અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રેમાનંદની આખ્યાનકળા
સંજય મકવાણા
મધ્યકાળનો સમય લાંબા પટ પર પથરાયેલો છે. ગુજરાતી ભાષાના આરંભથી અને તે પૂર્વે મૂળ સંસ્કૃત - પ્રાકૃત - અપભ્રંશ પછીના સમયમાં ગુજરાતી ભાષાના તળસંસ્કારો જોવા મળે છે. આખ્યાનકાર પ્રેમાનંદ ૧૭મી સદીમાં થયો. તેણે ભાષાનું નામાભિધાન 'બાંધુ નાગદમણ ભાખા ગુજરાતી’ દશમસ્કંધમાં કરી. એવી જ રીતે આખ્યાનના મૂળ પણ પ્રાચીન ગ્રંથ વેદ સુધી પહોંચે છે. સંસ્કૃતના જર્મન પંડિત ઓરડેનબર્ગ આખ્યાનના મૂળને ઋગ્વેદના સૂત્રોમાં જુએ છે. મૂળે કથાસૂત્રો છે. આમ જોઈએ તો ઉપાખ્યાનોમાંથી આખ્યાન આવ્યું છે. 'આખ્યાન' શબ્દનું અર્થઘટન 'કથાનું કથન’ એવું થાય. ભોજે એમના ‘શૃંગારપ્રકાશ’માં શ્રાવ્યકાવ્ય તરીકે ગણ્યું છે.
આખ્યાનક સંજ્ઞા તત્ લભતે યદ્યભિનયન્ પઠન ગાયન્ ।
ગ્રાંથિક એક: કથયતિ ગોવિંદવત્ અવરિતે સદસિ ॥
જેમાં ગાયન, વાદન, નર્તન હોય તેવું આખ્યાન કાવ્ય મધ્યકાલીન સાહિત્યમાં લોકપ્રિય હતું. આચાર્ય હેમચંદ્રાચાર્યએ પણ આખ્યાનની વ્યાખ્યા આપતા આખ્યાન ગ્રાન્થિક એકલો કથા કરે અને તે પરબોધનાર્થે એટલે લોકોને બોધ આપવા માટે રજૂ કરતા. આવા આખ્યાન ચંપૂ પ્રકારના ગદ્યપદ્યમિશ્રિત હશે અને તેના કથાનકમાં ઉમેરો કે ફેરફાર કરવામાં આવતા હશે જેથી લોકભોગ્ય બનાવી શકાય. પ્રેમાનંદ પૂર્વે અને મધ્યકાલીન આદ્યકવિ નરસિંહે (ઈ.સ. ૧૪૧૫થી ૧૪૮૦) ઊર્મિ કે ભાવયુક્ત કથાનકને પદમાં ગૂંથી પદમાળા સ્વરૂપે કેટલીક રચના કરી ‘સુદામાચરિત્ર’, ‘શામળદાસનો વિવાહ… ‘હારમાળા’ વગેરે સળંગસૂત્રમાં જોવા મળે છે તે આખ્યાનના સ્વરૂપનું બીજ ગણાવી શકાય. પણ સાચા અર્થમાં આખ્યાન સ્વરૂપની માવજત થોડેક અંશે ભાલણે કરી. કડવાબદ્ધ આખ્યાન રચનાર પ્રથમ કવિ ભાલણ છે. તેમણે ગૂર્જર ભાષામાં પૌરાણિક કથાને ઉતારવાનો પ્રયત્ન કર્યો.
સંસ્કૃત કઠિશ તે કોણ તે પ્રીછે? સાંભળ્યા કરે મન!
મુગ્ધરસિક સાંભળવા ઇચ્છ, પણિ પ્રીછી નવિ જાય.
