અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ઝરમર ઝરમર વરસતાં એકાવન : ‘શ્રેષ્ઠ વર્ષાગીતો’

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪૬. ઝરમર ઝરમર વરસતાં એકાવન : ‘શ્રેષ્ઠ વર્ષાગીતો’

ડૉ. દશરથ પટેલ

આદિ-અનાદિકાળથી મનુષ્ય પ્રકૃતિ સાથે ગાઢ રીતે સંકળાયેલો રહ્યો છે. વિધવિધ રીતે પ્રકૃતિનું આકંઠ પાન કરતો આવ્યો છે. અનેકવિધ રીતે પ્રકૃતિ સાથે વણાતો રહ્યો છે. આ વણાટ એનકેન પ્રકારે તે ઉકેલતો આવ્યો છે. ક્યાંક ચિત્રમાં, શિલ્પમાં કે સિનેમા સાહિત્યમાં એનકેન પ્રકારે વ્યક્ત કરવાની મથામણ કરતો આવ્યો છે / કરી રહ્યો છે. કહેવાનો મતલબ એટલો જ કે, ‘પ્રકૃતિ’ માણસ સાથે માણસની પ્રકૃતિથી જ જોડાયેલી છે. મોકો મળતાં જ તે કોઈ ને કોઈ માધ્યમથી પ્રગટ કરતો રહ્યો છે. એમાંથી સાહિત્ય પણ કેવી રીતે બાકાત રહી શકે? એ પછી વિશ્વ સાહિત્ય હોય, ભારતીય સાહિત્ય હોય કે પછી આપણું ગુજરાતી સાહિત્ય હોય. કવિઓ- લેખકોએ વિવિધ સાહિત્યસ્વરૂપોમાં મન મૂકીને વર્ણવ્યો-વહાવ્યો-ગાયો છે. છે…ક મધ્યકાળના સાહિત્યથી આજ સુધીના આધુનિક તેમજ અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય પર આછેરો દૃષ્ટિપાત કરીએ તોપણ, એ વાત તો તરત જ ધ્યાન પર આવે છે; ને આ વાત તો બેવડી ધ્યાન પર આવે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતાં અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પ્રકૃતિને મન ભરીને આલેખાઈ છે. ને એમાંય ખાસ તો વર્ષાઋતુનું વર્ણન અનરાધાર રીતે થતું રહ્યું છે. શ્રી સંજ્ય મકવાણા સંપાદિત ‘શ્રેષ્ઠ વર્ષાગીતો’ આ વાતમાં ઉમેરો કરે છે. અર્વાચીન ગુજરાતી કવિઓની કલમે ટપકેલાં કેટલાંક કાવ્યોને અહીં સંપાદિત કર્યાx છે. વિધવિધ રીતે વરસાદનો મહિમા ગાતાં આ કાવ્યોમાં કવિઓએ કેવી રીતે વર્ષાને માણી છે - જાણી છે, એ જોવાનો પણ એટલો જ આનંદ છે જેટલો આનંદ અનરાધાર વર્ષા નીચે ઊભા રહીને ભીંજાવાનો છે. તો ચાલો. ભીંજાઈએ કેટલાંક વર્ષનાં શ્રેષ્ઠ ‘વર્ષાગીતો’થી.... ૫૧ ગીતોના સંપાદનમાં વરસાદને અનેક રીતે વધાવાયો છે. આલેખાયો છે. જુઓ ચંદ્રકાંત શાહની પહેલી જ રચના :

‘ચોમાસું આવે ને વીંઝાતી, ભીંજાતી આવે રે…
વરસાદી છોકરી.
ચોમાસું જામે ને લથબથ વીંખાતી આવે રે....
વરસાદી છોકરી....’

