. ‘નજર ભરીને’- કરીને નહીં, ‘ઉપાડેલા ડગ ઉપર પગ ઉપર નહીં....વગેરે.) છંદમુક્તિના ધ્યાનપાત્ર પ્રયોગો પંડિતયુગમાં વધારે થયા છે. સંસ્કૃત છંદોને ખંડ કે અભ્યસ્ત (શ્લોકતોડો/ચારણોતોડો) કરવાના પ્રયોગો તો ઠીક છે પણ ન્હાનાલાલની ડોલનશૈલીનો પ્રયોગ અને બ.ક.ઠાકોરની અગેયતાની-પ્રવાહિતા- અર્થાનુસારી યતિની વિગતો મહત્ત્વ ધરાવે છે. સ્વરયોજના-કાલમાન-તાલ-વ્યતિ ગેયતા માટે જરૂરી છે. એમાં તોડફોડ કરવાથી અગેયતા આવે છે. ગેયતા માટે નિયત સૂરો ને નિયત ગોઠવણી પૂરતાં છે. બ. ક. ઠાકોરને વિચારધન કવિતામાં આ બંધનરૂપ લાગતાં એમણે પ્રમાણમાં અગેત એવા (પ્રવાહીરૂપ કરીને) પૃથ્વીનો પ્રયોગ કરેલો. બળવંતરાયના આવા પ્રયત્નોને લીધે આપણે કવિતાનો પાઠ' કરતા થયા. એમાં અંગ્રેજી કવિતાની રજૂઆતનો પણ પ્રભાવ છે, પછી તો કવિતા ગાવા/ રાગડા તાણવા માટે નથી. ભાવાનુસારી-અર્થાનુસારી પઠન સારુ છે એમ માનતા થયા. (અછાંદસમાં આ વધુ પ્રભાવક લાગે છે.) (ગેયતા અને પાઠ્યતાના ભેદ માટે ‘ભાવના-વિભાવન’. ડૉ. ભાયાણી પૃ. ૧૭૭ જોશો.) છંદોમુક્તિના પ્રયોગો તરફ આપણને અંગ્રેજી કવિતાએ, એનાં ‘બ્લેન્કવર્સ' (છંદોલયરહિત) કાવ્યો-નાટકોએ વાળ્યા, એ પણ હકીકત છે. ન્હાનાલાલની રંગદર્શી પ્રતિભા તથા નિતાંતભાવનાદર્શશીલતાને છંદો સાંકડા પડ્યા-બંધન ભાસ્યા... એમણે અનિયમિત લયના ડોલનવાળી શૈલી પ્રયોજી. એ ગદ્યની વધુ નજીક છે. પણ ચુસ્ત ગદ્ય નથી. એમાં છંદો નથી. એની પરંપરિત લઢણોય નથી, એમાં છૂટકતૂટક આરોહો, અવરોહ હોવા છતાં એમાં તારવી શકાય એવો. નિયમિત આવર્તનનોનો લય નથી માટે એ 'પદ્ય' નથી. આમ અપદ્ય—અગદ્ય એટલે અપદ્યાગદ્ય = ડોલનશૈલી! ભાવાવેગ, ભાવનાપ્રધાનતા અને વાગ્મિતાના પ્રાગટ્ય માટે આ શૈલી વધુ માફક આવી. પદ્ય અને ગદ્યની વચ્ચે અનેક કોટિઓ છે - ગદ્યની એમાંની એક તે ડોલનશૈલી, એને કાવ્યવસ્તુને ઉપકારકતાની ભૂમિકાએ જ મૂલવી શકાય. બાકી એનો ઘણો ભાગ ગદ્યની નજીક છે… (જયંત પાઠકના મતને આધારે.) મહત્ત્વનું એ છે કે ન્હાનાલાલની આ છંદશોધ છંદમુક્તિની દિશામાં ભરાયેલું મૂલ્યવાન પગલું બની રહે છે. બ. ક. ઠાકોર અને ન્હાનાલાલના સમયમાં જે થયું તે