અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની કવિતા : આધુનિકતાના સંદર્ભે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૯. નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની
કવિતા : આધુનિકતાના સંદર્ભે

બિપિન આશર

૧ : ૧

આધુનિકતા એક બહુઅર્થી, બહુરૂપી અને સતત પરિવર્તન પામતો વિભાવ છે. તેની પરિવર્તનશીલ પ્રકૃતિ અને સાર્વત્રિક ગતિને કારણે તેનું સ્વરૂપ સંકુલ અને વિવાદાસ્પદ રહ્યું છે. આમ છતાં પૂર્વ અને પશ્ચિમના સાહિત્યજગતમાં જેટલી ચર્ચા-વિચારણા આ સમ્પ્રત્યય (concept) વિશે થઈ છે એટલી ભાગ્યે જ અન્ય સમ્પ્રત્યય વિશે થઈ હશે. આધુનિકતાને સમયાન્તરે પ્રયોગશીલતા, નવીનતા કે કેટલીક આધુનિક ગણાયેલી વિચારધારાઓ અને નગરસંસ્કૃતિની સમસ્યાઓ અને સંવેદનોનાં થતાં આલેખનો સાથે જોડવામાં આવી છે. ગુજરાતી સાહિત્યમાં અવતરણ પામેલી આધુનિકતાનો સીધો સંબંધ પશ્ચિમના કેટલાક આધુનિકતાવાદી સર્જકોની સાહિત્યકૃતિઓ સાથે રહેલો છે. પ્રસ્તુત અભ્યાસલેખમાં નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની કવિતામાં આધુનિકતાવાદી વલણોને તપાસવાનો ઉપક્રમ છે. આ કવિઓ પર પણ પશ્ચિમના કવિઓ અને કૃતિઓનો બહુ મોટો પ્રભાવ વર્તાય છે જેની ચર્ચા પુરોગામી વિદ્વાનોએ કરી છે. અહીં માત્ર આ કવિઓની કવિતામાં વિષય અને અભિવ્યક્તિના સંદર્ભે આધુનિકતાવાદી વલણોને તપાસવાનો જ આશય છે. આધુનિકતાનો એક છેડો નગરસંસ્કૃતિ, નગરસમાજ, નગરસમસ્યા અને નગરસંવેદન સાથે જોડાયેલો છે. નિરંજન ભગતે ‘પ્રવાલદ્વીપ’માં ગ્રંથસ્થ કરેલાં સોળ જેટલાં કાવ્યોને તપાસીએ છીએ ત્યારે તેમાં જે રીતે મુંબઈનગરી, નગરનાં વિભિન્ન સ્થળો, નગરજીવનની કૃતકતા, આધ્યાત્મિક અધઃપતનને વ્યંજિત કરતો માનવસમાજ, સ્ટીફન સ્પેન્ડરે જેમને ‘machanic Ghosts moving in a mar chine made society’ કહીને ઓળખાવ્યા છે અને ટી.એસ. એલિયટે જેમને ‘Hollow man’ તરીકે ઓળખાવ્યા છે. એવા નગરવાસીઓની આંતર-બાહ્ય સમસ્યાઓ અને સંવેદનશૂન્યતા, એકવિધતા, કુંઠિતતા, વ્યક્તિત્વવિહીનતા, અસલામતી, યંત્રવતતા જેવાં ભાવસંવેદનો- પરિસ્થિતિઓ- ને કાવ્યસ્થ કર્યાં. છે તેમાં આધુનિકતાનો સંસ્પર્શ અનુભવાય છે. ભલે આ કાવ્યો પર ફ્રેન્ચ આધુનિકતાવાદી કવિ બોદલેરના કાવ્યસંગ્રહ ‘Les Fleurs Dumal’ (દુરિતનાં ફૂલો)નો; રિલ્કેના ‘Das Buchdas Bilder (ચિત્રપોથી) કાવ્યસંગ્રહનો; લોર્કાના Poeta en Nucva York’ (ન્યૂયોર્ક નગરની મુલાકાતનાં કાવ્યો) કાવ્યસંગ્રહનો; ટી.એસ. એલિયટની ‘Wasteland’ કૃતિનો; કેટલાક અન્ય પાશ્ચાત્ય કવિઓ અને વિચારધારાનો પ્રભાવ રહ્યો; પરંતુ ગુજરાતી કવિતાને આધુનિકતાની દિશા ચીંધીને કવિશ્રી નિરંજન ભગતે જે નવી ક્ષિતિજનાં દર્શન કરાવ્યાં છે તે તેમનું અનન્ય પ્રદાન છે. ‘પ્રવાલદ્વીપ’ની રચનાઓનું અનુસંધાન પશ્ચિમના કવિઓનાં કાવ્યો સાથે રહેલું હોવા છતાં ય કવિએ નગરને કોઈ વાદનો સ્પર્શ આપ્યા વિના, રંગદર્શિતાને અળગી રાખીને, કેવળ યથાર્થ દૃષ્ટિથી બદલાયેલા નગર અને નગરસમાજને નિહાળીને નગરજીવનની કુરૂપ વાસ્તવિકતાનાં જે શબ્દચિત્રો તાદેશ કર્યાં છે તેમાં આધુનિકતાવાદી વલણો જોવા મળે છે. આ પ્રકારનાં કાવ્યોથી ગુજરાતી કવિતામાં સૌ પ્રથમવાર, આધુનિકતાનું વહેણ ભળે છે. કવિએ વિશિષ્ટ દૃષ્ટિથી નગરને નિહાળી નિરૂપ્યું છે. ‘મુંબઈનગરી’ રચના આ વાતની સંપૂર્ણ સાક્ષી પૂરે છે. એક મગરીના કલ્પન દ્વારા નગરના વિસ્તાર, એની બરછટતા, દુર્ભેદ્યતા, સંવેદનશૂન્યતા, ગ્રસિષ્ણુતા, યાંત્રિકતા, નિવીર્યતા આદિને લાઘવયુક્ત બાનીમાં કેવાં વ્યંજિત કરી બતાવ્યાં છે. આ નગરના લોકોનો પણ એક પંક્તિમાં પૂરેપરો પિરચય કરાવી આપ્યો છે આ રીતે : ‘જ્યાં માનવ સૌ ચિત્રો જેવા, / વગર પિછાને મિત્રો જેવા.’ (પૃ. ૨૦૩) કવિએ ભૌતિકતાના આક્રમણે માનવીમાં રહેલી પ્રકૃતિને કેવી હણી નાખી છે તે સૂચવવા માટે તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા જેવા શબ્દો એકસાથે પ્રયોજ્યા છે. એક બાજુ કવિ આ નગરને ‘ઇન્દ્રજાલની ભૂલવે લીલા / એવી આ સૌ સ્વર્ગ તણી સામગ્રી’ કહીને નગરને સ્વર્ગ સાથે સરખાવે છે તો બીજી બાજુ આધુનિક અરણ્ય’ રચનામાં નગરને જંગલ સાથે સરખાવે છે. હિંસક પશુઓની જેમ, કવિને, નગરમાં અસંખ્ય માનવીઓ અહીંતહીં રખડતાં દેખાય છે. નગર બાહ્ય રીતે સુંદર લાગે છે, પરંતુ તેમાં નૈસર્ગિક વાતાવરણનો સતત અભાવ વર્તાય છે. નગરોએ પ્રકૃતિના નૈસર્ગિક વાતાવરણને છીનવી લીધું છે તેની વ્યથા આ રીતે વ્યંજિત કરવામાં આવી છે :

‘વનસ્પતિ નહીં, ન વેલ, નહીં વૃક્ષ જ્યાં ઝૂમતાં;
વિહંગ નહીં, રેડિયો ટહુકતો પૂરે વોલ્યુમે;
નહીં ઝરણું, શી સરે સડક સ્નિગ્ધ આસ્ફાલ્ટની’ (પૃ. ૨.૪)

આ નગરમાં વ્યાપ્ત એવી વિષમતા અને વિભીષિકા કવિને નગરના ઉદ્ભવ વિશે કેવી કલ્પના પ્રતિ દોરી જાય છે :

‘સર્યા અતલથી નર્યા સજડ આમ થીજ્યા ઠર્યા
અહીં નરક નીકળ્યા મલિન ઉષ્ણ નિશ્વાસ? કે
કદીક નિજ સ્વપ્ન બીજ અહીં વાવિયાં રાક્ષસે
વિશાળ પરિપક્વ આ સ્વરૂપમાં શું ફૂલ્યાંફળ્યાં.’ (પૃ. ૨૦૪)

જ્યાં નરકના મલિન ઉષ્ણ નિઃશ્વાસ ઠરીને થીજી ગયા છે તે જ આ નગર? કે પછી રાક્ષસે વાવેલાં પોતાનાં સ્વપ્નબીજ ફૂલીફાલીને પરિપક્વ બન્યો તે આ નગર? ‘મલિન નિશ્વાસ’ અને ‘રાક્ષસે વાવ્યાં સ્વપ્નબીજ’ જેવા શબ્દગુઓ નગરની કુરૂપતાને મૂર્ત કરે છે. કવિને આ આખુંય નગર અરણ્ય સમું ભારે છે. ‘મુંબઈનગરી’ અને ‘આધુનિક અરણ્યે’ આ બન્ને રચનાઓ નગરના કુરૂષ વાસ્તવને કાવ્યાત્મક રીતે મૂર્ત કરતી હોવાથી આસ્વાદ્ય છે. ‘પ્રવાલદ્વીપ’માં નગરનો વધુ પરિચય આપતાં કેટલાંક સ્થળ વિષયક કાવ્યો પણ જોવા મળે છે. ‘મ્યુઝિયમમાં’ રચના પ્રતીકાત્મક રીતે નૈસર્ગિક જીવન અને કૃતક જીવનને ઉપસાવે છે. મ્યુઝિયમમાં પુરાયેલો સિંહ કેવો લાચાર લાગે છે! પિંજરસ્થ સિંહ સામે જંગલમાં મુક્ત રીતે હરતોફરતો સિંહ સાવ જુદો જ છે. કવિએ પ્રતીકાત્મક રીતે નગરસ્થ લોકોની સ્થિતિને વ્યંજિત કરી છે. આ જ રીતે ‘ઝૂમાં’ રચનામાં નાગી સભ્યતા પર વ્યંગ્ય કરવામાં આવ્યો છે. માનવી પશુને માનવીય સભ્યતા શીખવીને માનવી જેવો બનાવવા પ્રયત્નો કરે છે. પરંતુ તેના આ પ્રયત્નો તેને પશુ બનાવે છે. ‘એક્વેરિયમમાં’ રચના પણ નગરવાસીઓની નિરર્થક દોડને તથા કૃતક જીવનને પ્રતીકાત્મક રીતે ઉપસાવતી અનુભવાય છે. એક્વેરિયમની માછલી જે રીતે વિશાળ સમુદ્રને, તેમાં કરેલા મુક્ત વિહારને તરંગોને, મોજાંઓને, સૂર્યપ્રકાશને યાદ કરતી નથી તેથી સુખી છે તે જ રીતે નગરવાસી પણ નગરમાં પોતાના નૈસર્ગિક જીવનને યાદ કરતો નથી તેથી સુખી હોવાનો અનુભવ કરે છે; પરંતુ જો તે નિર્ભ્રાન્ત બનીને વિચારે તો તેને એબ્સડિટીનો અનુભવ થશે. માછલી અને મનુષ્યની આ ભાવસ્થિતિના સામ્યને કવિએ આ રીતે વ્યંજિત કર્યું છે :

‘મનુષ્ય (કાચ પાર હું સમા ઘણાં અહીં ફરે
ન કોઈ જેમનાં પ્રદર્શનો ભરે!)
કને જ આ કલા ભણી.
અગમ્ય શી ગણી.’ (પૃ. ૨૦૭)

