અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/અદ્યતન કવિતા : ‘એક કાવ્ય' અને ‘બરફનાં પંખી' વિશે
પ્રા. ચંદ્રકાંત ટોપીવાલા
કાવ્ય અંગેના પ્રતિભાવ અને એના વિશ્લેષણને પૂર્વગ્રહથી મુક્ત રાખતાં હોય અને માત્ર છાપગ્રાહી થતાં અટકાવવાં હોય તેમજ કાવ્યસર્જનનું નહીં, પણ કાવ્યસંવેદનનું વિજ્ઞાન રચવું હોય તો વિવેચનને કૃતિલક્ષી, કૃતિને ભાષાલક્ષી અને ભાષાને ભાષાવિજ્ઞાનલક્ષી અભિગમ તરફ લઈ ગયા વગર ઉપાય નથી. ઇઝરાયલના ટેલ અવિવ યુનિવર્સિટીના ભાષાસાહિત્યના પ્રાધ્યાપક બેન્જામિન હૃસોવ્સ્કીના સંપાદન હેઠળ તાજેતરમાં થયેલા પી. ટી. એલ. (a journal for descriptive poetics and theory of literature)ના પ્રારંભના પાંચેક અંકોએ છેલ્લાં વીસેક વર્ષના, સાહિત્ય તરફના ભાષાવિજ્ઞાનના સંસર્જનાત્મક (generative) ઉદ્યમને વધુ વૈજ્ઞાનિક દિશામાં લઈ જવાનો અને સાહિત્યવિજ્ઞાન રચવાનો નિરધાર જાહેર કર્યો છે એ વીસમી સદીના સાહિત્યવિવેચનની મહત્ત્વની પરિણતિ છે. આ ભૂમિકાને લક્ષમાં રાખી અહીં પ્રબોધ પરીખ અને અનિલ જોશીની રચનાની તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ભાષાતપાસનું એકલાનું કંઈ ઝાઝું મૂલ્ય નથી; ભાષાતપાસ સાથે શૈલીશાસ્ત્ર અને મૂલ્યાંકનને પણ કામે લગાડવાં જ જોઈએ, એવો રોજર ફાઉલરનો અભિપ્રાય ધ્યાનમાં હોવા છતાં આ આસ્વાદોને મૂલ્યાંકન કે શૈલીશાસ્ત્ર સાથે ઓછામાં ઓછાં સાંકળીને મુખ્યત્વે ભાષાવર્ણનના સ્તરે જ રાખ્યાં છે. ભાષાવર્ણન, ભાવકને કાવ્યનો પ્રત્યક્ષ થવા માટે ઉદ્દીપક સહાય પહોંચાડી શકે તેમ છે એ વાતને અહીં લક્ષમાં રાખી છે. પહેલાં પ્રબોધ પરીખની રચના લઈએ; ને પછી અનિલ જોશીની રચના જોઈએ :
હું મને આ ક્ષણે નગારા કવિ તરીકે જાહેર કરું છું
આ ક્ષણે ઇતિહાસમાં
અને ગાંજાના સાક્ષાત્કારમાં,
પિયાનોના જંગી ગોડાઉનની
ઊડતી રકાબીની
શેતરંજી પર બેસી
હું મને શબ્દોની શોધનાં મેદાનોમાં યોજાતી હરીફાઈમાં
હરીફ તરીકે જાહેર કરું છું.
વહી જતી ઍસિડ રૉકની સૃષ્ટિમાં
મારી હતાશાના ઉનાળાને પી ગયેલા
અહીં મેદાનોમાં ચરસ પી
ચંદ્રના આછા તડકા નીચે પાંખ પ્રસારી
પડેલા શિવજીના પડઘા સાંભળું છું.
પડ્ઘામાં ઊતરી જઉં છું શરીરનાં તોરણોને વીંધીને
આરપાર,
પાંપણ નીચે છવાતા નશાના શાસ્ત્રોમાં
વેદકાળના શ્લોકો
ઇલેકટ્રિક કરંટ થઈને
ઘરે ઘરે પ્રસારતા
સ્ટીલવૉટર, આજે ત્યારે છેવટે તારું ગીત ગાવા જાગ્યો છું.
હું નગારા કવિ
ડમરુનો ડમડમકાર
અવાજની ડૂંટડીનો હાહાકાર
આજે મને આફ્રિકાના લયમાં પામું છું.
અમેરિકા, તારા હાઈ-વેઝના, તારી કેમિકલ ફેક્ટરી
પછવાડે છુપાયેલા
યુવાન ટેનિસ રમતાં વૃક્ષોને અમર કરવાની
હું પરદેશી
આજે ડમરુ બનાવી ઘોષણા કરું છું.