વીંઝાતી, ભીંજાતી, લથબથ, વીંખાતી… વરસાદી છોકરી કેવા અદ્ભુત શબ્દોના લય સાથે કવિએ ચોમાસાને નિમિત્ત બનાવીને છોકરીના કૌમાર્યને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો, વિમલ અગ્રાવત ‘સાજણ રહે છે સાવ કોરા’માં નાવિકાની અષાઢી સાંજની એકલતાનો વિયોગ રજૂ કરતાં કહે છે કે :

‘…આયખામાં આવી છે અષાઢી સાંજ અને ઝરમરિયાં વરસે છે ફોરાં,
સખીરી મારા સાજણ રહે છે સાવ કોર.
સાજણ છે મારો સૈ વેકુરનો વીરડો ને મારી તરસ ધોધમાર,
તોય મારા સાજણ રહે છે સાવકોર…’

નિમિત્ત ‘ઝરમરિયાં ફોરાં!’ ને, વિયોગની વેદનાને ‘ધોધમાર’ બતાવતું આ ગીત સુમધુર લય સાથે સુંદર રીતે આકારિત થયું છે. આધુનિક ઉપકરણો સાથે વરસાદને વર્ણાવતાં ગૌરાંગ ઠાકર ‘તારો મોબાઇલ નથી રેંજમાં’ કેવું સરસ રીતે આલેખે છે.

‘…કાળિયા વરસાદ તને પરણાવી ધરતીને,
દીધો છે સેલફોન દહેજમાં,
અષાઢી મેઘ મૂવા ક્યાં તું ભરાણો,
આજ તારો મોબાઇલ નથી રેન્જમાં...’

- ને એમ કરીને, આખાય ગીતમાં વરસાદને ધરતી સાથે પરણાવીને બંનેનાં મિલનમાં ‘મોબાઇલ’નું કેવું આધુનિક માધ્યમ ખડું કર્યું છે! તો વળી, ચોમાસાને ટપાલમાં મોકલતા ‘સંદીપ ભાટિયા’ કહે છે કે :

‘આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં,
ને પરબીડિયું ગયું ગેરવલ્લે,
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે...’

આખાયે ગીતમાં વલ્લે, ટલ્લે, જવલ્લે, ગલ્લેનો રસિક પ્રાસ, લયાત્મક ગતિની સાથે વરસાદી ઠપકો વ્યક્ત કરે છે. શ્રી મૂકેશ જોષી આભ અને ધરતીનાં મિલનની વાત એક ગીતમાં રજૂ કરતાં કહે છે કે :

‘…આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી ધરતી આવી ગઈ યાદ,
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને પછી ધરતી ચૂમી લીધી એક શ્વાસ……’

વરસાદના પ્રથમ દિવસે, શ્રી લાલજી કાનપરિયા વરસાદની સાથે કોનાં ને કેવાં સ્મરણો સાદ પાડે છે! એનું સુંદર વર્ણન ‘आषाढस्य प्रथम दिवसे... ‘માં કરે છે. જુઓ :

‘….વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे,
જળથી લથબથ કોણ પાડતું સાદ રે આ आषाढस्य प्रथम दिवसे...’

ઉષા ઉપાધ્યાય તો વરસાદી વાતથી અચરજ પામીને, વરસાદની આધ્યાત્મિકતા વિશે કહે છે કે…

‘…નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે?!
જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલકા વારમાં ગોરંભાતાં
નભને ઘનવન ઘેરે….’

ને, આ જ વરસાદમાં સખીને ‘આવ સખી’ કહીને ‘આવ સખી મોસમના પહેલા વરસાદમાં... રેશમિયાં ફોરાંને ઝીલશું સંગાથમાં લીલુંડાં પાનની કુમાશે...’ વરસાદના આગમન સાથે સખીને પણ આમંત્રણ છે. અનિલ જોશીની અનુભૂતિ તો તદ્દન જુદા જ પ્રકારે વ્યક્ત થયેલી જોવા મળે છે. પહેલા વરસાદનો છાંટોમાં કહે છે કે :

પહેલા વરસાદનો છાંટો મુને વાગ્યો હું,
પાટો બંધાવા હાલી રે..…
વેંત વેંત લોહી કાંઈ ઊંચું નીચું ને,
જીવને ચઢી ગઈ ખાલી રે..…

અદ્ભુત રીતે અહીં નાયિકાને પહેલા વરસાદમાં થતા અનુભવને આલેખાયો છે. ‘વરસાદ ભીંજવે’માં રમેશ પારેખ નાયક-નાયિકાના પ્રણયનું સુંદર આલેખન કરતાં કહે છે કે :

‘…આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે.
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલો ઘમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે....’