ત્યારબાદ સોળમી શતાબ્દીમાં નાકરે પૌરાણિક કથાનકો ઉપર આખ્યાન રચવાની પરંપરા ટકાવી રાખી. તેમણે ગુજરાતી કડવાબંધમાં મહાભારતની કથા અને પાંચેક હજાર જેટલી કડીઓમાં રામાયણને ગુજરાતીમાં અવતાર્યું તે વડોદરાના દિશાવાળ વણિક વિકાનો પુત્ર હતો તેમણે નાગર બ્રાહ્મણ મદનસુતને પોતાના આખ્યાનો લોકોને વાંચી સંભાળવવા આપતો. તેમણે રામાયણના છ કાંડ અને ૧૨૫ જેટલા કડવાં, માહાભારતના નવ પર્વો ઉપરાંત કેટલાંક ઉપાખ્યાનોને કેન્દ્રમાં રાખી આખ્યાન રચ્યાં છે. વિષ્ણુદાસ ખંભાતના નાગર બ્રાહ્મણના ઈ.સ.૧૫૬૮થી ૧૯૧૨ના કવનકાળમાં મહાભારત અને નરસિંહ તેમજ પૌરાણિક કથાના સંદર્ભો લઈને આખ્યાન રચ્યાં છે. ઉપરાંત વિશ્વનાથ જાનીએ મૂળ પાટણના વતની અને સત્તરમી સદીના ગણનાપાત્ર કવિ છે. તેમનાં આખ્યાનોમાં ભક્તકવિ નરસિંહના ચરિત્ર પર ‘મોસાળા ચરિત્ર અથવા મામેરુ અને સગાળચરિત્ર, ચાતુરીચાલીસા જેવી કૃતિઓ આપી છે.' પ્રેમાનંદ તેના પુરાગામી આખ્યાનકારો કરતા ઉફરા ચાલે છે. પ્રેમાનંદના કવનકાળ વિશેની માહિતીને આધારે ડૉ. જયંત કોઠારીના જણાવ્યા મુજબ પ્રેમાનંદની પહેલી કૃતિ, મદાલસા આખ્યાન (ઈ.સ. ૧૬૭૨) છે અને છેલ્લી કૃતિ ‘નળાખ્યાન' (ઈ.સ.૧૬૮૪ છે.) ને કેન્દ્રમાં રાખી ઈ.સ.૧૬૬૦થી ૧૭૦૮ એટલે કે સત્તરમી સદીના ઉત્તરાર્ધનો ગણાવી શકાય. વીસેક વર્ષની ઉંમરે તેમણે કાવ્યપ્રવૃત્તિ શરૂ કરી હશે. અને ‘દશમસ્કંધ' એના અવસાનને કારણે અધૂરો મુકાયો હશે. તેમના જીવનની માહિતીના આધારે એ વડોદરાનો વતની હતો અને વાડી મહોલ્લામાં રહેતો હતો. એના પિતાનું નામ કૃષ્ણરામ હતું અને એ મેવાડા ચોવીસા બ્રાહ્મણ જ્ઞાતિનો હતો. એ ઉદર નિમિત્તે આખ્યાન રચતો અને પોતાને ભટ્ટ તરીકે ઓળખાવતો એટલે એનો વ્યવસાય માણભટ્ટનો હતો. એણે દક્ષિણગુજરાતમાં સુરત અને ત્યાંથી ખાનદેશમાં નંદરબાર અને છેક બરહાનપુર સુધીનો પ્રવાસ કરી લોકોને આખ્યાનશૈલીનો પરિચય કરાવ્યો હતો. કવિ નર્મદના સંશોધન અને જાત તપાસથી મળેલી માહિતી અનુસાર પ્રેમાનંદના દાદાનું નામ જયદેવ અને એનો વેદ ઋગ્વેદ, શાખા માધ્યંદિની, ગોત્ર, ઓચ્છવસ, માતૃકાત્યાયની તથા અવટંક ઉપાધ્યાય હતી. માસીને ત્યાં ઉછેર થયેલો. પ્રેમાનંદ વિશેની કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત છે. પ્રેમાનંદ જડભરત હતો. તેને કવિત્વશક્તિ કોઈ મહાત્માની કૃપાથી મળેલી. સંસ્કૃત પુરાણોને બદલે ગુજરાતી આખ્યાનો કર્યાં. પાઘડી નહિ પહેરવાની પ્રતિજ્ઞા, ગુજરાતી ભાષાના ઉત્કર્ષની વાત, તેના શિષ્ય મંડળની, શામળ સાથે ઝઘડો થયાની દંતકથાને કોઈ આધાર મળતો નથી. પ્રેમાનંદનું સર્જન એમના નામે છપાયેલી કે ગણાવાયેલી કૃતિઓના ત્રણ વિભાગ પાડે છે. ૧. પ્રેમાનંદને નામે ગણાવાયેલી પણ હજી સુધી નહિ છપાયેલી તેમજ હસ્તપ્રતરૂપે પણ અસ્તિત્વ નહિ ધરાવતી કૃતિઓ, ૨. પ્રેમાનંદના નામે છપાયેલી પરંતુ જેનું કર્તુત્વ શંકાસ્પદ હોય તેવી કૃતિઓ ૩. નિ:સંદિગ્ધપણે પ્રેમાનંદની કહી શકાય તેવી કૃતિઓ. જેમાં પ્રેમાનંદની ગણી શકાય એવી કૃતિઓમાં ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસાખ્યાન, મદાલસા આખ્યાન, હૂંડી, શ્રાદ્ધ, સુદામાચરિત્ર, મામેરું, સુધન્વાખ્યાન, રુક્મિણીહરણ શલોકો, નળાખ્યાન, વિવેક વણજારો, વિષ્ણુસહસ્ત્રનામ, રુક્મિણી હરણ, વામનકથા, શામળશાનો વિવાહ, બાળલીલાવ્રજવેલ દાણલીલા, ભ્રમરપચીસી, દશમસ્કંધ, પાંડવોની ભાંજગડ, મહિના. ૧૫૭૨માં ગુજરાતમાં મોગલશાસન સ્થપાયું અને અકંદરે શાંતિ, સ્વસ્થતા, ધર્મ સહિષ્ણુતા અને સમૃદ્ધિનો યુગ મંડાય છે. ૧૬૫૯માં ઔરંગઝેબ આવે છે. જેમાં પરિસ્થિતિમાં કોઈ ખાસ બદલાવ આવતો નથી. પ્રેમાનંદના જીવનકાળમાં શિવાજીની સુરતલૂંટ અને ગુજરાતની વધતી જતી સમૃદ્ધિની સૂચકતા પ્રેમાનંદને નડતરરૂપ થઈ. આ ગાળામાં ગુજરાતી પ્રજાનું રાજકીય જીવન હતપ્રાણ થઈ ગયું હતું તેમ શિક્ષણસંસ્થાઓ પણ છિન્નભિન્ન થઈ ગઈ હતી. પરિણામે આખ્યાનકોએ અને વાર્તાકારોએ લોકરંજન ઉપરાંત લોકશિક્ષણનું સંસારનીતિ અને વ્યવહારજ્ઞાન પ્રબોધવાનું કામ કરવાનું પણ આવ્યું. તેમનાં આખ્યાનોમાં મહત્ત્વનાં કેટલાંક આખ્યાનોને કેન્દ્રમાં રાખી આખ્યાનકળાનો પરિચય મેળવીએ તો. ૧. સુદામાચરિત : ૧૪ કડવાની નાનકડી ઉત્તમ રચના છે. ‘ભાગવત્’માં સુદામાની કથા બ્રાહ્મણદેવની બ્રહ્મણ્યતાના એક દૃષ્ટાંત તરીકે આવે છે. પ્રેમાનંદનો અંતિમ હેતુ પણ ભગવકૃપા અને ભક્તિમહિમા દર્શાવવાનો જ છે. કેમ કે આરંભમાં સુદામાએ વ્યક્ત કરેલો ભક્તિનો અભિલાષ અંતમાં ફળીભૂત થતો બતાવવામાં આવ્યો છે. ‘મૈત્રીકાવ્ય' તરીકે નગીનદાસ પારેખ બતાવે છે જેમાં કૃષ્ણ સુદામાનો ભક્તિપૂર્ણ મૈત્રીભાવનું આલેખન કરવામાં આવ્યું છે. ‘કાવ્યનો વ્યંગ એ છે કે માણસ મહત્તા અને લઘુતાનું અદ્ભુત મિશ્રણ છે. તેનામાં ઈશ્વરાભિમુખ થવાની ઇચ્છા છે. છતાં સંસારની એષણાઓથી તે પર જઈ શકતો નથી. તેને ઈશ્વરના નિઃસીમ ડહાપણનું, તેની શક્તિનું, તેના પ્રેમનું ભાન છે. છતાં તેથી માગ્યા વિના રહેવાતું નથી. ઈશ્વરની ઘટના અકળ છે એમ માણસ જાણે છે છતાં ઈશ્વર અમુક રીતે કામ કરે એમ અપેક્ષા રાખે છે અને ઈશ્વરપ્રસાદ તેને મળે છે ત્યારે તે ઈશ્વરનો પ્રસાદ છે એટલું ઓળખવાની પણ તેની શક્તિ નથી. ('કાવ્યની શક્તિ' રા. વિ. પાઠક.) સુદામા અને તેની પત્નીનું ચરિત્રનિરૂપણ પ્રેમાનંદની કાવ્યસૂઝનો ઉત્તમ નમૂનો છે. ‘સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી' સુદામાનું વ્યક્તિત્વ અને દરિદ્રઅવસ્થાનું આહ્લાદક નિરૂપણ, તાંદુલનો પ્રસંગ, દ્વારિકા નગરી, કૃષ્ણ અને તેની પત્નીઓની ઝાકઝમાળ ઊડીને આંખે વળગે છે.