(‘નગારા કવિ’, પ્રબોધ પરીખ, સંજ્ઞા, ઑક્ટો. 75)
આ કાવ્યમાં બે ભિન્નભિન્ન સાહચર્યક્ષેત્રોમાંથી બે પરસ્પર સંઘર્ષી શબ્દજૂથો વિનિયોગમાં લેવાયાં છે. એક છે કવિના સ્વદેશસોરણ (Nostalgia)માંથી આવેલું, નગારા / સાક્ષાત્કાર / શિવજી / તોરણો / વેદકાળના શ્લોકો / ડમરુ /નું શબ્દજૂથ, અને બીજું કવિનું અન્ય દેશસંબંધી (Exotic) પ્રગટેલું, પિયાનો / ગોડાઉન / ઍસિડ રૉક / ઇલેકટ્રિક કરંટ / સ્ટીલવૉટર / હાઈવેઝ / કેમિકલ ફૅક્ટરી / ટેનિસ રમતાં ઝાડ /નું શબ્દજૂથ. આ પરસ્પરસંઘર્ષી શબ્દજૂથો કઈ રીતે વાક્યરચનામાં ગોઠવાયાં છે અને વાક્યો કઈ રીતે કવિતાનું સ્વરૂપ નક્કી કરે છે, એ જોઈએ :
આ કાવ્યમાં કુલ સાત વાક્યો છે.
| 1 | ……………………………જાહેર કરું છું | → | I | |
| 2 | ……………………………જાહેર કરું છુ | → | II | |
| 3 | ……………………………સાંભળું છું | |||
| 4 | ઊતરી જઉં છું…………………………… | → | III | |
| 5 | ……………………………જાગ્યો છું | |||
| 6 | ……………………………પામું છું | → | IV | |
| 7 | ……………………………ઘોષણા કરું છું |
છાંદસરચનાને છંદ દ્વારા જ પ્રત્યગ્રતા અને રૂપકરણ સહજ રીતે પ્રાપ્ત થાય છે તે અછાંદસરચના માટે શક્ય નથી હોતું; ને તેથી અછાંદસરચનામાં ભાષાની પ્રત્યગ્રતા સિદ્ધ કરવા તેમજ રૂપકરણ માટે કવિ જુદા પ્રકારની પ્રવિધિઓ અજમાવે છે. અહીં જોઈશું તો બધાં જ વાક્યોની ‘છું’ રચના એક સ્વરૂપને બાંધવાનો પ્રયત્ન કરે છે. અપવાદ માત્ર ચોથા વાક્યમાં છે. ચોથા વાક્યમાં વ્યુત્ક્રમ થયો છે. ‘છું’નો પ્રયોગ વાક્યના પૂર્વાર્ધમાં ખસેડ્યો છે; અન્યત્ર ‘છું’ બધે જ વાક્યના ઉત્તરાર્ધમાં છે. બીજો એક નાનો અપવાદ પણ નોંધપાત્ર છે. પાંચમા વાક્યમાં ચાલુ વર્તમાન રૂપને સ્થાને ‘જાગ્યો છું’ એવું પૂર્ણ વર્તમાનનું રૂપ મુકાયેલું છે. અલબત્ત, ‘છું’નું સાતત્ય ચાલુ રાખીને આ કુલ સાત વાક્યોમાંથી કાવ્યના ચાર એકમ રચાતા હોય એમ લાગે છે. પહેલો એકમ લઈએ :
‘હું મને / આ ક્ષણે / નગારા કવિ તરીકે જાહેર કરું છું’
‘મને / ક્ષણે’નો પ્રાસ કાવ્યવાચનના પ્રારંભમાં ધ્યાન બહાર ન રહેવો જોઈએ; કારણ વાક્યના આ બે ટુકડાઓ જ સમગ્ર કાવ્યની સંઘર્ષભૂમિકા છે. ‘હું’નો એક ચોક્કસ ક્ષણ સાથેનો સંબંધ અહીં વિસ્ફોટ પામેલો છે. પ્રારંભમાં આવતા આ બે ટુકડાઓને કારણે વાક્યનું ઢંઢેરાસ્વરૂપ પણ આબાદ ઊપસી આવે છે. પહેલા ટુકડા પર અટકી બીજા ટુકડા પર પહોંચી બાકીનું વાક્ય વાંચો એટલે ઢંઢેરો પ્રત્યક્ષ થશે. ઢંઢેરાની સાથે અનિવાર્ય સંકળાયેલું નગારું અહીં સંદિગ્ધ રીતે કામગીરી બજાવે છે. કદાચ વાક્યની સૌથી સંદિગ્ધ જગ્યા છે ‘નગારા-કવિ’નો સમાસ :
નગારા કવિ એટલે → નગારું વગાડનાર કવિ?
કે
નગારાની જેમ વાગનાર કવિ?
