અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી ગઝલ : વિકાસ અને મહત્ત્વના પડાવ
સંજુ વાળા
કોઈ પણ વિકાસ અને એનાં સીમાસ્થાનો વિશે વાત કરવી એટલા માટે અઘરી છે કે એના નિરીક્ષકનો પોતીકો વિભાવ પણ એમાં ભળેલો હોય છે. છતાં આવા વખતે સભાન આલેખક બને એટલો તટસ્થ રહી પોતાનાં નિરીક્ષણો, અવલોકનો નિર્દેશતો હોય છે. અહીં પણ મારા પોતીકા વિભાવ-દૃષ્ટિકોણથી મારા થોડાં વર્ષના અભ્યાસથી વિષયની મર્યાદામાં રહીને કેટલીક વાત-વિગતો અહીં મૂકવી છે. ગુજરાતી ગઝલના ચાર-છ પેઢીના સંયુક્ત પ્રવાસને કેન્દ્રમાં રાખીને આ પ્રવૃત્તિમાં સક્રિય રહેલા માતબર ગઝલકવિઓ વિશે અહીં આપણે ચર્ચા કરવાના છીએ. આ સર્જકોનાં ગઝલવિષયક રસનિધિ વિશે તથા વિશેષતાઓ અને મર્યાદાઓ સહિતનાં તારણો અને સૌન્દર્યસ્થાનો વિશે પણ વાત કરવાનો એમાં ઉદ્દેશ્ય છે. એ પહેલાં મારે અહીં જેમના બહુમૂલા પ્રદાનથી આપણી સમગ્ર ગઝલ રસાયેલી છે તેવા કવિઓનાં કવનની એકાદ-બે શેરને કેન્દ્રમાં રાખીને જેની માંડણી થવાની છે, જેની ચર્ચા માટે આપણે ગૌરવ લઈ શકીએ તેમ છીએ તેવી અને ત્યાં સુધી પહોંચાડનાર આપણી ભાષાની ગઝલ વિશે થોડી પ્રાથમિક વાત કરવી આવશ્યક સમજું છું. આપણે સૌ જાણીએ છીએ કે ગઝલ, કાવ્યપ્રકાર છે. એની સ્વરૂપગત ચર્ચાને અહીં અવકાશ નથી. તેમ છતાં સાવ પ્રાથમિક રીતે ઉલ્લેખીએ (જે લોકો ગઝલ વિશે કશું જ નથી જાણતા માત્ર એમના માટે જ.) તો આ બહારથી આવેલી પ્રજાની આંગળીએ આવેલ કાવ્યપ્રકાર છે. જેની આકારગત જરૂરિયાતમાં, સમાન વજન ધરાવતી (છંદોબદ્ધ), કાવ્યાત્મક ચમત્કારયુક્ત, સપ્રાસ (જેને ગઝલની પરિભાષામાં કાઠિયા અને રદીફ કહે છે.) બે પંક્તિઓ (મિસરા) દ્વારા એક શેર બને. ગઝલ આવા ચાર-પાંચ કે તેથી વધુ શેરનું એક ઝૂમખું હોય છે. એમ કહી શકાય કે વ્યક્ત થવું એ માનવીની પાયાની જરૂરિયાત છે અને વાણી એ કેટલાંક પૈકીનું એક અભિવ્યક્તિનું માધ્યમ છે. કોઈ બોલે, કોઈ ગાય અને કોઈ ગણગણે. પણ અંદર ઊઠતા ઊભરા કે ઉમળકાને બહાર તો લાવવો પડે એટલે કે વ્યક્ત થવું પડે. આવું વ્યક્ત થવું એ માણસની અંતઃસ્ફુરણાનું પ્રકટીકરણ ગણાય છે. એના રસ્તા અનેક છે અને મુસાફર પણ અગણિત છે. એ કંઠસ્થ પરંપરા હોય કે મુદ્રણકળા પણ એમાં મહત્ત્વ તો વ્યક્ત થવા સુધી પહોંચાડતી કે સાંપડતી રમ્ય ક્ષણનું છે. આવી કોઈ રમ્ય ક્ષણને સાચવી હશે અને આપણા પૂર્વજ કવિતા સુધી પહોંચ્યા હશે એણે આપણા માટે એક ભૂમિકા રચી આપી, એમ કહીએ કે એક કેડી કંડારી આપી. આપણે આજે આ તૈયાર ભોમકામાંથી માટીની મુઠ્ઠી ભરીએ છીએ. એમાં સર્જકનું પોતીકું અજવાળું અને નિજી સંવેદનાનાં રૂપ ભળે એટલે સુરમ્ય આભૂષણ થઈ જાય જે આપણા આંખ-કાનને ધન્ય કરે. આ પૈકીનું એક ઘરેણું ગઝલ છે. ગઝલને આજે આપણે આ મુદ્રાથી સ્થાપી શકીએ તેમ છીએ અને તેનું ગૌરવ લઈ શકીએ તેમ પણ છીએ. આ ગઝલ વિશે બહુ ટૂંકમાં વાત કરીએ તો એ ભારતમાં ઇસ્લામિક શાસકો સાથે તેમની ભાષા અરબી-ફારસીમાંથી ઊતરી આવી. લગભગ ૧૩મી સદીમાં અમીર ખુશરો પછી બાબા-એ-રેખતા તરીકે ઓળખાતા કિવ વલી ગુજરાતી, ઉર્દૂના પ્રથમ ગઝલકવિ કહેવાય છે. જાહેર છે કે વલી ગુજરાતના હતા. એ રીતે પણ ગુજરાતીનો ગઝલ સાથે નાતો છે. સોળમી સદીમાં પ્રેમાનંદ અને સત્તરમી સદીમાં શામળની કવિતા ઉર્દૂના ‘મશનવી’(કથાકાવ્ય) અને ‘નામે’ (ચરિત્રકથા)થી પ્રભાવિત હોવાનું નોંધાયું છે. પરંતુ ૧૯મી સદી (૧૭૭૭-૧૮૫૩)માં તો ગઝલ રેખતા’ પ્રકારે વ્રજ, ખડીબોલી અને ગુજરાતીના મિશ્રણથી દેખા દેતી થાય છે. ગુજરાતી કવિ દયારામમાંથી પંક્તિ મળે..….
એક ખૂબસૂરત ગભરું ગુલઝાર સાવરા,
તારીફ ક્યા કરું હૈ સબ ભાત સે ભલા
-દયારામ (૧૭૭૭-૧૮૫૩)
પારસીઓ સાથે આવેલ રંગભૂમિમાં પણ ‘ખેત’ તરીકે ગઝલ દેખા દે છે. મનસુખ દાદી તારાપોર અને બહેરામજી મલબારી જેવા કવિઓ પછી એ જ રેખતા આપણા નર્મદમાં પણ મળે. કવિશ્રી હસનઅલી નાથાણી ‘નસીબ’ના છેક ૧૯૬૫માં પ્રગટ થયેલ ગઝલસંગ્રહ ‘ધૂપદાન’ના પ્રાસ્તાવિકમાં શ્રી મુનાદીએ લખ્યું છે કે ‘ગુજરાતીનો પ્રથમ ગઝલસંગ્રહ ‘શયબ મુહમ્મદ કાશિ’ દ્વારા ૧૮૪૦-૪૫ આસપાસનો પ્રકટ થયો છે અને લંડનની કોઈ લાઇબ્રેરીમાં આ જોયો છે.’ પરંતુ આવો સંગ્રહ આપણી ભાષા સુધી પહોંચ્યો હોવાનું જાણમાં નથી. છેવટે આજે આપણા ઘણાબધા વિદ્વાનો એ વાત સાથે સંમત થાય છે કે પ્રથમ ગુજરાતી કહેવાય એવી ગુજરાતી ગઝલ આપણને ૧૯મી સદીની છેલ્લી પચ્ચીસીમાં મળે છે. ‘ભારતીભૂષણ’ નામે એ વખતના ગુજરાતી સામયિકના માર્ચ-૧૮૮૭ના અંકમાં દીઠી નહીં રદીફથી પ્રગટ થયેલ આ ગઝલ પર, ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ તરીકે ઘણા અભ્યાસુઓની નજર ઠરે છે અને એ ગઝલનો યશ શ્રી બાલાશંકર કંથારિયાને મળે છે. આ અંક ફાર્બસ ગુજરાતી સભાની સમૃદ્ધ લાઇબ્રેરીમાં જોવા માટે આ લખનારે શોધ કરી હતી. અન્ય અંકો જોવા મળ્યા પણ ઉક્ત અંક ન મળી શક્યો. આ ગઝલના બે શેર જોઈએ :
બલિહારી તારા અંગની, ચંબેલીમાં દીઠી નહિ,
સખ્તાઈ તારા દિલની, મેં વજમાં દીઠી નહિ.
મુખચંદ્રમાં મેં દીઠી છે. આખી છબી જગતની;
પણ આખડી મુજમાં વસી તું તેથી મુજ દીઠી નહિ.
-બાળાશંકર કંથારિયા (૧૮૫૮-૧૮૯૮)
બાલાશંકરની આ ગઝલ રદીફ અને છંદ જાળવે છે, પરંતુ ગઝલનું મહત્ત્વનું અંગ એવા કાફિયા જળવાતા નથી. આ જ કાળમાં ગુજરાતીના લબ્ધપ્રતિષ્ઠિત અને મોખરો સંભાળી શકે એવા ‘આજ મહારાજ! જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે’ના કવિ શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ પાસેથી પણ થોડી ગઝલ રચનાઓ મળે છે. એકાદ ખપજોગ ઉદાહરણ અહીં.
તને હું જોઉં છું, ચંદા! કહે! તે એ જુએ છે કે?
અને આ આંખની માફક–કહે તેની રુએ છે કે?
સલૂણી સુંદરી ચંદ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું! કહે, તે એ ધુએ છે કે?
-કાન્ત (૧૮૬૭-૧૯૨૩)
સાથે જ સર્વશ્રી મણિલાલ નભુભાઈ, સાગર, ડાયાલાલ દેરાસર ‘બુલબુલ’, ઠક્કર નારાયણ વિસનજી, ભોળાનાથ દિવેટિયા, હરીલાલ યાજ્ઞિક, હરીલાલ ધ્રુવ, નવલરામ લક્ષ્મીરામ અને શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ તથા કેટલાક સ્ત્રીકવિઓને પણ આ સમયના જુદા જુદા તબક્કે ક્યારેક જરૂરિયાતથી તો ક્યારેક નાટક કે રંગભૂમિ જેવામાં પૂરક તરીકે ગઝલ સાથે નિસબત દાખવી છે તે માટે યાદ કરવા પડે. જેમાંથી ‘કલાપી’ને આપણે આજ સુધી વાંચતા- ભણતાં પણ રહ્યા છીએ. આ બધી વિગતો સાથે રાખીને આગળ વધતી છેવટે ગુજરાતી ગઝલના અભ્યાસી શ્રી ચિનુ મોદીના વિધાન પર ઠરવું પડે તેમ સ્વાભાવિક જ કહી શકાય : ‘ગઝલને ગુજરાતી ભાષા પૂરેપૂરી માફક આવી શકે તેમ છે એ ‘શયદા’એ સિદ્ધ કરી આપ્યું. ગુજરાતી ભાષા ગઝલ માટે સક્ષમ છે. ઉર્દૂ- ફારસીના આશ્રય વગર સક્ષમ છે એ ‘શયદા’ની રચનાઓથી સ્પષ્ટ થયું. આપણે પણ શ્રી ચિનુ મોદી સાથે સંમત થઈને સૂર પુરાવી શકીએ કે ‘શયદા’માં ગુજરાતી ભાષાએ પૂર્ણ વિકસિત ગઝલ જોઈ-પ્રમાણી છે. હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબર પર આવી, ન જાય ઘરમાં, ન બહાર આવે.