એક એક કણ જે તાંદુલ તણો ઇન્દ્રાસન - મેં મોંઘો ઘણો
દુર્બળ દાસના ભાવની ભેટ, પરમાવધિએ ભરાયું પેટ.
હું એ સરખો થઈ વનમાં ગયું. વૈકુંઠની રીધ એને આપું;
સોળસહસ્ત્ર સાથે રૂક્મિણી કરે સેવા સુદામાજી તણી.
દ્વારિકા આપવા મનસા કરી બીજી મુઠ્ઠી શ્રીનાથે ભરી,
રિક્મિણીએ જઈ ઝાલ્યો હાથ: અમો અન્યાય કીધો શો નાથ!
સામું જોઈ હસ્યાં દંપતી, સોળ સહસ્ત્ર કો પ્રીછતી નથી,
સકળ સુંદરીને કરુણ કરી, તાંદુલ વહેંચી આપ્યા શ્રીહરી!
(કડવું-૧૨)
કડવું-૩ : ભાવક ભાંગશે રે, માન ન મૂકીએ રે
કડવું-૪ : સુણ સુંદરી રે, ઘેલી કોણે કરી રે
ઋષિ રામજી રે, લાગું પાયજી રે.
કડવું-૧૦ : ‘તને સાંભરે રે’, ‘મને કેમ વીસરે રે’
માં કવિતા કળાનો ભંડાર ભરેલો છે. ૨. મામેરું : ૧૬ કડવાનું આ આખ્યાન એક અદોષ રમણીય રચના છે. તત્કાલીન સમયની બોલાતી વાણીનો ઉત્તમ વિનિયોગ કવિ કરે છે. સાહજિક કળાનો આવિર્ભાવ આ કૃતિમાં જોવા મળે છે. નરસિંહ મહેતાના જીવનના પ્રસંગને વણીને સુંદર ઘાટ આખ્યાનને મળ્યો છે. ન માઈ દીકરીની દુર્દશાને પ્રેમાનંદે કાવ્યાત્મક રીતિ આલેખી છે. નરસિંહની નિરધનતાને સહજ સરળ બનાવી આપે છે. કુંવરના સાસરિયાનું વર્ણન, વડસાસુની પીઢતા અને ચમત્કારિક પ્રસંગોનું બાહુલ્ય આખ્યાન કાવ્યને સહજ ગૂંથી લે છે. નાગરીનાતના રીત-રિવાજ, પરંપરા અને સીમંતના પ્રસંગને દીપાવી આપે છે. પહેરામણીની પાઈ, મંડપમાં મળેલી નાગરસ્ત્રીઓના શણગાર ને હાવભાવ, લક્ષ્મીજીના રૂપ અને વાણી, પહેરામણીની વહેંચણી ઈત્યાદિના નિરૂપણો પ્રેમાનંદે લાડથી કર્યાં છે.
ખોખલે પંડ્યે પત્ર જ આપ્યું મહેતાજીને હાથ જી
વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠ નાથજી
મેમેરું પુત્રીને કરવું. ઘરમાં નથી એક દામજી
ત્રિકમજી ત્રેવદમાં રહેજો દ્રવ્યતણું છે કામજી
(કડવું : ૪)
કડવું-૬માં 'વહુજી'ની ધ્રુવપંક્તિ અને સાતમા કડવામાં ‘ડોશીએ ડાટ વાળ્યો'માં પ્રેમાનંદની કવિપ્રતિભા ઝળકી ઊઠે છે. ૩. નળાખ્યાન : ૬૫ કડવાની આ કૃતિ નલોખ્યાન એ મહાભારતનું ઉપાખ્યાન છે. તેમાંથી વસ્તુ લઈને નળ અને દમયંતીની કથાને પ્રેમાનંદે ગાઈ છે. નળ અને દમયંતીના આરંભના પાત્રો મુગ્ધ યુવાનયુવતીનાં ચિત્રો છે. દમયંતીની નળ પ્રત્યેની અચલ પ્રેમભક્તિની ભાવનાને પ્રગટ કરવા પ્રેમાનંદે સતત લક્ષ આપ્યું છે નળને બાહુક અને ઋતુપર્ણના પાત્રને પ્રેમાનંદ ઉપસાવે છે. ૪. દશમસ્કંધ : ૧૬૫ કડવાની અધૂરી રહેલી કૃતિ છે. ભાગવતના કથાપ્રસંગોને પ્રેમાનંદે ગૂંથ્યા છે. શ્રીકૃષ્ણનાં પરાક્રમોની કથા, ગોપીઓના ભક્તિશૃંગાર, યશોદા