વાક્યખંડની અંતરંગરચના (Deep Structure)માં એક કરતાં વધારે રૂપ પડેલાં જોઈ શકાય છે. બીજો એકમ લઈએ. બીજો એકમ પહેલા એકમના ‘આ ક્ષણે’ના પુનરાવર્તનથી શરૂ થાય છે, અને ‘હું મને’ના પહેલા એકમનું આવર્તન પણ આ જ એકમમાં ફરી ઉપયોગમાં લેવાયું છે. ઉપરાંત, આ એકમમાં અધિકરણવાચકમાંનાં આવર્તનો (ઇતિહાસમાં, સાક્ષાત્કારમાં, મેદાનોમાં, હરીફાઈમાં) અને ‘જાહેર કરું છું’નો પહેલો એકમ સાથે ફરી પુનરાવર્તન પામતો અંતભાગ-આ બધું સંમોહન રચવાનો પ્રયત્ન કરે છે. આ એકમનું મૂળ વાક્ય છે. ‘હું મને હરીફ તરીકે જાહેર કરું છું.’ આ વાક્ય પર ક્રિયાવિશેષણોનું આધિપત્ય છે :
આ ક્રિયાવિશેષણો કવિની ક્રિયાને વિશેષ મહત્ત્વની બનાવે છે ખરાં? ‘આ ક્ષણે’ કવિનો ચોક્કસ સમય છે, જ્યારે ઇતિહાસ એ સમયની સભાન આનુક્રમિકતા છે. ચોક્કસ સમય અને ઇતિહાસની આનુક્રમિકતાને ગાંજો તોડી નાખે છે. વાક્યવિન્યાસના સાધારણ નિયમો તોડીને વાક્યખંડ આવે છે :
‘પિયાનોનાં જંગી ગોડાઉન’
પિયાનોના સૂરનું જંગી ગોડાઉન કે પિયાનોના ભંગારનું જંગી ગોડાઉન કે પિયાનોના ઉત્પાદનનું જંગી ગોડાઉન? આનો નિર્ણય થઈ શકતો નથી. પણ પિયાનો, નગારાનો સહવર્તી બને એ ભાષાઘટના કવિના આંતરસંઘર્ષનું મહત્ત્વનું પ્રતીકદ્વાર છે. હવે, ગોડાઉનની શેતરંજી કે ઊડતી રકાબીની શેતરંજી એનો ખુલાસો ન મળે તે જ રીતે ઊડતી રકાબીની શેતરંજી કે રકાબીની ઊડતી શેતરંજી, એનો પણ ખુલાસો ન મળે. ગોડાઉન, રકાબી અને શેતરંજીનો આ વાક્યખંડ એકદમ અનપેક્ષિત પદવિન્યાસથી રચાયેલો છે. એવો જ અનપેક્ષિત પદવિન્યાસ શબ્દોની શોધનાં મેદાનોમાં જોઈ શકાય છે. મેદાન દ્વારા યુદ્ધસંઘર્ષનો, મુખ્ય સંઘર્ષનો ને ખેલરમતનો સંસ્કાર ઊભો થાય તો કયો સંસ્કાર આપણે ખપમાં લઈશું? ત્રીજો એકમ લઈએ. ત્રીજો એકમ ત્રણ વાક્યોનો છે. પહેલું વાક્ય વિશેષણો આધિયત્વ સૂચવે છે. મૂળ વાક્ય છે. પડઘા સાંભળું છું, વાક્યના બીજા વાક્યખંડો ‘પડઘા’નાં વિશેષણ રૂપે કાર્ય કરે છે.
૧. વહી જતી ઍસિડ રૉકની સૃષ્ટિમાં
મારી હતાશાના ઉનાળાને પી ગયેલા... પડઘા
૨. અહીં મેદાનોમાં ચરસ પી પડેલા... પડઘા
૩. ચન્દ્રના આછા તડકા નીચે પડેલા... પડઘા
૪. પાંખ પસારી પડેલા... પડઘા
૫. શિવજીના... પડઘા
પડઘાના આ વિશેષણસ્તરો એવી રીતે ગોઠવાયાં છે કે મોટા ભાગે એમનું પરસ્પરાયન (Overlapping) પણ થયું છે. પડઘાનાં વિશેષણો શિવજીને પણ લાગુ પાડી શકાય તેમ છે. ઍસિડ રૉકની સૃષ્ટિ અને અહીં મેદાનોમાં ચરસ પી (શિવાજીની ગંજેરી પ્રકૃતિ); મારી હતાશાના ઉનાળાને પી ગયેલા (હલાહલ પી જનાર દેવ); ચન્દ્રના આછા તડકા નીચે (ચન્દ્રમૌલિ અને ત્રિલોચનનો સંદર્ભ) અહીં અમેરિકાના ઍસિડ રૉકના હિપ્પી અનુભવના સંકેતને ભારતીય શૈવ અનુભવ સંકેત સાથે સાંકળવાનો પ્રયત્ન હશે? ઍસિડ રૉક બહુ અર્થકેન્દ્રી છે. ઍસિડ LSD સૂચવે છે. રૉક નૃત્યપ્રકાર સૂચવે છે. સાથેસાથે એસિડ જલદદ્રવ્ય છે. એસિડ અને રૉક ખડક પણ સૂચવે છે. ‘રૉક’ સાથેનું ‘વહી જતી’ પ્રવાહીવાચક વિશેષણ પણ નવો ઉમેરો કરે છે. ભાષાની રીતે ‘ચન્દ્રનો આછો તડકો’ કે ‘હતાશાનો ઉનાળો’ વરણભંગનાં રસપ્રદ ઉદાહરણો છે. ઉપરાંત ‘પાંખ પસારી પડેલ શિવ’ અને ‘પાંખ પસારી પડેલ પડઘા’ એ બેમાં ‘પડવું’ ક્રિયાપદ પાસેથી બે પ્રકારનાં કાર્ય બહુ ચાતુરીપૂર્વક કવિએ કરાવ્યાં છે, એ પણ ધ્યાનપાત્ર છે. આ એકમનું બીજું વાક્ય લઈએ:
