અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/મનોજ ખંડેરિયાની ગઝલમાં પુરાકલ્પનનો વિનિયોગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૯. મનોજ ખંડેરિયાની ગઝલમાં પુરાકલ્પનનો વિનિયોગ

ડૉ. ગિરજાશંકર એસ. જોષી

કવિ કાવ્યસર્જનમાં કલાની વિવિધ પ્રયુક્તિનો વિનિયોગ કરતો હોય છે, તેમ અભિવ્યક્તિના એક ઓજાર તરીકે ‘પુરાકલ્પન’ને (Myth) પણ યોજતો હોય છે. અહીં મનોજ ખંડેરિયાના ‘અચાનક’ (૧૯૭૦)[1], ‘અટકળ’ (૧૯૭૯)[2] અને ‘હસ્તપ્રત’ની (૧૯૯૧)[3] ગઝલોના સંદર્ભમાં પુરાકલ્પનને તપાસવાનો ઉપક્રમ છે. આધુનિક કવિતાના ભાગરૂપે આવેલી નવી ગઝલના કેટલાક પુરસ્કર્તા કવિઓમાં મનોજ ખંડેરિયાનું મોખરાનું સ્થાન છે. નાજુક અભિવ્યક્તિ અને પ્રયોગમુખર બન્યા વગર ગઝલના મિજાજને જાળવતી તેમની ગઝલો વિશેષ ધ્યાન ખેંચે છે. સૌરાષ્ટ્રનો પરિવેશ અને જૂનાગઢ સાથે સંકળાયેલી ‘મિથ’નો વિનિયોગ પણ એમની ગઝલોમાં વિશિષ્ટ બન્યો છે. ‘Myth પુરાકથા, પુરાકલ્પન- કોઈ એક વ્યક્તિ દ્વારા નહિ, પણ કોઈ લોકપરંપરાના સહિયારા વારસારૂપ રચાયેલી કથા. પુરાકથાનાં મૂળ અને એનાં કર્તૃત્વ અજાણ્યાં છે. એવું માનવામાં આવે છે કે એનો ઉદ્ભવ માનવસંસ્કૃતિના ઉષ:કાળ સાથે સંકળાયેલો છે. હેર્ડર જેવા વિદ્વાનના મત અનુસાર અનુભવ અને અર્થની અભિવ્યક્તિ સાધવા મથતી આદિકાળની માનવજાતે એક બાજૂથી ભાષા ખીલવી હોય અને બીજી બાજૂથી આવી પુરાકથાનું નિર્માણ કર્યું હોય, માનવસંસ્કૃતિના ઉષઃકાળમાં ભાષા જેમ વિધિવિધાનો (rituals) સાથે સંકળાયેલી હતી તેમ આ કથા પણ કોઈક વિધિવિધાનો અને પર્વોની ઉજવણીઓ સાથે સંકળાયેલી હોય એવું મનાય છે. પુરાકથામાં નિરૂપિત કાળ અતિ દૂરનો ભૂતકળ છે. સાહજિકતા અને સામૂહિકતા એ આ કથાના ગુણો છે. સર્વજનીનતા અને કાલાતીતતા જેવાં લક્ષણોને કારણે એનું આકર્ષણ ઘણું છે. પુરાકથા એ સાહિત્યકૃત માટેનું કાચું દ્રવ્ય છે. આવી કથાઓને સાહિત્યિક માવજત પાછળથી અપાય છે,[4] ડૉ. નીતિન વડગામા પુરાકલ્પન' વિશે કહે છે : ‘પ્રતિભા સંપન્ન સર્જક દ્વારા પુરાણકથાઓમાંનાં વસ્તુ, પાત્રો, પરિસ્થિતિઓ આદિનો ઊંડો અને વ્યાપક અર્થવિસ્તાર થાય કે નવું અર્થઘટન થાય તથા સર્જકની અનુભૂતિની ઇન્દ્રિયસંવેદ્ય અભિવ્યક્તિ થાય ત્યારે પુરાકલ્પન રચાય છે.’[5] ‘અચાનક'ની ગઝલમાં 'પુરાકલ્પન'નો વિનિયોગ બહુ ઓછો જોવા મળે છે. પુરાકલ્પનમાં સર્જક પોતાના સંવેદનને તાદૃશ્ય કરવા બાહ્યજગતમાં નહીં પણ પૌરાણિક સાહિત્ય ઘટના પ્રસંગ કે ઇતિહાસમાં નજર નાખે છે અને તેને નવી જ અર્થચ્છાયા સાથે પ્રયોજે છે. શૌર્યના પ્રતીક સમા પાળિયા પાદરે છે, એમાં જન્મોજન્મનાં રૂપ ભળાય અને પોતાના જ અશ્વના ડાબલા સંભળાય એ મતલબના નિરૂપણ દ્વારા વિ ઐતિહાસિક પરિસર ખડો કરે છે :

