અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/કાન્તકૃત ‘વસંતવિજય'માં પુરાકલ્પન
શિરીષ પંચાલ
મહાભારતની પરંપરામાં કામમહિમા અવારનવાર આલેખાયો છે, ચારેય પુરુષાર્થોમાં જાણે કામનું પ્રાબલ્ય છે. પરાશર અને મત્સ્યગંધા (જે પરાશરની કૃપાથી મત્સ્યગંધી મટીને યોજનગંધા એક યોજન સુધી જેની કાયાની સુવાસ પ્રસરતી રહે)ની કથા જુઓ, એ પણ દિવસે સ્ત્રીસંગ કરે છે. અલબત્ત, ધુમ્મસ આવરણ ઊભું કરીને; વિચિત્રવીર્ય પણ અતિ સ્ત્રીસંગને કારણે મૃત્યુ પામ્યો હતો. પાંડુને જેનો શાપ પ્રાપ્ત થાય છે તે કિંદમ ઋષિની જ વાત લો. કામરત અવસ્થામાં પાંડુના બાણનો ભોગ બન્યા પછી પાંડુ સાથેના વાર્તાલાપમાં પણ કહે છે. હું તો તપસ્યારત ઋષિ, એટલે કામેચ્છા થાય ત્યારે મનુષ્યવેશે સમાગમ કરવામાં સંકોચ થતો એટલે હું હરણ બન્યો - એ પાંડુને શાપે છે : સુખની અનુભૂતિની ક્ષણે જ તું દુ:ખને પામીશ.’
વાસ્તવમાં જોવા જઈએ તો કિંદમ ઋષિનો જ વિસ્તાર પાંડુમાં અનુભવી શકાય છે; એ ઋષિ પણ કામેચ્છા રોકી શક્યા નહીં અને કામરત અવસ્થામાં જ મૃત્યુ થયું.
મૂળ રચનાકારે ઋષિના મુખમાં જે શાપ મૂક્યો છે તે તરત જ સૂત્રાત્મક બની શકે એવો છે, સુખની અનુભૂતિની ક્ષણ જ દુઃખની અનુભૂતિની ક્ષણમાં રૂપાંતરિત થઈ જતી હોય છે. સુખ એટલે જ દુ:ખ અને દુ:ખ એટલે જ સુખ. આ દ્વન્દ્વભાવના નિર્મૂળ થવાની વાત જગતભરના સાહિત્યમાં, તત્ત્વજ્ઞાનમાં ડોકાયા કરી છે. વ્યાસકથાની સાથેસાથે આવો એક સંદર્ભ રહે છે અને એ સંદર્ભ કથાને વિશેષ પરિમાણ અર્પે છે.
સંભવિત મૃત્યુથી ભયભીત બનેલો પાંડુ મહાભારતમાં શું કરે છે? એ તપસ્વી થઈ જાય છે, ગીતાના અનાસક્તિયોગની પૂર્વભૂમિકા રચી આપે છે : ‘હું શોક નહીં કરું, હર્ષ નહીં પામું, નિન્દા અને સ્તુતિને એકસમાન ગણીશ. કોઈ માનવી મારો એક હાથ કાપી નાખે, બીજો માનવી મારા બાહુ પર ચંદન છાંટે તો એક માટે અકલ્યાણ અને બીજા માટે કલ્યાણની ખેવના નહીં કરું. નહીં જીવનને આવકારું કે નહીં મૃત્યુનો દ્વેષ કરીશ.’