દબાવો વચ્ચે, કૈંક ટીકાઓને ભયે અરધું પરધું બીતાં બીતાં થયાનું નોંધાયું છે. છંદમુક્તિના કે શિથિલ છંદના આ પ્રયોગો નવી પેઢીઓને માર્ગ સુઝાડે છે. (૧) શ્લોક/ચરણ તોડવાં, અગેયતા આણવી, ના પ્રયોગોએ એ આપણને પરંપરિત છંદો તરફ વાળ્યા… ને પરંપરિત છંદોએ આપણને આધુનિક મિજાજ છટાઓ ઝીલવા તરફ પ્રેર્યા… ને એમાંથી અછાંદસ તરફ સરવાનું સરળ બન્યું એમ મને લાગે છે. (૨) ન્હાનાલાલની છંદમુક્તિની દિશા નવા કવિઓને (છેક ૧૯૫૫માં) અછાંદસ માટે પ્રેરક બની એવું જોખમી વિધાન હું નહીં કરું પણ, કવિઓના મનોનેપથ્યમાં 'અપદ્યાગદ્ય'નો પ્રયોગ પડેલો હતો - એ દિશામાં જવાનું સાહસ એને એટલું નવું નહીં લાગ્યું હોય તોએ ન્હાનાલાલને લીધે. (૩) ઠાકોર-ન્હાનાલાલ અને એમના અનુગામીઓના છંદોમુક્તિના, અગેયતાને પરંપરિત છંદોને અનુસરવાના, નવાં - ઓછીવધતી માત્રાનાં લયાવર્તનો (ચતુષ્કલ પંચકલ - ષટ્રકલ.... વગેરે)થી કાવ્ય કરવાના પ્રયોગો આપણને આધુનિક ભાવસંવેદનને અનુરૂપ અછાંદસની દિશામાં પ્રેરનારાં મહત્ત્વનાં પરિબળો છે. (૪) ૧૯૪૦ પછી અંગ્રેજી તથા અન્ય ભાષાના કાવ્યાનુવાદો ગુજરાતીમાં થવા માંડેલા. અનુવાદો સમશ્લોકી ન હતા, બલકે એ માટે ગદ્યનો, વિશિષ્ટ લઢણોવાળા ગદ્યનો, સર્જનનાત્મકતા ઝીલી શકે એવા ગદ્યનો પ્રયોગ થયો. આનાથી અછાંદસના ઉદ્ભવની દિશા મોકળી થઈ ગઈ હતી. (૫) સંસ્કૃત ભાષાને અક્ષરમેળ છંદોની ચુસ્તી નડતી નથી - કેમકે એ રૂપરચનાપ્રધાન ભાષા છે. કર્તા-કર્મ-ક્રિયાપદ ત્યાં આગળપાછળ થઈ શકે છે. આપણને તો જડ વિભક્તિ પ્રત્યયો ને વાક્યનું અલગ તંત્ર નડે છે, વળી સંસ્કૃત તત્સમ શબ્દપ્રધાન ભાષા છે છંદોલય સાચવવાનું એને સરળ છે. જોકે સંસ્કૃતવૃત્તોનાં નિયંત્રણો એટલાં દૃઢ હતાં કે એમણે કવિઓ માટે 'અમરકોશ' જેવો પર્યાયકોશ કરવો પડ્યો... આ સગવડે કવિ યાંત્રિક રીતે છંદઅનુરૂપ શબ્દ પસંદગી કરવા લાગ્યો - આથી કૃતકતા આવી. વળીઓમાં કસબ, કરામત દેખાવા લાગેલાં... જાણે તૈયાર છંદોલય માટે તૈયાર શબ્દોનો માલ! છંદ અને કાવ્યભાષા-નો મેળ બેસાડવા જતાં આપણને લાગ્યું કે નિવત માત્રા કે વર્ણ (લઘુગુરુ)વાળા શબ્દોની પસંદગી કરવી અનિવાર્ય