અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી કવિતાની આસ્વાદપ્રવૃત્તિમાંથી ઊભા થતા પ્રશ્નો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૪. ગુજરાતી કવિતાની આસ્વાદપ્રવૃત્તિમાંથી ઊભા થતા પ્રશ્નો

સતીશ વ્યાસ

ગુજરાતી ભાષામાં આપણે ‘આસ્વાદ કરવો' અને 'આસ્વાદ કરાવવો’ એવા બે પ્રયોગો કરીએ છીએ. આપણે શિક્ષકો સામાન્ય રીતે બીજા પ્રયોગનો વિશેષ ઉપયોગ કરીએ છીએ. આસ્વાદ જાણે કે ‘કરવાની' નહીં પણ કરાવવાની પ્રક્રિયા છે એમ આપણે સમજીએ છીએ. આ જે ‘કરાવવું' રૂપ છે એમાં આયાસ, કૃત્રિમતા, પરાધીનપણું, પ્રતિપક્ષની નિષ્ક્રિયતા, ફરજશુષ્કતા આદિ ઘણી ઘણી અર્થચ્છાયાઓ આમેજ થઈ જાય છે. એમાં બેજાન કર્મકાણ્ડ પણ સંકળાય છે. શ્રી સુરેશ જોષીએ મેક્લિશના પેલા પ્રસિદ્ધ વાક્યને એમના ‘કાવ્યનો આસ્વાદ' નામના લેખના પ્રારમ્ભે, આથી જ, સૂચક રીતે મૂકીને લખ્યું છે કે, ‘કવિતાના સૌથી મોટા શત્રુ તે કવિતાનું શિક્ષણ આપનારા અધ્યાપકો છે’ શુષ્ક સિદ્ધાન્તચર્ચા, વ્યાકરણજ્ઞાન, પદ્મબન્ધ કે છન્દસૂઝ આદિની માયાજાળમાં પેલું શુદ્ધ કાવ્યતત્ત્વ હાથ આવતું નથી. આપણે શિક્ષકો મુખ્યત્વે આ જ્ઞાનચર્ચા કે માહિતીપ્રદાનને ઇતિકર્તવ્ય માની આસ્વાદપ્રવૃત્તિનો વાવટો સંકેલતા-ઉકેલતા હોઈએ છીએ, પણ આમાં કાવ્યપદાર્થને તો ઊકલી જવાનો વારો જ આવતો હોય છે. મર્મ ઉકેલવો, ‘ભાવાર્થ શોધવો’, ‘કયિતવ્ય સ્પષ્ટ કરવું’, ‘બોધ પામવો’, ‘રસાદિ ઓળખવા’, ‘છંદ શોધવો’ આદિ શબ્દપ્રયોગોની આસપાસ આપણી શબ્દછેડછાડ (જગ્લરી) ચાલતી રહેતી હોય છે. આસ્વાદપ્રવૃત્તિને આપણે કેશરહિતા વિપ્રવનિતાનું વિમુક્ત ક્ષેત્ર માની બેઠા છીએ. માંજારશિરસ્ત્રાણની જેમ કાવ્યાસ્વાદોનાં થોકબન્ધ પુસ્તકો, ચોપાનિયાં, વર્તમાનકટારો ઊભરાવા માંડ્યાં છે, એ ‘કટારો’ પણ કાવ્યપદાર્થને દિનપ્રતિદિન હણ્યે જાય છે. આમ થવાનાં કારણો, કેટલાંક આસ્વાદો કરાવનારને પક્ષે હશે ને કેટલાંક ‘આસ્વાદ’ સાથે સંકળાયેલી પેલી સ્વૈરપણાની વિભાવનામાં પડેલાં હશે. 'આસ્વાદ’ સાથે અપેક્ષિત અંગતતાની અને આત્મલક્ષિતાની વિભાવનાને કારણે પણ આપણા આજકાલ બટુવ્યાપ્ત એવા ‘સબ્જેક્ટિવિઝમ'ને પણ મોકળાશ મળી છે. આપણા કેટલાક આસ્વાદો કહેવાતા લલિત નિબન્ધો બનવા જાય છે એનું કારણ પણ આ. એ સાચું છે કે કાવ્ય માત્ર પદાર્થ નથી; અનુભૂતિજન્ય પદાર્થ છે. એમાં મહિમા અનુભૂતિનો છે. એ અનુભૂતિને કવિએ પોતાની સર્જકચેતનાથી રૂપબદ્ધ કરી એક રમણીય પદાર્થ સરજ્યો છે, જેમાં અનેક સૌન્દર્યઅણુઓ સઘનતાર્થી (with comprassion) સંચિત કર્યા છે. સૌન્દર્યબોધ, અર્થબોધની નાનાવિધ શક્યતાઓ એમાં રહેલી