‘પડઘામાં ઊતરી જઉં છું શરીરનાં તોરણોને વીંધીને આરપાર’
કાવ્યના આ એક જ વાક્યમાં ક્રિયાપદને વાક્યના પૂર્વાર્ધમાં ખસેડ્યું છે, અને વ્યુત્ક્રમ કર્યો છે. આથી ઊતરી જવાની ક્રિયાને કોઈ વિશેષ વેગ મળે છે? વાક્યને છેવાડે ઊભેલું ‘આરપાર’ પદ મૂંઝવે છે. તોરણો આરપાર વીંધાય છે કે પડઘામાં આરપાર ઉતરાય છે? બેમાંથી કઈ એક ક્રિયા સાથે આરપારને સાંકળીશું? કે પછી બંને સાથે? ‘શરીરનાં તોરણો’ દ્વારા ઊંડાણનું સરસ પરિપ્રેક્ષ્ય કવિએ રચ્યું છે. આખું વાક્ય અપેક્ષિત વ્યાકરણગતિથી નિરાળુ; છે. પડઘામાં ઊતરવાની ક્રિયાને કે શરીરનાં તોરણોને ગુજરાતી ભાષાના વ્યાકરણમાં કેવી રીતે ગોઠવીશું? અને તેમ છતાં ‘શરીરનાં તોરણો’ની આસપાસ બંધાતો ભારતીય તત્ત્વવિચારનો પુટ સહેલાઈથી દૂર કરી શકાય તેવો સોહ્યલો નથી. આ એકમનું પહેલું વાક્ય વિશેષણોને, પણ એકમનાં પછીનાં બે વાક્યો ફરી પહેલા એકમની માફક ક્રિયાવિશેષણોને જ ઉપયોગમાં લે છે. આ વાક્યમાં ક્રિયાવિશેષણોનું આધિપત્ય જોઈ શકાય છે. આ એકમનું આ પછીનું વાક્ય પણ ક્રિયાવિશેષણોનું આધિપત્ય પ્રગટ કરે છે. તેમાંય ‘આજે, ત્યારે, છેવટે એમ ત્રણ ઉપરાઉપરી આવતાં ક્રિયાવિશેષણો ગુજરાતી ભાષારચનામાં અસાધારણ છે. આ વાક્યનો બાકીનો ભાગ પણ ક્રિયાવિશેષણનું કાર્ય જ કરે છે :
પાંપણ નીચે છવાતા નશાનાં શાસ્ત્રોમાં
વેદકાળના શ્લોકો
ઇલેકટ્રિક કરંટ થઈને
ઘરે ઘરે પ્રસારતાં
સ્ટીલવૉટર
આ વાક્યમાં ‘નશાનાં શાસ્ત્રો’ પાંપણ નીચે છવાતાં ‘વેદકાળના શ્લોકો’ અને ‘ઇલેકટ્રિક કરંટ’ સહવર્તી બને છે. વેદકાળના શ્લોકો સુધી પહોંચી પ્રાચીન સંસ્કૃતિનું અનુસંધાન કરતો ભારતીય અનુભવ અને ભૌતિકવિજ્ઞાનથી ભર્યો ભર્યો આધુનિક, ઇલેકટ્રિકનો -યાંત્રિક જીવનનો અમેરિકી અનુભવ-આ બે સમસમયવર્તી બની ગોઠવાયાં છે. સ્ટીલવૉટર, ઇલેકટ્રિક કરંટ અને પ્રસાર કદાચ આ ભાગ આખી રચનાનો કાર્લ સ્પિટઝર જેને કૃતિનો આત્મકણ (Spiritual Etymon) કહે છે, તે આત્મકણ છે. કોઈ ભારતીય સંબંધના સ્થગિત બિન્દુમાંથી અમેરિકાના સંબંધને આત્મસાત્ કરવા પ્રસરેલી ક્ષણ એ આ રચનાના ભાષાકાર્ય પાછળનું રહસ્ય છે. અલબત્ત, કોઈ સ્પષ્ટ સંબંધને મૂકવા કરતાં ભાષા દ્વારા સંબંધને સ્પષ્ટ કરી જોવાનો પ્રયત્ન જ વિશેષ છે ને તેથી ભારતીય સોરણ અને અમેરિકાસંબંધના ઘર્ષણના સંભ્રમવેગમાં બધું અસ્પષ્ટ છે પણ એક વાત સ્પષ્ટ છે કે અમેરિકા સાથેના સંબંધના કોઈ રહસ્યમાં આ કવિતાનું મૂળ પડેલું છે. કદાચ તેથી જ ‘તારું ગીત ગાવા જાગ્યો