ને આખાય ગીતમાં મન ભરીને પ્રણયને ગાયો છે. તો વળી, ક-સમયે થયેલા વરસાદના મવઠાવામાં મીઠો ઠપકો આપતાં કહે છે કે : ‘ભર બપ્પોરે અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું...’ બંનેય ગીતમાં ઠપકાભરી મીઠાશને આલેખી બતાવી છે. મોસમનો પહેલો વરસાદમાં મનોહર ત્રિવેદી પહેલા વરસાદની આહ્લાદક અનુભૂતિને રજૂ કરે છે. વરસાદ જાણે કે દરિયો બનીને ફરિયામાં પડ્યો છે. વરસાદને રજૂ કરતાં કહે છે કે :

‘…મોસમનો પહેલો વરસાદ પડ્યો, હેય હેય!
આળસ મરડી ફટાક છાપરાનાં નળિયેથી
દરિયો ફડિયામાં દડ્યો, હેય હેય!

દરિયાને ફરિયામાં લઈને ‘હેય હેય!’ કરતું આ ગીત, વરસાદની જેમ ધરરર... કરતું કેવું લયબદ્ધ વરસ્યું છે! ઉપરાંત ‘આવે આવે ને જાય રે મેહુલિયો’ પ્રહ્લાદ પારેખ, ‘વર્ષાની રૂમઝૂમની રાત’ ઉમાશંકર જોશી, ‘આવે મેહુલિયો!’ અવિનાશ વ્યાસ, ‘અઢી અક્ષરનું ચોમાસું’ ભગવતીકુમાર શર્મા, ‘વરસાદ! તારા નામ પર’ વેણીભાઈ પુરોહિત, ‘પહેલે વરસાદે રાજ’ નીતા રામૈયા ઈ. જેવાં અહીં સંપાદિત સર્વે ગીતોમાં બધા જ ગીતકારો પાસેથી જુદી જુદી રીતે, જુદા જુદા નિમિત્તે વરસાદનો મહિમા ગાતાં વર્ષાગીતો સાંપડ્યાં છે. સમગ્રતયા આ ગીતોમાં કવિએ વરસાદને અનેક પરંપરાગત અને આધુનિક સંદર્ભો સાથે સરખાવીને વહાવ્યો છે. નોખી-અનોખી અભિવ્યક્તિ સમગ્ર કાવ્યોમાં જોઈ શકાય છે. અત્રે, ધીરુ પરીખ સંપાદિત ‘આપણાં ઋતુકાવ્યો (મધ્યકાળથી અર્વાચીનકાળ)’નું પણ સ્મરણ થઈ આવે છે. ખૂબ સરસ અને એક આગવા દૃષ્ટિકોણથી સંપાદિત થયેલું આ સંપાદન પણ, ગુજરાતી કવિતાસાહિત્યનાં સંપાદનોમાં એક આગવી મુદ્રા ઊભી કરે છે. તો ૫૧ ગીતોમાં વરસતા વરસાદનું આ સંપાદન પણ, ગુજરાતી કાવ્ય સંપાદનોમાં નોખી ભાત પાડે છે. શ્રી સંજ્ય મકવાણાનો આ પ્રયત્ન ચોક્કસથી સર્વે ભાવકોને ‘શ્રેષ્ઠ વર્ષાગીતો’થી ભીંજવશે એમાં બે મત નહીં. ગીતોને પસંદ કરવાની સૂઝ એક અચ્છા સંપાદકની દૃષ્ટિને છતી કરી જાય છે. ‘વરસાદની મનમોહકતા’ નામે પ્રસ્તાવના પણ મનમોહક બની છે. ને, સાથે સાથે સંપાદનને અંતે અપાયેલ ‘ટિપ્પણી’માં દરેક ગીતોનો રસાસ્વાદ અભ્યાસ પણ સરસ અભ્યાસી લેખ બની રહ્યો છે. પણ! એ ચોક્કસ કહેવું ઘટે કે, જો આ સમગ્ર ગીતોને એક ઐતિહાસિક ક્રમમાં મૂકી શકાયાં હોત તો સોનામાં સુગંધ..… શ્રી સંજય મકવાણા પાસેથી આવાં સમૃદ્ધ અને નવીનતમ વિષયોને લગતાં સંપાદનો મળી રહે એવી આશા..

(‘અધીત : સાડત્રીસ’)