-શયદા
શ્રી હરજી લવજી દામાણી ‘શયદા’ (૧૮૯૨-૧૯૨૦) ગુજરાતી ભાષામાં સ્થિર થતી ગઝલમાં શયદા પ્રમુખ કવિ તરીકેનું સ્થાન/માન ધરાવે છે. શયદાની ગઝલથી ગુજરાતી ભાષા ગઝલસિદ્ધ થઈ હોવાનું પણ આપણાં વિદ્વાનોએ કહ્યું છે. ઘણી ઉત્તમ ગઝલો આ કવિએ આપણી ભાષાને આપી એટલું જ નહિ પણ શુદ્ધ ગુજરાતીમાં ગઝલ આપી એમ પણ કહી શકાય. તેમની અત્યંત જાણીતી એક ગઝલનો આ મક્તા (ગઝલ કાવ્યપ્રકારમાં અંતિમ શેર કે જેમાં કવિના નામ કે તખલ્લુસનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને મક્તા કહે છે) છે. કવિએ આ મક્તામાં ચિરવિરહની પરાકાષ્ઠા વ્યક્ત કરી છે. હૃદય અને નયનના પ્રભાવ તળે આખું અસ્તિત્વ હાલકડોલક થઈ ઊઠ્યું. કોનો વિરહ છે એવી કોઈ સ્પષ્ટતા અહીં નહીં કરીને સર્જકે મનઃસ્થિતિનું નિરૂપણ કાવ્યરીતિએ કર્યું છે. કથકની આ કિંકર્તવ્યમૂઢ મન:સ્થિતિ કેવી છે? ‘કુમાર સંભવમ’માં મહાકવિ કાલિદાસે શિવ-પાર્વતીના પ્રથમ મિલન વેળાએ શિવનું રૌદ્ર રૂપ જોઈને પાર્વતીની જે મન:સ્થિતિ થયેલી તેના માટે એક શ્લોકમાં કહ્યું છે કે ‘શૈલાધિરાજ તનયા ન થયો ન તસ્થો’. પાર્વતી નથી તો આગળ વધી શકતાં કે નથી પાછળ જઈ શકતાં) અહીં આપણા આ કથકની સ્થિતિ પણ આવી જ કહી શકાય. આપણા ભક્તકવિ દાસી જીવણ પણ એના એક ભજનમાં કહે છે : ‘એની મુને ભ્રમણા ભારી, ઘડક ઘરમાં ને ઘડીક બારી, મીટપમાં મોરારી રે..કલેજા કટારી, માડી મુને માવે લઈને મારી રે મારી.’ બસ આવી ક્યાંક મીટ લાગી ગઈ હોય ત્યારે ક્યાંય સ્થિર ના થઈ શકાય એ અહીં પૂરી ગઝલિયત અને શેરિયતથી નિર્દિષ્ટ થયું. શ્રી શયદાની સાથે સર્વશ્રી નસીમ, સગીર, સાબિર, શાહબાઝ, મજનુ, પતીલ, અમીન આઝાદ અને કરસનદાસ માણેકનું પણ સ્મરણ કરવું પડે. ગઝલની વિકાસયાત્રામાં આ સૌ સર્જકોએ યત્કિંચિત પદાર્પણ કર્યું છે. સાબિર જેવા કવિને તો શ્રી ઉમાશંકર જોશી જેવા ગુજરાતીના પ્રજ્ઞાવાન કાવ્યમર્મજ્ઞની પ્રસ્તાવનાનો લાભ પણ મળ્યો છે.
છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું :
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.
-કરસનદાસ માણેક
જનસમૂહનાં આંધળાં અનુકરણો કે વરવાં ગૃહીતોને સર્જક ક્યારેક કકળતી આંતરડીએ વાચા આપતો હોય છે. ત્યારે એનો શબ્દ આમજનની હૃદયવેદના થઈને પ્રગટે. એની આવી ટકોર ક્યારેક વૈચારિક આંદોલન ઊભું કરવા સક્ષમ નીવડે, કારણ કે આ તથ્યનો મોઢામોઢ સામનો કરવાની ઘડી હોય છે. વ્યક્ત થયેલા વિચારની સત્યતા જ એને પ્રમાણભૂત દરજ્જો આપે છે.
ઇચ્છાઓ કેટલી મને ઇચ્છા વગર મળી,
કોણે કહ્યું ‘અમીન’ ન માગ્યા વગર મળે?
-‘અમીન’ આઝાદ
માણસનું મન પોતે જ ઇચ્છાઓનો ખડકલો છે. આ ઇચ્છાઓ-અપેક્ષાઓ શું હોય અને મનના સંદર્ભમાં તો આપણા અધ્યાત્મજગતે બહુ જ સૂક્ષ્મતાથી વાત માંડી છે. આ ઇચ્છાઓ અજાણ્યા પ્રદેશની જ અજાણી ઊપજ છે. આ શેરમાં સર્જકે ‘અમીન’ નામ કે ઉપનામનો જે ચીવટથી ઉપયોગ કરી અર્થવિસ્તારની બહુલતા નિર્દેશી તે રસભર છે. ‘અમીન’નો અર્થ મોભાદાર માણસ, વિશ્વાસુ, ન્યાયાધીશ વગેરે. આવા માણસ થવા માટે ઇચ્છાઓ કરવાની હોતી નથી. આ તો આપણી માણસાઈની લાયકાત છે. બસ આટલું સમજ્યા પછી આ શેર ફરી વાંચો. એનું સૌંદર્ય આપોઆપ નીખરી આવશે.
ઊઘડતા મળસકે સમાચાર દીધા,
કંઈકનાં સુખદ એવાં સ્વપ્નો ઘવાયાં.
-સાબિરઅલી ‘સાબિર’
પ્રભાતના આગમને ઘણીબધી નવી શક્યતાના સંચાર તો કર્યાં પરંતુ સમાંતરે કેટલીક ઘટનાઓનો અંત પણ આવ્યો. જેમ કે આપણે અંધકારને ગુમાવ્યા વિના અજવાસની પ્રતીતિ કે પ્રાપ્તિ કરી શકતા નથી. કવિએ અહીં આવી બહુ નાજુક ક્ષણનો સાક્ષાત્કાર કરાવ્યો છે. જે થોડી સૂક્ષ્મ અને કાવ્યમય નિરીક્ષાની પણ સાક્ષી આપે છે. આપણે ત્યાં એક એવી પણ માન્યતા છે કે વહેલી સવારના સપનામાં જે ઘટના ઘટે છે તે સાચી પડતી હોય છે. એટલે અહીં માત્ર મળસકું, પ્રભાત જ નથી થયું. કોઈ કજા, આફત ઊતરી આવી છે. આપણે જાણીએ છીએ ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ની સવાર અને એ કચ્છનો ભૂકંપ. આવો જ પૂરપ્રકોપ અને અન્ય પણ આફતો. સાબિર સાહેબ તો એ પહેલાં ઘણા વખતે વિદાય થયા છે. પરંતુ આ શેર કેવી હકીકતને ભાખી બેઠો. એવી કોઈ હકીકતનું બયાન ન સમજીએ અને એને કાવ્યની રીતે નાણીએ તોપણ આ તો કેવી સવાર છે? જેણે આ સ્થિતિ સર્જી?
પીંછીથી નહિ, ચીતરું છું દૃષ્ટિથી ચિત્રો,
જોવાને કલા મારી, કલાકાર અહીં આવ!
- સગીર (ગુલામહુસેન મહમદકાસીમ ‘સગીર’)
કવિની મઝા તો જુઓ. બા-કાયદા એ સમકક્ષ કલાના હક્કથી એના દાયરામાં પ્રવેશી જાય છે. કળાની જ વાત હોય ત્યારે શબ્દથી ચિત્ર આલેખાય કે રંગ-આકારથી કવિતા બને વાત એક જ છે. પરંતુ આવો હક્ક જતાવી શકનાર કવિ કે કલાકાર એની કળાને સમર્પિત અને નિષ્ઠાવાન હોવો સૌથી પહેલાં જરૂરી. જોકે એમ હોય ત્યારે જ એ આટલા વિશ્વાસથી વાત કરી શકે.
લખે છે વીજળીનો હાથ કૈં આકાશમાં જ્યારે
ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’
શ્રી ‘અનિલ’ આમ તો આપણી વિકાસકાળની ગઝલપ્રવૃત્તિ કે ગઝલમંડળો સાથે સંકળાયેલું નામ છે, પરંતુ તેમને પરંપરાની ગઝલ સાથે રહીને કેટલીક આગવી કાવ્યમથામણ બહુ જ ધ્યાનાકર્ષક રીતે દાખવી છે. તેમના સંપાદન તળેના સામયિક ‘કંકાવટી’એ પણ ગઝલની ઘણી ચર્ચાઓ છેડી છે. વીજળી જેવા આકાશી તત્ત્વને ‘અનિલ’ કોઈના હાથની જાદુગરી તરીકે આલેખે છે. કોઈ પશ્ચિમના કવિએ વીજળીને ‘ઈશ્વરના હસ્તાક્ષર’ કહ્યાનું યાદ આવે છે. વીજળીનો એક શેરડો પડે અને આકાશમાં થતો રસ્તો તો આવા કોઈ સર્જકની આંખ જ નિહાળી શકે. ગંગાસતી કહે : વીજળીના ચમકારે મોતી રે પરોવીએ પાનબાઈ પણ એ તો સાધનાનો માર્ગ, જે વીજળીના હાથ ભાળે, અડાબીડમાં કેડી કંડારે, આકાશમાં રસ્તા પણ નિહાળે. એ બધું પોતે કરે અને ભાવકને કાવ્યનો સ્વાદ ચખાડે. બસ, કવિતાએ બીજું શું કરવાનું?
વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી ચડ્યો,
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિંદગી.