વિલાપ, નંદ-યશોદા વાસુદેવની કથાનું ચિરત્ર, સમગ્ર કૃષ્ણબાળલીલાનું ગાન વિવિધ રસને કેન્દ્રમાં રાખીને આખ્યાનકાર કુશળતાને ચીંધી બતાવે છે. ૫. ઓખાહરણ : ૫૨ કડવા અને ૨૯ કડવા એમ બે પ્રકારે જોવા મળે છે. મૂળતઃ ૨૯ કડવાની રચના છે. અનિરુદ્ધ અને ઓખાના પ્રણયપ્રસંગને નિરૂપે છે. ગ્રામ્યતા અને સ્ત્રીચરિત્રનું નિરૂપણ વિશેષ જોવા મળે છે. ૬. રણયજ્ઞ : ૨૬ કડવાની કૃતિ છે. રામ, રાવણ, મંદોદરી, કુંભકર્ણના વ્યક્તિત્વના અંશો આ આખ્યાન કાવ્યમાં જોવા મળે છે. રામાયણ પર આધારિત કથા છે. રાવણનું સીતાહરણ ભોગવિલાસ માટે નહિ પણ રામના હાથે મૃત્યુ માટે છે એ ચીંધી બતાવે છે. ૭. અભિમન્યુ આખ્યાન : પર કડવાની કૃતિ છે. કથા બે ભાગમાં છે. અભિમન્યુના પૂર્વજન્મની કથા અને અભિમન્યુની કથા. તેમાં પ્રસૂતિ, મોસાળુ, સામૈયું આદિનું નિરૂપણ અને અભિમન્યુના મૃત્યુનો પાંડવોનો આઘાતનું વર્ણન અસરકારક છે. કૃષ્ણની તુલનાએ અભિમન્યુનું ચરિત્ર ઉજ્જ્વળ અને ઉદાત્ત બતાવ્યું છે. ૮. ચંદ્રહાસ આખ્યાન : ૨૮ કડવાની પ્રેમાનંદની આ કૃતિ આરંભકાળની છે. ચંદ્રહાસનો પાલકપિતા કુલિંદ, માતા મેઘાવતી સામાન્ય ગુજરાતી નર-નારી જેવા દેખાય છે. વિષનું વિષયામાં રૂપાંતર કરી માનવીય મૂલ્યોને ઉજાગર કરે છે. ઉપરાંત હૂંડી, શ્રાદ્ધ, સામળશાનો વિવાહ, નરસિંહના જીવનપ્રસંગને વર્ણવે છે. આ રચનાઓ ચમત્કારિક ઘટનાને નિરૂપે છે. સુધન્વાખ્યાન, મદાલસાખ્યાન, રુક્મિણીહરણ, વામનકથા એ સામાન્ય કોટિના આપ્યા છે. બાળલીલા, દાણલીલા, ભ્રમરપચીસી એ ભાગવત્ પર આધારિત કૃષ્ણલીલાનાં કાવ્યો છે. વિવેકવણઝરો, વેપારમૂલક રૂપકાવ્ય છે. 'મહિના' રાધાને અવલંબી રચેલું પરંપરાગત વિરહ કાવ્ય છે. સ્વર્ગની નિસરણી, ફુવડનો પશ્વેતો, પાંડવોની ભાંજગડ, વિષ્ણુસહસ્ત્રનામ, પ્રકીર્ણ વિષયપ્રકારની રચના છે. પ્રેમાનંદનું સમગ્રતયા મૂલ્યાંકન એક આખ્યાનકાર તરીકે અને તેમાં પણ તેમની મામેરું, સુદામાચરિત, નળાખ્યાનની રીતિ ઉત્તમ કળાકૌશલ્ય ધરાવે છે. રસનિરૂપણની બાબતમાં વિવેચક નવલરામને વિધાન રસની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં હજી સુધી કોઈ પગ ઘાલી શકે તેવો થયો નથી. જે ધારે ત્યારે હસાવે છે, ધારે ત્યારે રડાવે છે અને ધારે ત્યારે શાંતરસના ઘરમાં લઈ જાય છે.’ વિધાનની સાર્થકતા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. સ્વરૂપની રીતે પૌરાણિકકથાને કાવ્યાત્મક દેહે અને સાંપ્રત-વર્તમાન સમયમાં રજૂ કરી કથાંશોને વધુ સજીવ બનાવવામાં અનન્ય ફાળો જોવા મળે છે.
(‘અધીત : આડત્રીસ')
❖