બને છે. ત્યાં ઘણી વાર કવિએ ઉચિત શબ્દને જવા દેવો પડે છે…… શબ્દગુચ્છોનું કાર્યક્ષેત્ર અને અર્થજગત પણ આનાથી મર્યાદિત લાગે છે. સંસ્કૃતવૃત્તોવાળી આપણી કેટલીય કાવ્યપદાવલિ કૃતક પણ લાગે છે. એની બહુ ભાત પણ નવા રચનાકારને પજવે છે - વગેરે. આમ છંદો જાણે કે સમસ્યા બનતાં મુક્તિનો પડકાર રચાતો આવે છે. આઝાદી પછી આપણા જીવનમાં, જીવનવિચારમાં પરિવર્તનો તાર સ્વરે સંભળાય છે. વિજ્ઞાન-ટેક્નોલોજી-યંત્રીકરણ-મૂલ્યહ્રાસ ઇત્યાદિએ આધુનિકતાવાદી વિચારધારા પ્રવર્તાવી. આપણો સર્જક એનાથી અળગો નથી રહ્યો. છિન્નભિન્ન જીવન માટે નિશ્ચિત આકાર જાણે અસહ્ય બને છે. એટલે છિન્ન જીવન માટે છિન્ન છંદ-વાળો ઘાટ રચાયો. વિષાદ, હતાશા, શૂન્યતા, એકલતા, એકવિધતા, વિડંબના, ઉપહાસ, બર્બરતા, આદિમતા, અરાજકતા, વિ-રૂપતા, અ-માનુષતા ઇત્યાદિ ભાવો-સ્થિતિઓ માટે છંદો કે પરંપરિત લયોનાં ચોકઠાં સાવ જ અપ્રસ્તુત બની જાય છે ને એ ભાવોની આક્રમકતા જાતે જ પોતાને અનુરૂપ એવા અછાંદસનો આધાર લઈને પ્રગટી ઊઠે છે.
અછાંદસની કેટલીક લાક્ષણિકતાઓ :
- ‘અછાંદસ' એટલે છંદોહીન, છંદો વગરનું, નિઃચ્છંદ. રૂઢ થયેલી સંજ્ઞા 'અછાંદસ' 'છાંદસ' એટલે પદ્યબદ્ધ' અને 'અછાંદસ' એટલે 'ગદ્યબદ્ધ' એવાં સમીકરણો બંધાયાં છે. છાંદસ એટલે પદ્યબદ્ધ તો સાચું પણ ‘અછાંદસ' એટલે 'ગદ્યબદ્ધ' એવું નહીં કહેવાય.
- સર્જનાત્મક ગદ્યની પણ અનેક કોટિઓ છે, જેમ કે નવલિકાનું ગદ્ય ('ચામડીને બાળીને ચામડું કરે એવો તાપ હતો…’) નવલકથાનું ગદ્ય ભળેલા જીવક છિન્નપત્ર), નાટક કે લલિતનિબંધનું ગદ્ય, સર્જકનાત્મક ગદ્યમાં સંઘટના, સંગતિ, સાતત્યપૂર્વકતા, શૃંખલાબદ્ધતા હોવાથી એ બોલાતી ભાષાથી-વાણીથી જુદું પડે છે. ‘અછાંદસ'નું ભાષારૂપ પણ એની વિશેષતાઓને લઈને કથાસાહિત્યના કે સર્જનક નિબંધના ગદ્યથી જુદું છે. અરે, ‘ગદ્યકાવ્ય’થી પણ એ નોંપ્યું છે.
- જેમ દરેક 'પદ્ય' કાવ્ય નથી એમ દરેક ગદ્ય કોટિનું લેખન પણ કાવ્ય નથી. કાવ્યત્વને એની જે જે શરતો છે તે બધી જ અછાંદસને પણ લાગુ પડે છે. વિલક્ષણ કથન, વ્યંજનાપૂર્ણતા કે લાક્ષણિક વર્ણન. સંકેત, વક્રોક્તિ, રમ્યતા રસાર્દ્રતા વગેરે.