છું’માં અત્યાર સુધી ચાલી આવેલી ચાલુ વર્તમાન કાળની તરાહનો ભંગ કરી કવિ પૂર્ણ વર્તમાનકાળને અપનાવે છે. ક્રિયાની પૂર્ણતા સંબંધની શ્રદ્ધા કે પ્રતીતિની પરાકાષ્ઠા તો નથી સૂચવતી ને? આ સંબંધને ‘અમેરિકા’ જેવા પ્રગટ સંબોધન દ્વારા કવિ ચોથા એકમમાં વ્યક્ત કરે છે. ચોથા એકમમાં બે વાક્યો છે : આ એકમનું પહેલું વાક્ય ફરીને પહેલા એકમના વાક્ય સાથે સંબંધાય છે ‘હું નગારાકવિ’ દ્વારા. શિવજીના ઉલ્લેખ પછી અહીં નગારા સાથે ડમરુ પ્રવેશ પામે છે :
‘ડમરુનો ડમડમાકાર
અવાજની ડૂંટડીનો હાહાકાર’
પ્રાસ નોંધો. નગારું પ્રત્યાયનનું - જાહેરાતનું વાહન હતું, ત્યારે ડમરુ અભિવ્યક્તિ - આત્માભિવ્યક્તિનું વાહન લાગે છે? ડમરુના ડમડમાકાર સાથે કવિ અવાજના છેક કેન્દ્રમાં / નાભિ સુધી પહોંચી જાય છે. નાદબ્રહ્મનો ઉલ્લેખ (Allusion) હશે? આ પછી તરત જ કવિ ‘આફ્રિકાના લય’ને સંકળે છે. અવાજના હાહાકાર ને ડૂંટડીના સંદર્ભો વચ્ચે આવતું આફ્રિકા અક્ષુણ્ણ અજ્ઞાત પ્રવેશોથી માંડી આદિમ-પ્રાકૃતિક વૃત્તિઓના જટાજૂટ સુધીની પ્રતીકાત્મકતામાં પ્રવેશતું હોય એવું લાગે છે. આ એકમનું બીજું વાક્ય અને કવિતાનું છેલ્લું વાક્ય અંતે અમેરિકાને સીધું સંબોધન કરે છે. અમેરિકાની સાથે સંબંધ સ્થાપે છે ‘પરદેશી’નો. અમેરિકા અને ડમરુ : બે નોખા અનુભવના સંદર્ભો એકદમ નજીક આવી જાય છે. ‘હાઈવેઝ’ અને ‘કેમિકલ ફેક્ટરી’ દ્વારા અમેરિકાના ભૌતિક વ્યક્તિત્વને મૂર્ત કરવાનો પ્રયોગ સફળ ખરો પણ યુવાન ટેનિસ રમતાં વૃક્ષોને અમર કરવાનો પ્રયોગ આ રચનાનો સૌથી આકર્ષક ભાષાપ્રયોગ નથી લાગતો? આ જ વાતને કવિ ‘ટેનિસ રમતાં યુવાન જેવા આનંદી, ગતિશીલ, ઉલ્સાસભર, ચપળ વૃક્ષો’ જેવી સાદીસીધી રીતે મૂકી શક્યો હોત, પણ તો, વિચલિત ભાષા દ્વારા સંધાયેલો ભાષાના નવકરણ (Foregrounding)નો ચમત્કાર આપણને સાંપડ્યો ન હોત. આખી રચનાની ભાષામાંથી પસાર થયા પછી એક આશ્ચર્યજનક પ્રતીતિ થાય છે તે એ છે કે કવિએ ઉત્કટ પ્રત્યાયનશીલતાની વૃત્તિનો ભાષાવિષ્કાર ઉદ્દામ અપ્રત્યાયનશીલ ભાષાપ્રવિધિથી કરેલો છે. ખરેખર તો કવિની નેમ પ્રત્યાયનવૃત્તિના પ્રત્યાયનની નહીં, પણ એના સ્વરૂપકરણની રહી હોય એવું લાગે છે.
*
અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં
લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડિલે
ઓગળતી કાયાનાં ટીપાં
કમળપાંદડી ઝીલે
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!
અમે બરફનાં પંખી રે… ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
લીલાં-સૂકાં જંગલ વચ્ચે
કાબરચીતરાં રહીએ
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ.
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં!
અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં.
(‘બરફનાં પંખી’, અનિલ જોશી ‘કદાચ’)
હવે, અનિલ જોશીની ગીતરચના ‘અમે બરફનાં પંખી લઈએ.