જન્મોજનમનાં રૂપ હું ભાળું છું પાદરે
મુજ અશ્વના જ ડાબલા સંભળાય પાળિયે. (પૃ. ૩૧)

આમ, ‘અચાનક'ની ગઝલમાં કલ્પન અને પ્રતીકની તુલનાએ પુરાકલ્પનનો વિનિયોગ ખરા અર્થમાં જોવા મળતો નથી. ‘અટકળ’ની ગઝલમાં અનેક પુરાકલ્પનો આપણને મળે છે. પુરાકલ્પન દ્વારા મનોજ ખંડેરિયા પૌરાણિક - ઐતિહાસિક પાત્ર, પ્રસંગ કે ઘટનાનો નવા જ અર્થ સાથે ગઝલમાં વિનિયોગ કરે છે. શ્રાવણની મેઘલી રાતે વસુદેવ કૃષ્ણને ટોપલીમાં લઈને યમુના નદીમાંથી નીકળે છે, એ પ્રસંગને કવિ કેવી સહજતાથી અને નૂતન સ્પર્શ સાથે પ્રગટ કરે છે તે જુઓ :

ટોપલીમાં તેજ લઈ નીકળી પડો
પાણી વચ્ચેથી રસ્તા થઈ જશે. (પૃ. ૪૨)

આંગળીમાં હજુ ભાર છે એમ કહેવા કવિએ કૃષ્ણે ગોવર્ધન પર્વતને આંગળથી ઊંચકેલો એ પ્રસંગને નિરૂપે છે, તે જુઓ :

નથી એ હલી શકતી આજે જરી પણ
હજી પહાડનો ભાર છે આંગળીમાં (પૃ. ૫૦)

મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ હાથમાં હથિયાર નહીં લે અને પછી ચક્ર હાથમાં લે એ ઘટનાને પણ કવિ એક શેરમાં પ્રયોજે છે. (પૃ. ૬૪), તો કૃષ્ણ વામનરૂપે બલિ પાસે ત્રણ ડગલાં માંગે છે એ ઘટનાને પણ એક શેરમાં વણી લે છે.

મૂકી દે આજ મારા શબ્દો પર
ચોથું પગલું ચરણ ઉપાડીને. (પૃ. ૪૫)

ભાલકાતીર્થમાં અશ્વત્થ નીચે નિદ્રાઅવસ્થામાં શ્રીકૃષ્ણ પારધીના તીરથી ઘાયલ થયા અને તેનો દેહોત્સર્ગ થયો એ ઘટનાને કવિ જુદી જ રીતે આલેખે છે:

મનોજ નામની એક નદીના કિનારે
તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો. (પૃ. ૩)

કંદબના વૃક્ષ નીચે વર્ષોથી ઘડો છોડીને કોણ ગયું છે એ વાતમાં રાધાની યાદ તાજી થાય છે. (પૃ. ૪૩), કંસને ઊંઘમાં આકાશવાણી સંભળાય છે કે ‘દેવકીનું આઠમું સંતાન તારો પ્રાણ લેશે' એ ઘટના તાજી થઈ આવે છે.