હોય છે. પરિચિત, વ્યાસ, સર્વસામાન્ય ભાષાને કવિએ એ રીતે સંકોચી છે કે એ પેલા પરિચિતને, વ્યાપ્તને, સર્વસામાન્યને વિશેષ પરિચિત, વિશેષ વ્યાસ, વિશેષ સર્વસામાન્ય બનાવે છે. એના આ સાંકેતિકીકરણને નિર્સાકોતિક કરવાની જ એક પ્રક્રિયાનું નામ છે આસ્વાદ; અથવા કહો કે એ સાંકેતિકીકરણને પુનઃ સાંકેતિકીકરણમાં ઢાળવાની પ્રક્રિયાનું નામ છે આસ્વાદ. આસ્વાદમાં પરલક્ષિતા લાવવાનાં જોખમો છે. વસ્તુલક્ષી બનવા જતાં મૂલ્યાંકન-વિવેચનના ક્ષેત્રમાં આપણો પ્રવેશ થઈ જાય છે. ક્યારેક આપણે એને સંશોધન- અભ્યાસના સ્વરૂપમાં ખેંચી જઈએ છીએ. મધ્યકાળની કવિતાના આપણે ત્યાં થયેલા ઘણા આસ્વાદો આવા સંશોધન-અભ્યાસતત્ત્વને વણી લે છે. શ્રી ઉમાશંકર જોશીના ‘નિશ્વેના મહેલમાં', શ્રી રા. વિ. પાઠક અને શ્રી નગીનદાસ પારેખના ‘કાવ્યપરિશીલનના પૂર્વાર્ધમાં કે શ્રી જયન્ત કોઠારીના ‘આસ્વાદ અષ્ટાદશી'ના આ વિશેના કાવ્યાસ્વાદોમાં વત્તે-ઓછે અંશે આ વલણ દૃષ્ટિગોચર થાય છે. ‘કાવ્યપરિશીલન' તો આશય જ છે કવિતા ‘સમજાવવાનો’. આથી એમાં છંદ-અલંકારાદિ શબ્દપર્યાયોની, કાવ્યપરમ્પરાની ખાસ્સી એવી સમજ’ એ બે અધ્યાપકમિત્રોએ આપી છે. એ આસ્વાદો નથી પણ અભ્યાસો કે સમજૂતી જ બન્યા છે. આપણી મોટા ભાગની આસ્વાદપ્રવૃત્તિ વસ્તુકેન્દ્રી રહી છે. વિદેશી રચનાઓના અનુવાદના આસ્વાદોમાં તો વસ્તુગત સૌન્દર્યની જ વાત થઈ શકવાની. ભાષાલીલાને તો છોડી જ દેવી પડવાની! આવે સમયે રચનાના પૂરા નહીં પણ ખણ્ડ આસ્વાદો જ મળવાના. ભાષાને જ બાદ કરી નાખીએ તો રચનામાં બચે શું? વસ્તુનો, અલબત્ત, અપાર મહિમા છે પણ એ વસ્તુ કલામાં કઈ રીતે રૂપાન્તરિત થતું જાય છે એનું આપણે મન વધારે મૂલ્ય છે. કેવળ વસ્તુ આધારિત બનવા જતાં ચિન્તનાભાસને સ્વૈર અવકાશ મળે છે. ‘આપણો કવિતાવૈભવ’ (શ્રી મનસુખલાલ ઝવેરી) આ દોષનો વિશેષ ભોગ બન્યું છે. શ્રી ઉમાશંકર જોશીએ નિશ્ચેના મહેલમાં'ની રચનાઓની વાત કરતી વેળાએ આપણી તત્ત્વચિન્તન પ્રણાલિ અંગે કેટલી બધી વાતો કરી છે! આવા પ્રયાસો માત્ર વિચારવિસ્તાર જ બનતા હોય છે. અલબત્ત, શ્રી ઉમાશંકર કાવ્યપદાર્થના મરમી' હોઈ કાવ્યને પણ રસિકતાપૂર્વક ખોલી આપે છે પણ આવી વસ્તુકેન્દ્રી સામગ્રી ઘણી જગા રોકી દેતી હોવાનો પ્રશ્ન પણ થાય છે. એમાં શ્રી જોશીની વ્યુત્પન્નતા અવશ્ય પ્રગટે છે પણ સર્વત્ર એથી કાવ્યાસ્વાદને લાભ જ થયો છે એમ આપણે કહી શકીશું નહીં. 'કાવ્યાયન' શ્રી ટી. ઈ. હ્યુમના એક કાવ્ય અંગે કલ્પનવાદની લાંબી ભૂમિકા બાંધ્યા પછી કેવળ સાર-સમજ આપતા હોય એમ આ મરમી’ લેખક એક-બે વાક્યોમાં એમનું આસ્વાદકર્મ સમેટી લેતાં લખે છે કે,