ગુજરાતી ગીત મધ્યકાળથી જુદીજુદી ભાષાભંગીમાં ઉત્ક્રાન્ત થતું આવ્યું છે. રાજેન્દ્ર નિરંજન સુધી આવતાં એમાં લોકગીતો અને ભજન પરંપરાથી માંડીને બંગાળી ટાગોરશાઈ ઉન્મેષો પણ ઉમેરાયા છે; તેમ છતાં આ બધાં ગીતોમાં મુખ્યત્વે ચારેક અમૂર્ત અંતરંગ રચનાઓ (Deep Structures) તારવી શકાય તેમ છે. આ સંરચનાઓમાં રહીને નાનામોટા ફેરફારો થતા રહ્યા છે. ગીતની કેટલીક જાણીતી સંરચનાઓ આ પ્રમાણે છે :
| I | II | III | IV |
| अ1 | अ1 | अ1 | क्ष1 |
| अ2 | अ2 | अ2 | क्ष2 |
| ब1 | अ3 | क्ष1 | अ1 |
| ब2 | अ4 | ब1 | अ2 |
| क1 | अ5 | ब2 | क्ष3 |
| क2 | अ6 | क्ष1 | ब1 |
| ” | ” | क1 | ब2 |
| ” | ” | क2 | क्ष4 |
| क्ष1 |
(I) પહેલી સંરચના નરસિંહનાં પ્રભાતિયાંઓ કે મીરાનાં ભજનોમાં જોઈ શકાય.
ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે — अ1
પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે ચોરાસી માંહીરે? — अ1
હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતારે! — ब1
નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ નીરખના નંદકુમાર રે! —ब2
બે પંક્તિનું એક એકમ પ્રાસથી સંકળાતું આવે અને એવા જુદાજુદા પ્રાસથી તૈયાર થયેલા એકમો ગીતનું કાઠું બાંધે. દયારામનું “ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ’ કે પ્રહલાદનું ‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો’ કે લાભશંકરનું ‘સૂરજ આ અમથું ઊગ્યો’ આ જ સંરચનામાં ઢળેલાં છે.
(II) એક જ વર્ગનાં પ્રાસસ્વરૂપો આ પ્રકારના ગીતને બાંધે છે. જેમ કે,
દવ તો લાગેલ ડુંગરિએ કહોને ઓધાજી હવે કેમ કરીએ? — अ1
હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ
બેસી રહીએ તો અમને બળી મરીએ રે - — अ2
આ રે વરતીએ નથી ઠેકાણું રે વહાલા હેરી
પર વરતીની પાંખે અમે ફરીએ રે - — अ3
કબીર-સુરદાસનાં ભજનો, ભોજાનું ‘સંતો ભાઈ, ભુવનજી ત્યા ભવ સારા’ અને મેઘાણીનું ‘કસુંબીનો રંગ’ - આ બધાં ગીતો આ વર્ગમાં આવે.
(III) આ વર્ગમાં ધ્રુવ પંક્તિને સમાન્તર પંક્તિઓ રચાવાને બદલે ધ્રુવપંક્તિ જ ગીતસ્વરૂપમાં પુનરાવર્તન પામતી આવે- ને સ્વરૂપ બંધાતું આવે.
કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો
કલંકીએ કોણે કીધા ઘા? — अ1
કોણ રે અપરાધી માનવજાતનો
જેને સૂઝી અવળી મત આ? — अ2
રુધિરે રંગાયો હરિનો હંસલો — क्ष1
અહીં હવે દરેક કડી સાથે ‘રુધિરે રંગાયો હરિનો હંસલો’ આવ્યા કરશે. આ વર્ગમાં પ્રહલાદની ‘મારા રે હૈયાને તેનું પારખું જેવી રચનાઓ આવશે.
(IV) રાજેન્દ્ર-નિરંજનનાં અને અન્ય કવિઓનાં ગીતો સૌથી વધુ આ સ્વરૂપમાં ઢળેલાં છે. જેમ કે ‘ઉશનસ્’નું વ્યર્થ જશે?’ જોઈએ.વ્યર્થ જશે શું ફેરો? — क्ष1
દિવસ વીત્યો એમ જ ભટકારે
પડી ગઈ અંતે સંધ્યા — अ1
સપન ફૂલ ક્યહીં ઢૂંઢું રે આવન?
ભૂમિ આ એટલી વંધ્યા! — अ2
અવરફૂલોનો વ્યર્થ મળી વિખરાતો વસંતમેળો — क्ष2
આ ચોથા પ્રકારની અંતરંગસંરચના અનિલ જોશીના ગીત પાછળ પડેલી છે. આ સંરચનામાં રહીને અનિલે ગીતની અભિવ્યક્તિમાં જ આગવી ભાષામુદ્રા ઊભી કરી છે તેને તપાસીએ. ગીતની પહેલી જ પંક્તિ કોઈ ચોક્કસ અર્થમાં ખોડી ન શકાય તેવી સરસ છે.
‘અમે (બરફનાં) પંખી રે ભાઈ ટહુકે ટહુકે (પીગળ્યાં)!’