-વેણીભાઈ પુરોહિત
માનનિયતિની આ કડવી હકીકત. ક્યાં જન્મ લેવો એ હાથની વાત નથી. અહીં ‘સાવકું સરનામું’ કહીને તીવ્ર અણગમો વ્યક્ત થાય છે. કારણ? તો કે, ક્ષણે ક્ષણે કાળ નામની વિકરાળ શાશ્વતીએ જેને એંઠી કરી છે એવી જિંદગીના સાક્ષી બનવાનું થયું. આ કાળ સમયનું પરિમાણ છે તો મૃત્યુનો નિર્દેશક પણ છે. બંને મહાનિયત સતત જેને ખોતરી ખાય છે એવું પરોપજીવી અસ્તિત્વ જેટલી કથનની વાસ્તવિકતા છે એટલી જ કથનરીતિ અને અભિવ્યક્તિની સુંદરતા. ‘કાળની અબજો અજીઠી પળ’ ક્યા બાતથી વધુ શું કહીએ? આ કાળમાં આ સૌ કવિઓ સાથે રહીને ગઝલ લખનારાં બીજું પણ થોડા નામ સ્મરણે લેવાં પડે. જેમ કે સાગર, દેરાસરી, દીવાનો, ફકીર, નસીમ, પતીલ, અકબરઅલી અને આસીમ રાંદેરી વગેરે. શયદાકાળ પછી ગુજરાતી ગઝલને ગુજરાતી ભાષાના વળવળાંકો, બોલચાલની લઢણો, ભાષાનું પોત અને શક્યતાઓ સાથે રાખીને ગઝલની ઉપાસના કરનારા સર્જકોનું એક માતબર જૂથ મળે છે અને એની આગેવાની સર્વશ્રી ગની, ઘાયલ, મરીઝ અને શૂન્ય પાલનપુરી સંભાળે છે. આ સર્જકોના સથવારામાં તો બીજા અનેક ગઝલસર્જકો સહપ્રવાસી છે. એ જ રીતે એ પછીના કાળે અને આજ સુધી સર્જાતી ગઝલની તવારીખ નોંધીએ તો હિસાબ આપવો ઘણો અઘરો છે. એમ કરવા જતા સૌ કોઈનો સમાવેશ તો આવા ટૂંકા ફલકમાં શક્ય નથી અને કોઈ પસંદગીના નામોલ્લેખ ના કરી શકાય, તેમ થવું યોગ્ય પણ નથી. પરંતુ બધી કલાઓમાં અને વ્યવહારમાં થતું આવ્યું છે એમ આ એક પ્રકારનું સમયના ગાળાના સંદર્ભે સહસર્જન અથવા તો સહકાર્ય છે. બની રહે છે. કેટલેક અંશે તેઓ સર્વના સ્વતંત્ર પ્રદાન અને નિજી કથન-કહેણ-નિરૂપણરીતિઓ સ્વાભાવિક રીતે જ તારવી શકાય. પરંતુ એ પણ ઘણો અવકાશ માર્ગે, પરંતુ એ વાતે એ પણ ખરી જ કે દરેક કાળે થતું આવ્યું છે એમ યુગે યુગે કાફલાઓનો નહીં, કેડી કંડારનારા અને ચીલો ચાતરનારની પડખે ઇતિહાસ વિરામ લેતો હોય છે. આપણી ગઝલમાં પણ એમ જ થયું હોય, થયું છે. જે એક રીતે જાહેર પણ છે. આવા મોખરો સંભાળતા ગઝલ કવિઓના કામથી આમ તો આપણે પરિચિત હોઈએ છીએ. વાતે વાતે સંદર્ભ તરીકે પણ આવા શેર ટાંકતા હોઈએ છીએ. એટલે અહીં આવા થોડા શેરથી જ આપણે આગળ વધીએ. આ સૌ ગઝલપ્રદેશની વાટે નીકળેલા સર્જયાત્રીઓમાં શ્રી શયદા અને થોડા બીજા સાથીઓએ ગઝલઉપાસનાને આગળ વધારનારા બંદાઓમાં મોખરે ભલે ગની, ઘાયલ, શૂન્ય હોય પરંતુ કાવ્યકળા, કથનકળા અને વૈચારિક ઊંડાણ-ઊંચાઈ-વ્યાપને સમગ્રપણે પહોંચી વળે તેવા મબલખ ઉત્તમ નમૂનાઓના કસબી આપણે ‘મરીઝ’ને ઓળખીએ છીએ. ‘મરીઝ’ પાસે આવીએ ત્યારે એમ થાય કે એમના કયા શેરની વાત કરવી? અહીં એક-બે મને ગમતા શેર : મરીઝની જીવનશૈલીમાં બેફિકરાઈ છે, પણ બેજવાબદારી નથી. તે જ રીતે તેમની ગઝલમાં ગંભીર જીવનનિયતિના સંદર્ભો સરળ ભાષામાં ભલે વ્યક્ત થયા હોય પણ એની સરળતા છેતરામણી છે, કવિને મીટ પણ કશુંક સર્જવા કરતાં અનેક વાંક-વળાંકવાળા જીવનના કોઈ ખૂણામાં પડેલી કોઈ સચ્ચાઈસભર હકીકતને કાવ્યાત્મક રીતે રૂપાંતિરત કરવાની છે, આ કવિની કોઈ ખાનગી વાતને વહેંચવી છે, પણ જાહેર કરવી ના હોય તેમ ભાવકના કાનની નજીક જઈને માધુર્ય અને સૌંદર્યથી લપેટીને વ્યક્ત કરે છે. એનું પોત કેવું છે? જુઓ :
એના ઇશારા રમ્ય છે, પણ એનું શું કરું?
રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે!
-મરીઝ (અબ્બાસ અબ્દુલઅલી વાસી ‘મરીઝ’)
અહીં આ રમ્ય ઇશારાથી એ જેના છે એના હોવાપણાની યથાર્થતા નક્કી થાય છે. ઇશારો તો સૌ કોઈ કરી શકે પણ રમ્ય ઇશારો તો જે અત્યંત પ્રિય હોય તેનો જ. બીજા મિસરામાં તો આ કવિ જ કહી શકે એવી વાત છે. એ ઇશારાથી દિશા તો નક્કી થઈ પણ એની સાથેનો લગાવ, બંધાઈ ચૂકેલા બંધનના ભોગે કોઈ પ્રગતિ કે પ્રાપ્તિ ખપની નથી. પેલી રમ્યતા છે તે ઘડીના છઠ્ઠા ભાગમાં ઓગળી ગઈ. આ સઘનતા અને ભાવસામર્થ્ય ‘મરીઝ’ આપણી સામે મૂકે છે અને સચોટતાપૂર્ણ વાસ્તવિકતા બધાં આવરણ ફગાવી દઈને દર્શનરૂપે પ્રગટે છે.
એકત્વ આ જરૂરી છે માનવતાવાદમાં,
કોઈ ગુનો કરે અને લાગે શરમ મને.
-મરીઝ
કોઈ સમાજશાસ્ત્રી કે દાર્શનિકે કહ્યું છે કે ‘કવિ સમાજનું લાઉડસ્પીકર છે.’ અહીં કવિ આવા સમાજ વતી વસવસાના સ્વરે વાત કરે છે. એટલું જ નહિ આ પ્રજા અને કવિનું એકત્વ સમસ્ત માનવજાતને સંવેદનાના સ્તરે એક વર્ગમાં મૂકી આપે છે. ગુનો કરે બીજા અને શરમ અનુભવે બીજા. જો આવું જ બનવા પામે તો? આપણે કહી શકીએ કે તો આખું વિશ્વ સદનું ઉપાસક બની જાય. બસ અહીં કવિનો આ સ્વર સંભળાય છે. બીજી રીતે જોતાં રચનારીતિમાં વારંવાર અનુભવાતો કટાક્ષ ઊભરી આવે છે. જો એક ગુનો કરે અને એની શરમ સૌ કોઈને લાગે તો માનવજાતિ એક છે એવું કહેવાય. પણ આજના સંકુચિત, સ્વમાં રમમાણ અને નર્યા યાંત્રિક યુગમાં આ ઉમદા તત્ત્વ શક્ય નથી. કવિની તો આદર્શ સ્થિતિની કામના હોય. ‘મરીઝ’ આપણને ઘણી વખત બહુ આંતરિક સમાજના સ્તરે લઈ જઈને ક્યારેક તો બેબાકળા કરી મૂકવાની કળા બહુ સારી રીતે જાણે છે. જુઓ. ગરીબોના જીવનમાં ઝેર એવું રેડજે યા રબ! / મરણને ઘૂંટ પી લે એનું લોહી ચુસનારાઓ.’
તક આવી નિમજ્જનની પછીથી તો મળે ક્યાં?
આ આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો લે!
-અમૃત ‘ઘાયલ’ (અમૃતલાલ લાલજી ભટ્ટ ‘ઘાયલ’)
શ્રી અમૃત ઘાયલ એમની તળ સોરઠી ભાષા અને સાદગીથી રજૂ થતા ચોટદાર ભાવસામર્થ્યના સર્જક છે. અહીં કહેવાયું છે કે જેના આંતર મનમાં ડૂબકી મારીને સમરસતા, ઔદાર્ય અને શાતા પામી શકાય એનો સથવારો સાધુસંગ જેવો હોય છે. આ એના સૂક્ષ્મતાથી આવિર્ભૂત થતા અસ્તિત્વની વાત. પણ સ્વના હોવાની એવી પ્રતીતિ થવી એ તો એના કરતાં પણ મોટી વાત. જો સજગતાથી આંખ બંધ થાય તો બાહ્ય જગતનો લોપ થાય અને આંતર જગતના દરવાજા ખૂલી જાય. આ કોઈ સાધુજન પોતાના માર્ગે અને કોઈ ગુણીજન અથવા તો કોઈ સુજ્ઞ કવિજન હેતપૂર્વકની નહિ, સહજ આંખ બંધ કરે ત્યાં એની ઉપલબ્ધિ.
આ સ્ફટિક સરખો છલોછલ નીરનો પ્યાલો ‘ગની’,
રંગ એમાં કોઈ પણ આવી પડે અમને ગમે.
-ગની દહીંવાળા
નીર અને રંગના સંદર્ભે માત્ર જીવનનો જ શા માટે જીવનરીતિનો પણ એ સ્વીકાર છે. જુઓ કેવી શિસ્તથી કવિએ કવિતાની (કવિતા અને ગઝલ જુદા ન હોય, એટલે એવું કોઈ ડહાપણ આપણે ન ડહોળીને ડાહ્યા રહી શકીએ અને ફરી એવો કોઈ મત પણ રજૂ ન કરીએ.) વ્યાખ્યા તો કરી સાથે એના અભિવ્યક્તિના બદલાવને પણ ખુશીથી સ્વીકારવાની વાત ઘણી ગોપિત રીતે કરી. ગની સા. આપણા એવા સક્ષમ કવિ છે કે એમની ગઝલ લાઘવ અને કાવ્યાત્મકતાને કાયમ આવકારતી રહી છે. આ સૌન્દર્યભિવ્યક્તિ પછી ગનીસાહેબ જેવા તંતોતંત કવિ માનનિયતિની વાત કરે તોપણ કેવી માતબર અને પ્રતીકાત્મક રીતે, ભાષાભિવ્યક્તિની તાજગીથી અને કાવ્યાત્મક રીતે કરે છે તો કોઈ ટિપ્પણી વગર માણીએ. ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે / ઢળી પણ પડ્યા તો અભિનય ગણાશે. શ્રી અલીખાન ઉસ્માનખાન બલોચ, ‘શૂન્ય’ પાલનપુરીએ પૂરા કદથી ગઝલ કેડી છે, તેમની કાવ્યપ્રક્રિયા વિચારણામાં સૂફીઓની તત્ત્વવિચારણા અવનવા વેશે વારંવાર ડોકાતી રહે છે. આમ પણ આવી ધારાના સર્જકોને અર્થગહન ભાવમાં વ્યક્ત થવાનું એક આંતિરક આકર્ષણ હોય છે.