આમ કરતાંકરતાં વર્ષો વીતી ગયાં, અર્જુન ચૌદ વરસનો થાય છે ત્યારે બ્રહ્મભોજન કરાવવાનો પ્રસંગ ઊભો થતાં કુન્તી પાંડુની સરભરા કરી શકતી નથી અને પાંડુ માદ્રીને લઈને વનમાં ચાલ્યો જાય છે; વસંતઋતુનો સમય હતો. પલાશ, તિલક, આંબા, ચંપા મ્હોર્યા હતા. જળાશયો હતાં, કમલવન હતાં. યુવાન માદ્રી ઝીણા વસ્ત્રે શોભતી હતી. પાંડુએ આ વાતાવરણમાં કમલનયના માદ્રીને એકલી જોઈ અને તેને બળજબરીથી આલિંગી, માદ્રી તેની પકડમાંથી છૂટવા યથાશક્તિ પ્રયત્ન કરે છે, પણ કામમોહિત બનેલા પાંડુ માદ્રી સાથે સમાગમ કરીને મૃત્યુ પામે છે. કુંતી આરંભે તો માદ્રીને ઠપકો આપે છે, પરંતુ પાછળથી ધન્યા ત્વમસિ કહે છે, કારણે કે, ‘હર્ષોલ્લાસવાળા રાજાનું મુખ તો તું જોઈ શકી.’ કુંતી પણ મૃત્યુ પામેલા પાંડુના ચહેરા પરનું સ્મિત જુએ છે. આમ મહાભારતમાં પણ મૃત્યુ પર વિજય મેળવીને પાંડુએ સાચો વિજય તો મેળવ્યો જ છે.’
હવે કાન્ત ‘વસંતવિજય'માં શું કરે છે? એ પોતાની રચનામાં બીજા કોઈ સંદર્ભો આણતા નથી, માત્ર વહેલી પરોઢથી માંડીને નમતા પહોર સુધીનો સમય સ્વીકારે છે. સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ, કવિ પોતાની અન્ય રચનાઓમાં શું કરે છે? ‘દેવયાની’, ‘ચક્રવાકમિથુન', ‘અતિજ્ઞાન' અને ‘વસન્તવિજય' આ ચારેય રચનાઓમાં સમયનો એવો કોઈ વિસ્તૃત ફલક આલેખાયો નથી; સાવ મર્યાદિત સમયપટમાં રહીને જ કાર્ય થાય છે. વળી ચારેય કાવ્યોમાં સ્ત્રી અને પુરુષ સિવાય બીજા કોઈ મનુષ્યો પ્રવેશતાં નથી. અતિજ્ઞાનમાં તો દ્રૌપદી સાથે સમય પસાર થાય છે, કોઈ સંવાદ થતો નથી, ‘ચક્રવાકમિથુન'માં પંખીયુગલ આખરે તો રૂપકાત્મક ભૂમિકાએ માનવયુગલ જ છે. આમ કાન્તનાં કાવ્યો પાછળ ધીમેધીમે એક ભાત ઊઘડતી આવે છે, અને એ ભાત જ એમની આવી કોઈ પણ કૃતિને વિશિષ્ટ પરિમાણ સંપડાવી આપવામાં સહાયરૂપ થાય છે. કાન્તે પસંદ કરેલાં બધાં કથાનકોમાં શાપયોજનાની વાત ભલે કાન્તની ન હોય અને પરંપરાપ્રાપ્ત હોય પણ કાન્તે જે જે પસંદગી કરી એ દરેકની પાછળ આવી કોઈ શાપયોજનાનું હોવું એ જ સૂચવે છે કે કાન્ત પાસે એક વિશિષ્ટ પ્રકારની દૃષ્ટિ છે અને એ દૃષ્ટિને પેલી કાવ્યની સૃષ્ટિ સાથે એકાકાર કરી મૂકે છે. આપણે બીજી રચનાઓની વાત ન કરીએ અને ‘વસંતવિજય'ની જ વાત કરીએ.
કાન્તનો પાંડુ ફરજિયાત તાપસધર્મ સ્વીકારીને બેઠો છે – એની સામે બીજો કોઈ વિકલ્પ નથી, દીર્ઘજીવન અને અલ્પઆયુષ્ય બેમાંથી પસંદગી કરવાની હતી. તેણે પસંદગી તો કરી નાખી અને પોતાની ઉપરવટ જઈને આ નિર્ણય કર્યો હતો, પણ એ નિર્ણય (અથવા તો પેલો શાપ) જે માત્ર અપરાધ કરનારને નહીં પણ નિરપરાધીને ય દંડે છે. કિંદમને શાપ આપતી વખતે એવો કોઈ ખ્યાલ ન હતો કે એનો ભોગ માત્ર પાંડુ જ નહીં, માદ્રી પણ બનશે. વ્યાસ તો આ વિશે કશી ચોખવટ કરતા નથી, પણ કાન્તને માદ્રીની પરિસ્થિતિનો ખ્યાલ છે - કાવ્યનો આરંભ માદ્રીની નાટ્યાત્મક ઉક્તિથી થાય છે.