આ પંક્તિનો ‘અમે પંખી રે ભાઈ ટહુકે ટહુકે’ જેટલો ભાગ લગભગ સ્પષ્ટ છે. અર્થગ્રહણની મુશ્કેલી ઊભી થાય છે તે બે સ્થાનોએ. એક તો પંખીને ‘બરફનાં’ વિશેષણથી જોડ્યું છે અને પંખીની સાથે ભાગ્યે જ જાય તેવું ‘પીગળ્યાં’ ક્રિયાપદ યોજ્યું છે. આમ થતાં, આખી પંક્તિ વ્યવહારભાષાના વ્યાકરણથી ફંટાઈ જાય છે. ‘બરફનાં પંખી’ વાક્યખંડ નીચે ષષ્ઠીના સંબંધ અંગે એક કરતાં વધારે અંતરંગસંરચનાઓ પડેલી લાગે છે :
બરફનાં પંખી - બરફનાં બનેલાં પંખી
કે
બરફમાં રહેનારાં પંખી
(બરફના પ્રદેશમાં રહેનારાં પંખી)
આ બંને સંદર્ભો પંખીની બાબતમાં સાચાં છે, પરંતુ પંક્તિમાં મુકાયેલું ‘પીગળ્યાં’ ક્રિયાપદ અર્થને નિયંત્રિત કરી પહેલી જ શક્યતાનો સ્વીકાર કરાવે છે. હવે જુઓ :
‘ટહુકે ટહુકે પીગળ્યાં!’
અહીં પંખીઓ બરફનાં બનેલાં છે જાણી લીધા પછી ‘પીગળવું’ ક્રિયાપદ અસંગત નથી રહેતું, પરંતુ ‘ટહુકે ટહુકે’ ક્રિયાવિશેષણ ‘પીગળ્યાં’ જેવા ક્રિયાપદ સાથે તરત સંગતિ કરતું નથી. જરા વિચારીએ :
(1) દિવસે દિવસે પીગળ્યાં
(2) ક્ષણે ક્ષણે પીગળ્યાં
(3) ટહુકે ટહુકે પીગળ્યાં
(1) અને (2) સાથે (3)ને સરખાવતાં લાગે છે કે ટહુકો એ સમયના એકમ તરીકે જાણે કે મુકાયો હોય. એક ટહુકો, પછી બીજો ટહુકો, પછી ત્રીજો ટહુકો પંખીના સમયની, જીવનની ગણતરીનો એકમ ટહુકો બને છે. ‘પીગળ્યાં’ ક્રિયાપદ પણ બાહ્ય આંતરિક ક્રિયાને સૂચવે એવું સબળ છે. બરફનું પંખી પીગળે પણ બાહ્ય ક્રિયા છે, પણ ટહુકે ટહુકે અંદરથી પીંગળી જાય એ આંતરિક ક્રિયાનો સંકેત પણ લઈ શકાય તેમ છે. અહીં ‘અમે’ કોણ? આપણે ત્યાં કવિનો કૂજન સાથેનો સંદર્ભ છે. પંખી દ્વારા કવિની અહીં કેફિયત છે? પંખીના ટહુકે ટહુકે એનું અસ્તિત્વ પીગળતું આવે છે; એકએક ટહુકો એના અસ્તિત્વની ભંગુરતા સામેનો સામનો છે? રિલ્કેની ગરમ પદાર્થ ભરેલી રકાબીમાંથી પ્રતિક્ષણે ઉત્ક્ષિપ્ત થતી બાષ્પની નજીકનું આ બરફનાં પંખીનું પ્રતિરૂપ છે? પહેલી પંક્તિમાં બરફની બનેલી કાયા અને પ્રતિક્ષણ ટહુકે ટહુકે પીગળવાની ચાલુ ક્રિયાને સ્થપિત કર્યા પછી પંખીનું અસ્તિત્વ કેવી પ્રતિકૂળ નિયતિ વચ્ચે છે તેનો આલેખ હવે પછી શરૂ થાય છે :
લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાનાં ટીપાં
કમલપાંદડી ઝીલે!
બરફના માટે ‘ઉનાળો’ સિવાયની કઈ બીજી વિષમ પરિસ્થિતિ હોઈ શકે? આ ‘ઉનાળા’ને પણ કવિએ ઉત્કટ બનાવ્યો છે. ઉનાળો ઘોર છે, ઘોર છે એટલું જ નહીં પણ ‘લૂમાં તરતો’ ઘોર છે. ‘તરતો’ ક્રિયાપદ આગળ અટકો. ઉષ્ણતા વસ્તુને હલકી કરે છે ને ઉનાળો તરે છે? કે લૂના પ્રવાહીમાં ઉનાળો તરે છે? કે લૂમાં જુદો તરી આવે એવો ઘોર ઉનાળો છે? બરફના પંખીની સામે ‘લૂમાં તરતો ઘોર ઉનાળો આટલી વિષમ પરિસ્થિતિ ઓછી હોય તેમ પંખીને સાવ અનાવૃત બતાવ્યાં છે! ‘અમે ઉઘાડે ડિલે’ : કોઈ સંરક્ષણ નહીં, કોઈ કવચ નહીં. બરફ જેવો ભાગ્યે પીગળતો અટકાવાય એવો પદાર્થ, એમાં ઘોર ઉનાળો અને એમાંય બરફનાં બનેલાં પંખીઓનાં ઉઘાડાં ડિલ- શીતોષ્ણસંવેદનો (Thermal Experiences)ને કવિએ સફળતાથી ઉપસાવ્યાં છે. ત્યાર પછી ‘ઓગળતી કાયા’નાં ટીપાંમાં ઓગળવાની ક્રિયાને મૂર્ત તો કરી છે, પણ સાથેસાથે બરફની ઓગળવાની ક્રિયાનો કાયાના ઓગળવા તરફ ખસતો અર્થભાર નોંધવા જેવો છે. ‘ટીપાં’ને ઝીલનાર કમલપાંદડી છે. શીતોષ્ણસંવેદનમાંથી પંક્તિ એકદમ સ્પર્શસંવેદન પર પહોંચે છે. ટીપાં અને કમલપાંદડીનાં સંકોતો સર્જનપ્રક્રિયાને સૂચવી રતિભોગથી ભાષાભિવ્યક્તિ સુધીના સંદર્ભો આવરે તેવા છે. હવે પછીની પંક્તિ જોઈએ :