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.
- શૂન્ય પાલનપુરી
આંખ કશુંય અછતું ના રાખે. એને લાખ છુપાવો પણ એ રજૂ થઈ જ જાય. અહીં કવિએ શાશ્વતીને ખપમાં લીધી. યાદનું પૂર ઊમટે હૃદયના કોઈ ખૂણે અને એનો પડઘો પાડે આંખ. અહીં તો હૃદય માટે સૌથી મોટો પ્રસંગ છે. ઉત્સવ છે. કોઈનું આસન સ્થપાવાનું છે હવે પછી. પણ એ નવું આવનાર નથી. ખરેખર તો કોઈ ચાલ્યું ગયું છે અને એની યાદ આજ પાછી ફરી છે. માત્ર યાદ નહિ એની જાહોજલાલી પાછી ફરી છે. આ પરમપીડાની સ્થિતિ ‘દર્દના દરબાર’ તરીકે સ્થાન લે છે. ‘રાજ્યાભિષેક’ જેવો શબ્દ વાપરીને કવિ આપણી ભાવકતાને સતેજ કરી મૂકે છે. એક બીજો શેર જોઈએ :
તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી.
-શૂન્ય પાલનપુરી
અંશ અને અંશીના સંબંધે બંધાયેલું જગત આપણે જાણીએ છીએ એટલું સંકુચિત નથી હોતું. આ કથકના ‘તને’ અને ‘મને’ તથા ‘તું’ એન ‘હું’ને જાણવા માટે તો વેદ-ઉપનિષદકાળથી આપણે મથીએ છીએ. કોઈ કહે છે આ એકનો વિસ્તાર છે તો કોઈ વળી એમ કહે કે આ અનેકમાં વિસ્તરેલ એક છે. પરંતુ છેવટે તો સર્વવ્યાપી એકની જ તો આ માયા. કોઈ આ છેડેથી પામવા મથે તો કોઈ સામે છેડેથી જાણવાની ઇચ્છા રાખે. સર્જક એક અદ્ભુત રૂપક નિયોજે છે અહીં દ્રવ્ય એક જ છે, કોઈ મોટા પાત્રમાંથી નાનામાં ઠાલવે છે તો કોઈ નાના પત્રમાંથી મોટાને પરત કે સમર્પિત કરે છે. કોણ છે આ બંને? મને કોઈ પૂછે તો હું એમ કહું કે આ બે પણ એક જ છે. સમય, સ્થિતિ અને સંજોગવશ એ નવાં નવાં રૂપ ધરે છે અને સામસામાં છેડાની ક્રિયાઓ કરે છે, એનાથી જે દલવાય છે કે ભરાય છે એ દ્રવ્યના દ્રવ્યપણાને કોઈ જ ફરક પડતો નથી. ‘એકોહમ બહુસ્યામ’ આ ઉપનિષદમંત્રનો અદ્ભુત સર્જક ઉન્મેષ અહીં પ્રતીત થાય છે. ગુજરાતી ભાષાના કેટલાક બહુઆયામી શેર પૈકીનો આ શેર. ગઝલ વિકાસકાળના લગભગ છેલ્લા કવિ શ્રી બરકતઅલી ગુલામહુસેન વીરાણી ‘બેફામ’ છે. ‘પ્રણય’, તેની નિષ્ફળતા અને મૃત્યુ આ કવિની ગઝલાભિવ્યક્તિની મુખ્ય ખાસિયત છે. પ્રણયના આછા-ઘેરા રંગોથી અધ્યાત્મના ગેરુવામાં સમ્યક વિહાર કરતી તેઓની કાવ્યકલા છે.
મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતા તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે.
-બરકત વીરાણી ‘બેફામ’
બધું બરાબર ચાલી રહ્યું હતું, કારણ કે જીવનનું વહાણ અસ્તિત્વના આશરે હતું. કદાચ શ્રદ્ધા ડગી ગઈ હશે કે પછી અન્ય કોઈ કારણ હોઈ શકે. દોરેલા કે નિયત થયેલા રસ્તે ચાલવા ‘નાખુદા’ (આ નાખુદા [ના ખુદા?)નો પણ અહીં બહુ હેતુપૂર્વક ઉપયોગ છે.)ના આગમન પછી જ આવી દશા થઈ. આપણને થાય આવી એટલે? શેરની બીજી પંક્તિમાં એનો જવાબ છે. જે કોઈ તોફાન દરિયામાં હતાં તે બધાં કથકના વહાણમાં આવી ભરાણાં. હવે? આશ્વાસન બેફામસાહેબના જ શેરમાં છે. ‘હોય ના નહિ તો બધોયે માર્ગ અંધારાભર્યો/ લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.’ આ તો વાત થઈ આ કાળની સાથે ગઝલમાં પ્રવૃત્ત, આપણે આજે જેમને મોવડીઓ તરીકે ઓળખીએ છીએ એવા કસબીઓની ગઝલકલાની. આપણે એ પણ જાણીએ જ કે માત્ર આટલાથી કાંઈ કાળ અંકિત ન થાય. એના કાફલામાં તો અનેકો હોય, પરંતુ ઝીણો-ઝાઝો ટેકો દેવાવાળા ખૂબ થોડા સર્જકો હોય. ‘આ’ ઓછા મહત્ત્વના અને ‘ઓ’ વધારે એવું કવિતામાં ચોક્કસપણે તુલનાત્મક અભ્યાસ સિવાય કહી શકાતું નથી, પરંતુ તેઓના પ્રદાનના આધારે ગોઠવાયેલી કથિત વ્યવસ્થાને ગણનામાં લેવી પડે છે. આપણે અહીં એ વાતમાં નથી પડવું. આવા થોડા સર્જકોના શેર જોઈએ :
મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો,
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
-સૈફી પાલનપુરી
*
મૃત્યુની ઠેશ વાગશે તો શું થશે ‘જલન’
જીવનની ઠોકરોની હજી કળ વળી નથી.
-જલન માતરી
*
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી જગા પુરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી
*
આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું
એક પંખી ટહુકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી.
-મકરંદ દવે
*
નદીઓ તો સામટી મળી ધોયા કરે ચરણ
પણ ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.
-હરીન્દ્ર દવે
આપણે એ પણ જાણીએ છીએ કે આજ સુધી તેમાં પણ ગઝલના વિકાસકાળ સુધીના સમયે તો ખાસ ગુજરાતી કવિતાની મુખ્ય ધારા અને એના સર્જકોની ગઝલ તરફની એક પ્રકારની સૂગ અથવા તો પૂર્વગ્રહયુક્ત વ્યવહારને કારણે આ ગુજરાતી ગઝલનાયકો અને એના સહપ્રવાસીઓએ ગઝલઆંદોલન કરવાનું હતું અને જરૂરિયાત પણ હતી, કારણ કે પંડિતયુગ સુધીની ગુજરાતી કવિતામાં ગઝલ કોઠા-મુજરાની ચીજ અથવા તો મનોરંજનના વ્યાપાર તરીકે જોવાતી હતી. જોકે એ પણ ખરું જ કે તેમાં ગઝલનો જરા સરખોય વાંક નહોતો, સિવાય કે એના કેટલાક સર્જકોની મર્યાદિત ગઝલવૃત્તિ, વ્યવહાર અને સમજ. ગઝલ વિશેની વ્યાખ્યાઓ પણ કેવી થઈ! કોઈએ ‘હરણની ચીસ’ તરીકે તો કોઈએ ‘પ્રિયતમા સાથેની ગોષ્ઠી’ તરીકે તો કોઈકે તો ગઝલને એક ‘રાગ’ તરીકે જાણે ગાવાનો પ્રકાર હોય એ રીતે પણ ઓળખાવી અને મૂલવી. આ બધામાંથી કોઈક દ્વારા એ પણ થવું જોઈતું હતું કે આ બધામાં વાજબી હોય તે ભલે હોય, પણ કાવ્યની શરતે હોય. જોકે માત્ર આવા નિદાન લાંબો વખત ન ચાલ્યા અને આધુનિકકાળમાં અને તે પછીથી દરેક કાળે કાળે કેટલાક ગઝલસર્જકોએ ગઝલને કાવ્યપ્રકાર તરીકે સ્થાપવા એના અંતઃસત્વમાં પડેલી શક્યતાઓને તાગવા માટે ભાવ, ભાષા અને અભિવ્યક્તિની ખેવના કરી, કાવ્યત્વને નિખારી શકાય અને પ્રત્યાયનની વધુ બાજુઓ ખૂલે તેવી તથા ગઝલના સ્વરૂપને જાળવી રાખીને ભારતીય કાવ્યકલાની સ્થાપિત વિભાવનાઓ સાથે ભેળવી શકાય એવી ભાષાભિવ્યક્તિઓની શોધ પણ આદરી. એટલે આપણે તેને આંદોલન તરીકે જોઈએ છીએ. એ પણ ખરું કે આ આંદોલન ગઝલ માટે બહારનું અને અંદરનું પણ હતું/છે અને ગઝલ એટલે જ કવિતાની મુખ્ય ધારામાં છે. આ સર્જકો દ્વારા ગઝલના આંતરરસ્વરૂપ સાથે જોડાયેલ અને ગઝલવિભાવમાં પાયાનાં લક્ષણો તરીકે જેની ગણના થતી આવી છે એવાં મુખ્ય તત્ત્વોની સાથે રહીને, કાવ્ય નિપજાવવાની ખેવના સાથે ગઝલની ઉપાસના-સાધના થતી રહી છે પણ એ કાળ સુધી ગઝલને, ગઝલની મૂળભૂત સંજ્ઞાના આદિસ્થાન ‘અરૂઝ’ દ્વારા નિશ્ચિત કેટલીક સંજ્ઞાથી જ ઓળખવામાં આવતી હતી/આવે છે. પરંતુ ગઝલના દોઢસોએક વર્ષના ગુજરાતીપણા પછી હવે એ સંજ્ઞાઓ ગુજરાતી પારિભાષિક તત્ત્વદેહે પણ પ્રયોજાય તો ગઝલની વિભાવનાને કોઈ નુકસાન નથી. જેમ કે ‘તગઝ્ઝુલ’ એટલે કે પ્રણયના રંગોયુક્ત કથન કે નિવેદન, પરંતુ આજે એ અર્થ વિસ્તરીને રોચકતા કે રોમાંચ, રસપ્રધાનતા કે પ્રાસાદિકતા સુધીના ભાવપ્રદેશોને આવરીને ઘણી વિશાળ અર્થચ્છાયામાં વિહરે