અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ટી. એસ. એલિયટનો કાવ્યવિચાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૬. ટી. એસ. એલિયટનો કાવ્યવિચાર

સુરેશ ગઢવી

ટૉમસ સ્ટર્ન્સ એલિયટ (૧૮૮૮-૧૯૬૫) વીસમી સદીનાં અંગ્રેજી કવિતા અને વિવેચનનો પ્રમુખ અવાજ છે. જન્મે અમેરિકન એલિયટના પિતા હેન્રી વેર એલિયટ બિઝનેસમૅન, પરંતુ માતા શાર્લોટ સામાજિક કાર્યકર હોવા ઉપરાંત કવિતાઓ પણ લખતાં. માતાના કાવ્યસંસ્કાર એલિયટે ઝીલ્યા. એલિયટ કવિ- વિવેચક હોવા ઉપરાંત સંપાદક, નિબંધકાર અને નાટ્યકાર પણ છે. પચ્ચીસ વર્ષની યુવાન વયે ઈ.સ.૧૯૧૪માં એલિયટ ઇંગ્લૅન્ડ આવીને વસે છે. પોતાની સર્જકતામાં અમેરિકામાં જન્મ અને ઉછેર તેમજ ઇંગ્લૅન્ડનો વસવાટ એ બંને બાબતોને કારણભૂત માનનાર એલિયટ સાહિત્યમાં આધુનિકતા તેમજ નવ્ય વિવેચનના પ્રણેતા મનાયા છે. મોટા ગજાના વિવેચક હોવા છતાં એલિયટનો પ્રથમ પ્રેમ કવિતા છે. સંખ્યાની દૃષ્ટિએ ઓછી પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ કવિતા આપનાર એલિયટ પોતાના વિવેચનને કવિતાલેખનની આડનીપજ જ ગણાવે છે. સાહિત્યક્ષેત્રે પોતાની પ્રશિષ્ટતાવાદી (classicist) ગણાવે છે. ઈ.સ. ૧૯૧૫માં એલિયટ ‘The Love Song of J.Alfred Prufrock' નામના કાવ્યથી સાહિત્યજગતનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. ઈ.સ.૧૯૨૨માં ‘The Waste Land'નું પ્રકાશન થાય છે. આ બે કાવ્યોની વચ્ચે ઈ.સ.૧૯૧૯માં એલિયટ જાણીતા નિબંધ Tradition and the Individual Talent' દ્વારા કવિતા અંગેના પોતાના વિચારો જાહેર કરે છે. એલિયટનો કાવ્યવિચાર સમજવા માટે આ નિબંધ બહુ મહત્ત્વનો બની રહે છે. વિવેચકો આ નિબંધને એલિયટના કવિતા અંગેના વિચારનો Unofficial manifesto માને છે. ‘Tradition and the Individual Talent'માં એલિયટ પરંપરા અને કવિતામાં નિવૈયક્તિકતા (Impersonality of Poetry) અંગે પોતાના વિચારો સ્પષ્ટ કરે છે. નિબંધની શરૂઆતમાં જ એલિયટ કહે છે કે સામાન્ય રીતે ‘પરંપરા' શબ્દ બહુ સારા અર્થમાં નથી વપરાતો; મોટા ભાગે નિંદા માટે જ વપરાય છે. અંગ્રેજી કાવ્યને આ શબ્દ ઝાઝો રુચતો નથી. આપણે જ્યારે કોઈ કવિની પ્રશંસા કરીએ છીએ ત્યારે એ કવિની કવિતામાં રહેલી મૌલિકતાને જ ધ્યાનમાં લેતા હોઈએ છીએ. પરંતુ એલિયટને મતે તો કોઈ પણ કૃતિનો શ્રેષ્ઠ જ નહીં, સૌથી મૌલિક ભાગ પણ એ જ છે જેમાં પુરોગામી સર્જકોની અસર સૌથી