“શિશિર' અને 'ડક્કા ઓવારા પર'માં ચન્દ્રને અનુલક્ષીને કલ્પનો યોજાયાં છે. પહેલા ચિત્રમાંનો વાડ ઉપર ડોકું કાઢતા રતમુખા ખેડૂત જેવો ચન્દ્ર વધુ ગમે છે કે બીજામાંનો રમત રમતાં બાળકો ચાલ્યાં જાય ને પાછળ રહી ગયેલા, વહાણના કૂવાથંભની ટોચે દોરડાં વચ્ચે ભરાઈ રહેલા ફુગ્ગા જેવો ચન્દ્ર?’

શ્રી ઉમાશંકરે ‘મારી આંખે કંકુના સૂરજ'માં મૂળમાં ન હોય એવો નાયિકાના વૈધવ્યનો ભાવ આરોપીને એ કાવ્યનો તદ્દન અસંગત એવો આસ્વાદ કરાવ્યો છે. આવું ઓવરરીડિંગ પણ જોખમી બનતું હોય છે ‘સજીવી હળવાશ’ને તો એમણે નાયિકાની સગર્ભાવસ્થા સાથે સાંકળીને ભારે ગેરસમજ ઊભી કરી છે. ને, આમ, પ્રશ્ન મૂકીને આસ્વાદકર્મ કર્યાનો એ સંતોષ લઈ લે છે. કેવળ વસ્તુગત આસ્વાદ સામે ચેતવતાં શ્રી ભોળાભાઈ પટેલ લખે છે કે,

‘કાવ્યાર્થથી જીવનસન્દર્ભ અને જીવનસન્દર્ભથી કાવ્યાને પ્રકાશિત કરતા મનોવૈજ્ઞાનિક વિવેચનનો અભિગમ કોઈ કાવ્યના અવબોધમાં અવશ્ય સહાયક છે, પણ કાવ્યના આસ્વાદ કે મૂલ્યાંકનમાં આ સન્દર્ભનું પ્રાધાન્ય જેટલું ઓછું એટલું ઉપકારક.’ (‘કાવ્યાયન’-૧૭૮)

વિવેચનદૃષ્ટિ કાવ્ય માટે કેટલી હાનિકારક છે એ અંગે શ્રી સુરેશ જોષી કહે છે કે,

‘આપણે એ ન ભૂલવું જોઈએ કે વિવેચકના વિવેચનને પણ કાવ્યના રસાસ્વાદની અપેક્ષા છે. એમ કરવાને બદલે કવિતામાંથી એ મૂલ્યબોધનું વ્યાકરણ શોધી લાવે, આગલી પરમ્પરાના અવશેષોનો ભારો બાંધી લાવે. કવિના જીવન જોડે કવિતાનો સમ્બન્ધ જોડી આપે, કવિતાને તત્કાલીન સામાજિક પરિબળોના સન્દર્ભમાં ગોઠવી આપીને કવિને પ્રગતિશીલ કે પ્રતિક્રિયાવાદી ઠરાવે તો એવા વિવેચકનાં વિદ્વત્તા, ચતુરાઈ, ધૂર્તતા અચરજ પમાડે પણ આપણે રસાસ્વાદથી તો દૂરના દૂર જ રહીએ.'