અહીં કૌંસમાં મુકાયેલી પંક્તિ પણ મુક્ત દેખાતા માનવીની કૌંસદશા સૂચવે છે. નગરવિષયક રચનાઓમાં જે સ્થળસંદર્ભે લખાયેલી છે તેમાં ‘એરોડ્રામ પર’ રચના તેમાંથી પ્રાપ્ત થતી ભાવવ્યંજનાને કારણે આસ્વાદ્ય છે. ‘કાફેમાં’ કવિએ સુંદર મઝાના કલ્પન દ્વારા વ્યથાભાવને મૂર્ત કરી બતાવ્યો છે. ‘ફૉકલૅન્ડ રોડ’ રચનામાં સ્નેહલગ્નની વિડંબના છે. અહીં માનવીની દેહકામનાનું વરવું રૂપ માત્ર ચાર પંક્તિમાં તાદૃશ કરી બતાવાયું છે. ‘ફાઉન્ટનના બસસ્ટોપ પર’ રચનામાં નગર, નગરવાસીઓ, નગરની કુરૂપ વાસ્તવિકતા, માનવીની વ્યર્થ દોડ, લક્ષ્યવિહીનતા, દિશાશૂન્યતા, સંવેદનશૂન્યતા, ભીંસ, માનવજીવન અને પ્રવૃત્તિની વ્યર્થતા જેવા આધુનિક ગણાયેલાં ભાવસંવેદનોનું નિરૂપણ થયેલું અનુભવી શકાય છે. હજી સર્વનાશ નથી થયો’ તેની પ્રતીતિ કરાવતાં નગરોમાં દેખાતાં કેટલાંક વૃક્ષો નગરવાસીઓના સંગે કેવાં વિરૂપ લાગે છે અને તે શું વિચારે છે તેના વિશે કવિ કહે છે :

‘સદાય નિઃસહાય ને લજાય કિંતુ ક્યાં લપાય?
એમને મળ્યા નહીં મનુષ્ય જેમ પાય,
જો મળ્યા હોત, તો ક્યારનાં થયાં ન હોત ચાલતાં?
શિલા, સિમેન્ટ, લોહ કાચ કાંકરેટ પાસ વામણાં, વિશેષ સાલતાં.’
(પૃ. ૨૧૨)

નગરનાં વૃક્ષોની દયનીય સ્થિતિ જેવી સ્થિતિ પશુ-પક્ષીઓની પણ છે. કવિએ પશુ-પક્ષીઓની સ્વતંત્રતા ઝૂંટવી લેતા સભ્ય નગરવાસીઓ પ્રત્યે વેધક કટાક્ષ કર્યો છે :

‘અહીં જનાવરો કરે ન આવ જા એમ સ્પષ્ટ છે નિયમ,
અપાર એમની ભણી સહાનુભૂતિ, સ્નેહ, ઝૂ રચ્યું, રચ્યું છે મ્યુઝિયમ’
(પૃ. ૨૧૩)

પ્રસ્તુત રચનામાં કવિએ નગરમાં વ્યાપ્ત હવાને હવા નહીં, પરંતુ ‘અરણ્ય લોકોના નિસાસા’ તરીકે અને નગરવાસીઓની દોડધામને - પ્રવૃત્તિને ‘અનન્યતાંડવ’ તરીકે ઓળખાવી છે. નગરની ભીડ, માનવી-માનવી વચ્ચે રહેલા પ્રત્યાયનનો અભાવ, લાગણીશૂન્યતા જેવી ભાવપરિસ્થિતિઓને કવિએ આ રીતે કાવ્યસ્થ કરીને પોતાની આધુનિક કવિ તરીકેની ઓળખ પ્રગટાવી છે :

‘પૂડલે પડ્યો શું પ્હાણ! મક્ષિકા સહસ્ત્ર શું ઘુમંત ક્રોધમાં?
થયા અલોપ અગ્રણી થતા સદાય એહની જ શોધમાં?
હશે શું અંધ? / નેત્રમાં વિલાય તેજ?
એકમેકની પૂંઠ થતાં, જતાં ખભેખભા ઘસી;
છતાંય ન કંપ, સ્પર્શથી ન સેતુ એક-બે જ વેંત દૂર ઉરો રચે
સમીપમાં જ તાર ઑફિસે રચાય જે ક્ષણેકમાં હજાર માઈલો વચ્ચે.’
(પૃ. ૨૧૩)

બે માનવી વચ્ચે બે જ વેંતનું અંતર હોવા છતાં એકબીજા વચ્ચે કોઈ પણ પ્રકારનું ભાવાત્મક અનુસંધાન સધાતું નથી જ્યારે તેમની સાવ નજીક તાર ઑફિસ છે જે એક જ ક્ષણમાં હજારો માઈલ દૂર રહેલા માનવી સાથે માનવીને જોડી આપે છે! કવિએ અહીં વિરોધ ઊભો કરીને પરિસ્થિતિની વૈધકતા દર્શાવી છે. કવિ બસસ્ટોપ પાસે ઊભાઊભા દોડધામ કરતા સેંકડો નગરવાસીઓને નિહાળી વિચારે છે કે આ બધા ઉતાવળા ઉતાવળા શું અંધકારલોક ભણી જઈ રહ્યા હશે? લોકોના ભાવિહીન ચહેરાઓ અને મૌનમૂકસ્થિતિ સ્મશાન યાત્રિકો જેવાં જણાય છે; પરંતુ તેમના ખભે કોઈ સ્વજનની લાશ તો. નથી. એવું વિચારતા કવિએ નગરવાસીઓના રોજિંદા-એકધારા જીવનની વર્કશોપમાં ડોકિયું કરીને એવું અનુમાન કર્યું છે કે સવારે જ્યારે આ લોકો પોતાના ઘેરથી એક આશાભર્યું સ્વપ્ન લઈને, ‘આજે’ પૂરું થશે એવી આશા સાથે, નીકળે છે તે દિવસાન્તે પણ પૂરું થતું નથી, સાકાર થતું નથી અને તેની સુહામણી સુરમ્ય સ્વપ્નભરી આજ અતીતમાં વિલુપ્ત થઈ સરી જાય છે. આવું સતત બન્યા કરે છે તેથી જ કોઈ સ્વજનના મૃત્યુ વિના પણ તેમના ચહેરા પર વિષાદની છાયા સદાય છવાઈ રહે છે. તે હાલતોચાલતો હોવા છતાં જાણે તેને પોતાના અસ્તિત્વમાં શંકા છે તેથી તે જન્મનું પ્રમાણપત્ર પણ સાથે જ રાખે છે! આ નગરવાસી સતત તાણ (Tension), ભાર (Burdon) અને વિષાદમાં ડૂબેલો હોવાથી તેની નિદ્રા, જોમ, સ્વમાન પણ હણાઈ ગયેલાં છે. આખુંય નગર જાણે કોઈ ક્રૂર અધર્મ પાપાચારના પિરણામો ભોગવતું હોય તેમ ત્રીસેય દિ’ યાતનાની ગર્તામાં ડૂબેલું કવિને ભાસે છે. બધાં જાણે શાપગ્રસ્ત અને પાપગ્રસ્ત હોય તેમ કોઈ કોઈનું નામ જાણતું નથી. બધાં જ નામવિહોણાં અને વ્યક્તિત્વવિહોણાં લાગે છે. તેમના અસલ વ્યક્તિત્વ પર નગરસભ્યતાનું ‘સ્ટીમ રોલર’ ફરતાં ફરતાં બધાં ‘સપાટ થઈ ગયાં છે. આવી પરિસ્થિતિમાં પણ આ લોકોને જાણે ઊંડે ઊંડે એક વિશ્વાસ ટક્યો છે :

‘કદીય બેપત્તા જહાજના મુસાફરો તણી થશે પ્રસિદ્ધ નામ-આવલિ,
હશે જ, એમનાંય એ વિશે - સમસ્ત દ્વીપ યા કદીક તો થશે સમુદ્રમાં બલિ;
કદીક આ વિરાટ ગ્રંથ વિશ્વનો સમાપ્ત તો થશે,
જરૂર એમનાંય નામ ‘છાપભૂલ’માં હશે’ (પૃ. ૨૧૫)

નગરવાસીઓની આ દશા નિહાળતા કવિ જાણે પોતાનું ય નામ ભૂલી ગયા હોય તેમ પોતે પોતાનાથી અજાણ્યાપણાનો ભાવ અનુભવે છે. અસમ્પ્રજ્ઞાતપણે તેઓ ‘નિરંજન ઓ’ બોલે છે, પરંતુ આ બોલાવેલા - ઉચ્ચારેલા નામ સાથે જાણે પોતાને સ્નાનસૂતકનોય વ્યવહાર ન હોય તેમ માત્ર નામના બંધારણના અક્ષરોમાં રહેલાં સ્વર-વ્યંજનોનું વિશ્લેષણ કરે છે. અંતે તેઓ પણ વ્યક્તિત્વવિહોણા -નાવિહોણા ટોળામાં ભળી જાય છે. આ આખીય રચના વિષય, નિરૂપણ રીતિ અને ભાષાની દૃષ્ટિએ આધુનિક છે. કવિએ નગરની જે વાસ્તવિક પરિસ્થિતિઓને નિહાળી છે તેમાં અસહ્ય ભીડ, કૃતક હાસ્ય, દિશાવિહીન દોટ, લક્ષ્યવિહીનતાને વ્યંજિત કરતી ‘ચર્ચગેટથી લોકલમાં’ પણ આધુનિકતાનો સંસ્પર્શ કરાવતી આસ્વાદ્ય રચના છે. પ્લેટફોર્મ પર આવી ચડતું માનવભીડ રૂપી તોફાન, સૌથી પ્રથમ જતી ટ્રેનમાં જવા ભીડમાં ઝુકાવતા નગરવાસીઓ અને પૂરવેગે દોડી આવતી ટ્રેનનાં સુંદર દૃશ્યો કવિએ ઉપસાવ્યાં છે. નગરવાસીઓ ઉતાવળે ઉતાવળે ઘેર પહોંચી જવા ઉત્સુક છે. પરંતુ આ ‘ઘર’ તો કેવાં ‘મરુસ્થળ’ જેવાં લાગે છે તે પ્રતિ કવિએ સંકેત કર્યો છે :

‘જહીં એક નીંદડૂબ બાળના નિસાસના
ઘૂમંત ચંડવાત, નિત્ય દાઝવા;
જહીં અનેક નારની અતૃપ્ત વાસના
સદાય તપ્ત વેળુ શી લે.’ (પૃ. ૨૧૭)

ઘેર જવા ઉતાવળ કરતા નગરવાસીની પ્રતીક્ષા ફળે છે અને જે રીતે લોકલ ટ્રેન પ્લૅટફૉર્મમાં પ્રવેશે છે તેનું સુંદર શબ્દચિત્ર, કવિએ, આ રીતે ઉપસાવ્યું છે :

‘અચિંતવી જ ટ્રેન પૂરવેગમાં ધસે,
વિલોલ, લોલ ડોલતી હિલોલતી,
કિલોલ બોલ બોલતી, શું વેદની ઋચા ઉચ્ચારતી!
અરણ્યગાયકો સમી ધરંત ધ્યાનમંત્ર ઓમ્?
કે ભરંત ફાળ, દિગ્દિગંતમાં કરંત અટ્ટહાસ્ય, કાળ શી હશે?
સમુદ્ર એક કોર, એક કોર કબ્રભોમ
બેઉને ડારતી (સ્વયં નહીં જીવંત કે નહીં મૃત)’ (પૃ. ૨૧૭)