‘નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે!
આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.
પાંડુને આવેલું દુઃસ્વપ્ન, ધીમેથી શયન છોડીને તેનું બહાર જવું અને જતાં વેંત માદ્રીની આ ઉક્તિ - આ બંનેને એકરૂપ કરી નાખતી પ્રાસયોજના - અહીં કવિએ માદ્રીની પરિસ્થિતિ વ્યંજનાથી આપણી આગળ મૂર્ત કરી દીધી - તે પણ જાગતી જ પડી રહી હતી, તો જ જરા સરખા સંચારે તે બોલો ઊઠી, અને પછી એના પડઘા સંભળાતા રહે છે. અહીં આપણો આશય ‘વસંતવિજય'ની સંરચના તપાસવાનો નથી, વળી મહાભારતના કથાનકનું કાન્ત કેવું નવું અર્થઘટન કરે છે એ તપાસવાનો પણ નથી; માત્ર જેને આપણે પુરાકલ્પનપ્રધાન વાતાવરણ કહીએ છીએ તે તપાસવાનો છે. કાન્ત કયા પ્રકારની આદિમ સૃષ્ટિનું નિર્માણ કરે છે.
માદ્રીની આ પ્રારંભિક ઉક્તિમાં એક માર્મિકતા છે. ‘આ બધું ઘોર અંધારું'નો સંકેત ‘વર્તમાન' કરીએ તો જે વર્તમાન તાપસધર્મ છે તે અંધકારમય ગણાય; એ અંધકારમાંથી પ્રકાશમાં જવાને જાણે કે બહુ વાર છે. આદિમ ચેતનામાં ફળદ્રુપતાની એક રીતે પૂરેપૂરી સ્વીકૃતી હતી. સૃષ્ટિમાં જે કંઈ છે તે સર્વ કામમય બનવા માટે અધીર છે, જો સમગ્ર સૃષ્ટિ કામ અને પ્રજનન માટે સર્જાયેલી હોય તો કાવ્યમાં એની પ્રતીતિ થવી જોઈએ. વળી, અહીં મનુષ્યની વાત છે; મનુષ્યનો કામ અને મનુષ્યેતર સૃષ્ટિના કામમાં ભેદ છે અને એ ભેદ અહીં મહત્ત્વનો છે. સમગ્ર સૃષ્ટિમાં રહેલી કામવાસનાનું એક ઉજ્જ્વળ કલ્પન યોજવું હોય તો કેવી રીતે યોજી શકાય એ આ કૃતિ દ્વારા જાણવા મળે છે કે નહિ?
દુઃસ્વપ્નથી ક્લાન્ત બનેલ પાંડુ અંધકારમાં બહાર નીકળે છે, અહીં જે ધ્વનિ કાને પડે છે તેનું ગદ્યાળવી ભાષામાં કવિ વર્ણન કરે છે -
સંસારી તમરાંઓના અવાજો આવતા હતા:
સ્થળ કાલ છતાં શાંત બંનેને ભાવતા હતા!