‘ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં’
અત્યાર સુધી બરફના સંદર્ભમાં ઓગળતાં ટીપાં દ્વારા સૂચવાતી ભંગુરતા નવું કલ્પન હાથ ધરે છે. ‘ઓગળતાં ટીપાં’ને સ્થાને આવે છે ‘ખરતાં પીંછાં’ સંદર્ભ પંખીની નજીકનો જ લીધેલો છે પણ પંક્તિ ધ્યાન ખેંચે છે એના વ્યત્યયને કારણે. ખરતું પીંછું નથી પડછાતું પણ બપોર પડછાય છે! અને બપોર પાછી પીંછાં પર પડછાય છે! ખરતું પીંછું સ્વાભાવિક રીતે તો પછડાય, પણ અહીં કવિએ વાક્યમાં અપેક્ષાભંગ સાથે પછડાયને સ્થાને ‘પડછાય’ શબ્દ ગોઠવી દીધો છે : પછડાય > પડછાય. શબ્દમાં પણ વર્ણોના સહેજ વ્યત્યયથી કવિએ મોટું કાજ સિદ્ધ કર્યું છે. આ પછીનો ગીતનો આંતરો પંખીના જીવાનુભૂત બરફતત્ત્વની લાક્ષણિકતાનો વિનિયોગ કરે છે. બરફની સપાટી કાચ જેવી પરાવર્તનશીલ હોય અને બરફનું બનેલું પંખી એવી પરાવર્તનશીલતા બતાવે છે, એ ઘટનાની પ્રવિધિ દ્વારા કવિએ પંખીનું એની આસપાસના જગત સાથેનું અનુકૂલન (Adjustment) અને પંખીની પ્રતિકારયુક્તિ (Defence Mechanism) બતાવ્યાં છે, ઉપરાંત એની આંતરજગતની વિવિધ ભાવમુદ્રા (Mood Reflections)ના અણસાર પણ આપ્યા છે :
લીલા સૂકા જંગલ વચ્ચે
કાબર ચીતરાં રહીએ
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં!
બરફ પર પરાવર્તિત પરિસ્થિતિઓ :
(1) લીલા સૂકા જંગલ (ને કારણે) → કાબરચીતરાં રહીએ
(2) સાંજ પડે તો (ઝાંયને કારણે) → સોનલવરણાં થઈએ
(3) રાત પડે તો (અંધકારને કારણે) → કોયલ(વરણાં) થઈને ટહુક્યાં!
અહીં ‘જંગલ / લીલા / સૂકા / કાબરચીતરા / નભ / સાંજ / સોનલવરણાં / રાત / કોયલ’ આ બધા શબ્દોના અધ્યાસો ઘેરી રૂપકાત્મકતા ઊભી કરે છે. જેમ કે - ‘લીલા સૂકા જંગલ વચ્ચે’ એટલો જ વાક્યખંડ લઈએ. લીલા એટલે લીલાછમ અને ભીના એમ બંને અર્થ પ્રગટ થાય છે. ‘લીલી સૂકી’ જેવી કહેવતની નજીક પણ સરકાવી શકાય તેવી શક્યતાવાળું વિશેષણ છે, કારણ જંગલ જંગલ જ નહીં, જીવનારણ્ય પણ હશે ને? લીલાસૂકાની સામે કાબરચીતરાં રહેવું એમાં પંખીનું અનુકૂલન કે એની પ્રતિકારયુક્તિ હશે (પ્રાણીઓને રંગ બદલવાની કલા જાણીતી છે). ‘સોનલવરણાં’માં અનુકૂલનથી વિશેષ ભાવમુદ્રાનું પ્રકટીકરણ લાગે છે તે છેલ્લે રાત પડે તો? વિપરીત સ્થિતિને પણ અનુકૂળ કરી એને ઉત્સવમાં પલટી નાખતી પરાવર્તિતતા બરફનાં પંખી પાસે બચેલી છે માટે જ રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુકી શકે છે. આ ગીતરચના, પરંપરાનાં પંખીમાંથી જે રીતે બરફનાં પંખી સર્જે છે અને ઉનાળો, કમલપાંદડી, જંગલ, સાંજ, રાત વગેરે પરંપરાસામગ્રીને જે રીતે બરફનાં પંખીના સંદર્ભમાં રૂપાન્તરિત કરે છે. એ ક્રિયામાં પરંપરાના ગીતસ્વરૂપને આ રચના અતિક્રમી જતી લાગે છે?
(‘અધીત : બે’)
❖