નગરવાસીઓની ભાવદશાને ઉપસાવતી આ રચના સાથે ‘હોન્બી રોડ’નો પણ ઉલ્લેખ કરવો જોઈએ. સવારે માનવભીડથી ઊભરાતો રોડ રાત્રિના બાર પછી કેવો સૂમસામ ભાસે છે તેનું નિરૂપણ કરતાં કવિએ સવારની પ્રવૃત્તિનો જે રીતે અહીં નિર્દેશ કર્યો છે તેમાં નાવીન્યપણાનો અનુભવ થાય છે. આ રોડ પર કેવા કેવા લોકો મળે છે? જેમાં હજુય પ્રાણ ધબકી રહ્યો છે એવા એકબીજાથી સાવ અજાણ લોકો, કંઈ પણ કામકાજ વિનાના લોકો, પોતાના ભૂતકાળ પર ક્રોધિત છે એવા વૃદ્ધો, જેમનું ભાવિ ઠોકરે ચડ્યું છે તેવા નવયુવકો, સદાય કુટુંબખર્ચના આંકડા ગણતા હોય છે તેવા ગરીબ લોકો, એકસૂરિલું-એકવિધ જીવન સૂનમૂનપણે સધે જાય છે તેવી ટાઇપિસ્ટ ગર્લ્સ અને કારકુનો, જેમને હજી સુધી કોઈએ કહ્યું નથી કે ‘તમે સ્વતંત્ર છો’ એવા ‘જીહજૂર’ કરતા મજુરો, સળંગ રાતનું ગ્રાહક શોધતી વૈશ્યા અને ભૂતકાળ સ્મરતો - નવી પંક્તિ એકેય ન પામતો કવિ - જેવા અસંખ્ય લોકો હોન્બી રોડને ધબકતો રાખવામાં નિમિત્ત બને છે. રાત્રિએ આ બધાં અદૃશ્ય થાય છે. કવિએ સવાર અને રાત્રિનું વિરોધાભાસી ચિત્ર ઉપસાવીને નગરની પ્રકૃતિ અને પ્રવૃત્તિનો પરિચય કરાવ્યો છે. નિરંજન ભગતનાં આધુનિક કાવ્યોમાં ‘પ્રવાલદ્વીપ’ની રચનાઓ અને આ બધી રચનાઓમાં ‘પાત્રો’ શીર્ષક હેઠળ મુકાયેલ કવિ, આંધળો, વેશ્યા, ફેરિયો, પતિયો અને ભિખારી - એમ છ પાત્રોની ઉક્તિઓ વિશેષ ધ્યાનાર્હ બની રહે છે. આ નગરમાં જેની પ્રકૃતિ જ ફરવાની છે તેવો ફેરિયો. એક ને એક સ્થળે ભીંતને અઢેલીને, એક પણ દિવસ ચૂક્યા વિના, સાત વર્ષથી ઊભો રહે છે. જીવનની એકવિધતાથી કંટાળી ગયેલા ફેરિયાને દર વરસે ચૂનાથી રંગાતી - ચમકતી ભીંતની અને વસંતમાં ફૂલતાંફળતાં વૃક્ષોની ઈર્ષા થાય છે :

‘અરે, આ ભીંત પર હું ઝાડ થૈને શીદને તે ના ઝૂક્યો?
સાતે વસંતો વહી ગઈ ને ફૂલ હું નાહક ચૂક્યો.’

કવિએ નગરની એકવિધતાથી કંટાળી ગયેલા નગરવાસીઓની વેદનાના પ્રતિનિધિ તરીકે ‘ફેરિયા’ને નિરૂપ્યો છે. પોતાના જન્મ વિશે જ સાશંક એવા અંધજનની વેદના એ છે કે સ્વર્ગમાં માનવલોકની સાંભળેલી બેહદ પ્રશંસાથી પ્રેરાઈને, માનવલોકમાં ઉતાવળે ઉતાવળે આવી જવાના ઉત્સાહમાં પોતે આંખની કીકીઓ લેતાં ભૂલી ગયો હતો. હવે તો સૂરજ પણ તેની સામે છવાયેલા અંધકારને દૂર કરી શકતો નથી અને તે હવે એક અંધકારમાંથી બીજા અંધકારમાં જવા પણ રાજી નથી. કવિએ અંધજનને તેની પરિસ્થિતિ વિશે સભાનતાથી વિચારતો નિરૂપીને તેની આંતર્વેદનાને વાચા આપી છે. ‘ભિખારી’ રચના માનવ- માનવ વચ્ચેના અને માનવ-ઈશ્વર વચ્ચેના સંબંધોમાં આવેલ પરિવર્તન ધ્વનિત કરતી હોવાથી આધુનિક છે. ભિખારીને મન ઈશ્વર સર્વશક્તિમાન, કૃપાળુ, સમદષ્ટિવાળો નથી. તેને મન તો ઈશ્વર લાચાર-પામર છે તેથી જ તે પોતાની દયનીય દશામાંથી મુક્ત થવા ઈશ્વરને પ્રાર્થતો નથી. તેની ઉક્તિઓ સાંભળો :

‘આ હાથ જે સામે ધર્યો / એ હાથને ઘડનારનો પણ હાથ
એના જેટલો લાચાર અને પામર ઠર્યો / ત્યાં કોણ કોને આપશે, રે સાથ?’
(પૃ. ૨૨૭)

હસ્યા વિના જ જેણે આખુંય જીવન પસાર કર્યું છે તે ભિખારી ઈશ્વરની લાચારી નિહાળી હસે છે અને વ્યંગ્યસભર વાણીમાં પોતાનો આક્રોશ ઠાલવે છે :

‘કહો તમે એણે ઘડ્યો આ હાથ
જેણે આ જગત સરજ્યું? જગતનો નાથ
કહો છો? આ જ ને એનું જગત કે હું ય તે જેમાં વસું?’
(પૃ. ૨૨૭)

આવું વિષમતાથી છલકાતું વિશ્વ, ઈશ્વર પ્રત્યે બદલાયેલો દૃષ્ટિકોણ, ઈશ્વરમાં જન્મેલી અશ્રદ્ધા અને ઈશ્વરે સર્જેલ વિશ્વ વિશે નવ્ય રીતે થતી વિચારણા આધુનિક સમ્પ્રજ્ઞતાનો નિર્દેશ કરે છે. ‘વેશ્યા’ રચના સ્ત્રીની દુર્દશા અને લાચારીભર્યા જીવનને તાકે છે. વેશ્યા સાથે માનવીનો વ્યવહાર ક્ષણજીવી અને વાસનામૂલક છે. તેમાં ક્યાંય લાગણીને સ્થાન નથી. કોઈ તેની સાથે ભાવનાત્મક સંબંધ જોડતું નથી. કવિ વેશ્યાની આ સ્થિતિનું સામ્ય કાગળના ડૂચા સાથે જુએ છે :

‘તમે વાળ્યો હશે ક્યારેક કાગળનો ડૂચો
ટાળ્યો હશે જે બારીએથી બહાર રસ્તા પર;’ (પૃ. ૨૨૮)

કવિની સામાજિક સભાનતા જ તેમને વેશ્યાઓ પ્રત્યે કૂણી લાગણી જન્માવવામાં નિમિત્ત બની છે. ‘પતિયો’ સભ્ય સમાજના લોકોથી તિરસ્કૃત છે એવું અનુભવે છે ત્યારે તેની વ્યથા બેવડાય છે. લોકો તેને એંઠની જેમ નિહાળી તિરસ્કૃત કરે છે ત્યારે તે સભ્યસમાજના લોકો પર કટાક્ષ કરતાં કહે છે :

‘આ હવા પર એમનું કૈં ચાલતું જો હોત ને
તો શ્વાસ ક્યાંથી હોત મારા પ્રાણમાં.’ (પૃ. ૨૨૮-૨૨૯)

સ્વગતોક્તિમાં આ બધાં પાત્રો પરસ્પરની ઈર્ષા કરતાં નિરૂપાયાં છે. આ આખીય રચનાઓ આરંભ અને અંત એક જ પ્રકારની પંક્તિઓથી આવતો હોવા છતાં બન્નેના સંદર્ભો સાવ જુદા છે અને એટલે વિશેષ કાવ્યાત્મક અને આસ્વાદ્ય બની રહે છે. ‘પ્રવાલદ્વીપ’ની સો અનુષ્ટુપ છંદમાં લખાયેલી અને ‘પ્રાતઃ’, ‘મધ્યાહન’ અને ‘સાયં’ – એમ ત્રણ સમયખંડોમાં વિભાજિત થયેલી રચના ગાયત્રી’માં કવિએ મહાનગરને તેનાં વિભિન્ન સ્થળોની દૃષ્ટિએ તો નિહાળ્યું છે; પરંતુ તેની સાથે તેના વિભિન્ન સમયખંડોમાં બદલાતાં રૂપોને પણ નવતર દૃષ્ટિથી નિહાળ્યાં છે. આ દીર્ઘ રચનામાં કેટલીક કાવ્યપંક્તિઓ નગરસંવેદનને કેવી રીતે ઉપસાવે છે તે જુઓ :

‘જે સિદ્ધ થશે એવી આશાથી દૃઢમંડિત
સવારે સ્વપ્ન જે સેવ્યું સાંજે તો ભગ્નખંડિત
અપૂર્ણ જિંદગીની આ શૂન્ય એકલતાપણું
રહસ્ય રમણીરૂપે પ્રગટ્યું. સત્ય એ ગણું.’
(પૃ. ૨૩૬)
‘નિહાળે રમણીઓ જે લગ્ન નિત્ય નવાં કરે,
સરે જે સાથમાં સંગી એને જે બાહુમાં ધરે.
કાફેના દર્પણે શોભા સંકોરે વ્યસ્ત વેશની
રંગે કૈં હોઠનું હાસ્ય, સમારે લટ કેશની.’
(પૃ ૨૩૫)

નિરંજન ભગતના અન્ય કાવ્યસંગ્રહોની કેટલીક રચનાઓને પણ આધુનિકતાવાદી વલણોના સંદર્ભે યાદ કરવા જેવી છે. આ રચનાઓની કેટલીક પંક્તિઓમાં આધુનિકતાનો જે સંસ્પર્શ અનુભવાય છે તે પણ તપાસવા જેવો છે :

‘હું ને મારો પડછાયો! પણ રાતે જ્યાં દીપક બુઝાયો
હું ત્યાં એકલવાયો.’
(‘હું ને’ રચનામાંથી)
*
‘એકડે એકો
પરમેશ્વરને નામે પ્હેલો મેલો મોટો છેકો.’
(‘નવા આંક’ રચનામાંથી)
*
‘વસ્ત્ર સૌ ખીંટી પરે લીલાં
હજી આ દેશમાં જેવાં મનુષ્યોનાં વદન વ્હીલાં’
(‘કલાકોથી’માંથી)

રાષ્ટ્રીય તહેવારો ‘૧૫ ઑગસ્ટ - ૧૯૪૮’, ૧૯૪૯, ૧૯૫૦, ‘૩૦ જાન્યુ ૧૯૪૮’, ‘૨૬ જાન્યુ. ૧૯૫૦’ જેવી રચનાઓમાં કવિએ પોતાના સમયના પડને વીંધીને પણ નરી વાસ્તવિકતાને નિરૂપી છે. શહીદોનાં બિલદાનો એળે ગયાં અને જેમણે કારાગૃહોને કુંજો માનીને પોતાના દેશ પ્રત્યેની સ્નેહકથા રચી છે તે દેશની રાજધાનીની અવદશા નિહાળી કવિ તીવ્ર વ્યથા અનુભવે છે :

‘હું તો સ્વપ્નનો સુરમો લઈ જન્મ્યો હતો
પણ હવે તો મેશ પણ મળતી નથી.’ (પૃ. ૧૬૨)

‘પથ્થર પથ્થર ધ્રૂજે’ રચનામાં પ્રચલિત કથાનો વિનિયોગ કરીને પાપાચારથી કોઈ માનવી મુક્ત નથી તેવું સત્ય વ્યંજિત કર્યું છે. ‘ટગર ટગર’ રચનામાં સ્વત્વ - વ્યક્તિત્વ અને નામ-રૂપ વિનાનાં ટોળાંઓમાં રહેલા હર્ષોલ્લાસના અભાવનો, આનંદનાં ગીતોની ખોટનો અફસોસ વ્યક્ત કરીને સામ્પ્રત જીવન પર ઊતરેલા હતાશા-નિરાશાના ઓળાનો પરિચય કરાવ્યો છે. જ્યાં લોકો સદાય ઉદાસીન દેખાય છે અને સપનાંમાં પણ સુખ માણી શકતા નથી એવા આ શહેરને કવિ ‘કુરૂપની કથા’ અને ‘વિરાટ કો’ વ્યથા’ કહીને ઓળખાવે છે. આમ, નિરંજન ભગતની રચનાઓ ભાવ-વિષયની દૃષ્ટિએ આધુનિક છે. વિચારપરક અર્થમાં જેને આપણે આધુનિકતા કહીએ છીએ તે આધુનિકતા આ રચનાઓમાંથી પસાર થતાં અનુભવાય છે.