- 'અછાંદસ'માં ઘણી વાર વ્યાકરણ ચુસ્ત વાક્યરચનાઓ મળે પણ ખરી, છતાં એ 'ગદ્યકાવ્ય'થી જુદું છે - કેમ કે એ વાક્યના રચનાતંત્રને વશવર્તતું નથી, એ એમાં મૂડમિજાજ-ભાવ-વિભાવ પ્રમાણે પરિવર્તનો આણી નવી ભાત રચે છે. (દા.ત., 'જેસલમેર’-કાવ્યો) 'ગદ્યકાવ્ય'માં વ્યાકરણીય દૃષ્ટિએ વાક્યો સંપૂર્ણ હોય એમાં કાવ્યતા -એની શરતોમાંથી પ્રગટે - એ સમાન મુદ્દો છે…… મણિલાલ દેસાઈનું 'અમદાવાદ' ગદ્યકાવ્યનો નમૂનો છે.
- ‘અછાંદસ’ને એના પોતીકા લય-મોડ હોય છે. (આ 'લય'નું તત્ત્વ અનેક રૂપે કોટિએ ગદ્ય-પદ્ય-વાણી બધાંમાં છે… અરે ચિત્ર-સંગીત-સ્થાપત્યમાં પણ- શિલ્પાદિમાં પણ ‘લયાત્મકતા’ કે ‘લય’ છટાઓની વાત આવે જ છે....)
- ‘લય’-મરોડ ઉપરાંત ભાષારચનાગત કાકૂ/સ્વરભાર, આરોહ/અવરોહ, ઉદ્બોધન સ્વગતોક્તિની લઢણો, કથન-નિરૂપણ-સંકેત કરતી ભાષા-ભાત; ઇત્યાદિ 'અછાંદસ’ને એની આગવી ઓળખ આપે છે.
- આ બધું પ્રાસ-વર્ણપ્રાસ-વર્ણપ્રયોગની ભાતથી લઈને વાક્યો/ પંક્તિઓની યોજનાઓમાંથી કવિ પ્રગટાવે છે ને એમ કાવ્યસિદ્ધ કરે છે. દા.ત., રોમૅન્ટિક કવિનું દુઃસ્વપ્ન/કવિનું વસિયતનામું (સુ.જો.) કે પ્રિયકાન્ત મણિયારનું એ લોકો' કાવ્ય જુઓ.
- ‘અછાંદસ' લઘુકાવ્ય - ઊર્મિકાવ્યથી માંડીને સુદીર્ઘ કાવ્યો સુધી ભાવાર્થ-નિરૂપણ માટે ગુંજાયશ ધરાવે છે. એમાં ક્યારેક બોલચાલની ભાષાનાં લય-લહેકા-મરોડો આવે છે; તો ક્યારેક વળી પરંપરિત લયના ટુકડા પણ આવી જાય છે. આપણાં દીર્ઘકાવ્યો (૧૯૫૦ પછીનાં) આને લીધે શુદ્ધ ‘અછદાંસ’ નથી પણ મુક્તલયનાં કાવ્યો કહેવાય છે.
- વિસંગત, આધુનિક, છિન્ન જીવનની લાગણીઓ કે ભાવો માટે 'અછાંદસ’નો પ્રયોગ આપણે ત્યાં સફળ રીતે થયો છે. લોકબોલીમાં અછદાંસ' રચનાઓ કરવાના પ્રયોગો સુધી આપણો કવિ ગયો છે. આમ ક્યાંક અનિયમિત લયાભાસી ટુકડાઓથી લઈને અર્થયુક્ત ગદ્ય સુધની સીમાઓ વચ્ચે અછદાંસ રહ્યું છે.
- છંદમાં જે શબ્દચયનમાં અવરોધો હતા, તે અછાંદસમાં નથી; એનાથી વધુ પડતી સ્વૈરતા આવી જવાનો ભય પણ છે. અહીં કાવ્યકેન્દ્રી ભાવસંવેદનને ઉપકારક હોય એટલું જ આગળ વધી શકાય. કોઈ એ કેન્દ્ર છોડી દે તો અરાજતા આવે જોકે આ મુદ્દો કોઈ પણ સર્જક કૃતિ માટે કહી શકાય એવો છે.
છંદ-લય કે છંદોલયરહિતતાને સર્જન પ્રક્રિયા સાથે, સર્જક-ચિત્તમાં બંધાતી સંવેદના અને અભિવ્યક્તિની સૂક્ષ્મ મથામણો સાથે પણ સંબંધ છે. માલાર્મે, શિબિર તથા એલિયટ પણ છંદોલયને સર્જનપ્રક્રિયા સાથે જોડાયેલી ઘટના માનવાના મતના છે.