વધુ ઝિલાઈ હોય. આમ, વ્યક્તિગત નિપુણતા (individual talent)નું સીધું સંધાન પરંપરા સાથે છે. પરંપરા એટલે અગલી પેઢીઓનું આંધળું અનુસરણ નહીં. આવું અનુસરણ અથવા તો અગાઉ કહેવાઈ ગયેલી વાતોનું પુનરાવર્તન માત્ર તો મોટો દોષ ગણાય. મહિમા તો નાવીન્યનો છે. આવી ખોટી પરંપરા તો છોડવી જ રહી. પરંતુ સમજદારી સાથે થતું સાચી પરંપરાનું અનુસરણ આગવું મૂલ્ય ધરાવે છે. આવી પરંપરા વારસામાં મેળવી શકાતી નથી. એના માટે તો જરૂર પડે સખત પરિશ્રમની. આ પશ્રિમ એટલે ભૂતકાળના લેખકોને જાણવાનો-સમજવાનો પરિશ્રમ. સાચા-ખોટા, સારા-ખરાબ, ઉપયોગી-બિનઉપયોગી વચ્ચેનો ભેદ પારખવાનો પરિશ્રમ. પરંપરા એ જ જાણી શકે જેનામાં ઐતિહાસિક દૃષ્ટિ (historical sense) હોય. આવી વ્યક્તિ અતીતનું અતીતપણું જ નહીં એનું વર્તમાનપણું પણ સમજી શકે. એ સમજે છે કે પોતાના દેશ સહિતનું, સમગ્ર યુરોપનું સાહિત્ય- હોમરથી લઈને આજ દિન સુધીનું સાહિત્ય એક નિરંતર પ્રવાહી સાહિત્યિક પરંપરા ઘડે છે. અતીતનું અસ્તિત્વ વર્તમાન છે અને અતીત અને વર્તમાન જોડાજોડ છે. ઐતિહાસિક દૃષ્ટિ એટલે અનંત અને ક્ષણિકની સમજ. ઐતિહાસિક દૃષ્ટિ લેખકને પરંપરાનો હિસ્સો બનાવે છે. પરંપરાની સમજ ધરાવતો લેખક પોતાની પેઢીથી તો સભાન છે જ; વર્તમાનમાં પોતાના સ્થાનથી સભન તો છે જ, સાથોસાથ પુરોગામીઓ સાથેના પોતાના સંબંધથી પણ પૂર્ણપણે સભાન છે અવગત છે. આવી દૃષ્ટિ લેખકને ભૂતકાળના કયા લેખકો વર્તમાનમાં પ્રસ્તુત છે એની સમજ આપે છે. એલિયટ માને છે કે ઉમદા અને વિશિષ્ટ સિદ્ધિઓની પ્રાપ્તિ અર્થે પરંપરાનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. પરંપરાથી અલગ લેખકનું ખાસ મૂલ્ય નથી. એનું મહત્ત્વ એવા પુરોગામી લેખકો સાથેના સંબંધથી જ છે. વર્તમાન કવિની કૃતિના યોગ્ય મૂલ્યાંકન માટે ભૂતકાળના કવિઓની કૃતિઓ સાથે એની કૃતિની સરખામણી થવી જોઈએ ‘No poet, no artist of any art, has his complete meaning alone. His significance, his appreciation is the appreciation of his relation to the dead poets and artists.' પુરોગામીઓની કૃતિ સાથેની સરખામણી નવી કૃતિને વધારે સારી રીતે સમજવામાં ઉપકારક નીવડે. એલિયટ માને છે કે પરંપરા કદી જડ કે બંધિયાર ન હોઈ શકે. એ તો સતત પોતાનું રૂપ બદલતી રહે છે; વૃદ્ધિ પામતી રહે છે. લેખકે ભૂતકાળમાંથી માર્ગદર્શન મેળવતા રહેવું પડે. અતીત વર્તમાનને દોરે છે; માર્ગદર્શિત