૧ : ૨

કવિતામાં આધુનિકતા જેટલી ભાવસંવેદનોમાં અનુભવાય છે એટલી જ આ ભાવ સંવેદનો-વિષયોને અભિવ્યક્ત કરતી વિવિધ છટાઓ અને ભાષાભાતમાં પણ દૃષ્ટિગોચર થાય છે. આધુનિક જીવનસન્દર્ભને નિરૂપતી ભાષા પરમ્પરિત ભાષાથી જુદી પડતી હોય એવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીં નગરજીવનની વિષમતા અને વેદનાને મૂર્ત કરતી બાની અને નગરજીવનની યાંત્રિક ગતિને સિદ્ધ કરતો લય કે ‘ફાઉન્ટન બસસ્ટોપ પર’માં ગુલબકીની આગવી મુદ્રા અને ‘ગાયત્રી’માં પ્રયોજાયેલ ભાવવ્યંજક એવો અનુષ્ટુપ છંદ કવિની કવિત્વશક્તિના પરિચાયક તો બની જ રહે છે; પરંતુ સાથોસાથ ગુજરાતી કવિતાની અભિવ્યક્તિમાં આવેલ પરિવર્તનનાં પણ દ્યોતક બની રહે છે. આ અભિવ્યક્તિમાં આવેલું પરિવર્તન અહીં પ્રયોજાયેલ કલ્પનો, પ્રતીકો, પુરાકલ્પનો, સાદૃશ્યો, સજીવારોપણ, આયરનિ, વ્યંગ-કટાક્ષ-વિડંબના-ઉપહાસ આદિ તત્ત્વો, પંક્તિ પુનરાવર્તનો, વ્યત્યયો, પ્રસાનુપ્રાસ, કૌંસમાં અપાયેલી પંક્તિઓ, નાવીન્યસભર ઉપમાઓ ‘ઉત્પ્રેક્ષાઓ, લોકલઢણો, બોલચાલના-ભાષાના પ્રયોગો, સંસ્કૃત તત્સમ શબ્દોયુક્ત ભાષા, લયછટાઓ, શબ્દચિત્રો, પરમ્પરિત છતાં મિજાજ બદલેલા છંદો, વિરોધમૂલક ચિત્રો દ્વારા વ્યંજિત કરાયેલા અર્થો-આદિમાં સ્પષ્ટપણે નિહાળી શકાય છે.

‘ઊંચાં સૌ આલયો ઊભાં પ્હેરો શું રાક્ષસો ભરે.’ (પૃ. ૨૩૫)
‘રંકના ભાગ્ય શી સૂની, લાંબા આયુષ્ય સમી પહોળી સડકો.’ (પૃ. ૨૩૨)
‘ઇમારતો સમાધિભંગ સાધુ શી તરત તડૂકતી.’ (પૃ. ૨૩૪)
‘આભ આશાવિહોણા હૈયા શું શૂન્ય લાગતું.’ (પૃ. ૨૩૨)

જેવી અનેક તાજપભરેલી અને અર્થપૂર્ણ ઉપમાઓ :

‘કદીક નિજ સ્વપ્ન બીજ અહીં વાવિયાં રાક્ષસે.’
વિશાળ પરિપકવ આ સ્વરૂપમાં શું ફૂલ્યાં ફળ્યાં?’ (પૃ. ૨૦૪)
‘હવામાં ઝૂલતું આછું ઝીણું ઝાકળનું પટ
છરીની ધાર શા ઝીણા કિરણે શક્ય છેદવું’ (પૃ. ૨૩૦)
‘જિપ્સી મધ્યાહ્ન વેગીલો મુઠ્ઠીઓ દૃઢ વાળતો.
દીર્ઘ કૈં શ્વાસ લેતો ને દૃષ્ટિથી સર્વ બાળતો.’ (પૃ. ૨૩૨)
‘દૃગે રિગલના આંજી હજી રોશની,
ત્યાં તો રોષિત સૂર્ય અસ્ત ક્ષિતિજે શો દ્વાર વાસી જતો.’ (પૃ. ૨૨૩)

જેવાં ઇન્દ્રિયગ્રાહ્ય, આધુનિક નગરના કુરૂપ વાસ્તવને ધ્વનિત કરતાં તાજાં, નાવીન્ય સભર કલ્પનો :

‘કૈં મજૂર જે હજી જીવી રહ્યા કહી: હજૂર, જી હજૂર!
એમને હજી ન કોઈએ કહ્યું : તમે સ્વતંત્ર!
છો અખંડ ચાલતું જ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનું યંત્ર’ (પૃ. ૨૩૧)
‘જો કે મને સૌ ફેરિયો કહે છે છતાં ફરતો નથી
પણ એમ તો મારું નસીબ પણ ક્યાં ફરે છે’
‘અપાર એમની ભણી સહાનુભૂતિ, સ્નેહ, ઝૂ રચ્યું, રચ્યું છ મ્યુઝિયમ.’ (પૃ. ૨૧૩)

જેવા વ્યંગ્ય કટાક્ષો : ‘બસ ચૂપ રહો…’ જેવી પંક્તિનું કાવ્યારંભે અને અંતે થતું પુનરાવર્તન કે ‘મુખે છે મૃત્યુનો લેપ, ગીતનો સુરમો દગે’ જેવી પંક્તિનું, શબ્દવ્યત્યય સાથે થયેલું અર્થપૂર્ણ પુનરાવર્તન; ‘નગરી’ સાથે ‘મગરી’ ‘સ્વતંત્ર’ સાથે યંત્ર’ ‘છૂટતી’ સાથે ‘ખૂટતી’ જેવા સંદર્ભનુરૂપ અને અર્થપૂર્ણ આયરનિનો વિનિયોગ, સૂર્યાસ્ત, અંધકાર, માછલી. પાત્રો, કરોળિયો, મોર આદિ પ્રતીકોનો કાવ્યાત્મક સ્તરે થયેલો વિનિયોગ; ‘હૃદયમાં ને લ્હાયમાં’ જેવાં અનેક લોકબોલીના શબ્દોનો વિનિયોગ, ‘વિલોલ લોલ ડોલતી, હિલોલતી, કિલોલ બોલ બોલતી’ જેવી પંક્તિમાં સહજપણે અનુભવાતું, લયાન્વિતપણું અને તેમાંથી તાદૃશ થતું ટ્રેનની ગતિ અને ચાલનું શબ્દચિત્ર; ‘ન’તા, ન’તા’ જેવા લોક લઢણવાળા લયલહેકા; અરણ્ય સાથે નગરનું અને ચર્ચંટગેટ સાથે સમુદ્રનું યોજાયેલું સાદૃશ્ય: ‘કાચ પાર’ હું સમાં ઘણાં અહીં ફરે ન કોઈ જે ‘યંત્ર પ્રદર્શનો ભરે’ જેવી કૌંસમાં અપાયેલી પંક્તિઓ દ્વારા પ્રગટતા વ્યંજનાર્થો; અનેક સ્થળે પ્રયોજાયેલ બોલચાલની લઢણો, કરંત, ધરંત, ફરંત જેવા ચારણી સાહિત્યની શૈલીના પ્રભાવવાળા શબ્દોનો વિનિયોગ, પ્રકૃતિનાં તત્ત્વો અને સડકો-ઇમારતો નગર આદિના સંદર્ભમાં થયેલા સજીવારોપણના પ્રયોગો - વગેરેને ઊંડાણથી તપાસતાં અવશ્ય જણાશે કે ગુજરાતી કવિતાની ભાષા અને અભિવ્યક્તિ બદલાય છે. આધુનિક વિષયો અને ભાવસંવેદનો સાથે અભિવ્યક્તિ અને ભાષાનાં બદલાયેલાં આ રૂપમાં પણ આધુનિકતાનો અનુભવ થાય છે. આમ, આધુનિકતાના સંદર્ભમાં નિરંજન ભગતની રચનાઓને તપાસીએ છીએ ત્યારે તેની અનેક વિશિષ્ટતાઓ અને લાક્ષણિકતાઓ દૃષ્ટિગોચર થાય છે. નગરવિષયક રચનાઓને તપાસતાં ભોળાભાઈ પટેલને લાગ્યું છે કે ‘આ કવિ દાન્ટેની જેમ આ નરક (નગર)ના મુલાકાતી માત્ર રહ્યા છે, બોદલેરની જેમ તેના રહેવાસી નથી બની શક્યા.’ (‘અધુના’, પૃ.૪૩) અને ‘બોદલેરનો રોષ નિરાશા વ્યગ્રતા ઉકળાટનું નહિ નિર્વેદ (Enui)’નું રૂપ ધારણ કરે છે. જાણે સ્વગતોક્તિ કરતો હોય તેવી રીતે તે કહે છે. નિરંજનમાં ઉત્કટ વિષાદ છે, જે નિરાશાનું રૂપ ધારણ કરી અનાવસ્થાના માર્ગે કવિને દોરી જાય છે.’ (‘અધુના’, પૃ.૪૦). આ બન્ને મંતવ્યો સાથે, સહમત થવાય એટલાં સાચાં લાગે છે. આમ છતાં આધુનિકતાના સંદર્ભમાં જેટલું મહત્ત્વ બોદલેરના નામનું છે એટલું જ મહત્ત્વ ગુજરાતી આધુનિક કવિતામાં નિરંજન ભગતના નામનું રહેશે એ નિઃશંક બાબત છે.

૧ : ૩

ગુલામ મોહમ્મદ શેખે તેમની કવિ તરીકેની કારકિર્દીના આરંભને ગુરુકવિ લાભશંકર રાવળ ‘શાયર’ના સંગે ‘મલય’ ઉપનામ રાખીને ગીત, ગઝલ, ગરબા અને સૉનેટ જેવાં પરંપરિત કાવ્યસ્વરૂપોને પોતાનાં ભાવસંવેદનોનાં માધ્યમ બનાવ્યાં હતાં. સમયાંતરે ગુજરાતી કવિતાને અર્વાચીનતાના સ્તરેથી આધુનિક સ્તરે પહોંચાડવામાં જેમણે પોતાની કાવ્યપ્રતિભા ખર્ચી નાખી હતી એવા આધુનિક સર્જક-વિવેચક અને વિચારક સુરેશ જોષીના સંપર્કમાં આવ્યા પછી જ્યારે શેખ બોદલેર, નેરુદા, ટી.એસ. એલિયટ, ઓક્ટોવિયો પાઝ, એઝરા પાઉન્ડ, લોર્કા, પોલ વાલેરી, રિલ્કે જેવા સમર્થ આધુનિક કવિઓની કાવ્યસૃષ્ટિથી તથા ‘કવિતાનું કામ નવી ભાષા સર્જન કરવાનું છે.’ એવું કહેતા રિમ્બો અર્થજ્ઞાન પ્રાપ્ત કરતાં કવિતાનો પોણા ભાગનો આનંદ સમાપ્ત થઈ જાય છે.’ એમ કહેતા દુર્બોધતા - અસ્પષ્ટતા, પ્રતીકવાદ અને રહસ્યના આગ્રહી કવિ માલાર્મે; ‘કવિતાનો અર્થ નહીં, અસ્તિત્વ હોવું જોઈએ’ એવું દૃઢપણે માનતા મેક્લિશ; આકારવાદી આંદોલન જગાડનાર એલિયટ જેવા આધુનિકોના કવિતા વિશેના ખ્યાલોથી તથા આકૃતિવાદ, અતિવાસ્તવવાદ, અસ્તિત્વવાદ, આદિમતાવાદ, ક્યૂબીઝમ, પ્રતીકવાદ, કલ્પનવાદ, વસ્તુવાદ, પૂર્વીય રહસ્યવાદ, ફિનોમિનોલોજી જેવી વિભિન્ન વિચારધારાથી અભિજ્ઞ થયા ત્યારે તેમના કવિતા વિશેના ખ્યાલોમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. વૈશ્વિક કવિતાની સામે તેમને ગુજરાતી કવિતાનું બંધિયારપણું, સ્થગિતતા, સ્થૂળતા, કૃત્રિમતા અને અધૂરપ સતત ખૂંચવા લાગી હતી. ગુજરાતી કવિતાની ભાષાને પણ શેખ સભાનતાથી તપાસે છે. તેમને ભદ્ર સમાજની રીતભાતના ભરડામાં ફસાયેલ શબ્દ બોલાતી બોલીની આભડછેટ રાખતો લાગે છે અને આવાસી છંદરચનાની ટીપટાપમાં શબ્દનું અનેરું સૌંદર્ય કાટ ખાતું દેખાય છે. આટઆટલી જાતિઓ અને એમનું સંસ્કૃતિબાહુલ્ય હોવા છતાં એ ગુજરાતી કવિતામાં ઊગી શક્યું નથી તેનો તીવ્ર અફસોસ વ્યક્ત કરતા શેખ પોતાની કલાપ્રતિભા દ્વારા શુદ્ધ કવિતાની તથા કવિતાનો ભાષાની શોધ કરવા મથામણ કરે છે. આ મથામણમાંથી કેટલીક આધુનિક કવિતાઓ જન્મી છે. ‘આધુનિક કવિતાની પહેલા વૈતાલિક’ તરીકે ઓળખાવાયેલા આ કવિની કવિતાઓ ભાવભંગી અને ભાષાની દૃષ્ટિએ તપાસીએ છીએ ત્યારે તેને આધુનિકતાનો સંસ્પર્શ થયેલો અનુભની શકાય છે. શેખની કાવ્યસૃષ્ટિમાં પ્રવેશીએ છીએ ત્યારે જ લાગે છે કે આ સૃષ્ટિનું ભાવવિશ્વ અનેરું છે. અહીં સ્થૂળ કે બાહ્ય વાસ્તવ નિઃશેષપણે ગળાઈને આંતર્વાસ્તવ કે ચૈતસિક વાસ્તવમાં રૂપાંતરિત થતું જોઈ શકાય છે. કવિ સમર્થતાથી. નિઃસંકોચપણાથી અને પ્રામાણિકપણે પોતાના ચૈતસિક વાસ્તવને કાવ્યસ્થ કરવા મથ્યા છે. આ મથામણમાં આધુનિકતાવાદી વલણો-લક્ષણો સ્પષ્ટપણે જોઈ શકાય છે. સૌ પ્રથમ તો આ કાવ્યસૃષ્ટિ કુત્સિત ભાવો-તત્ત્વોથી, સૌંદર્યવાચક ગણાયેલાં તત્ત્વોનાં જુગુપ્સાપ્રેરક રૂપોથી, જાતિય સંવેગોનાં ચિત્રોથી, આદિમ ભાવ-સંવેદનોથી. ઈશ્વરહીન જગતની થયેલી દુર્દશાનાં ચિત્રોથી, કવિ-કવિતા અને શબ્દવિષયક સંવેદનોથી, શહેર પ્રત્યેના તીવ્ર તિરસ્કારભાવથી છલ-બ-છલ છે. અહીં પ્રાય; આક્રોશ, અકળામણ, આવેગ, અજંપો, આદિમતા, વિફળતા, કઠોરતા, હિંસકતા તિરસ્કાર, ઉશ્કેરાટ જેવા નિષેધાત્મક (Negetive) ભાવ-વૃત્તિ જ નિરૂપાયેલ જોવા મળે છે. આ ભાવ ક્યાં અને કેવી રીતે નિરૂપાયેલા છે તે શેખની કવિતામાંથી પસાર થઈને છીએ ત્યારે ખ્યાલ આવે છે. આધુનિકતા સાથે નગર, નગરવાસી, નગરસંસ્કૃતિ અને તેના દ્વારા ઉદ્ભવેલ સમસ્યાઓ તથા સંવેદનો પ્રગાઢપણે સંકળાયેલાં છે. શેખના કાવ્યવિશ્વમાં શહેર વિષયક ચારેક રચનાઓ છે. જેમાં શહેર પ્રત્યેનો તીવ્ર અણગમો કુત્સિત ભાવોના નિરૂપણ સાથે પ્રગટ થયો છે.