છે. ‘તસવ્વુર’ એટલે વિચાર કે વૈચારિક ઉડ્ડયન. એમાં પણ આપણે કલ્પનવૈભવ, ભાવપ્રવણતા કે ભાવપ્રબળતા જોઈ શકીએ અને આજની ગઝલને એ રીતે જ પ્રમાણવી પણ હિતકર છે. પછી આવે ‘તખપ્યુલ’. તખચ્યુલ એટલે કલ્પકતા, સાંકલ્પિક મનોમંથન. પણ સામાન્ય રીતે આપણે એને તાર્કિક રીતે અસંબંધ ન લાગે તેવી કલ્પનાશીલતા, કલ્પનાશક્તિ કે સર્જનાત્મકતાના અર્થમાં ગઝલસંબંધે પ્રયોજતા હોઈએ છીએ અને છેલ્લે ‘તસવ્વુફ’. અધ્યાત્મનિર્દેશો, સૂફીમત અને સૂફીવાદ, રહસ્યાત્મકતા, ગૂઢતા અને દાર્શનિકતા સુધીના નિરૂપણસંદર્ભો અને સંકેતો આ સંજ્ઞા સમાવે ‘તગપ્યુર’ જેવો શબ્દ પરિવર્તનને નિર્દેશે છે. આપણે એને ઇન્દ્રિયવ્યત્યય તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત પણ ગઝલને સમજવા માટે અરબી-ફારસી અને ઉર્દૂની જે સ્થાપિત સંજ્ઞાઓ છે તેને અદ્દલ રજૂ કરી શકે તેવી કાવ્યસંજ્ઞાઓ આપણી કાવ્યવિભાવનામાં પણ છે. જેમ કે ‘તરન્નુમ’ ગુણગણવું, ગાવું. ‘રવાની’ એટલે પ્રવાહિતા, આપણી ભાષામાં તો લવચિકતા જેવો રમ્ય વિકલ્પ પણ છે. મૌસિકી સંગીતમયતા, રાગીયતા વગેરે. આ માત્ર ઉદાહરણ તરીકે કેટલીક સંજ્ઞાનો ઉલ્લેખ છે. હવે ગઝલ સંપૂર્ણ ગુજરાતી છે ત્યારે આપણા કાવ્યવિભાવની આ સંજ્ઞાઓથી ગઝલને જોતાં થવાય એ અત્યંત આવશ્યક લાગે છે, ઉપયોગી પણ. અને આવે છે ગઝલનો આધુનિકકાળ. આ કાળની ગુજરાતી કાવ્યપ્રવૃત્તિમાં ગઝલ સભાનપણે કાવ્યસહોદરા થઈને પ્રગટતી રહે છે. એ પણ નોંધવું જ પડે કે ગુજરાતી કવિતામાં ઉમાશંકર, સુ.જો. કે શેખથી પ્રગટેલી આધુનિકતા ગુજરાતી ગઝલમાં પણ રંગે-રૂપે ઝિલાતી રહી છે. તેની રજૂઆતની કળા, અભિવ્યક્તિ, વૈચારિક સૌંદર્ય અને ભાષાકીય સભાનતા એ એનાં મુખ્ય લક્ષણો તારવી શકાય. આ કાળના ગઝલસર્જકોના એ ક્યાંક પ્રગટપણે તો ક્યાંક અન્ય રીતે એ સંભવતા રહ્યા છે. અહીં જે કવિઓના શેર દ્વારા તેમનો ઉલ્લેખ થયો છે અને ગુજરાતી ભાષાના આજે જેમની વાત કરીએ છીએ તેવા મુખ્ય ઉપરાંત આજ સુધીના અન્ય કેટલાક કવિઓમાંથી પણ એવા કોઈ કોઈ ઉદાહરણ મળી આવે તેમ છે. તેવું હોય એ સ્વાભાવિક પણ છે. પરંતુ અહીં આ લખનારના પોતાના વિવેક અને મર્યાદા બંનેને સાથે રાખતા એની આવડત અને સમજમાં આવ્યા તેવા શેરની થોડી અછડતી ચર્ચા સાથે મુખ્યત્વે તો આ ગઝલના વ્યાપકપણે પથરાયેલા કાવ્ય મુકામોના નિર્દેશ માટેનો આ ઉપક્રમ છે. આ ઉપક્રમની સૌથી મહત્ત્વની અને જેની વાત કરવી આવશ્યક છે એ બાબત એ છે કે આટલાં વર્ષોના ગઝલના ગુજરાતી ભાષામાં પ્રચલન પછી એનામાં મહદ્ અંશે ગુજરાતીતા પ્રવેશી ચૂકી છે. એમ થયું હોય ત્યારે એના અભિવ્યક્તિના આયામમાં પણ ગુજરાતીતા અવતરી જ હોય. એટલે હવે ગુજરાતી ગઝલ ગુજરાતી કાવ્યપ્રકાર જ ગણાવો જોઈએ અને એ ગુજરાતીમાં પ્રચલિત અથવા તો પ્રયોજાતિ કાવ્યવિભાવનાની નીતિ-રીતિએ કવિતા હોવી જોઈએ. તેવો આગ્રહ પણ એના સર્જકો દ્વારા રખાવો જોઈએ. હા, એને અલગ કાવ્યપ્રકાર તરીકે જુદા પાડવા માટે એની રૂપગત કે બાહ્ય માળખાગત આવશ્યકતાઓને જેમની તેમ રાખીએ, જેમ હજુ સૉનેટ કે હાઈકુ સ્વરૂપગત રીતે એનાં અસલ, મૂળ કે પ્રારંભિક સ્વરૂપને જ અનુસરે છે તે પ્રમાણે જ. પરંતુ હવે ગઝલનું ભાવદ્રવ્ય, નિયોજના-પ્રયોજના, ભાષાભિવ્યક્તિ, વિષયવસ્તુ અને કથનરીતિ વગેરે વગેરે જેવી આંતરસ્મૃદ્ધિ તો ગુજરાતી કાવ્યની જ શા માટે ન હોય? ટૂંકમાં એટલું જ કે ગુજરાતીમાં લખાતી ગઝલ ગુજરાતી તો હોવી જ જોઈએ. અહીં એ ધ્યાને લઈને ગઝલની વાત મંડાઈ છે, અને જે શેર વિશે ચર્ચા કરાવમાં આવી છે તેમાં પણ આદર્શ એ જ છે. તો જોઈએ આ કાળના કેટલાંક મહત્ત્વના કવિઓની ગઝનિરૂપણાના આ લખનારને મન ભાવેલાં અનેક પૈકીનાં થોડાં સ્થાન. અહીં પણ ગઝલિયત (ભલે ગુજરાતી)ને જ ભાર આપ્યો છે. ક્યારેક ભાવ, ભાષા કે અભિવ્યક્તિમાં કવિઓએ પ્રગટાવેલા આયામમાં છૂટછાટ લઈને પણ.
જેને ધરા કહે છે તસવ્વુફ સમીર’ એ,
માનવ અનાદિ-કાફલાનું કૈં મનન હતું.
-મહેન્દ્ર ‘સમીર’
‘તસવ્વુફ’ સૂફીવાદનો શબ્દ છે. જેનો સામાન્ય અર્થ પરમ તત્ત્વ વિશેનું ચિંતન, રહસ્યવાદ. ગઝલના અંતિમ શેરમાં એના રચિયતાનું નામ ઉપનામ નિયોજવામાં આવ્યું હોય એને ‘મક્તા’ કહે છે. અહીં ‘સમીર’ ઉપનામ છે. આ પૃથ્વી ઉપરના સનાતન તત્ત્વની વાત કવિએ માંડી છે. ઈશ્વર વિશેની વિચારણા, બ્રહ્માંડના રહસ્ય જેટલી જ ગૂઢ છે. માનવસંસ્કૃતિ સાથે એનો નાતો ઘણો જૂનો છે. માણસને બુદ્ધિ નામનું તત્ત્વ કે સંવેદના મળી હશે એ કાળ સુધી એના લંબાયેલા મૂળ સર્જક અને ધરા (ધરતી) ઉપરનું આદિમ તત્ત્વ કહે છે. જે લોહી સાથે ભળી ગયેલી બાબત હોય એની વ્યાખ્યા શું થઈ શકે? એને કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે પણ કોઈ લેવાદેવા નહીં. જ્યાં જ્યાં માનવ ત્યાં ત્યાં મનન. ‘સમીર’નું આ ચિંતન આપણી ગઝલધારાનો મહત્ત્વનો પડાવ છે. અને ખ્યાલ-એ-તસવ્વુફ’ પણ અનાદિ વિચારણા છે.
આખ્ખુંયે બ્રહ્માંડ તો એની ઇચ્છાનું એક ટપકું છે,
થાય તને પણ જો ઇચ્છા તો ટપકાને ઓળંગી જા.
-આદિલ મન્સુરી
સર્જક જેને ‘એ’ કહે છે એની કલ્પના તો કરો. આખું બ્રહ્માંડ એની વિરાટ ઇચ્છાઓના ઢેર માંહેનું એક બિંદુ માત્ર. કેવડી મોટી શ્રદ્ધાની સ્થાપના છે! બ્રહ્માંડ જો ઇચ્છાનું ટપકું હોય તો આ એની લીલાના વિસ્તાર-વ્યાપની કલ્પના પણ ના થઈ શકે, પરંતુ ‘તને’ કહીને જેના પર ઓળંગી જવાની શક્યતા. સ્થાપી એ આ અપાર શ્રદ્ધા ‘એની’ ઇચ્છાની સામે આ ‘તને’ની ઇચ્છા હરીફાઈ કરવાનું કહેવામાં આવ્યું. મોટો ચૈતસિક ચમત્કાર છે આ. એટલે તો. આ જાત સાથેનો સંવાદ જ હોઈ શકે, સર્જકની કલ્પનાતીત રમણાનો જ તો સંકેત. ઇચ્છાનું ટપકું અને ઇચ્છા દ્વારા જ એનો પાર પામવાનો. તું પણ એ અંશનો અંશી છે. તારું અસ્તિત્વ પણ તું ઓળખ. તું કરી શકશે. એક વાર ઇચ્છાશક્તિ પારખી જો. એટલે તો આ સર્જકે ઇચ્છાવૃત્તિનો બોલાવેલો પ્રચંડ જયનાદ છે. આ નવ્ય વિચાર અને એની નિરૂપણા એ નરી આદિલાઈ છે.
મેં મને ખૂબ ઘૂંટ્યો છે,
ને મને આવડી ગયો છું હું
-મનહર મોદી
મનહર મોદી આધુનિક સર્જક છે, પરંતુ આધુનિકતાએ પણ જાતતપાસને કોરાણે નથી મૂકી. અહીં કવિએ જાતનિયતને ઓળખવા, અવતારવાની ખેવના કરી છે. ‘મને’ સાથેની આ અંગત ગોષ્ઠી છે. પરંતુ શેર પૂરો થતાં જ એ ‘હું’માં વિશ્રામ લે છે. વચ્ચે ‘મને’ને આપણે આ ‘મેં’ અને ‘હું’ના સંબંધક તરીકે જોવાનો છે. આ ઓછી જગામાં મોટી ફાળ ભરવાનું કવિનું કૌશલ્ય. જાતને ઓળખવાની આગવી સર્જકની નિસબત અને નિષ્ઠા પણ કહી શકો. કવિ સામાજિક ચિંતન તો કરે પણ એની પ્રથમ દૃષ્ટિ પોતાના પર રહે. જાતને જાણવા માટે ઘૂંટાવું પડે. ચિંતનનો મુકાબલો કરવો પડે. સર્જક જેવી સમ્યક દૃષ્ટિ હોય તો એનો બહુ જલદી સાક્ષાત્કાર થાય. આધુનિક ગઝલનો આ વિભાવ અને લાઘવ મનહર જેવા કવિની વિશિષ્ટતા છે.
નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં,
હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું.
-રાજેન્દ્ર શુક્લ
આપણા કવિ અહીં મંત્રોદ્વારરીતિએ શેરની સંરચના કરે છે. એ પણ એક અનુ-આધુનિક દૃષ્ટિકોણ. ઉપનિષદ કહે : ‘પરિબ્રહ્મ સર્વસંપૂર્ણ, સર્વસંપન્ન છે અને આ જગત પણ સર્વ રીતે પરિપૂર્ણ છે.’ (पूर्णमद: पूर्णमिमिदं... ) શ્રીમદ્ ભગવદ્ગીતાના વિભૂતિયોગમાં સ્વયં ભગવાન કહે છે :
सर्वभूताशयस्थितः । अहमादिश्च मध्यं च भूतानामन्त एव च ॥ १०/२०||
(‘હું જ ભૂતમાત્રનો આદિ, મધ્ય અને અંત છું.’) અને એમ પણ કહે છે :
यद्यद्विभूतिमत्सत्वं श्रीमदूर्जितमेव वा । तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसंभवम् ।। (10/49)
(‘જે કંઈ પણ વિભૂતિમાન, શોભાયમાન કે કીર્તિમાન અથવા પ્રભાવશાળી છે તે સર્વ મારા તેજઅંશથી જ નિર્મિત થયેલું જાણ.’) આદિ શંકરાચાર્ય પણ શિવત્વ માટે કહે છે : सदामे समत्व न मुक्ति न बन्ध:’ (હું સ્વયં સમત્વ છું, બંધન-મુક્તિથી પણ પર છું.) માટે હે પ્રિય ભાવક! આ કવિ કે કથક બોલતા જ નથી, આ તો કોઈના વતી હોવું શું હોય અને કેવું હોય તેની ખાતરીપૂર્વકની પ્રતીતિ વહેંચાઈ રહી છે. જાગૃતિની ધજા ફરકી રહી છે. શાસ્ત્ર ભલે નેતિ... નૈતિ’ કહે. આ તો છું….’ની વિનમ્ર આહલેક છે. આ કવિએ ગઝલને ઊંચકીને શ્લોક-સૂક્તની કક્ષામાં આદર અને અધિકારપૂર્વક મૂકી આપી છે. જુઓ વળી એક નોખું દર્શન.
તળેટીથી ટૂકો લગ ખેલતું વાદળ પવન સંગે
નિરુદ્દેશે મજાનું મન ધજાની જેમ ફરફરશે.
-રાજેન્દ્ર શુક્લ
આ શેરમાં પ્રવેશતાં જ આપણને થાય, આ મન છે કે વાદળ? કહેવા દો, આ ગુજરાતી ગઝલના શેરનું લાઘવ અને સૌંદર્ય છે. એટલે તો લાગે છે : મનમાં ઓગળેલું વાદળ અને વાદળ પર સવાર મન. બહુ સૂક્ષ્મ રીતે પણ ઘણી સજાગતાથી અહીં અભિન્નનો મહિમા ગવાય છે. પવન મનનું વાહન છે તો ધજા એનું આહવાન છે. પણ આખી વાત આવી ઊભી રહે છે નિરુદ્દેશે પર. આ તળેટી, પવન અને ધજા કોઈ સાધકને મન તો વળી જુદાં જ નામનિશાન થઈ રહે. પણ એની સર્જકને ઓળખ હોય ત્યારે આવો શેર મળે. આપણા આ કવિની ભાષાનિયોજના અને ભાવસમૃદ્ધિ આવા અનેક સંકેતુ સહિતની સહોપસ્થિતિઓ રચતા રચતા આગળ વધતા હોય છે એ તો સૌ જાણે છે. વંદન આ ભાષાને અને એના આવા શબ્દસેવીઓને. કવિ ચિનુ મોદીએ સર્જનની સાથે ગઝલમૂલ્યાંકન અને તપાસ દ્વારા ગુજરાતી ગઝલને અનેક રીતે ઉપયોગી એવી વિવેચના આપી છે. ગઝલની યથાતથતા અને યથાયોગ્યતા પણ બક્ષી છે.
પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે!
- ચિનુ મોદી ‘ઇર્શાદ’
સરસ નાજુકી છે શેરમાં. ગાલિબ સાહેબે તો કહ્યું કે ઝાકળને ફના થવાની તાલીમ તો જન્મની સાથે જ મળેલી હોય છે, પણ એ તો કરુણાસભર કૃપાદૃષ્ટિ સામે. (પરત્વ-એ-ખૂર શૈ હે સબનમ કો ફના કી તાલીમ, મી ભી હું ઇક ઇનાયત કી નઝર હોતે તક’-ગાલિબ) આ કવિ કૈંક જુદું તારણ આપે છે. જિજીવિષા તો ઝાકળને પણ હોય, પરંતુ અહીં ઝાકળનું ઔદાર્ય અને ખેવના પ્રગટ થાય છે. મા બેસણાની શોભા જરૂર હોય, પરંતુ અન્યના ભોગે તો નહિ જ. એમ કહી શકાય કે સૌંદર્યની આ ઉપાસના છે. જાત મિટાવી દઈને સૌંદર્યની સંભાળ. એક પ્રકારની સહાનુભૂતિની કવિએ કોઈના જીવમાં વાવણી કરી. કવિતા ઇશારો હોય, નકશા તો આપણે દોરતા હોઈએ છીએ.
નગરમાં એકલા ક્યારે પડી જઈએ, કોને ખબર?
હું એથી શબ્દ સથવારા ભરું છું ખાલી ગજવામાં.
- મનોજ ખંડેરિયા
ભાવ-ભાષાની પૂરતી સંભાળ અને સચોટ પરંતુ લવચીક નિરૂપણા એ આ કવિની આગવી વિશેષતા છે. આ શેર શબ્દ-સથવારાનું બંધાતું ભાથું છે. કવિ જીવની જેમ એને સાચવવા માગે છે. જીવન છે, એની નિયત માણસના હાથમાં નથી. ક્યારે કઈ સ્થિતિમાંથી એણે પસાર થવું પડે એ પણ નક્કી નથી. બસ આ સંદેહયુક્ત નિયત સામે કોઈ આશરો આપે તો એ સાચો શબ્દ. કવિની આ ખેવના અહીં વ્યક્ત થાય છે. કવિતા શા માટે કરો છો? એવું કોઈ પૂછે તો બેધડક આ શેર એને સંભળાવી શકાય. જીવનની એવી નિયતિ પણ શક્ય છે કે ત્યારે કોઈ તમારું ના હોય, ત્યારે કવિતા આશ્વાસનનું કામ કરતી હશે. જીવન તરફનો આ અંદેશો અને કાવ્ય તરફની આ શ્રદ્ધા, મનોજ આપણી ભાષાના કસબી કવિ છે. એની સહજતાની સાથે વ્યંજના વાંચવી પડે. સમજદાર કવિની અભિવ્યક્તિકુશળતાની આવી મઝા હોય છે.
કૈં ઝળહળ ઝળહળ જેવું છે દરવાજો ખોલ
આ મરવું ઝાકળ જેવું છે દરવાજો ખોલ
-મનોજ ખંડેરિયા
આ કવિ લાઘવ અને પોતીકી અનુભૂતિભૂલક ભાવસંપત્તિના કવિ છે. શેરિયતની શક્યતાઓ તાગવી અને ભાષાના રમણીય અને ક્રમનીય સીમાંકનો સ્થાપવાની એની આગવી રીત કાયમ આકર્ષતી રહે. કવિની મુસલસલ ગઝલોમાં નીપજી આવેલ ઉચ્ચ કાવ્યશિખરો અને સંદર્ભોના કાવ્યાત્મક પ્રયોજનો માટે આપણી ભાષા કાયમ આ કવિને યાદ કરશે.
ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો.
- શ્યામ સાધુ
સમય તો પાનખરનો ચાલે છે, પરંતુ જોનારની આંખમાં ફૂલોનાં સ્વપ્ન અંજાયાં છે. આ વિરોધાભાસ જ જીવનનું અને કાવ્યનું સૌંદર્યસ્થાન છે. કેટલાંક અસ્તિત્વોને દુઃખની સર્વ હકીકતોને છાની રાખી સુખની છોળ ઉડાડવાની કુદરતી બક્ષિસ મળેલી હોય છે. કવિઓ એમાં ખાસ છે. એમાં પણ શ્યામ જેવા અકિંચન સાધુ તો ક્યારેય દુ:ખને ઉપરવટ થવા જ ન દે. એની અણગમતી વાત પણ સોનેરી વરખમાં વીંટાળેલી હોય. પણ આપણે વારી તો જઈએ શ્યામની આ અભિવ્યક્તિ પર. સ્વપ્ન. એ પણ ફૂલોનું અને વળી વધારામાં સૂરમાની જેમ આંજેલું. બસ આથી વધુ સુંદર દેખાવા માટે શું જોઈએ? આ આપણી ભાષાનો એવો કવિ છે જેની પાસે શબ્દ આપોઆપ આવી ચડીને નૃત્ય કરવા લાગે. સાધુજી જેવા કવિઓ આપણી ગઝલોની શોભા છે. જેણે કવિતાને આકંઠ ચાહી છે અને શબ્દને કુંડલીની જેમ સેવ્યો છે.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને!
જાવ, નિર્વીર્ય હું શબ્દો, તમોને આશિષ છે,
તમારા સૈધ્યનું વાજીકરણ મળે તમને
-રમેશ પારેખ
કવિનાં ભાવાત્મક ભાષાસાહચર્યનો નકશીદાર નમૂનો છે આ બંને શેર. પ્રથમ શેરમાં ‘મળે’ એમ આશિષ આપ્યા. પણ શું? જવાબ ભાવકના ચિત્તતંત્રમાં વૈચારિક ધ્રુજારી, એક ઝટકો પેદા કરે. તરસ મળે, એનો ઉકેલ પણ મળે પણ એ પહેલાં એક છિદ્ર, જ્યાં તરસ અનુભવાય એ સ્થાન કંઠથી નીચેનું, બધું હોવા છતાં બધું જ નાકામ. એટલે શાપની સાથે એનું નિવારણ હોય એમ અહીં ફળીભૂત થવાની ખાતરી સાથેનો શાપ અપાય છે, પણ એનું સ્વરૂપ આશીર્વાદનું છે. બીજો શેર. ભાષા સાથે કવિનું નિકટતમ અનુસંધાન. શબ્દ સાથેની આ ગોઠડી, શબ્દ કૈંક પામે એ માટેની છે. શું? તો કે, તમે હવે તમારું તેજ ગુમાવી દીધું છે. તમારી આ નિર્બળતા કવિતા સુધી પહોંચવા નથી દેતી. હવે તમારા પર શસ્ત્રક્રિયાની જરૂર છે. એવી પેઢીઓ આવે જે આ ક્રિયા-પ્રક્રિયા કરે અને તમારું મૂળ સ્વાભાવિક તેજ તમને પરત મળે. ગુજરાતી ગઝલમાં આ શેરનું ભાષાકર્મ એક ચોક્કસ પરિભાષા સમેત અનન્ય છે. ૨. પા. કવિતા માટે ઘણી વાર છંદને ગણકારે નહીં, અહીં પણ એમ જ થયું. પરંતુ તેમની ગઝલને પણ ગીત જેમ તપાસવી પડે.