કરે છે. એ જ રીતે વર્તમાન અતીતને બદલતો રહે છે; નવા રૂપરંગ આપતો રહે છે. વર્તમાનમાં રચાતી દરેક નાવીન્યપૂર્ણ અને મૌલિક કૃતિ પરંપરાને સહેજ બદલે છે. આમ ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો સંબંધ દ્વિતરફી છે. આ હકીકતથી સભાન કવિ પોતાની મુશ્કેલીઓ-પડકારો અને જવાબદારીઓથી પણ સભાન હોય છે. આવો કવિ એ વાત સમજે છે કે પોતાનું મૂલ્યાંકન ભૂતકાળનાં ધોરણોથી થવું જોઈએ. આવા મૂલ્યાંકનનો હેતુ ભૂતકાળની કૃતિ ઉત્તમ કે વર્તમાનની કૃતિ ઉત્તમ એવા કોઈ તારણ પર આવવાનો ન હોય. પરંતુ વર્તમાનમાં લખાયેલી કૃતિઓની સમજ આવા મૂલ્યાંકનથી વધારે સ્પષ્ટ થાય. આવું મૂલ્યાંકન વર્તમાનના લેખકનું પરંપરા સાથેનું સંધાન અને એની વ્યક્તિગત પ્રતિભા સ્પષ્ટ કરી આપે. પરંપરાનો મહિમા કરવો એનો અર્થ એ નથી કે ભૂકાળમાં જે કંઈ લખાયું એ બધું જ શ્રેષ્ઠ માની લેવું. આમાં નીરક્ષીર વિવેક મહત્ત્વનો બની રહે. ભૂતકાળનું જે કંઈ શ્રેષ્ઠ હોય એનો જ સ્વીકાર કરવાનો હોય. નકામું કે નબળું બાજુમાં મૂકવું પડે. પરંપરાનું અનુસરણ કરનાર વ્યક્તિ કોઈ એક યુગ કે સમયગાળાના લેખકોને કે પોતાને ગમતા થોડા લેખકોને જાણી લે એ પૂરતું નથી. જે-તે સમયના મુખ્ય પ્રવાહી, વલણોની સમજ જરૂરી બની જાય છે. આવાં સાહિત્યિક વલણો માત્ર મહાન કવિઓ જ સુનિશ્ચિત નથી કરતા હોતા. નાના કે ઓછા જાણીતા કવિઓનું પણ એટલું જ મહત્ત્વ હોય છે. આ બધી બાબતો સમજવા માટે કવિ સારો વિવેચક હોય એ પણ જરૂરી છે. સમાજ બદલાતો રહે છે પણ મહાન કવિઓ ક્યારેય અપ્રસ્તુત થતા નથી. કલાકારે કે કવિએ સતત પરંપરાને શરણે રહેવું પડે. વ્યક્તિ કરતાં પરંપરાનું મૂલ્ય અનેકગણું વધારે છે. ભૂતકાળ કવિની સંવેદનાને ઘડે છે. કવિએ અતીતની સભાનતા કેળવવી પડે અને સમગ્ર કારકિર્દી દરમિયાન આ સભાનતા વિકસાવતા રહેવું પડે. પોતાના કરતાં વધારે મૂલ્યવાન બાબતની (અર્થાત્ પરંપરાની) શરણાગતિ સ્વીકારવી પડે. પરંપરા વિશે આટલી વાત કર્યા પછી એલિયટ કવિતામાં નિવૈયક્તિકતાનો સિદ્ધાંત ચર્ચે છે. એલિયટને મતે કલાકારની પ્રગતિ એટલે સતત આત્મબલિદાન, સતત વ્યક્તિત્વનું તિરોધાન. The progress of an artist is a continual self-sacrifice, a continual extinction of personality.' પ્રામાણિક વિવેચન અને સંવેદનશીલ રસદર્શન કવિપરક નહીં બલ્કે કવિતાપરક હોય છે. એલિયટ પોતાની વાત એક રાસાયણક પ્રક્રિયાના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ અને ઑક્સિજનને પ્લેટિનમના ટુકડાની હાજરીમાં ભેગા કરવામાં આવે છે ત્યારે સલ્ફલ્ફ્યુરિક ઍસિડ મળે છે. સમગ્ર પ્રક્રિયામાં પ્લેટિનમનો ટુકડો અનિવાર્ય છે. એ ઉદ્દીપક છે. એની હાજરી ન હોય તો રાસાયણિક પ્રક્રિયાને અંતે સલ્ફ્યુરિક ઍસિડ ન મળે. પરંતુ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ પ્લેટિનમનો ટુકડો એમનો એમ જ રહે છે. એના પર પ્રક્રિયાની કોઈ અસર થતી નથી. એ જ રીતે સલ્ફયુરિક ઍસિડમાં પણ પ્લેટિનમનો અંશ રહેતો નથી. આમ જ કાવ્યસર્જનની પ્રક્રિયામાં કવિનું ચિત્ત માત્ર ઉદ્દીપકનું કાર્ય કરે છે. આ પ્રક્રિયાની અસરથી એનું ચિત્ત સંપૂર્ણપણે મુક્ત રહે છે અને કવિતામાં પણ કવિનું વ્યક્તિત્વ અભિવ્યક્ત થતું નથી. કલાકાર/કવિ જેટલો વધારે પરિપક્વ એટલી એની રચનામાં એની અંગતતા ઓછી. 'The more perfect the artist, the more completely separate in him will be the man who suffers and the mind which creates.' કવિએ રચનામાં પોતાના અનુભવો એ રીતે રજૂ કરવા જોઈએ જેથી એનું વ્યક્તિત્વ એની રનચામાં મુખર ન થાય. કાવ્યસર્જનમાં આવતા અનુભવો બે પ્રકારના હોય છે ભાવો (emotions) અને લાગણીઓ (feelings). એકાદ ભાવ કે અનેક ભાવોના સંયોજનથી કે ક્યારેક કેવળ વિવિધ લાગણીઓથી પણ કવિતા રચાય. એલિયટ પોતાની વાતના સમર્થનમાં અન્ય એક ઉદાહરણ રજૂ કરે છે. કવિનું ચિત્ત એક પાત્ર-ટોપલી જેવું છે જેમાં અસંખ્ય લાગણીઓ, શબ્દસમૂહો, કલ્પનો સચવાઈને પડ્યાં રહે છે. કાવ્યસર્જન માટે જરૂરી બધી જ સામગ્રી કવિતાના ચિત્તરૂપી પાત્રમાં એકઠી થાય પછી સર્જનપ્રક્રિયા શરૂ થાય. જેમ કોઈ પાત્રમાં પડેલી વસ્તુઓ લઈ લીધા પછી પાત્ર એમનું એમ જ રહે છે અને એ વસ્તુઓમાં પણ પાત્રની કોઈ અસર વર્તાતી નથી એમ જ કવિનું ચિત્ત સર્જનપ્રક્રિયાથી અલિપ્ત રહે છે; સર્જનપ્રક્રિયાથી પ્રભાવિત થતું નથી. સાથે સાથે કવિના સર્જનમાં પણ એના વ્યક્તિત્વનો અંશ રહેતો નથી. કવિતાની મહત્તા ભાવોની તીવ્રતા પર નહીં પરંતુ સર્જનપ્રક્રિયાની તીવ્રતા પર આધારિત છે. આ તીવ્રતા જેટલી વધારે એટલી ઉત્તમ કવિતા. કલાગત ભાવ અને વ્યક્તિગત ભાવ વચ્ચે ફરક છે. બંને જુદાજુદા છે. એલિયટ દૃઢપણે માને છે કે કવિએ વ્યક્તિત્વની અભિવ્યક્તિ કરવાની નથી. એનું વ્યક્તિત્વ તો કેવળ માધ્યમ છે. ‘The poet has not a personality' to express, but a particular medium, which is only a medium and not a personality.’ આ વ્યક્તિત્વના માધ્યમથી સંસ્કારો (impressions) અને અનુભવ (experiences) વિશિષ્ટ અને અનપેક્ષિત રીતે સંમિશ્રિત થાય છે. શક્ય છે કે જે સંસ્કારો અને અનુભવો કવિ માટે અંગત જીવનમાં મહત્ત્વના હોય એ કવિતામાં સ્થાન ન પામે. સામે પક્ષે, કવિતા માટે મહત્ત્વના હોય એવા સંસ્કારો અને અનુભવો વિના અંગત જીવનમાં નગણ્ય હોય એ બનવાજોગ છે. આમ, એલિયટ આત્મલક્ષીતા (subjectivity)નો છેદ ઉડાડે છે. કવિના જીવનમાં ઘટતી ઘટનાઓથી જન્મેલા અંગત ભાવોનું કાવ્યમાં મહત્ત્વ નથી. આવા અંગત ભાવો સાવ સાદા-સરળ, સપાટ કે અણઘડ હોઈ શકે પણ કવિતામાં રજૂ થતા ભાવો સંકુલ અને પિરશુદ્ધ હોય. કવિનું કામ નવા નવા ભાવો શોધવાનું નથી. એનું કામ છે સાધારણ ભાવોને નવા અર્થ, નવા ઊંચાઈ બક્ષવાનું. આ ભાવો કવિના અંગત હોય એવુંય જરૂરી નથી. ક્યારેક કવિએ ન અનુભવ્યા હોય એવા ભાવો પણ કવિતાનો હેતુ પાર પાડી શકે. જાણીતા રંગદર્શી (romantic) કવિ વર્ડ્ઝવર્થ કવિતા અંગે માને છે કે 'Poetry takes its origin from 'Motions recollected in tranquillity'. એલિયટ આ વાતનું ખંડન કરે છે. એમના મત મુજબ, કાવ્યસર્જનની પ્રક્રિયામાં નથી તો ભાવ, નથી સ્મૃતિ કે નથી શાંતિ. એમાં તો સંખ્યાબંધ અનુભવોની એકાગ્રતા હોય છે જેના પરિણામસ્વરૂપ નવી ચીજ જન્મે છે. કાવ્યસર્જનમાં ઘણી બાબતો એવી હોય છે કે સભાનપણે કે ચીવટપૂર્વક કરવાની હોય. સારા કવિ અને નબળા કવિ વચ્ચેનો ફરક એ છે કે નબળો કવિ સભાન રહેવાનું હોય ત્યાં લાપરવાહ રહે અને ક્યારેક બિનજરૂરી જાગરૂકતા બતાવે. આ પ્રકારની બંને ભૂલો કવિને અંગત બનાવે છે. પરિપક્વ કલા હંમેશાં બિનઅંગત જ હોય. એલિયટ કહે છે કે કવિતાનો અર્થ ભાવોને છૂટો દોર આપવો એવો નથી. કવિતામાં તો ભાવોથી છટકવાની-દૂર જવાની વાત છે. કવિતા વ્યક્તિત્વની અભિવ્યક્તિ નથી પરંતુ વ્યક્તિત્વથી છટકવાની-દૂર જવાની કલા છે. જોકે આ વાત સમજવા માટે પણ વ્યક્તિત્વ અને ભાવો હોવાં જરૂરી છે. આમ, એલિયટ માને છે કે કવિને વ્યક્તિત્વ અને અંગત ભાવો હોવા જોઈએ, પરંતુ સાચી કલા આ ભાવોને બિનઅંગત કરવામાં અને વ્યક્તિત્વનું વિલેપન કરવામાં છે. એલિયટને મત સાહિત્યમાં બિનઅંગતતા (depersonalisation)નું મોટું મહત્ત્વ છે. પ્રસ્તુત નિબંધમાં પ્રશિષ્ટવાદી એલિયટ રંગદર્શિતાવાદ (Romanticism)ની આત્મલક્ષિતા (subjectivity)ની સામે પરલક્ષિતા (objectivity)નું મહિમાખંડન કરે છે. 