‘ભૂંડા ભખ્ખુ ધાન જેવું / કોળિયાની સાથે આંતરડામાં ઊતરી
જાય છે. / કડવું કઢંગું / શિરાઓમાં પ્રસરે, / પાંસળામાં ખૂણા
કાઢે, / હાથ પગ જીભે પરસેવો, લાળ થઈ લટકે / શ્વાસમાં
ગંધાટ સંડાસ જેવું / આંખો અને ગુદામાં / બારીઓ જેવું
ઊઘડે, બંધ થાય. / રઝળતો રઝળતો થૂંકી નાખું શહેરને, /
ઓકું ફૂટપાથ પર, / મૂતરી કાઢું. / બકું, / લતું એની કવિતા.’
(પૃ. ૭૩)

‘શ્વાસમાં સંડાસ જેવું ગંધાતા’, ‘લાળ થઈ લટકતા’, ‘ભૂંડા ભખ્ખુ ધાન જેવા’ શહેરમાં મોટરોના મડગાર્ડન ચાટતા ભિખારીઓ, દિવસે ડામર રેડી રાતના બોગદામાં વાળુ રાંધતા, ધુમાડે-પરસેવે ઓગળતા આદિવાસીઓ, ચંપીને બહાને ગુહ્યાંગ ફંફોસતા ભડવાઓ, કસાઈની જેમ બરાડતા ફેરિયાઓ, લઠ્ઠાથી લાલઘૂમ આંખોવાળા અને રક્તપિત્તિયા લોકો વાસ કરે છે. કિવ આવા શહેર પ્રત્યે તિરસ્કાર વ્યક્ત કરે છે તો શહેર પણ કંઈક આ જ પ્રકારની પ્રતિક્રિયા દર્શાવે છે :

‘શહેર / અજાણ્યો ગણી મને ધક્કા મારે છે; / લૂંટી લેવાની
ધમકી દે છે, / રોજ રોજ ધરાર મને સ્ટેશને ધકેલી મૂકે છે.’
(પૃ. ૭૫)

આ ધક્કા મારતા શહેરમાં પશુ, માનવી અને ગંદવાડ જાણે સાવ નિકટના પાડાશી હોય તેમ એકબીજાની અડોઅડ વાસ કરે છે તેવું દર્શાવવા કવિ ‘બસો, બકરાં, કૂતરાં, ગાય, કારકુનો ગંદવાડ’ જેવા શબ્દો સાવ પાસપાસે ગોઠવી દે છે. આ જ રીતે વસ્તીથી ઊભરાતા શહેરને વ્યંયજિત કરે છે આ પંક્તિથી : ‘રોજ રોજ નવી નવી ઇમારતે આકાશને અકળાવતું સહસ્ત્રલિંગ શહેર’ કવિએ આ શહેરને પાંજરે પુરાયેલા સિંહ જેવું અને ઘેટાં જેવું કહીને તેની નિવીર્યતા અને વિચારશૂન્યતાને ધ્વનિત કરી છે. એક રચનાનું શીર્ષક છે. ‘સંસ્કારનગરી’. આ નગરીમાં ઊગતા પૂનમના ચંદ્ર પ્રતિ કોઈને દૃષ્ટિ કરવાની નવરાશ નથી. કવિએ આ પ્રકારના શહેરમાં ઊગતા ચંદ્રને ‘પદભ્રષ્ટ રાજવીના ચહેરા’ જેવો કહીને ઓળખાવ્યો છે. આધુનિકતા સાથે ‘વિરોધ’ અને ‘વિદ્રોહ’ પણ જોડાયેલા છે. જે કંઈ જૂનું-પુરાણું છે, રૂઢ થઈ ગયું છે, મૃતઃપ્રાય થઈ ગયું છે, સ્થગિત થઈ ગયું છે. સમયના પ્રવાહ સાથે વહ્યું નથી, બદલાયું નથી તેનો વિરોધ કરીને કંઈક નવીનની સ્થાપના કરવી તે આધુનિકતાની પ્રકૃતિ છે. ક્યારેક તો બુદ્ધિવાદનો પણ વિરોધ કરવામાં આવે છે. સમયાંતરે આ બન્ને તત્ત્વોએ શૂન્યવાદ (Nihilism), ભવિષ્યવાદ (Futurialism) ઘનવાદ (Cubism), ઘનભવિષ્યવાદ (Cubo-futurialism), દાદાવાદ (Dadaism) અને અતિવાસ્તવવાદ (Sur-realism) જેવાં વિચારઆંદોલનોને જન્મ આપ્યો છે. ગુલામ મોહમ્મદ શેખ પ્રત્યક્ષ યા પરોક્ષપણે આ વિચાર-આંદોલનોથી પ્રભાવિત થયા છે. આ કારણે તેમની કવિતાઓમાં પણ સ્થાપિત સામાજિક વ્યવસ્થા, સ્થાપિત જીવનમૂલ્યો, પરંપરિત સાહિત્ય-ભાષા-શબ્દ અને કૃતિ અંગેના ખ્યાલો પ્રતિ ‘વિદ્રોહ’ કે ‘વિરોધ’ ધારા વહેતી અનુભવી શકાય છે. આ વિદ્રોહ કવિતામાં બહુવિધ રૂપો ધારણ કરીને પ્રગટેલો જોઈ શકાય છે. શેખની કવિતાઓમાં અનુભવાતાં વિદ્રોહનાં અનેક રૂપોમાંનું એક રૂપ છે કવિતામાં નિરૂપાયેલી યૌન સંબંધક કલ્પનાઓ કે જાતિયસંવેગોનાં ચિત્રો, સાહિત્યરચનામાં જેનું નિરૂપણ શિષ્ટ ન ગણાતું તેવા ભાવ, ભાષા-શબ્દોને આ કવિ નિઃસંકોચપણે પ્રયોજે છે. તેથી તેમની રચનાઓમાં ‘યોનિ’, ‘શિશ્ન’, ‘સ્તન’, ‘હસ્તમૈથુન’, ‘સાથળ’, ‘કુલા’, ‘સંભોગ’, ‘નવરા’, ‘નફફટ’, ‘ભડવા’, ‘મૂતરવું’, ‘હગવું’ જેવા નિષિધ ગણાયેલા (Taboo word) શબ્દો છાસવારે પ્રયોજાયેલા છે. વળી, અહીં સ્ત્રી, પ્રકૃતિ, પશુ-પક્ષી, નગરવાસી, ભાષાદિના સંદર્ભે યૌન સંબંધક કલ્પનાઓ પણ નિરૂપાણ છે. જેમ કે :

‘મમરા, શીંગ, લાળ / મોંમાં, / આંખ દીવાલ પર બેફાટ પડેલ
સુંદરીના સાથળ પર / હાથ, / રસ્તા પર શ્વાનાવતારે / રતિક્રીડારત
દેવ / બેક ગ્રાઉન્ડમાં / બસમોટરરિક્ષા ધમધમે. / તડકાની ધારે ધારે
રમે, મૂતરે નિશાળિયા / રોજ રોજ / નવી નવી ઇમારતે આકાશને
અકળાવતું / સહસ્ત્રલિંગ શહેર.’(પૃ. ૭૪)

*

નવરા, નફ્ફટ અને બેબાકળા કવિઓ ભાષાની એક એક બૈરી પરણી
લાવ્યા છે. એને મન ફાવે તેમ સંભોગવાનું સરકારી સર્ટિફિકેટ મફત
મળે છે.’