હયાતી વિકલ્પોનો પર્યાય લાગે,
હું પેલો છું, આ છું, ફ્લાણો છું અથવા…
-ભગવતીકુમાર શર્મા
ભગવતીકુમાર આપણા સતત નવું તાકતા કવિ છે. તેમનો ગઝલભાવ ભાષા, અભિવ્યક્તિ અને રચનારીતિએ પણ અદ્યતન છે. જીવન કેટલા વિકલ્પમાં વિભાજિત હોય છે! હાથ ચડ્યાં એટલાં વિશેષણ પછી પણ અથવા કહીને શક્યતાને ખૂલી રાખી. કદાચ કૈંક નથી ઓળખાયું એવું બાકી હોય તો એ પણ સ્વીકાર્ય. અસ્તિત્વને ઓળખવું કઠિન કામ છે. છું’ની ત્રણવડી પ્રતીતિ પછી પણ અથવા માટે અહીં જગા રાખવામાં આવી. આ વિકલ્પના હોવાને પ્રમાણ આપવાની નિરૂપણા છે. આધુનિક કવિતાએ જીવનને નિયંત્રિત નથી કર્યું. એણે મુક્તિ, મુક્ત વાતાવરણ આપ્યાં છે. એ પણ ગઝલનો એક આયામ જોવાયો છે.
સ્મરણ તારું છે સાતસોછ્યાસી
યાદ તારી છે શ્રી ૧। જેવી.
-અદમ ટંકારવી
અદમ સા. ભાષાની શક્યતાઓ સતત તાકતા કવિ છે. કવિનો નિર્ધાર ક્યારેક એવો ચપોચપ ભાષામાં ઊતરી આવે કે ભાવકને મઝા મઝા કરાવી જાય. જુઓને ૭૮૬ અને ૧। કેવા પોતાની સૌ વળગેલી વ્યક્તિગતતા તરછોડી અહીં ભાઈબંધી કરી બેઠા. આમ તો બે જુદી પ્રાર્થના રીતિ અહીં એક શેરમાં આવીને સ્થાપના એ કરે છે કે છેવટે વાત જ્યાં પહોંચાડવી છે એ સ્થાન તો એક જ છે અને જે પહોંચે છે તે પણ એક જ છે. એના એકત્વની સ્થાપના માટે પણ બે ‘પર્યાય સ્મરણ અને યાદ’ કથક પ્રયોજે. જે પણ ભાષાફેરે એક જ છે. એની વધારાની મઝા કે ‘સ્મરણ’ જેવો શુદ્ધ ગુજરાતી શબ્દ ‘૭૮૬ સાથે અને યાદ જેવો ઉર્દૂ ભાષાનો શબ્દ ‘શ્રી સવા’ સાથે જોડીને અહીં શંકરાચાર્ય કહે છે તે અભેદાનુભૂતિનો, બુદ્ધિમા સમતાનો અને સૂફીમતની પરસ્પર પ્રીતિનો પરોક્ષ સંદેશ અપાયો છે. પ્રાર્થના ઉર્દૂ, ફારસી, અંગ્રેજીમાં થાય કે સંસ્કૃત ગુજરાતીમાં. ભાવને કોઈ ભાષા નથી હોતી કે ભક્તને એવો કોઈ વારોતારો પણ ના હોય. કવિતાનું કામ આ. ઘણું ગોપિત રાખીને ય ઘણું કહી જવું. સાર્વભૌમિક-સાર્વત્રિક રહેવું. કથતું.
મારા જલરંગી વિચારો પારદર્શક હો સદા
તેં છતાં સગપણ અષાઢે રુઠતાં જેવું હજો.
-હરીશ મીનાશ્રુ
આજનું વિજ્ઞાન વિચારને પદાર્થ તરીકે સ્થાપવા મથે છે તો કવિ તો કલ્પનાનો પ્રવક્તા છે. વિચાર જલરંગી તો છે જ પણ આ તો કવિનો વિચાર છે એટલે કહે છે પારદર્શક પણ, એમાં જે કશુંક વધારાનું પરિમાણ ઉમેરવાનું છે તેનાથી એક રંગ ચડવાનો છે. આ કાયમી સ્વભાવ થઈ જાય એવું કથક ઇચ્છે છે. છતાં સર્જકને એમ થયું હશે કે લાવ, જરાક વધુ રોમાંચ આમાં ઉમેરીએ એટલે કહે : તે છતાં…પણ આ તો અષાઢ અને એમાં રૂસણું? પ્રિયમિલનની સોળે કળાએ ખીલેલી ઋતુમાં કોઈ રૂસણું લઈને બેસે એવી વિચાર સાથે મનની સ્થિતિ છે. આ બે પરિમાણને ટકરાવીને કવિ નવી ભૂમિકા રચે છે. ચિત્ત અને મનનો આ ઝઘડો જરાક બારીકાઈથી જોતાં જાત સાથેનો ઝઘડો જ બની રહેશે જેનો ક્યાંય કે કોઈ અંત નથી. પણ આ આપણી ગઝલની નમણી ચાલ જાણો તો તમારુંય રૂસણું ટળવાની પૂરી શક્યતા છે.
પરમ સ્નેહીની કોરી આંખ તો કેવી સરળ છે, પણ
ભીંજાઈ જાય તો એ રંગ કૈં સંકુલ પકડે છે
-હરીશ મીનાશ્રુ
હરીશ મીનાશ્રુ આપણા સાંપ્રતકાલીન એવા સર્જક છે જેમની પાસે ગઝલ પૂર્ણરૂપે ખૂલતી અને ખીલતી પ્રમાણી શકાય છે. આ કવિ પાસે ભારતીય જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પરંપરાની આપ કમાઈની વિરાસત છે. એમાં સૂફીવાદથી પ્રેમલક્ષણા સુધીના અનેક એમની ગઝલના રંગ/રૂપ/ભાવ બને છે.
મારે પીડાની મા કેવી હાજરાહજૂર
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે!
-અશરફ ડબાવાલા
પાંસઠમી આ જોગણી, પીડા. પાછું અહીં તો એક સરસ શ્લેષ પણ હાજર છે. પીડાની મા કે ખુદ માતૃભાવે પીડા. આ બધા ભાવકના ભાવવિસ્તાર અને કાવ્યરસનો ચટકો લેવાના પણ. અન્યને તો મનાવવી પડે. અહીં તો આ હાજરાહજૂર. પણ એનું સ્વરૂપ કેવું? કવિ કહે ડૂમો અથવા પોક. આ બંને આંતરિક ભાવ, દ્વાર ખૂલવાની ચાવી જેવાં છે. વળી, અહીંના ‘રે’ને ગઝલગરબીના બીજરૂપે જોવાનો થાય. (યાદ કરો ‘મા ઝળઝળિયાંની ગરબી-૨.પા.) પણ અહીં વાત આનંદના ઓઘની નથી. પ્રતીતિનો આ તીણી સોઈ જેમ ખૂંચતો પડાવ છે. આ ગઝલની ભાષા અને અભિવ્યક્તિના નવા મુકામે છે. કવિનું કામ વિષયવસ્તુના આવા રૂપાંતરણનું. કવિતાનું એક ફોર્મ છે ગઝલ ત્યારે એ જાળવીને આમ અને આવું થવું એ આજની ગઝલ માટે આવકાર્ય અને કવિઓએ પણ આવા સાબૂત અને સાવધ રહીને આ સેવવા જેવું ફોર્મ છે. એ પણ અંકે જ રાખવું રહે. અશરફ ડબાવાલા આપણી ભાષાના આવા સાવધ અને સતત જાગ્રત રહીને સભાનતાપૂર્વકની કાવ્યમથામણ કરનારા એક નીવડેલા કવિ છે એમ અહીં કહેવા દો.
અશ્વો કદી ન પોતાના અસવાર થઈ શકે,
આથી વધુ તો કોણ નિરાધાર થઈ શકે?
-મુકુલ ચોક્સી
ઉપયોગિતાવાદના કારમા કાળના સાક્ષી છીએ આપણે સૌ. જેના ખભા પર બેસીને ઊંચાઈ સર કરી હોય એ ખભાને ખેડવતા અંચકાઈએ નહીં એ આ કાળની નિયતિ. જે આપણને ગતિમાન રાખે એ પોતે પણ ગતિમાં હોય તો જ બને. પણ આ ગતિની એના પોતાના માટે કઈ સાર્થકતા? અહીં અશ્વો સાથે જોડાયેલા અધ્યાસને પ્રમાણવાનો છે. નિરાધાર કહીને આ જેની સાથે હોર્સપાવર્સ જેવી સંજ્ઞા જોડાયેલી છે એ તાકાતવાનને કેવા બિચારા બનાવી દીધા. આ કવિની દાર્શનિકતા. આ કવિતાની સંદર્ભના તથ્ય સાથે સંકળાવાની અનેરી આવડત. આ છેક ઊંડાણ સુધી પ્રસરીને પારકી પીડાને પોતીકી કરવાની રીત. મુકુલ આવી કલાના કવિ છે. આધુનિકકાળ પછીની પેઢી આવા થોડા કવિઓના કારણે ઊજળી છે.
દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કિન પડ્યો છે,
ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે.
-રાજેશ વ્યાસ ‘મિસ્કિન’
દર્શન આંતિરક ઘટના છે, જે આપણને ખબર હોવા છતાં એનો સ્વીકાર બહુ અઘરો છે. તો નિદર્શન દેખાડવાની જેમાં જ આપણે રત હોઈએ છીએ અને રસ પણ એમાં જ. પ્રદક્ષિણા એ નિદર્શન હશે. આંતરિક વિકાસનો માર્ગ તો ભીતર તરફ દોરી જાય. એને બાહ્યાચારની કોઈ જરૂર રહે નહીં. પરંતુ આપણે કોઈક જુદા જ માર્ગે વિકસી રહ્યા છીએ. કવિ બે સ્થિતિ જરા ગર્ભિત રીતે સામે મૂકે છે. કર્તાને ખબર પડી ગઈ છે દર્શનથી દિ’ વળવાના નથી. એની નોંધ તો નથી ઈશ્વર લેતા કે નથી દર્શનાર્થીઓ. તો જરાક કોઈ નોંધ લે એવું કરીએ. આ ચક્કર ફરવામાં તો જન્માન્તરોના ફેરા પણ ઇશારો પામ્યા. અજાણ્યા ખૂણા અજવાળવાનું કામ આધુનિક અને એ પછીની કવિતાએ આવી તિર્યક અભિવ્યક્તિથી પણ કર્યું. આપણા કેટલાક એ માટે પ્રયત્નબદ્ધ કવિઓમાંના ‘મિસ્કિન’ એક છે.