'Hamlet and His problems' નામના નિબંધમાં એલિયટ ‘વસ્તુગત સહસંબંધાંક' (Objective Correlative)નો સિદ્ધાંત રજૂ કરે છે. મૂળે તો આ શબ્દ એલિયટે વોશિંગ્ટન એલ્ટન નામના વિવેચક પાસેથી લીધેલો. વસ્તુગત સહસંબંધની વાતને નિવૈયક્તિકતાના સિદ્ધાંત સાથે સીધો સંબંધ છે. એલિયટના મતે કલાસ્વરૂપે ભાવને અભિવ્યક્ત કરવાનો એકમાત્ર ઉપાય એટલે વસ્તુગત સહસંબંધક, કવિ કોઈ પણ ભાવ વાચક સુધી સીધેસીધો ન પહોંચાડી શકે. એના માટે એણે કોઈક માધ્યમ રચવું પડે - કોઈ પદાર્થોનો સમૂહ, કોઈ પરિસ્થિતિ કે ઘટનાઓની શૃંખલા રજૂ કરવાં પડે. એના થકી ઇન્દ્રિય અનુભવમાં પરિણમતી બાહ્ય હકીકતો રજૂ કરવામાં આવે કે તરત ભાવ ઉદ્ભવે. આ વસ્તુગત સહસંબંધક લેખક એને વાચક વચ્ચે સેતુ રચે છે. આ માધ્યમથી વાચક કૃતિના હાર્દ સુધી પહોંચી શકે છે. પોતાની વાત સ્પષ્ટ કરવા એલિયટ શેક્સપિયરનાં નાટકોમાંથી દૃષ્ટાંત રજૂ કરે છે. ‘Macbeth' નામના નાટકમાં રાજા ડંકનની હત્યા કર્યા પછીની લેડી મેકબેથની માનસિક સ્થિતિ રજૂ કરવા શેક્સપિયર વર્ણનોનો આશરો લેતા નથી, પરંતુ ઊંઘમાં ચાલવાનું દૃશ્ય (Sleep walking scene) રચે છે. લેડી મેકબેથ પોતાની અગાઉની ક્રિયાઓનું પુનરાવર્તન કર્યાં કરે છે, હાથમાં સળગતી મીણબત્તી વગેરે વસ્તુઓના ઉપયોગ થકી શેક્સપિયર વસ્તુગત સહસંબંધક રચે છે, જેના થકી લેડી મેકબેથની મનોવ્યથા વાચક/દર્શક અનુભવી શકે છે. ભાવોનું પ્રત્યાયન સીધેસીધું થવાને બદલે પરિસ્થિતિ કે ઘટનાઓની હારમાળા થકી સુયોગ્ય રીતે થાય છે. પરંતુ શેક્સપિયરના અન્ય નાટક ‘Hamlet'માં ડેન્માર્કના રાજકુમાર હેમ્લેટની અંતર્વેદના વ્યક્ત કરવા માટે નાટ્યકાર કોઈ પદાર્થ, પાત્ર, પરિસ્થિતિ કે ઘટનાનો યોગ્ય વસ્તુગત સહસંબંધક રચી શકતા નથી. માતાના કૃત્ય થકી એના મનમાં જાગેલી પીડે કે ઘૃણા અવ્યક્ત રહી જાય છે. પરિણામે એલિયટ આ નાટકને શેક્સપિયરની કલાત્મક નિષ્ફળતા (artistic failure) માને છે. વિમસેટ અને બ્રુક્સ નામના વિવેચકો કહે છે એમ મૂળે વોશિંગ્ટન એલ્ટને પ્રથમ પ્રયોજેલો આ શબ્દસમૂહ - Objective Correlative - એલિયટ થકી એટલો પ્રસિદ્ધિ પામ્યો જેની કલ્પના ખુદ એલિયટે નહીં કરી હોય. આ આખા વિચારની પ્રેરણા એલિયટે ફ્રેંચ પ્રતીકવાદીઓમાંથી લીધી હોવાનું વિવેચકો માને છે. 