(‘કવિતાનો આસ્વાદ')

આવા વાદવિવાદપરસ્તો માટે આપણે તો અખાની પેલી એક પંક્તિનો ઉપયોગ કરીને કહીશું કે,

'વાદ કરતાં વપુ જાય છૂટી’

આપણા ઘણા આસ્વાદો સર્જક વિશેની માહિતીથી શરૂ થતા જોવા મળે છે. 'કાવ્યાયન'ના અનેક આસ્વાદકોએ જે-તે કાવ્યના કાં. વિશેની માહિતીઓ આરમ્ભમાં મૂકી છે. મૂળ કાવ્યને આથી હાનિ થવાનો સમ્ભવ છે. ક્યારેક ભાવક એનાથી ખોટી દિશામાં દોરવાવાનો સમ્ભવ રહે છે. કાવ્યને જ બોલવા દેવું જોઈએ એ જ એક અનિવાર્ય અભિગમ હોવો જોઈએ, કર્તા વિશેની માહિતીઓ આપવી પણ હોય તો કૌંસમાં હોવી ઘટે. (જોકે આ સમયમાં શ્રી ચિનુ મોદી, શ્રી હરીન્દ્ર દવે અને શ્રી રઘુવીર ચૌધરીએ આવી વિગતો ટાળી છે એ નોંધવું જોઈએ.) વાસ્તવમાં તો આસ્વાદ માટે પસંદ થયેલા કાવ્યની નીચે કવિનું નામ જ ન હોવું ઘટે. (આપણી પરીક્ષાઓમાં પણ આપણે આ ધ્યાન રાખવા જેવું છે.) આપણે કવિ વિશે માહિતી મેળવવા નથી માગતા પણ કાવ્યવિશેષનો સીધો સાક્ષાત્કાર કરવા માગીએ છીએ એ સમજ જ આસ્વાદ પૂરતી તો આપણે નિશ્ચિત રાખવી જોઈએ. પરલક્ષિતા સર્જવામાં ભાષામૂલક આસ્વાદો પણ નોંધપાત્ર ભૂમિકા ધરાવે છે. સર્જન-ભાવન વચ્ચેની એક સમાન, ઓછામાં ઓછી, ભૂમિકા ભાષાની રહે છે. આમ છતાં ભાવકે ભાવકે અને ભાવને ભાવને ભાષાનાં રૂપ-અર્થ જુદાં જુદાં રહેતાં હોય છે. આસ્વાદક પણ પોતાના ગજ પ્રમાણે કાવ્યભાષાનું કતરણસાંધણ કરે છે. એને પણ છેવટે તો આત્મલક્ષિતા તરફ વળવું જ પડે છે. શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ‘પ્રતિભાષાનું કવચ’ના ઉત્તરાર્ધમાં કરાવેલા આસ્વાદો આ દૃષ્ટિએ સૂચક છે. એ પદક્રમ, વાક્યવિન્યાસ, છંદ, અલંકાર, પ્રાસાનુપ્રાસ, આંતરપ્રાસ, ચાવીરૂપ શબ્દો, વિરોધો, સદશ્યો, સાહચર્યો જેવી વિવિધ તરેહો કાવ્યોમાંથી શોધે છે. પ્રતીક, પ્રતિરૂપ, પુરાકલ્પન જેવાં ઉપકરણોની યથાર્થતા ઉપસાવે છે. શબ્દસંકેતોની વિવિધ ભૂમિકાઓ તારવે છે, સંદિગ્ધ પંક્તિઓમાં રહેલા એકાધિક અર્થ સ્પષ્ટ કરી આપે છે. સંકુલતાના વ્યાપારને ઉકેલવા મથે છે અને શક્ય હોય ત્યાં ભૌમિતિક આલેખોનો પણ આશ્રય લે છે. આ પદ્ધતિએ પ્રહ્લાદ પારેખના ‘આજ’, ઉમાશંકરના માઈલોના માઈલો’ અને નરસિંહના ‘ભોળી રે ભરવાડણ’ના નમૂનેદાર આસ્વાદો થયા છે જ્યારે હસમુખ પાઠકના ‘રાજઘાટ પર’માં થોડું મિથ્યા લંબાણ પણ થયું છે. રાજેન્દ્ર શુક્લના ‘મને ગિરનાર સંઘરશે’ અને ચિનુ મોદીની ‘તસબી’ વિશે પણ આવું પિષ્ટપેષણ છે. કહેવાતી સંદિગ્ધ પંક્તિઓના એક કરતાં વધારે અન્વય ક્યારેક આવશ્યક લાગતા નથી. ઘણી વાર એ અર્થઘટન પ્રક્રિયામાં પણ જાય છે અને ત્યારે ભાષાવિજ્ઞાનના ક્ષેત્રને અતિક્રમી જાય છે. આ પ્રકારના અભિગમમાં પણ આમ છેવટે આત્મલક્ષી, આત્મનેપદી બનવું પડે છે એ સૂચક છે. શ્રી યોગેન્દ્ર વ્યાસે પણ આ પદ્ધતિએ થોડા આસ્વાદો ‘કરાવ્યા’ છે એ નોંધવું જોઈએ. શ્રી ઉમાશંકર જોશી ‘કાવ્યાયનમાં, શ્રી રા. વિ. પાઠક અને શ્રી નગીનદાસ પારેખ ‘કાવ્યપરિશીલન’માં, શ્રી સુરેશ જોષી ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’માં, શ્રી જયન્ત પાઠક ‘કાવ્યલોકમાં, શ્રી ધીરુ પરીખ ‘ઉભયાન્વય’માં આવાં ભાષાસ્થાનોના સૌન્દર્યલક્ષી