અચાનક હું નીંદરથી જાગી પડ્યો છું,
મને કોઈ સંભળાતી આકાશ-વાણી. (પૃ. ૨૨)

શબ્દ બાથ ભીડીને ભેટશે એમાં હિરણ્યાકશિપુના કહેવાથી પ્રહ્લાદે લોહસ્તંભને બાથ ભીડી એ પ્રસંગની વાત કરે છે (પૃ. પર) તો વળી, ઈસુને ખીલા સાથે જડી દીધા હતા તે ઘટનાને કવિ આ રીતે પ્રસ્તુત કરે છે :

ત્વચા પર રહ્યાં માત્ર છિદ્રો જ એનાં
ગયા લોહીમાં ઓગળી તીક્ષ્ણ ખીલા. (પૃ. ૫૮)

કર્ણ પોતાની રક્ષાના પ્રતીકસમા કવચકુંડળ દાનમાં આપી દે છે. એ ઘટનાને કવિ અહીં આલેખે છે તે જુઓ :

લે કવચ-કુંડળ હવે આપી દીધાં
મેં જ મારા હાથ બે કાપી દીધા. (પૃ. ૧૮)

રથનું પૈડું ગળવા લાગ્યું એમ કહી જીવનને શાપિત કહે છે, એમાં પણ આપણને કર્ણની યાદ તાજી થાય છે. કર્ણને પરશુરામનો શાપ હતો કે ‘ખરા સમયે તારી વિદ્યા તને કામ નહીં આવે' અને યુદ્ધના મેદાનમાં એમ બને એ ઘટનાને કવિ લાઘવથી કહે છે તે જુઓ :

રથનું પૈડું ગળવા લાગ્યું
જીવન શાપિત ઘટના સરખું. (પૃ. ૨૪)

હવે જીત થવાની નથી એમ કહી 'સમય'ને શકુનિનો પાસો કહે છે કે શકુનિ છળકપટના પ્રતીક તરીકે આવે છે કવિ અહીં સમયને છેતરામણો કહે છે તે જુઓ :

નથી જીવતો સૂર્ય ઊગવાની આશા
અહીંનો સમય છે શકુનિનો પાસો. (પૃ. ૩)

તો પોતાના શબ્દો ક્યાંથી ક્યાં ખેંચી ગયા છે એ કહેવા સોનાહરણવાળી ક્ષણની વાત કરે છે ત્યારે વનવાસ વખતે સીતાને જે સુવર્ણમૃગ દેખાય છે એ પ્રસંગનો નિર્દેશ કરે છે (પૃ. ૬૫), સતત ચાલતી છળકપટથી થાકીને અમે લાક્ષાગૃહ જેવી પળની વચ્ચે ઊભા એમ કહે છે ત્યારે પાંડવોને લાક્ષાગૃહમાં સળગાવવાની ઘટનાનો નૂતન આવિષ્કાર થાય છે.

સતત ચાલે છે એવા છળની વચ્ચે થાકીને ઊભા
અમે લાક્ષાગૃહો શી પળની વચ્ચે થાકીને ઊભા. (પૃ. ૫૯)

આજે પણ કેવી વિષમ પરિસ્થિતિ છે તે દર્શાવવા એક શેરમાં ભીષ્મની શરશૈયાની વાત કરી છે, નીચે તો શબ્દનાં તીક્ષ્ણ ભાલાં છે એમ કહી પૌરાણિક સંદર્ભને કવિ આ રીતે આલેખે છે :

અહીં તો સૂવાનું રહ્યું ભીષ્મ માફક
નીચે શબ્દનાં તીક્ષ્ણ ભાલાં અને હું. (પૃ. ૭)

હું સમયના બાહુબળ વચ્ચે જીવ્યો છું, લોખંડનાં ઘણાં પૂતળાં ભાંગી ગયાં છે એમ કહે છે ત્યારે ધૃતરાષ્ટ્ર દ્વારા ભીમને બાથમાં લેવાનો જે પ્રસંગ છે તે યાદ આવે છે. (પૃ. ૩૩), આંગળી મહોરી નથી શકતી એમ કહી હાથે હેમાળો ગાળ્યો છે એમ કહે છે ત્યારે પાંડવો હેમાળો ગાળવા જાય છે એ પ્રસંગનો ઉલ્લેખ થાય છે (પૃ. ૨૩), સ્મરણોને લઈને પવન આવ્યો છે એમ કહેવા અર્જુન વૃક્ષની ડાળને હલતી બતાવી છે ત્યારે અર્જુન પક્ષીની આંખને લક્ષ્ય બનાવે છે તે પ્રસંગને નિરૂપે છે. (પૃ. ૬૦)

સર્જનપ્રક્રિયાની વાત કરતાં કહે છે કે મેં શબ્દના અગ્નિસ્તંભને બાથ ભીડી છે, સતત કાગળમાં સળગ્યો છું એમ કહી ઘડીભર - નિરાંતે શ્વાસ લેવા દેવાની વાત કરીને પ્રહ્લાદના પ્રસંગને આ રીતે નિરૂપે છે :

સદા શબ્દોના અગ્નિ-રસ્તંભને મેં બાથ ભીડી છે
સતત કાગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે. (પૃ. ૬૩)

આમ, ‘અટકળ'ની ગઝલમાં અનેક પુરાકલ્પન આપણને મળે છે. એમાં કૃષ્ણ, કર્ણ, શકુનિ, ભીષ્મ, કંસ, પાંડવો, અર્જુન, ધૃતરાષ્ટ્ર, ભીમ, પ્રહ્લાદ, સીતા અને ઈસુના પાત્ર કે પ્રસંગ દ્વારા યાદ કરી નવા સંદર્ભ સાથે પ્રયોજે છે, જે ગઝલને ઉપકારક નીવડે છે. 'હસ્તપ્રત'ની ગઝલમાં અનેક પુરાકલ્પનો મળે છે. પુરાકલ્પન દ્વારા મનોજ ખંડેરિયા એક શેરમાં કવિ નરસિંહના મશાલ સાથે સાથે હાથ બળવાના પ્રસંગને સર્જનપ્રક્રિયાના સંદર્ભે યોજીને સર્જન માટેની તન્મયતા એકાગ્રતાની વાત આ રીતે આલેખે છે :

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને. (પૃ. ૧)

તો નરસિંહ ઝૂલણા છંદથી તરબતર જૂનાગઢના પ્રથમ પહોરનો અભાવ કવિને સાલે છે, તેને આ રીતે શબ્દબદ્ધ કરે છે :

પાછલી રાતની ખટઘડીએ હજી
એ તળેટી ને એ દામોદાર કૂંડ પણ
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પહોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. (પૃ. ૩)

આ શેરમાં પણ, નરસિંહે કૃષ્ણની જે રાસલીલા જોયેલી એ પ્રસંગને કાવ્યસર્જનના સંદર્ભમાં યોજે છે :

આ હાથ સળગી ઊઠ્યો અ-ક્ષરની લીલા જોતાં
કાગળની વચ્ચે જામ્યું આ રાસ જેવું શું છે (પૃ. ૧૩)

તળેટીના રસ્તે હજુ પણ ક્યાંક કરતાલ વાગવાના ભણકારા સંભળાય છે એમાં પણ નરસિંહનો સંદર્ભ પ્રગટ થાય છે :

તળેટી જતાં એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. (પૃ. ૩૯)