'Metaphysical Poets' નામના નિબંધમાં એલિયટ Unification of Sensibility (સંવેદનનું એકીકરણ)ની વાત મૂકે છે. Unification of sensibility એટલે વિચાર અને લાગણીનું સાયુજ્ય, વિચારનું લાગણીમાં પરિવર્તન. જેકોબિયન નાટ્યકારો અને મેટાફિઝિકલ કવિઓમાં એલિયટને આવું સંવેદનનું એકીકરણ દેખાય છે. જ્હોન ડન માટે વિચાર અનુભૂતિ હતો, જે એની સંવેદનશીલતાને ઘડતો. સાધારણ માણસનો અનુભવ અંધાધૂંધીભર્યો, અનિયમિતતા અને ખંડિત હોય છે જ્યારે આ જ અનુભવ કવિના ચિત્તમાં અખંડ બને છે, નવસર્જન પામે છે. સંવેદનના એકીકરણનું બીજું મહત્ત્વનું પાસું એટલે કવિની અંદરના સર્જક એ વિવેચક વચ્ચેની સંવાદિતા. સારો કવિ સારો વિવેચક પણ હોવો જોઈએ. એક કવિ-વિવેચક જ સારું વિવેચન કરી શકે. 'Unification of sensibility'ની સામે એલિયટ 'Dissociation of Sensibility' (સંવેદનવિચ્છેદ)ની વાત કરે છે. સંવેદન વેરવિખેર હોય ત્યારે નબળી કવિતા જન્મે. કવિ પોતાના વિચારને અનુભવી ન શકે તો વિચાર અને લાગણી વચ્ચે ખાઈ રચાઈ જાય. સત્તરમી સદીના પાછલા ભાગમાં મિલ્ટન, ડ્રાયડન અને પોપની અસર હેઠળ લખાયેલી કવિતામાં એલિયટને વેરવિખેર સંવેદન દેખાય છે. કીટ્સ અને શૈલીમાં સંવેદનના એકીકરણના પ્રયાસો દેખાય છે, પરંતુ ટેનિસન અને બ્રાઉનિંગમાં વિચારોનું લાગણીમાં રૂપાંતર થઈ શક્યું નથી. હાથમાં ગુલાબનું ફૂલ લઈને અને એની સુગંધ અનુભવાય એમ જ વિચાર લાગણીમાં રૂપાંતિરત થવો જોઈએ. માત્ર શુષ્ક વિચારો કે તર્ક કવિ માટે પૂરતા નથી. કવિનું કામ વિચારોને પદ્યમાં ગોઠવી દેવા પૂરતું નથી, બલકે તેમને સંવેદનામાં પરિવર્તિત કરવાનું છે. આ જ નિબંધમાં એલિયટ કહે છે કે કવિઓએ અઘરા રહેવું જોઈએ. (અહીં રશિયન ફોર્માલિસ્ટ્સની Defamiliarization of familiar objectsની વાતનું સ્મરણ થાય.) કવિનો વ્યાપ વિસ્તરવો જોઈએ કવિતા સર્વગ્રાહી, સંદર્ભોથી સભર બનવી જોઈએ. કવિતાની ભાષા વિશે વાત કરતાં એલિયટ કહે છે કે સાવ નવી પરિસ્થિતિઓને રજૂ કરવા શબ્દની તમામ શક્યતાઓ ચકાસવી પડે. ‘The Music of Poetry'માં એલિયટ કવિતામાં સામાન્ય વાતચીતની ભાષા (return to common speech)ની હિમાયત કરે છે. 'The Social Function of Poetry'માં કવિને પોતાની ભાષામાં જ કવિતા કરવા સલાહ આપે છે. કવિતાએ મૂળભૂત રીતે લાગણીઓ અને ભાવો સાથે પનારો પાડવાનો હોય છે. અન્ય ભાષામાં લાગણીઓ અને ભાવોની તીવ્રતા ઉપજાવી શકાતી નથી. જોકે આવું કહેનાર એલિયટે પોતાની કવિતામાં જરૂર પડે અન્ય ભાષાના શબ્દોનો છૂટથી ઉપયોગ કર્યો છે. એલિયટ માને છે કે કવિનું ભાષા પરત્વે ઉત્તરદાયિત્વ હોય