બાળકની જેમ જોઈ શકું છું હવે તને
પયગમ્બરી મિજાજની આંખોમાં છાપ છે.
-જયેન્દ્ર શેખડીવાળા
આ તને-નો વ્યાપ અને વ્યક્તની વૈશ્વિકતા. કોણ છે આ તને? આંખ વિસ્તરે અને દૃષ્ટિની સીમાઓ વધી જાય. પછી જે ભળાય તેય નર્યાં નિર્ભેળનો આહ્લાદ પણ સર્જક ‘હવે’ કહીને વાતના મર્મસ્થાન તરફ દોરી જાય ત્યારે તને નહીં પણ અલૌકિક આંખનું હોવું વધુ નીખરે છે. બાળકની આંખ તો નર્યા કુતૂહલની ખાણ હોય છે. એવું જ કુતૂહલ કોઈ સંત-ઓલિયા-સૂફીની આંખમાં પણ સંભવી શકે. બસ અહીં આવું જોવાય છે. એ આવા પયગમ્બરી મિજાજના પરિપાકરૂપ છે. જયેન્દ્ર શેખડીવાળા આવા નવ્ય અને રહસ્યમય વિષયની નિરૂપણા માટે ખૂબ જાણીતા છે. એની કવિતાની આ જાણીતી ધારા પણ છે. આ સૌ કવિઓના ગઝલ કાવ્યપ્રકારમાં થયેલા કવિકર્મની વાત કરતાંની સાથે જ સર્વશ્રી ખલીલ, જવાહર બક્ષી, હેમંત ધોરડા, કિસન સોસા, હેમેન શાહ, નયન દેસાઈ, બાપુભાઈ, લલિત ત્રિવેદી, મહેન્દ્ર જોશી, રશીદ મીર, શોભિત અને હર્ષદ ત્રિવેદી વગેરે જેવા કવિઓની ગઝલની પણ નોંધ લેવી પડે. એમની ગઝલ વિશે કે એના ગુણદોષ વિશે વાત થઈ શકે, પરંતુ આવડા મોટા વિષયને એકસાથે બાથમાં લેતા કેટલુંક નાછૂટકે પણ છોડવું પડે કે છૂટી જતું હોય છે. છેક આજના સમય સુધી આવીએ તો છેલ્લા દાયકાઓમાં સર્જન સાથે સંકળાયેલા કવિઓએ પણ યથાયોગ્ય ગઝલમાં પ્રદાન કર્યું જ હોય. તેમાંના કેટલાંકની ગઝલ પણ ગઝલવિકાસ અને પડાવની સહભાગીણી ગણાય, ગણવી પડે. પરંતુ તેમનો પણ અહીં માત્ર ઉલ્લેખ કરીને સંતોષ માનવો પડે તેમ છે. આવા કવિઓમાં આપણે હરજીવન, ગૌરાંગ, કિરણ, અનિલ, અશોક, ચંદ્રેશ, પ્રણવ, સ્નેહી, ભાવેશ, ભાવિન કે મિલિન્દહિરેન સુધી જઈ શકીએ. તેમના વિશે વિગતે વાત નથી થઈ શકી એ બદલ દિલગીરી. સાથે સાથે એ પણ કહેવું છે કે આજે માસમીડિયા મારફતે આપણી સાથે જે ગઝલનામી ફાલ ઠલવાય છે તે ખરેખર ત્રાસરૂપ છે. સસ્તા મનોરંજનમાં અને સમજ્યા વગરની વાહવાહીમાં ગઝલ વહેવાને બદલે તણાઈ રહી છે. આખીએ વાત યોગ્ય વિવેચનના અભાવે મુશાયરાલક્ષી અને ગણ્યાગાંઠ્યા હેતુલક્ષી આયોજકો અથવા તો ચડેલી ઢાલ ઊતરતા’ ‘ઢાલિયાઓ’ અને પોતાના આગવા માનદંડો ઘડતા ‘હેતિયાઓ’ના હાથમાં જઈ ચડી છે. પણ એનો હાલ તુર્ત કોઈ વિકલ્પ નથી ત્યારે આપણા કવિ સિતાંશુ યશશ્ચંદ્રએ મરીઝસાહેબના સંગ્રહ ‘આગમન’ની પ્રસ્તાવનામાં લખેલી વાત યાદ કરવા જેવી જ નહીં, જડબેસલાક યાદ રાખવા જેવી છે. ‘કાવ્યત્વને ન સમજતા મનોરંજકો, ઇશ્કીઓ, કીર્તિલોલુપ ધનપતિઓ અને કમઅક્કલ કિશોરીનું એક વિચિત્ર ટોળું જેના ઉપર સામૂહિક અત્યાચાર ગુજારી ચૂક્યું હોય તેવી સ્ત્રીને તેનું શિયળ પાછું અપાવવાનું કામ સાચા ગઝલકાર કવિએ કરવાનું છે.’ એટલે ઉપર આપણે જેમની વાત કે ઉલ્લેખ કર્યાં એ અને જેમને ચૂકી જવાયા હોય પણ સક્ષમ છે એવા સૌ કવિઓ સાચા ગઝલકાર ઠરે અને ઉપકિયા અભિપ્રાયકો, બબૂચકો કે અર્થઘટનોમાં રચતા છૂટક શેર આસ્વાદકો તથા ગઝલના કાવ્યત્વ (શેરિયત હો…)ને ભૂલીને માત્ર છંદ-છંદની બુમરાણો કરતા શાસ્ત્રીઓના અધકચરા, અણઘડ અને મનઘડંત મતોમાંથી બહાર આવીને પોતાની જાત સામે જુએ અને ગુજરાતી ગઝલને વધુ ને વધુ ગૌરવ અપાવે તેવી અત્રેની અભ્યર્થના. અહીં થોડી જુદી રીતે ગુજરાતી ગઝલના વિકાસ અને પડાવ વિશે વાત કર્યા પછી પણ કહેવું તો એ છે કે આજની ગઝલનું કોઈ પણ તબક્કાવાર, ગુણવત્તાના ધોરણે કે કોઈ માનદંડોથી વિભાજન કરવું અશક્ય નહિ તોપણ કઠિન તો ગણાય જ. ગઝલના વિકાસકાળના ગઝલસર્જકો જે રીતે આધુનિકકાળમાં પણ પ્રવૃત્ત હતા તે જ રીતે આ બંને કાળના સર્જકો સાંપ્રતકાળે પણ થોડા- ઝાઝા સર્જનસક્રિય હોય છે. જેમ કે રાજેન્દ્ર શાહ, (રામ વૃન્દાવાનીના નામે) અને રતિલાલ ‘અનીલ’ છેક હમણાં સુધી અને રુસ્વા, રાંદેરી લાંબો સમય સર્જનરત રહ્યા હતા. એટલે એમને કયા સમયના સર્જક ગણવા એ પ્રશ્ન રહે. એ જ રીતે કેટલાક સર્જકો, તેઓ જે કાળમાં શ્વસે છે તે જ કાળને પ્રમાણિત કરતું સર્જન નથી કરતા હોતા. કેટલાક તો સાંપ્રત સર્જનના વિભાવથી અવગત પણ નથી હોતા. જોકે, ગઝલ જેવા કાવ્યપ્રકારમાં જ્યાં દરેક શેરમાં ભાવસ્વાતંત્ર્યની પણ છૂટ હોય છે ત્યાં આવું શક્ય છે પણ આ સર્જકો તો અપવાદ ગણાય. એવા કોઈ એકલદોકલ સર્જકથી આખો કાળ અંકિત કે ખંડિત ન થાય એ પણ સમજવા જેવું છે. એક વધુ એ પણ સ્પષ્ટતા કરી લઈએ કે કવિતાને સમજાવવા કરતાં એ પ્રત્યાયિત થાય એવો કોઈ પણ એના વિશે વાત કરનારનો આશય હોવો જોઈએ. એટલે લખાયેલા શબ્દોના અર્થ કરવા કરતાં પ્રયોજાયેલી ભાષાના સંકેતો ઉકેલવા એ ભાવન/આસ્વાદનની અનુકૂળ રીત લાગે છે. ભલે એક નાનકડા શેરની વાત થતી હોય પણ એના સર્જકે જો એ સારો કવિ હશે તો એવો નિર્દેશ એમાં વણ્યો જ હોય જે કહેવા ધારેલી બાબતને અને કાવ્યાત્મકતાને નિર્દેશતો હોય અને રસાનંદને પોષતો હોય. જોકે કોઈ પણ પદ્યની કાવ્ય બનવા માટેની એ આવશ્યકતા હોય તો ગઝલ એમાંથી બાકાત ના હોય અને જુદી પણ ના જ હોય. બસ ગઝલને આવા આયામથી જોવાનો પણ એક ઉપક્રમ હોવો ઘટે. અહીં છે. કોઈ પણ સમગ્ર કવિતા અને એમાં પણ ગઝલ વિશે વાત કરવી એટલે એક રીતે તો આપણા ગમતા સમયખંડમાં, ગમતા સાથે લટાર મારવા નીકળ્યા હોઈએ એવું લાગે. પાછળ છોડી દીધેલાં અનેક વર્ષો અથવા અનેક બનાવ ઘટનાઓમાંથી સર્જાયેલી કવિતાની વાતમાં માત્ર ગમતાંને જ વાગોળવા જેવી વાત છે આ. આપણને માણસ તરીકે આ ગમવું એ એક રીતે બિલકુલ સાપેક્ષ ઘટના છે. કોઈ પણ માત્ર બે માણસોના કિસ્સામાં પણ આ બાબતે સમાનતા અસંભવિત નહીં તોપણ દુષ્કર તો ગણાય જ. એમાંય કવિતા જેવી બિલકુલ પ્રવાહી કળા વિશે તો આ ગમવું એ સાવ અંગત ઘટના બની રહે. વળી આ ગમતામાં પણ અહીં ગઝલ વિશે, એટલે કે ગઝલની એકાદ કોઈ આંતર-બાહ્ય વિશેષતાને કારણે ગમતા થોડા શેરના એકમાત્ર ઘટક તરીકે જેની ગણના થાય છે એવા જુદી જુદી ગઝલના શેર સાંકળીને નિર્ધારિત વાત ઉપસાવવાની અહીં ખેવના કરવામાં આવી છે. એટલે આ ઘણી બધી શરત અને મર્યાદા સાથેની છતાં થોડી વિશિષ્ટ ભાવકતાના ક્ષેત્રની અંગત હકીકતને સાર્વત્રિકતા આપવાની વાત છે. છતાં એનો પણ એકાદ પ્રયત્ન કરી જોઈએ કે આ વ્યક્તિગત રસ- રુચિની વાત સૌની બની રહે. ગુજરાતીના અધ્યાપક સંઘમાં મોટા ભાગના ડૉક્ટરેટની પદવીધારીઓ વચ્ચે એક સાવ ઓછું ભણેલા પણ તંતોતંત કવિતા માટે તન-મન તોડનારને આપ સૌએ આ તક આપી એ બદલ પ્રમુખશ્રી, સૌ મંત્રીઓ અને આયજોકોનો ઋણી છું. ધન્યવાદ.
(‘અધીત : પિસ્તાળીસ’)
❖