આસ્વાદસંકેતો આપે છે. જોકે જ્યાં છંદ, અલંકારાદિ, શબ્દશક્તિની નામ પાડીને આ આસ્વાદકો સમજ આપવા જાય છે ત્યારે મુશ્કેલી ઊભી કરે છે. આ સરલીકરણ કાવ્યાસ્વાદની સંકુલતાજન્ય ચમત્કૃતિને અળપાવી દે છે. શ્રી સુરેશ જોષી જેવા પણ ‘આધુનિક અરણ્ય’ની આરસ્વાદ પ્રક્રિયા દરમિયાન અપહ્નુતિ અલંકારનું નામ પાડે છે ત્યારે આવો અનુભવ થાય છે. શ્રી જયન્ત કોઠારી અનિલ જોશીના ‘કન્યાવિદાય’ કાવ્યના આસ્વાદસમયે લક્ષણાવ્યાપારની પણ આવી વિગતે વાત કરે છે. અલબત્ત, આ પ્રયુક્તિઓએ તે તે કાવ્યોમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે એ એમનું આકલન આસ્વાદ્ય બને છે પણ પેલી સમજ આપવાની વૃત્તિ વ્યવધાન નિરમે છે. પરિભાષાઓ આસ્વાદમાં ટાળવી જ જોઈએ. આસ્વાદક પાસે એની પૂરતી સમજ હોવી તો અનિવાર્ય છે જ પણ આસ્વાદ કરાવતી વેળાએ એનું નિગરણ થઈ ચૂક્યું હોવું જોઈએ. આસ્વાદકે ભાવક ઉપર અવિશ્વાસ રાખીને એને જે તે પરિભાષા વિશે સમજ આપવા બેસી જવાનું નથી પરન્તુ એક પ્રયુક્તિ તરીકે સર્જકે એ દ્વારા કેવું રમણીય કામ આપ્યું છે એ જ ફલિત કરી આપવાનું હોય. વર્તમાનપત્રો, પ્રશ્નપત્રો કે સામયિકોમાંના આસ્વાદોને કદમર્યાદા નડે છે. આપણે ત્યાં મુખ્યત્વે ગીતગઝલ-સૉનેટોના કે ક્વચિત્ મુક્તકોના આસ્વાદો જ વધારે થયા છે. લાંબી રચનાઓને આસ્વાદ માટે પસંદ કરવામાં આવી હોય એવાં દૃષ્ટાન્તો જૂજ છે. આ અપવાદોમાં ઉમાશંકરે કરાવેલો ‘શરદપૂનમ’ (ન્હાનાલાલ)નો આસ્વાદ અમૂલ્ય છે. ‘કાવ્યાયન’માં પણ કેટલીક દીર્ઘ રચનાઓના આસ્વાદો છે. ‘કાવ્યપરિશીલન’માં પણ આપણાં કેટલાંક ખ્યાત ખણ્ડકાવ્યોના અભ્યાસ છે પણ આવા જૂજ અપવાદોને બાદ કરતાં લાંબી રચનાઓના સર્જનકર્મને તપાસવાનાં જોખમો આપણા આસ્વાદકોએ લીધાં નથી. જોકે ‘જટાયુ’, માણસની વાત’, બાહુક’, ‘સપ્તપદી’ કે ‘વિનાયક’ જેવી રચનાઓના સ્વતંત્ર અભ્યાસો હવે ઉપલબ્ધ થયા છે અને એ દિશામાં પણ આપણા અભ્યાસીઓ- આસ્વાદકો પ્રવૃત્ત થયા છે એ શુભ સંકેત છે. કેટલાક આસ્વાદકો પસંદ કરેલા કાવ્ય જેવાં અન્ય કાવ્યોને કે એમાંની પંક્તિને મળતી આવતી અન્ય રચનાની પંક્તિઓને સાથે રાખીને કાવ્યને તપાસે છે. આવી સમાન્તરતા કે તુલના હંમેશાં સુપરિણામી નથી હોતી. હા, ક્વચિત્ એવી તુલના પસંદ કરાયેલા કાવ્યના આસ્વાદને પુષ્ટ કરે, પણ ઘણી વાર તો આવા અન્ય સન્દર્ભોનું ભારણ વધારે હોય અને મૂળ કૃતિ બાજુએ રહી જતી હોય એમ પણ થાય. શ્રી સુરેશ દલાલ કે શ્રી હરીન્દ્ર દવેના કેટલાક આસ્વાદોમાં આવું બને છે. એ બે આસ્વાદકો બહુધા રંગદર્શી બની જાય છે. વેણીભાઈ પુરોહિત અને યશવન્ત ત્રિવેદીમાં પણ આવી રંગદર્શિતા જોવા મળે છે. અલબત્ત, કાવ્યમાંના વિસ્મયની સમીપ જવા આસ્વાદકર્મોના વિસ્મયનું તત્ત્વ સહાયભૂત થઈ શકે પણ એનો ઘટાટોપ ક્યારેક કાવ્યની આસપાસ અનાવશ્યક આવરણો ઊભાં કરે છે. ઘણા આસ્વાદકો ભ્રમરની જેમ પુષ્પની આસપાસ ગણગણાટ કરતા જોવા મળે છે પણ પુષ્પ ઉપર ઠરીને બેસતા જોવા મળતા નથી, હાથ ફેલાયા હોય પણ બાથ જ ન ભીડી શકતા હોય એમ! કવિતા વિશે શ્રી જયન્ત કોઠારી ‘આસ્વાદ અષ્ટાદશી’ના આમુખમાં એક સરસ ઉપમા યોજે છે એ આસ્વાદકોએ ધ્યાનમાં રાખવા જેવી છે. એ કહે છે :