અછાંદસ : પ્રથમ તબક્કો
ગુજરાતી કવિતામાં અછાંદસ આધુનિક સંવેદનાનું વાહક બને છે. અછાંદસના આ ગાળામાં કાવ્યરચનામાં; સંવેદનલક્ષી; સંરચનાલક્ષી અને ભાષાલક્ષી પરિવર્તનો આવ્યાં છે. આથી કવિતાની સમગ્ર ઇબારતમાં બદલાવ આવ્યો. પ્રત્યક્ષ અને અર્થ આપી દેતા કે સીધા સરળ (અને છાંદસમાં હોય છે તેવા પણ) પવિન્યાસોને અછાંદસ ફળાવી દે છે. નૂતન તથા અપરિચિત પદાવિન્યાસો ભાષાની વિશેષ અર્થ આપવાની અમાપ શક્તિનો અહીં ખ્યાલ આપે છે. આ ગાળાના પ્રમુખ કવિઓ - ગુલામ મહોમ્મદ શેખ - લાભશંકર - સિતાંશુ - સુરેશ જોષી - પ્રબોધ પરીખ વગેરેની કવિતામાંથી આવાં ઘણાં ઉદાહરણો લઈ શકાય. અહીં, અછાંદસના પ્રથમ તબક્કાની કવિતાની કેટલીક લાક્ષણિકતાઓ નોંધી શકાશે. ચિનુ મોદી – મનહર મોદી - રાજેન્દ્ર શુક્લ ચન્દ્રકાન્ત શેઠ - ભૂપેશ - રાવજી - મણિલાલનું અછાંદસ કાવ્યસર્જન પણ આ પ્રથમ તબક્કામાં વધુ બેસે છે.)
- આ કવિતા મહદંશે આધુનિક કલા-આંદોલનોની નીપજ છે.
- અરુઢ વિચાર અને નૂતન યુગચેતનાએ બદલેલું સંવિદ્ આ કવિતાની અભિવ્યક્તિની તરેહોને પણ બદલી નાખે છે.
- ભાષા માધ્યમ મટીને 'અનુભવ'નો વિષય બને છે.
- પ્રતીક-કલ્પન-પુરાકલ્પનોનો વિનિયોગ વધવા સાથે દુર્બોધતા આવે છે. કવિ પ્રત્યાયનની જવાબદારી સ્વીકારતો નથી.
- પોતીકું રચનાવિધાન રચી લેતી આ કવિતા વિદગ્ધ ભાવકની જાતે જ શોધ કરી લે છે - જો એ મળી જાય તો!
- અર્થવિલંબન જટિલ બનતાં દુર્બોધતાનો જાણે મહિમા થાય છે.
- સામાજિક વિધિનિષેધોને ફગાવી દેતી આ કવિતા મુક્તવિહારી બને છે. મૂલ્યો નહીં, નીતિગાન કે સામાજિક બંધનો પણ નહીં. અહીં તો કેવળ વ્યક્તિચિત્તની લીલાઓ. એમાં વિ-રતિ, હતાશા, શૂન્યતા, વિડંબના તથા નિરર્થકતાનો બોધ પણ આવે છે. પંક્તિઓ અર્થ આપે જ એવું અહીં નથી બનતું - કેટલુંક તો યાદચ્છિક લીલાવિહાર રૂપે આવે છે.
- શહેરીકરણ, અ-માનુષિતા, વિ-રૂપતાનું વર્ણન છે… એની સામે વ્યતીતરાગ પણ મુકાયેલો છે. (આમ તો એ બીજા તબક્કામાં વિશેષ ઊઘડે છે.)
- ‘ભાષાકર્મ = કવિકર્મ' વિશે સભાનતા વધવા છતાં કવિતામાં ધૂંધળાશ અને કૃતકતા વધે છે. ટેક્નિકોનાં ખોખાંમાં આખીપાખી તે ઝાંખીપાંખી સંવેદનાઓ ભરી દેવાનો ઉપયોગ છેવટે આ કવિતાની મર્યાદા બને છે. આમ બીજા તબક્કાની અછાંદસ કવિતા આ મર્યાદાઓ ફગાવીને થોડો નોખો અવાજ કાઢે છે.