આ ઉપરાંત અન્ય ગઝલોમાં મશાલ, રાસલીલા (પૃ. ૧૪), હાર આરોપવાની વાત (પૃ. ૨૮), કેદારો ગીરવે મૂકવાની વાત (પૃ. ૨૯) હાથ સળગવાની વાત (પૃ. ૪૫) કરીને કે નરસિંહનું પદ નવી જ અર્થચ્છાયા સાથે યોજીને પણ કવિ નરસિંહ વિષયક વિવિધ પુરાકલ્પનો પ્રયોજે છે. તો શિબિરાજાનો પારેવા સામે પોતાની જાંઘમાંથી માંસ તોળી આપવાનો પ્રસંગ પણ કવિ નવા જ સંદર્ભે યોજે છે :

મૂકી પારેવું સામે પલ્લામાં
આ રીતે કોણ મુજને તોલે છે? (પૃ. ૯)

તો અહીં ઓળખની વાતમાં શકુંતલાની વીંટીનો સંદર્ભ જોઈ શકાય છેઃ

મને મારી ઓળખની દઈ દે પ્રતીતિ!
જેવું કેમ વીંટી વગર આંગળીમાં? (પૃ. ૨૦)

અન્ય એક શેરમાં પણ વીંટી સરી જવાની વાત કરી છે. (પૃ. ૨૨), ગઝલ વિશે કહેતાં કવિ અહીં સુદામાની તાંદુલની ગઠરીના પ્રસંગને નૂતન રીતે અભિવ્યક્ત કરે છે :

જતનથી હું જાળવતો પ્હોંચી જઈશ ત્યાં,
ગઝલ તો છે એક મુઠ્ઠી તાંદુલની ગઠરી. (પૃ. ૨૫)

સળગવાનું કબૂલ હોય તો સર્જનપ્રક્રિયામાં જોડાવાની વાત કરે છે અને કવિતાને લાખનો મહેલ કહી પુરાકલ્પન સિદ્ધ કરે છે :

સળગી જવું કબૂલ હો એમાં તો, વાસ કર,
કવિતા તો છે મહેલ બનાવેલો લાખથી. (પૃ. ૯૧)

આ ઉપરાંત આંગળીથી પહાડ ઝીલવાની વાતમાં કૃષ્ણનો સંદર્ભ જોઈ શકાય છે (પૃ. ૨૦). તો બીજા શેરમાં ભાષાની ભરસભામાં સુદર્શન વગરની સ્થિતિને આલેખી છે. (પૃ. ૯૦) તો લક્ષ્મણરેખાની વાતમાં લક્ષ્મણ અને સીતાનો પ્રસંગ તાજો થાય છે (પૃ. ૩૮). તો બીજા શેરમાં સોનાહરણના પ્રયોગથી રામાયણનો જાણીતો પ્રસંગ યાદ આવે છે. (પૃ. ૫૪) કર્ણે તીર દ્વારા જમીનમાંથી પાણી કાઢ્યું એ પ્રસંગને એક શેરમાં યોજે છે. (પૃ. 5૧) જુદાજુદા શેરમાં રથનું પૈડું ગળવાની ઘટનામાં પણ કર્ણનો પ્રસંગ તાજો થાય છે (પૃ. ૬૭, ૭૨) એક શેરમાં જટાયુનો પણ નવા જ સંદર્ભમાં વિનિયોગ કરે છે. (પૃ. ૯૧) આમ, 'હસ્તપ્રત’ની વિવિધ ગઝલોમાં મબલક પુરાકલ્પનો પ્રયોજાયેલાં આપણને જોવા મળે છે, જેમાં નરસિંહ, શિબિ, શકુંતલા, સુદામા, કૃષ્ણ, કર્ણ, લક્ષ્મણ-સીતા અને જટાયુનાં પાત્ર કે પ્રસંગ દ્વારા પુરાકલ્પન સર્જે છે અને આજના સંદર્ભમાં વિશિષ્ટ રીતે યોજીને ગઝલકાર અભિવ્યક્તિને અસરકારક બનાવે છે, તો નરસિંહ વિષયક પુરાકલ્પનમાં શબ્દભેદે પુનરાવર્તન થતું પણ જોઈ શકાય છે. ‘હસ્તપ્રત’ની ગઝલમાં સર્જન સંદર્ભવાળા પણ અનેક શેર પ્રાપ્ત થાય છે.