ભાષા બાયડી, / ભાષાને ભડવા રંડી કરે / ભાષા બોડી બામણી,
ભાષા વેશ્યા, ભાષા ઢોર / ભાષા જ્યાં મળી, જેવી મળી તેમ ભોગવી. /
ન મળી તો ખંજવાળ્યા લેંઘા, મુતરડીમાં લખ્યા શિશ્નની સત્તાના
શિલાલેખ....’ (પૃ. ૭૨)

શિષ્ટ અને ભદ્રસમાજને આઘાત આપવાના હેતુથી જ આવા અશિષ્ટ પ્રયોગો અને કલ્પનાવાળી રચનાઓ સર્જવામાં આવતી હતી. આ પ્રકારના આલેખનનાં મૂળ અમેરિકન સમાજની રુગ્ણ આબોહવામાંથી જન્મેલ બીટનિક સમ્પ્રદાયમાં મળે તેમ છે. જોકે આધુનિકતાના નામે સાહિત્યમાં પ્રવેશી ગયેલ આ વિકૃતિ જ છે, રોગ જ છે. જાતિયવૃત્તિના આલેખનથી સાહિત્ય ઊભું ઊતરી જતું નથી. આપણી ઉત્કૃષ્ટ ગણાયેલી કૃતિઓમાં જાતિય વૃત્તિનાં અનેક ચિત્રો જોવા મળે છે. ડી. એચ. લોરેન્સે પણ નોંધ્યું છે : ‘Half the great Poems, Pictures, Music, stories of the whole world are great by virtual of the beauty of their sex apeal.’ (literature and censorship’ પૃ. ૨૦૫) તેથી શેખની કવિતામાં યૌનસંબંધ કલ્પનાઓ નિરૂપાય છે. માટે ખડભળાટ મચી જવો જોઈએ તેમ નહીં, પરંતુ કોઈ પણ વિચારધારાના પ્રભાવમાં તણાયા વિના ખુલ્લા મને (Broad mind) વિચારવું જોઈએ કે આ કલ્પનાઓ કે આ પ્રકારના આલેખનમાં આધુનિકતા કેટલી અને કાવ્યત્વ કેટલું? જીવનમાં ઘણુંબધું કૃત્સિત છે તેને જીવનની વાસ્તવિકતાના નામે ઉદ્ઘાટિત કરવું. નથી તો આવશ્યક કે નથી યોગ્ય. શેખનો ‘વિદ્રોહ’ અને ‘વિરોધ’, ભલે ખોટા સ્વરૂપે પ્રગટ થયો. પરંતુ આ વિદ્રોહ પાછળની તેમની વેદનામાં સચ્ચાઈ- પ્રમાણિકતા છે તે તો અવશ્ય સૌને સ્પર્શે છે. આ સાથે શેખની કવિતામાં એવાં પણ સુંદર દૃષ્ટાંતો મળે છે જે તેમની કવિપ્રતિભાનાં દ્યોતક બની રહે છે : જેમ કે -

‘યક્ષના શિલ્પનાં ખંડિત સ્તનોને આગિયાના ધોળા પડછાયા છંછેડે.’ (પૃ. ૩૮)
*
‘વાવના પગથિયે કામરત શૃગાલયુગલના શ્વાસનું દ્વન્દ્વ ઉપર
લીમડાના પાનમાં બેસી તેને ગલી કરે છે.’ (પૃ. ૩૮)
*
‘સરુના જંગલમાંથી પસાર થતો પવન વૃક્ષરાજિને નાયિકાના
કામજ્વલિત દેહના વિચારચાંચલ્યમાં ફેરવી નાખે છે.’ (પૃ. ૩૮)

આ પ્રકારનાં આસ્વાદ્ય અને અનવદ્ય એવાં દૃશ્ય-સ્પર્શ કલ્પનો કવિની આધુનિક દૃષ્ટિની નીપજ છે. અહીં ‘સ્તનો’, ‘કામરત શૃગાલયુગલ’, ‘નાયિકાના કામજ્વલિત દેહ’ જેવા શબ્દ-શબ્દગુચ્છો લેશમાત્ર અશ્લીલતાના વાચક બનતા નથી; બલકે તેનું કાવ્યમાં રૂપાંતર થયેલું અનુભવાય છે. શેખની કાવ્યસૃષ્ટિની એક વિલક્ષણતા છે તેમાં મળતાં વિભિન્ન પશુ, પક્ષી, પ્રાણી અને જીવજંતુઓના થોકબંધ ઉલ્લેખો. કવિ નવલરામે ‘જનાવરની જાન’ જોડી હતી, પરંતુ આ જાનમાં જાતજાતનાં પશુ-પ્રાણી-આદિને જોડ્યાં છે ગુલામ મોહમ્મદ શેખે. અહીં અમીબા જેવાં સૂક્ષ્માતિસૂક્ષ્મ જંતુથી માંડીને હાથી જેવાં સ્થૂળાતિસ્થૂળ પ્રાણીઓની આખીય જમાત-માનવેતર સૃષ્ટિ તાદૃશ થતી અનુભવાય છે. જોકે આ માનવેતર સૃષ્ટિ કંઈ કેટલાય પરિચિત-અપરિચિત સંદર્ભો સાથે નિરૂપાયેલી છે. આ કાવ્યસૃષ્ટિમાં પ્રવેશતાં જ ચિચિયારી કરતી ચીબરી, ફરફરાટ કરતાં પતંગિયાં, બણબણાટ કરતી માખીઓ, ભસતા કૂતરા, હડકાયા કૂતરા, ઊંઘતા કૂતરા, જંગલી કૂતરાઓ વચ્ચે ફસાયેલાં બિલાડીનાં બચ્ચાં, મરેલાં ઊંટ, કતલખાનાનાં બકરાં, ઢીલા આંચળવાળી ભૂંડણ, વાડને છીડેથી કૂદી પડતો ઉંદર, મરતા મંકોડા, કાળોતર વીંછી, મોહવશ મયૂર, આંધળી સાપણ, અંધારામાં ભૂલો પડેલો સર્પ, દિશાભૂલ્યાં ચામાચીડિયાં, વાંકી ડોકવાળું ગીધ : કરચલિયાળ કાનવાળો હાથી, કથ્થાઈ ઘરો બાંધતી અને ગુલાબી બ્રેશિયરના રેશમી પર્વત પર ચડતી કીડીઓ, કસાઈવાડે ઊંઘતાં બકરાં, વરસાદમાં ભીંજાતાં અળસિયાં, કામરત ભૃગાલયુગલ, સંભોગરત કપોતયુગલ, લીલમાં પડેલાં દેડકાં, સરુની સૂકી છાલમાં પેસતા કરચલા, છીપના ઓથે સૂતેલો મંકોડો, સાપ ખાઈ ચૂકેલી કીડી, સૂકી નદીના તીરે ખંજવાળતા બગલા, પડખું બદલતો કાળો ચિત્તો, પાંજરે પુરાયેલ સિંહ, ઊંઘણશી હોલો, ધોળી ધોળી બકરી, વસૂકી ગયેલી ગાય, લિસ્સા કાંટાવાળી માછલી, થાકેલાં પંખી, શિકારીનો ભક્ષ્ય બનેલી માદાને શોધતો સારસ, મરેલા માંસના ત્રાગડાને પકડીને હવામાં હીંચકવાની રમત રમતો ગીધ, ઉકરડે નાખેલા એંઠવાડના ગોટલામાંથી ઉગેલા આંબાને કોચતા કૂકડા આદિ આમ તેમ વિહરતાં જોવા મળે છે. કવિએ જુગુપ્સાપ્રેરક ભાવ-સંવેદનો જગાડવા આ માનવેતર સૃષ્ટિનો આશ્રય લીધો હોય તેવું લાગે છે. એ સાથે આ સૃષ્ટિના કેટલાક ઉલ્લેખો તો સાંપ્રત માનવીની ભાવદશા અને દુર્દશાના મૂર્તિકરણ માટે પણ થયા હોય તેવું લાગે છે. જેમ કે : ‘આપણે તો આંધળી સાપણની જેમ / ગરુડની પાંખમાં આશ્રય શોધીએ છીએ.’ (પૃ. ૮) ‘ઘેટા જેવી નગરી’ વગેરે. ક્યાંક યૌનસંબંધક કલ્પનામાં પણ આ સૃષ્ટિને સાંકળી છે : જેમ કે હોલીની યોનિની અગાશી....’, ‘કામરત ભૃગાલયુગલના શ્વાસનું દ્વન્દ્વ’- ‘નગ્ન સુંદરીનાં સ્તનના પડછાયામાં માથું ખોસી ઊંઘતો કૂતરો’ વગેરે. ક્યાંક વળી આ સૃષ્ટિને પ્રકૃતિનાં તત્ત્વો સાથે પણ જોડી છે. જેમ કે : -‘ધોળી બકરીઓ જેવી વાદળીઓ’, ‘ધોળા હોલા જેવો ગભરુ સૂરજ’, ‘બપોરના પશુને વધેરો’, ‘ભૂંડ જેવો ચંદ્ર’ વગેરે. ક્યાંક અન્ય સંદર્ભો સાથે પણ ઉલ્લેખો મળે છે. જેમ કે : ‘બિલ્લીની રૂંવાટી જેવો નાજુક હાથ’, ‘ગીધની વાંકી ડોક જેવા સડેલા લીમડાઓની બખોલો’, ઊંટની ડોક જેવા ઝરૂખા’, ‘વિચારોની વીંછણ’, ‘જુવારનાં કપાયેલાં ઝૂંડ / જાણે કે સાંજવેળાના કૂતરાની જેમ ભસે છે.’ ‘બાફેલ કરચલાના પંજાઓ જેવાં કૂણાં હાડકાં’, ‘હાથીના કરચલિયાળ કાન જેવી ચાદર ઝૂલે’, ‘થાકેલા પંખી જેવો શબ્દ’ વગેરે. આમ, કવિએ પોતાને અભિપ્રેત એવા આશયને સિદ્ધ કરવા માટે આ આખીય માનવેતર સૃષ્ટિને પોતાની રચનાઓમાં ઉતારી છે. ગુજરાતી કવિતાના સંદર્ભમાં આ પ્રકારના નિરૂપણે નાવીન્યપણાનો અનુભવ કરાવ્યો છે. ભાષાના વૈચિત્ર્ય એ પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. શેખની કવિતાઓમાં એક બીજી વિલક્ષણતા પણ જોવા મળે છે અને તે છે વિવિધ રંગોની રેલમછેલ. એક ચિત્રકાર તરીકે શેખ ચેતન-અચેતન પદાર્થને જુએ છે. ત્યારે તેના રંગો પ્રતિ તેમની દૃષ્ટિ જાય એ સ્વાભાવિક છે. અહીં રંગોની આગવી સૂઝ કેવાં સુંદર કલ્પનોને આકાર આપીને કાવ્યના સૌંદર્યને સમૃદ્ધ કરે છે તેનાં એકબે દૃષ્ટાંતો નોંધનીય છે : જેમ કે -

સૂરજનો સોનેરી કટકો વાટી / ઘૂંટ્યો કેસરિયો રંગ / પછી
સંભારણાં ગટગટાવતાં / વૃદ્ધ પડછાયા ઢળી પડ્યા.’ (પૃ. ૪૪)
*
‘લાલચટક ચૂલાની ઝાંય / અને ચૂંદડીના અજવાળે / રોટલા
ટીપતી સોનેરી કન્યા’ (પૃ. ૧૧)