છે. એણે ભાષાને જાળવવાની છે. સાથેસાથે એની સીમાઓ વિસ્તારવાની છે: એને સંમાર્જિત કરવાની છે. આ જ નિબંધમાં એલિયટ કવિતાના આનંદ આપવાના પ્રયોજનની વાત કરે છે. The Sacred Wood'ની પ્રસ્તાવનામાં એ લખે છે : 'Poetry is a superior amusement.' ‘Three Voices of Poetry’ પણ એલિયટનો જાણીતો નિબંધ છે. અહીં એલિયટ કવિતાના ત્રણ સૂરની વાત મૂકે છે. પ્રથમ સૂર, જેમાં કવિ પોતાની જાત સાથે સંવાદ સાધે છે. દા.ત, ઊર્મિકાવ્ય. બીજો સૂર, જેમાં કવિ શ્રોતાઓને સંબોધે છે. એમાં કોઈ સંદેશ આપવાનું કે કેવળ મનોરંજનનું પ્રયોજન હોય. દા.ત. નાટયાત્મક એકોક્તિ. કવિતાનો ત્રીજો સૂર, જેમાં કવિ કોઈ પાત્ર સર્જે છે. દા.ત., પદ્યનાટક. દરેક કાવ્યમાં એક કરતાં વધારે સૂર સંભળાતા હોય છે. આપણે એ સૂર સમજવાના હોય છે. એલિયટ પ્રશિષ્ટતાવાદના પુરસ્કર્તા છે અને પરિણામે રંગદર્શિતાવાદની આત્મલક્ષિતાના વિરોધી છે. પ્રશિષ્ટતાવાદ અંગેનો એમનો અહોભાવ અનેક લખાણોમાં વ્યક્ત થયો છે. The function of Criticism' નામના નિબંધમાં એલિયટ પ્રશિષ્ટતાવાદ અને રંગદર્શિતાવાદ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં કહે છે આ બંને વચ્ચેનો ફરક એટલે પૂર્ણ અને ખંડિત, પરિપક્વ અને અપરિપક્વ, વ્યવસ્થા અને અરાજકતા વચ્ચેનો ફરક. એમના જાણીતા નિબંધ What is a Classic?'માં પ્રશિષ્ટ કૃતિ વિશે વાત કરતાં એલિયટ નોંધે છે કે સંસ્કૃતિ પરિપક્વ હોય, ભાષા અને સાહિત્ય પરિપક્વ હોય તો જ પ્રશિષ્ટ કૃતિનું સર્જન શક્ય બને. પ્રશિષ્ટ કૃતિ પરિપક્વ ચિત્તની જ નીપજ હોઈ શકે. એલિયટના મત મુજબ, આધુનિક જીવનનાં વૈવિધ્ય અને સંકુલતાઓ જેમાં ઝિલાયાં હોય એ કવિતા જ પ્રસ્તુત બને. કવિતાને મેઘધનુષો અને ફૂલોની ભૂમિમાંથી બહાર કાઢી મિલોનાં ભૂંગળાં, દારૂનાં પીઠાં અને વેશ્યાલયોની દુનિયામાં લઈ જવી પડે. એલિયટના કાવ્યવિચારમાં પ્રશિષ્ટતાવાદ સતત પડઘાયા કરે છે. વિવેચકોએ એમના વિચારોમાં, સિદ્ધાંતોમાં અનેક દોષો તારવ્યા છે તેમ છતાં તેઓ નિઃશંકપણે વીસમી સદીના પ્રથમ હરોળના કવિ-વિવેચક છે. અંગ્રેજી સાહિત્યમાં ડ્રાયડન, વર્ડ્ઝવર્થ, કૉલરિજ અને આર્નોલ્ડ જેવા કવિ-વિવેચકોની સમૃદ્ધ પરંપરાના તેઓ વારસદાર છે. એઝરા પાઉન્ડ જેવા કવિ-વિવેચક અને ફ્રેંચ પ્રતીકવાદીઓની એમના પર વિશેષ અસર રહી છે. વર્ષ ૧૯૪૮માં નોબલ પુરસ્કાર દ્વારા એલિયટની સાહિત્યસેવાઓનું ઉચિત સન્માન થયું.

(‘અધીત : પિસ્તાળીસ')