ભૂતળ પદારથ જેવો પધારથ ન એકે,
પકડવા જઉં એમ ભાગ્યા કરે છે. (પૃ. ૩૯)

ગઝલ – ગરવું જળ, ક્યાંથી સીંચાય શબ્દ,
અતળ ઊંડો કૂવો અને બોક ફાટી. (પૃ. ૬૧)

ગૂંથાય ઝીણા તાર તરન્નુમના શ્વાસમાં,
વસ્ત્રો સમી વણાતી કબીરાઈમાં ઊભા. (પૃ. ૧૦)

આ નગરમાં આવીને મનમાં થતું
ક્યાંકથી કોઈ ખૂણે નર્મદ મળે. (પૃ. ૮)

ઉદય જલ ઉપર ચંદ્રનો જોઈ સામે,
કશું ના થતું— ના કશી વાત જામે. (પૃ. ૮૩)

‘નથી કોઈનું કામ કરવા હું આવ્યો’
છતાં ફાવે એ રીતે ફરવાની તકલીફ. (પૃ. ૭૯)

શબ્દનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર,
ભાષાની ભરમાળ નીરખી અમથો અમથો ખુશ થાઉં છું. (પૃ. ૯૫)

અહીં અનુક્રમે નરસિંહ, અખો, કબીર, નર્મદ, કાન્ત, નિરંજન ભગત અને લાભશંકર ઠાકરની કાવ્યપંક્તિ કે સંદર્ભનો વિનિયોગ આ ઉપરાંત ગઝલમાં કંઠોપકંઠ સચવાયેલાં લોકગીત કે કથાનો સંદર્ભ ધ્યાન ખેંચે છે : આમ, ‘અચાનક’ની ગઝલમાં કલ્પનની તુલનાએ પુરાકલ્પનનો વિનિયોગ બહુ જ ઓછો જોવા મળે છે. જ્યારે ‘અટકળ’ અને ‘હસ્તપ્રત’ની ગઝલમાં મહાભારત, ભાગવત્ અને રામાયણના પાત્ર, પ્રસંગ કે ઘટના દ્વારા પુરાકલ્પનનો પ્રયોગ કરીને મનોજ ખંડેરિયા ગઝલની વ્યંજકતાને પ્રગટ કરી ગઝલમાં વ્યાપ અને ઊંડાણને તાકે છે. એમની ગઝલમાં આવતાં પુરાકલ્પનો સહજ લાગે છે. પ્રયોગશીલતા સાથે પણ સર્જક તરીકે આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાતી ગઝલને ભાષા-ભાવ-અભિવ્યક્તિની દૃષ્ટિએ એમનું મહત્ત્વનું પ્રદાન છે.

(‘અધીત : એકતાળીસ')


  1. 1. ‘અચાનક' : મનોજ ખંડેરિયા. વોરા ઍન્ડ કંપની, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૧૯૭૦
  2. 2. ‘અટકળ' ; મનોજ ખંડેરિયા. વોરા ઍન્ડ કંપની, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૧૯૭૯
  3. 3. ‘હસ્તપ્રત' : મનોજ ખંડેરિયા. શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ. પ્રથમ આવૃત્તિ, ૧૯૯૧,
  4. 4. 'આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ' સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા અને અન્ય, ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૬.
  5. 1. કલ્પન : વિભાવના અને વિનિયોગ : ડૉ. નીતિન વડગામા, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, પ્રથમ આવૃત્તિ : ૧૯૯૩, પૃ. ૨૯