આ ઉપરાંત અહીં પ્રત્યેક રચનાઓમાં આ રંગસૃષ્ટિનો અનુભવ થાય છે. આ કાવ્યસૃષ્ટિ ધોળા પડછાયા, રાતા નાગ, પીળા થોર, શ્વેત શબો, લાલ મંકોડા, બદામી કોણીઓ, કથ્થાઈ બારીઓ, ગુલાબી બ્રેસિયર, કાળી કાર્પેટ, ગેરુ રંગની દીવાલ, લીલી કિનાર, ભૂરો પડછાયો, ધોળા હોલા, ધોળી બકરી, પીળા રંગના માણસો વગેરે. ક્યારેક તો એક રંગનો સંબંધ એક સાથે બધાં તત્ત્વો સાથે જોયો છે. જેમ કે : ‘હવા / ફરી વહેશે સોનેરી આકાશમાં, સોનેરી હોડીના, સોનેરી સઢમાં / સોનેરી માછલીના સોનેરી પેટમાં.’ (પૃ. ૨૪) ‘સોનેરી’ રંગ શબ્દનું પુનરાવર્તન લયાત્મકતાનો અનુભવ તો કરાવે છે; સાથે સુંદર કલ્પના દ્વારા કાવ્યને સૌંદર્યપરિમાણ બક્ષે છે. આ રંગભરી કાવ્યસૃષ્ટિ પણ ગુજરાતી કવિતા માટે અને કાવ્યની ભાષાસંદર્ભે નવીન બની રહી છે. આધુનિકતાનો વિભાવ મુખ્યત્વે નગરસંસ્કૃતિથી પ્રસૂત એવી સમસ્યાઓ અને સંવેદનો સાથે જોડાયેલો હોવાથી નગરવાસીઓના પ્રકૃતિનાં તત્ત્વો સાથેના મૃતક સંબંધનું કે પ્રકૃતિ પ્રત્યેના બદલાયેલા દૃષ્ટિકોણનું પ્રતિબિંબ આધુનિક કવિતામાં પડ્યું છે. પ્રકૃતિ સાથેના સંબંધમાં આવેલા બદલાવનો પ્રતિઘોષ શેખની કવિતામાં પણ સંભળાયા વિના રહેતો નથી. ભારતીય સંસ્કૃતિ કે ભારતીય અભિગમથી જોતાં પ્રકૃતિ પૂજનીય છે, એટલું જ નહીં પણ જે સદીઓથી માનવસૃષ્ટિ પર પોતાની કૃપાની વૃષ્ટિ કરે છે તેના પ્રત્યેનો કૃતજ્ઞતાભાવ પ્રગટ કરવા સૂરજદાદા, ચાંદામામા, નદીમાતા, પવનદેવ, ધરતીમાતા પ્રયોજાય છે. આ પ્રકારના આત્મીય સંબંધો આધુનિક યુગમાં બદલાયા છે. આ બદલાયેલા સંબંધોની સાથે જ સૌદર્યનાં પરિચાયક એવાં પ્રકૃતિનાં તત્ત્વોમાં પણ જુગુપ્સાપ્રેરક રૂપોનું આરોપણ કરીને આધુનિક કવિઓ એ જે કવિતા સર્જી છે તેમાં ગુલામ મોહમ્મદ શેખની કવિતાનો પણ ઉલ્લેખ કરી શકાય છે. અહીં ‘દિવસોનાં શ્વેત શબોને રંગતી રાત’, ‘સીમના થોરની વાડને ભોળપણમાં બાથ ભરી લેતો સવારનો તડકો’, ‘વૃક્ષરાજને નાયિકાના કામજ્વલિત દેહના વિરાટ ચાંપલ્યમાં ફેરવી નાખતો પવન’, ‘ધોળી ધોળી બકરી જેવી વાદળીઓ’, ‘પુંકેસરની કણીઓની જેમ સમુદ્રથી સૂર્યમંદિર લગીની પગદંડી પર વેરાઈ જતું સૂર્યાસ્ત સમયનું રતુંબડું આકાશ’, ‘લાલચુ દેવતા જેવા સમુદ્રના પવનો’, ‘પદભ્રષ્ટ રાજવીના ચહેરા જેવો ચંદ્ર’, ‘વાસી પવનો’, ‘શિરીષની ઝીણી કૂંપળોમાં આંગળાં ફેરવતો ચંદ્ર’, ‘ભૂંડ જેવો ચંદ્ર’, ‘ઉકરડાનાં તણખલાં ઊંચકી ચડતી આંધી’, ‘અદેખા પ્રેમીની જેમ આંધળો ભીંત થઈ ભટકતો સૂરજ’ જેવી અનેક નાવીન્યસભર કલ્પનાઓમાં પ્રકૃતિ સાથેના બદલાયેલા સંબંધો અને તેના પ્રત્યેના પરિવર્તન પામેલા દૃષ્ટિકોણનો સહેજેય ખ્યાલ આવે છે. જોકે કવિએ જ્યાં જ્યાં સૌંદર્યવાચક પ્રકૃતિનાં તત્ત્વોમાં જુગુપ્સાપ્રેરક રૂપોનું આરોપણ કર્યું છે ત્યાં ત્યાં તેઓ કોઈ ને કોઈ સ્થાપિત મૂલ્યોનો વિદ્રોહ કરતા હોય તેવું જણાય છે. પ્રકૃતિમાં આવાં તત્ત્વો પ્રતિ કવિને આટલો તીવ્ર અણગમો, તિરસ્કાર, કેમ જન્મ્યો હશે? શા માટે તેઓ આ તત્ત્વોને વિચિત્ર સંદર્ભો સાથે જોડીને તેનું ગૌરવ ઘટાડવા મથામણ કરતા હશે? આ પ્રશ્નનો જવાબ પણ તેમની રચનામાંથી મળે છે :

‘બહાર નીકળીને / વામણાં મનુષ્યોની દૃષ્ટિએ ખરડાયેલા / આકાશ,
વનસ્પતિ કે શહેરી સૃષ્ટિને જોવાનો / મને મોહ નથી.’

પ્રકૃતિ પ્રત્યેની ઉદાસીનતા કે ઉપેક્ષાનું કારણ પ્રકૃતિ નહીં, પરંતુ તેના પર પડેલી વામણાં મનુષ્યોની દૃષ્ટિ છે. વળી તેઓ એક રચનામાં તો કહે છે :

‘તારાઓ સાથે મેં નથી કરી દોસ્તી / સૂરજને મેં હંમેશ આપી છે
ગાળો / ચંદ્રને ખાઈ જવા હંમેશ કર્યું છે ડાચિયું / હું કોઈની
સાથે રડ્યો નથી. / કોઈને સાથે ચાલ્યો નથી-બોલ્યો નથી, મારી
સાથે પણ નહીં. (પૃ. ૧૦)

શેખની કવિતામાં પ્રકૃતિના તત્ત્વના સહારે આદિમ ભાવોનું આલેખન થયેલું પણ જોઈ શકાય છે. જેમ કે :

‘પરંતુ જ્યારે ચાંદનીનાં સૈકાકુશળ આંગળાં છાતી પર પડી પીઠને
પ્રકાશિત કરે તેવા આદિમ જોશથી ઘસતાં હશે, ત્યારે આ બિચારા
જંગલી કૂતરાઓ વચ્ચે ફસાયેલા બિલાડીના બચ્ચા જેવા ગભરુ,
રેશમી અંધકારનું શું થતું હશે?’ (પૃ. ૬૭)
*
‘કોરી રહી ગયેલી રેતીના સ્તનીય વળાંકોને જોવાની વાસના’ (પૃ. ૩૨)

‘એવું થાય છે કે’ રચનામાં પ્રતીકાત્મક રીતે કવિએ આદિમ ભાવોને કાવ્યસ્થ કર્યા છે. શેખ પોતાનાં સંવેદનોને સંદિગ્ધ રાખવા માટે પ્રતીકોની મદદ લે છે; અપરિચિત સંદર્ભો સાથે પરિચિત વિગતો ગોઠવે છે; હેતુપૂર્વક અસંબદ્ધતા, અતાર્કિકતા, યદચ્છાવિહારનો આશ્રય લે છે. આધુનિક કવિઓને દુર્બોધતા અસ્પષ્ટતા, અપેક્ષિત હોય છે. આ બાબતમાં શેખ માલાને અને મેક્લિશને અનુસરતા હોય તેવું લાગે છે. ‘કબ્રસ્તાનમાં’ રચના આ સંદર્ભમાં તપાસવા જેવી છે. કવિ કબ્રસ્તાન સાથે સંકળાયેલી વિગતો અપરિચિત સંદર્ભોમાં ગોઠવે છે તેથી નવું વાતાવરણ ખડું થાય છે. ‘સરગવાનું માંસ ખાઈને નાસી ગયેલા શીળી પવનો, ‘ગીધની વાંકી ડોક જેવા, સડેલા લીમડાઓની બખોલોમાં કથ્થાઈ થરો બાંધતી કીડીઓ, ખખડી ગયેલા કબ્રસ્તાનના પથ્થરો, અને તેના પરથી, આકાશની છાતી જેવાં ચપટાં થઈ ગયેલાં કોતરેલાં નામો’, ‘આંધળી કીકીઓ જેવા વાડના સીમાડા’, ‘કબરોમાં ધીમે રહીને સૂઈ જતી શાંતિ’ ને મૂર્ત કરીને કવિએ આ શાંતિનું ભીષણ વાતાવરણ ઉપસાવવા વિશિષ્ટ કલ્પનો યોજ્યાં છે. પરિચિતમાં કોઈક નૂતન પરિમાણ ઉમેરાય છે ત્યારે કેવું કાવ્યાત્મક પરિણામ આવે છે. તે આ કૃતિ જોતાં ખ્યાલ આવે છે. શેખની કવિતામાં ઈશ્વર પયંગબર દેવદૂતનો વિશિષ્ટ સંદર્ભ સાથે જોડવામાં આવ્યો છે. ઈશ્વર પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવો બદલાયો છે તેની પ્રતીતિ કરાવતી કેટલીક પંક્તિઓ જુઓ :

  • ‘દૂર દૂર મારા સ્વર્ગમાંથી હાંકી કાઢેલા / ઈશ્વરની વાસનાને

શોધી કાઢીશ / અને મારી કવિતા આદમનું વેર લેશે.’ (પૃ. ૪૮)

  • ‘લીલમાં પડેલા દેડકાઓ પગથિયા પર થાકીને બેઠેલા ઈશ્વરની

ગંદી મજાક કરે છે.’ (પૃ. ૫૦)
*
‘અરેરે! હવે તો કોઈ ફોડો મારું પેટ / અને આ ભૂંડને હાલ
મરેલા પયગમ્બરના મડદાને / બહાર ઠેલો.’ (પૃ. ૫૦)
*
પથ્થરોમાંથી ઈશ્વરો પૂંઠ પકડી નાસે.’ (પૃ. ૫૦)
*
‘બાવળની કાંટ્યમાં / મરતા મંકોડાના ખોળિયામાંથી નીકળી /
હિજરાતો હિજરાતો / કોઈ પેયગમ્બરનો જીવ પાછો વળે છે.’
(પૃ. ૫૦)

આધુનિક કવિતા કવિ, કવિતા અને શબ્દને વિષય બનાવીને પણ લખાતી થઈ હતી. સ્વાતંત્ર્ય પૂર્વેના સર્જકોને શબ્દમાં અનન્ય શ્રદ્ધા હતી; પરંતુ છેલ્લી એક-બે સદીમાં બનેલી કેટલીક વૈશ્વિક ઘટનાને તથા ચારેક દાયકા દરમિયાન ભારતીય સ્તરે બનેલી ઘટનાઓને કારણે આખાય જીવનસંદર્ભમાં બદલાવ આવ્યો છે. કવિને પોતાના શબ્દમાં, કવિતામાં શ્રદ્ધા રહી નથી. શબ્દ પોલા લાગે છે. નિવાર્ય લાગે છે. કવિતાપ્રવૃત્તિ ક્ષુલ્લક લાગે છે. પોતાના સંવેદનને શુદ્ધ સ્વરૂપે અભિવ્યક્ત કરી શકતું નથી એ આધુનિક કવિની સમસ્યા છે. આ કારણે અનુભૂતિને અભિવ્યક્ત કરતી ભાષા પર- શબ્દ પર પોતાનો આક્રોશ ઠાલવે છે. ચપટી બની ગયેલી ભાષા - શબ્દ પ્રત્યે ગુલામ મોહમ્મદ શેખ પણ પોતાની ઘૃણા વ્યક્ત કરતાં તેને તોડીફોડી સંદર્ભરહિત કરી દેવાનું વિચારતાં લખે છે : ‘શબ્દોના કિયા કરું / શબ્દોનાં પાથરણાં / શબ્દોને બાંધું પડીકે / ન્હાઈને નિચોવી નાખું / ચાવીચાવીને કરું પાતળા / ગોઠવી દઉં ખાનામાં, પરબીડિયામાં બીડી મોકલી દઉં મિત્રોને / નામોની કાઢું નનામી / ક્રિયાપદોના પગ ભાંગું / શબ્દોની પૂંછડીએ ચોંટલી સૃષ્ટિને ઝાટકી નાખું / છતાંયે જો ન છોડે / હઠીલા રોગ જેવા શબ્દો / તો કવિતાની કલ્પના કર્યાના બધા દોષ / હગી નાખું રોજ સવારે.’ (પૃ. ૮૩) કવિને શબ્દો હેડકીની જેમ આવે છે અને તેમ તેમ તે પાછા વળતા લાગે છે, માખીઓની જેમ બણબણતા અને કૂતરાની જેમ ભસતા શબ્દોથી છૂટવા તેને હણી નાખે છે. તો તે ચોમાસાનાં જીવડાં જેવાં ગંધાતા અનુભવે છે. આમ કવિ શબ્દોથી છુટકારો મેળવવા ઇચ્છે છે છતાં શબ્દો તો તેમને વળગ્યા કરે છે, તેમની સામે નાગા થાય છે; કવિની દયનીય દશા જોઈ એ ઘેરી વળે છે. શબ્દો પ્રત્યેની આટઆટલી ઘૃણા છતાં શબ્દો છૂટતા નથી તેવી પરિસ્થિતિથી ઘેરાયેલા કવિ કહે છે :

‘કવિતા એક ભૂખ / દમાતી નથી સહેવાતી નથી. / નથી લાગતી
તો બધું લુખ્ખું લાગે છે/ કવિતા એક રોગ, એક પીડા, એક
ઢોંગ, એક જુઠ્ઠાણું, જાદુગરનો, નટનો, ધુતારાનો ખેલ.’
*
‘કવિતા મને હડકાવે, ભટકાવે મારી ઇચ્છા વિરુદ્ધ સંભોગી અભડાવે.
*