અને ત્યાં થોડી વારે સૂરજનું તેજ પથરાય છે, જેનો પ્રભાવ સમગ્ર સૃષ્ટિ ઉપર થવા માંડ્યો વૃક્ષ, ઝરણાં, ગગનચુંબી શિખરો : આ બધું જ સૂર્યતેજથી પ્રગટ થઈ ઊઠ્યું. પાંડુની પેલી અનાસક્તિ ડગમગી ઊઠી; અંધકાર, યોગાંધત્વ વસંતપૂર્વેની શિશિર - આ બધું ધીમે ધીમે ચાલ્યું ગયું; નવસર્જનને માટે અનુરૂપ એવો સમય છે. વસંતોત્સવ, કામોત્સવ અને જીવનોત્સવ જાણે અહીં પર્યાય બની જાય છે. મહાભારતકથિત પાંડુ તો અહીં નિમિત્ત બની જાય છે, એ માનવમાત્ર વતી યોગાંધત્વમાંથી બહાર આવી જીવનોત્સવ ઊજવવા તૈયાર થાય છે, પરંતુ તાપસધર્મની આચારસંહિતા તોડવી એટલી સહેલી નથી. મનમાં અનેક વેળા ગાંઠ વાળવી પડે કે સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી? - આ સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. માનવજીવનને કીર્તિ અપાવનાર, માનવજન્મને મોક્ષ અપાવનાર આ તાપસધર્મ ઇચ્છા વિરુદ્ધનો હતો; પોતે તો તાપસ હતો પણ એની સ્ત્રીઓને પણ (‘હા! તાપસી નૃપની સાથ હતી બની એ.’) એમાં જોડાવું પડ્યું હતું. જીવનની આ લીલામાં પાંડુ-માદ્રી એકલાં નથી, સમગ્ર સૃષ્ટિ એમની સાથે છે - બીજા શબ્દોમાં અત્યાર સુધી વિસંવાદ ભોગવી રહેલું આ દંપતી હવે પ્રકૃતિ સાથે સંવાદ સાધે છે અને એ સંવાદ આદિ કાળથી ચાલી આવતો સંવાદ છે.
પરંતુ આદિકાળથી ચાલી આવેલી આ કામવાસના અહીં કયું રૂપ લે છે? એક રીતે જોઈએ તો એ પશુસહજ છે, કામતૃપ્તિ તો સ્થૂળ છે - એને સૂક્ષ્મ, સંકુલ અને લીલામય બનાવવી કેવી રીતે? કાન્ત પ્રકૃતિનું એક કલ્પન યોજે છે. એ માત્ર સુશોભનાત્મક નથી, કામનું એક જુદું જ રૂપ એમાંથી પ્રગટે છે :
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;
બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,
ગાળી નાખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.
અહીં પંચેન્દ્રિયોનો ઉત્સવ છે; દૃષ્ટિ, શ્રુતિ, ગંધ, સ્પર્શ (સ્પર્શમાં જ રસેન્દ્રિયનો સમાવેશ થઈ જાય)નો આ ઉત્સવ. - ‘પરિમલ પ્રસરે' કહ્યા પછી ‘નેત્રને તૃપ્તિ થાય.' – આમ એક ઇન્દ્રિયના અનુભવનું પરિણામ બીજી ઇન્દ્રિયના અનુભવમાં પ્રગટે. ટૂંકમાં નર્યું ચૈતન્યતત્ત્વ-કામનો અનુભવ કોઈ એક જ ઇન્દ્રિયનો બની રહેવાને બદલે એ અનુભવ પંચેન્દ્રિયોનો બની રહે છે અને તો જ એ સમૃદ્ધિ સ્થૂળતાને ઓગાળી નાખે.
આ રીતે જોઈએ તો બે વિકલ્પ પાંડુ સમક્ષ હતા, એક વિકલ્પ તાપસધર્મ સ્વીકારીને દીર્ઘજીવનનો અનુભવ કરવો અને બીજો વિકલ્પ સૃષ્ટિ માત્રમાં રહેલી કામવાસનાનો સ્વીકાર કરીને અલ્પતમ જીવનનો અનુભવ કરવો. પણ દીર્ઘ જીવન એ તો અપૂર્ણ જીવન કહેવાય, એટલે જીવનની થોડી ય ક્ષણો જો પૂર્ણપણે જીવન માણી શકાતું હોય તો પેલી અપૂર્ણતા શા કામની? આમ અહીં પૂર્ણતાનો, સાચા જીવનનો સ્વીકાર છે. પાંડુને અપૂર્ણતામાંથી ક્રમશઃ પૂર્ણતા તરફ કાન્ત ગતિ કરાવે છે; એ મૃત્યુનો માર્ગ નથી, એ પૂર્ણ ચૈતન્યનો માર્ગ છે; અને એ માર્ગ સ્વીકારવાથી, પ્રકૃતિનાં એ પરિબળો સાથે સંવાદ સાધવાથી જ મૃત્યુને પરાજિત કરી શકાય છે.
❖
(‘અધીત : ચોવીસ')