‘કવિતા વનિતા જેવી છે. એનું હૃદય સંવનન વિના ઊઘડતું નથી. કવિતાનું સાંનિધ્ય સેવવાનું હોય છે, એને સર્વાંગે હળુહળુ સ્પર્શવાની હોય છે. ત્યારે જ પોતાના આંતર-ઐશ્વર્યનો એ આવિષ્કાર કરે છે.’

જોકે કશી આળપંપાળ વિનાના આસ્વાદો નથી જ થયા એમ કહી શકાશે નહીં.. ‘કાવ્યપરિશીલન’માં શ્રી નગીનદાસ પારેખે કરાવેલા આસ્વાદો, ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’માંના શ્રી સુરેશ જોષીના એકાધિક આસ્વાદો, શ્રી હરીન્દ્ર દવે, શ્રી હેમંત દેસાઈ, શ્રી જયન્ત પાઠક, શ્રી ઉશનસ્ (‘રૂપ અને રસ’માં) કે શ્રી ધીરુ પરીખ (‘ઉભયાન્વય’માં)ના કેટલાક આસ્વાદો તદ્દન નિર્ભેળ છે. શ્રી સુરેશ દલાલનો ‘એક રૉમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન’ વિશેનો આસ્વાદ પણ રમ્ય છે. શ્રી સુમન શાહ સમ્પાદિત ‘ખેવના’ના એક અંકમાં શ્રી રાજેન્દ્ર શાહની ‘શાન્ત કોલાહલ’ રચના સન્દર્ભે વિવિધ સ્વાદકોએ કરેલા આસ્વાદો આ પ્રવૃત્તિમાં રહેલા સ્વૈર, આત્મલક્ષી તત્ત્વને સુપેરે ઉપસાવે છે. અલબત્ત, આ સ્વૈરતા કાવ્ય જેટલી છૂટ આપે એટલી જ લાવવાની હોય છે. આપણી આખી આસ્વાદપ્રવૃત્તિ ભેળસેળિયા અને સ્વૈર રહી છે. આસ્વાદને કેવળ શુદ્ધ આસ્વાદ તરીકે લેવાની શિસ્ત આપણે ભાગ્યે જ ઊભી કરી શક્યા છીએ અને આને લીધે જ કાવ્યશિક્ષણની સમસ્યાઓ પણ આપણને પજવતી રહી છે. આસ્વાદ અંગેની આપણી સમજ જેટલી સ્વચ્છ થશે એટલી જ આપણી કાવ્યશિક્ષણ-પ્રવૃત્તિ નિર્ભેળ, પારદર્શી, નરવી અને સોંસરી બનશે.

*

(‘અધીત : અઢાર’)