- શ્રદ્ધા; આસ્થાનો છેદ ઉરાડવા સાથે પરંપરાઓ અને સમકાલીન જીવન સમસ્યાઓ તરફ આ કવિ પીઠ કરે છે - આનાથી આ કવિતા આ પ્રલાપોમાં સરી જાય છે ને નાનકડાં કવિવર્તુળો પૂરતી સીમિત થઈ જાય છે. બીજા તબક્કાના અછાંદસમાં કવિઓ શ્રદ્ધા- આસ્થાની સામે યંત્રચેતના; ભૌતિકતાવાદનો દ્વંદ્વ રજૂ કરી વર્તમાન જીવનની સાચુકલી સંવેદના વર્ણવવા તાકે છે. આમ અછાંદસનો બીજો તબક્કો વધુ સ્વસ્થ અને કાવ્યત્વની રીતે આવકાર્ય બને છે શેખનાં ‘શહેર'; ‘જેસલમેર’ જેવાં કાવ્યો; રાવજીનું ‘એન.સી.સી. પરેડ’ (અંશો) લા.ઠા.નાં ‘મારા નામને દરવાજે’ની થોડીક રચનાઓ; સિતાંશુના મગનકાવ્યો, ભૂપેશનાં બૂટ કાવ્યો; પ્રબોધનાં ‘નગારા કવિ’ જેવાં કાવ્યો; સુ. જો.નાં ‘ઇતરા’નાં કાવ્યો અછાંદસના પ્રથમ તબક્કાની સારી રચનાઓનાં ઉદાહરણો તરીકે ટાંકવા જેવાં છે. ચિનુ મોદી તથા મનહર મોદીનાં અછાંદસ કાવ્યો પણ થોડાંક નીખરેલાં છે. રાજેન્દ્ર શુક્લની ‘સ્વ-વાચકની શોધ’ જેવી રચના પણ ધ્યાનપાત્ર છે. બીજા; અનુગાંધી યુગના અનેક કવિઓ (પ્રિયકાન્ત- નલિન - જયંત પાઠક સામેલ) પણ અછાંદસ લખે છે પણ એમાં અર્થ સંવેદન અભિવ્યક્તિની પ્રત્યાયનક્ષમ માવજત એમને બંને તબક્કાના કવિઓ કરતાં જરા જુદી ઓળખ આપે છે.
અછાંદસનો બીજો તબક્કો
કૃતક આધુનિકતાવાદી વલણોની સામે ‘પરિષ્કૃત'નાં વલણો દાખવતી આ કવિતા બે વાતોનો દૃઢપણે પરિચય કરાવે છે. ૧. સર્જકચેતનામાં નિજત્વની દૃઢપ્રતીતિ, સ્વસંવેદનાની જિકર. ૨. સર્જનવ્યાપારમાં સહજતા, પરિસરનો સાંકેતિક વિનિયોગ. રૂપનિર્માણનો સ્વીકાર છતાં સંવેદના અને ભાષાપ્રયોજના – બંનેની પ્રત્યાયનક્ષમતાનો આગ્રહ અહીં રખાય છે. બીજા તબક્કાના આ નવતર અછાંદસ (એના લખનારા) અર્થપૂર્ણતા, સંવાદિતા અને અવગમ્ ક્ષમતાને તાકે છે. જનવનપ્રદેશ છોડીને શહેરીકરણનો તથા ભૌતિકતાવાદી વલણોનો ભોગ બનેલા સમકાલીન માનવજીવનની સંવેદનાને આ બીજા તબક્કાનું અછાંદસ આલેખે છે. એના પ્રમુખ કવિઓ છે : ચન્દ્રકાન્ત ટોપીવાળા (પ્રક્ષીતીર્થ) નીતિન મહેતા, જયદેવ શુક્લ, કમલ વોરા, પ્રાણજીવન, સરુષ ધ્રુવ, કાનજી, યજ્ઞેશ દવે, મંગળ રાઠોડ, હરીશ મીનાશ્રુ વગેરે. અન્ય પણ ઘણાં નામો ઉમેરી શકાય. અછાંદસ કવિતાને એના પદવિન્યાસના વિશ્લેષણ દ્વારા પણ, તબક્કા પ્રમાણે, તુલનાવી શકાય. અહીં તો બીજા તબક્કાનાં થોડાં લક્ષણો નોંધીને સંતોષ માન્યો છે.