‘કવિતા લખું ને થાઉં વામણો,’ ‘અળખામણો થાઉં’ એમ કહેતા કવિ કવિતાને ‘વેવલી’ કહીને પોતાના કવિતા પ્રત્યેના કુત્સિત ભાવો વ્યક્ત કરે છે. ‘કવિ’ શીર્ષક તળે લખાયેલી કવિતામાં કવિને તથા કવિ દ્વારા ઉપયોગાતી ભાષાને ભાંડી છે. ‘ક્રૂઝો’ જેવી દીર્ઘ રચનામાં પણ શબ્દો અને કવિતાના સંદર્ભે કવિએ પોતાના ભાવ-વિચારો વ્યક્ત કર્યા છે. આ પ્રકારની શબ્દવિષયક સંવેદન અન્ય આધુનિક કવિઓની કવિતાનો પણ વિષય પણ બની છે. આધુનિકતાનું એક લક્ષણ છે સભાનતા; આર પાર જોવાની દૃષ્ટિ; એ પછી સમય પ્રત્યેની સભાનતા હોય કે શબ્દ-ભાષા કે લખાતી કવિતા પ્રત્યેની શેખની, આ પ્રકારના સંવેદનવાળી કવિતા તેમના માધ્યમ ભાષા સભાનતાની સાક્ષી પૂરતી હોવાથી આધુનિક છે. રોબર્ટ હાન્સેનનાં ચિત્રોને નિહાળીને એક ચિત્રકાર પોતાની ઊંડી કલા-સૂઝ અને કવિપ્રતિભાથી કાવ્ય રચે છે ત્યારે તેનું જે પરિણામ આવે છે. તે માણસો’ શીર્ષકવાળી રચના છે. ચિત્રકારે ચિત્રમાં જે રીતે છિન્નવિચ્છિન્ન થયેલા માનવીનું ઍબ્સર્ડ ચિત્ર દોરીને તેની સામ્પ્રતકાળમાં થયેલી દુર્દશાને વ્યંજિત કરી છે તે જ રીતે શેખે પણ આ ચહેરો- વ્યક્તિતત્ત્વ ખોઈ બેઠેલા માણસોને તાદૃશ કર્યા છે. આ માણસો કેવા છે? એમને મોઢાં નથી, / છે તેમને અંદર છે, / એમને પગ છે, હાથ છે, આંગળાં છે / પણ એ એમનાં પોતાનાં જ છે કે બીજા કોઈનાં / એની એમને જાણ નથી.’ પોતાના અસ્તિત્વ વિશે પણ શંકા સેવતા સામ્પ્રત માનવી પોતાના શરીરનાં અંગો વિશે સાશંક હોય એ સ્વાભાવિક છે. માનવી અન્ય કોઈ માનવીનું મોઢું બને છે! અન્ય કોઈનો હાથ (હાથો?) બને છે! અન્ય માટે લખે છે! આ પ્રકારની વિચ્છિન્નતા અનુભવતા માનવીના પાઈપ જેવા શરીરમાં થોડું ઘણું લોહી છે, તે પણ લાલ નહીં, પરંતુ સફેદ. કવિએ આધુનિક ચિત્રો પર આધુનિક ભાવ પ્રકટાવતી રચના સર્જી છે. સ્વતંત્ર રચનાઓ તરીકે ‘જેસલમેર’ શીર્ષકવાળી ૧થી ૬ રચનાઓ કવિની કવિત્વશક્તિનો પરિચય કરાવી જાય છે. તાજગીસભર કલ્પનો, નાવીન્યસભર ભાષાશબ્દગુચ્છોનો વિનિયોગ, સર્જકની સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિથી જોવાયેલાં દૃશ્યોનું થતું કાવ્યમાં રૂપાંતર આદિ આ રચનાઓને આસ્વાદ્ય બનાવે છે. શેખની રચનાઓમાં નિરૂપાયેલા વિષયો, ભાવસંવેદન - અનુભૂતિ કે વિચારસામગ્રી આધુનિકતાના રંગે રંગાયેલી છે; આ જ રીતે આ વિષયસામગ્રી જે માધ્યમ દ્વારા અભિવ્યક્ત થઈ છે તે ભાષા પર પણ આધુનિકતાનો રંગ ચડ્યો છે. ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળાના મંતવ્ય સાથે સહમત થતાં અહીં નોંધી શકાય કે ભાષાકર્મની દૃષ્ટિએ શેખ આધુનિક છે. અપેક્ષિત છંદોલય, પરંપરિત શબ્દ વિન્યાસને તોડીને, શબ્દ શબ્દ વચ્ચેના તાર્કિક સંબંધોને પણ તોડીને તથા કવિતામાં ભાવવિકાસ કે તર્કવિકાસ થવો જ જોઈએ એવા પરંપરિત કાવ્યખ્યાલોને અતિક્રમીને શેખે વાક્યબંધના મુક્તવિન્યાસવાળી અને અનેક અર્થચ્છાયાઓ પ્રકટાવતી ભાષા ઉપજાવી છે. કવિતાની ભાષામાં ડોકિયું કરીશું તો તેમાં એવા કેટલાય શબ્દગુચ્છો જોઈ શકાશે જે પરિચિત અને અપરિચિત સંદર્ભોથી જોડાઈને નવું જ વાતાવરણ ખડું કરતા હોય. જેમ કે : કુંવારી મસ્જિદ, હાંફતી હવા, વાસી પવન, અધમૂઈ સ્થિરતા આદિ. આ સાથે અહીં એવાં કેટલાંય ક્રિયાપદો પ્રયોજાયેલાં છે. જે કવિની ચૈતસિક સૃષ્ટિમાં વિહરતાં એકલતા, અજંપો, આક્રોશ, તિરસ્કાર, આદિમવૃત્તિ, જાતિય ઉત્કટતા, જેમ કે : કરડું છું. ઉઝરડી નાખું. દાંત ભેરવું, હણી નાખું, વધેરવું, હિજરાવું, ચૂંપવું, સંભોગવું, કચડવું, વીંખવું, પીંખવું, ફાડવું, ભીંસવું છેદવું, ભોગવવું વગેરે આ પ્રકારનાં ક્રિયાપદો આટલા વૈવિધ્ય સાથે, આટલી સંખ્યામાં અને વિશિષ્ટ સંદર્ભો સાથે ગુજરાતી કવિતામાં પ્રયોજાયેલાં જોવા મળતાં નથી. કવિ ક્રિયાપદો દ્વારા પણ ચૈતસિકભાવોને કેવા મૂર્ત કરી આપે છે. આ પ્રકારનાં ક્રિયાપદો કુત્સિત ભાવોને ઉપસાવવા જ પ્રયોજાયાં હોય તેવું લાગે છે. કવિએ તેમની રચનાઓમાં પ્રયોજેલા ગદ્યને પણ તપાસવું જોઈએ. કવિ અહીં ગદ્યની વર્ણન-કથનપકતાને બદલે કલ્પનપરકતા પ્રતીકપરકતા તરફ વળ્યા છે. દૃશ્યકલ્પનો દ્વારા કવિએ જે વિવિધ ભાવછબિઓ ઉપસાવી છે તે કાવ્યાત્મકતાનો અનુભવ કરાવે છે. કલ્પન-તરાહોમાંથી ઉદ્ભવતી ચિત્રણા આધુનિક છે. અહીં કેટલાંક કલ્પનો નોંધીએ :

  • ‘ભાંગેલા રોટલા જેવા કિલ્લા પર / કાચા મૂળાના સ્વાદ જેવો તડકો’

*

* ‘વાવના પગથિયે કામરત શૃગાલયુગલના શ્વાસનું દ્વન્દ્વ ઉપર લીમડાનાં પાનમાં પેંસી તેને ગલી કરે છે.’

*

* ‘રાત હળવે હળવે / દિવસોનાં શ્વેત શબોને / રંગે છે.’

*

  • ‘કોઈક વાર આકાશમાંથી છીણી મારીને / બાકોરું પાડી શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો છે.’ (પૃ. ૮)

*

  • ‘સવારના તડકે ભોળપણમાં સીમના થોરની વાડને બાથ ભરી લીધી અને એના રૂંવેરૂંવાં છેદાઈ ગયાં.’ (પૃ. ૩૨)

ચિત્રાત્મકતા, મૂર્તતા, ઇન્દ્રિયસંવેદ્યતા, ભાવોત્તેજકતા જેવા ગુણો ધરાવતાં આ કલ્પનો શેખમાં ગદ્યકાવ્યોની આગવી અને અનેરી વિશિષ્ટતા છે. આ કલ્પનપરકતા આધુનિકતા સાથે જોડાયેલી હોવાથી આ કલ્પનતરાહો આધુનિક છે; ગદ્યકાવ્યોના ગદ્યને સૌંદર્યસભર બનાવે છે. ગદ્યમાં સૌંદર્યનું તત્ત્વ કવિએ કરેલા ઇન્દ્રિયવ્યત્યયના પ્રયોગોને કારણે પણ ઉમેરાયું છે. જેમ કે :

‘મારા હાથ હાથની જેમ ઊઘડીને ટગર ટગર જોવા લાગ્યા
આંગળીઓ હોઠની જેમ મરડાઈ સિસ્કાર કરી બેઠી.’ (પૃ. ૨૧)

ઇન્દ્રિયવ્યત્યયની સાથે અન્ય પ્રકારના વ્યત્યયો પણ અહીં પ્રયોજાયા છે જે દુર્બોધતા સર્જે છે. જોકે આ રચનાઓમાં સાંગોપાંગ અર્થ સમજાય એવું નથી. સર્જકને પણ અર્થની સંક્રાન્તિ કરવાનું અભિપ્રેત નથી. અહીં દુર્બોધતા પણ આસ્વાદ્ય બનીને આવે છે. સજીવારોપણ અને મૂર્તિકરણની પ્રયુક્તિઓ પણ ગદ્યને આસ્વાદ્ય બનાવે છે. કાચંડો, ગરોળી, કરોળિયો, ઘુવડ, વીંછી જેવાં નવીન પ્રતીકો અચેતન સૃષ્ટિના ચિત્રવિચિત્ર ભાવોને ઉપસાવે છે. ‘ઑર્ફિયસ’ રચનામાં પણ પુરાકલ્પનનો સમર્થતાથી વિનિયોગ કરેલો છે. આમ, શેખનાં કાવ્યોમાં પ્રયોજાયેલ ગદ્યકલ્પનો, પુરાકલ્પનો, પ્રતીકો, સજીવારોપણ, મૂર્તિકરણ જેવાં અનેક સૌંદર્યવર્ધક ઓજારો પ્રયુક્તિઓથી આસ્વાદ્યતા અને અનેરાપણાનો અહેસાસ કરાવે છે. શેખની કવિતાઓમાં પ્રયોગાયેલી, ચિત્રકળા સાથે જોડાયેલી આધુનિક રચનારીતિઓ (techniques)નો પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ. અહીં કેલિડોસ્કોપિક (kaleidoscopic) દૃશ્યમાળા, મોન્ટેજ (montage) સંચિત્રણા અને મોસેઈક (mosaic) જેવી ચિત્રશૈલી પણ અજમાવાય છે. ‘ચહેરો’ રચનામાં montage - સંચિત્રણાની પ્રવિધિ પ્રયોજાય છે. અખબારમાં અપાયેલા સમાચારોના અહેવાલોને એક સાથે રજૂ કરીને કવિએ સામ્પ્રતકાળની ડામાડોળ પરિસ્થિતિને તાદૃશ કરી છે. માણસો’ રચનામાં કેલિડોસ્કોપિક પ્રવિધિ પ્રયોજાયેલી છે. આમ, શેખની કવિતાઓ કાવ્યસ્વરૂપની દૃષ્ટિએ, ભાવસંવેદનોની દૃષ્ટિએ, અભિવ્યક્તિની વિશિષ્ટ તરેહોની દૃષ્ટિએ, કલ્પના, પ્રતીક, પુરાકલ્પન, વ્યત્યયોથી સમૃદ્ધ બનેલા ગદ્યની દૃષ્ટિએ અને ભાષાના એક તિરસ્કૃત અંશોના નિરૂપણની દૃષ્ટિએ આધુનિકતાવાદી વલણો પ્રગટ કરે છે. ગુલામ મોહમ્મદ શેખે તેમની કવિતાઓ દ્વારા ગુજરાતી કવિતાની ક્ષિતિજને વિસ્તારી છે, વિકસાવી છે એવું, કહીએ તો કશું અનુચિત નથી.

(‘અધીત : ચોવીસ’)