- પરિષ્કૃતિના આગ્રહો રાખતો આ કવિ વાદોના દબાવને ફગાવી ‘કાવ્ય’ને કેન્દ્રિત કરે છે. (ગીત-ગઝલમાંય પ્રયોગો કે પ્રયોગખોરી નહીં પણ સ્વસ્થ અભિવ્યક્તિ.)
- પોતાના સમયની જીવનચેતનાને વ્યક્ત કરવા આ કવિ અંશતઃ વિસંગતિઓનો, અતિવાસ્તવનો, કપોલકલ્પનાનો આશ્રય લે છે. કલ્પનો- પ્રતીકોનો ઉપયોગ નિયંત્રિત થાય છે. (દા.ત., નીતિન – જયદેવ પુરુરાજ વગેરેનાં કાવ્યો.)
- યંત્રવિજ્ઞાને સ્થાપેલી ‘આધુનિક પરંપરા’-નો સામનો કરતો માણસ વ્યતીત રાગમાં રાચે છે આ સંઘર્ષ તીવ્ર સંવેદન ગવે છે. આ નૂતન સંવેદનાની કવિતા તે બીજા તબક્કાની અછાંદસ કવિતા – પરિષ્કૃત કવિતા! (યજ્ઞેશ દવે, યોગેશ જોશી વગેરેમાં આવાં દૃષ્ટાંતો મળે જ છે.)
- અસ્તિત્વની ખરેખરી સમસ્યાઓને ભારતીય દર્શનશાસ્ત્રોની ભૂમિકાએ ચકાસતો આ કવિ સાંપ્રત જીવન તથા યંત્રચેતનાજન્ય સંવેદનાઓને તીવ્રતર રીતે મૂકે છે. માનવનિયતિ, મનુષ્યની લાચારી, જીવનની વસંગતિઓ – બધું આ કવિતા નૂતન રીતિમાં અભિવ્યક્ત કરે છે...….એનો જુદો જ સ્વાદ હરીશ મીનાશ્રુ જેવા કવિઓની કવિતામાં મળે છે. કચારેક દિલીપ ઝવેરીમાં પણ આવો ટોન વંચાય છે પણ એમનામાં શબ્દાળુતા અને કૃતકતા પ્રથમ તબક્કાના અછાંદસ જેવી – ને – જેટલી છે.
- કાવ્યસૌંદર્ય પૂરતાં અર્થવિલંબનો; સંલાપો-પ્રલાપો નહીં પણ સ્વસ્થ સંવેદન-સંવાદ રચવો, દુરાકૃષ્ટતાથી ષષ્ઠીના પ્રયોગથી વધુ પડતા પ્રયોગથી બચવું. કૃતક ચેષ્ટાઓ કરી આંજી દેવાનું ટાળવું. સંવેદના ભાષા વચ્ચે સંવાદ રચીને પ્રત્યાયનની જવાબદારી સ્વીકારવી – જેવી લાક્ષણિકતાઓ આ અછાંદસ કાવ્યોમાં – કવિઓમાં દેખાશે.
- સહજ કાવ્યભાષા – તળપદની છાંટ સાથે આવે છે, અનુભવો ભલે વૈશ્વિક હોય – યંત્રચેતનાએ જન્માવેલા વ્યાપક સંદર્ભો હોય પણ બધું ગુજરાતી ચેતનામાં ઠરવા દઈને જ અભિવ્યક્ત કરવાનું વલણ આ અછાંદસને અનુઆધુનિકતા સાથે પણ જોડે છે.
*
(‘અધીત : બાવીસ-ત્રેવીસ’)